બાળ કાવ્ય સંપદા/પતંગિયું

Revision as of 16:26, 20 February 2025 by Meghdhanu (talk | contribs)
પતંગિયું

લેખક : જગતમિત્ર
(1946)

ચંપાની ડાળીએ ઝૂલે પતંગિયું,
મહેકાય જાણે ફૂલે પતંગિયું.

ડાળીએ ડાળીએ ઊડે પતંગિયું,
ઝૂલે મોતીભર્યા ડૂંડે પતંગિયું.

રૂમઝૂમ કરતું આવે પતંગિયું,
મસ્તી-ઉમંગને લાવે પતંગિયું.

ઝાડવાં દેખી ખીલે પતંગિયું,
રંગની છોળો ઝીલે પતંગિયું.

દિલ સહુનાં ડોલાવે પતંગિયું,
બાગમાં ઝટ બોલાવે પતંગિયું.

સંગે સૂરજની જાગે પતંગિયું,
રંગ ટપકાં શું લાગે પતંગિયું.

ફૂલને તો ઢંઢોળે પતંગિયું,
કોણ જાણે શું ખોળે પતંગિયું ?!