સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – શિરીષ પંચાલ/બહુવચન (કરમશી પીર)

Revision as of 07:17, 3 August 2025 by Meghdhanu (talk | contribs) (+1)


સમીક્ષા
(૧૧) બહુવચન (કરમશી પીર)

અહીં ગ્રંથસ્થ ઓગણત્રીસ અનુવાદોનો સંચય અનેક દૃષ્ટિએ સમૃદ્ધ, ભાતીગળ છે. એની અનુક્રમણિકા જોવાથી પણ પ્રતીતિ થશે કે આ અનુવાદોમાં ઊંડા ઊતરવા માટે, માત્ર ઊંડા ઊતરવા માટે જ નહીં પણ એમાંથી પસાર થવા માટે ખાસ્સા અભ્યાસ અને પુરુષાર્થનો ખપ પડે; જો ગુજરાતમાં એ અભ્યાસ અને પુરુષાર્થ ઓછાં હોય તો આનું સેવન બહુ મર્યાદિત રહી જશે. અનુવાદક અને પ્રકાશકને આ વાતની જાણ છે જ અને છતાં આ સાહસ આદર્યું છે. એક રીતે જોઈએ તો આ વિવિધ ક્ષેત્રોના શકવર્તી નિબંધોના અનુવાદો છે. સામાન્ય રીતે અનુવાદસંચયો કોઈ એક લેખકના, એક વિષયના કે કોઈ એક કૃતિના થતા હોય છે, પરંતુ આ અનુવાદો એ પ્રકારના નથી. અહીં સર્જનાત્મક, વિવેચનાત્મક અને ચિંતનાત્મક લેખોના અનુવાદો છે, વળી આ કોઈ સંસ્થા દ્વારા ચીંધાયેલું કામ નથી. અનુવાદકે દાયકાઓથી પોતાને રુચ્યા હોય એવા અનુવાદો ધર્યા છે. અહીં અનુવાદસંચયની વાત અનુવાદ તરીકે કરી નથી, મૂળનાં એ બધાં લખાણો હાથવગાં કરવાનું કામ મુશ્કેલ, બંગાળી જેવી ભાષા આવડે નહીં, એટલે આ અનુવાદો આપણા સંવેદનાજગતને વિચારજગતને, ચિંતનજગતને કેવી રીતે સ્પર્શે છે, કેવી રીતે સમૃદ્ધ કરે છે એની એક અલપઝલપ ઝાંખી કરાવવાનો યત્ન છે. આ સંચયમાં કુલ ૨૯ લેખોના અનુવાદ છે, છેલ્લે બાબુ સુથારનો નિબંધ ‘અનુવાદકો અને અનુવાદકોનું ઋણ’ જોડવામાં આવ્યો છે. પાંચ લેખ બંગાળી ભાષીઓના છે, બાકીના અંગ્રેજીમાંથી અનૂદિત છે, બધા કંઈ મૂળ અંગ્રેજીમાં લખાયેલા નથી, એને લગતી બધી વિગતો અનુવાદની સાથે આપવામાં આવી છે. નવ લેખ સર્જકકેન્દ્રી છે, સાત લેખ સાહિત્ય વિવેચન/કળા વિવેચનને લગતા છે અને તેર લેખ ચિંતનાત્મક છે, બીજી રીતે જોતાં નવ નિબંધ ભારતીયોને આવરી લે છે અને બાકીના વિદેશીઓને આવરી લે છે. આમાંના મોટા ભાગના અનુવાદો વાચકો પાસે વિશિષ્ટ પ્રકારની રાજ્જતા માગે છે, ચન્દ્રકાન્ત ટોપીવાળા, સિતાંશુ યશશ્ચન્દ્ર, રસિક શાહ, વગેરેના નિબંધોનો જો પરિચય ન હોય તો આ અનુવાદોનું વાચન ખાસ્સી મુશ્કેલીઓ ઊભી કરશે. આ અનુવાદોની ભાષામાં દુર્બોધતા નથી પરંતુ એ નિબંધોના વિચારપ્રવાહોથી આપણા વાચકો ખાસ પરિચિત નથી. આરંભે જે નિબંધો સાહિત્યેતર વિદ્યાશાખાઓ સાથે સંકળાયેલા નથી તેમની વાત કરીએ. આ નિબંધો માત્ર સાહિત્યની દીક્ષા લઈને બેઠેલા વાચકો બહુ સારી રીતે માણી શકે એ પ્રકારના છે. રવીન્દ્રનાથ ઠાકુરના ‘એક પત્ર’નો અનુવાદ છે તો અંગ્રેજીમાંથી, પણ જાણે મૂળ બંગાળીમાંથી થયો ન હોય એમ લાગે છે. એક નાનકડા પત્રમાં સર્જનપ્રક્રિયાનાં કેટલાં બધાં રહસ્યો અહીં પ્રગટ થયાં છે! કળાકારના કર્તવ્યને લગતી વાત જુઓ : ‘એણે (કળાકારે) દૃષ્ટિવિહીનોની બહુજન સંખ્યાને, આ દૃશ્યમાન મૂર્તજગતના પોતે કરેલા અવ્યવહિત દર્શનના સહભાગી બનાવવાના એને ફાળે આવેલા કર્તવ્યનો પડકાર ઝીલી લઈ પ્રતિસાદ પાડવાનો છે.’ (૯) ભારતીય કળાવિચારણામાં આનંદ કુમારસ્વામીનું નામ બહુ મોટું છે, ગુજરાતી સાહિત્યવિવેચને આ ચિંતક વિશે વધારે જાણવું જોઈતું હતું. અહીં જે નિબંધ (રવીન્દ્રનાથ ટાગોરની ચિત્રકૃતિઓ)નો અનુવાદ કરવામાં આવ્યો છે, તે આનંદ કુમારસ્વામીનો ઉત્તમ નિબંધ નથી, છતાં આ ચિંતકની કળાવિભાવના તો પ્રગટ થાય છે જ, સાથે સાથે જ સાંપ્રત કળા વિશેનાં આકરાં ટીકાટિપ્પણ પણ જોવા મળશે. ‘વળી હમણાં હમણાં દોરવાની અણઆવડત ધરાવવામાં ગૌરવ લેનારો એક આખો સંપ્રદાય ઊભો થયો છે.’ (૧૩) વળી અંગ્રેજ કવિ/ચિત્રકાર વિલિયમ બ્લેઇક સાથે રવીન્દ્રનાથની તુલના કરી શકાય એવું સૂચન કરવામાં આવ્યું છે. ‘વૃક્ષો ચીતરવામાં કદી પશ્ચિમી રીત નહીં અપનાવવી’નું સૂચન કરનારા ગુરુ નંદલાલ બસુને વ્યાપક રીતે અનુસરનારા સત્યજિત રાયનો ‘ભારેલો અગિગ્ન’ નિબંધ માત્ર સિનેમારસિકો માટે નથી, તેમને જાપાનીઓ પ્રત્યે અહોભાવ છે. પશ્ચિમી સંપર્કો ધરાવતા આ કળાકારોએ પોતાની પ્રાદેશિકતાને વિલક્ષણ ગરિમા અર્પી છે, ફિલ્મસર્જકનાં મૂળિયાં તો મજબૂત હોય, ને જીવતીજાગતી સંસ્કાર પરંપરામાં રહેલાં હોય તો બાહ્ય પ્રભાવો આપમેળે નબળા પડી નિઃશેષ થઈ જાય છે અને તળભૂમિની શૈલી આકાર ધારણ કરી લે છે.’ (૨૬) કેટલીક વખત આપણા ભારતીય સર્જકો વિદેશી ભાવકોને ધ્યાનમાં રાખીને સર્જન કરતા હોય છે, પરંતુ સત્યજિત રાયની સામે બંગાળી પ્રેક્ષકો છે, વળી દુર્બોધતાથી પોતાની જાતને દૂર ‘રાખી છે.’ સાચું કહું તો જીવનના આ તબક્કે પહોંચ્યા પછી કોઈ પણ રીતે જટિલ કે સંકુલ બનવા હું ઇચ્છતો નથી…. કેવળ રસિકજનને સંતોષી શકે એવી ફિલ્મ બનાવવી એવા ભ્રમમાં રહી શકાય નહીં. સત્યજિત રાય સાદગીપૂર્ણ જીવનના આગ્રહી, ‘નહીં મેળવીને પણ, જુદા પ્રકારનું જીવન જીવી શકાય છે.’ સમકાલીન સાહિત્ય તેમને આનંદ આપતું નથી, પૂજા અંકની વાર્તાઓ વાંચી શકાય એવી નથી. પ્રેક્ષકોનું રુચિઘડતર કરવા માટે આક્રોશ, ભવની ભવાઈ, મિર્ચ મસાલા જેવી ફિલ્મોનું નિર્માણ થવું જોઈએ. કળાવિવેચનનો એક ઉત્તમ નમૂનો નીલિમા શેખે ‘અમૃતા શેરગિલ : એનો વારસો’ નિબંધ દ્વારા પૂરો પાડ્યો છે. ગુજરાતી ભાષામાં લખતા સૌ કોઈ સાહિત્યકારોને સર્જનપ્રક્રિયાનાં રહસ્યો જાણવા મળશે. અમૃતા શેરગિલના સર્જનને નવી રસજ્ઞતાથી જોયું છે, યોગ્ય પરિપ્રેક્ષ્ય ઊભો થઈ શક્યો છે. કળાકારની વર્ણનશૈલી, આલેખનપદ્ધતિનાં અનેક રહસ્યકેન્દ્રો ઉઘાડાં થયાં છે. આ લેખ પરથી જાણવા મળશે કે સર્જકે કેટકેટલી પરંપરાઓ આત્મસાત્ કરવી પડતી હોય છે. અમૃતા શેરગિલ તો માનતાં હતાં કે અજંટાનું એક ભીંતચિત્ર સમગ્ર રેનેસાં કરતાં વધુ મૂલ્યવાન છે. અને છતાં એક બીજી મહત્ત્વની, આપણા માટે તો ખાસ મહત્ત્વની વાત કળાકારે કરી છે. ‘આધુનિક કળાના પરિચય થકી જ હું ભારતીય ચિત્રકળા અને શિલ્પનું આકલન કરવા અને આસ્વાદ માણવા સમર્થ બની છું.’ ચિત્રકળા વિશે (અથવા તો કોઈ પણ કળા વિશે) બહુ ઓછા લેખો આ કક્ષાના જોવા મળશે. સર્જકતા અને ભાવકતાની અનેકવિધ વિશિષ્ટતાઓ, વિશ્વની ઘણીબધી કળાઓનો પરિચય, સાંપ્રત ભારતીય દૃશ્યકળાઓનો ઊંડો અભ્યાસ: આનો ઉત્તમ વિનિયોગ આ નિબંધમાં જોવા મળશે. ‘પચરંગીપણાની તરફેણમાં’ નિબંધમાં ઓક્તાવિયો પાઝ કહે છે કે પ્રાફ-કોલંબિયન કળાને કવિની આંખે જોવાનું મેં નક્કી કર્યું હતું. આ કવિનું ‘ચીલ્ડ્રન ઑવુ માયર’ પુસ્તક ગુજરાતી સાહિત્યજગતમાં એક કાળે માનીતું હતું. પાઝની રચનાઓમાં કેવા કેવા પ્રકારની પરંપરાઓ હતી, સંસ્કારપરંપરાઓની પણ ભાતીગળતા હતી પરંપરાગત લોકકળાઓ, દૃશ્યકળાઓ, સાંપ્રત સાહિત્ય અને સાંપ્રત જગત – આ બધા સાથે કેવો સંબંધ સાહિત્યકારે રાખવો જોઈએ એની જાણ આ નિબંધ કરાવે છે. આ કવિને સમકાલીન કળા વંધ્ય લાગી છે પણ તેનું કારણ આ આપ્યું છે. ‘કળાની માર્કેટ. કળાજગતમાં નૈતિક શિથિલતા અને અમાનવીય પ્રભાવ પ્રવર્તાવવાનું કામ આ માર્કેટે કર્યું છે. હદ બહારની જાહેરાત દ્વારા કળા અને કળાકારોને ફુગ્ગાની જેમ ફુલાવવાનું કામ તે કરે છે અને આખરે તે ફુગ્ગા ફોડી નાખે છે.’ (૭૮) પાઝની દૃષ્ટિએ કળાકાર અને આશ્રયદાતાઓ વચ્ચેના સંબંધોનો અંત વીસમી સદીથી આવ્યો. તેઓ પાબ્લો પિકાસોની મહાનતાનું કારણ આમ આપે છે. પાબ્લો પિકાસો વાસ્તવિકતાનો વ્યતિક્રમ કરી આપવામાં સૌથી સફળ રહ્યો. તો સાથોસાથ પોતાના યુગની વાસ્તવિકતાનું આલેખન પણ એણે ગજબની ચોકસાઈથી કર્યું. અતુલ ડોડિયા વિશે કમલા કપૂર અને કૃમિઓ નાન્જોના બે નિબંધ છે. બંને નિબંધોમાં વિષયવસ્તુઓની રજૂઆત, અનેકવિધ ટેકનિકો ઉપરનું પ્રભુત્વ કેવું છે તેની ચર્ચા છે, સાથે સાથે વાસ્તવિકતા સાથેનો સંવાદ આ ચિત્રકાર કેવી રીતે કરે છે તે પણ છે. વળી અહીં નખશિખ ભારતીયતા કેવી છે તે દર્શાવવામાં આવ્યું છે. ‘ધ ફાઉન્ટેન’ નામની કૃતિથી થોડા વિવાદાસ્પદ બનેલા માર્સેલ દુશાં વિશે નાનકડો નિબંધ ઓકતાવિયો પાઝનો છે. તેમાં આજે વધુ જાણીતો બનેલો ભાવકનિષ્ઠ અભિગમ આ ચિત્રકારમાં જોવા મળશે. દર્શક જ ચિત્રકૃતિની રચના કરતો હોય છે. પાઝ આ મંતવ્ય સાથે સંમત થતા નથી. એમની અસંમતિ ગુજરાતી સાહિત્યવિવેચનમાંથી પસાર થનાર સારી રીતે સમજી શકશે. પાઝ માને છે કે કલાકૃતિ વિના ભાવક પુનર્સર્જન કરી જ ન શકે. સુરેશ જોષી વિશે પ્રા. બિરજે પાટીલના લેખથી અને તેમાં નિર્દેશિત વિચારોથી ગુજરાતી વાચક સારી રીતે માહિતગાર છે. આ અનુવાદસંચયનો એક વિલક્ષણ નિબંધ ‘ભાગવતપુરાણમાં કલાનિર્મિત અને ધર્મવિચારણા’ છે. ભારતીય પુરાણો વિશેનો આ એક ઉત્તમ નિબંધ છે, એટલું જ નહીં સ્થળ-સમયની સંકુલતાઓની ચર્ચા લાંબી લેખણે હોવા છતાં એ પુનરાવર્તન, શુષ્કતામાંથી ઊગરી ગયેલો છે. ભારતીય માનસને ખાસ્સું આત્મસાત્ કરવામાં આવ્યું છે, કથાનકના કળાઘાટ દ્વારા ધાર્મિક માન્યતાઓને અહીં પુષ્ટિ આપવામાં આવી છે તથા બહુશ્રુતિ મનોવિશ્લેષણાત્મક ચોકઠાનો આધાર અહીં શોધવામાં આવ્યો નથી. વળી ગુજરાતીમાં અનુવાદ થયેલા ભાગવતની મદદ લેવામાં આવી છે. ડી.એફ. પોકોકની દૃષ્ટિએ આ કથા ભાંતિને વાસ્તવ માની લેવાના સામર્થ્યની કથા છે. ભાગવતની રૂપરચના આ રીતે ઉકેલવાનો આ એક અસામાન્ય પુરુષાર્થ છે, લેખકે આત્મસાત્ કરેલું ભક્તિમાર્ગી જ્ઞાનમાર્ગી પરંપરાઓનું જ્ઞાન ડગલે ને પગલે વ્યક્ત થાય છે. એક વિવેચનલેખ તૈયાર કરવા માટે કેટલું વાચન જરૂરી છે તે પણ જોવા-જાણવા મળે છે. પદાર્થજગત, મનુષ્યજગત, પ્રાણીજગત, પ્રકૃતિ ઉપરાંત સ્થળ/સમયનાં પરિમાણો કેવી રીતે વાસ્તવ આભાસ, ભ્રમણામાં રૂપાંતરિત થાય છે તેની ચર્ચા કથાસાહિત્વના અભ્યાસીઓને અતિસમૃદ્ધ લાગશે. ભાગવતના વિવિધ સ્કંધોનું સંકલનાસૂત્ર કેવી રીતે ઉપસાવવામાં આવ્યું છે તેની ચર્ચા અત્યંત વિશદતાથી કરવામાં આવી છે. મેલિઝોના નામથી ફાર્બસ સભા ત્રૈમાસિકના વાચકો અજાણ નથી. ઇતિહાસનો આધાર લઈને મુસ્લિમ ભક્તિમાર્ગી સાહિત્ય વિશે વાત માંડી છે. આ અનુવાદસંચયમાં સર્જનાત્મક કૃતિઓ નથી. પરંતુ પરિતોષ સેનનો ‘અર્જુન’ નિબંધ અપવાદ છે. સર્જનાત્મકતાની કેટલી બધી સીમાઓની અહીં ઝાંખી થાય છે. કેટલા બધા મોટા વનસ્પતિ પરિવાર સાથેની આત્મીયતા વરતાય છે. વળી તડકાના જુદા જુદા રંગોમાં અર્જુન (ગામડામાં આ વૃક્ષ સાદડ તરીકે ઓળખાય છે)ની બદલાતી શોભા આલેખાઈ છે. દૂર દૂરની સંસ્કૃતિઓનો પરિચય, સંગીત-નૃત્ય જેવી પ્રસ્તુતિપ્રધાન કળાઓના સન્દર્ભો, પંખીઓ-વાનરો વચ્ચેનાં અદ્ભુત યુદ્ધવર્ણનો, પંચેન્દ્રિયોથી ભરેલાં કલ્પનો, સર્વસામાન્ય વલણ નૈતિક હોવા છતાં એનો ન વરતાતો ભાર આપણને મંત્રમુગ્ધ કરી દે છે. ગુજરાતીમાં આવા નિબંધ ભાગ્યે જ જોવા મળશે. હવે જે નિબંધોની વિચારણાઓ મોટા ભાગના વાચકોને અપરિચિત/અલ્પ પરિચિત છે તેનું વિહંગાવલોકન કરીએ. દ ક્વેન્તેએ કલોદ લેવી સ્ટ્રોસની લીધેલી મુલાકાત અનેક રીતે મહત્ત્વની છે. ગુજરાતીમાં નૃવંશવિદ્યા/નૃવંશવિજ્ઞાન જેવી પરિભાષા પહેલવહેલી ગોવર્ધનરામ ત્રિપાઠીએ ‘ક્લાસિકલ પોએટ્સ ઑવ ગુજરાત’માં પ્રયોજી હતી તે સહજ જાણ ખાતર. નૃવંશવિજ્ઞાની હોવાને નાતે તેઓ આદિવાસી પ્રજા અને આધુનિક પ્રજાની જીવનશૈલીની તુલના કરે છે, અને તેઓ કરુણ સૂરે કહે છે, માનવીનું આજનું જંગલીરૂપ ક્યારેય નહોતું. (૧૪૬) અહીં આધુનિક માનવીએ સાધેલી પ્રગતિની આકરામાં આકરી ટીકા છે. (૧૪૬) ઉપરાંત આપણને અચરજ થાય એ રીતે કહ્યું છે કે લેખનને કારણે ‘માનવી પોતાના સાથી માનવીઓનું શોષણ કરતા શીખ્યો’ (૧૪૬-૧૪૭) ભારતીય વર્ણવ્યવસ્થાને આજે આપણે સંદેહભરી નજરે જોઈએ છીએ પણ ‘ભારત પોતાના અતિશય વિરાટ સમાજને અંકુશમાં રાખવા પ્રાચીન સમયથી વર્ણવ્યવસ્થા શોધી કાઢી. આપણા વંશજો પણ કદાચ એવી કશીક શોધમાં લાગી જાય. વર્ણવ્યવસ્થા એટલે વિશાળ જનસંખ્યાને વિવિધતામાં પલટી નાખવાનો સમાધાનભર્યો માર્ગ’ (૧૪૭) સમગ્ર જગતની વિવિધ મીમાંસાપદ્ધતિઓમાં બૌદ્ધ દર્શન લેખકને વધુ સ્પર્યું છે અને તેનું મુખ્ય કારણ આ તત્ત્વજ્ઞાન. યુર્ગેન હાબર્માસનો નિબંધ આધુનિકતાના પ્રશ્નો ચર્ચે છે. સામાન્ય રીતે આપણે માલ્કમ બેડબરીના સંપાદન ‘મોડર્નિઝમ’થી પરિચિત છીએ. પણ આ વિશે પ્રવર્તેલી નવી વિચારણાઓથી પરિચિત રહેવા માટે આવા નિબંધો ખૂબ ઉપયોગી પુરવાર થશે. અહીં એક બેલ્લ નામના ચિંતકને ટાંકવામાં આવ્યા છે. તેઓ માને છે કે ધર્મગત પુનરોદ્ધાર થવો જોઈએ. ધર્મગત આસ્થા અને પરંપરામાંની આસ્થા—બેમાંથી એક ગાંઠે બંધાવી જોઈએ. હાબર્માસ રાત્રિશાળાઓમાં સૌંદર્યશાસ્ત્રની તાલીમ લઈને પોતાની રુચિના સીમાડાઓ કેવી રીતે વિસ્તાર્યા તેની વાત કરે છે. આ ચિંતકની જેમ હાડિગર પણ માને છે કે ધર્મવિદ્યાશાસ્ત્ર વિના ચિંતન શક્ય નથી. બીજી બાજુએ પૂર્વ એશિયાઈ દેશો યુરોપીય વિભાવનાઓને પામવા તેમની પૂંઠે પડે એ શું જરૂરી અને વાજબી છે ખરું? (જિજ્ઞાસુઓએ જુનિશિરો તાનીઝાકીનો નિબંધ ‘છાયાની માયા’ વાંચવો, ‘વિદેશિની’ની નવી ગ્રંથસ્થ આવૃત્તિમાં તે જોવા મળશે. અહીં આપણને એ પણ કહેવામાં આવે છે કે ‘માણસ અને પૃથ્વીનું થઈ રહેલું યુરોપીકરણ મૂળગત પ્રકૃતિના સ્રોત પર કઈ રીતે આક્રમણ કરી રહ્યું છે તે આપણે જોઈ શકતા નથી એવું લાગે છે કે આ સ્રોત સુકાઈ જવાના છે.’ (૧૭૮) હેરલ્ડ પિન્ટરનો નિબંધ આમ તો નોબેલ પારિતોષિકના સ્વીકારપ્રસંગનું પ્રવચન છે પરંતુ ઘણી બધી રીતે તો આવાં પ્રવચનોથી જુદું પડી જાય છે. બીજા વિશ્વયુદ્ધ પ્રસંગે અમેરિકાથી ઇટલી પહોંચીને ત્યાંના રેડિયો પરથી અમેરિકાની નીતિવિરુદ્ધ વક્તવ્યો આપનાર એઝરા પાઉન્ડ, વિયેતનામ અંગેની અમેરિકી નીતિરીતિનો વિરોધ કરનાર નોમ ચોમ્સ્કીની પરંપરામાં પિન્ટર પણ છે. પિન્ટર માને છે કે સત્તા ટકાવી રાખવા પ્રજા અજ્ઞાની રહે તે જરૂરી છે, વળી અમેરિકાએ આચરેલા અપરાધોની ચર્ચા થવી જોઈએ. સાલ્વાડોરમાં ૭૫૦૦૦ લોકોને મારી નાખ્યા હતા (૨૨૮), ‘સર્વજન હિતાય નામનો મુખવટો પહેરીને જગતવ્યાપી સત્તા હાંસલ કરવા નૈદાનિક દોરીસંચાર કરીને અમેરિકાએ દુનિયાને નચાવ્યે રાખી છે.’ (૨૨૯) એક સાહિત્યકાર આટલી બધી હદે જઈને સાહિત્યચર્ચા કરવાને બદલે રાજકારણની ચર્ચા કરે એ આપણને—તત્ત્વસમવૃત્તિ ધરાવીને, અધર્મને ધર્મ માનીને-મનાવીને બેસી રહેનારાઓને- પુનર્વિચાર કરવાની ફરજ પાડશે? કરમશી પીર રૂઢ અર્થમાં સાહિત્યચિંતક/વિવેચક નથી. હરિવલ્લભ ભાયાણી, સુરેશ જોષી, રસિક શાહની પરંપરામાં રહીને તેમણે વિચારનું ભાથું આપણને સંપડાવી આપ્યું છે. એક રીતે જોવા જઈએ તો આ આખોય ઉપક્રમ અભૂતપૂર્વ છે. જુદા જુદા સમયે વાંચેલા અનુવાદોનું મહત્ત્વ શું છે તે એકસાથે આમાંથી પસાર થનાર વરતી શકશે. વળી આ અનુવાદો અત્યંત વિશદતાથી કરવામાં આવ્યા છે—આપણને લાગશે કે મૂળ તત્ત્વને કરમશી પીરે બરાબરનું આત્મસાત્ કર્યું છે. અને એ રીતે જોઈશું તો કેટલી બધી વિદ્યાશાખાઓને અહીં આવરી લેવામાં આવી છે. આ નિબંધોનું ફરી ફરી વાચન કરવાથી જ તેમના હાર્દમાં ઊતરી શકાશે. આ સંચયને અંતે અનુવાદના પ્રશ્નો વિશે, કરમશી પીરે કરેલા અનુવાદો વિશે કેટલાક મૂળભૂત પ્રશ્નોને સારી રીતે વાચા બાબુ સુથારે આપી છે. આ અનુવાદસંચયનું નિર્માણ એટલું જ પ્રભાવશાળી છે, અતુલ ડોડિયા અને નૌશિલ મહેતાએ કરેલી મુદ્રણસજ્જા પુસ્તકને જુદો જ ઓપ આપે છે. આ ગ્રંન્થની બીજી આવૃત્તિ (ક્યારે? ન જાને!) જરા જુદી રીતે કરવાની રહેશે. હેમંત દવે / હર્ષવર્ધન ત્રિવેદી જેવાને એ કામગીરી સોંપી શકાય. જેવી રીતે નોર્ટન એન્થોલૉજીમાં દરેક નિબંધના આરંભે એક નાનકડો આમુખ છે અને પાદટીપોમાં વિશેષ સમજૂતીઓ છે તેવું અહીં થાય તો સમૃદ્ધિ ઓર વધશે. ફરી એક વાર અનુવાદક-પ્રકાશકને આ સંચય માટે જેટલાં અભિનંદન આપીએ એટલાં ઓછાં. દર મહિને બબ્બે અનુવાદો ફરી ફરી વાંચતા રહીને આપણે વૈચારિક આબોહવાને વધુ રળિયાત કરી શકીશું.

‘પ્રત્યક્ષ’ ૨૦૧૩ (૧)