અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`પતીલ'/સદ્ ભાવના

Revision as of 15:47, 21 September 2021 by Atulraval (talk | contribs)


સદ્ભાવના

પતીલ

ના મારે તુજ ભેટ બક્ષિસ ન વા તારી કૃપા જોઈએ;
છું એવો નહિ રંક કે અવરની મારે કૃપા જોઈએ.
આવ્યો છું લઈ નગ્દ હાથ, કરવા સોદો મને ભાવતો,
થા મારી, જન આ નિખાલસ તણી જો ચાહના જોઈએ.

જો તું દાન કરે મને, ભગવતી! દે દાન હૈયા તણું —
હૈયું સાફ પરંતુ કાચ સરખું તે હોવું, હા જોઈએ!
જેમાં જોઈ શકું મુહબ્બત તણી તસવીર ફેંકાયલી;
રાજા, ચોર લિયે હરી નહિ નહીં એવી મતા જોઈએ.

આપે તો ગુજરાન આપ મુજને, મારી લઈ ખાતરી,
થોડા આપ દિનો વળી સુખ તણા — ના વાસના જોઈએ.
તે મારી નથી માગણી તુજ કને, સંકોચ જેનો તને
ઝાઝું જો તુજ પાસ હોય નહિ તો સદ્ભાવના જોઈએ.

(પ્રભાતનર્મદા, ૧૯૪૦, પૃ. ૩૫)



આસ્વાદ: સદ્ભાવના કાવ્ય વિશે – મનસુખલાલ ઝવેરી

નાજી, મારે નથી જોઈતું કશું પણ ભેટ કે સોગાદ રૂપે ને નથી જોઈતી મારી કૃપા. હું તાલેવર ન હોઉં તો કંઈ નહિ, પણ હું એવો મુફલિસ કે ગરીબ પણ નથી કે બીજાની દયા પર નભવા ચાહું. નથી મારે દયાદાન રૂપે કશું જોઈતું કે નથી જોઈતું ઉધાર. હું તો આવ્યો છું ખણખણતા કલદાર લઈને, મને જચી જાય તેવી વસ્તુનો સોદો કરવાને, મારી પાસે છે પ્રતિભા, સોએ સો ટચના સોના જેવી કવિત્વશક્તિ. અને તે લઈને હું આવ્યો છું તને મારી બનાવવાને, જો તારું મન માને તો. મારું દિલ છે નિખાલસ, નિર્ભેળ કવિનું. હું તને ચાહું, મન, વચન અને કર્મથી હું તારો જ બની રહું ને તમે જ મારા જીવનના કેન્દ્રસ્થાને રાખું એ જો તને જોઈતું હોય તો થઈ જા મારી, ઓતપ્રોત થઈ જા મારામાં.

તું તો છે વાગીશ્વરી, निःशेष जाडयापहा ભગવતી સરસ્વતી, મારી શક્તિ અને સાધના, નિષ્ઠા અને સહૃદયતાથી પ્રસન્ન થઈને તું મને વરદાન આપવા પણ કદાચ પ્રેરાય, તો વર રૂપે હું માગું છું તારું હૈયું, તું હૃદયપૂર્વક મારી થા તે. શરત માત્ર એટલી કે એ હૈયું કાચ જેવું, દર્પણ જેવું સ્વચ્છ અને નિર્મળ હોય, ને તેમાં મારો પ્રેમ સાંગોપાંગ ઝિલાયો હોય. જેવો મારો પ્રેમ છે તારા પ્રત્યે તેવો જ તારો પ્રેમ હોવો જોઈએ મારા તરફ. તારો આ પ્રેમ એ જ છે મારી મોટામાં મોટી મતા, મારું મોટામાં મોટું દ્રવ્ય. બીજી કોઈ મતા, પૈસોટકો, દરદાગીના કે જરજવાહિર હોય તો રાજા રૂઠે ત્યારે તેને હરી પણ લે કે ગાફેલ રહીએ તો ચોર ચોરી પણ જાય. મારે એવી ક્ષણભંગુર મતા નથી જોઈતી, નથી જ જોઈતી.

તારું નિર્મળ હૃદય મને પૂરેપૂરું આપી દેવા ઉપરાંત પણ જો કશુંક વધારે આપવાને પાત્ર તું મને ગણે તો આપજે મારો દાળ રોટલો આબરૂભેર નીકળે તેટલું, અને તે પણ મારી સેવા સ્વીકારીને, મારે મફત કંઈ પણ નથી જોઈતું, તારી પાસેથી પણ નહિ. તું તો છે માનવનાં શ્રેય અને પ્રેયોની અખંડધાર અમીવર્ષા! ક્યાંય હાથ લંબાવ્યા વિના કે બાપડાબિચારા થયા વિના હું મારું યોગક્ષેમ ચલાવી શકું તેટલું મને આપવા ઉપરાંત પણ તું જો મને કંઈક વિશેષનો અધિકારી ગણે તો આપજે મને થોડાક સુખના દિન, થોડો સમય હું સુખપૂર્વક જીવી શકું તેવી અનુકૂળતા. સ્થૂળ શરીર-વાસનાની તૃપ્તિતન, આંધળા ને અમર્યાદ ભોગવિલાસને, હું સુખ નથી ગણતો. લેશ પણ ચિત્તક્લેશ અનુભવ્યા વિના, બાહ્યાભ્યંતર શાન્તિથી હું થોડો સમય પણ જીવી શકું એવી અનુકૂળતા તું કરી આપે તો તેથી વિશેષ મારે કશું પણ નથી જોઈતું. ને આટલું પણ જોઈએ છે, જો આપતાં તને સંકોચ ન થતો હોય તો જ. મારી આ માગણી વધારે પડતી છે એમ તને લાગતું હોય કે તારી પાસે મને આપવા યોગ્ય કંઈક વિશેષ હોય નહિ, તો કંઈ નહિ, તું મારા પ્રત્યે સદ્ભાવના રાખશે તો પણ ઘણું છે.

(‘આપણો કવિતા-વૈભવ’)