વત્સલનાં નયનો અને બીજા વિવેચનલેખો/કત અજાનારે
કત અજાનારે જાનાઈ લે તુમિ, કત ઘરે દિલે ઠાંઈ -
દૂર કે કરિલે નિકટ, બંધુ, પરકે કરિલે ભાઈ.
-રવીન્દ્રનાથ
કેટલાંયે અજાણ્યાંને તે ઓળખાવ્યાં, કેટલાંય ઘરમાં તેં મને સ્થાન આપ્યું. તેં દૂરને નિકટનું કર્યું. હે મિત્ર, તેં પારકાને ભાઈ બનાવ્યાં. ૧૯૮૧માં એકૅડેમીના સ્થાપના થઈ ત્યારથી આજ સુધી એકૅડેમી સાથે મારો ઘનિષ્ઠ નાતો રહ્યો છે. આ નિમિત્તે કેટલાંયે અજાણ્યાંનો પરિચય થયો, કેટલાંય હૃદયમાં સ્થાન મળ્યું, કેટલાંયની સાથે મૈત્રી થઈ, કેટલાંયની સાથે આત્મીયતા સ્થપાઈ. જેમની સાથે પહેલાં પરિચય હતો અને પછી વધ્યો, જેમની સાથે મૈત્રી હતી અને ગાઢ બની તેમનો નામોલ્લેખ અહીં નથી કરતો. સૌથી પહેલાં યાદ કરું છું કોલંબસ, ઓહાયોના મિત્રોને. કાવ્ય-સાહિત્યના મારા પઠનને લીધે, રસાસ્વાદ અને વાર્તાલાપોને લીધે, મારી યોગ્યતા કરતાં પણ અનેકગણો પ્રેમ મને મળ્યો છે. પરંતુ ઓહાયોના મિત્રોની વાત જ અનેરી. હરેનભાઈ ને મૃદુલાબહેન, પતિપત્ની અત્યંત પ્રેમાળ. માંડ બે દિવસ કોલંબસ રોકાયા, તેમાં માંડ બેચાર કલાક એમની સાથે ગાળ્યા; છતાં, કોલંબસથી નીકળ્યા ત્યારે મૃદુલાબહેનની આંખમાં આંસુ. યોગેન્દ્રભાઈ અને ચન્દ્રિકાબહેન પતિપત્ની બંને સરળ, વિનમ્ર ને પ્રેમાળ. તેઓ શ્રીમંત નથી, પણ ઉદાર જરૂર છે. નિરંજન ભગતનો એરફેર આપવાની સામે ચાલીને એમણે કરેલી ઑફર - આવા અનુભવો ઝાઝા થયા નથી. મનુભાઈ ભટ્ટનું શું વ્યક્તિત્વ, શો ઉમંગ, શો ઉત્સાહ! મેઘાણીના મારા વાર્તાલાપથી એટલા પ્રસન્ન કે મને ભેટી પડીને કહે કે આના બદલામાં હું શું કરી શકું? અને સ્મિતાબહેન? મનુભાઈના શબ્દોમાં કહું તો ‘કોલંબસનું રત્ન.’ વિદ્યાસંપન્નતાનો અને વિનમ્રતાનો આવો સુમેળ વિરલ. ‘ભોમિયા વિના’નું ગીત એમની પાસેથી જુદી જ સ્વરરચનામાં સાંભળવા મળેલું. મીરાં ભટ્ટ, પંકજ શાહ, આસિત અને બીજા અનેક મિત્રોનો સ્નેહ અમને કોલંબસમાં સાંપડ્યો. ગાઢ અને કાયમનો સ્નેહસંબંધ થયો લોસ એન્જલસમાં વિક્રમભાઈ અને અંજનાબહેન કામદાર સાથે. સંસ્કારિતા અને સુરુચિનો આદર્શ નમૂનો. ફોનમૈત્રી પછી તો પ્રત્યક્ષમૈત્રીમાં પરિણમી. સાન ફ્રાન્સિસ્કોમાં મહેન્દ્રભાઈ અને મીરાંબહેન મહેતા સાથેની ફોન મૈત્રી પ્રત્યક્ષ પરિચયમાં પરિણમી. સાન ફ્રાન્સિસ્કોથી ફોન કરીને એકૅડેમીના અવારનવાર ખબરઅંતર પૂછનાર અને આપણા અતિથિનું ઉમદા સ્વાગત કરનાર દંપતી. આવું જ અપાર સૌજન્ય સાનફ્રાન્સિસ્કોના દંપતી ગિરધરભાઈ અને ભાનુબેન વાંદરાનું. એમની મહેમાનગતિની તોલે તો કોઈ ન આવે. એકૅડેમીના એકેએક મહેમાનને સાનફ્રાન્સિસ્કોથી ઠેઠ યોસેમીટી નેશનલ પાર્ક લઈ જવા અને જવાઆવવાનો, પાર્કની પ્રવેશ ફીનો, ખાવાપીવાનો બધો જ ખર્ચ ભોગવવો. ભૂલેચૂકે પણ એમણે એકૅડેમીને ક્યારેય ઈન્વોઇસ મોકલ્યું નથી. મારા પ્રયાસને લીધે જ એમની સાથે અંગત મૈત્રી ન કેળવાઈ. હવે બહુ મોડું થઈ ગયું કહેવાય, રામભાઈ? વૉશિંગ્ટનના નટવરભાઈ અને નલિનીબહેન ગાંધીનો પરિચય પણ એકૅડેમીને લીધે જ થયો. નટવરભાઈ જેવા બુદ્ધિધન અને તર્કશુદ્ધ લોકો અત્યંત વિરલ. અમારા સ્વભાવનું એક સામ્ય. મૂર્ખ અને દંભી લોકોને સહન કરવાની નટવરભાઈની અસહિષ્ણુતા મારાથી ક્યાંય ચઢી જાય! નટવરભાઈને ઘરે જયંત પાઠક પરના મારા વાર્તાલાપનું મીઠું સ્મરણ છે. એકૅડેમી જેવી સાહિત્યિક સંસ્થા શરૂ કરવાનો ઉમંગ અને ઉત્સાહ સૌથી વધારે મુ. મણિભાઈ જોષીનો હતો. દર વર્ષે આવતા એકૅડેમીના અતિથિને એરપોર્ટ પર લેવા જવાનો અને પહેલો કાર્યક્રમ એમના ઘરે રાખવાનો અધિકાર મણિભાઈ અને પ્રમોદાબહેનનો હતો. ‘દેશવિદેશ’ના વિશેષાંકોને રૂપરંગથી મઢીને પ્રકટ કરવાનો યશ રોહિત-નંદિનીને ફાળે જાય છે. રંગભૂમિ અને સવિશેષ તો પ્રયોગાત્મક રંગભૂમિમાં પતિપત્નીનો ઊંડો રસ છે. નાટકોનો રસ એ નંદિનીબહેનને એમના પિતાનો વારસો છે. મધુ રાય, જયંતિ પટેલ, ઉત્પલ ભાયાણી, ભૂપેન ખખ્ખર કે સુનીલ કોઠારી - કોઈપણ avant garde કળાકારનો યોગ્ય આદરસત્કાર રોહિત-નંદિનીને ત્યાં થાય જ. શરૂઆતનાં વર્ષોમાં વિદાય સમારંભ નવીનભાઈ ઝારેચા અને દેવીબહેનને ત્યાં થતા. નવીનભાઈ અત્યંત કુશળ ફોટોગ્રાફર અને દેવીબહેનના જલેબી-ફાફડાનો સ્વાદ હજી યે મોંમાં રહી ગયો છે. એકૅડેમી નિમિત્તે નરેન્દ્રભાઈ અને શકુન્તલાબહેન લાખાણીના પરિચયમાં આવવાનું બન્યું. નરેન્દ્રભાઈ, રામ ગઢવીના આગ્રહથી, એકૅડેમીની આગલી Executive Committeeમાં પણ જોડાયા. ક્યારેક કમિટીની મિટિંગોમાં પણ આવતા. લાખાણી ઓડિટોરિયમમાં એકૅડેમીને બે વાર કાર્યક્રમો કરવાનું નિમંત્રણ પણ એમના તરફથી મળેલું. દર્શકના બે વાર્તાલાપો અને મેઘાણીનો કાર્યક્રમ. મેઘાણીનો કાર્યક્રમ રાતના બાર સુધી ચાલેલો, પણ પતિપત્ની બંને ઠેઠ સુધી બેઠેલાં. આજે પણ નરેન્દ્રભાઈ મળે છે ત્યારે મેઘાણીના અને મીરાંના કાર્યક્રમોની મોંફાટ પ્રશંસા કરે છે. મેઘાણીના કાર્યક્રમમાં હૉલ તો મળ્યો, ઉપરથી ખાણીપીણી અને ૨,૫૦૦ ડોલરનું એકૅડેમીને દાન. જિતુભાઈ અને મિતાબહેન મહેતાનો પરિચય પણ એકૅડેમીને લીધે જ થયો. આ વખતની Executive Committeeમાં પણ જિતુભાઈ જોડાયા. એકૅડેમીના અતિથિ માટે, કોઈ કળાકાર માટે… અરે, એકૅડેમીની કમિટીની મિટિંગ માટે, જિતુભાઈનું ‘ઝૂંપડી’નું standing invitation. મિતાબહેન એમના ઘેર જમાઈ તેડ્યા હોય એટલી ધામધૂમથી જમાડે. જિતુભાઈનું ઔદાર્ય બેનમૂન. જિતુભાઈથી દસગણા શ્રીમંત લોકોમાં જિતુભાઈની એક દશાંશ જેટલી ઉદારતા હોત તો માત્ર એકૅડેમી જ નહિ, બીજી ઘણીબધી સામાજિક સંસ્થાઓ તરી જાત. સુરેશ દેસાઈના અપાર સૌજન્યથી જોઈએ ત્યારે મોન્ટક્લેર કૉલેજનો રસ હૉલ એકૅડેમીને કાર્યક્રમો માટે મળ્યો છે. એકૅડેમીના અનેક કાર્યક્રમો રસ હોલમાં થયા છે. એકૅડેમીની ગઈ ચૂંટણી વખતે અમારા ઉપર લીગલ નોટીસ બજાવવામાં આવેલી ત્યારે સુરેશભાઈનું ધીર, શાંત અને મક્કમ વ્યક્તિત્વ અને અંગ્રેજી ભાષા ઉપરનું પ્રભુત્વ એકૅડેમીને ખૂબ ઉપયોગી નીવડેલું. સ્વાતિ ધ્રુ, દર્શના ઝાલા અને દૃષ્ટિ પટેલ, આ ‘તીન કન્યા’નો સ્નેહસંબંધ પણ એકૅડેમી નિમિત્તે જ. સ્વાતિ અને દર્શના ઉત્કૃષ્ટ કક્ષાનાં ગાયક કલાકારો છે. ઉત્તમ કલાકાર હોવા છતાં મિથ્યાભિમાનનો અંશ ન હોવો એ આ બંનેના વ્યક્તિત્વની આગવી લાક્ષણિકતા છે. સ્વાતિમાં વધારે મુગ્ધતા છે. દર્શનામાં વધારે વિદગ્ધતા. દૃષ્ટિ પટેલ હોય નહિ અને ‘દેશવિદેશ’નો આ વિશેષાંક પ્રકટ થાય નહિ. દૃષ્ટિ એના પિતા રઘુવીર ચૌધરીનો વારસો લઈને આવી છે. સાહિત્યપ્રીતિ તો ખરી જ, પણ સત્યપ્રીતિ અને નિષ્ઠા પણ એવાં જ. આ ત્રણેનાં સંપર્ક અને સાન્નિધ્ય આંખને અને મનને ઠારે તેવાં છે. ઉશનસની પંક્તિ મારા કાનમાં ગુંજ્યા કરે છે : ‘મધુર નમણા ચ્હેરાઓનો ભવોભવનો ઋણી’. એકૅડેમીને બીજા અનેક મિત્રોની હૂંફ મળી છે તેની વાત અહીં નથી કરતો. થોડાંક નામો : રામભાઈ ગઢવી (man of crisis, છેલ્લી ઘડીએ યેનકેનપ્રકારે પણ કામ સાધી આપે), ભાનુબહેન ગઢવી (શું આતિથ્ય, ‘તને સ્વર્ગ ભુલાવું શામળા’ જેવી કાયમની મહેમાનગતિ), ચક્ષુ-નિરંજન શાહ, જયુ-દિલીપ પરીખ, કોકિલા- કિશોર પરીખ, જયંત-યોગિની શ્રોફ, નયના-તનિલ સંઘવી, સુરેન્દ્ર-મીનાક્ષી જોષી (આ મિત્રદંપતિઓ વિના અમારા કાર્યક્રમોની નબળી સંખ્યા એથીયે વધારે દુબળી થાત), પ્રવીણ-ઉષા પટેલ અને જ્યોતિ-સુરેશ બારાઈ (એમના વિના ઑડિયો-વિડિયોમાં અમારા કાર્યક્રમો કેવી રીતે સચવાત), ચંન્દ્રકાન્ત ત્રિવેદી અને અરુણ કંથારિયા વિના એકૅડેમીને અમેરિકામાં અને ઈન્ડિયામાં જે પ્રસાર મળ્યો છે તે ન મળત. ચન્દ્રકાન્તભાઈના એકૅડેમીના કાર્યક્રમોના સુંદર ફોટાઓ પણ એમનું મૂલ્યવાન અર્પણ છે. વળી, કૃતજ્ઞતાથી યાદ કરું છું – ભરત-ઉષા શાહ (ભરતભાઈનું બીજું નામ જ વ્યવસ્થાશક્તિ. ભરતભાઈ વગર બંધારણ, bylaws, mailing list કશું નિપજ્યું જ ના હોત), સુમંત-રાજુલા મહેતા (સુમંતભાઈથી વધારે આદર્શ ટ્રેઝરરને કલ્પી નથી શકતો), કિશોર-હંસા દેસાઈ (યુ.એસ.માં સાહિત્ય-સંસ્કારના અજોડ ત્રૈમાસિક ‘ગુર્જરી ડાયજેસ્ટનું એકલા હાથે સંચાલન અને આવા કાર્યમાં શહીદ થવાની વૃત્તિ માન જગવે છે), ગુણવંતી આશર (શું ચડે - સાહિત્યપ્રીતિ, સદ્ભાવ કે સનિષ્ઠા) અને અરુણ-સુધા ભણશાલી (અરુણ એટલે અપાર સૌજન્ય, વિનય અને વિનમ્રતા), આર. પી. ને બિનિતા શાહ (આર. પી. વિના ‘સર્જકો સાથે એક સાંજ’ના કાર્યક્રમોની સફળતા અધૂરી રહેત). ‘દેશવિદેશ’ના આ વિશેષાંકના મુદ્રણ સમયે જેમના પરિચયમાં આવવાનું બન્યું તે ભાઈ રાજેશ પુરોહિતની સાહિત્યપ્રીતિ અને સમજણ, અતિ ટૂંકા ગાળામાં પ્રકાશિત થતા આ અંક માટે ખૂબ લાભદાયી નીવડી. પણ આ સૌમાં ‘એક મૂર્તિ અનેરી’ તે સહધર્મચારિણી સુશીલા. ‘ઈયં ગેહે લક્ષ્મી’ આ ગૃહલક્ષ્મીથી જ શોભા સચવાઈ રહી. મેં તો માત્ર એકૅડેમીની સફળતા-સિદ્ધિનો યશ જ લીધો છે, કામ ખરેખર સુશીલાએ કર્યું છે. મને ત્યાં સુધી કહેવાનું મન થાય છે કે એકૅડેમીના પ્રમુખ-ઉપપ્રમુખ કે કાંઈ પણ (કે કશી કોઈ પણ સંસ્થાના કાર્યકર) થવાનો અભરખો કોઈને હોય તો સુશીલા જેવી સહધર્મચારિણી મળી હોય એણે જ એવું જોખમ ખેડવું!
ન કે નાવ્યાં માર્ગે...
આપણી સંવેદના જરઠ, બધિર અને જડ થઈ ગઈ છે. આપણે સંવેદનશૂન્ય થતા જઈએ છીએ. સભ્યતા અને સંસ્કૃતિ, means of life — જીવનનાં ઉપકરણો અને values of life —જીવનનાં મૂલ્યો વચ્ચેનો વિવેક આપણે ગુમાવી બેઠા છીએ. સંસ્કારી દેખાવાનો ડોળ કરવામાં જ આપણને રસ છે, સંસ્કારી બનવાનો પ્રયત્ન કરવામાં આપણને રસ નથી. આપણું દૈનંદિન જીવન ચીલાચાલુ અને રેઢિયાળ બની ગયું છે. આપણું કોઈ સ્વતંત્ર વ્યક્તિત્વ જ રહ્યું નથી. પ્રિયકાન્ત કહે છે તેમ,
મારા - તમારામાં કશોયે ભેદ ના
કોક છાપાની હજારો પ્રત સમા સૌ આપણે!
આવી સામાજિક પરિસ્થિતિમાં સાહિત્યિક પ્રવૃત્તિઓનું સંચાલન સામે પૂરે તરવા જેવું, ના, રેતીમાં નાવ ચલાવવા જેવું અશક્ય છે. લોકોને સાહિત્યમાં, કળાપ્રવૃત્તિમાં રસ નથી. લોકોને રસ છે ધર્મનાં ઢોંગધતિંગમાં, આચારોમાં અને ક્રિયાકાંડોમાં. ધર્મ અને સંસ્કૃતિને નામે અધર્મ અને વિકૃતિ જ ફૂલીફાલી રહ્યાં છે. લોકોને રસ છે ધંધાદારી સાધુબાવાઓ અને સ્વામીઓ-ગુરુઓનાં પ્રવચનો અને કથાઓમાં -
વ્યાસવેશ્યાની એક જ પેર, વિદ્યાબેટી ઉછેરી ઘેર,
વ્યાસ કથા કરે ને રડે, જે દ્રવ્ય અદકેરું જડે.
લોકોને રસ છે ફિલ્મી અભિનેતાઓ અને અભિનેત્રીઓના ઉરાંગઉટાંગ કૂદકાઓ અને ઉછાળાઓમાં. લોકોને રસ છે ડાંડિયા કૂટવામાં. નવરાત્રિ નવ રાત નથી ચાલતી, નવ અઠવાડિયાં ચાલે છે. વકરેલા પાડાની ઢીંકમાંથી કદાચ ઊગરી શકાય, નવરાત્રિની હડફેટમાંથી ભાગ્યે જ બચી શકાય. લોકોને રસ છે તીન પત્તીમાં, ડ્રિન્ક્સમાં અને પાર્ટીઓમાં. આ ઓથારની નીચે કવિતા બિચારી માથું કેવી રીતે ઊંચું કરી શકે? જે આંગળીને વેઢે ગણી શકાય એવા લોકોમાં થોડીક પણ સંવેદનશીલતા છે, થોડીક પણ સંસ્કારિતા છે, થોડીક પણ અભિરુચિ અને સહૃદયતા છે તે લોકો પણ કુટુંબકબીલા, વરબૈયર અને છૈયાંછોકરાંની જંજાળમાં વ્યસ્ત છે.
દુ:ખી સુણે ના, સુખી ન સમજે
તો બહેતર નહિ ગાવું.
દર્શક, ઉમાશંકર અને મકરંદ, નિરંજન અને હરીન્દ્ર – આવા સમર્થ સાહિત્યકારો આટલો લાંબો પ્રવાસ વેઠીને આવે ત્યારે અહીંના ગુજરાતીઓની ઉદાસીનતા ને ઉપેક્ષા અસહ્ય છે. અમેરિકામાં ગામેગામ ગુજરાતીઓની ઝાઝી વસ્તી છે. એ બધા જ કોઈ ને કોઈ મંડળો, સંસ્થાઓ ચલાવે છે. એમને કોઈને આ મહાન સાહિત્યકારો અને મૂઠી ઊંચેરા માનવીઓમાં કેમ રસ નથી પડતો? આપણી રસેન્દ્રિય જ મરી પરવારી છે કે શું? ‘આપણે જે સર્જ્યું તેનું ગૌરવ કરવાનું જો આપણી પ્રજાને ન આવડે તો સર્જનમાત્રનું કશું મહત્ત્વ રહેશે નહિ. જે પ્રજા પડઘા ઝીલીને સંતોષ માને છે, મૌલિકતાને પારખવા જેટલી સંવેદનશીલ નથી, ઉછીની વસ્તુને આધારે ટકી રહીને સંતોષ માને છે તે પ્રજા મોડી-વહેલી ભૂંસાઈ જવાની છે એટલું નક્કી.’ (સુરેશ જોષી) અને છતાં, સર્જકોનો, સાહિત્યિકોનો, સાહિત્યરસિકોનો, સાહિત્યસંસ્થાઓનો ધર્મ તો એક જ છે.: ઓર્ફિયસની જેમ એણે તો પાછળ કોણ આવે છે તે જોયા વિના વીણા વગાડતાં આગળ વધ્યે જ જવાનું છે. આપણી મૂર્છિત સંવેદનાને કાવ્યના જળની છાલક જ જગાડી શકશે. આપણી મૃત:પ્રાય ચેતનાને કવિતાની સંજીવની જ સંકોરી શકશે. કવિતા જ આપણો ચેતોવિસ્તાર સાધી શકશે. કવિતા જ આપણને વિસ્મયના વિશ્વોની અનુભૂતિ કરાવશે. આવો, આપણે કાવ્યના અલૌકિક પ્રદેશમાં ડગલું ભરવાનું સાહસ કરીએ. કવિતા આપણને આનંદિત કરશે, આલોકિત કરશે. કવિતા આત્માની માતૃભાષા, મૌનનો દેહ મૂર્ત, આસવ અસ્તિત્વનો, સ્વપ્નની ચિર છવિ.
- ↑ (* એકૅડેમીના સક્રિય પદેથી નિવૃત્તિ સમયે)