સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રામનારાયણ વિશ્વનાથ પાઠક/મારું બચાવનામું
નામદાર ન્યાયાધીશ સાહેબ, અને જ્યૂરીના સભ્ય સાહેબો,
કેટલાંક વરસ ઉપર સદ્ગત રમણભાઈનો ‘વગર ગુનાની સજાઓ’ કે એવા કોઈ નામનો લેખ વાંચેલો. તેમાં વાત એવી છે કે એક માણસનો કાગળ સાતેક ઠેકાણે ફરીફરીને મને મળે છે, અને તેમાં ગામગામના ટપાલીના શેરા છે. તેમાંના એક કંઈક એવો છે કે માલિક દેવાદાર છે ને નાસતો ફરે છે. મારા પ્રૉસીક્યુટર કહે છે કે હું પહેલાં મુંબઈ હતો અને ત્યાંથી અમદાવાદ આવ્યો છું. કેમ જાણે તમારા તહોમતથી ઠરીને નાસતો હોઉં! અમદાવાદ રહું છું છતાં કેટલીય વાર મુંબઈ આવ્યો છું. વૅકેશનો લગભગ બધાં મુંબઈ ગાળ્યું છું. હજી ગાળવા તૈયાર છું. જો મુંબઈમાં ક્યાંય રહેવાની જગા આપતા હો તો! પણ, હંમેશાં, પ્રૉસીક્યુશનનો કેસ જ્યારે નબળો હોય છે, ત્યારે તે આવી નજીવી ચીજો જ ભેગી કરે છે. હું ચોક્કસ માનું છું, અને આપ નામદાર અને જ્યૂરીના સભ્ય સાહેબોને અચૂક ખાતરી થશે કે પ્રૉસીક્યુટરની પાસે કેસ જ નહોતો, અને હજી પણ નથી જ. આટલાં આટલાં વરસ વિચાર કર્યા પછી પણ જુઓને ક્યાં તહોમત મૂકે છે! કહે છે, હું લગભગ સાઠ વરસનો થયો છું અને હજી લખું છું!! આ તો ભાઈ નવી જાતના મુદ્દતનો કાયદો સાંભળ્યો! બર્નાર્ડ શૉ એંશી વરસનો થયો ને લખે છે. અને મને તો હજી સાઠ પણ નથી થયાં! અને મેં તો કેટલું મોડું લખવા માંડ્યું છે, તેનું કેમ કંઈ કહેતા નથી? બધા લખે છે તેટલાં વરસો હું પણ માગું કે નહિ? જમદૂત આવશે, તો તેને પણ કહીશ, કે હટ્ટ! મારાં લખવાનાં વરસો પૂરાં કરવા દે. અને લખું છું, તે ક્યાં પ્રૉસીક્યુટર પાસે શાહીકાગળ માગવા જાઉં છું ! પૂછો પેપરકંટ્રોેલરને પણ, કાગળ સંબંધી મારી અરજી પણ આવી છે? અને સાચો લખનારો કાગળની અપેક્ષા રાખતો નથી. આપ નામદાર જાણો છો, અંગ્રેજીમાં કહેવાય છે, બે લીટીની વચ્ચે વાંચવું, અને એ જ સાચું વાંચવું ગણાય છે. તેમ સાચો લેખક તો પોતાના નસીબની પોથીની લીટીઓ વચ્ચે લખે છે. નસીબ ભોગવતો ભોગવતો, છઠ્ઠીના લેખની ગૂઢ લિપિ ઉકેલતો જાય છે, અને તેની લીટીઓની વચ્ચે, માર્જિનમાં, આસપાસ, બધ્ધેય, લખતો જાય છે. અને એ લખે છે, પોતાના લોહીથી નામદાર!— એને કોઈ જ રોકી શક્નાર નથી. બીજું તહોમત એવું છે, કે હું જમાનાને અનુરૂપ પાત્રો દોરતો નથી, દાખલા તરીકે ખેમીનું પાત્ર. મને નથી સમજાતું કે એ સ્પષ્ટ શા માટે કહેતા નથી કે ખેમી વિધવા થયા પછી ફરી પરણતી નથી, તેનો વાંધો છે. એ જ વાંધો હોય તો મારે કહેવાનું કે એણે જો ભંગિયાને નાતરું કરવાની ના પાડી, એ કશો વાંધો કાઢતો નથી અને પ્રૉસીક્યુટર સાહેબ શા માટે વાંધો કાઢે છે! પણ કદાચ પ્રૉસીક્યુટર સાહેબ સુધારક હશે, અને વિધવાપુનર્લગ્ન ઇચ્છતા હશે. તો મારે પૂછવાનું કે ખેમી ફરી પરણી હોત તા તેના દાખલાથીઃ પુનર્લગ્નનિષેધક નાતો વિધવાવિવાહ કરવા મંડી પડત? અથવા ઊલટી રીતે, ખેમીના દાખલો લઈ ધારાસભામાં કોઈએ વિધવાવિવાહનો વિરોધ કરેલો છે? ઊલટું, ખેમીનું પાત્ર એમ બતાવે છે કે જે ઊંચી કોમો વિધવાવિવાહ ન કરવામાં મોટાઈ સમજે છે, તેના કરતાં વધારે સાચી મોટાઈ તો મારી ખેમીમાં છે. વિધવાવિવાહ ન કરવામાં મોટાઈ હોય, તો પ્રથમ એની છૂટ આપો, ને પછી ખેમીની પેઠે, તેને વિધવા રહેવાનો સ્વયંનિર્ણય કરવા દો! એ પછીનું તહોમત એવું છે કે હું અનેક તખલ્લુસો ધારણ કરું છું. આમાં પ્રૉસીક્યુટરને શો વાંધો આવી ગયો તે મને સમજાતું નથી. એને લીધે એમણે ભૂલથી બધાં તખલ્લુસોના નામથી નોતરાં આપ્યાં ને દરેકનો લાભ લઈ હું એમને ઘેર ત્રણચાર વાર જમી આવ્યો એવું બન્યું છે? અરે મને એક દિવસે એ નોતરાં આપે તોપણ હું બે વાર જમી શકું એમ નથી! ખાવાની બાબત મહાત્માજી કહે છે તેમ ગંદી છે, જાહેરમાં બોલવા જેવી નથી, એવો મત નામદાર કોર્ટ નહિ જ ધરાવતો હોય એમ હું માનું છું. છતાં તેનો પૂર્વ દાખલા જોઈએ તો હોય તો શ્રી ધૂમકેતુનો છે, જેમણે ઇતિહાસ ઉપર બોલતાં વર્તમાનમાં પોતે દોઢ જ રોટલી ખાય છે એમ જાહેરમાં કહ્યું છે. તો હું કહું છું, હું તો એક જ વાર જમું છું. હજીયે રૅશનિંગ નીચે ગુનો જણાવ્યો હોત તો કંઈક સમજાય એવું છે, કે જુુદાં જુદાં નામોથી સીધાં લઈ આવી ને કાળું બજાર ઊભું કરે છે. પણ આ તો કહે છે, કે પ્રેમની કવિતા સિવાય કોઈ કવિતાના લેખકને છૂપાં રહેવા હક નથી. પ્રેમ જોે સાબિત કરી આપું તો બિનગુનેગાર થઈ શકું. અરે હા, ભાઈ હા, મારે પ્રેમ છે અને તે એકની જ સાથે નહિ, પણ એક સાથે અનેકની સાથે. અને તેથી જ તખલ્સુસો ધારણ કરેલાં! ગુજરાતમાં જેટલા વિવેચકો છે તેમની સાથે મારે પ્રેમ છે. અને એમની ખાતર નામ છૂપું રાખેલું. અને આ પ્રૉસીક્યુટરે હું કવિતા લખું છું એવી વાત બહાર મૂકવાથી, વિવેચકો તરફથી મને જે નુકસાન થાય, તેને માટે હવે હું તેમને જવાબદાર ગણીશ. આ કવિતાઓ મારી છે, એમ વિવેચકો જાણશે એટલે મને જોઈને – સાંભળો! શું કહું છું?—મને જોઈને, નહિ કે મારી કવિતા જોઈને એ કહેવા માંડવાના એનું કાવ્ય સુંદર ન હોઈ શકે, એ જુવાન નથી એટલે એની પ્રેમની કવિતામાં તીવ્રતા ન હોઈ શકે, એ સ્વૈરવિહારી છે એટલે એની કવિતામાં ગંભીરતા ન હોઈ શકે હું જે જે છું, અને જે જે નથી, એ સર્વને લીધે મારી કવિતામાં કશું જ ન હોય એમ કહેવાના! મારે લીધે, એ કવિતામાં કશું ન હોય, અને એ કવિતાને લીધેે મારામાં કશું ન હોય! આ રીતે, બધા વિવેચકો તરફના, મારા સાચા પ્રેમમાં, પ્રૉસીકયુટરે મહાન વિઘ્ન નાખ્યું છે. પ્રૉસીકયુટર : “નામદાર, આ તહોમતદાર શબ્દોનો અનર્થ કરવામાં બડો હોંશિયાર જણાય છે. મેં તો પ્રિયતમાનાં કાવ્યો માટે કહેલું, ત્યારે આ તો બધા વિવેચકોની વાત કરે છે! બધા વિવેચકોને કોઈ પણ અર્થમાં પ્રિયતમા ઓછું જ કહી શકાય?” હા, નામદાર, એક અર્થમાં પ્રિયતમા કહી શકાય. કારણ કે અહીં વિવેચક એટલે વિવેચકની બુદ્ધિ, મતિ, પ્રજ્ઞા, પ્રતિભા, વગેરે અભિપ્રેત છે. સર્જકને બદલે સર્જકતા વિવેચકમાં છે એમ કોઈ વિવેચક કહે, તો અત્યારે એ સ્ત્રીલિંગી નામની ખાતર એ પણ સ્વીકારવા તૈયાર છું. અરે, આ બધી સ્ત્રીલિંગી શક્તિઓ દરેક વિવેચકમાં છે, અને તેનો હું આશક છું, એમ સ્વીકારવા તૈયાર છું. હવે તહોમત આવે છે તે એવું આવે છે કે હું સ્વૈરવિહાર પહેલાં લખતો, અને હવે કેમ લખતો નથી? મેં, નામદાર, કહેલું કે પ્રૉસીકયુશન પાસે કેસ જ નથી, તે આ ઉપરથી તરત જ જણાઈ આવશે. પહેલાં કહે છે કે સાઠ વરસ શા માટે લખું છું, અને હવે કહે છે, કેમ લખતા નથી? થોડી વાર પહેલાં, મારી અર્થ કરવાની શકિત પર આક્ષેપ કરતા હતા. પણ એમની જ અર્થ સમજવાની શકિત તો જુઓ, નામદાર! સ્વૈરવિહાર તો એની મેળે ચાલે, એ તો સ્વૈર છે. એ કેમ નથી લખતા એમ પુછાય? આવું તે તહોમત હોય? આવો તે પ્રશ્ન હોય? અને જ્યાં પ્રશ્ન જ નથી, ત્યાં તહોમત જ અર્થહીન હોય, ત્યાં તેનો જવાબ બિલકુલ હોઈ જ શકે નહિ, અથવા ગમે તે બાબત એનો જવાબ ગણાય. બીજું લખું છું માટે સ્વૈરવિહાર નથી લખતો, એમ કહી શકું; કશું નથી લખતો, માટે સ્વૈરવિહાર નથી લખતો એમ પણ કહી શકું. સ્વૈરવિહાર નથી કરતો માટે નથી લખતો એમ કહી શકું. આલેખનમાં સ્વૈરવિહાર કરું છું માટે નથી લખતો એમ પણ કહી શકું. પણ વિશેષ નથી કહેતો નામદાર! પ્રૉસીક્યુટર સાહેબ સમજતા નથી એ આપ જોઈ શકશો. પ્રૉસીક્યુશને, સાહિત્યમાં મૂકી શકાય એટલાં બધાં તહેામતો મારા પર મૂકેલાં છે. મારી વિવેચનપ્રવૃત્તિ વિષે એવું તહોમત છે કે હું ખંડનાત્મક વિવેચન કરું છું! નામદાર કોર્ટને મારી વિનંતિ છે કે મેં જો ખંડનાત્મક વિવેચન કરેલું હોય, તો મારા વિવેચનથી ખંડિત થયેલી કૃતિઓ રજૂ કરે. એ બધાં ખંડિત ક્લેવરો, ખંડિત મૂર્તિઓ, ખંડિત ખંડેરો કોર્ટ આગળ આવીને હાજર થઈને કહે, કે આ અમારા પગ ખંડિત કર્યા છે, અને અમે ચાલી શકતાં નથી; આ અમારા હાથ ખંડિત કર્યા છે અને અમે સામો ઘા કરી શકતાં નથી, અમારું નાક ખંડિત કર્યું છે, અને અમને પતિએ તજી દીધી છે; કે જે કહેવું હોય તે કહે—એમ હાજર ન કરી શકે, તો ખંડિત થયેલું અંગ મુદ્દામાલ તરીકે કોર્ટ આગળ રજૂ કરે. પ્રૉસીક્યુટરે આ સંબંધમાં કહ્યું કે એવી કૃતિઓ રજૂ કરી કોર્ટનો વખત લેવા માગતો નથી, પણ ખરી વાત એ છે કે એવા દાખલા છે જ નહિ. હા, એમ બન્યું છે, કે કોઈ કોઈ કૃતિ જન્મે છે ત્યારથી જ આંધળી હોય છે, કોઈ પાંગળી હોય છે, કોઈ ભૂલી હોય છે, કોઈ ઠૂંઠી હોય છે, કોઈ જન્મથી જ શ્વાસ લેતી હોતી નથી. પણ એ તો એના સર્જકની ખૂબી છે! સર્જક તો ઈશ્વરની સૃષ્ટિથી સ્વતંત્ર છે. ઈશ્વર જીવતી અંગોપાંગ વાળી કૃતિઓ પેદા કરે, માટે શું સર્જક પણ એમ કરે? ઈશ્વરનું અનુકરણ કરે? એને ગમે તેવી ખંડિત કૃતિઓ કરવાના હક છે. અને એવું હોય છે ત્યારે એવી કૃતિઓની હું એ રીતે પ્રશસ્તિ કરું છું, પણ હું જાતે કદી કશાને ખંડિત કરતો નથી. મારી પાસે તો હથિયાર પણ નથી. અને હોય તો હું વાપરી શકું એમ પણ નથી. મારા વિવેચન વિશે બીજી ટીકા એવી છે કે મારી વક્રદૃષ્ટિ છે. સાહેબ, આપ નામદાર, અને આ જ્યૂરીના સભ્ય સાહેબો અત્યારસુધી મારા સામું જોેતા આવ્યા છો. આટલા વખત દરમિયાન ક્યારેય પણ મારી દૃષ્ટિને આપે વક્ર દીઠી છે? પણ આ મારી દૃષ્ટિ વિશેના પૂર્વગ્રહ વર્તમાનપત્રોમાં છપાતા મારા બ્લૉક ઉપરથી ઊભો થયેલો છે. કોઈએ કેવળ દ્વેષથી મને આડું જોવરાવી મારો વાંકી દૃષ્ટિવાળો ફોટો લીધો છે. પ્રૉસીક્યુટરનું ખરું કામ તો એ છે કે એ ફોટોગ્રાફરને પકડી એને યોગ્ય નસિયત કરવી. પણ એ થઈ શકે તે પહેલાં નામદાર આપે બધાં વર્તમાનપત્રોને મારો એવો બ્લોક છાપવા સામે મનાઈહુકમ આપવો જોઈએ. અને એવો બ્લૉક છપાયો હોય તેવા સર્વ લેખો મને સોંપી દેવા જોઈએ. અને એ સર્વ વર્તમાનપત્રોને મારો સારો ફોટો પાડી પાડી માફીના ઉલ્લેખ સાથે છાપવાની ફરજ પાડવી જોઈએ. મને ઘરડો કહી મારી કવિતાને અન્યાય કરે છે, તેમ જ મારા ફોટા ઉપરથી મારા વિવેચનને અન્યાય કરે છે. છેલ્લું તહોમત છે—હું એમના જ શબ્દો ઉતારું છું નામદાર, કે “જે વિષયને સાધારણ રીતે શિષ્ટ સમાજ ચર્ચવા ત્યાજ્ય ગણે છે, તેવા વિષય તેમણે વાર્તામાં છણવા માંડ્યા છે.” નામદાર, આ તહોમત લાવવાની પાછળ, એક જ હેતુ હોય છે. અને તે એ કે એવું તહોમત મૂકીને પોતે શિષ્ટ છે એમ ગણાવું. હું પૂછું છું, શિષ્ટ કોણ છે? આ કોર્ટમાં આપ ન્યાયાધીશ સાહેબ, અને જ્યૂરીના સભ્ય સાહેબો સિવાય, શિષ્ટ કોણ છે? આપે તો કદી આવી ફરિયાદ કરી મારા જાણવામાં નથી? અલબત્ત, એમ બને, કે મારી વાર્તા જેવી નાચીજ વસ્તુઓ આપ વાંચવા જાઓ નહિ. પણ તો એ જ એ વાર્તા અશ્લીલ નથી એનો પુરાવો નથી શું? મારી વાર્તા ખરેખર અશ્લીલ હોય, તો હજારો માણસોએ અને આપે પણ એ ન વાંચી હોય એવું બને? અશ્લીલ વાર્તાઓનું એક લક્ષણ એ હોય છે કે તેની ઘરાકી એકદમ વધે છે. મારી વાર્તાનું વેચાણ જુઓ, તેની ઘરાકી જુઓ. હા. પ્રૉસીક્યુટર સાહેબે તહોમત મૂક્યું તે પછી તેની નકલો ખપી હોય તો હોય, પણ તે પહેલાં, તો એની કોઈ ખપત નથી થઈ જેથી એની અશ્લીલતા સંભવિત જણાય. અને આ તહોમતનો એક બીજો પણ હેતુ સંભવે છે, આ વાર્તામાં શિષ્ટ ગણાતા કેટલાક લોકોની ટીકા છે. એ ટીકા સાચી છે તે ત૨ફ લોકોનું ધ્યાન ન જાય એટલા માટે, એ અશ્લીલ છે એવી ચર્ચા એ શિષ્ટ લોકોએ ઊભી કરી હોય. અને છેલ્લી એક વાત – ટૂંકમાં જ. ખરો દોષ છે તે તો અશ્લીલતાનો મોહ ઉપજાવવો, તે તરફ વાચકને આકર્ષવો એ છે. મેં જે કંઈ કર્યું છે–તે મને જ્યાં જ્યાં અશ્લીલ વસ્તુ બતાવવાની જરૂર જણાઈ હોય ત્યાં તે અશ્લીલ છે એમ કહ્યું છે, તે તરફ તિરસ્કાર ઉત્પન્ન કર્યો છે, કદી મોહ નહીં. કોઈનું આંગણું ગંદું કરીએ, અને કોઈને તેનું ગંદું આંગણું સાફ કરવા કહીએ, એ બેમાં જેટલો ભેદ છે તેટલો ભેદ અશ્લીલતાનો મોહ, અને અશ્લીલ તરફ જુગુપ્સા ઉત્પન્ન કરવી એ બે વચ્ચે છે. અંતે, પ્રૉસીક્યુટર સાહેબ, મારા વિશે અનેક વસ્તુઓ કહીને, છેવટે કહેલ છે, કે પાઠક મોટો સમર્થ પંડિત છે. એમણે મમ્મટના કાવ્યપ્રકાશના મતો પચાવ્યા છે, અને એ બૌદ્ધિક વ્યાપારો કરે છે! નામદાર, આ ગુનો હું કબૂલ કરું છું. માત્ર એટલું જ કે એને માટે સજા કરવાની જરૂર નથી. કારણ કે મમ્મટનો અભ્યાસ કરવાની અને બૌદ્ધિક વ્યાપાર કરવાની સજા, આપ કોઈ ન કરી શકો તેવી અને તેટલી મને થઈ ચૂકેલી છે. મેં મમ્મટનો અભ્યાસ કર્યો તેથી લોકો કહે છે કે મને નવીન રીતે વિવેચન કરતાં આવડતું નથી. મેં પ્રમાણશાસ્ત્ર લખ્યું છે તેથી લોકો કહે છે કે હું કાવ્ય સમજવાને અનધિકારી છું. હું હમણાં પિંગળ લખું છું એટલે જરૂર મને કહેશે કે એને કવિતા સમજતાં આવડતી નથી, એ માત્ર કવિતાનું હાડપિંજર સમજી શકે, અને કદી કવિતા કરી તો ન જ શકે. નામદાર, હું કંઈ પણ કરું છું તે શું છે તે જોવાને બદલે લોકો એના ઉપરથી શું શુ ન કરી શકે એના જ તર્કો કરે છે! શરૂઆતમાં પ્રૉસીક્યુટરે, મેં જિંદગીમાં મોડું લખવાનું શરૂ કર્યું તેને ગુનો ગણાવ્યો હતો. એ ગુનો તો નથી જ, પણ મારા અત્યારસુધીના અનુભવ પરથી મને એટલી તો ખાતરી થાય છે કે મેં કંઈ પણ ન લખ્યું હોત, તો હું એકપણ ખોડ વિનાનો આદર્શ સજ્જન હોત. હજી જેમજેમ કંઈ પણ લખતો જઈશ તેમતેમ મારા પર અશક્તિના નવાનવા આરોપો જ આવવાના છે! હવે કોઈ એમ પણ કહે તો નવાઈ નહિ, કે પાઠક વિવેચક છે માટે કવિ નથી, અને કવિ છે માટે વિવેચક નથી, પિંગલશાસ્ત્રકર્તા છે માટે સર્જક નથી, અને સર્જક છે માટે શાસ્ત્રકર્તા નથી, અને છેવટે એમ પણ કહે કે પાઠક પુરુષ છે માટે સ્ત્રી તરફ પ્રેમ રાખી શકતો નથી, ઘરડો છે માટે બાળક પર પ્રેમ રાખી શકતો નથી, વિદ્વાન છે માટે અજ્ઞાનીને ભણાવી શકતો નથી, તેનામાં બુદ્ધિ છે માટે લાગણી નથી, લાગણી છે માટે બુદ્ધિ નથી અને છેવટે એમ પણ કહે કે તેને લખવામાં રસ છે માટે જીવનમાં રસ નથી, અને જીવે છે માટે તેના લખાણમાં રસ નથી, કે એવું કાંઈ!—તો નવાઈ નહિ. મને લાગે છે કે જીવવું એટલે જ તહોમતદાર થવું. આત્મહત્યાનું પાપ લેખકને માથે આ રીતે ઊતરતું હશે. હશે, નામવર અને જ્યૂરીના સભ્ય સાહેબો, કોઈના ઉપર તહોમત મૂકવું એ એટલો સહેલો, સુલભ, સર્વાકર્ષક અને સર્વવ્યાપક આનંદ છે, કે આ તહોમતનામુ સાંભળીને, ન્યાય આપવાને બદલે મારા પર નવાં તહોમતો મૂકવાનું આપને પણ મન ન થઈ જાય, તો મારાં સદ્ભાગ્ય!!
‘રુચિ’ વર્ષ ૧લું અંક ૫. મે ૧૯૬૩ પાદટીપ
Lua error in package.lua at line 80: module ‘strict’ not found.