સાહિત્ય પલ્લવ – ભાગ ૨/ઉમાશંકર જોષી

Revision as of 14:45, 2 April 2026 by Meghdhanu (talk | contribs) (+1)
ઉમાશંકર જોષી

[ગાડી જોરમાં ચાલી જતી હોય ત્યારે અંદર બેઠેલાને બહાર નજર કરતાં જે અનુભવ થાય તે કવિએ ‘કુતૂહળ’માં ગૂંથ્યો છે. રેલવે ઉપર આવેલાં વૃક્ષો દેખાય ન દેખાય ત્યાં તો કેવાં દૂર દૂર સરી જાય છે! પણ દૂર દૂરનાં ઝાંડો, અને તેનાથીય દૂરના પહાડો અને તેથીય દૂરના ચંદ્ર અને તારા — તે બધા પણ નજીકનાં ઝાડની જેમ સરી જાય છે? આ પ્રશ્નનો તમે શો ઉત્તર આપશો? એ ઉપરથી કયું રહસ્ય તારવશો? તમારા ઉત્તરો નક્કી કરીને જ કવિતા વાંચજો અને જોજો કે કવિ જે જોઈ શક્યા છે તે તમે જોયું છે કે કેમ. આ સાથે ‘તેથી કાંઈ ચિંતા કર્યો ચાલશે ના’ નામનું શ્રી. રવિબાબુનું એક કાવ્ય જેનું શ્રી. મહાદેવ દેસાઈએ ભાષાંતર કરેલું છે તે વાંચજો. તેમાંથી નીચેની પંક્તિઓ કાળજીપૂર્વક વાંચજો :

સુણી તારા મુખની વાણી,
વીંટળાશે વનવનનાં પ્રાણી,
તાય તારા ઘરના ઘરમાં
પથ્થરો પીગળશે ના!

આ પંક્તિના અર્થની નજીક આવે એવી કઈ પંક્તિઓ ‘કુતૂહળ’માં છે? આ કાવ્ય ઘણું નાનું છે પણ કવિએ જે રીતે શબ્દરચના કરી છે તે જોઈએ : અક્ષરમેળ છંદોમાં શબ્દોનો ક્રમ તો નક્કી જ હોય છે, એટલે કે, ક્યાં લઘુ હોવો જોઈએ, કયાં ગુરુ હોવો જોઈએ તે તો પહેલેથી જ નક્કી હોય છે. દરેક છંદમાં એ લઘુગુરુની ગોઠવણી એ રીતે કરવામાં આવી હોય છે કે તેના ઉચ્ચારમાંથી એક પ્રકારની સુંદર સુરાવટ જામે. આ સુરાવટને કવિઓ વર્ણસગાઈ તથા પ્રાસ વગેરે દ્વારા વળી વધુ બહલાવે છે. જેમકે

સમીપનાં જે સ્વજનો સદા તે

આ પંક્તિમાં ‘સ’નાં થતાં આવર્તનો અને ‘સમીપનાં જે’ માંના ‘નાં જે’ અને ‘સદા તે ‘માંના ‘દા તે ‘માંના સ્વરપ્રાસથી થતી કર્ણપ્રિયતા છંદને વધુ ખીલવે છે. એવી જ રીતે જોડાક્ષરોમાંથી થતા થડકારની વિવેકભરી ગોઠવણીથી પણ આ સુરાવટને વધુ પ્રાણવાન બનાવી શકાય છે.
એવી જ રીતે એક સાદી ઘટનામાંથી કોઈ મોટું સત્ય તારવી કવિતામાં ચમત્કાર આણી શકાય છે, અને સામાન્ય માણસના ધ્યાનમાં પણ ન હોય એવો કોઈ મોટો અર્થ કવિ મૂકી દે છે. આ કાવ્યની છેલ્લી ચાર પંક્તિ એના નમૂનારૂપ છે.]