સાહિત્ય પલ્લવ – ભાગ ૨/કુતૂહળ

૧. કુતૂહળ

ઉમાશંકર જોષી
(મિશ્રોપજાતિ)

મુસાફરી ગાડી વિષે કરતાં
જોયા કર્યું છે શિશુ જેમ, નાનો
હતો શિશુ ત્યારથી કૌંતુકે મેં
ઉઘાડી બારી તણી આરપાર :
સમીપનાં વૃક્ષ પ્રતીપવેગે
સરી જતાં દૃષ્ટિ સમક્ષથી રે,
પરંતુ પેલી ક્ષિતિજે જણાતી
સાથે સરંતી વનરાજી બે ઘડી.
આયુષ્યની અલ્પ મુસાફરીમાં
સમીપનાં જે સ્વજનો સદા તે
સામી દિશાએ સરશે શું? માત્ર
સાથે ઘડી લોક સમૂહ દૂરના?
‘નિશીથ’માંથી

સ્વાધ્યાય

૧. ચાલુ દોડતી ગાડીમાંથી બહાર જોતાં તમને આવતા વિચારો નોંધો.
૨. કવિને શા વિચારો આવે છે તે જણાવો. કેટલે અંશે તમે એ વિચારો સાથે સંમત છો?
૩. ‘સમીપનાં વૃક્ષ પ્રતીપવેગે’- આ પંક્તિમાં સુરાવટ શાને આભારી છે તે જણાવો.