ગુજરાતી નારીસંપદા : કવિતા/છોરો કેમ ચડે ના ચાળે!

From Ekatra Foundation
Revision as of 01:58, 23 April 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
છોરો કેમ ચડે ના ચાળે!

નેહા પુરોહિત

છોરો કેમ ચડે ના ચાળે!
પડકાર્યો કેસૂડા કેરી કેસરવર્ણી ડાળે!
છોરો કેમ ચડે ના ચાળે!

મંથરમંથર હવા અડે ને હેયે વા’વંટોળ!
થનગનતી કાયાએ લીધો સત્તરમો અંઘોળ,
તનમન એના વસંત કાજે રંગત બાજઠ ઢાળે,
છોરો કેમ ચડે ના ચાળે!

ફાગણની પૂનમ વરતાવે કેવો કાળો કેર,
હોળી ફરતે ફરવા આવ્યો ચિત્તમાળાનો મેર!
અગ્નિના પીળચટ્ટ પરકાશે ઝગમગ મુખડું ભાળે,
છોરો કેમ ચડે ના ચાળે!

ગીત, ગુલાબ, ગુલાબી સંગત લઈ આવ્યો મધુમાસ,
છોરો-છોરી ચોરી ચોરી મનમાં રચતા રાસ!
કુદરતના છાના ઈશારા કેમ કરી કો’ ટાળે?!
છોરો કેમ ચડે ના ચાળે!

***