અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દલપતરામ/મિત્રની દીલગીરી (ફાર્બસ વિરહ)

From Ekatra Wiki
Revision as of 19:05, 3 September 2021 by Atulraval (talk | contribs)
Jump to navigation Jump to search
ફાર્બસ વિરહ

દલપતરામ


સાભ્રમતી પ્રતિ ઉક્તિ

સુણ સતી સાભ્રમતી ધીમી કેમ ધારી ગતિ,
વિરતિની મતિ કેમ રાખી મારી વીરી તેં;
કેમ થયું કૃષ અંગ, ક્યાં ગયા તારા તરંગ,
સંગ હતા દાદૂર તેં દૂર કર્યા શી રીતે;
બંને બાજુ ઓઢેલાં લીલાં રૂચિર ચીર હતાં,
ચિત્તમાં શી ચિંતા ચઢી ચીર નાંખ્યાં ચીરી તેં.
ઉદાસી દીસે છે આમ દાખે દલપતરામ.
ફારબસ ગયો તેથી લીધી શું ફકીરી તેં.

દુઃખ પ્રતિ ઉક્તિ (ઇંદ્રવિજય છંદ)

રે દુખ રૂપિ ભુંડા ભમરા તું, રખે કદિ ભોળપણે ભ્રમિ ભૂલે;
પેખિ પડ્યો દિલ-પંકજમાં, ચતુરાઈ ચતૂર પડી તુજ ચૂલે;
નીસરવાનિ ન રાખીશ આશ, ખરેખરૂં બંધન ખોલ્યું ન ખૂલે;
તે દિલપંકજ તો દલપતનું, ફાર્બસમિત્ર વિના નહિ ફૂલે.

કુકડા પ્રતિ ઉક્તિ (મનહર છંદ)

કાગળની બીડા પર કુકડાની છાપ દેખી,
દૂર હોય દોસ્ત તોય ધારતો હું ઢૂકડા;
ત્યારે મને તારા જેવા પ્યારા, કો ન સારા લાગ્યા,
ચિત્રના ચકોર, મોર, સારિકા, કે શુકડા;
મિત્રના લખેલા તે હું મોતી જેવા માની લેતો,
એમાં કદી કીધા હોય અક્ષર અધુકડા;
કહે દલપત, મિત્રપત્ર વિના પાસે આવી,
કાયા ન દેખાડીશ હું કહું તને કુકડા.

મિત્રના પૂર્વપત્ર વિષે

મિત્ર તણો પત્ર જ્યારે તત્ર થકી અત્ર આવી,
પ્રાપ્ત થતો મને પ્રેમ પૂરણ ઘણાકનો;
વાંચી વાંચી વાળું વળી વાંચવાની વૃત્તિ થાય,
અતિશય એવી અર્થરચના અથાકનો;
દોસ્તી ચિત્ર દેખરેખ, તેમાં નહીં મીન મેખ,
લાયક છે લેખ જાણું પ્રેમના વિપાકનો;
લઈ સંકેલાય નહીં તથા તજ્યો જાય નહીં,
અક્ષિકાની આગળથી કાગળ કિન્લાકનો.

(દ્વિ-અર્થી દોહરો)

ફાગણ આગળ ગત, અને, આવ્યો ચૈતર અંત;
શરૂ બળેવમાં સાંભરે, પોસ અંત પર્યત.

(સોરઠા)

દિન ગણતાં ગત માસ, માસ ગણત વરસે ગયું;
નિશ્ચય થઈ નિરાશ, કઠોર બનિયું કાળજું.
કઈક કહે મહારાજ, મુઆં મનુષ્ય જગાડશે;
એ દિન ક્યાંથી આજ, મળિએ ફાર્બસ મિત્રને.
મિત્ર પ્રતિ ઉક્તિ

(સોરઠા)

વાલા તારાં વેણ, સ્વપ્નામાં પણ સાંભરે;
નેહ ભરેલાં નેણ, ફરી ન દીઠાં ફારબસ. ૩૧
આજકાલની વાત, જોડ વરસ જાતાં રહ્યાં;
ભેળા થઈને ભ્રાત, ફરી ન બેઠા ફારબસ. ૩૨
પામ્યો ગતિ પવિત્ર, જઈને બેઠો જોખમાં,
મિત્રતણી તેં મિત્ર, ફિકર ન રાખી ફારબસ. ૩૩
દિલ ન થશો દિલગીર, વલેરા મળશું વળી;
વંદિને એવું વીર, ફરીને ન મળ્યો ફારબસ. ૩૪
ઉચર્યો કદી ન એક, જુઠો દિલાસો જીભથી;
છેલીવારે છેક, ફોગટ બોલ્યો ફારબસ. ૩૫
દીઠા નહીં દેદાર, સંદેસો નહિ સાંભળ્યો;
કાગળ પણ કો વાર, ફરી ન લખિયો ફારબસ. ૩૬
હેતે ઝાલ્યો હાથ, છેક કદી નહિ છોડતો;
મળ્યે સ્વરગનો સાથ, ફંટાયો તું ફારબસ. ૩૭
માનવ જાતી માત્ર, ભલે વસે સઉ ભૂમિમાં;
પણ પ્રીતીનૂં પાત્ર ફૂટી ગયું રે ફારબસ. ૩૮
લાખ લડાવ્યાં લાડ, સુખ તે તો સ્વપને ગયું;
ઝાઝાં દુઃખનાં ઝાડ, ફળવા લાગ્યાં ફારબસ. ૩૯
અંતરની ગત એક, ઈશ્વર જાણે આપણો,
છેટું પડ્યાથી છેક, ફરું ઉદાસી ફારબસ. ૪૦
તારા બોલતણા જ, ભણકાર વાગે ભલા;
ઉપજે ઘાટ ઘણા જ, ફરિ ક્યાં દેખું ફારબસ. ૪૧
તેણે વરસે નીર, સ્નેહી જ્યારે સાંભરે;
વેલો આવી વીર, ફરીને મળજે ફારબસ. ૪૨
મન વાળવા વિષે

(મનહર છંદ)

અરે જીવ બન્યું જગજીવને બનાવ્યું જેમ,
તેનો પરિતાપ કીધે પાપફળ ફળશે;
કીધાથી હમેશ કલેશ વેદના વિશેષ થશે.
કાં તો તારું કાળજું ટકાવમાંથી ટળશે;
તે માટે તું તજ શોક, ભજ તું ત્રિલોકનાથ,
ફારબસ મિત્ર ફરી મોક્ષ મધ્ય મળશે;
ગયાં એટલાં વરસ વયનાં ગુમાવાં નથી,
જો તું કાળ વેગ કાળ જલદી નિકળશે. ૪૩

(દોહરા)

પ્રીત કરી સુખ પામવા, ઉપજ્યો ખેદ ખચીત;
પ્રીત ન કરશો કોઈશું, પ્રીત રીત વિપરીત. ૪૪
વિનાશવાળી વસ્તુ જે, તે સાથે શો સ્નેહ;
સદા ગયા પછિ સાંભરે, દિન દિન દાઝે દેહ. ૪૫

(સોરઠા)

મહા રોગની રીત, પ્રીત વિષે પ્રત્યક્ષ છે;
કોઈ ન કરશો પ્રીત, પ્રીત કરે દુખ પ્રાણને. ૪૬
જન સઘળા જોનાર, જે અંબે અંબે કહે;
કરી સતી પોકાર, શબ્દ કોણ તે સાંભળે. ૪૭
તે સ્ત્રીપુરૂષના ગુણ વિષે

(મનહર છંદ)

એક રંગ એક રૂપ, ધર્મ કર્મ મર્મ એક,
ચતુરતા એક ચિત્ત એક જ વિચારતાં;
એક ભક્તિ એક ભાવ એક જ સ્વભાવ શુદ્ધ,
નિરંતર એક જ લક્ષણ નરનારનાં;
પતિ નામ મિસ્તર ને પતની મિસીસ નામ,
ફારબસ જોડ એટલા જ ફેરફારનાં;
બહાર બે રૂપ પણ અંદર જણાય એક,
ગુણે “ષ્ટિરિયોસકોપ” પ્રતિમા-પ્રકારનાં. ૪૮

રાસમાળાના પુસ્તક વિષે

પુસ્તક પ્રત્યક્ષ મન માન્યું દીસે મધુવન,
પ્રકરણ પ્રૌઢ વૃક્ષ રસિક રૂપાળા છે;
પેખીએ પવિત્ર પત્ર, વાક્ય ફળ ફૂલ તત્ર,
બનેલી છબીઓ તે તો બની ગોપબાળા છે.
નૃપ કુળ વરણન ગણું ગીત ગાનતાન,
ગોઠવેલા રાગ ગોપ વાંશળીઓવાળા છે;
દીસે નવરસમય દાખે દલપતરામ,
રાસની રસાળા રૂપે ગ્રંથ રાસમાળા છે. ૪૯

સમાપ્તિ વિષે

વાંચનારને વિશેષ વિચાર પમાડનારી,
દીસે છે દેખાડનારી દોસ્તીના દેખાવની;
નીતિ લાભ નોંધનારા, બીજાઓને બાંધનારા,
સાબાશીના શોધનારા માહેબોના દાવની;
વરણવી એમાં વાત ખરેખરી થવા ખ્યાત,
સ્નેહવંત શાણા સરદારના સ્વભાવની,
રાખવા આ ઠામ નામ દાખે દલપતરામ;
બાંધી બુક ફારબસ વિરહ બનાવની. ૫૦