અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચુનીલાલ મડિયા/મરણ

From Ekatra Wiki
Revision as of 14:18, 18 October 2021 by Atulraval (talk | contribs)
Jump to navigation Jump to search
મરણ

ચુનીલાલ મડિયા

મને ન મરવું ગમે છૂટક ટૂંક હફતા વડે
મળે મરણ ગાય-ગોકળ સમું, ધીમું, — વાવરે
યદા કૃપણ સંપદા અસહ લોભથી — ના ગમે

અનેક જન જીવતાં મરણ-ભાર માથે વહી
ભલે હલચલે જણાય જીવતાં, છતાં દીસતાં
મરેલ, શબ શાં અપંગ, જડ, પ્રેત દીદારમાં
અને મનસમાંય — ઓઢત ભલે ન કો ખાંપણ,
મસાણ તરફે જતાં ડગમગંત પંગુ સમાં.

ગણું મરણ માહરું જનમસિદ્ધ શું માગણું,
અબાધિત લખેલ તામ્રપતરે જિવાઈ સમું,
ન કાં વસૂલ એ કરું મનગમંત રીતે જ હું —
કરે કરજ લેણદાર ચૂકતું તકાદા વડે—?

ચહું જ ઉઘરાવવા મરણ એક હફતા વડે;
બિડાય ભવચોપડો, કરજમાં ન કાંધાં ખપે.



આસ્વાદ: ઝિંદાદિલનું ઇચ્છામૃત્યુ – હરીન્દ્ર દવે

આમ તો આ મૃત્યુની કવિતા છે—પણ એક ઝિંદાદિલ માનવીએ કલ્પેલા મૃત્યુની કવિતા.

મૃત્યુ ગોકળગાયની ગતિએ આવે એ કવિને મંજૂર નથી. કંજુસના વપરાતા ધન જેવી ધીમી ગતિએ આવતું મૃત્યુઃ કવિને એવા હપ્તાવાર મૃત્યુમાં પણ રસ નથી. માત્ર ખાંપણ ઓઢવાનું જ બાકી રહે એવી શબવત જિન્દગી જીવનારાઓનો ક્યાં તોટો છે?

પોતાની હયાતીમાં જ પોતાના મૃત્યુના પડછાયાને જિંદગી પર ઢળતો જોનારાની સ્થિતિ અસહ્ય હોય છે. હાલતાં ચાલતાં રહે, છતાં જીવ ન રહ્યો એવી પંગુ સમી સ્થિતિ કવિને મંજૂર નથી.

મરણ એ તો માનવીનું જન્મસિદ્ધ માગણું છે; માણસને તાંબાને પતરે લખી દીધેલ જો કોઈ એક જ અધિકાર ગણવાનો હોય, તો એ મૃત્યુનો અધિકાર છે અને આ માગણું વસૂલ કરવાની કવિની રીત અલગારી છે.

એ ઈશ્વરને કહે છેઃ મૃત્યુ એ તારું મને ચૂકવવાનું કરજ છેઃ મને આ કરજ હફતે હફતે ચુકવાય એમાં રસ નથી. આયુષ્યના ચોપડામાં ઝાઝી મિતિઓ પાડવામાં હું માનતો નથી. હું તો એક જ હપ્તામાં મારું કરજ વસૂલ થાય એમ ઇચ્છું છુંઃ કરજમાં કાંધા ન હોય!

આશાવાદી અભિગમોમાં આ જુદો તરી આવતો અભિગમ છે.

મૃત્યુ માટેનો આ ઝિંદાદિલ અભિગમ છે… એક જીવતા માણસની ઝંખનાને આ કવિતામાં વાચા મળી છે. એ માણસને પૂર્ણ જિંદગી ખપે છે અથવા પૂર્ણ મોત.

મૃત્યુ માટેના આધ્યાત્મિક વળાંકો તો આપણે બહુ જોયા છે, પણ મૃત્યુને તામ્રપત્ર પર લખી દીધેલા માનવીના માગણા તરીકે કલ્પવામાં કવિ જિંદગીના સાક્ષી બન્યા છે. …

મડિયાએ આ મૃત્યુની કવિતા લખી, ત્યારે એવી કલ્પના ન હતી કે આ ‘ઇચ્છામૃત્યુ’ એમને બક્ષવું જ પડે એટલો પ્રબળ તકાદો એ કરી શક્યા છે! એ જીવતા કલાકાર હતા. એમને માટે બે જ અંતિમો હતાંઃ જિંદગી અને મૃત્યુ. એની વચ્ચેની સ્થિત ક્યારેય ન આવી.

એક પલક પહેલાં એમણે હસીને મિત્રની વિદાય લીધી. એ પછીની ક્ષણ અભાનતાની હતી. આયુષ્યના ચોપડાને એક જ હપ્તામાં બીડી એમણે તો ઇચ્છામૃત્યુ મેળવ્યું, પણ. (કવિ અને કવિતા)