મંત્રકવિતા/૫

From Ekatra Wiki
Revision as of 19:03, 3 February 2022 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| ૫ | }} {{Poem2Open}} આમ, ૧૬ ૦૦થી ૧૮૫૮ લગીમાં ભારતમાં અંગ્રેજોનું આર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


આમ, ૧૬ ૦૦થી ૧૮૫૮ લગીમાં ભારતમાં અંગ્રેજોનું આર્થિક વર્ચસ્ અર્થે આગમન થયું, પણ એમાંથી ભારતની પ્રજાના કેટલાક ગંભીર દોષો અને દુર્ગણો-કુસંપ, આળસ, અજ્ઞાન, વહેમ આદિ–ને કારણે રાજકીય વર્ચસ્ સિદ્ધ થયું, અને એમાંથી ઇંગ્લંડ, યુરોપ, અમેરિકાના અર્થકારણમાં નફાખોરી અને રાજ્યકારણમાં સત્તારીને કારણે આર્થિક વર્ચસ્ સિદ્ધ થયું. આ રાજકીય વર્ચસ્ અને આર્થિક વર્ચસ્‌ને કારણે ભારતમાં અંગ્રેજોનું સાંસ્કૃતિક વર્ચસ્ સિદ્ધ થાય એ અનિવાર્ય હતું. ૧૮૫૮ પછી ઇંગ્લંડ અને યુરોપની પશ્ચિમની સંસ્કૃતિની, ઔદ્યોગિક સંસ્કૃતિની ભારતના ધાર્મિક, આધ્યામિક, નૈતિક, બૌદ્ધિક, સાહિત્યિક, સામાજિક, આર્થિક, રાજકીય જીવન પર, સમગ્ર જીવન પર સૂક્ષ્મ અને સ્થાયી અસર છે. આ ત્રિવિધ વર્ચસ્ અને આ અસરથી ભારતની પ્રજામાં જે કંઈ સારું-નરસું, સુંદર-અસુંદર હતું તે સમગ્ર પ્રગટ થયું અને એનું ભારતના સાહિત્યમાં સ્પષ્ટ પ્રતિબિંબ છે. ભારતના સાહિત્યના ઇતિહાસમાં ૧૯૪૭ લગીના એક શતકના આ ભૂતકાળનો યુગ એ સંક્રાંતિ યુગ છે. ભારતના સાહિત્યમાં અને ગુજરાતી ભાષાના સાહિત્યમાં આ પ્રતિબિંબ એ સાહસપૂર્ણ અભ્યાસનો એક સ્વતંત્ર વિષય છે. અહીં આ વ્યાખ્યાનમાં આવો અભ્યાસ શક્ય ન હોત અને અભિપ્રેત પણ ન હોય એ સ્વયંસ્પષ્ટ છે. એથી જેમાં યંત્રવિજ્ઞાન અથવા ઔદ્યોગિક ક્રાંતિ, ઔદ્યોગિક સંસ્કૃતિ, ઔદ્યોગિક સમાજ, ઔદ્યોગિક મનુષ્ય પ્રત્યક્ષ વસ્તુ-વિષયરૂપ છે એવી ગુજરાતી ભાષાની પાંચ પદ્યગદ્ય કૃતિઓનું આ વ્યાખ્યાનના વિષયના સંદર્ભમાં મૂલ્યાંકન કરવાનો કંઈક પ્રયત્ન કરીશું. જોકે અહીં જ નોંધવું જોઈએ કે રામનારાયણ પાઠકે ૧૯૩૬માં એમનાં વ્યાખ્યાનો–અર્વાચીન કાવ્ય–સાહિત્યનાં વહેણો'–માં ગુજરાતી ભાષાની કવિતામાં આ પ્રતિબિંબનો અભ્યાસ કર્યો છે અને એનું મૂલ્યાંકન કરવાનો પ્રયત્ન કર્યો છે, ‘જૂની માન્યતા એવી મનાતી હતી અને જિવાતી હતી, તેવી સાચા નિખાલસ વિચારકોને સાચી ન લાગી. ચારે બાજુથી ધસી આવતાં નવાં સામાજિક બળો હજુ સમન્વિત થયાં નથી, તેમ જ અનેક વિજ્ઞાનશાસ્ત્રોમાંથી ધસી આવતી નવી નવી હકીકતોનો સમન્વય થાય તેવું દર્શન હજુ સિદ્ધ થયું નથી. અને અહીં તરત જ ઉમેરવું જોઈએ કે હવે પછી આ વ્યાખ્યાનના અંત ભાગમાં જોઈશું તેમ જગતભરના તેમ જ ભારતના અને ગુજરાતી ભાષાના સાહિત્યમાં ભવિષ્યનો યુગ એ સમન્વય યુગ હશે અને એમાં મંત્રકવિતા રૂપે આ દર્શન સિદ્ધ થશે એની મને માત્ર આશા જ નહીં, બલકે શ્રદ્ધા છે. ૧૮૧૭માં મરાઠાઓ સાથેના અંતિમ યુદ્ધમાં ખડકીમાં. અંગ્રેજોનો વિજય થયો એથી પૂનામાં પેશ્વા સાથે અને ગુજરાતમાં ગાયકવાડ સાથે સંધિ પછી ૧૮૫૭ના નવેમ્બરની ૩૦મીએ અમદાવાદમાં જ્હૉન એન્ડ્રુ ડનલૉપની પ્રથમ અંગ્રેજ ગવર્નર તરીકેની નિયુક્તિ કરવામાં આવી. ગુજરાતમાં અંગ્રેજોના રાજકીય વર્ચસ્‌ને આરંભ થયો. ૧૮૫૦ની આસપાસ જ્યારે ઇંગ્લંડમાં ઔદ્યોગિક યુગના પ્રથમ સ્તબકની પરકાષ્ઠા હતી ત્યારે ભારતમાં હજુ પ્રાગ્ઔદ્યોગિક યુગ હતો. સૂરતમાં હજુ દીવાસળીનો પ્રકાશ ન હતો. ભરૂચમાં હજુ પ્રજા આગગાડીને આ ક્ષણે દાનવ રૂપે નીંદતી હતી તો બીજી જ ક્ષણે દેવ રૂપે કુંકુમ, તિલક, શ્રીફળ, ફૂલથી વંદતી હતી. ખેડામાં હજુ બે કારકુનો ‘બુધવારિયું'ના અંકની પોતપોતાની નકલમાં અક્ષરે અક્ષર એકસરખો છે એથી છાનામાના આશ્ચર્યનો અનુભવ કરતા હતા. અમદાવાદમાં હજુ ‘બુદ્ધિપ્રકાશ'ના પૂંઠા પર આગગાડીનું અથવા બંબાનું ચિત્ર અને એની નીચે એ વિશેનું નાનકડું કાવ્ય પ્રસિદ્ધ થતું હતું, તો ‘બુદ્ધિવર્ધક'ના પૂંઠા પર વિજ્ઞાનનું રહસ્ય અને એનું આશ્ચર્ય આલેખતું વૃદ્ધ અંગ્રેજ વિજ્ઞાની અને બે બાળકનું અથવા દૂરબીન અને ત્રણ બાળકોનું ચિત્ર પ્રસિદ્ધ થતું હતું. ૧૮૫૧માં આ વાતાવરણની વચમાં જે નગરમાં કંપનીના પ્રથમ અંગ્રેજ વ્યાપારીનું ભારતમાં વ્યાપાર અર્થે આગમન થયું હતું અને પ્રથમ અંગ્રેજ કારખાનું સ્થાપવામાં આવ્યું હતું તે જ નગર સૂરતમાં દલપતરામે ‘હુનરખાનની ચઢાઈ કાવ્ય રચ્યું. ૧૮૫૦ના મેની અધવચમાં દલપતરામ ફાર્બસની સાથે મુંબઈથી આગબોટમાં સૂરત ગયા હતા અને દોઢેક વર્ષ રહ્યા હતા. ફાર્બસની સૂરતના આસિસ્ટન્ટ જજ તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી. ઍન્ડ્રૂઝ ત્યારે સૂરતમાં જજ હતા. એમને નામે ફાર્બસે સૂરતમાં ૧૯૫૦માં ઍન્ડ્રૂઝ લાઇબ્રેરી સ્થાપી હતી. ૧૮૫૧ના જાન્યુઆરી (બુધવાર, પોષ સુદ ૧૩, ૧૯૦૭)માં ઍન્ડ્રુઝ લાઇબ્રેરીમાં હાઈસ્કૂલના અંગ્રેજ આસિસ્ટન્ટ ટી. બી. કટિસના પ્રમુખપદે દુર્ગારામ, મહીપતરામ, દિનમણિશંકર, મુકુન્દરાય, નર્મદ સમેત દોઢસો જેટલા શ્રોતાઓ સમક્ષ દલપતરામે ‘હુનરખાનની ચઢાઈ'નું મૌખિક પ્રકાશન કર્યું હતું, બલકે આ કાવ્યભાષણ વાંચ્યું હતું. (પછીથી ૧૮૫૯માં – દલપતરામે મુંબઈમાં પણ આ કાવ્ય વાંચ્યું હતું. આજ લગીમાં એની ચાલીસ આવૃત્તિઓ અને દોઢેક લાખ નકલો પ્રસિદ્ધ કરવામાં આવી છે.) ‘હુંનરખાનની ચઢાઈ’ એ ‘આપણું નવયુગનું પ્રથમ ગુજરાતી કાવ્ય’ છે, ‘ગુર્જર ગિરાની દેશભક્તિની પ્રથમ – કવિતા' છે. કાવ્યનો પૂર્વલેખ છે: ઇચ્છો સૌ જન અંતરે, સુખસંભવ સંજોગ; વિવિધ વધારો વેગથી, દેશ વિષે ઉદ્યોગ.’ કાવ્યનો હેતુ એથી સ્પષ્ટ થાય છે. સુખની ઇચ્છા હોય તો ભારતમાં વિવિધ પ્રકારના ઉદ્યોગો, યંત્રઉદ્યોગો વેગથી વધારે એવું કવિનું આ કાવ્યમાં એમના ‘દેશી મિત્રો’ને, દેશબંધુઓને ઉદ્બોધન છે. આ ઉદ્બોધનમાં દલપતરામની દર્શનશક્તિનો, – દેશભક્તિનો પરિચય થાય છે. કાવ્યનો આરંભ છે: ‘સુણજો સજ્જન સૌ તમે, એક વિવેકની વાત; અંતર આંખો ઊઘડે, જે સુણતાં સાક્ષાત. આજ આપણા દેશમાં, અફિણ, મજીઠ, કપાસ; એ ત્રણ અતિશય ઊપજે, એમાં ઉદ્યમ વાસ. એ થકી દ્રવ્ય વિદેશનું, આવે છે આ દેશ; એ જ થકી આ દેશની, વધી વિખ્યાતિ વિશેષ. પણ હુંનર નરમાં નથી, નથી વળી સઘળો શોધ; કુળ ઉદ્યમ સહુકો કરે બીજા ન ધરે બોધ. કુળ ઉદ્યમ તૂટે કદી, તો તૂટે નર તેહ; અવર ન બુદ્ધિ ઊપજે, અચરજ જેવું એહ. ચીન વિલાયતમાં વધ્યા, હુંનર પ્રગટ હજાર; એઓએ આ દેશની, નિર્ધન કરી બજાર. ગીજનીવાળો લઈ ગયો, સોમેશ્વર શોભાય; એમ હુંનરખાં હરી ગયો, મોટી લક્ષ્મી માય. હુંનરખાન વણરાજનો, ઉચરું ઝગડો આજ; કાન ધરી પ્રીતે કરી, સુણજો સકળ સમાજ.’ આ પંક્તિઓ કાવ્યની પ્રસ્તાવનારૂપ છે. ભારતમાં મબલખ કપાસ, (ઉપરાંત અફીણ અને મજીઠ) છે, એથી પરદેશનું કેટલુંક ધન દેશમાં આવે છે. એથી પરદેશમાં દેશની ખ્યાતિ પણ છે. પણ ભારતની પ્રજામાં હુન્નર નથી, શોધ નથી, ઉદ્યમ નથી, ઉદ્યોગ, યંત્રઉદ્યોગ નથી; જ્યારે પરદેશમાં અનેક ઉદ્યોગો, યંત્રઉદ્યોગો છે એથી ભારત નિર્ધન છે. ભારતની લક્ષ્મી પરદેશી હરી ગયો છે કવિ વણરાજ (કપાસ) અને હુન્નરખાન વચ્ચેનો સંઘર્ષ આ આખ્યાનસ્વરૂપ કાવ્યમાં એક રૂપક દ્વારા નિરૂપે છે. આ કાવ્યમાં હુન્નરનું સજીવારોપણથી જે પાત્ર રૂપે સર્જન થયું છે તે હુન્નરખાન અને એવાં જ અન્ય પાત્રો તથા આ હુન્નરખાનનું ભારત પર આક્રમણ એ આ કાવ્યનું રૂપક છે. આ રૂપકમાં દલપતરામની સર્જકતાનો, કલ્પનાશક્તિનો પરિચય થાય છે. ભારતમાં ઉદ્યમપુરમાં લક્ષ્મીમાતાને પ્રતાપે વણરાજ રાજ્ય કરે છે. એને અફીણ અને મજીઠ બે નાના ભાઈઓ છે. ચીનવિલાયતમાં અસલ ભારતનો નાગરિક પણ ભારતમાં મુસ્લિમોના આગમન પછી એમના રાજકીય વર્ચસને કારણે સ્વેછાએ સ્વદેશત્યાગ અને નિચ્છાસનથી હવે પરદેશનો નાગરિક હુન્નરખાન રાજ્ય કરે છે. એને જંત્રખાન પ્રધાન અને માદરપાટ સેનાપતિ છે. (ઇંગ્લંડના રાજ્યના ૧૬૬૧ના અધિકારપત્રથી ૧૬૬૧થી ૧૮૩૩ લગી કંપનીનો ચીન સાથે વ્યાપારનો ઇજારો તો.) હુરખાન જત્રખાનને અભિમાનપૂર્વક પૂછે છેઃ ‘રોકડ આપણી લે વણરાજ, તે શા લેખે આપણી લાજ? સાચું બોલે તજીને સોર, શાથી કરે વણરાજા જોર?' જંત્રખાન ઉત્તર આપે છે ...મહાલક્ષ્મી એની કુળમાત. સદા પ્રસન્ન છે એને શીશ, તેથી વશ કીધી દશ દિશ.’ હુન્નરખાન જંત્રખાનને ભારત પર આક્રમણ કરવાનું કહે છેઃ ‘...હાથ કરું હું હિન્દુસ્તાન. તોડું દેવળ લક્ષ્મી તણું, પરમ પરાક્રમ છે આપણું લક્ષ્મી લાવું પકડી કેશ, નહીં તો દેહ તજું પરદેશ.’ ત્યારે જંત્રખાન વણરાજના અને એના બે ભાઈ અફીણસિંહ અને મજીઠના બળનું, ભારતની દૂરતાનું અને લક્ષ્મીના અશ્વર્યનું હુન્નરખાનને સ્મરણ કરાવે છે અને ભવિષ્યમાં આક્રમણ કરવાનું પણ આ ક્ષણે ધીરજ ધરવાનું કહે છે. ત્યારે હુન્નરખાન કહે છેઃ ‘વાહન હય રથ હાથી, લક્ષ્મીના લેખ તું, બહુ અગ્નિરથ બોટ, અમારાં દેખ તું. . . . લક્ષ્મીના લખનાર હજાર લખે મળી, એક અમારે છાપખાન લખી દે વળી.’ – એમ આગબોટ, છાપખાન આદિ યંત્રોરૂપી સૈન્યના પોતાના ભૌતિક બળનું અને જ્ઞાન-વિજ્ઞાન આદિ પોતાના બૌદ્ધિક બળનું જંત્રખાનને સ્મરણ કરાવે છે અને કેાઈ પરાક્રમી વીર-અમીરને અફીણ, મજીઠ, કપાસને વિના મૂલ્ય હરવાનું, ભારત પર આક્રમણ કરવાનું આહ્વાન આપે છે. એના પ્રત્યુત્તરમાં માદરપાટ સેનાપતિ ભારત પર આક્રમણ કરે છે. ભીષણ યુદ્ધ થાય છે. પણ હુન્નરખાનને વિજય પ્રાપ્ત થતો નથી. એથી એ આ યુદ્ધના સમયમાં ભારતમાં કોણ પોતાનો શુભેચ્છક સહાયક છે એમ સેનાપતિને પૂછે છે ત્યારે સેનાપતિ હુન્નરખાનને વહેમખાનનું તથા આળસ અને અજ્ઞાનનું નામ આપે છે, પણ સાથે સાથે ભારતમાં એક મહાન શત્રુ પણ છે, અને તે છે સાહિબ લોક, અને એને કારણે જ પિતાને વિજય પ્રાપ્ત થતો નથી એ સમાચાર પણ આપે છે: ‘પણ એક શત્રુ આપણો, થાવા ન દે મમ ભાવતું; એથી જ ઝાઝું જોર આપણી ફોજનું નથી ફાવતું; સરદાર સાહિબ લોક તે, એ લોકને અતિ પ્રિય કરે; સમભાવ રાખે સર્વ શિર, દિલમાં દયા ધનથી ધરે. અજ્ઞાન, આળસ, વહેમના, થઈ શત્રુ સમ લાગ્યા રહે; હિત ચહે હિન્દુસ્તાનનું, તજી કપટ નિત સાચું કહે; પુસ્તકો શાળા, પાઠશાળા, વિરચી વિદ્યા વિસ્તરે; કદી ગરથ ખરચે ગાંઠનું, સહુ લોક જેથી સુધરે. અતિ ગુપ્ત વાતો આપણી, ભેદુ બની રહે ભાખતા; સંચા ખજાના સર્વ સ્થળ, રતિયે ગુપત નથી રાખતા. . . . સાહિબ સલામત ગરીબપરવર, સુણે હુન્નરખાનજી, કોઈ વખત તમને બાંધીને, સોંપશે હિન્દુસ્તાન જી.’ એથી હવે હુન્નરખાન ચીન દેશમાંથી ‘કાગળ, કાચ, બિલોર, તજ, સોમલ, રેશમ, ખાંડ, ચાહ, ફટકડી, સાદરી, કલાઈ આદિ અનેક' સૈન્ય સાથે ભારત પર બીજું આક્રમણ કરે છે. અફીણસિંહ એનો પ્રતિકાર કરે છે. ભીષણ યુદ્ધ થાય છે. એમાં યુદ્ધને અંતે અફીણસિંહને વિજય પ્રાપ્ત થાય છે. ત્યારે હુન્નરખાન કાપડ, ધાતુ, કાષ્ઠ, પથ્થરનાં સાધનો આદિ મહાન સૈન્ય સાથે ભારત પર ત્રીજું આક્રમણ કરે છે. ભીષણ યુદ્ધ થાય છે. હુન્નરખાનના છીંટ, પાટ, લોહ પાટિયાં, મેજ, પેટી, ખુરશી, કાચ ઠામ, છાપજંત્ર, ડાગતંત્ર આદિ મહાન સૈન્ય સાથેના યુદ્ધમાં ભારતના સાળવી, લુહાર કે સુથાર, કુંભાર, લહિયા, ખેપિયા આદિનાં સાળ, સાણસી, એરણી, શારડી, વાંસલાં, વીંઝણું આદિ સામાન્ય સૈન્ય નિર્બળ પુરવાર થાય છે. યુદ્ધને અંતે વણરાજને પરાજય થાય છે. આમ, હુન્નરખાનને અંતે વિજય પ્રાપ્ત થાય છે. હુન્નરખાન ઉદ્યમપુરનો નાશ કરે છે, લક્ષ્મીનાં મંદિરનો નાશ કરે છે અને લક્ષ્મીને હરે છે. હુન્નરખાનનું ભારત પર વર્ચસ્ થાય છે. હવે? ભારતને આ હુન્નરખાનના વર્ચસૂમાંથી કોણ મુક્ત કરશે? કવિ ઉત્તર આપે છે: મંડળી સિંહનર. પણ એ તો નિદ્રાધીન છે. અને એ જાગે નહીં એ હેતુથી આળસ, અજ્ઞાન અને વહેમ સતત સક્રિય છેઃ ‘તે મંડળીક છે શૂરવીર. બહુ બુદ્ધિવંત વજ્ર શરીર; જાગતો થાય એકે ઉપાય, તો જરૂર હુનરખાં જિતાય.’ પણ મંડળી સિંહનરને કોણ જગાડશે? આળસ, અજ્ઞાન, વહેમને કોણ ભગાડશે? કવિ ઉત્તર આપે છે વિવિધ વર્તમાનપત્રો, પત્રિકાઓ, પુસ્તકશાળાઓ (અમદાવાદમાં નેટિવ લાઈબ્રેરી – પછીથી જે હિમાભાઈ ઇન્સ્ટિટ્યૂટ નામે પ્રસિદ્ધ-અને સૂરતમાં એન્ડ્રુઝ લાઇબ્રેરી) અને ગુજરાતના શ્રેષ્ઠીઓ (અમદાવાદમાં હઠીસિંહ કેશરીસિંહ અને સૂરતમાં જમશેદજી જીજીભાઈ). અંતમાં કવિ પૂનામાં બાજીરાવને સંપઋષિએ ભારતની લક્ષ્મીનું સમુદ્રમાં પતન થજો એવો શાપ આપ્યો હતો એનું સ્મરણ કરે છે અને લક્ષ્મીના સમુદ્રપતનનું કારણ આપે છે અને લક્ષ્મી મળવાને ઉપાય’ સૂચવે છેઃ મુસલમાન ને હિન્દુ, સુણો મુજ દેશી સમસ્તો, કહીએ કાળો નાગ, ચીન વિલાયત રસ્તો; તેનું કરો નેતરું, રવૈયો બોટ બનાવો, સાગર મંથન કરી, ફરી લક્ષ્મી ઉપજાવો.’ અને કવિના આ શ્રદ્ધાવચનથી કાવ્ય સમાપ્ત થાય છેઃ ‘જે દિન જાગે મંડલિક, દેશ તણું દુઃખ જાય; ભાષણ પરિપૂરણ થયું, બોલે જય જગરાય.’ ‘હુંનરખાનની ચઢાઈ’ સોરઠા, દોહરા, ચોપાઈ, પધરી, પ્લવંગમ, ભુજંગી, તોટક, હરિગીત, શંખધારી, નારાચ, ઝૂલણા, કવિત, સવૈયો, છપ્પો-એમ વિવિધ માત્રામેળ અને અક્ષરમેળ છંદો અને રૂપમાં શ્લોકોનું ૪૯૮ પંક્તિનું કાવ્ય છે. એમાં બે વિભાગ થાય છે, ૧-૩૮૪ પંક્તિઓનો પહેલો વિભાગ અને ૩૮૫-૪૯૮ પંક્તિઓનો બીજો વિભાગ. પહેલા વિભાગમાં માનુષીકથાનું રૂપક છે અને બીજા વિભાગમાં પશુકથા (મંડળી સિંહનર અને આળસ હસ્તી)નું રૂપક છે. પહેલા વિભાગમાં આખ્યાન છે અને બીજા વિભાગમાં કવિનું ઉદ્બોધન છે. એથી કાવ્યની એકતાનું ખંડન થાય છે. કાવ્યનો પ્રધાન રસ વીર રસ છે, પણ કવિએ ચારણી શૈલીમાં રવાનુકારી શબ્દો દ્વારા એ સિદ્ધ કરવાનો પ્રયોગ કર્યો છે, એથી કાવ્યમાં કૃત્રિમતાનું વાતાવરણ થાય છે. દલપતરામે એકત્રીસ વર્ષની વયે, એમના કવિજીવનના આરંભમાં જ આ કાવ્ય રચ્યું છે. આ કાવ્ય દલપતરામનું પ્રથમ મહત્ત્વાકાંક્ષી કાવ્ય છે અને ગુજરાતી ભાષાનું પ્રથમ અર્વાચીન કાવ્ય છે. એમાં એની મહત્તા અને મર્યાદા બન્ને સૂચવાય છે. ૧૫મી સદીમાં ઇંગ્લંડની જે સ્થિતિ હતી તે ૧૯મી સદીમાં ભારતની સ્થિતિ હતી. ઇંગ્લંડમાં, આગળ જોયું તેમ, ક્ષેત્રબંધીને કારણે ઘેટાંઉછેરનો ધંધો હતો અને ઊનનું ભારે અસાધારણ ઉત્પાદન હતું. પણ યુરોપમાંથી હૉલેન્ડના કારીગરોનું આગમન થયું ત્યાં લગી ગરમ કાપડના કાંતણ – વણાટને ઉદ્યોગ ન હતો. એથી ઇંગ્લંડમાં ઊનની નિકાસ હતી અને ગરમ કાપડની આયાત હતી. ભારતમાં કંપનીએ ગૃહઉદ્યોગોનો હ્રાસ કર્યો હતો અને નવા યંત્રઉદ્યોગોનો આરંભ કર્યો ન હતો. એથી ભારતમાં કપાસનું ભારે અસાધારણ ઉત્પાદન હતું પણ સુતરાઉ કાપડના કાંતણ-વણાટનો ઉદ્યોગ, યંત્રઉદ્યોગ ન હતો. વળી ભારતમાં કંપનીનું આર્થિક અને રાજકીય વર્ચસ્ હતું. એથી ભારતમાંથી ઇંગ્લંડમાં કપાસની નીચા ભાવે નિકાસ હતી અને ઇંગ્લંડમાંથી ભારતમાં સુતરાઉ કાપડની ઊંચા ભાવે આયાત હતી. આમ, ભારતમાં દારુણ દરિદ્રતાના આરંભનો આ સમય હતો. આ જ સમયે ઇંગ્લંડમાં ઔદ્યોગિક યુગના પ્રથમ સ્તબકની પરાકાષ્ઠા હતી ભારતમાં કંપનીનું આર્થિક અને ૨ાજકીય વર્ચસ્ ન હોત તો ઔદ્યોગિક ક્રાંતિની અને ઇંગ્લંડની શી સ્થિતિ હોત એ કલ્પી શકાય છે. આ સંદર્ભમાં દલપતરામને ‘હુનરખાનની ચઢાઈ' કાવ્ય સૂઝ્યું એ જ એક મહાન સિદ્ધિ છે દલપતરામને અંગ્રેજી ભાષાનું જ્ઞાન ન હતું. છતાં એમને આ કાવ્ય સૂઝ્યું એ એક આશ્ચર્ય પણ છે. જોકે એમણે આ કાવ્ય રચ્યું તે પૂર્વે ૧૮૪૮માં અમદાવાદમાં એમનું અને ફાર્બસનું મિલન થઈ ચૂકયું હતું. એમણે આ કાવ્ય રચ્યું ત્યારે સૂરતમાં એમને અને ફાર્બસનો સહવાસ હતો. એથી આ કાવ્ય એમને સૂઝ્યું એમાં ફાર્બસની પ્રેરણા હશે. આ કાવ્યમાં જ ૨૦૩-૨૧૮ પંક્તિઓમાં એમણે ફાર્બસને અંજલિ આપી જ છે. વળી એમણે આ કાવ્ય રચ્યું તે પૂર્વે ૧૮૫૦માં સુરતમાં સુધરાઈનો ધારો થયો હતો એના વિરોધમાં પ્રજાનું આંદોલન થયું હતું. ત્યારે ફાર્બસને સુધરાઈના અમલદાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. એમની વિનંતીથી દલપતરામ અને દુર્ગારામ મહેતાજીએ સાથે સૂરતની શેરીએ શેરીએ ફરીને સુધરાઈમાં પ્રજાનું કલ્યાણ છે એ સત્ય અનેક ભાષણો દ્વારા પ્રજાને સમજાવીને અંતે સુધરાઈને પક્ષે પ્રજામત કેળવ્યો હતો. એથી આ કાવ્ય એમને સૂઝ્યું એમાં આ અનુભવની પણ પ્રેરણા હશે. ‘હુંનરખાનની ચઢાઈ’ કાવ્ય દલપતરામને સૂઝ્યું એ જો એક મહાન આશ્ચર્ય છે તો એવું કાવ્ય નર્મદને ન સૂઝ્યું એ પણ એટલું જ એક મહાન આશ્ચર્ય છે. નર્મદને અંગ્રેજી ભાષાનું જ્ઞાન હતું. જગતનો ઇતિહાસ, જગતનાં મહાકાવ્યો વગેરેનો પણ એનો અંગત અભ્યાસ હતો. અનેક અંગ્રેજ મિત્રો સાથે એનો અંગત સંબંધ હતો. છતાં મહાકાય ‘નર્મ કવિતા’માં ઔદ્યોગિક ક્રાંતિ વિશે, ઉદ્યોગ, યંત્રઉદ્યોગ વિશે ‘હિન્દુઓની પડતી' (૧૮૬૩-૬૬) આદિ કાવ્યોમાં માત્ર અલ્પસંખ્ય પંક્તિઓ જ પ્રાપ્ત થાય છે. જોકે આ વિશે નર્મદને એક નિબંધ ‘ઉદ્યોગ અને વૃદ્ધિ પ્રાપ્ત થાય છે. જોકે ભારતમાં જ્યાં લગી અંગ્રેજોનું આર્થિક વર્ચસ્ હોય અને એને કારણે રાજકીય વર્ચસ હોય એટલે કે ભારતની રાજકીય પરતંત્રતા હોય ત્યાં લગી એની આર્થિક અને ઔદ્યોગિક સ્વતંત્રતા સિદ્ધ થાય અને એને કારણે ત્યાં લગી ઇંગ્લંડમાં જેટલો આર્થિક અને ઔદ્યોગિક વિકાસ થયો હોય એટલો આર્થિક અને ઔદ્યોગિક વિકાસ ભારતમાં ન થાય. આ સંદર્ભમાં આજે કોઈ પણ પાછી નજરે જોઈ શકે કે ‘હુંનરખાનની ચઢાઈ’માં અને ‘ઉદ્યોગ અને વૃદ્ધિ માં દલપતરામના અને નર્મદના ભારતના આર્થિક અને ઔદ્યોગિક વિકાસ વિશેના દર્શનની મર્યાદા છે. દલપતરામના ઉદ્યોગ, યંત્રઉદ્યોગ વિશેના દર્શનમાં મર્યાદા હતી એ અન્યથા પણ સમજાય છે. ૧૮૬૨થી ૧૮૬૫ લગી અમેરિકામાં આંતરવિગ્રહ હતો. તે સમયમાં ઇંગ્લંડમાં સુતરાઉ કાપડના કાંતણ-વણાટના યંત્રવિજ્ઞાનનો અને ઉદ્યોગ, યંત્રઉદ્યોગનો ભારે અસાધારણ વિકાસ થયો હતો. એથી કપાસની ભારે જરૂર હતી. ઇંગ્લંડમાં અમેરિકામાંથી મોટા પ્રમાણમાં કપાસની આયાત હતી. પણ અમેરિકામાં આંતરવિગ્રહનાં આ વર્ષોમાં કપાસનું ઉત્પાદન ન થયું એથી આ આયાત અશકય હતી. એથી આ સમયમાં ઇંગ્લંડમાં ભારતમાંથી મોટા પ્રમાણમાં કપાસની આયાત હતી. પરિણામે ભારતમાં કપાસનો ખૂબ ઊંચો ભાવ થયો. એમાંથી ભારતના વ્યાપારીઓને મોટો નફો થયો. સહેલું અને સસ્તું ધન આવ્યું પણ એનું શું કરવું એ આ વ્યાપારીઓને ન સૂઝ્યું એ ધનમાંથી મુંબઈમાં બૅક બે રૅક્લેમેશન કંપની અને અમદાવાદમાં ગુજરાત ટ્રેડિંગ કંપની જેવી અનેક ચિત્રવિચિત્ર કંપનીઓ અને અનેક બૅંકો અસ્તિત્વમાં આવી. એના તોરોનો મોટો સટ્ટો થયો. ક્ષણભર તે મુંબઈની સમૃદ્ધિની સીમા ન હતી. ત્યારે દલપતરામે ‘કપાસ વિશે’ કાવ્ય રચ્યું: ‘લડી લડીને ઇંગ્લંડની, આણી દોલત આજ; હુંનરખાન હરાવિયો, રંગ તને વણરાજ. ... જુદ્ધ કરીને જીતનો, તેં શિર ધરિયા તાજ; હારી હુન્નર હેઠો પડ્યો, રંગ તને વણરાજ.' વળી ‘દેશ સુધારા વિશે’ કાવ્ય રચ્યું: ‘વીર વડો વણરાજ, આજ પંકાયો પૂરો, લાખ ગણી થઈ લાજ, કાજ કીધું થઈ શૂરો. ... પરવરિયો તે પરદેશમાં, ફોજ વિના પણ ફાવિયો, તે દેશ તણી દલપત કહે, લક્ષ્મી લૂંટી લાવિયો. ... કરી પરાક્રમ પુનર, હુનરને ખૂબ હરાવ્યો વણ અડચણ આ વખ્ત, તખ્ત ચડી તાજ ધરાવ્યો.’ આમ, અંતે હુન્નરખાનનો પરાજય અને વણરાજનો વિજય થયો એવું આ સમયમાં દલપતરામનું દર્શન, સ્વપ્નદર્શન, બલકે દિવાસ્વપ્નદર્શન હતું. દલપતરામે શૅરોનો સટ્ટો કર્યો. અમદાવાદની સેન્ટ્રલ બૅંકમાંથી નવ હજાર અને કીકાભાઈની બૅંકમાંથી નવ હજાર એમ કુલ અઢાર હજાર રૂપિયા ઉપાડીને એનું શેરોમાં. રોકાણ કર્યું. ત્યાં અમેરિકામાં આંતરવિગ્રહનો અંત આવ્યો, કપાસનું ઉત્પાદન થયું. પરિણામે ભારતમાં કપાસનો ખૂબ નીચો ભાવ થયો. કંપનીઓ, શૅરો, બૅન્કો–બધું જ ખૂબ નીચું ગયું. અને સર્વનાશ થયો. દલપતરામે સેન્ટ્રલ બૅંકને ઘર લખી આપ્યું. બાકીનું રહ્યુંસહ્યું ધન કીકાભાઈની બૅંકને આપ્યું, રૂપિયા અઢાર હજારનું – દેવાળું કાઢ્યું, અને આ અનુભવમાંથી પશ્ચાત્તાપ રૂપે ‘શૅરસટ્ટાની ગરીબીઓ' રચી. ગુજરાતમાં આ શૅરસટ્ટાની કરુણતાની કથા અતિપ્રસિદ્ધ છે. નર્મદ આ શેરસટ્ટાથી મુક્ત હતો, અલિપ્ત હતો. એટલું જ નહીં પણ કપાસમાંથી મોટા નફાના ધનનું શું કરવું એની એને સૂઝસમજ હતી, એથી એણે શૅરસટ્ટા પ્રત્યે રોષ અને તિરસ્કાર પ્રગટ કર્યો. ‘શૅરની ચડતી પડતી' આદિ કાવ્યોમાં અને ‘ડાંડિયો’ના અનેક કટાક્ષલેખમાં નર્મદનું વાસ્તવદર્શન છે. આમ, અંતે હુન્નરખાનનો પરાજ્ય અને વણરાજનો વિજય થયો એવું આ સમયે દલપતરામનું દર્શન એ મિથ્યાદર્શન હતું. દલપતરામે ૧૮૫૧માં ‘હુંનરખાનની ચઢાઈ' કાવ્ય રચ્યું પછી બીજે જ વર્ષે ૧૮૫રમાં ભરૂચમાં ભારતમાં પ્રથમ (અને પછી તરત જ ૧૮૫૯માં અમદાવાદમાં) સુતરાઉ કાપડની મિલ સ્થાપવામાં આવી. ૧૮૭૮માં આ કાવ્યની બીજી આવૃત્તિ સમયે દલપતરામે પાદટીપમાં નોંધ્યું, ‘આ કવિતા રચ્યાને ૨૭ વરસ થઈ ગયાં ને લખવાને ખુશી ઊપજે છે કે તે દિવસ કરતાં હાલ ઘણો સુધારો થયો છે.’ ૧૮૭૮ લગીમાં ભારતમાં ઉદ્યોગો, યંત્રઉદ્યોગોનો નહીંવત્ વિકાસ થયો હતો. છતાં એથી દલપતરામને સંતોષ હતો.. વળી કાવ્યના પૂર્વલેખમાં અને સમગ્ર કાવ્યમાં ઉદ્યોગો, યંત્રઉદ્યોગો, વિશે ભારે ઉત્સાહ પ્રગટ થાય છે અને સમકાલીન ભારતમાં ઉદ્યોગો યંત્રઉદ્યોગોના અભાવના સંદર્ભમાં, સમકાલીન ઇંગ્લંડમાં ઉદ્યોગો, યંત્રઉદ્યોગના ભારે વિકાસના સંદર્ભમાં તથા ભારતની પ્રજાનાં કુસંપ, આળસ, અજ્ઞાન, વહેમ આદિના સંદર્ભમાં આ ઉત્સાહ સકારણ સહજ સ્વાભાવિક પણ છે છતાં દલપતરામમાં ઔદ્યોગિક ક્રાંતિને પરિણામે, યંત્રવિજ્ઞાનના દુરુપયોગને પરિણામે, અર્થકારણમાં નફાખોરી અને રાજ્યકારણમાં સત્તાખોરીને કારણે – ઇંગ્લંડની સામાન્ય પ્રજાની જે કરુણતા હતી તેની તથા અન્ય પ્રજાની પણ એવી જ કરુણતા થાય તેની કલ્પના સુધ્ધાં ન હતી. દલપતરામમાં ઉદ્યોગ, યંત્રઉદ્યોગનું, ઔદ્યોગિક ક્રાંતિનું, ઔદ્યોગિક સંસ્કૃતિનું, ઔદ્યોગિક સમાજનું જે સારું અને સુંદર સ્વરૂપ છે એનું દર્શન છે; પણ એનું જે નરસું અને અસુંદર સ્વરૂપ છે એનું દર્શન નથી. દલપતરામના દર્શનમાં ઔદ્યોગિક ક્રાંતિના, ઔદ્યોગિક સંસ્કૃતિના, ઔદ્યોગિક સમાજના પ્રશ્નનું અતિસરલીકરણ છે. એથી આજે કોઈ પણ પાછી નજરે જોઈ શકે કે દલપતરામનું દર્શન એકપક્ષી, એકાંગી, અપૂર્ણ અને અપૂરતું દર્શન છે. દલપતરામમાં દર્શન છે પણ તે ન્હાનાલાલે એને ‘દિવ્યદર્શન' કહ્યું છે તે દિવ્યદર્શન નથી. હવે પછી તરત જ જોઈશું તેમ ગાંધીજીના હિંદ સ્વરાજ'માં દિવ્યદર્શન છે. ૧૯૦૭-૦૮માં દક્ષિણ આફ્રિકામાં ટ્રાન્સવાલમાં જોહાનિસબર્ગમાં અંગ્રેજોના રંગદ્વેષના બે અન્યાયી ધારાઓની વિરુદ્ધ ગાંધીજીએ એમનો સત્યાગ્રહનો પ્રથમ પ્રયોગ કર્યો. પછી ૧૯૦૯ના જુલાઈની ૧૦મીએ ટ્રાન્સવાલ ડેપ્યુટેશનમાં દક્ષિણ આફ્રિકાના હિન્દીઓના પ્રતિનિધિ-સભ્ય તરીકે એ લંડન ગયા. અને નવેમ્બરની ૧૩મી લગી ત્યાં ચારેક માસ રહ્યા. ત્યારે એમણે સુધારા વિશેનાં એટલે કે આધુનિક સંસ્કૃતિ, ઔદ્યોગિક સંસ્કૃતિ વિશેનાં અનેક પુસ્તકેનું વાચન કર્યું. એ સૌમાં સૌથી વધુ મહત્ત્વનું પુસ્તક ઍડવર્ડ કાર્પેન્ટરનું ‘Civilization, Its Cause and Care’ (‘સુધારો, તેનાં કારણો અને તેની દવા') વાંચ્યું. સપ્ટેમ્બરની ૭મીએ એને પહેલો ભાગ પૂરો કર્યો. સપ્ટેમ્બરની ૮મીએ પોલાકને એ વિશે પત્ર લખ્યો. ઑક્ટોબરની ૧લીએ ટોલસ્ટોય સાથે પત્રવ્યવહારનો આરંભ કર્યો. ઑક્ટોબરની ૮મીએ ઍમર્સન કલબમાં ‘પૅસિવ રિઝિસ્ટન્સની નૈતિકતા’ એ પર વ્યાખ્યાને કર્યું. કટોબરની ૧૩મીએ ડૅમસ્ટેડ પીસ ઍન્ડ આર્બિટ્રેશન સોસાયટીના ઉપક્રમે સી. ઈ. મૉરિસના પ્રમુખપદેથી ફ્રેન્ડસ હાઉસમાં ‘East and West’ (‘પૂર્વ અને પશ્ચિમ’) પર વ્યાખ્યાન કર્યું. ઑક્ટોબરની ૧૪મીએ પોલાકને એ વિશે નક્કી પત્ર લખ્યો, આ ચારેક માસના સમયમાં એમણે ત્યારે ભારતના (જે અરાજકતાવાદીઓ લંડનમાં વસ્યા હતા એમની સાથે અને આ અનેક અંગ્રેજો સાથે સતત સંવાદ કર્યો. સૌથી વિશેષ તો એમણે પોતાની જાત સાથે સંવાદ કર્યો, પોતે આત્મનિરીક્ષણ અને આત્મપરીક્ષણ કર્યું. એને પરિણામે પોતે આત્મશિક્ષણ અને આત્મપરિવર્તન કર્યું. એને પરિણામે એમણે ઇંગ્લંડથી દક્ષિણ આફ્રિકામાં પુનરાગમન સમયે ‘કિલડોનન કેસલ’ સ્ટીમર પર નવેમ્બરની ૧૩મીથી ૨૨મી લગીમાં વીસ પ્રકરણમાં વાચક અને અધિપતિ વચ્ચે સંવાદ રૂપે ‘હિંદ સ્વરાજ ’ ચાલીસ વર્ષની વયે લખ્યું. ‘ઇન્ડિયન ઓપિનિયન’માં ડિસેમ્બરની ૧૧મીએ પહેલાં બાર પ્રકરણ અને ડિસેમ્બરની ૧૮મીએ બાકીનાં આઠ પ્રકરણ એમ બે હપતામાં લેખમાળા રૂપે એ પ્રસિદ્ધ કર્યું. પછી એ લેખમાળા વાચકવર્ગને એટલી બધી ગમી કે તે પુસ્તકાકારે પ્રસિદ્ધ કરવામાં આવી’ ૧૯૧૦ના જાન્યુઆરીમાં, જોહાનિસબર્ગમાં ઇન્ટરનેશનલ પ્રિન્ટિંગ પ્રેસમાંથી માર્ચના આરંભમાં મુંબઈની સરકારે ગાંધીજીનાં અન્ય પુસ્તકોની સાથે આ પુસ્તક પણ જપ્ત કર્યું. એથી અને ગાંધીજીને થયું ‘મારા અંગ્રેજ મિત્રોને એ પુસ્તકના લખાણથી વાકેફ કરવા એ મારી તેમના પ્રત્યેની ફરજ છે’ એથી ‘એક ક્ષણની ઢીલ કર્યા વગર’ માર્ચની ૨૦મીએ જોહાનિસબર્ગમાં ઈન્ટરનેશનલ પ્રિન્ટિગ પ્રેસમાંથી ‘ગાંધીજીએ મિ. કૅલનબૅક માટે એ પુસ્તકનો અંગ્રેજી અનુવાદ કર્યો હતો, તે મુંબઈ સરકારના હુકમના જવાબ રૂપે પ્રસિદ્ધ કર્યો.’ એપ્રિલની ૪થીએ ગાંધીજીએ ટૉલ્સટૉયના ‘એક નમ્ર અનુયાયી તરીકે’ ટૉલસ્ટૉયને એની એક નકલ મોકલી અને સાથે પત્ર લખ્યો. મેની ૯મીએ ટૉલસ્ટૉયે ગાંધીજીને એના ઉત્તર રૂપે પત્ર લખ્યો. એમાં એમણે ‘હિંદ સ્વરાજ' વિશે લખ્યું. મેં તમારી ચોપડી રસથી વાંચી છે. કેમ કે હું માનું છું કે તેમાં ચર્ચવામાં આવેલો વિષય-સત્યાગ્રહ તે હિંદુસ્તાન માટે જ નહીં પણ કુલ આદમજાત માટે સહુથી વધારે અગત્યનો છે... હું તમારી ચોપડીને બહુ કિંમતી ગણું છું.' ૧૯૦૯માં ગાંધીજીએ ‘હિંદ સ્વરાજ' લખ્યું તે પૂર્વે, આગળ જોયું તેમ, ૧૭૬૦માં ઔદ્યોગિક ક્રાંતિને કારણે પ્રથમ ૧૯મી સદીના પૂર્વાર્ધમાં ઇંગ્લંડમાં અને પછી ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં યુરોપ, અમેરિકામાં ઔદ્યોગિક મનુષ્ય, ઔદ્યોગિક સમાજ અને ઔદ્યોગિક સંસ્કૃતિનું સર્જન થયું હતું. પશ્ચિમનું જગત ઔદ્યોગિક યુગના બીજા સ્તબકમાં પ્રવેશી ચૂકયું હતું અને એને પરિણામે, આગળ જોયું તેમ, ઇંગ્લંડમાં અને સમગ્ર યુરોપમાં પ્રાગ્-ઔદ્યોગિક યુગમાં, પ્રાગ-ઔદ્યોગિક સંસ્કૃતિમાં મુખ્યત્વે સંવાદ અને સહકારનાં, ઉદારતા અને નિઃસ્વાર્થનાં જે મૂલ્યો હતાં એનો ઉત્તરોત્તર વધુ ને વધુ હાસ થયો હતો અને એને સ્થાને સંઘર્ષ અને સ્પર્ધાનાં, સંકુચિતતા અને સ્વાર્થનાં મૂલ્યોનો ઉત્તરોત્તર વધુ ને વધુ વિકાસ થયો હતો. અને પરિણામે હવે પશ્ચિમની આધુનિક ઔદ્યોગિક સંસ્કૃતિમાં અર્થકારણમાં નફાખોરી અને રાજ્યકારણમાં સત્તાખોરીની પરાકાષ્ઠા હતી. વિત્તૈષણા અને લોકૈષણાની પરાકાષ્ઠા હતી. સમાજમાં અલ્પસંખ્ય મનુષ્યનું ધન અને સત્તા દ્વારા વર્ચસ હતું અને એ દ્વારા બહુસંખ્ય મનુષ્યોનું શોષણ-ભક્ષણ હતું. આમ, યંત્રોનો, યંત્રવિજ્ઞાનનો ભારે દુરુપયોગ થયો હતો. માર્ક્સ આદિ અનેક દ્રષ્ટાઓને એનું ભાન થયું હતું છતાં એમને માટે ઔદ્યોગિક સંસ્કૃતિ એ મનુષ્યજાતિની પ્રગતિનું પ્રતીક હતી. કારણ કે, આગળ જોયું તેમ, ઇંગ્લંડમાં ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં લોકશાહી સમાજવાદને આરંભ થયો હતો, એનો ઉત્તરોત્તર વિકાસ થયો હતો અને ભવિષ્યમાં હજુ વધુ વિકાસ થશે એવી શ્રદ્ધા હતી. અનેક ચિંતકો-માર્ક્સ સુધ્ધાં–ને ઔદ્યોગિક સંસ્કૃતિ દ્વારા મનુષ્યજાતિ ભૌતિક, બૌદ્ધિક અને નૈતિક પૂર્ણતા સિદ્ધ કરશે અને એમાં યંત્રોનું, યંત્રવિજ્ઞાનનું વિશેષ અર્પણ હશે એવી શ્રદ્ધા હતી. ૧૯મી સદીના અંત લગીમાં ભારતમાં, આગળ જોયું તેમ, અંગ્રેજોનું આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક એમ ત્રિવિધ વર્ચસ્ હતું. ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં ભારતમાં કેટલાક રાષ્ટ્રપ્રેમી શિક્ષિત સજ્જનોએ કેટલાક સમભાવી અંગ્રેજ સજ્જનોના સહકારથી ઇન્ડિયન નેશનલ કૉંગ્રેસ સ્થાપી હતી. પણ ૨૦મી સદીના આરંભમાં બંગભંગ સમયે એના ઍક્સટ્રીમિસ્ટ’-જહાલ અને ‘મોડરેટ’–મવાળ એમ બે ભાગ થયા હતા. ત્યાર પછી તરત જ ત્રાસવાદીઓ, હિંસાવાદીઓ, વિપ્લવવાદીઓ, અરાજકતાવાદીઓની પ્રવૃત્તિનો પણ આરંભ થયો હતો બન્નેનો સ્વરાજ માટે પુરુષાર્થ હતો. બન્નેનું સાધ્ય અભિન્ન હતું – સ્વરાજ, બન્નેનું સાધન ભિન્ન હતું – એકનું આજીજી અને બીજાનું દારૂગોળો. બન્નેનો સ્વરાજનો અર્થ પણ અભિન્ન હતો અંગ્રેજો જાય, એટલે કે અંગ્રેજોનું આર્થિક અને રાજકીય વર્ચસ્ જાય; અને પછી અંગ્રેજોનું સાંસ્કૃતિક વર્ચસ્ હતું ત્યારે જે ન થયું તે થાય, એટલે કે ભારતમાં ઔદ્યોગિક સંસ્કૃતિનું, ઔદ્યોગિક સમાજનું, ઔદ્યોગિક મનુષ્યનું સર્જન થાય. બન્નેને સ્વરાજનો અર્થ હતો અંગ્રેજો જાય પણ અંગ્રેજોનો સુધારો ન જાય, અંગ્રેજો ભારતમાં ન હોય ત્યારે પણ અંગ્રેજોનો સુધારો ભારતમાં હોય. બન્નેનું સમીકરણ હતું: સ્વરાજનો અંગ્રેજોનો સુધારો. ૧૯૦૯માં ગાંધીજીએ ‘હિંદ સ્વરાજ' લખ્યું તે પૂર્વે ગાંધીજીનો સ્વરાજનો અર્થ પણ આ અર્થથી વિશેષભાવે ભિન્ન ન હતો. ગુજરાતમાં દલપત-નર્મદનો સુધારો એ મુખ્યત્વે સામાજિક અને ધાર્મિક સુધારો હતો. ગાંધીજીનો જન્મ આ સુધારાના વાતાવરણમાં થયો. યુવક મોહનદાસનો સુધારો એ પણ મુખ્યત્વે સામાજિક અને ધાર્મિક સુધારો હતો. પણ પછી દક્ષિણ આફ્રિકામાં મિસ્ટર ગાંધીને સુધારો એ રંગદ્વેષના રાજકારણમાં સક્રિય રસને કારણે અને રસ્કિનના પુસ્તક ‘Unto This Last(‘સર્વોદય’)ના વાચનને કારણે રાજકીય અને આર્થિક સુધારો હતો. આ સારો યે સમય એમને અંગ્રેજોની લોકશાહી પ્રત્યે, એની રાજ્યપદ્ધતિ અને ન્યાયપદ્ધતિ પ્રત્યે અનહદ અહોભાવ હતો. પણ ૧૯૦૭-૮માં એમને અંગ્રેજોના રંગદ્વેષનો કરુણ અનુભવ થયો અને અંગ્રેજોના રાજ્યકારણમાં સત્તાખોરીનું પ્રથમ વાર ભાન થયું. એની વિરુદ્ધ એમણે એમનો પ્રથમ સત્યાગ્રહનો પ્રયોગ કર્યો અને એના અનુસંધાનમાં એ લંડન ગયા. ૧૯૦૯માં લંડનમાં એ મિસ્ટર ગાંધીમાંથી મહાત્મા ગાંધી થયા. લંડનમાં એમણે ‘બહુ વાંચ્યું.’ એમણે પંડની સામે બંડ પોકાર્યું. એમણે ‘હિંદ સ્વરાજ' લખ્યું. હવેથી એમનું સાધ્યું હતું સ્વરાજ એટલે અંગ્રેજોનો સુધારો નહીં પણ ‘હિંદ સ્વરાજ'માં જે સ્વરાજ અને સુધારો છે તે સ્વરાજ અને સુધારો અને એમનું સાધન હતું સત્યાગ્રહ. ૧૯૦૯માં ગાંધીજીએ ‘હિંદ સ્વરાજ' લખ્યું તે પૂર્વે ગાંધીજીને સત્ય, અહિંસા અને પ્રેમનો અંગત અનુભવ હતો; એના વૈયક્તિક, કૌટુંબિક સ્વરૂપનો અનુભવ હતો. ૧૯૦૭–૮માં દક્ષિણ આફ્રિકામાં અંગ્રેજોના રંગદ્વેષના રાજકારણમાં આ જ સમયમાં ભારતમાં ઇન્ડિયન નૅશનલ કૉંગ્રેસના સભ્યોને જે આજીજીમાં શ્રદ્ધા હતી તે આજીજી, વિનંતી અંગ્રેજોને કર્યા પછી અંતે એમાં શ્રદ્ધા ન હતી ત્યારે એમને માટે કંઈક કર્મ કરવું, કાર્ય કરવું અનિવાર્ય હતું, કાર્ય–ક્રમ કરવો, સવિનય કાનૂનભંગ કરવો, અહિંસક પ્રતિકાર કરવો, સત્યાગ્રહ કર અનિવાર્ય હતો. એથી એમણે સત્યાગ્રહનો પ્રથમ પ્રયોગ કર્યો. અને એમને સત્ય, અહિંસા અને પ્રેમનો વ્યાપક અનુભવ થયો. એના સામાજિક, વૈશ્વિક સ્વરૂપનો અનુભવ થયો. આ જ સમયમાં ભારતમાં ત્રાસવાદીઓના, વિપ્લવવાદીઓના દારૂગોળાનો, એમની હિંસાનો આરંભ થયો હતો. દક્ષિણ આફ્રિકામાં કેટલાક હિન્દીઓને મન પર એનો પ્રભાવ હતો. ગાંધીજી લંડન ગયા એના એક અઠવાડિયા પૂર્વે જ લંડનમાં એક હિન્દીએ એક અંગ્રેજનું ખૂન કર્યું હતું. લંડનમાં ગાંધીજી ચારેક માસ રહ્યા ત્યારે એમણે જે પ્રસિદ્ધ ભારતીય હિંસાવાદીઓ, અરાજકતાવાદીઓ લંડનમાં વસ્યા હતા તે સૌની સાથે અને અનેક અંગ્રેજોની સાથે સંવાદ કર્યો હતો. ‘હિંદ સ્વરાજ'ની પ્રસ્તાવનામાં અને એને વિશેના એક લેખમાં અને એક સંદેશામાં ગાંધીજીએ લખ્યું છે: ‘વળી વિલાયતમાં ટ્રાન્સવાલ ડેપ્યુટેશન સારુ ચાર માસ રહ્યો તે મુદતમાં મારાથી બન્યા તેટલા હિંદીની સાથે વિચાર કર્યો, બન્યા તેટલા અંગ્રેજોને પણ મળ્યો.' ‘ ‘ઇન્ડિયન ઓપિનિયન'ના ગુજરાતી ઘરાક આઠસેંને આશરે છે. – ઘરાક દીઠ દસ જણ ઓછામાં ઓછા તે છાપું રસપૂર્વક વાંચે છે એમ મેં અનુભવ્યું છે. જેમાં ગુજરાતી નથી જાણતા તેઓ બીજા પાસે વંચાવે છે. આવા ભાઈઓએ મારી પાસે હિંદની દશા વિષે બહુ સવાલ કર્યા છે. એવા જ સવાલ મારી પાસે વિલાયતમાં થયા.’ ‘...હિંદીઓના હિંસાવાદી સંપ્રદાયને અને દક્ષિણ આફ્રિકામાંના તેને મળતા વિચાર ધરાવનાર વર્ગને જવાબ રૂપે તે લખાયું હતું. લંડનમાં વસતા એકેએક જાણીતા અરાજકતાવાદી હિંદીના પ્રસંગમાં હું આવ્યો હતો. એમના શૂરાતનની છાપ મારા મન પર પડેલી, પણ મને લાગ્યું કે એમની ધગશે અવળી દિશા પકડી છે. મને લાગ્યું કે હિંસા એ હિંદુસ્તાનનાં દુઃખોનો ઇલાજ નથી. અને એની સંસ્કૃતિ જોતાં તેણે આત્મરક્ષા સારુ ભિન્ન અને ઉચ્ચતર પ્રકારનું કોઈ શસ્ત્ર વાપરવું જોઈએ. દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહ તે વખતે હજુ માંડ બે વરસનું બાળક હતો. પણ એનો વિકાસ એટલો થઈ ચૂક્યો હતો કે મેં એને વિષે અમુક અંશે આત્મવિશ્વાસથી લખવાની હામ ભીડી હતી.’ ‘વાચક એટલું ધ્યાનમાં રાખે કે કેટલાક કાર્યકર્તાઓ, જેમાંના એક કટ્ટર અરાજક્તાવાદી હતા, તેમની સાથે મારે જે વાતચીત થયેલી તે જેવી ને તેવી મેં એ પુસ્તકમાં ઉતારેલી છે. વાચક એ પણ જાણે કે દક્ષિણ આફ્રિકાના હિંદીઓમાં જે સડો પેસવાની અણી પર હતો તે આ લખાણે અટકાવ્યો છે.’ ગાંધીજીએ આત્મવિશ્વાસથી દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહનો પ્રથમ પ્રયોગ કર્યો હતો. અને ભારતની સંસ્કૃતિને અનુરૂપ એવા આ સત્યાગ્રહને ભારતની આત્મરક્ષા અર્થે ભવિષ્યમાં ભારતમાં અનેકવાર પ્રયોગ કરવાને એમનો આત્મસંકલ્પ હતો. ‘હિંદ સ્વરાજ'ની પ્રસ્તાવનામાં અને એના અંતિમ પ્રકરણનાં અંતિમ વાક્યોમાં ગાંધીજીએ લખ્યું છે: ‘જે વિચારો બતાવ્યા છે તે મારા છે, ને મારા નથી. તે મારા છે કેમ કે તે પ્રમાણે વર્તન કરવાની મારી ઉમેદ છે. તે મારા આત્મામાં ઘડાઈ ગયા જેવા છે.’ ‘મને લાગે છે કે આપણે સ્વરાજનું નામ લીધું છે પણ તેનું સ્વરૂપ સમજ્યા નથી. તે જેવું હું સમજ્યો છું તેવું સમજાવવાનો મેં પ્રયત્ન કર્યો છે. તેવું સ્વરાજ લેવા ખાતર આ દેહ અર્પણ છે, એમ મન સાક્ષી પૂરે છે.’ આ છે ગાંધીજીના સ્વરાજના, સુધારાના સાધ્ય માટેના સાધનની, સત્યાગ્રહની, ‘હિંદ સ્વરાજ'નાં પ્રકરણ ૧૪-૧૭ની પ્રેરણા અને પૂર્વભૂમિકા. ‘હિંદ સ્વરાજ' એ માત્ર કોઈ શબ્દવીરનું નહીં, એક કર્મવીરનું સર્જન છે. ‘હિંદ સ્વરાજ'માં ગાંધીજી દ્રષ્ટા અને સ્રષ્ટા બન્ને છે.’ હિંદ સ્વરાજ’માં ગાંધીજીનું સાધન છે સત્યાગ્રહ અને સાધ્ય છે સ્વરાજ, સ્વ + રાજ. પણ ગાંધીજીમાં સાધન-સાધ્યનો અભેદ છે, એનું અદ્વૈત છે. એથી જ ગાંધીજીમાં સાધનશુદ્ધિનો આગ્રહ છે, સત્ય-અહિંસા-પ્રેમનો આગ્રહ, સત્યાગ્રહ છે. ગાંધીજીએ લંડનમાં ‘બહુ વાંચ્યું. બહુ વિચાર્યું.’ ‘હિંદ સ્વરાજ’ની અને અંગ્રેજી ‘હિંદ સ્વરાજ'ની પ્રસ્તાવનાઓમાં ગાંધીજીએ લખ્યું છે: ‘જે વિચારો બતાવ્યા તે મારા છે, ને મારા નથી...મારા નથી, કેમ કે તે મેં જ વિચાર્યા છે એમ નથી; તે કેટલાંક પુસ્તકો વાંચ્યા પછી બંધાયેલા છે. મનમાં જે ઊંડું ઊંડું જોતો હતો તેને પુસ્તકોએ ટેકો આપ્યો. જે વિચારો વાંચનાર પાસે રજૂ કરું છું તે હિંદુસ્તાનમાં સુધારાની ધૂનમાં નહીં આવેલા એવા ઘણા હિંદી ધરાવે છે, એ તો કંઈ સાબિત કરવા જેવું રહેતું નથી, પણ તે જ વિચારે યુરોપના હજારો માણસો ધરાવે છે તે હું વાંચનારના મનમાં મારા પુરાવાથી જ ઠસાવવા માગું છું. જેને તે શેાધ કરવી હોય, જેને તેવો અવકાશ હોય, તે માણસ તે પુસ્તકો જોઈ શકશે.’ ‘ ‘હિંદ સ્વરાજ’માં દર્શાવ્યા છે તે વિચારે હું પોતે ધરાવું છું. પણ એટલું કહેવું જોઈએ કે તેમાં હિંદના મહાન તત્ત્વવેત્તાઓ ઉપરાંત ટૉલ્સ્ટૉય, રસ્કિન, થોરો, ઍમર્સન અને બીજા લેખકોને મારી સમજ પ્રમાણે અનુસરવા જ કોશિશ કરી છે. કેટલાંક વર્ષો થયાં ટૉલ્સટૉય મારા શિક્ષક તરીકે નીવડેલ છે. આ તરજુમામાં જણાવેલા વિચારોનું જેને પ્રતિપાદન જોઈતું હોય તેમના માટે ઉપર જણાવેલા મહાન નરોનાં કેટલાંક પુસ્તકોની યાદી પુરવણીમાં આપી છે.' ગાંધીજીએ અંગ્રેજી ‘હિંદ સ્વરાજ'નાં પરિશિષ્ટોમાં ‘હિંદ સ્વરાજ'ના અભ્યાસ માટે વાચન કરવાની ભલામણુ સાથે વીસ પુસ્તકોની યાદી આપી છે અને સાથે પ્રાચીન ભારતીય સંસ્કૃતિએ અર્વાચીન સંસ્કૃતિ પાસેથી ભાગ્યે જ કંઈ ભણવાનું હોય એ અંગેનાં આઠ પ્રસિદ્ધ વ્યક્તિઓનાં વિધાનોનાં અવતરણો આપ્યાં છે. સપ્ટેમ્બરની ૭મીએ ગાંધીજીએ એમાંના એક પુસ્તક – ઍડવર્ડ કાર્પેન્ટરના ‘Civilization, Its Cause and Cure (‘સુધારો, તેનાં કારણે અને તેની દવા’)-ના પહેલા ભાગનું વાચન પૂરું કર્યું અને સપ્ટેમ્બરની ૮મીએ પોલાક પરના પત્રમાં એ વિશે લખ્યું: ‘આપણે જેને સંસ્કૃતિ તરીકે ઓળખીએ છીએ તેનું તેમણે સરસ પૃથક્કરણ કર્યું છે. તેમણે સંસ્કૃતિની ઘણુ સખત નિંદા કરી છે અને તે મારા અભિપ્રાય મુજબ પૂરેપૂરી વાજબી છે. તેમણે સૂચવેલે ઇલાજ સારો છે, પરંતુ મને લાગે છે કે પોતાની જ કલ્પનાથી એ પોતે ગભરાય છે અને તે સ્વાભાવિક પણ છે, કારણ કે તેમને પોતાની ભૂમિકા વિષે પાકી ખાતરી નથી. મારી માન્યતા અનુસાર કોઈ પણ માણસ હિંદના દિલને પિછાને નહીં ત્યાં સુધી ભવિષ્ય વિષે ચોક્કસ અનુમાન બાંધી નહીં શકે તેમ જ તેને યોગ્ય ઇલાજ પણ ન બતાવી શકે. હવે તમે એ વાત સમજી શકશો કે મારા વિચારો મને કઈ દિશામાં ધકેલી રહ્યા છે.’ [મૂળ અંગ્રેજી પત્રનો અક્ષરદેહ’માં અનુવાદ] આમ, ગાંધીજીના આત્મામાં જે વિચારો ઘડાઈ ગયા જેવા હતા અને ગાંધીજી મનમાં જે ઊંડું ઊંડું જોતા હતા એને આ પુસ્તકોએ, સવિશેષ કાર્પેન્ટરના પુસ્તકે ટેકો આપ્યો. ઉપરાંત એમને એમની ભૂમિકા વિશે પાકી ખાતરી હતી, એ હિંદના દિલને પિછાનતા હતા, એમને હિંદના ભવિષ્ય વિશે ચોક્કસ અનુમાન બાંધવું હતું, તેમ જ તેનો ઇલાજ બતાવવો હતો. એમના વિચારો એમને ‘હિંદ સ્વરાજ'ની દિશામાં ધકેલી રહ્યા હતા. ઑક્ટોબરની ૧લીએ કેટલાંક વર્ષો થયાં એમના શિક્ષક તરીકે નીવડેલ ટૉલ્સ્ટૉય સાથે પત્રવ્યવહારને આરંભ કર્યો. ઑક્ટોબરની ૮મીએ હૅમ્પસ્ટેડ કલબમાં ‘પૂર્વ અને પશ્ચિમ’ પર વ્યાખ્યાન કર્યું. ઑક્ટોબરની ૯મીએ પોલાક પરના પત્રમાં ગાંધીજીએ પોતે જ એનો સારો આપ્યો છે. વળી ઇન્ડિયન નૅશનલ કૉંગ્રેસની લંડનમાંની બ્રિટિશ હિંદી કમિટીના અંગ્રેજી સાપ્તાહિક ‘India'ના ઑક્ટોબરની ૨૨મીના અંકમાં પણ એનો સાર પ્રગટ થયો છે. ‘હિંદ સ્વરાજ'ની સાચી અને સંપૂર્ણ સમજ માટે આ વ્યાખ્યાનનો સાર એક અમૂલ્ય સહાય છે. પોલાક પરના પત્રમાં આ વ્યાખ્યાનના તે અનુસંધાનમાં ગાંધીજીએ પોતાનું મન અને હૃદય ખોલ્યું છેઃ ‘...તમે હવે લગભગ આખું હિંદુસ્તાન જોઈ વળવાના છો, જે લહાવો હજી હું લઈ શક્યો નથી, એટલે મને લાગે છે કે, અહીં વધારે ગંભીર નિરીક્ષણ પછી જે ચોક્કસ અનુમાન પર હું આવ્યો છું તે મારે લખી નાખવા જોઈએ. આ વસ્તુ મારા મનમાં ઘોળાયા કરતી હતી, પણ કોઈ ચોક્કસ અને સ્પષ્ટ ચિત્ર ઊઠ્યું નહોતું. ‘પૂર્વ અને પશ્ચિમ’ એ વિષય ઉપર પીસ ઍન્ડ આર્બિટ્રેશન સેસાયટી આગળ બોલવાનું આમંત્રણ મેં સ્વીકાર્યું ત્યાર બાદ મારું મગજ અને હૃદય બંને કામ કરવા મંડી ગયા... તમે એ પણ જોશો કે સત્યાગ્રહની સાચી ભાવનાને લઈને જ હું ઉપરનાં ચોક્કસ અનુમાન ઉપર આવ્યો છું... જો મને એનું સત્ય સમજાયું હોય તો એનો અમલ કરતાં મને આનંદ થવો જોઈએ... એટલે મને લાગે છે કે મેં માનસિક રીતે જે પગલું ભર્યું છે અને જેને હું પ્રગતિકારક પગલું કહું છું, તે તમારાથી છુપાવવું નહીં જોઈએ.’ (મૂળ અંગ્રેજી પત્રનો ‘અક્ષરદેહ’માંનો અનુવાદ) આમ, જે વસ્તુ એમના મનમાં ધળયા કરતી હતી, પણ કેાઈ ચોક્કસ અને સ્પષ્ટ ચિત્ર ઊઠ્યું નહોતું તેમાંથી વધારે ગંભીર નિરીક્ષણ પછી અને આ વ્યાખ્યાન પછી એમનું મગજ અને હૃદય બન્ને વધારે કામ કરવા મંડી ગયા એથી ગાંધીજી એમના સત્યાગ્રહની સાચી ભાવનાને લઈને જ ચોક્કસ અનુમાનો પર આવ્યા હતા અને એમને એમનું સત્ય સમજાયું હતું એથી હવે એમણે માનસિક રીતે જે પ્રગતિકારક પગલું ભર્યું હતું એનો અમલ કરવાનો એમનો આત્મસંકલ્પ હતો અને એનો એમને આનંદ હતો. આ છે ગાંધીજીના સ્વરાજ અને સુધારાના સાધ્યની, ‘હિંદ સ્વરાજ'નાં પ્રકરણ ૧-૧૩ અને ૧૮-૨૦ની પ્રેરણા અને પૂર્વભૂમિકા. ગાંધીજીએ ૧૯૦૯માં 'હિંદ સ્વરાજ' લખ્યું તે પૂર્વે ગાંધીજીનું એમના સાધ્યનું, સ્વરાજ અને સુધારાનું જે દર્શન હતું તે દલપત-નર્મદનું, ઇન્ડિયન નૅશનલ કૉંગ્રેસના જહાલ અને મવાળ બન્ને પક્ષના સભ્યોનું, ત્રાસવાદી અને હિંસાવાદીઓ, વિપ્લવવાદીઓ અને અરાજકતાવાદીઓ આદિ સૌનું એમના સાધ્યનું, સ્વરાજ અને સુધારાનું જે દર્શન હતું એથી વિશેષપણે ભિન્ન ન હતું. ‘હિંદ સ્વરાજ'માં ગાંધીજીએ વાચક સાથેના સંવાદમાં અધિપતિ રૂપે વિવિધ સંદર્ભમાં એ વિશે ત્રણ વાર લખ્યું છેઃ ‘તમે માને છે તેમ એક વેળા હું પણ માનતો.’ ‘દાક્તરના વિષે જેમ તમને હજુ મોહ છે તેમ મને પણ હતો. એક વખત એવો હતો કે જ્યારે મે' પોતે દાક્તર થવાનો ઇરાદો રાખેલે, અને દાક્તર થઈ મારે કોમની સેવા કરવી એમ ધાર્યું હતું. હવે તે મોહ ગયો છે.’ ‘તમે ઠીક દલીલ કરી છે. તે એવી છે કે તેથી ઘણા છેતરાયા છે. હું પણ તેવી દલીલ કરતો. પણ હવે મારી આંખ ખૂલી છે ને હું મારી ભૂલ જોઈ શકું છું.’ પણ લંડનમાં, આગળ જોયું તેમ, ગાંધીજીને એમના સાયનું, સ્વરાજ અને સુધારાનું નવું દર્શન થયું. એથી ત્યાર લગી એમના સાધ્યનું, સ્વરાજ અને સુધારાનું જે દર્શન હતું એ વિશે એમને સંપૂર્ણ નિભ્રાંતિનો અનુભવ થયો. એમને એમના વૈચારિક વિશ્વમાં આમૂલ ક્રાંતિને અનુભવ થયો. એમના જ શબ્દોમાં, હમણાં જ જોયું તેમ, ‘હવે તે મોહ ગયો છે', ‘પણ હવે મારી આંખ ખૂલી છે ને મારી ભૂલ જોઈ શકું છું.' એમણે પોતાના પંડ સામે બંડ પોકાર્યું. અને ઇંગ્લંડ અને આફ્રિકા વચ્ચેના ચંચલ સમુદ્રજલ પર વીસેક દિવસના અલ્પ સમયમાં જ ‘હિંદ સ્વરાજ' લખ્યું. ‘હિંદ સ્વરાજની પ્રસ્તાવનામાં ગાંધીજીએ લખ્યું છેઃ ‘જ્યારે મારાથી નથી રહેવાયું ત્યારે જ મેં લખ્યું છે.’ વળી ‘હિંદ સ્વરાજ' લખ્યું એને ત્રીજે જ દિવસે, નવેમ્બરની ૨૪મીએ સ્ટીમર પરથી જ મગનલાલ ગાંધીને પત્રમાં એ વિશે લખ્યુંઃ ‘આ વખતે સ્ટીમરમાં મેં કામ કર્યું છે તેની કંઈ હદ નથી રહી.’ અને તે જ દિવસે મણિલાલ ગાંધીને પત્રમાં લખ્યું: ‘હું જમણે હાથે લખીને થાક્યો છું એટલે હવે તમારી ઉપર કાગળ ડાબે હાથે લખું છું.' ગાંધીજીના હસ્તાક્ષરમાં ‘હિંદ સ્વરાજ'ની એક આવૃત્તિ પ્રસિદ્ધ છે. એમાં પણ એમણે ડાબે હાથે કેટલુંક લખાણ કર્યું છે. અને જમણે હાથે જે લખાણ કર્યું છે તે હસ્તાક્ષર સૂચવે છે તેમ ત્વરિત ગતિએ કર્યું છે. આમ, ગાંધીજીએ ન રહેવાયું ત્યારે જ, બન્ને હાથે, ત્વરિત ગતિએ, દસેક દિવસમાં જ ‘હિંદ સ્વરાજ' લખ્યું છે. એથી ગાંધીજીના વિચારની ઉગ્રતા અને એમની લાગણીની તીવ્રતાની પ્રતીતિ થાય છે. અને એથી જ ગાંધીજીએ ૧૯૩૮માં ‘હિંદ સ્વરાજ' વિશેના એક સંદેશામાં લખ્યું છેઃ ‘એ પુસ્તક મારે આજે ફરી લખવાનું હોય તો હું ક્યાંક ક્યાંક તેની ભાષા બદલું.’ આ છે ગાંધીજીની ‘હિંદ સ્વરાજ'ની શેલીની પ્રેરણા અને પૂર્વભૂમિકા. ગાંધીજીએ ૧૯૦૯માં ‘હિંદ સ્વરાજ' લખ્યું તે પૂર્વે એમનું એમના સાધનનું જે દર્શન હતું તે પણ ઇન્ડિયન નેશનલ કૉંગ્રેસના સભ્યોનું એમના સાધનનું જે દર્શન હતું એથી વિશેષપણે ભિન્ન ન હતું; પણ ત્રાસવાદીઓ અને હિંસાવાદીઓ, વિપ્લવવાદીઓ અને અરાજકતાવાદીઓનું એમના સાધનનું જે દર્શન હતું એથી તદ્દન ભિન્ન હતું. દક્ષિણ આફ્રિકામાં અંગ્રેજોના રંગદ્વેષના રાજકારણમાં એમણે આરંભમાં એ સાધનનો, આજીજીઓ અને વિનંતીઓનો ઉપયોગ કર્યો હતો. પણ અંતે એમને એમાં શ્રદ્ધા ન રહી ત્યારે એમને એમના નવા સાધનનું, સત્ય-અહિંસા-પ્રેમના સાધનનું, સત્યાગ્રહના સાધનનું દર્શન થયું, ત્યારે ગાંધીજીએ પોતાની સાથે સંવાદ કર્યો. આ જ સમયમાં ભારતમાં ત્રાસવાદીઓ, વિપ્લવવાદીઓના દારૂગોળાનો, એમની હિંસાનો આરંભ થયો. દક્ષિણ આફ્રિકામાં કેટલાક હિંદીઓના મન પર એનો પ્રભાવ હતો. ગાંધીજીએ એમની સાથે પણ સંવાદ કર્યો. ગાંધીજી લંડન ગયા એના એક અઠવાડિયા પૂર્વે જ લંડનમાં એક હિંદીએ એક અંગ્રેજનું ખૂન કર્યું હતું. ગાંધીજીને લંડનમાં જેનું નવું દર્શન થયું તે સાધ્યની, સ્વરાજ અને સુધારાની સિદ્ધિ અર્થે દક્ષિણ આફ્રિકામાં જેનું નવું દર્શન થયું હતું અને જેની સાચી ભાવનાને લઈને લંડનમાં એ જેને વિશે ચોકકસ અનુમાનો પર આવ્યા હતા અને એમને જેનું સત્ય સમજાયું હતું એથી એમણે જેનું માનસિક રીતે પ્રગતિકારક પગલું ભર્યું હતું એ સાધનનો, સત્ય-અહિંસા-પ્રેમના સાધનનો, સત્યાગ્રહના સાધનનો ભવિષ્યમાં ભારતમાં ઉપયોગ કરવાનો એમનો આત્મસંકલ્પ હતો. એથી લંડનમાં એ ચારેક માસ રહ્યા ત્યારે એમણે પોતાની સાથે તથા જે પ્રસિદ્ધ ભારતીય હિંસાવાદીઓ, અરાજકતાવાદીઓ લંડનમાં વસ્યા હતા તે સૌની સાથે અને અનેક અંગ્રેજોની સાથે સંવાદ કર્યો હતો. ‘હિંદ સ્વરાજ' અને અંગ્રેજી ‘હિંદ સ્વરાજ'ની પ્રસ્તાવનાઓમાં અને એને વિશેના એક લેખમાં અને એક સંદેશામાં ગાંધીજીએ લખ્યું છેઃ ‘આ વિષય પર મેં વીસ પ્રકરણ લખ્યાં છે, તે વાંચનાર આગળ મૂકવાની હિંમત કરું છું.' ‘જે મારા વિચાર છેવટના લાગ્યા તે વાંચનારની પાસે મૂકવા એ મારી ફરજ સમજ્યો.' ‘આવા ભાઈઓએ મારી પાસે હિંદની દશા વિષે બહુ સવાલ કર્યા છે. એવા જ સવાલ મારી પાસે વિલાયતમાં થયા. તેથી મને લાગ્યું કે જે વિચાર આમ ખાનગીમાં બતાવ્યા તે મારે જાહેરમાં મૂકવા એ દોષિત નહીં ગણાય.’ ‘સરળતાની ખાતર લખાણને વાચક અને અધિપતિ વચ્ચે સંવાદ હોય એવા રૂપમાં આપ્યું છે.' ‘લખાણને સંવાદનું રૂપ આપવા સામે કેટલાક મિત્રો, જેમણે તરજુમો વાંચ્યો છે, તેમણે વાંધો બતાવ્યો હતો. તેમને હું એટલો જ જવાબ આપી શકું છું કે એ રૂપ આપવાનું ગુજરાતીમાં સહેલાઈથી બની શકે છે, તેમજ કઠણ વિષયોને સરળ બનાવવાની સરસમાં સરસ રીત એ જ છે. જો એ વિષય અંગ્રેજી વાચકો સારુ મેં લખ્યો હોત તો એને બીજી રીતે ઘડત. વળી જે સંવાદ આપવામાં આવ્યો છે તે કેટલાક મિત્રો, જેમાંના ઘણાખરા ‘ઇન્ડિયન ઓપિનિયન’ના વાંચનારા છે તેમની અને મારી વચ્ચે ખરેખર ચાલ્યો હતો.' ‘...હિંદીઓના હિંસાવાદી સંપ્રદાયને અને દક્ષિણ આફ્રિકામાંના તેને મળતા વિચાર ધરાવનાર વર્ગને જવાબ રૂપે તે લખાયું હતું. લંડનમાં વસતા એકેએક જાણીતા અરાજકતાવાદી હિંદીના પ્રસંગમાં હું આવ્યો હતો. મને લાગ્યું કે હિંસા એ હિંદુસ્તાનનાં દુ:ખનો ઇલાજ નથી, અને તેની સંસ્કૃતિ જોતાં તેણે આત્મરક્ષાને સારુ ભિન્ન અને ઉચ્ચતર પ્રકારનું કોઈ શસ્ત્ર વાપરવું જોઈએ. દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહ તે વખતે હજુ માંડ બે વરસનું બાળક હતો. પણ તેનો વિકાસ એટલો થઈ ચૂક્યો હતો કે મેં એને વિષે અમુક અંશે આત્મવિશ્વાસથી લખવાની હામ ભીડી હતી.' ‘વાચક એટલું ધ્યાનમાં રાખે કે કેટલાક કાર્યકર્તાઓ, જેમાંના એક કટ્ટર અરાજકતાવાદી હતા, તેમની સાથે મારે જે વાતચીત થયેલી તે જેવી ને તેવી મેં એ પુસ્તકમાં ઉતારેલી છે. વાચક એ પણ જાણે કે દક્ષિણ આફ્રિકાના હિંદીઓમાં જે સડો પેસવાની અણી પર હતો તે આ લખાણે અટકાવ્યો હતો.' ગાંધીજીએ ‘હિંદ સ્વરાજ' ‘વાચક’ એટલે કે ભારત, દક્ષિણ આફ્રિકા, લંડનમાંના હિંદી હિંસાવાદીઓ તથા અરાજકતાવાદીઓ અને ‘અધિપતિ’ એટલે કે ‘ઇન્ડિયન ઓપિનિયન’ના અધિપતિ-તંત્રી ગાંધીજી વચ્ચે વીસ પ્રકરણમાં સંવાદ રૂપે લખ્યું છે. ગધીજી અને આ હિંસાવાદીઓ તથા અરાજકતાવાદીઓ વચ્ચે આ સંવાદ ખરેખર ચાલ્યો હતો અને આ વાતચીત જેવી ને તેવી ‘હિંદ સ્વરાજ'ના સંવાદ રૂપે ગાંધીજીએ લખી છે. ગાંધીજીને એમનો વિચારો છેવટના લાગ્યા હતા અને એ એમણે દક્ષિણ આફ્રિકામાં અને વિલાયતમાં જે ભાઈઓએ એમને હિંદની દશા વિશે સવાલ કર્યા હતા એમને ખાનગીમાં બતાવ્યા હતા. પણ દક્ષિણ આફ્રિકામાં બે વર્ષ પૂર્વે ગાંધીજીએ એમનો સત્યાગ્રહનો પ્રથમ પ્રયોગ કર્યો હતો. હિંસા એ હિંદુસ્તાનનાં દુઃખોને ઇલાજ નથી એથી ભારતે એની સંસ્કૃતિને અનુરૂપ એવું હિંસાથી ભિન્ન અને ઉચ્ચતર પ્રકારનું કોઈ શસ્ત્ર એની આત્મરક્ષા અર્થે વાપરવું જોઈએ એમ મને લાગ્યું હતું. એથી ભવિષ્યમાં ભારતમાં એમને સ્વરાજ અર્થે સત્યાગ્રહનો, અહિંસાનો ઉપયોગ કરવો હતો. આગળ કહ્યું તેમ, ‘હિંદ સ્વરાજ' એ માત્ર કોઈ શબ્દવીરનું નહીં એક કર્મવીરનું સર્જન છે. એથી આ વિચારો તરફ વિશાળ જનસંખ્યાનું ધ્યાન ખેંચાય એ ગાંધીજીને માટે એક અનિવાર્ય જરૂર હતી. એમની ફરજ હતી. જેથી ભારતના હિંદીઓમાં હિંસાને જે સડો પેસવાનો આરંભ થયો હતો અને દક્ષિણ આફ્રિકાના હિંદીઓમાં હિંસાને જે સડો પેસવાની અણી પર હતો તે અટકે. એથી એમણે હિંદમાંના હિંસાવાદી સંપ્રદાયને અને દક્ષિણ આફ્રિકામાં તેને મળતા વિચાર ધરાવનાર વર્ગને જવાબ રૂપે પોતાને આ વિચાર વિશે, સ્વરાજ અને સત્યાગ્રહ વિશે અમુક અંશે આત્મવિશ્વાસથી લખવાની હામ ભીડી હતી અને આ વિષય પર વીસ પ્રકરણ લખીને વાંચનાર આગળ જાહેરમાં મૂકવાની હિંમત કરી હતી. વળી પિતાના આ વિચારો ભારતમાંના અને દક્ષિણ આફ્રિકામાંના વધુમાં વધુ સંખ્યામાં પોતાના હિંદી ભાઈઓ સમજે અને સ્વીકારે એ માટે એને સરળ બનાવવા એ પણ ગાંધીજી માટે એક અનિવાર્ય જરૂર હતી. એથી કઠણ વિષયોને સરળ બનાવવાની જે સરસમાં સરસ રીત છે તે સંવાદના રૂપમાં એમણે એને વિશે લખાણ કર્યું. અને ગુજરાતીમાં આ સંવાદના રૂપમાં લખાણ કરવું સહેલું છે. એમણે આ વિષય વિશે અંગ્રેજો માટે અન્ય રૂપમાં લખાણ કર્યું હોત. વળી એમણે પ્લૅટોમાંથી સૉક્રેટિસના સંવાદોનું વાચન કર્યું હતું. પ્રતિપક્ષી પોતાનો વિચાર પ્રથમ પ્રગટ કરે, પછી એ વિચારના દોષોનું એને દર્શન કરાવવું, પછી પોતાનો નિર્દોષ વિચાર પ્રગટ કરવો અને એમ પોતાના નિર્દોષ વિચારની પ્રતિપક્ષીને પ્રતીતિ કરાવવી જેથી પ્રતિપક્ષી પોતાના સદોષ વિચારને અંતે સ્વેચ્છાએ ત્યાગ કરે–આ સોક્રેટિસી વક્રતાનો ગાંધીજીને પરિચય હતો. આ છે ગાંધીજીના ‘હિંદ સ્વરાજ'ના સ્વરૂપની, અને કંઈક અંશે શૈલીની પણ પ્રેરણા અને પૂર્વભૂમિકા. ‘હિંદ સ્વરાજ'માં ગાંધીજીએ ભારતમાં અંગ્રેજોના આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક વર્ચસ્‌નું વિશ્લેષણ અને વિવેચન કર્યું છે. ‘હિંદુસ્તાન કેમ ગયું?’ એ પ્રકરણમાં ગાંધીજીએ આરંભમાં લખ્યું છેઃ ‘હિંદુસ્તાન અંગ્રેજોએ લીધું એમ નથી, પણ આપણે તેને દીધું છે. હિંદુસ્તાનમાં તેઓ પોતાના બળે નથી ટકી શકયા પણ આપણે તેઓને રાખ્યા છે.’ ભારતમાં માત્ર વ્યાપાર અર્થે અંગ્રેજોનું આગમન થયું. એમાંથી ભારતના વ્યાપારીઓના મોહને કારણે ભારતમાં અંગ્રેજોનું આર્થિક વર્ચસ્ થયું. અને પછી એમાંથી ભારતના રાજવીઓના કુસંપને કારણે ભારતમાં અંગ્રેજોનું જે એમણે કદી લખ્યું ન હતું તે રાજકીય વર્ચસ્ થયું. પછી આ આર્થિક અને રાજકીય વર્ચસ્‌ને કારણે, એને માટે ભારતમાં અંગ્રેજોનું સાંસ્કૃતિક વર્ચસ્ થયું. એમના આર્થિક અને રાજકીય વર્ચસ્‌ને માટે જેવો અને જેટલો જરૂરી હોય એવો અને એટલો ભારતમાં અંગ્રેજોએ રેલવેઓ, વકીલ-અદાલતો, દાક્તરો-ઇસ્પિતાલો, કેળવણી, સંચાકામ આદિનો ઇંગ્લંડ, યુરોપ, પશ્ચિમની આધુનિક ઔદ્યોગિક સંસ્કૃતિનો વિકાસ કર્યો અને માત્ર એ અને એટલો જ વિકાસ કર્યો. ઇંગ્લંડમાં અંગ્રેજોએ આ સંસ્કૃતિનો જેવો અને એટલો વિકાસ કર્યો હતો એવો અને એટલો વિકાસ ન કર્યો, કરી શકે. કારણ કે જો એવો અને એટલો વિકાસ કરે તો એને અંતે એમના આર્થિક અને રાજકીય વર્ચસ્‌ને, એના હેતુનો જ હ્રાસ થાય. ભારતમાં અંગ્રેજોએ રેલવેઓ, વકીલ-અદાલતો, અને દાક્તરો-ઇસ્પિતાલો, કેળવણી, સંચાકામ આદિનો જરૂરી હોય એવો અને એટલે જ વિકાસ, સુધારો કર્યો અને એ દ્વારા એમણે ઇ. ભારતમાં એમનું આર્થિક અને રાજકીય વર્ચસ્ કાયમ કર્યું. ઇન્ડિયન નૅશનલ કૉંગ્રેસના સભ્યો અને અરાજકતાવાદીઓ જેવા અલ્પસંખ્ય શિક્ષિતો-ગાંધીજી સુધ્ધાં આ અંગ્રેજોના સુધારાથી અભિભૂત હતા, એની ધૂનમાં હતા. ભારતના વિશાળ ગ્રામપ્રદેશની વિરાટ પ્રજા આ અંગ્રેજોના સુધારાથી મુક્ત હતી. આ શિક્ષિતોનું સાધન ભિન્ન હતું. ઇન્ડિયન નૅશનલ કૉંગ્રેસના સભ્યોનું સાધન હતું આજીજી, અરાજકતાવાદીઓનું સાધન હતું દારૂગોળો. પણ બન્નેનું સાધ્ય અભિન્ન હતું, સ્વરાજ અને સુધારે. સ્વરાજ થાય એટલે કે અંગ્રેજો જાય પણ અંગ્રેજોનો, સુધારો ન જાય. એક વાર અંગ્રેજો જાય પછી અંગ્રેજોએ ઇંગ્લંડમાં રેલવેઓ, વકીલ-અદાલતો, દાક્તરો-ઇસ્પિતાલો, કેળવણી, સંચાકામ આદિનો જે અને જેટલો વિકાસ, સુધારો કર્યો હતો એવો અને એટલો વિકાસ, સુધારો ભારતમાં થાય. પણ જ્યાં લગી રેલવેઓ, વકીલો-અદાલતો, દાક્તરો-ઇસ્પિતાલો, – કેળવણી, સંચાકામ આદિ અંગ્રેજોનો સુધારો ન જાય ત્યાં લગી – સ્વરાજ ન થાય. કારણ કે આ સુધારા દ્વારા તો અંગ્રેજોએ એમનું આર્થિક અને રાજકીય વર્ચસ્ કાયમ કર્યું હતું આ શિક્ષિતોને એમની સુધારાની ધૂનમાં આ સૂઝસમજ ન હતી. ‘હિંદ સ્વરાજ’માં ગાંધીજીનું સાધ્ય અને સાધન બન્ને આ શિક્ષિતોના સાધ્ય અને સાધનથી તદ્દન ભિન્ન છે. ગાંધીજીનું સાધ્ય છે સ્વરાજ અને સુધારો, આ શિક્ષિતોનું સ્વરાજ અને એમનો સુધારો નહીં પણ ‘હિંદ સ્વરાજ'માં છે તે સ્વરાજ અને સુધારો. ગાંધીજીનું સાધન છે – દારૂગોળો નહીં, આજીજી નહીં પણ સા સત્યાગ્રહ. ભારતમાં અંગ્રેજોએ રેલવેઓ, વકીલો-અદાલતો, દાક્તરો, ઇસ્પિતાલો, કેળવણી, સંચાકામ આદિના વિકાસ, સુધારાથી તે એ એમનું આર્થિક અને રાજકીય વર્ચસ્ કાયમ કર્યું હતું. એથી – રેલવેએ, વકીલો-અદાલતે, દાક્તરો-ઇસ્પિતાલો, કેળવણી, – સંચાકામ એ ભારતની પરતંત્રતાના, પરાધીનતાનાં પ્રતીકો છે. ભારતમાં અંગ્રેજોએ એમનો દુરુપયોગ કર્યો છે. એથી જ અને એટલા પૂરતો જ ગાંધીજીનો એમની સામે સત્યાગ્રહ છે. હવે પછી જોઈશું તેમ ગાંધીજીનો એમની સામે એથી વિશેષ સત્યાગ્રહ નથી. અંગ્રેજો ભલે ન જાય પણ એમને સુધારો જાય અને તો જ સ્વરાજ થાય, અને તો સ્વરાજ થાય જ. અને સ્વરાજ થાય પછી પણ અંગ્રેજો ભલે ન જાય પણ એમનો સુધારો તો ન જ થાય. એનું કારણ, હવે પછી જોઈશું તેમ, પ્રાચીન ભારતની આધ્યાત્મિકતાની, આદર્શમયતાની અખંડ પરંપરાનો સંદર્ભ પણ છે. ‘હિંદ સ્વરાજ'માં સ્વરાજની વ્યાખ્યા અને સત્યાગ્રહનો કાર્યક્રમ છે. શિક્ષિતનું સ્વરાજ એટલે અંગ્રેજો જાય પણ અંગ્રેજોનો સુધારો ન જાય. ગાંધીજીનું સ્વરાજ એટલે અંગ્રેજો ભલે ન જાય પણ અંગ્રેજોનો સુધારો જાય. સંતોની અવળવાણી જેવી ગાંધીજીની ‘હિંદ સ્વરાજ'ની વાણી છે. એથી જ ૧૯૧૨માં ગોખલે દક્ષિણ આફ્રિકા ગયા ત્યારે એ ગાંધીજીની મહાનતાને પામી ગયા હતા છતાં ગાંધીજીની મહાનતાને ભારતમાંથી જે સૌપ્રથમ પામી ગયા તે ગોખલે જેવા ગોખલેને પણ એમણે ‘હિંદ સ્વરાજ'નું વાચન કર્યું પછી એમાંનું ગાંધીજીનું દર્શન મિથ્યા દર્શન લાગ્યું હતું. ગાંધીજીના એક સ્વર્ગસ્થ મિત્રને આ દર્શન મૂર્ખ દર્શન લાગ્યું હતું. ગાંધીજીએ ‘આત્મકથામાં અને હિંદ સ્વરાજ' વિશેના એક સંદેશામાં લખ્યું છેઃ ‘...હિંદ સ્વરાજ’માં મેં જે વિચારો દર્શાવ્યા છે તેને ગોખલે હસી કાઢતા અને કહેતા; ‘એક વર્ષ તમે હિંદુસ્તાનમાં રહી જશો એટલે તમારા વિચારો એની મેળે ઠેકાણે આવશે.’ ‘...વાચક મારા એક સ્વર્ગસ્થ મિત્રનો એ અભિપ્રાય પણ જાણે કે આ મૂરખ માણસની કૃતિ છે.’ આ છે ગાંધીજીને ‘હિંદ સ્વરાજ’નો સમકાલીન ભારતની વાસ્તવિકતાની પરિસ્થિતિનો સંદર્ભ. ગાંધીજીનું હૅમ્પસ્ટેડનું વ્યાખ્યાન અને એ વિશેનો એમનો પોલાક પરનો પત્ર આ સંદર્ભની પ્રેરણા અને પૂર્વભૂમિકારૂપ છે. ‘હિંદ સ્વરાજ'માં ગાંધીજીએ અંગ્રેજોના સુધારામાં, ઇંગ્લંડ, યુરોપ અને અમેરિકાની, પશ્ચિમની આધુનિક ઔદ્યોગિક સંસ્કૃતિમાં જે માનવતાવાદ, બુદ્ધિવાદ, ભૌતિકવાદ છે એનું વિશ્લેષણ અને વિવેચન કર્યું છે. પ્રાગ્-ઔદ્યોગિક યુગમાં, મધ્યયુગમાં ઇંગ્લંડ અને યુરોપમાં ઈશ્વર અને આત્માનો, ઈશ્વરશાસિત—ઈશ્વરકેન્દ્રી વિશ્વ અને આધ્યાત્મિક જ્ઞાનનો, ધર્મ અને નીતિનો મહિમા હતો. સમાજતંત્ર, અર્થતંત્ર, રાજ્યતંત્રમાં સંવાદ અને સહકારની, ઉદારતા અને નિઃસ્વાર્થની ભાવના હતી. ઔદ્યોગિક ક્રાંતિની પૂર્વભૂમિકામાં, આગળ જોયું તેમ, પુનરુત્થાન યુગમાં ઇંગ્લંડ અને યુરોપમાં મનુષ્ય અને બુદ્ધિનો, મનુષ્યશાસિત – મનુષ્યકેન્દ્રી વિશ્વ અને ભૌતિક જ્ઞાનનો, દેહ અને ઇન્દ્રિયોનો મહિમા થયો. સમાજતંત્ર, અર્થતંત્ર, રાજ્યતંત્રમાં સંઘર્ષ અને સ્પર્ધાનો, સંકુચિતતા અને સ્વાર્થનો, નફાખોરી અને સત્તાખોરીનો આરંભ થયો. ઔદ્યોગિક ક્રાંતિ પછી ઔદ્યોગિક યુગમાં ઔદ્યોગિક સંસ્કૃતિ, ઔદ્યોગિક સમાજ, ઔદ્યોગિક મનુષ્યનું સર્જન થયું, એમાં યંત્રો અને યંત્રવિજ્ઞાનનો દુરુપયોગ થયો એથી એનો વિકાસ થયો. ગાંધીજીએ ‘હિંદ સ્વરાજ' લખ્યું ત્યારે એમાં સંઘર્ષ અને સ્પર્ધાની, સંકુચિતતા અને સ્વાર્થની, નફાખોરી અને સત્તાખોરીની, વિતૈષણા અને લોકૈષણાની, માનવતાવાદ, બુદ્ધિવાદ અને ભૌતિકવાદની, દેહ અને ઇન્દ્રિયોના મહિમાની પરાકાષ્ઠા હતી. પણ ત્યારે ભારત હજુ પ્રાગ્-ઔદ્યોગિક યુગમાં હતું. ભારતમાં પ્રાગ્-ઔદ્યોગિક સંસ્કૃતિ હતી, પ્રાગ-ઔદ્યોગિક સમાજ, પ્રાગ્- ઔદ્યોગિક મનુષ્ય હતો. એમાં ઈશ્વર અને આત્માનો, ધર્મ અને નીતિનો, અહિંસા અને પ્રેમનો મહિમા હતો. માત્ર શિક્ષિતો જ અંગ્રેજોના સુધારાથી અભિભૂત હતા; એની ધૂનમાં હતા. ભારતના વિશાળ ગ્રામપ્રદેશની વિરાટ પ્રજા અંગ્રેજોના સુધારાથી મુક્ત હતી. ભારતની પ્રજામાં ઈશ્વરવિમુખતા અને ધર્મભ્રષ્ટતાનો આરંભ થયો હતો અને ધર્માચાર્યોમાં દંભ અને સ્વાર્થનો વિકાસ થયો હતો. ગાંધીજીએ ‘હિંદ સ્વરાજ'માં એ વિશે દુઃખ સાથે નિખાલસ એકરાર કર્યો છેઃ ‘...પ્રથમ દુઃખ તો એ છે કે હિંદુસ્તાન ધર્મભ્રષ્ટ થતું ચાલ્યું છે.' ‘...આપણે ઈશ્વરથી વિમુખ થતા જઈએ છીએ.’ ‘ધર્મની કેળવણીનો વિચાર કરતાં માથું ફરવા લાગે છે. ધર્માચાર્યો દંભી અને સ્વાથી જોવામાં આવે છે.’ પણ એકંદરે સમકાલીન ભારતમાં હજુ પ્રાચીન, મધ્યકાલીન ભારતની આદર્શમયતા અને આધ્યાત્મિકતાની પરંપરા અખંડ હતી. એથી જ ગાંધીજીનું સ્વરાજ છે – અંગ્રેજો ભલે ન જાય પણ અંગ્રેજોનો સુધારો જાય. અને એથી જ આ સ્વરાજનું એમનું સાધન-ભારતની આત્મરક્ષા અર્થે એની સંસ્કૃતિને અનુરૂપ એવું સાધન છે – સત્યાગ્રહ, ‘હિંદ સ્વરાજ'માં ‘સ્વરાજ’ – જેટલો મહિમા થયો છે એટલો જ ‘હિંદ’નો મહિમા થયો છે. પણ ગાંધીજીના શબ્દોમાં, એમની શૈલીમાં આવેગ અને આવેશ છે; એમની લાગણીમાં તીવ્રતા, એમના વિચારમાં ઉગ્રતા છે એને કારણે એવો ભાસ થાય છે કે ‘હિંદ સ્વરાજ'માં ‘સ્વરાજ'નો મહિમા થયો છે એથી વિશેષ ‘હિંદ’નો મહિમા થયો છે. અંગ્રેજોના, યુરોપના, પશ્ચિમના સુધારામાં નર્યો માનવતાવાદ, નર્યો બુદ્ધિવાદ, નર્યો ભૌતિકવાદ છે. એના આ ‘નર્યા’પણાને કારણે એની સામે ગાંધીજીનો નર્યો સત્યાગ્રહ છે એથી એમના શબ્દોમાં, એમની શૈલીમાં આવેગ અને આવેશ છે; એમની લાગણીમાં તીવ્રતા, એમના વિચારમાં ઉગ્રતા છે અને એને કારણે એવો ભાસ પણ થાય છે કે ‘હિંદ સ્વરાજ'માં અને સવિશેષ તો સુધારાનું દર્શન’ અને ‘ખરો સુધારો શું?’ એ બે પ્રકરણોમાં અંગ્રેજોને સુધારો વિ. ભારતનો સુધારો એવો વાદવિવાદ રચવાનું અને આ બે સુધારાઓમાં કયો શ્રેષ્ઠ એવો ઉચ્ચાવચતાક્રમ રચવાનું ગાંધીજીનું વલણ અને વર્તન છે: ‘આ સુધારાની ખરી ઓળખ તો એ છે કે માણસો બહિર્‌ની શોધમાં ને શરીરસુખમાં સાર્થક્ય અને પુરુષાર્થ માને છે.’ ‘તેમાં ધર્મની કે નીતિની વાત છે જ નહીં.’ ‘શરીરનું સુખ કેમ મળે એ જ સુધારો શોધે છે.’ ‘આ સુધારો તે અધર્મ છે.’ ‘આ શયતાની રાજ્ય ગણાય.’ ‘હું માનું છું કે જે સુધારો હિંદુસ્તાને બતાવ્યો છે તેને દુનિયામાં કંઈ જ પહોંચી શકે તેમ નથી.’ ‘ઘણા અક્કલ દેનારા આવજા કર્યા કરે છે ત્યારે હિંદ અડગ રહે છે, આ તેની ખૂબી છે, આ તેનું લંગર છે.’ સુધારો એ વર્તન છે કે જેથી માણસ પોતાની ફરજ બજાવે. ફરજ બજાવવી તે નીતિ પાળવી એ છે. નીતિ પાળવી એ આપણાં મનને તથા આપણી ઇન્દ્રિયોને વશ રાખવી એ છે. એમ કરતાં આપણે આપણને ઓળખીએ છીએ. આ જ ‘સુ’ એટલે સારો ધારો છે. તેથી જે વિરુદ્ધ તે કુધારો છે, ઘણા અંગ્રેજી લેખકો લખી ગયા છે કે, ઉપરની વ્યાખ્યા પ્રમાણે હિંદુસ્તાનને કંઈ શીખવાનું નથી રહેતું. આ વાત બરાબર છે.’ ‘આવું જે પ્રજાનું બંધારણ છે તે પ્રજા બીજાને શીખવવાને લાયક છે, તે બીજાની પાસેથી શીખવા લાયક નથી.' ‘તેઓની આગળ ખરું સ્વરાજ હતું.' ‘અને જ્યાં ચાંડાળ સુધારો નથી પહોંચ્યો ત્યાં તેવું હિંદુસ્તાન હજુ યે છે.’

‘હિંદી સુધારાનું વલણ નીતિ દૃઢ કરવા તરફ છે, પશ્ચિમના સુધારાનું વલણ અનીતિ દૃઢ કરવા તરફ છે; તેથી તેને કુધારો કહ્યો, પશ્ચિમનો સુધારો નિરીશ્વરી છે. હિંદી સુધારો સેશ્વરી છે.' 

‘તમે જે સુધારાની હિમાયત કરો છો તેને અમે કુધારો જાણીએ છીએ. અમારા સુધારાને અમે તમારાં કરતાં અત્યંત ચઢિયાત માનીએ છીએ.’ ‘ખરી ખુમારી તે તેને જ ચઢે કે જે જ્ઞાનપૂર્વક માને કે, હિંદી સુધારો તે સર્વોપરી છે ને યુરોપી સુધારો તે ત્રણ દહાડાનો તમાસો છે. એવા સુધારા તો કંઈ થઈ ગયા ને રોળાયા; કંઈ થશે ને રોળાશે.’ આ છે ગાંધીજીને ‘હિંદ સ્વરાજ'નો પ્રાચીન ભારતની આધ્યાત્મિકતાની અને આદર્શમયતાની અખંડ પરંપરાનો સંદર્ભ ગાંધીજીનું હૅમ્પસ્ટેડનું વ્યાખ્યાન અને એ વિશેનો એમનો પોલાક પરનો પત્ર આ સંદર્ભની પ્રેરણા અને પૂર્વભૂમિકા રૂપ છે, ગાંધીજીએ હૅમ્પટેડ કલબમાં ‘પૂર્વ અને પશ્ચિમ' પર વ્યાખ્યાન આપ્યું એમાં એમણે પૂર્વ અને પશ્ચિમના, પૂર્વની અને પશ્ચિમની સંસ્કૃતિઓના ભૂતકાળના સામ્યનું અને ભાવિના મિલનનું દર્શન કર્યું હતું. વ્યાખ્યાનના આરંભમાં જ એમણે કિપ્લિંગની પેલી પ્રસિદ્ધ પંક્તિઓ – ‘East is East and West is West And never the twain shall meet.' -પૂર્વ એ પૂર્વ છે અને પશ્ચિમ એ પશ્ચિમ છે અને બન્ને કદી ભેગા થશે નહીં.' –નું સમરણ કર્યું હતું અને એને વિશે કહ્યું હતું, ‘હું માનું છું કે, આ નિરાશાવાદનો સિદ્ધાંત છે અને માનવવિકાસ સાથે એને મેળ નથી બેસતો. આ પ્રકારનો સિદ્ધાંત સ્વીકારાય એ મને તદ્દન અશક્ય લાગે છે.’ અને પછી ટૅનીસનના પ્રસિદ્ધ કાવ્ય ‘Vision-દર્શન–નું સ્મરણ કર્યું હતું અને એને વિશે કહ્યું હતું, ‘બીજા એક અંગ્રેજ કવિ ટૅનિસને પોતાના Vision (કલ્પના) ગ્રંથમાં સ્પષ્ટપણે પૂર્વ અને પશ્ચિમ વચ્ચેના જોડાણની આગાહી કરી છે અને આ કલ્પનામાં મને શ્રદ્ધા છે...’ – પછી એના અનુસંધાનમાં પોલાક પરના પત્રમાં ગાંધીજીએ લખ્યું હતું. (૧) પૂર્વ અને પશ્ચિમ વચ્ચે ઓળગી નહીં શકાય એવી દીવાલ નથી. (૨) પાશ્ચાત્ય કે યુરોપિયન સંસ્કૃતિ જેવી કોઈ ચીજ નથી. પણ એક આધુનિક સંસ્કૃતિ અસ્તિત્વમાં છે, જે પૂરેપૂરી જડવાદી છે. (૩) આધુનિક સંસ્કૃતિની અસર તળે આવ્યા તે પહેલાં યુરોપના લોકો અને પૂર્વના લોકો, કમમાં કમ હિંદના લોકો વચ્ચે ઘણી બાબતમાં સરખાપણું હતું; અને આજે પણ આધુનિક સંસ્કૃતિના પરિચયમાં નહીં આવ્યા હોય એવા હિદના લોકો અને જે યુરોપિયન એ સંસ્કૃતિની અસર તળે નથી આવ્યા તેઓ, એ સંસ્કૃતિનાં સંતાનો કરતાં હિંદીઓ સાથે વધારે સારી રીતે હળીમળી શકે છે... (૭) પૂર્વ અને પશ્ચિમ માત્ર ત્યારે જ અને સાચી રીતે એકમેકની નજીક આવી શકે, જ્યારે પશ્ચિમ, આધુનિક સંસ્કૃતિને લગભગ સંપૂર્ણ રીતે ફેંકી દે... (૧૬) અને મને લાગે છે કે, દરેક સમજુ માણસ, બેશક હરેક અંગ્રેજ પણ, જે ઇચ્છે તે આ સત્ય શીખી લઈ શકે છે અને તેને અમલમાં મૂકી શકે છે.’ (પોલાક પરના પત્રનો ‘અક્ષરદેહ’માંનો અનુવાદ) ઔદ્યોગિક ક્રાંતિ અને ઔદ્યોગિક યુગ પૂર્વે, પુનરુત્થાન યુગ પૂર્વે, પ્રાગ્‌-ઔદ્યોગિક યુગમાં, મધ્ય યુગમાં ઇંગ્લંડ-યુરોપ–પશ્ચિમમાં જેના કેન્દ્રમાં ઈશ્વર, આત્મા, ધર્મનીતિ, સંવાદ, સહકાર, ઉદારતા, નિઃસ્વાર્થ, અહિંસા, પ્રેમ આદિ છે એવી સંસ્કૃતિ હતી. સમકાલીન ભારતમાં પ્રાચીન ભારતની આધ્યાત્મિકતાની અને આદર્શમયતાની અખંડ પરંપરાને કારણે એવી જ સંસ્કૃતિ છે. એટલે કે પુનરુત્થાન યુગ લગી પૂર્વ અને પશ્ચિમમાં એક જ સંસ્કૃતિ હતી. પછી ઇંગ્લંડ-યુરોપ-પશ્ચિમમાં જેના કેન્દ્રમાં મનુષ્ય, દેહ, ઇન્દ્રિયો, સંઘર્ષ, સ્પર્ધા, સંકુચિતતા, સ્વાર્થ, નફાખોરી, સત્તાખોરી આદિ છે એવી આધુનિક ઔદ્યોગિક જડવાદી સંસ્કૃતિ અસ્તિત્વમાં આવી છે. પણ ભારતમાં આ સંસ્કૃતિ અસ્તિત્વમાં આવી નથી. એથી હવે જે ઇંગ્લંડ- યુરોપ-પશ્ચિમ આ આધુનિક ઔદ્યોગિક જડવાદી સંસ્કૃતિને, એક દુઃસ્વપન જેવી સંસ્કૃતિનો સ્વેચ્છાએ ત્યાગ કરે તે ભવિષ્યમાં પૂર્વની અને પશ્ચિમની સંસ્કૃતિએનું, પૂર્વ અને પશ્ચિમનું મિલન, પુનર્મિલન થાય. પૂર્વ અને પશ્ચિમની એક સંસ્કૃતિ થાય, પૂર્વ અને પશ્ચિમ એક થાય. પણ એમાં જે કોઈએ સુધરવાનું હોય તો તે ભારતે નહીં, ઇંગ્લંડ-યુરોપ-પશ્ચિમે સુધરવાનું છે. એથી જ ગાંધીજીએ ‘હિંદ સ્વરાજ'માં વારંવાર કહ્યું છે કે અંગ્રેજો સુધરે. ગાંધીજીને અંગ્રેજો પ્રત્યે પ્રેમ અને આદર છે. ગાંધીજીને અંગ્રેજોમાં શ્રદ્ધા છે. એથી એમને પ્રતીતિ છે કે એક દિવસ અંગ્રેજો સુધરશે, પશ્ચિમ સુધરશે અને પૂર્વની અને પશ્ચિમની સંસ્કૃતિઓનું, પૂર્વ અને પશ્ચિમનું મિલન, પુનર્મિલન થશે. ગાંધીજીએ ‘હિંદ સ્વરાજ’માં આ વિશે વારંવાર કહ્યું છે: ‘તેઓ બાહોશ માણસ છે, એટલે એ જાળમાંથી નીકળી આવશે એમ મારું માનવું છે. તેઓ સાહસિક છે ને મહેનતું છે. તેઓના વિચાર મૂળે અનીતિભરેલા નથી. એટલે તેમને વિષે મારા મનમાં ઉત્તમ વિચાર જ છે. તેઓનું હાડ ખરાબ નથી. ને સુધારો એ તેઓનો અસાધ્ય રોગ નથી, પણ હાલ તેઓ એ રોગમાં ઘેરાયા છે એ તે ભૂલવાનું જ નથી.’ ‘અંગ્રેજોને કાઢવા એવી નેમ આપણે રાખવાની જરૂર નથી. અંગ્રેજ જે હિંદી થઈને રહે તો આપણે તેને સમાસ કરી શકીએ છીએ.’ ‘જો દેશનું હિત અંગ્રેજોને હાથે થતું હોત તો હું આજે અંગ્રેજને. નમીશ.’ ‘તમે જે તમારો સુધારો જે કુધારો છે, તેને છોડી તમારા ધર્મનું શોધન કરશો તો તમે જોશો કે અમારી માગણી બરાબર છે. એ જ રીતે તમારાથી હિંદુસ્તાનમાં રહેવાય. એમ તમે રહો તો તમારી પાસેથી અમારે કેટલુંક શીખવાનું છે તે શીખીશું અને અમારી પાસેથી તમારે ઘણું શીખવાનું છે તે તમે શીખશો, આમ કરતાં આપણે લાભ લઈશું ને દુનિયાને લાભ કરીશું. પણ તે તો આપણા સંબંધની જડ ધર્મક્ષેત્રમાં નખાય ત્યારે જ બને.’ ‘જે કંઈ મેં કહ્યું છે તે અંગ્રેજોના દ્વેષભાવે નહીં પણ તેમના સુધારાના દ્વેષભાવે કહ્યું છે.’ ‘હિંદ સ્વરાજ'માં ‘સુધારાનું દર્શન' અને ‘ખરો સુધારો શું?’ આ બે પ્રકરણમાં ગાંધીજીએ આધુનિક ઔદ્યોગિક સંસ્કૃતિનું સ્પષ્ટપણે અને સચોટપણે વિગતે વર્ણન કર્યું છે. એમાં એમણે આજે હવે ઔદ્યોગિક યુગને અંતે જે યંત્રવૈજ્ઞાનિક યુગનો આરંભ થયો છે અને એમાં હવે પછી જે યંત્રવૈજ્ઞાનિક સંસ્કૃતિ, યંત્રવિજ્ઞાનિક સમાજ, યંત્રવૈજ્ઞાનિક મનુષ્યનું સર્જન થશે એનું વેધક અને વિરલ ભાવિદર્શન પણ કર્યું છે: ‘...આ તો સુધારાની ટોચ ગણાઈ છે. હજુ જેમ સુધારો વધતો જાય છે તેમ એવું ધારવામાં આવે છે કે માણસે હવાઈ વહાણથી મુસાફરી કરશે ને થોડા કલાકમાં દુનિયાના ગમે તે ભાગમાં જઈ પહોંચશે. માણસેને હાથપગ નહીં વાપરવા પડે. એક બટન ચાંપશે ત્યારે તેને પહેરવાનો પોશાક આવી મળશે, બીજુ બટન ચાંપશે ત્યારે તેનાં છાપાં આવશે, ત્રીજું બટન ચાંપશે ત્યારે તેની ગાડી તૈયાર થઈ જશે, નિત્ય નવાં ભોજન મળશે, હાથ અથવા પગનો ખપ જ નહીં પડે, બધું સંચાથી જ કામ લેવાશે. અગાઉ માણસો જ્યારે લડવા માગતા ત્યારે એકબીજાનું શરીરબળ અજમાવતા. હવે તો તોપના એક ગોળાથી હજાર જાન લઈ શકે છે. આ સુધારાની નિશાની છે.’ ‘હિંદ સ્વરાજ'માં ગાંધીજીનો વકીલો-અદાલતો, દાક્તરો-ઇસ્પિતાલો, કેળવણી સામે સત્યાગ્રહ નથી. એમના અતિરેક, અતિસાર, અત્યાચાર સામે એમનો સત્યાગ્રહ છે. એવી સંસ્કૃતિનું સર્જન થાય કે જેમાં અસંખ્ય મનુષ્યોને અનિવાર્યપણે અન્યાયનો, અનારોગ્યનો, અજ્ઞાનનો અનુભવ થાય અને પછી વકીલો-અદાલતો, દાક્તરો-ઇસ્પિતાલો, કેળવણીનો આત્યંતિક મહિમા થાય એની સામે એમનો સત્યાગ્રહ છે. એવી સંસ્કૃતિનું સર્જન થાય કે જેમાં એક પણ મનુષ્યને કયારેય તે અન્યાયનો, અનારેગ્યનો, અજ્ઞાનનો અનુભવ થાય જ નહીં તો વકીલો-અદાલતો, દાક્તરો-ઇસ્પિતાલો, કેળવણી આપોઆપ અદૃશ્ય થાય એ ગાંધીજીને ઇષ્ટ છે. ‘હિંદ સ્વરાજ' વિશેના એક લેખમાં એમણે લખ્યું છેઃ ‘હું રેલવે કે ઇસ્પિતાલનો નાશ કરવાનું ધ્યેય નથી સેવતો, જો કે તેમનો કુદરતી રીતે નાશ થાય તો હું તેને અવશ્ય વધાવી લઉં. રેલવે અથવા ઇસ્પિતાલો બેમાંથી એક ઊંચી ને વિશુદ્ધ સંસ્કૃતિની સૂચક નથી. બહુ બહુ તો એમ કહી શકાય કે એ અનિષ્ટ તો છે પણ અપરિહાર્ય છે. બેમાંથી એકે રાષ્ટ્રની નૈતિક ઊંચાઈમાં એક તસુનો પણ ઉમેરો કરતી નથી, તે જ પ્રમાણે હું અદાલતોના કાચમ નાશનું ધ્યેય નથી સેવતો, જોકે એવું પરિણામ આવે તો મને બહુ ગમે ખરું.' ગાંધીજીનો રેલવેઓ, સંચાકામ આદિ યંત્રવિજ્ઞાનની પ્રકૃતિદત્ત પદાર્થોના પરિવર્તન માટેની, કૃત્રિમ પદાર્થોના સર્જન અને સ્થળાંતર માટેની શક્તિઓ અને એ માટેનાં સાધનો અને એમની શોધ સામે સત્યાગ્રહ નથી. પણ એમનાં દુરુપયોગ સામે એમનો સત્યાગ્રહ છે. ‘હિંદ સ્વરાજ’ માં ‘સંયાકામ'ના પ્રકરણમાં એમણે લખ્યું છેઃ ‘સંચો એ આધુનિક સુધારાની મુખ્ય નિશાની છે ને તે મહાપાપ છે એ હું ચોખ્ખું જોઈ શકું છું.' ‘સંચાનો ગુણ તો મને એકે યાદ નથી આવતો; અવગુણની તો પડી ચીતરી શકું છું.’ ‘સંચા ઉપર આપણી મીઠી નજરને બદલે ઝેરી નજર પડશે તો છેવટે તે જશે જ.’ પણ પછી ‘હિંદ સ્વરાજ' વિશેના એક લેખમાં એમણે લખ્યું છેઃ ‘યંત્રો અને મિલોના નાશને માટે તો હું એથીયે ઓછો પ્રયાસ કરું છું. એને માટે લોકોની આજે જે તૈયારી છે એના કરતાં ઘણું વધારે સાદાઈ અને ત્યાગની જરૂર પડે.’ ૧૯૨૪માં દિલ્હીમાં એક સંવાદમાં ગાંધીજીએ એમનું યંત્ર અને યંત્રવિજ્ઞાનનું દર્શન વિવેકપૂર્વક અને વિશદતાપૂર્વક વિગતે પ્રગટ કર્યું છે. યંત્ર અને યંત્રવિજ્ઞાનનો હેતુ ધનનો લોભ ન હોવો જોઈએ. એને પરિણામે અમુક વર્ગને જ સમય અને શ્રમનો બચાવ તથા થોડા ગણ્યાગાંઠયા પાસે સંપત્તિનો સંચય ન થવો જોઈએ; થોડા માણસોને કરોડોની કાંધ પર ચડી બેસવામાં યંત્ર મદદગાર ન હોવા જોઈએ. યંત્ર અને યંત્રવિજ્ઞાનનો હેતુ માનવસુખ, લોકહિત, દયા, પ્રેમ હોવો જોઈએ. એને પરિણામે લાખો લોકો કામ વિનાના થઈ ભૂખે મરતા રસ્તા પર ભટકતા ન થવા જોઈએ, માણસનાં અંગો કામને માટે જડ અને નિરુપયોગી ન થવાં જોઈએ કામદાર પાસે ગજા ઉપરાંત કામ કરાવવાનું ન થવું જોઈએ. યંત્રો નડતરરૂપ થવાને બદલે સહાયરૂપ થવાં જોઈએ, મજૂરોની સ્થિતિમાં સુધારો થવો જોઈએ, એમને સારી રોજી મળવી જોઈએ, એમને થઈ શકે એવું કામ દરરોજ મળવું જોઈએ, આખી માનવજાતિના સમય અને શ્રમનો બચાવ થવો જોઈએ, સૌની પાસે સંપત્તિનો સંચય થવો જોઈએ. પ્રજાકીય સરકારના સંચાલન સાથે રાષ્ટ્રની માલિકીનાં કારખાનાં હોવાં જોઈએ અને અત્યંત સુંદર અને આદર્શ પરિસ્થિતિમાં આવાં કારખાનાં ચાલતાં હોવાં જોઈએ. આ સંવાદમાં એમણે કહ્યું હતું: ‘મારો વાંધો યંત્રો સામે નહીં, પણ યંત્રની ઘેલછા સામે છે.’ ‘એટલા માટે હું યંત્રોનો વિવેક કરું.' ‘મારો ઉદ્દેશ યંત્રમાત્રનો વિનાશ કરવાનો નથી, પણ યંત્રોની મર્યાદા આંકવાનો છે.’ ‘લોભને સ્થાને પ્રેમને સ્થાપો. એટલે સૌ રૂડાં વાનાં થશે.’ યંત્રોમાં પ્રેમનું તેલ ઊંજીએ તો સૌ રૂડાં વાનાં થાય. ઔદ્યોગિક યુગમાં, ઔદ્યોગિક સંસ્કૃતિમાં મનુષ્યની બુદ્ધિમત્તાનો વિકાસ થયો છે. પણ જેટલો મનુષ્યની બુદ્ધિમત્તાનો વિકાસ થયો છે એટલો મનુષ્યની નીતિમત્તાનો વિકાસ થયો નથી. પ્રસિદ્ધ અંગ્રેજ ઇતિહાસકાર ટૉઈન્બી એને ‘morality gap–નીતિમત્તાની ખાઈ' કહે છે. ‘હિંદ સ્વરાજ'માં યંત્રોની, યંત્રવિજ્ઞાનની સખત ઝાટકણી નથી. પણ ગાંધીજી કહે છે, ‘આ પુસ્તકમાં આધુનિક સુધારા’ની સખત ઝાટકણી છે.’ ‘હિંદ સ્વરાજ'માં અંતિમ પ્રકરણના અંતિમ ભાગમાં ગાંધીજીના જ એક વાકયમાં, ગાંધીજીની ક્ષમાયાચના સાથે, સહેજ પાઠાન્તરથી કહી શકાય કે, હિંદ સ્વરાજ'માં જે કંઈ એમણે કહ્યું છે તે યંત્રના દ્વેષભાવે નહીં, પણ અંગ્રેજોના સુધારાના દ્વેષભાવે કહ્યું છે. ‘હિંદ સ્વરાજ’માં માત્ર ભારતના સ્વરાજનું જ નહીં પણ સમગ્ર મનુષ્યજાતિના, મનુષ્યમાત્રના સ્વરાજનું દર્શન છે. ‘હિંદ સ્વરાજ'માં ગાંધીજીનું આ દર્શન મંત્રવાણીરૂપે પ્રગટ થયું છેઃ ‘આપણી ઉપર આપણે રાજ્ય ભોગવીએ તે જ સ્વરાજ છે, અને એ સ્વરાજ આપણી હથેળીમાં છે.’ ‘પણ મુખ્ય વાત જણે જણે સ્વરાજ ભોગવવાની છે.’ ગાંધીજીનું આ સ્વરાજનું જે દર્શન છે એનો આત્મા, એનું સત્ય છે ‘સ્વ’. અને આ સ્વ એટલે માત્ર દેહ અને ઇન્દ્રિયો જ નહીં. સ્વ એટલે દેહ અને ઇન્દ્રિયો અને એથીયે વિશેષ તો ઈશ્વર, આત્મા, ધર્મ, નીતિ આદિ મનુષ્ય શબ્દમાં જે પૂર્ણ અર્થ છે તે. ગાંધીજીએ એમનો આ પોતીકો અર્થ ‘હિંદ સ્વરાજ'ની એક આવૃત્તિમાં એના અંતિમ વાક્યમાં ‘સ્વ + રાજ' એવા શબ્દપ્રયોગ દ્વારા પણ સૂચવ્યો હતો. સ્વરાજ એટલે મનુષ્યનું પિતાની પર પોતાનું રાજ. એથી જ ગાંધીજીના સ્વરાજમાં જ્યાં એક મનુષ્ય પર અન્ય મનુષ્યના રાજને સ્થાન નથી ત્યાં એક વર્ગ પર અન્ય વર્ગનું રાજ, એક જાતિ પર અન્ય જાતિનું રાજ, એક સમાજ પર અન્ય સમાજનું રાજ, એક રાષ્ટ્ર પર અન્ય રાષ્ટ્રનું રાજ વગેરે વગેરેને માટે એટલે કે અંગ્રેજોના સુધારાને માટે, આધુનિક સંસ્કૃતિને માટે તસુ જેટલું પણ સ્થાન ન જ હોય. આ છે ગાંધીજીનો સ્વરાજનો મંત્ર. આ વ્યાખ્યાનના વિષયના સંદર્ભમાં ગાંધીજીનું સ્વરાજનું દર્શન છેઃ યંત્ર + મંત્ર = તંત્ર. ગાંધીજીનું સ્વરાજનું દર્શન સમતોલ અને સમ્યક્ દર્શન છે. ૧૯૦૯માં જ ‘હિંદ સ્વરાજ'ની પ્રસ્તાવનામાં ગાંધીજીએ કહ્યું હતુંઃ ‘મારા વિચાર ખોટા નીવડે તે તેને પકડી રાખવાનો મારો આગ્રહ નથી.’ અને પછી હિંદી ‘હિંદ સ્વરાજ'ની પ્રસ્તાવનામાં અને ‘હિંદ સ્વરાજ’ વિશેના એક લેખમાં અને એક સંદેશામાં એમણે કહ્યું હતુંઃ ‘બાર વર્ષના અનુભવ પછી પણ મારા વિચાર હતા તેવા ને તેવા જ રહ્યા છે.’ ‘મારી જે પ્રતીતિ એમાં પ્રગટ કરી છે તે આજે અગાઉ કરતાં વધારે દૃઢ થયેલી છે.’ ‘પણ એ પુસ્તક લખ્યા પછીનાં ત્રીસ વરસ મેં અનેક ઝંઝાવાતોમાં પસાર કર્યાં છે તેમાં મને એ પુસ્તકમાં દર્શાવેલા વિચારોમાં ફેરફાર કરવાનું કોઈ કારણું મળ્યું નથી.’ ૧૯૦૯માં ગાંધીજીએ ‘હિંદ સ્વરાજ' લખ્યું પછી ૧૯૨૧માં ભારતમાં એમણે ‘હિંદ સ્વરાજ'ના કાર્યક્રમનો, સત્યાગ્રહનો પ્રથમ પ્રયોગ કર્યો. ત્યારે ભારતની પ્રજાના કોઈ કોઈ વિરોધી વર્ગમાં એને વિશે કેવળ અણસમજ અને ગેરસમજ હતી. ‘હિંદ સ્વરાજ' વિશેના એક લેખમાં ગાંધીજીએ લખ્યું હતું: ‘અત્યારની હિલચાલને નિંદવા માટે આ પુસ્તકમાંથી ઘણા ઉતારા ટંકાતા મારા જોવામાં આવ્યા છે. મેં એવી મતલબનાં લખાણ પણ જોયાં છે કે હું ઊંધી બાજી ખેલી રહ્યો છું, અત્યારની ઊથલપાથલનો લાભ લઈને મારા ચિત્રવિચિત્ર ખ્યાલો હિંદને માથે લાદવા મથી રહ્યો છું. અને હિંદુસ્તાનને ભોગે ધાર્મિક અખતરાઓ કરી રહ્યો છું.’ ગાંધીજીના સત્યાગ્રહની આ પ્રથમ પ્રયોગમાં પણ ભારતની પ્રજાએ ‘હિંદ સ્વરાજ’માં ગાંધીજીનું સત્યાગ્રહનું જે દર્શન છે તે પ્રમાણે વર્તન કર્યું ન હતું. ‘હિંદ સ્વરાજ' વિશેના એક લેખમાં ગાંધીજીએ લખ્યું હતુંઃ ‘આ પુસ્તકમાં આલેખેલા કાર્યક્રમના એક જ અંશનો અત્યારે અમલ થઈ રહ્યો છે, અને તે અહિંસાનો. પણ મને કબૂલ કરતાં ખેદ થાય છે કે એનો અમલ પણ આ પુસ્તકમાં વર્ણવી છે એવી ભાવનાપૂર્વક નથી થતો... હિંદુસ્તાન જે પ્રેમના સિદ્ધાંતને તેના ધર્મના એક સક્રિય અંશ રૂપે સ્વીકારે અને તેને પોતાના રાજકારણમાં દાખલ કરે, તે હિંદુસ્તાનમાં સ્વરાજ સ્વર્ગમાંથી ઊતરી આવે. પણ મને સખેદ ભાન છે કે એ ઘટના હજુ ઘણી દૂર છે.’ ૧૯૪૭માં ભારતમાં સ્વરાજ તો આવ્યું. પણ એ સ્વર્ગમાંથી ન ઊતરી આવ્યું, એ નરકમાંથી ચડી આવ્યું. અને અહિંસા અને પ્રેમની એ ઘટના હજુ ઘણી દૂર છે. ભારતનું એ દુર્ભાગ્ય છે કે ૧૯૪૭માં સ્વરાજ આવ્યું, અંગ્રેજો ગયા પણ અંગ્રેજોનો સુધારો ન ગયો. હજુ ભારતમાં ગાંધીજીનું સ્વરાજ આવ્યું નથી. ઇંગ્લંડ-યુરોપ-અમેરિકાની, પશ્ચિમની મનુષ્યજાતિ ઔદ્યોગિક યુગને અંતે આજે હવે યંત્રવૈજ્ઞાનિક યુગના ઉંબર પર ઊભી છે. ભારતમાં ઔદ્યોગિક યુગને હજુ હવે આરંભ થાય છે. ગાંધીજીનું સ્વરાજનું દર્શન યંત્રવૈજ્ઞાનિક યુગમાં પશ્ચિમની મનુષ્યજાતિ પ્રથમ સમજશે અને સ્વીકારશે. ભારતની પ્રજા એ ત્યાર પછી સમજશે અને સ્વીકારશે. ૧૯૦૯માં ગાંધીજીએ ‘હિંદ સ્વરાજ' લખ્યું ત્યારે એમાં ગાંધીજીનું આધુનિક સંસ્કૃતિનું અને સ્વરાજનું જે દર્શન છે તેવું અલ્પસંખ્ય ભારતવાસીઓનું અને એથી વિશેષ રસ્કિન, ટૉલ્સ્ટૉય, થૉરો જેવા ઇંગ્લંડ-યુરોપ-અમેરિકાના પશ્ચિમવાસીઓનું દર્શન હતું. પણ પછી મનુષ્યજાતિને પ્રથમ વિશ્વયુદ્ધ, જર્મની, ઇટલી, સ્પેઇનમાં નાઝીવાદ, ફાસીવાદ, રશિયામાં સ્તાલિનવાદ, સામ્યવાદ, ચીનમાં માઓવાદ, સામ્યવાદ આદિનો કરુણ અનુભવ થયો છે. સમાજકારણમાં ધાડસી સંસ્કૃતિનું, અર્થકારણમાં નફાખોરીનું અને રાજકારણમાં સત્તાખોરીનું કદરૂપું આંતરરાષ્ટ્રીય પ્રદર્શન થયું. એથી આધુનિક સંસ્કૃતિના પુરસ્કર્તાઓનું આધુનિક સંસ્કૃતિ દ્વારા મનુષ્યજાતિને પૂર્ણતા પ્રાપ્ત થશે એવું આદર્શવાદનું, આશાવાદનું, ભાવનાવાદનું દર્શન એ મિથ્યાદર્શન હતું અને ગાંધીજીનું આધુનિક સંસ્કૃતિ અને સ્વરાજનું દર્શન એ સત્યદર્શન છે એમ સિદ્ધ થયું છે. અને ઔદ્યોગિક યુગને અંતે આજે જ્યારે મનુષ્યજાતિ યંત્રવૈજ્ઞાનિક યુગના ઉંબર પર ઊભી છે અને ભવિષ્યમાં હવે યંત્રવૈજ્ઞાનિક સંસ્કૃતિનું સર્જન થશે (ઇંગ્લંડ જેમ ઔદ્યોગિક સંસ્કૃતિની જન્મભૂમિ હતી તેમ અમેરિકા આ યંત્રવેજ્ઞાનિક સંસ્કૃતિની જન્મભૂમિ છે.) ત્યારે, હવે પછી જોઈશું તેમ, પશ્ચિમમાં માત્ર બહુસંખ્ય ચિંતકો, વિચારકો, ફિલસૂફોને જ નહીં પણ અસંખ્ય મનુષ્યોને, લગભગ પ્રત્યેક મનુષ્યને, ગાંધીજીનું આધુનિક સંસ્કૃતિ અને સ્વરાજનું દર્શન એ સત્યદર્શન છે એની પ્રતીતિ થશે. પશ્ચિમમાં આજે દિનપ્રતિદિન લગભગ પ્રત્યેક મનુષ્ય ચિંતા અને ચિંતન કરે છેઃ આ યંત્રવિજ્ઞાનિક સંસ્કૃતિનું શું થશે? આ યંત્રવૈજ્ઞાનિક સંસ્કૃતિનું શું કરવાનું છે? ‘હિંદ સ્વરાજ' નાનકડું પુસ્તક છે પણ એ ગાંધીજીના મહાકાવ્યસમા જીવનના મહાકાર્યનું બીજ છે. એ ગાંધીજીને અને ગાંધીજીના કાર્યને સમજવાનું સર્વશ્રેષ્ઠ સાધન છે. ‘હિંદ સ્વરાજ' વિશેના એક લેખમાં ગાંધીજીએ કહ્યું હતુંઃ ‘મારા આ નાનકડા પુસ્તક તરફ વિશાળ જનસંખ્યાનું ધ્યાન ખેંચાઈ રહ્યું છે એ ખરેખર મારું સદ્ભાગ્ય છે.....એની કારકિર્દી વિવિધ છે.’ અહીં ઉમેરવું જોઈએ કે માત્ર ગાંધીજીનું જ નહીં, એ ખરેખર સમગ્ર મનુષ્યજાતિનું સદ્ભાગ્ય છે. એની કારકિર્દી માત્ર વિવિધ જ નથી, ભવિષ્યમાં એની કારકિર્દી ભવ્ય હશે. ‘હિંદ સ્વરાજ'માં ગાંધીજીએ કહ્યું છેઃ ‘મારા વિચાર એકદમ સહુ કબૂલ કરે એવું હું ધારતો જ નથી. તમારા જેવા માણસો જે મારા વિચાર જાણવા માગે તેને માટે જણાવવા એ જ મારું કર્તવ્ય છે. પછી તે વિચારો તેવાને પસંદ પડે કે નહીં તે તો કાળે કરીને જ જણાશે.’ ‘હિંદ સ્વરાજ'માં ગાંધીજીનું દર્શન એ સાચે જ દિવ્યદર્શન છે. ૧૯૦૯માં ગાંધીજીએ ‘હિંદ સ્વરાજ' લખ્યું ત્યારે એ જ સમયમાં ગુજરાતમાં રણજિતરામને બંગભંગ પછી બંગાળની અસ્મિતાની પ્રેરણાથી ગુજરાતની અસ્મિતા પ્રગટ કરવાના મહાન હેતુથી ગુજરાતનો ઇતિહાસ રચવાની એમના જીવનની સર્વશ્રેષ્ઠ મહત્ત્વાકાંક્ષા હતી. એમણે એ માટે અનિવાર્ય એવી શિલાલેખો, સિક્કાઓ, લોકસાહિત્ય આદિ સાધનસામગ્રીનો સંગ્રહ કરવાનો તથા સાહિત્ય અને શિક્ષણની સંસ્થાઓની સ્થાપના કરવાનો આરંભ પણ કર્યો હતો. પણ આ ઇતિહાસનું પહેલું પાનું પણ લખાય તે પૂર્વે ૧૯૧૭માં પાંત્રીસ વર્ષની અતિકાચી વયે રણજિતરામનું મુંબઈમાં જૂહુના સમુદ્રમાં અકસ્માતથી અવસાન થયું. એમનું આ સ્વપ્ન સ્વપ્ન જ રહ્યું. પણ રણજિતરામે ગુજરાતના ઇતિહાસ અંગે કેટલાક લેખો લખ્યા છે એ પરથી એમની ગુજરાતના ઇતિહાસ અંગેની સૂઝસમજનો કંઈક અલ્પાતિઅલ્પ અણસારો આવે છે. એથીયે વિશેષ તો એમની સર્જનાત્મક કૃતિઓમાં એમનું ગુજરાતની સંસ્કૃતિ-ધર્મકારણ, સાહિત્યકારણ, સમાજકારણ, રાજકારણ, અર્થકારણ આદિ–નું દર્શન છે એ પરથી એ અંગેની એમની પ્રતિભાની પ્રતીતિ થાય છે. રણજિતરામે પ્રથમ વિશ્વયુદ્ધના સમયમાં બત્રીસ-પાંત્રીસ વર્ષની વયે એમની ટૂંકી વારતા ‘માસ્તર નંદનપ્રસાદ’ લખી હતી અને ‘નવજીવન’માં પ્રસિદ્ધ કરી હતી. એમાં એમનું ૧૯મી સદીના અંતમાં અને ૨૦મી સદીના આરંભમાં ભારતમાં અને સવિશેષ ગુજરાતમાં ઇંગ્લંડયુરોપ-અમેરિકાની પશ્ચિમની આધુનિક ઔદ્યોગિક સંસ્કૃતિની મધ્યમ વર્ગના સમાજ પરની અસરનું દર્શન છે. ગાંધીજીની ‘હિંદ સ્વરાજ'ની ભાષામાં કહેવું હોય તો અંગ્રેજોના સુધારાની ભારતના શિક્ષિતો પરની અસરનું દર્શન છે. અંગ્રેજોના સુધારાની ધૂનમાં જે શિક્ષિતો હતા એમના જીવનની કરુણતાનું દર્શન છે. નંદનપ્રસાદ આ શિક્ષિતોના પ્રતિનિધિ છે. નંદનપ્રસાદ માસ્તર છે, શિક્ષક છે. એથી એ સ્વયં તે શિક્ષિત છે જ પણ એ અનેક શિક્ષિતોના સર્જક પણ છે. રણજિતરામ ૧૯૦૫માં ઉમરેઠની હાઈસ્કૂલમાં હેડમાસ્તર હતા, ૧૯૧૭માં મુંબઈની ગોકળદાસ તેજપાલ બૉર્ડિંગમાં સુપરિન્ટેન્ડન્ટ થવાની ઇચ્છા હતી, અવસાન થયું તે દિવસે એમના ટેબલ પર મુંબઈ યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં લાઈબ્રેરિયનના પદ માટેની અરજી સર્ટિફિકેટ સાથે તૈયાર હતી. ૧૯૦૫માં ગુજરાતી સાહિત્ય પરિષદ સ્થાપવામાં આવી, એના એ આત્માસમા હતા. ૧૯૧૬માં ગુજરાત કેળવણી પરિષદ યોજવામાં આવી, એના એ પ્રાણ સમા હતા. રણજિતરામને આ અંગત અનુભવ ‘માસ્તર નંદનપ્રસાદ’ની પ્રેરણા અને પૂર્વભૂમિકારૂપ છે. ‘માસ્તર ‘નંદનપ્રસાદ’ના સંદર્ભમાં અને આ વ્યાખ્યાનના વિષયના સંદર્ભમાં રણજિતરામના સાહિત્ય અને શિક્ષણ વિશેના બે-ત્રણ લેખોનું પણ મૂલ્યાંકન કરવાનો અહીં પ્રયત્ન કરીશું. રણજિતરામે એમનો પ્રાથમિક-માધ્યમિક શાળાનો અભ્યાસ અમદાવાદમાં પ્રૅક્ટિસિંગ સ્કૂલમાં અને અંગ્રેજી મિશન હાઈસ્કૂલમાં કર્યો. ત્યારે રણજિતરામ ૧૮૯૬–૯૭માં છઠ્ઠા ધોરણના વિદ્યાર્થીઓનું એક મંડળ ‘ધ યંગ મેન્સ યુનિયન’ સ્થાપવામાં આવ્યું એની સાપ્તાહિક સભાના સભ્ય હતા. પછી ૧૮૯૯માં મૅટ્રિક થયા અને ગુજરાત કૉલેજમાં વિદ્યાથી હતા ત્યારે એ ૧૯૦૧માં એ કૉલેજના વિદ્યાર્થીઓનું એક મંડળ ‘ધ સોશિયલ ઍન્ડ લિટરરી ઍસોસિયેશન’ સ્થાપવામાં આવ્યું એના સહાયક મંત્રી હતા. આ મંડળમાંથી ૧૯૦૨માં ‘ધ લિટરરી ઍસોસિયેશન થયું અને એમાંથી ૧૯૦૩માં ‘ગુજરાત સાહિત્ય સભા' અસ્તિત્વમાં આવી એના એ મુખ્યમંત્રી હતા. એમાંથી ૧૯૦૫માં ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ સ્થાપવામાં આવી એના એ આત્માસમા હતા ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ની ઉદાત્ત અને ઊર્જસ્વી મૂર્તિ રણજિતરામના હૃદયમાં અંકિત હતી. એને ભવ્યસુંદર આદર્શ હતો. ‘ગુજરાતનું નવજીવન અને ગુજરાતી સાહિત્ય પરિષદ' લેખમાં એને વિશે એમણે લખ્યું હતુંઃ ‘વ્યક્તિ મૃત્યશીલ છે. તેમના માનાપમાન ક્ષણિક છે. ગુજરાત ચિરંજીવ છે. ગુજરાતી પ્રજાની પ્રગતિ ક્ષણિક નહીં પણ ક્ષણે ક્ષણે વધતી જવી જોઈએ. ગુજરાતની પ્રગતિ સાધવામાં સાહિત્ય પરિષદ જેમ જેમ ઉપયોગી થતી જશે, તેમ તેમ વ્યક્તિઓની વિરોધી સ્વાર્થવૃત્તિઓ સહાનુભૂતિ અને સહકાર્યની વૃત્તિમાં પલટાઈ જશે એવી અમને આશા છે.’ રણજિતરામ ૧૯૦૮માં ભાવનગરમાં પટ્ટણીના રહસ્યમંત્રી હતા ત્યારે એમણે કેળવણી પરિષદની યોજનાનો આરંભ કર્યો, ૧૯૦૯માં ગુજરાત સાહિત્ય સભા સમક્ષ એને પ્રસ્તાવ થયો, પછી ૧૯૧૪માં સાહિત્ય પરિષદ સમક્ષ એનો પ્રસ્તાવ થયો, પણ આ બન્ને સાહિત્યની સંસ્થાઓમાં શિક્ષણનો સમાસ ન થયો પણ સ્વતંત્ર કેળવણી પરિષદ યોજવાનો પ્રસ્તાવ થયો. ૧૯૧૫માં મુંબઈમાં એનો પુનર્વિચાર થયો અને અંતે ૧૯૧૬માં અમદાવાદમાં ગુજરાત કેળવણી પરિષદ યોજવાનો નિર્ણય થયો. ગુજરાતના પ્રજાજીવનમાં સાહિત્ય પરિષદ જેટલી જ કેળવણી પરિષદની અત્યંત આવશ્યકતા હતી. ‘ગુજરાત કેળવણી પરિષદ’ લેખમાં એને વિશે એમણે લખ્યું હતુંઃ ‘પરંતુ પ્રજાજીવનના પ્રશ્નો એટલા બધા છે-સંખ્યા મોટી છે, વિવિધ છે, વિષમ છે કે એક પ્રવૃત્તિ બસ નથી.' એથી ૧૯૧૬માં ઑક્ટોબરમાં અમદાવાદમાં પ્રથમ ગુજરાત કેળવણી પરિષદ યોજવામાં આવી. ગુજરાતી સાહિત્ય પરિષદની મૂર્તિ અને એના આદર્શ સમાન આ કેળવણુ પરિષદની મૂર્તિ અને એના આદર્શ વિશે રણજિતરામે, જાણે દલપતરામના ‘હુંનરખાનની ચઢાઈ’નું ગદ્યરૂપાન્તર કર્યું હોય તેમ, ‘ગુજરાત કેળવણી પરિષદ’ લેખમાં લખ્યું હતું: ‘ગુજરાત વેપાર અને ઉદ્યોગની ભૂમિ છે. વર્તમાન યુગમાં પ્રજાજીવનમાં એ બેનું સ્થાન ઘણું જ આવશ્યક અને ઉપયોગી છે. રાજદ્વારી પરતંત્રતા કરતાં આર્થિક (વેપાર ઉદ્યોગની) પરતંત્રતા અધિક હાનિપ્રદ નીવડે છે. ભારતવર્ષ જેવા વિશાળ પ્રદેશ ઉપર પ્રકૃતિ પ્રસન્ન છતાં–પ્રસન્નતાને લીધે વિવિધ પ્રકારનો ‘કાચો માલ’ (raw materials) હંમેશ મબલખ ઉત્પન્ન થતો હોવા છતાં એ માલમાંથી વપરાશ માટે તૈયાર થતી ચીજો કરવાની આવડત, સાધન વગેરે ભારતવર્ષમાં ન હોવાથી તે ચીજે મેળવવા બીજા દેશોને આધીન તેને રહેવું પડે છે, તેથી પરિણમતી હાનિ સુવિદિત છે. આ હાનિ કાંઈક ઓછી કરવાનો યોગ ગુજરાતના ભાગ્યમાં જણાય છે, ‘માસ્તર નંદનપ્રસાદમાં નંદપ્રસાદ જે સમાજના સભ્ય છે તે સમાજનું અને એની સંસ્કૃતિનું એટલે કે મધ્યમવર્ગના સમાજનું અને એની સંસ્કૃતિનું વિશ્લેષણ અને વિવેચન છે. આ વ્યાખ્યાનના આરંભમાં નંદનપ્રસાદનું પાત્ર તરીકે, એક સંવેદનશીલ, કલ્પનાશીલ મનુષ્ય તરીકે મૂલ્યાંકન કરવાનો પ્રયત્ન કર્યો. હવે અહીં આ વ્યાખ્યાનના વિષયના સંદર્ભમાં આ સમાજ અને સંસ્કૃતિનું મૂલ્યાંકન કરવાનો પ્રયત્ન કરીશું. ‘માસ્તર નંદનપ્રસાદ’માં ‘જમાનાની તાસીર’ છે. એમાં રણજિતરામની સામાજિક સભાનતાની પ્રતીતિ થાય છે. ‘માસ્તર નંદનપ્રસાદ’ના કેન્દ્રમાં નંદનપ્રસાદની અને આ મધ્યમવર્ગના સમાજ અને એની સંસ્કૃતિની કરુણતા છે. અને આ કરુણતાનું કારણ છે ‘ઇંગ્લંડ-યુરોપની, પશ્ચિમની આધુનિક ઔદ્યોગિક સંસ્કૃતિ એટલે કે અંગ્રેજોનો સુધારો. નંદનપ્રસાદના અંગત કરુણ જીવનગીતની ધ્રુવપંક્તિ છે, ‘ગુજરાતમાં માસ્તર તે ન જ થયો હેત.’ તેમ આ મધ્યમવર્ગના સમાજ અને એની સંસ્કૃતિના કરુણ જીવનગીતની ધ્રુવપંક્તિ છેઃ ‘જહાનમમાં જાઓ આ અંગ્રેજી ભણતર! બધામાંથી ઉઠાડી મૂકી શ્રદ્ધા.’ ‘અંગ્રેજી ભણત નહીં ને દુઃખી થાત નહીં.’ ‘મૅકૉલે! મૅકૉલે! તેં અંગ્રેજી વિદ્યા ન દાખલ કરી હોત તો અમે કેટલા સુખી હોત? તમે પણ હતે.’ નંદનપ્રસાદમાં અને આ મધ્યમવર્ગના સમાજમાં એના સમગ્ર જીવન-ધર્મકારણ, સાહિત્યકારણ, સમાજકારણ, અર્થકારણ, રાજકારણમાં જૂના અને નવા વચ્ચે, પરંપરા અને આધુનિકતા વચ્ચે સંઘર્ષ છે, તીવ્ર અને ઉગ્ર સંઘર્ષ છે. આ સમાજને આજ લગી ભારતની પ્રાચીન પરંપરાની સંસ્કૃતિનો આધાર હતો. એનાં મૂલ્યોની સહાય હતી. એથી એનું જીવન અર્થપૂર્ણ હતું. પણ હવે આ સમાજ પર પશ્ચિમની આધુનિક ઔદ્યોગિક સંસ્કૃતિની, અંગ્રેજોના સુધારાની અસર છે. એથી એમાં ભારતની પ્રાચીન પરંપરાની સંસ્કૃતિ અને આ આધુનિક ઔદ્યોગિક સંસ્કૃતિ વચ્ચે, પરંપરા અને આધુનિકતા વચ્ચે, જૂના અને નવા વચ્ચે સંઘર્ષ છે. આ સમાજ હવે ૧૯મી સદીના યુરોપનો ‘petit bourgeois'-અલ્પ મધ્યમવર્ગનો સમાજ છે. જેમ યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિ પછી ઔદ્યોગિક યુગમાં ઔદ્યોગિક સંસ્કૃતિ, સમાજ અને મનુષ્યનું સર્જન થયું અને એમાં યુરોપની પ્રાગ્-ઔદ્યોગિક યુગની સંસ્કૃતિનો અને એનાં મૂલ્યોનો હ્રાસ અને લોપ થયો તેમ આ સમાજમાં પણ ભારતની પ્રાચીન પરંપરાની સંસ્કૃતિનો અને એનાં મૂલ્યોનો હ્રાસ અને લોપ થયો છે. એથી જ નંદનપ્રસાદના જીવનમાં વિખૂટાપણું અને અટૂલાપણું છે, એકલતા અને કેન્દ્રભ્રષ્ટતા છે. એમના જીવનમાં કર્મ અને સાહસ નથી, કેવળ આલસ્ય અને નિર્વેદ, જડતા અને તમસ્, પિશાચતા અને પાપ, અહમ્ અને મૃત્યુ છે. મૅથ્યુ આર્નલ્ડનું ઇંગ્લંડ, યુરોપના સમકાલીન સમાજનું દર્શન હતુંઃ ‘We mortal millions live alone’ Wandering between two worlds, one dead, The other powerless to be born,' એવું જ ‘માસ્તર નંદનપ્રસાદ'માં રણજિતરામનું એમના આ સમકાલીન સમાજનું દર્શન છે. ‘માસ્તર નંદનપ્રસાદ’નો સમય છે પ્રથમ વિશ્વયુદ્ધનાં વર્ષોમાં એક રવિવારની સવાર, એનું સ્થળ છે અમદાવાદ – અમદાવાદમાં નદીતટ પરનું ઘર (અમદાવાદમાં ભદ્રમાં નદીતટ પર રણજિતરામનું ઘર હતું અને તે ૧૯૧૫માં પડી ગયું હતું), કોટની રાંગનો રસ્તો, મસ્જિદ, હનુમાનનું મંદિર, મુસલમાનોનું ચાહખાનું, ચોપડીઓની દુકાન, દારૂનું પીઠું, યુરોપિયન જિમખાના. વારતાના આરંભમાં જ નંદનપ્રસાદ સ્તબ્ધ અને વ્યગ્ર છે. ગડમથલમાં ગૂંચાયા છે. એનું કારણ છે અતિજ્ઞાન. પણ એમાંથી એ છૂટી- ટકી શકે, નાસી – ભાગી શકે એવી કોઈ વિસ્મૃતિ, કઈ મુક્તિ એમને માટે શકય જ નથીઃ ‘કાન્તના સહદેવ! આપણી સરખી અવસ્થા છે... સહદેવ! કઈ સુરા હું પીઉં?’ આમ, નંદનાપ્રસાદે એમની સ્તબ્ધતાનું, ગડમથલનું જે કારણ છે તે સમાજનો, સંસ્કૃતિનો એમણે સભાનપણે, સંપ્રજ્ઞાતપણે સામને કરવો જ રહ્યો. એથી એ ઘરનો ત્યાગ કરીને કોટની રાંગને રસ્તે ચાલે છે. કોટ અને રસ્તાને નિમિત્તે ભૂતકાળ, ઇતિહાસ, પરંપરા સ્મરણમાં આવે છે. પણ એમાંથી એમને આશ્વાસન, સમભાવ, સહાનુભૂતિ એવું કશું જ પ્રાપ્ત થતું નથીઃ ‘રસ્તાએ અને કોટે અનેક આસમાની સુલતાની જોઈ હતી. પ્રણયગોષ્ઠિ સાંભળી હતી. પ્રણયના વિલાસ જોયા હતા. દયાદાનના પ્રસંગે ઉજવ્યા હતા. વિયોગ, ચોરી, લૂંટ, મારફાડ, ધાડ, લડાઈ, હલ્લો, કાપાકાપી પણ અનુભવ્યા હતા. ધૂળ આખરે પથ્થરની જ દીકરી. બધું પથ્થરનું જ હતું. લાગણી કયાંથી હોય? શા માટે નંદનપ્રસાદને આશ્વાસન આપે?’ નંદનપ્રસાદ જીર્ણ મસ્જિદમાં જાય છે. એનો ત્યાગ કરીને હનુમાનના મંદિરમાં જાય છે. અને એનો પણ ત્યાગ કરે છે. કારણ કે ત્યાં કશું શ્રદ્ધેય નથી અને પિતાના હૃદયમાં શ્રદ્ધા નથી. એમાં ધર્મકારણમાં પરંપરા અને આધુનિકતા વચ્ચે સંઘર્ષ છે. ‘હિંદ સ્વરાજ'માં ગાંધીજીનાં ભારતની પ્રજામાં ધર્મભ્રષ્ટતા, ઈશ્વરવિમુખતા અને ભારતના ધર્માચાર્યોમાં દંભ અને સ્વાર્થ વિશેનાં જે વચનો છે એના જ જાણે કે વારતાકારનાં અને નંદનપ્રસાદનાં વચનોમાં પ્રતિધ્વનિ છેઃ ‘એવામાં ખંડીએર મસીદ આવી. સ્વચંચલ પૂતળાની પેઠે નંદન તેમાં ગયો. ત્યાંની મલિનતા, દુર્ગંધ; મુસલમાનોની દરિદ્રતા, ધર્મના વાતાવરણની ન્યૂનતા; કાળે વર્તાવેલો કેર; આદિએ તેને પાછો ધકેલ્યો.' ‘જહાનમમાં જાઓ. આ અંગ્રેજી ભણતર! બધામાંથી ઉઠાડી મૂકી શ્રદ્ધા. આ મૂર્તિઓ પત્થરાથી વધારે ઉપયોગી મને ગમે તેટલો પ્રયાસ કરું છું છતાં, લાગતી જ નથી. જુગુપ્સા થાય છે એમને જોતાં. મંદિરમાં નથી મળતી સ્વસ્થતા કે પ્રેરણા? કયાં જઈ હૃદયની યાતના સમાવું? મંદિરોની ક્રિયાઓ બાલિશ ક્રીડાઓ લાગે છે. અંગત અનુભવ નથી, જાતમાહિતી નથી, છતાં મંદિરો દુરાચારના અખાડા છે એવું વર્ષોથી માનું છું. મંદિરોમાં જતો નથી... મંદિરોના દેવો પડે ખાડામાં.’ ‘બધું આ બ્રાહ્મણનું કારસ્તાન છે. નથી અંગ્રેજી વિદ્યાનો વાંક, ધર્મનો રાખ્યો છે એમણે ઇજારો. મ્યુનિસિપાલિટી જેટલું અને જ્યારે પાણી આપવું હોય ત્યારે આપે છે. બ્રાહ્મણો પણ ધર્મ એવી જ રીતે આપે છે. ઘરાક પ્રમાણે દૂધમાં દૂધવાળો પાણી ઓછુંવત્તું ઉમેરે છે તેમ બ્રાહ્મણ પણ ખરી ખોટી ક્રિયા કરાવે છે.’ નંદનપ્રસાદ આગળ ચાલે છે. મુસલમાનોનું ચાહખાનું આવે છે. એ ઘરાકોથી છલોછલ ભરાયું છે. અહીં એમને થાય છે. ‘મુસલમાન થયો હોત તો...વોરો થયો હોત તો... તો અંગ્રેજી ભણત નહીં ને દુઃખી થાત નહીં.’ મુસલમાને અંગ્રેજી ભણ્યા નથી એથી એમના પર આધુનિક ઔદ્યોગિક સંસ્કૃતિની અસર નથી. એ એમનું પરંપરાનું જીવન જીવે છે. કાલની ચિંતા કે પરવા વિનાનું આજનું જીવન જીવે છે પછી નંદનપ્રસાદને થાય છે, બંગાળામાં જન્મ્યો હોત તો...પંજાબમાં જો હોત તો. મહારાષ્ટ્રમાં જન્મ્યો હોત તો...તો નિઈવ ગુજરાતમાં માસ્તર તો ન થાત.' ઉદ્યોગ – વ્યાપારને ગુજરાતમાં વિશેષ પ્રભાવ છે, જ્યારે એની સરખામણીમાં બંગાળ, પંજાબ, મહારાષ્ટ્રમાં ઓછો પ્રભાવ છે અંગ્રેજ વ્યાપારીઓનું સૌપ્રથમ આગમન સુરતમાં, ગુજરાતમાં થયું. સમગ્ર ભારતમાં ઔદ્યોગિક સંસ્કૃતિને સૌપ્રથમ આરંભ ગુજરાતમાં થયો. સૌ પ્રથમ મિલ ૧૮૫રમાં ભરૂચમાં, ગુજરાતમાં સ્થાપવામાં આવી. ઉદ્યોગ-વ્યાપારમાં ગુજરાત અગ્રણી છે, એથી એના સમાજમાં એક નવો વર્ગ-petit bourgeois-અલ્પ મધ્યમવર્ગ અસ્તિત્વમાં આવ્યો છે. એથી એના અર્થકારણમાં મધ્યમવર્ગના સમાજનાં મૂલ્યો એ વ્યાપારી મૂલ્યો છે, પશ્ચિમની આધુનિક ઔદ્યોગિક સંસ્કૃતિનાં મૂલ્યો છે. એમાં વિનય અને વ્યવહાર, સાહસવૃત્તિ અને સમાધાનવૃત્તિ અલબત્ત છે. પણ એમાં સંવેદનહીનતા અને કલ્પનાહીનતા છે એ અર્થમાં ગુજરાત નિર્જીવ છે. નંદનપ્રસાદ આગળ ચાલે છે. દરવાજો આવે છે. નંદનપ્રસાદ ભાગોળની બજારમાં ચોપડીઓની દુકાનમાં જાય છે. અહીં એમને જોડણી, શબ્દ, કાવ્ય, જૂની ઢબની કવિતા, નવી ઢબની કવિતા, કાવ્યમાં ધ્વનિ, નીતિ આદિ અંગે ગુજરાતના સાહિત્યમાં જે રાગદ્વેષ, પક્ષપાત-પૂર્વગ્રહ, પુરસ્કાર-તિરસ્કાર, ગમા-અણગમા છે એનું સ્મરણ થાય છે. એમાં સાહિત્યકારણમાં ભારતની પ્રાચીન પરંપરાનાં મૂલ્યો અને પશ્ચિમની આધુનિકતાનાં મૂલ્યો વચ્ચે સંઘર્ષ છે: ‘ધીરા કે અખાની પેઠે વેદાંત પદ્યમાં લખીએ તે અંગ્રેજી ભણેલા તે નહીં વાંચે અને અંગ્રેજી નહીં ભણેલા કહે છે કે અમારે માટે અખો અને ધીરો બસ છે. હવે બીજાની જરૂર નથી.’ ગુજરાતની પ્રજાના જીવનમાં શૌર્ય નથી છતાં એના સાહિત્યમાં વીરરસની કવિતા છે, પ્રેમ નથી છતાં શૃંગાર રસની કવિતા છે. આમ, જીવન અને સાહિત્ય વચ્ચે સંઘર્ષ છે, વિસંવાદ છે. જીવનમાં શૌર્યપ્રેમનો અભાવ છે. એટલે કે અંગત અને જાહેર જીવનમાં જીવનનો જ અભાવ છે અને સાહિત્યમાં કૃતકતા, અસત્યતા છે. નંદનપ્રસાદ આગળ ચાલે છે. દારૂનું પીઠું આવે છે. ત્યાં એમને વ્યસનોનું સ્મરણ થાય છે. દારૂ પીવાની ઇચ્છા છે છતાં દારૂ ન પીવાય, જલાર રમવાની ઇચ્છા છે છતાં જુગાર ન રમાય એમાં નીતિના સંગનું, નીતિના સંકોચનું, વાસ્તવમાં તો નૈતિક દાસ્યનું અને નૈતિક દંભનું સ્મરણ થાય છે. એમાં સમાજકારણમાં પરંપરાનાં નૈતિક મૂલ્યો અને આધુનિક નૈતિક મૂલ્યો વચ્ચે સંઘર્ષ છે. ગુજરાતમાં સંગીત નથી, ફૂલો નથી. એથી શ્રવણેન્દ્રિય અને ઘ્રાણેન્દ્રિયનો આનંદ નથી. સેન્ટના, અત્તરનો અસત્, કૃત્રિમ આનંદ છે. હા, પણ વાંચવાનું વ્યસન છે, દર્શનેન્દ્રિયનો આનંદ છેઃ ‘અમારું વ્યસન વાંચવાનું, ચોપડીઓ વાંચીએ, વર્તમાનપત્રો વાંચીએ, માસિક વાંચીએ, ઊઠતાં વાંચીએ, સૂતાં વાંચીએ, જાજરૂમાં વાંચીએ, ન્હાતાં વાંચીએ, ચાલતાં વાંચીએ, રજામાં મળવા જઈએ ત્યાં વાંચીએ, ફરવા જઈએ ત્યાં વાંચીએ, ટ્રેનમાં વાંચીએ, ટ્રામમાં વાંચીએ, મોટરમાં વાંચીએ, એરોપ્લેનમાં વાંચીએ; નહીંતર નાટક જોઈએ. પણ આંખ માત્ર અમારો સોબતી; બધે લ્હાવો એનાથી માણવાનો.’ નંદનપ્રસાદ આગળ ચાલે છે. યુરોપિયન જિમખાના આવે છે. ત્યાં એમને ગુજરાતના સમાજકારણમાં અને રાજકારણમાં સનાતનની અને સુધારાવાદી વચ્ચે તથા સામ્રાજ્યવાદી અને સ્વરાજવાદી વચ્ચે જે સંઘર્ષ છે તેનું સ્મરણ થાય છે. અને ત્યાં નંદનપ્રસાદની કરુણતાની અને ‘માસ્તર નંદનપ્રસાદ’ની કથાની પરાકાષ્ઠા છેઃ ‘મૅકોલે! મૅકૉલે! તેં અંગ્રેજી વિદ્યા ન દાખલ કરી હોત તો અમે કેટલા સુખી હોત? તમે પણ હતે.’ નંદનપ્રસાદ અંતે આત્મહત્યામાં જ મુક્તિ છે એવી તીવ્ર લાગણી અનુભવે છે: ‘આપઘાત કરી છૂટવામાં જ બહેતર છે.' પણ પછી પોતાને પ્રશ્ન પૂછે છે અને પોતાના જીવનને તો આ સમાજ સમજ્યો નહીં પણ કદાચ પોતાના મૃત્યુને પણું નહીં સમજે એવી શંકા અનુભવે છે અને પોતાની મૃત્યુનોંધ પણ પોતે જ લખવી એવો નિર્ણય કરે છે: ‘મારી મૃત્યુનોંધ કેવી લખાશે? નથી હું મહાકવિ, સેનાની, રાજ્યપુરુષ, ઉદ્યોગવાહક, વૈજ્ઞાનિક કે કલાવિશારદ કોઈ નહીં લખે કે Ennui અને Vanityથી આપઘાત કર્યો? નોંધ જાતે તૈયાર કરી પછી મરવું, એ પણ જમાનાની તાસીર.’ આ સમાજ સંવેદનહીંન, કલ્પનાહીન છે. ‘માસ્તર નંદનપ્રસાદ’માં આ છે જમાનાની તાસીર. બલવંતરાયે ૧૯૨૦માં એકાવન વર્ષની વયે અમદાવાદમાં ૬ઠ્ઠી ગુજરાતી સાહિત્ય પરિષદમાં ઇતિહાસ વિભાગના પ્રમુખપદેથી ‘ઇતિહાસ દિગ્દર્શન' વ્યાખ્યાન કર્યું હતું. એમાં એમણે ગુજરાતના રાજકીય, આર્થિક અને સાંસ્કૃતિક ઇતિહાસ આલેખ્યો છે. આ વ્યાખ્યાનના વિષયના સંદર્ભમાં અહીં એના ચાર ખંડમાંથી ત્રીજા ખંડ– ‘આર્થિક ઇતિહાસ’નું મૂલ્યાંકન કરવાનો પ્રયત્ન કરીશું. બલવંતરાય ઇતિહાસનાં વર્ષો લગી અધ્યાપક અને જીવનભર અભ્યાસી હતા. એમણે ૧૮૯૩માં અંગ્રેજીમાં વડેરા માધવરામ પેશ્વા પર, ૧૮૯૫માં યુનાઇટેડ સ્ટેઇટ્સ પર અને ૧૯૧૪માં અંગ્રેજીમાં ભારતની રાજ્યવ્યવસ્થા પર પુસ્તકો લખીને સૂક્ષ્મ ઇતિહાસચિંતન કર્યું હતું. દલપતરામ અને રણજિતરામની જેમ બલવન્તરાયે પણ ‘ઇતિહાસ દિગ્દર્શન’માં ગુજરાતમાં અને ભારતમાં ઔદ્યોગિક વિકાસનું ઉદ્બોધન કર્યું છે. જોકે એ પૂર્વે ૧૯૦૦માં છપ્પનિયાના ચાતુર્માસમાં એમણે સવૈયા છંદમાં મધ્યમ કદનું ‘ખેતી’ કાવ્ય રચ્યું હતું અને ૧૯૦૧ના ઑક્ટોબરમાં ‘સુદર્શનમાં પ્રગટ કર્યું હતું. એમાં ‘હિન્દદેવીની પોતાનાં બાળકોને શિખામણ’ છે. આરંભમાં ભારતની પ્રજાએ જ્હૉન બુલ એનો રક્ષક છે અને એ સુરક્ષિત છે એ કારણે એણે રાજકીય પ્રવૃત્તિની ચિંતા ન કરવી અને હજુ એનામાં ગજું નથી એ કારણે એણે ઉદ્યોગ અને વ્યાપારની પ્રવૃત્તિનો પ્રયત્ન ન કરે એવું ઉદ્બોધન છે: ‘જંગી સંચા જગવ્યાપારો ત્હમે ન હજી ખેડી શકશો, ગજું તમારું વિચારશો કે આંખ મીંચી ફોકટ મથશો? બાલક મ્હારાં.’ કાવ્યના મધ્યભાગમાં વર્તમાનના સંદર્ભમાં, છપ્પનિયાના દુષ્કાળની કરુણતાના સંદર્ભમાં, ભૂતકાળના સંદર્ભમાં, એની પ્રાચીન પરંપરાના સંસ્કૃતિના ‘ ઉત્તમ ખેતી’ એ મૂલ્યના સંદર્ભમાં, ભવિષ્યના સંદર્ભમાં, ભારતની જનસંખ્યાની ઉત્તરોત્તર વૃદ્ધિના સંદર્ભમાં ભારતની પ્રજાએ તો ખેતી જ કરવી એવું ઉદ્બોધન છે. અંતમાં ભાવિ ભારતનું, એના સ્વર્ગ જેવા ગ્રામપ્રદેશનું, એની વનસંસ્કૃતિ-ગોપસંસ્કૃતિનું ચિત્ર છે એની પડછે જે ખેતીને સ્થાને ઉદ્યોગ અને વ્યાપારને સ્થાપવાનો અવિવેક થશે તો નરક જેવા નગરનું, એની નગરસંસ્કૃતિનું સર્જન થશે એવું સચિંત ઉદ્બોધન છેઃ ‘શ્હેરો ને શ્હેરી રોગો ને કંતાએલાં શ્હેરી તન, ટૂંકાં જીવન, નિર્બલ ક્લુષિત શિથિલ બિચારાં શ્હેરી મન, બાલક મ્હારાં. શ્હેરી ગરીબી, શ્હેરી સુસ્તી, વ્યર્થ શ્હેરતણી જંજાળ, શ્હેરી પાપો, શ્હેરી જુઠાણાં, શ્હેરતણા કલહે કંગાળ, બાલક મ્હારાં. એ સૌ આવરણોને તોડે, એ માયાને પરી કરો, હિત ને હિતના સાધન શાશ્વત સ્વચ્છ લોચને ઉરે ધરો, બાલક મ્હારાં.’ ‘હિંદ સ્વરાજ'નાં ગાંધીજીના અંગ્રેજોનાં સુધારા વિશેનાં જે વચનો છે એના જ જાણે કે આ પંક્તિઓ પરના બલવન્તરાયના ટિપ્પણમાં પ્રતિધ્વનિ છેઃ પશ્ચિમની સંસ્કૃતિને ગુરુસ્થાને સ્થાપી તેની પાસેથી શીખવામાં -પશ્ચિમની નિશાળે ભણવામાં-વિવેક રાખવાની જરૂર છે. શહેરોનો અતિવિસ્તાર, ખીચોખીચ ગિરણીઓ (સૂત્રયંત્રો) અને તેમના હજારો મજૂરોનો એકત્ર જમાવ, ગ્રામજીવન તરફ વધી પડેલો અનાદર વગેરે પશ્ચિમનાં ભૂષણો નથી. પશ્ચિમ પોતે તેમને દૂષણો ગણે છે, અને તેમનું નિવારણ કરવા મથી રહ્યું છે. પશ્ચિમ જેને ભૂષણ જ ગણતું હોય તે યે આપણે ત્યાં દાખલ કરતાં આપણું સંસ્કૃતિ અને પ્રકૃતિનાં હવાપાણીમાં કેવું ઊગી કેવાં ફૂલ આપશે એ પણ વિવેકથી વિચારવાનું છે. અવિચારે ‘યા હોમ’ કરવું તે નથી સુધારો, કે નથી ખરી દેશસેવા. શાશ્વત હિત અને તેનાં ખરાં સાધન સ્વચ્છ અને નિહાળી લઈ તેમનું નિઃસ્વાર્થી, અને દઢ સાવધાનીથી સેવન કરવાનું છે.' બલવંતરાયના વૃદ્ધત્વનાં દુઃખે પરના એક સૉનેટ ‘દુપટ દુઃખદા’ની અંતિમ પંક્તિઓ છેઃ ‘વળ્યાં વિંટિ ચુપાસ કેવલ વિલાસરત આંધળાં; વૃથા જઇફિ દુઃખદ દુપટ ક્ષુદ્ર કુગ્રામમાં!’ આ કુગ્રામ વિશે, નગર, નગરસંસ્કૃતિ વિશે આયુષ્યના અંતિમ વર્ષમાં ‘ભણકાર’(’૫૧) વિવરણમાં એમણે વિવેચન કર્યું છે એમાં લખ્યું છે: ‘સત્યશોધકો, વિદ્યાવ્યાસંગીઓ, સ્વાધ્યાયનિષ્ઠો, સેવાવ્રતીઓ, દુનિયામાં-જગતમાં–બનતા બનાવો વિશે હિતબુદ્ધિએ ચિંતકો, કલાદીક્ષિતો, અગર તો આવા આવા વ્યવસાય માટેનાં આવશ્યક સાધનો, સુગમતાઓ, જ્યાં પૂરતાં નથી; જ્યાં ઉદરંભરો, ઈર્શાદ, સંકુચિતમનસ્કો, કુત્સિતોર્મિ અને બિચારાં શ્રમજીવી શૂદ્રાંત્યજો જ હોય; જ્યાં વિલાસીઓ પોતપોતાના વિલાસને ય કલાસક્તિ ગણાવતા હોય; જ્યાં ચૂંટેલા પ્રતિનિધિઓની સર્વસત્તાધર દેશસભામાં પણ છળબાજી, શિરજોરી, ગાળાગાળી અને પક્ષિલતાઓની જ સાઠમારી પ્રવર્તે; એ સ્થાનમાં વસ્તી ભલે ઊભરાતી હોય, અવરજવર, મળવાહળવા, ખેલવિંદ, ખાનપાન, વસ્ત્રાભૂષણાદિની સાધનસમૃદ્ધિએ એ ભલેને ઊજળું ઓપતું હોય—પરંતુ તે સંસ્કૃતિની કસોટીએ અર્ધબર્બર છે, વણસેલ વંઠેલ છે, કુગ્રામ ગણાવાને જ લાયક છે; આ કસોટીએ પૂના કલકત્તા સાથે મુંબઈ અમદાવાદનો મુકાબલો જ ના થઈ શકે યુરોપ અને યુએસએના જામેલ યુનિવર્સિટી ટાઉનને મુકાબલે આખો હિંદુસ્તાન કુગ્રામ છે.’ ‘ભણકાર ('૫૧) વિવરણ’માં એમણે ‘ખેતી' કાવ્ય વિશે પણ વિવરણ કર્યું છે એમાં અંતે આ કાવ્યના અનુમોદનમાં એમણે લખ્યું છેઃ ‘આ કૃતિ આકરા દુકાળને વર્ષે રચાઈ. તેને પાંચ દાયકા થઈ ગયા છે. પણ એમાં જરૂરી વસ્તુઓ (‘નેસેસરીઝ’)નું આપણું ઉત્પાદન હરેક પ્રકારે અને બને તેટલું વધારવાની જે આગ્રહી હિમાયત કરી છે, તે આજે પણ એટલી જ સમયોચિત લાગે એવી નથી શું? મૃત્યુ પ્રમાણ ઘટે તેમ તેમ વસ્તી વધતી જ જાય, અને આપણી ઉત્પાદન શક્તિ તે કરતાં વિશેષ પ્રમાણમાં વધાર્યા જ કરવી જોઈએ.’ જોકે બલવંતરાય ‘ખેતી’ કાવ્યની મર્યાદાથી, અને દલપતરામના ‘હુંનરખાનની ચઢાઈ’ કાવ્યની મર્યાદાથી પણ, સભાન હતા. અને એથી સ્તો એમણે ‘ભણકાર (૧૯૪૨)'માં – ‘ખેતી’ વિશે જે વિવરણ કર્યું છે એમાં એમણે લખ્યું છેઃ ‘પ્રગટ થતાં શ્રી ન્હાનાલાલ કવિએ વાર્તિક લખતાં આને ‘હુન્નરખાનની ચઢાઈ’ સાથે સરખાવેલ, તે તો આને ખાસ ગૌરવ આપવાના હેતુથી હશે, પણ આજે બંને કૃતિઓને વાચક સરખાવી સ્વતંત્ર અભિપ્રાય બાંધી શકે છે, તેવાને બંને કૃતિઓની એક ખામી તુર્ત દીસી આવે એવી છે. ‘ચઢાઈ’ પેાતાની રચના સમયે વાતાવરણમાં જે કેટલાક આગળ પડતા ખ્યાલો, તેમને વળગે છે. ‘ખેતી’ તેના રચનાકાળે પ્રજાના કેટલાક ભાગને ખાસ આકર્ષતા વિચારોને જ ઠસાવવા મથતી કેવળ એના ‘ઐતિહાસિક’ સંજોગોને ધ્યાનમાં રાખીએ તો જ કંઈક ચલાવી લેવાય એવી ગણાય, એ વર્ગની કૃતિ છે.’ આમ, બલવંતરાયે ૧૯૨૦માં ‘ઇતિહાસ દિગ્દર્શન’ વ્યાખ્યાન કર્યું તે પૂર્વ એ કૃષિક સંસ્કૃતિની અને એથીયે વિશેષ ઔદ્યોગિક સંસ્કૃતિની મર્યાદા પ્રત્યે સજાગ અને સચિંત હતા. ‘ઇતિહાસ દિગ્દર્શન’ના ત્રીજા ખંડ-‘આર્થિક ઇતિહાસ’–માં સરકારની પ્રેરણાથી અને પ્રજાની પ્રેરણાથી ગુજરાતમાં જે કાયમી આર્થિક બનાવ થયા એનું વિશ્લેષણ અને વિવેચન છે. સરકારી પ્રેરણાથી ગુજરાતમાં જે કાયમી આર્થિક બનાવો થયા એમાં આગગાડી, રસ્તા, પૂલ, તળાવ, કૂવા આદિ જાહેર બાંધકામો મુખ્ય છે. પણ ભારતના કારીગરોએ આ ઔદ્યોગિક વિકાસ પરતંત્રપણે કર્યો છે, સ્વતંત્રપણે કર્યો નથી. ભારતના કારીગરોને સ્વતંત્રપણે પોતાની સર્જકતા સિદ્ધ કરવાનું સદ્ભાગ્ય જ પ્રાપ્ત થયું નથી. ભારતમાં અંગ્રેજોનું આર્થિક અને રાજકીય વર્ચસ્ થયું ત્યારે જે કારીગરી હતી, કલાકૌશલ્ય હતું એમાં પણ અર્થપૂર્ણ વિકાસ થયો નથી, બલકે હ્રાસ થયો છે. કારણ કે ભારતના શાસકોએ અને ધનિકોએ એને રક્ષણ અને પ્રોત્સાહન આપ્યું નથી. એમણે દેશી ઉચ્ચ હુન્નર-કલાને હીન અને વિદેશી હીન હુન્નર-કલાને ઉચ્ચ ગણી છે. અને એનું અંધ અનુકરણ કર્યું છે. એને વિશે બલવતરાયે એમની લાક્ષણિક શેલીમાં લખ્યું છેઃ ‘તેથી શહેરોના મેહલો, મકાનો, મંદિરો, વાડીઓ, બંગલા આદિમાં પણ સંગીન અને સુંદર અને સ્થાનિક આત્માની સ્વતંત્ર લીલામય જે કંઈ હતું, તે આપણે મોટે ભાગે ખોયું છે, અને તેને ઠેકાણે ન સુંદર, ન સંગીન, ન સ્વતંત્ર એવી માત્ર નકલિયા અને સસ્તી ટાપટીપ ઘૂસી છે અને વધતી જાય છે. બાજઠ ગયા છે, બાંકડા થયા છે, ગાલીચા ગયા છે, ખુરશી ત્રિપાઈઓ થઈ છે. પાલખી અંબાડી ગયાં છે, પરાઈ મોટરો દોડાવિયે છિયે. ચારઠ મેના માફા રથ ગયા છે, અને વિક્ટોરિયા શિગ્રામો અને ટાંગા માત્ર ખીલી ઠોકી ઠોકીને ઊભાં કરિયે છિયે. પટારા અને મજૂસો ગઈ છે અને સેફો (safe) સાંધિયે છિયે. ટ્રોલિયા ગયા છે. છે અને દરિયાપારથી આવતા પલંગો પર સુઈયે છિયે. પીતાંબર અને રેજા ગયા છે અને પાટલુનો બ્લાઉઝ વડે સાહેબમડમ બનવાના કોડ પૂરિયે છિયે.’ અને પછી એમણે સ્વદેશી ધર્મનું ઉદ્બોધન કર્યું છે. આ નિષ્ફળતાનું કારણ સરકાર અને કેળવણી નહીં પણ ભારતની પ્રજાની જડતા છે એવું એમનું નિદાન છે. ઇંગ્લંડની પ્રજામાં જડતા નથી, ચૈતન્ય છે. ઇંગ્લંડની પ્રજાનું અન્નવસ્ત્ર માટે અન્ય પ્રજાઓ પર અવલંબન છે. એથી એ કાચો માલ આયાત કરે છે, ઉદ્યોગ દ્વારા ઉત્પાદન કરે છે અને વ્યાપાર દ્વારા ઉત્પાદનની નિકાસ કરે છે. એ માટે સંસ્થાનો અને સામ્રાજ્ય સ્થાપે છે – આવો પ્રચંડ પુરુષાર્થ કરે છે. એથી એનામાં ચૈતન્ય છે. એથી એની સંસ્કૃતિમાં ભૌતિક લાભ અને દ્રવ્યલાલસા છે. ઇંગ્લંડની આર્થિક ઘટનાનું ખરું તત્ત્વ મુક્ત વ્યાપાર નથી પણ આ ભૌતિક લાભ અને દ્રવ્યલાલસાની સંસ્કૃતિ, આ પુરુષાર્થ અને આ ચૈતન્ય છે. ભારતની પ્રજાએ અંગ્રેજ પ્રજાની આ સંસ્કૃતિનું, આ પુરુષાર્થ અને આ ચૈતન્યનું દર્શન ન કર્યું. એણે પોતાના સ્વદેશી ધર્મનું પણ દર્શન ન કર્યું. પણ અંગ્રેજોની હુન્નર-કલાનું અંધ અનુકરણ કર્યું એને વિશે એમણે લખ્યું છેઃ ‘પણ – પણ – આપણે એ દાયકાઓ સુધી ન જોયું, ન સમજ્યા. આપણું ડાહ્યામાં ડાહ્યા પુરુષે પશ્ચિમની મોરલીએ નાચ્યા. પીયાનો, વાયોલિન, હાર્મોનિયમ લીધાં, બીન સારંગી તાઉસને તરછોડ્યાં; સેન્ટ ઉડાવી, અત્તર ગુલાબજળથી સૂગાયા...ખરેખર સંસ્કૃતિસંપન્ન પ્રજા પણ જંગલી અસંસ્કૃત પ્રજાના જેટલી ઝડપથી પરાઈ સંસ્કૃતિ ઉપર મોહી પડે, તો પછી સંસ્કૃતિ અસંસ્કૃતિમાં ફેર શે? માટે જ લાગે છે કે આ આર્થિક બનાવ બની આવવામાં સૌથી વધારે ઊંડો દોષ આપણી પોતાની જડતાનો છે. અઢારમા સૈકાને અંતે આપણી બુદ્ધિશક્તિ, આપણી સંસ્કૃતિ ઉપર આપણી રતિ, નામની જ રહેલી, એ ઐતિહાસિક અનુમાન ગમે તેટલું કડવું લાગે તો પણ સત્ય તરીકે આપણને સ્વીકારવું પડશે.’ બલવન્તરાયે અંતમાં પ્રશ્ન પૂછે છે, ‘હવે શું કરીએ, શું કરતા થઈયે તે ભાવિ સુધરતું આવે?’ પ્રજાની પ્રેરણાથી ગુજરાતમાં જે કાયમી આર્થિક બનાવો થયા એમાં મિલો અને છાપખાનાં મુખ્ય છે. પણ એટલાથી એમને સંતોષ નથી. ભારતની પ્રજાએ હજુ બળ કે ગતિ માટેના યંત્રથી માંડીને ઉત્પાદન પરની અંતિમ પ્રક્રિયા માટેના યંત્ર લગીના એક પણ પ્રકારના યંત્રનું સર્જન કર્યું નથી. પછી એવા યંત્રમાં સંશાધન–પરિવર્તન વિશે તો વાત જ શી કરવી? હજુ કઈ નવી ઉત્પાદનની પદ્ધતિનું પણ સર્જન કર્યું નથી. બલવંતરાયે આ પ્રશ્નનો ઉત્તર આમ આપ્યો છેઃ ‘આ પ્રદેશમાં હજુ પણ આપણે નકલ કરતા નિશાળિયાને સ્થાને છિયે. પરોપજીવી અને પરાધીન છિયે....હવે લોઢું, પથ્થર, કોલસો, લક્કડ, વાંસ, કાન્ક્રીટ, જે માગે તે આ જ દેશમાં જોઈતા જથ્થામાં અને સસ્તું મળવાનો સમય આવી લાગ્યો છે. માટે યંત્રપંડિત, વિદ્યુતપંડિત, વરાળપંડિત, ગતિપંડિત, બલપંડિત, સાધનપંડિત, યોજનાપંડિત બને અને ઉપજાવો; ભાષા, ગણિત અને ફિલસૂફીના જેવી એકાગ્રતા એ વિષયમાં સાધો. પાયાથી મોભ સુધી આખું કારખાનું સ્વદેશી રચો, રાજનગર અને બંદરથી દેશના ઊંડા ખૂણામાં આવેલાં ગામડાંઓ સુધીનું આખું આર્થિક તંત્ર (Economic life and activity, Economy) સ્વદેશી રચો, અને આગળ વધો. નિશાળિયાવેડામાં બહુ વરસ ગાળ્યાં.’ આજે કોઈ પણ પાછી નજરે જોઈ શકે કે જ્યાં લગી ભારતમાં અંગ્રેજોનું આર્થિક અને રાજકીય વર્ચસ્ હોય ત્યાં લગી ઇંગ્લંડમાં જેટલો આર્થિક અને ઔદ્યોગિક વિકાસ થયો હોય એટલો આર્થિક અને ઔદ્યોગિક વિકાસ ન થાય એ સંદર્ભમાં ‘હુનરખાનની ચઢાઈ’માં અને રણજિતરામના લેખોમાં દલપતરામ અને રણજિતરામના ભારતના આર્થિક અને ઔદ્યોગિક વિકાસ વિશેના દર્શનની જે મર્યાદા છે તે જ ‘ઇતિહાસ દિગ્દર્શન’માં બલવન્તરાયના ભારતના આર્થિક અને ઔદ્યોગિક વિકાસ વિશેના દર્શનની મર્યાદા છે. ભારતમાંથી અંગ્રેજો ભલે ન જાય પણ એમનો સુધારો જાય એ ‘હિંદ સ્વરાજ'માં ગાંધીજીનું સ્વરાજનું દર્શન છે. એથી અન્યથા ભારતમાંથી અંગ્રેજોનો સુધારો ન જાય એટલું જ નહીં પણ એનો ઇંગ્લંડમાં જેટલો વિકાસ થયો છે એટલો ભારતમાં અને વિકાસ થાય એ ‘હુંનખાનની ચઢાઈ’માં અને રણજિતરામનાં લેખોમાં દલપતરામનું અને રણજિતરામનું આર્થિક અને ઔદ્યોગિક વિકાસનું દર્શન છે તે જ ‘ઇતિહાસ દિગ્દર્શન'માં બલવંતરાયનું આર્થિક અને ઔદ્યોગિક વિકાસનું દર્શન છે. જોકે ભારતમાંથી અંગ્રેજોને સુધારો ન જાય તો આધુનિક ઔદ્યોગિક સંસ્કૃતિમાં જે સંઘર્ષ અને સ્પર્ધા, સંકુચિતતા અને સ્વાર્થ, નફાખોરી અને સત્તાખોરી, વિતૈષણા અને કૈલોણા છે એને કારણે ભારતમાં પણ-યંત્રોનો, યંત્રવિજ્ઞાનનો દુરુપયોગ થાય, કારીગરોનું શોષણ-ભક્ષણ થાય એ ‘હિંદ સ્વરાજ'માં ગાંધીજીને જે ભય અને શંકા છે તે જ ‘ઇતિહાસ દિગ્દર્શન’માં બલવન્તરાયને પણ ભય અને શંકા છે. એથી ‘ઇતિહાસ દિગ્દર્શન'માં અમદાવાદમાં અંબાલાલભાઈના બંધુભાવ અંગેના અનેકાનેક ભાષણોનું સ્મરણ કરી-કરાવીને એ વિશે એમણે લખ્યું છેઃ ‘આપણી મિલોની થાપણ કરોડોની અંકાય છે, હરસાલ લાખોનાં વ્યાજ છપાય છે. આજ જે કુડીબંધ મિલો છે તે કાલ સ્હવારે સેંકડો થશે; આજ જે હજારો કામગારો છે તે જોતજોતામાં લાખો થશે (...થશે શું? થવા જ જોઈએ; નહીં તો આપણે દેશ સુધરેલી દુનિયાની હારમાં આવી જ નહીં શકે; જંગલી, અજ્ઞ, દુકાળવો, ભીખમંગો, ઉઘાડપગો, લંગોટિયો જ રહેશે.), એમની સંસ્કૃતિ, એમની માનવતા કામગાર થતાં વધે છે? ઘટે છે કે કાંટાના એક તરફના પલ્લામાં કરોડોની પુંછ અને લાખોની નરી આવક (net profit) મુકિયે, બીજા પલ્લામાં દેશના લાખો સંતાનોની અવનતિ, અવગતિ, વિકૃતિ મુકિયે, તો બેમાંથી ક્યું પહેલું વધારે ધ્યાન આપવા યોગ્ય છે એ વિશે બે મત સંભવતા જ નથી.’ બલવંન્તરાયે ૧૯૪૧માં ‘નવીન કવિતા વિષે વ્યાખ્યાનોમાં ‘દર્શન ૩જુ’માં ભારતની પ્રજાના સૈકાઓના સામાજિક ઇતિહાસના સંદર્ભમાં અને ગુજરાતી ભાષાની સમકાલીન નવીન કવિતામાં ઊર્મિકાવ્યના સ્વરચિત વર્ગીકરણ પ્રમાણેના ચોથા સ્તબકના સંદર્ભમાં આ પ્રશ્નનો ઉત્તર આપવાનો પ્રયત્ન કર્યો છે. ભારતની પ્રજાના સાહિત્યમાં ધર્મ અને નીતિનાં ઉત્તમ અને આદર્શ મૂલ્યો છે. ભારતની પ્રજાની પ્રાગ્ – ઐતિહાસિક સમાજવ્યવસ્થામાં પણ ચાતુર્વર્ણનું એવું જ એક ઉત્તમ અને આદર્શ મૂલ્ય હતું. પણ ‘આપણી વર્ણવ્યવસ્થા...સૈકાઓથી જામતી આવતી હતી. એ પૂરેપૂરી જામી જતાં આપણી પ્રજા એકરસ (હેમજીનિયસ–homogeneous) મટી તેના બે મોટા અન્યોન્ય પ્રતિ પીઠ રાખી શકતા વિભાગ પડી ગયા. દ્વિજસંઘ તે એક પ્રજા, દ્વિજેતરસંઘ તે બીજી પ્રજા એમ બની ગયું.' જ્ઞાન દ્વિજનો અધિકાર, શ્રમ – કર્મ દ્વિજેતરનો અધિકાર; દ્વિજ શ્રમ – કર્મથી વંચિત, દ્વિજેતર જ્ઞાનથી વંચિત – પછી ભક્તિને તો એમાં સ્થાન જ ક્યાંથી હોય? આમ, ‘...અતિપુરાણા સમયથી ઇતિહાસનો પ્રાતઃકાલ ઊગે તે પહેલાંના કાળથી આપણામાં જાણીતા અંધપંગુ ન્યાયનો મહાવ્યાપક દૃષ્ટાંત આખો ય ભરતખંડી પ્રજાસંઘ બની રહ્યો.' કાલક્રમે દ્વિજ ઉચ્ચ અને દ્વિજેતર નીચ એવો ઉચ્ચનીચભેદ અને ઉચ્ચાવચતાક્રમ અસ્તિત્વમાં આવ્યો. ભારતની પ્રજાની સમાજવ્યવસ્થામાં એકતા અને એકરસતાનો નાશ થાય, સંવાદ અને સહકારનો, ઉદારતા અને નિઃસ્વાર્થનો હ્રાસ થયો, સહિષ્ણુતા અને સ્થિતિસ્થાપકતાનો લોપ થયો. અને ક્રમે ક્રમે સંઘર્ષ અને સ્પર્ધાનો, સંકુચિતતા અને સ્વાર્થનો, જડતા અને સ્થિતિચુસ્તતાને વિકાસ થયો. બ્રાહ્મણ આદિ સવર્ણોએ, ભારતની અલ્પસંખ્ય વામન પ્રજાએ હરિજનો અંત્યજો, અસ્પૃશ્યો આદિનો, ભારતની વિશાલ ગ્રામપ્રદેશની બહુસંખ્ય વિરાટ પ્રજાનો તિરસ્કાર અને બહિષ્કાર કર્યો. અને આ વિકૃતિ અને વિક્રિયાને પરિણામે સૈકાઓથી અને આજે પણ ભારતવર્ષની સમગ્ર પ્રજા એક નિર્બલ, નિષ્પ્રાણ, નિઃસત્ત્વ અને નિર્વીર્ય પ્રજા છે. પ્રાચીન યુગમાં અહિંસા અને પ્રેમના પોતીકા દર્શનની અસરમાં બુદ્ધ, મધ્યયુગમાં મુસ્લિમોના આક્રમણ પછી ગૌણપણે એ વિદેશી વિધર્મીઓના જ સૂફીવાદની અસરમાં પણ પ્રધાનપણે ભારતની ભક્તિસંપ્રદાયની પ્રાચીન પરંપરાની અસરમાં ભારતમાં ચારે ખૂણે સંતોએ અને અર્વાચીન યુગમાં ખ્રિસ્તી – અંગ્રેજોના આક્રમણ પછી ગૌણપણે એ વિદેશી વિધર્મીઓના જ સમાનતાવાદ–માનવતાવાદની અસરમાં પણ પ્રધાનપણે ગીતાની અસરમાં અને સત્ય-અહિંસા-પ્રેમના, સત્યાગ્રહના, સ્વરાજના પોતીકા દર્શનની અસરમાં ગાંધીજીએ આ ભેદ અને આ ક્રમ દૂર' કરવાનો ભવ્યસુંદર પ્રચંડ પુરુષાર્થ કર્યો. છતાં આ પ્રત્યેક પુરુષાર્થ પછી દુર્ભાગ્યે આ ભેદ અને આ ક્રમ વધુ સબળ અને સજ્જડ થયો, વધુ દૃઢ અને રૂઢ થયો. ભારતની પ્રજાના ઇતિહાસની આ મોટામાં મોટી કદરૂપતા છે, એના સમાજનું આ મોટામાં મોટું કલંક છે, એના જીવનની આ મોટામાં મોટી કરુણતા છે. નરસિંહે ગાયું છેઃ ‘હરિજનથી જે અંતર ગણશે એના ફોગટ ફેરા ઠાલા રે.’ જ્યાં લગી ભારતની પ્રજાના જીવનમાંથી આ અંતર, આ અસમાનતા, આ અન્યાય, આ અમાનુષિતા જાય નહીં ત્યાં લગી એમાં કદી સુખ અને શાંતિ થાય નહીં, ત્યાં લગી એને કદી જયવારો થાય નહીં. આ પરિસ્થિતિમાં અર્વાચીન યુગમાં જેમાં મજૂરી, મજૂરવર્ગનો આત્યંતિક અને અન્યવર્ગનિરપેક્ષ મહિમા થયો છે એવી એક વિચારધારાએ ભારતમાં સમાજના અન્ય વર્ગો ઉચ્ચ અને મધ્યમ વર્ગો પ્રત્યે દ્વેષ, ઈર્ષા, વેર અને હિંસાનો, વર્ગવિગ્રહનો પ્રચાર કર્યો છે. અને સ્થાયી વર્ગવિહીન સમાજનો અશક્ય આદર્શ પ્રગટ કર્યો છે. ભારતમાં સૈકાઓથી એક આત્યંતિક કક્ષાએથી બ્રાહ્મણો આદિ સવર્ણોએ હરિજનો આદિનો તિરસ્કાર અને બહિષ્કાર કર્યો છે તેમ અન્ય આત્યંતિક કક્ષાએથી આ વિચારધારા મજૂરવર્ગ વતી અન્ય વર્ગો- ઉચ્ચ અને મધ્યમ વર્ગોનો તિરસ્કાર અને બહિષ્કાર કર્યો છે. બલવંતરાયે એમની બલિષ્ઠ બલવંતી વાણીમાં એકસાથે, એકશ્વાસે આ વિચારધારાનું ગુજરાતી ભાષાની સમકાલીન નવીન કવિતામાં જે નર્યું પ્રચારિયું ‘સાહિત્ય’, સાહિત્ય નામને ન લાયક એવું છાશવારિયું સાહિત્ય, ક્ષુદ્ર ક્ષુલ્લક ભાવોનું ક્ષણિક સાહિત્ય સર્જાય છે એનો નર્યો, નર અને ગરવો તિરસ્કાર કર્યો છે અને મજૂરીનો, મજૂરવર્ગનો સવિવેક, સમતોલ અને સમભાવી પુરસ્કાર કર્યો છે તથા કવિબંધુઓને મજૂરી અને મજૂરવર્ગ વિશેની સાચી ઊંચી કવિતાનું સર્જન કરવાનું આહવાન આપ્યું છે અને એવી કવિતાનું હૃદયપૂર્વક સ્વાગત કરવાનું વચન આપ્યું છે: ‘...એ ફૂસકૂસ ફટાકડા અને એ તડતડિયા તણખાને હું શું કરું? મજૂર અને મજૂરી માટે મને સમભાવ નથી? મજૂરને હું મારો બંધુ ન ગણી શકતો વિદ્યાઘમંડી બુદ્ધિશક્તિનો અંધપૂજક છું? મજૂરી, જીવનસુખ અને જીવનોલ્લાસ માટે કેટલી તો આવશ્યક છે તે હું નથી જાણતા? મજૂરીની અતિમાત્રા કેટલી દુઃખદ અને શક્તિદાહક છે તેનો મને ખ્યાલ નથી? ગુલામીને હું ચાહનારો કે ટેકવનારો સત્તાધીશોનો હિમાયતી છું? ગુલામ ભલે અસંખ્ય હો, તેઓ ભલેને શોષાય, રિબાય, મને મારાં સુખચેન અને મોજમઝા કાયમ રહે એવી નીચ વાસનાવાળો હું સ્વાર્થી, વિષયાલોલુપ છું? એ લોકડિયાં તો એવાં જ, એમનાં પાપ, એમનાં અસંયમ, એમનાં અનિયમ, એમનાં અજ્ઞાન વહેમ અને દુરાચાર એ છોડે એમ નથી; અને તે છોડે નહીં ત્યાં લગી એ નરાકારી પશુમાત્ર છે, રે પશુ કરતાંય ઊતરતાં, એમ એમનામાં માનવતાને જ નકારતો હું નીએટ્ઝવાદી શિષ્ટ માનવ સમાજને જ વળગતો અને ભ્રમિત ચિત્ત મ્હને પ્રિય ભૂમિ આકાશમાં જ વિહરનારો છું? ...સ્વેચ્છાપ્રેરિત મજૂરી તો માણેસનું જીવન છે, કુશળ કારીગરનો આહ્લાદ છે, મૌલિક સર્જન કરવાની શક્તિ હોય તેવાને તેમના વિજય માટે અનિવાર્ય સાધન છે, દરેક પ્રગલ્ભ વ્યક્તિનું શૂરું અભિમાની વ્યક્તિત્વ છે... ...નવ્ય કવિઓ, લેખકો, સાહિત્યકારો, અને કલાભક્તો, તમારા પ્રિય વ્યવસાયોને જે મજૂરી સાચો વળિ ઉદાત્ત વિષય છે, તે સ્વેચ્છાપ્રેરિત સોલ્લાસ મજૂરી છે, વિજય કારીગરી છે; સર્જનશીલ ઘણના ઘા અને છીણીની લકીરો છે; મજૂરજીવન અને મજૂરી વિષે તમે અમને આવી દ્વેષરહિત પ્રેમોલ્લસિત કૃતિઓ સર્જી આપો, બેશક તેમને અમે સમુત્ક્રાંતિપોષક ગણીશું અને વધાવી લઈશું.’ બલવંતરાયે આના અનુસંધાનમાં એમના આયુષ્યનાં અંતિમ વર્ષોમાં, ૧૯૪૩માં ‘પંચોત્તેરમે'માં અમદાવાદમાં એક વ્યાખ્યાનમાં પોતાની ચાર શ્રદ્ધાઓ વિશે બુલંદ ઉદ્ગાર કર્યો હતો. એમાં સમાજમાં શ્રમજીવી અને બુદ્ધિજીવી એ બે જ વર્ગો સમાનાર્હ છે એ એમની એક શ્રદ્ધા છે. એમાં શ્રમજીવી વિશે, મજૂર વિશે એમણે લખ્યું છેઃ ‘સન્માનાર્હ એક તે હું ગણું છું પૂરેપૂરાં બળ, આવડત અને દિલે મજૂરી કરતા મજૂરને. સાધન, ઓજાર આદિ વડે ઇષ્ટ વસ્તુ ઉપજાવવા તે એટલો તે મચીમથી રહે છે કે તેના હાથપગ, તેનાં આંગળાં, તેના સ્નાયુ-સ્નાયુ, તેની રગેરગ, તેની બુદ્ધિનાંય પડેપડ એ સાધનો અને ઓજારો, ક્રિયાઓ અને પ્રક્રિયાઓની ઊંડી છાપ ગ્રહણ કરતાં કરતાં એ સાધનસામગ્રીના અને ઓજાર હથિયારના ઉપર પ્રભુત્વ મેળવે છે અને ભોગવે છે; અને એ પ્રભુત્વના કુદરતી ફળ પરિપાક રળે છે અને આનંદે છે.’ ઉમાશંકરે ‘આત્માનાં ખંડેર'– સૉનેટમાલા મુખ્યત્વે ૧૯૩૫માં વીસ વર્ષની વયે મુંબઈમાં બી. એ. માટે હિંદી શરાફી અને ચલણના અભ્યાસ પાછળના આઠદસ કલાક પછીની છુટકારાની પળોમાં ત્રણચાર દિવસમાં રચી હતી એ અત્યંત સૂચક છે. ‘આત્માનાં ખંડેર'ના કેન્દ્રમાં છે વ્યક્તિની અશાંતિ અને એનો સંદર્ભ છે આધુનિક ઔદ્યોગિક સંસ્કૃતિ, ઔદ્યોગિક સમાજ અને ઔદ્યોગિક મનુષ્ય. ‘આત્માનાં ખંડેર'નો સમય છે ૧૯૩૫ અને એનું સ્થળ છે આધુનિક ઔદ્યોગિક સંસ્કૃતિની આગવી સરજત જેવું એક મહાનગર મુંબઈ, અને એની એક ટેકરી મલબાર હિલ. ઉમાશંકરે મુંબઈમાં જે ટેકરી પરથી, મલબાર હિલ પરથી ‘ આત્માનાં ખંડેર' સૉનેટમાલા રચી છે તે જ ટેકરી પરથી સાતેક દાયકા પૂર્વે નર્મદે મુખ્યત્વે ૧૮૬૩માં ત્રીસ વર્ષની વયે ‘નર્મટેકરી અને તે પર કરેલા વિચારોમાંના કેટલાક’ કાવ્યમાલા રચી હતી. ‘નર્મટેકરી’ના કેન્દ્રમાં પણ છે વ્યક્તિની અશાંતિ અને એનો સંદર્ભ છે સમકાલીન શ્રીમંત વ્યાપારી સમાજ. કાવ્યનાયક પ્રીતિદુઃખને કારણે આશ્વાસન માટે એકાન્તની શોધમાં મુંબઈમાં અનેક સ્થળે ફરે છે પણ ક્યાંય આશ્વાસન પ્રાપ્ત થતું નથી એથી ફરતો ફરતો એક દિવસ એક ટેકરી (૧૮૬૩ના જૂનની ૧૬મીએ મલબાર હિલ) પર આવે છે અને ત્યાં એને ત્યાંની પ્રકૃતિમાંથી આશ્વાસન પ્રાપ્ત થાય છે. કાવ્યનાયક પ્રીતિદુઃખે, સામાજિક દુઃખે દુઃખી તો છે જ પણ નબળી આર્થિક સ્થિતિને કારણે આર્થિક દુઃખે પણ દુઃખી છે. એને અનેક શ્રીમંત વ્યાપારી મિત્રો છે. પણ એ સૌ હાલ શૅરસટ્ટાની ધૂનમાં, ઘેલછામાં છે એથી એની પ્રત્યે બેધ્યાન છે, એની પ્રત્યે એમની ઉપેક્ષા અને ઉદાસીનતા છે. એથી કાવ્યનાયક માત્ર દુઃખમાં નથી, રોષમાં પણ છે. પણ આ ટેકરી પર એ મૈત્રી વિશે, મૈત્રીની દુર્લભતા વિશે (‘મિત્રાઈ’); દુઃખ વિશે, દુઃખના લાભ વિશે (‘આપત્કાળ'); તૃષ્ણ વિશે, ધનની તૃષ્ણા વિશે (‘તૃણ’); સુખ વિશે, મિથ્યા સુખ અને સાચું સુખ શું છે એ વિશે (‘સુખ’); મિથ્યા વિશે, જગતની એકેએક વસ્તુ મિથ્યા છે, એનો ગર્વ મિથ્યા છે એ વિશે (‘મિથ્યાગર્વ’); ઈશ્વરશક્તિ વિશે, આ વિશ્વમાં નિયમ છે એ વિશે (‘ઈશ્વરશક્તિ'); શ્રીમંતો વિશે, એમનામાં સુખ અને નીતિના અભાવરૂપી નિર્ધનતા છે એ વિશે (‘પૈસાદારોનો મોટો ભાગ સુખી નથી’, ‘પૈસાદારોને ગરીબ જેવું સુખ નથી’, ‘પૈસાદારોનો મોટો ભાગ નીતિમાન નથી’); આશા વિશે, આશા ધૂર્ત છે એ વિશે (‘આશા’); ધીરજ વિશે, ધીરતામાં જે વીરતા છે એ વિશે (‘ધીરજ') વિચારો કરે છે. એને ટેકરી પરની પ્રકૃતિમાંથી માત્ર આશ્વાસન જ પ્રાપ્ત થાય છે પણ આ વિચારોમાંથી તો જેને મનુષ્યના, મનુષ્યજીવનના યથાર્થનું કંઈક દર્શન જેવું કહી શકાય એ દર્શન પ્રાપ્ત થાય છે. અને એ દ્વારા એને દુઃખ અને રોષ-અશાંતિમાં ધૃતિ પ્રાપ્ત થાય છે અને એ અર્થમાં એને કંઈક સુખ અને શાંતિ પ્રાપ્ત થાય છે. ‘કોઈ હોય હાલે મસ્ત, કોઈ હોય માલે મસ્ત, કોઈ હોય ઇશ્કે મસ્ત, સુખિયો નર્મદ ખ્યાલે મસ્ત.’ ધીરાં થઈને સહેવું પડે તે એ ન પરાક્રમ જાણવું જે તે. દુઃખ થયે ન બબડવૂં રે ભાઈ હોય એવું કહી ભણવી ભલાઈ. ભવરણમાં નરમદસિંહ સિપાઈ જોયે ધીરજથી હસીને ભવાઈ.’ ઉમાશંકરે ‘આત્માનાં ખંડેર’ પર જે વિવરણ કર્યું છે એમાં એમણે એનો સાર આપ્યો છે એની સાથે ‘નર્મટેકરી’ના આ સારની સરખામણી કરવાથી પણ આ બે કાવ્યકૃતિઓમાં માત્ર આ ટેકરીનું, સ્થળનું જ સામ્ય નથી પણ એથી વિશેષ વિષયવસ્તુનું કંઈક અંશે સામ્ય છે એ સ્પષ્ટ થાય છે. ઉપરાંત આ બે કાવ્યકૃતિઓમાં ચિંતનાત્મક ઊર્મિકવિતાનું પણ સામ્ય છે. અલબત્ત, આ બે કાવ્યકૃતિઓમાં સામ્યથી અસામ્ય વિશેષ છે. ‘નર્મટેકરી’નો કાવ્યનાયક એના દુઃખ અને અશાંતિના અનુભવને અંતે આ ટેકરી પર આવે છે જ્યારે ‘આત્માના ખંડેર'નો કાવ્યનાયક આ ટેકરી પર આવે છે પછી એના દુઃખ અને અશાંતિના અનુભવનો આરંભ થાય છે. એ આ બે કાવ્યકૃતિઓના આરંભે જ એક અસામ્ય છે. શિલી-સ્વરૂપનું અસામ્ય તો છે જ. પણ સૌથી મોટું અસામ્ય તો કાવ્યસિદ્ધિનું છે. જોકે ‘નર્મટેકરી’ની કેટલીક પૂર્વોક્ત પંક્તિઓ જેવી પંક્તિઓમાં કાવ્યસિદ્ધિ પણ છે અને એ કારણે એ પંક્તિ પ્રસિદ્ધ પણ છે. પણ જેમાં કલાકૃતિમાં જે અનિવાર્ય એવી એકતા હોય એવી એક સુશ્લિષ્ટ, સુગ્રથિત કલાકૃતિ તરીકેની જે કાવ્યસિદ્ધિ, કલાસિદ્ધિ ‘આત્માનાં ખંડેરો’માં છે (અને એથી સ્તો એનું સૉનેટમાલાનું સ્વરૂપ છે) તે ‘નર્મટેકરી’માં નથી જ નથી. ‘આત્માનાં ખંડેર'નો કાવ્યનાયક સમુદ્રતટ પરના આ નગરમાં, આ ભૂમિમાં આગંતુક છે, અતિથિ છે. અને આ ભૂમિના વિજેતા થવાની એની મહત્ત્વાકાંક્ષા છે. એ સંદર્ભમાં એ જન્મથી આ ભૂમિથી ભિન્ન એવી ભૂમિનો, ગ્રામપ્રદેશનો અસલ નિવાસી છે. ઇસ્કંદર, બાબર, જોન ઑફ આર્ક, કીટ્સ સાથે એ પોતાનું સ્વરૂપસંધાન (identification) સાધે છે એ પરથી એ પચીસેક વર્ષની વયનો રોમૅન્ટિક યુવાન છે અને ધર્મ, કવિતા, ઇતિહાસનો અભ્યાસી છે એમ સૂચવાય છે. એથી જેમ ‘નર્મટેકરી’નો કાવ્યનાયક નર્મદ પોતે છે અને ‘નર્મટેકરી’ એ આત્મકથાત્મક કાવ્ય છે તેમ ‘આમાનાં ખંડેર'નો કાવ્યનાયક ઉમાશંકર પોતે છે અને ‘આત્માનાં ખંડેર' એ આત્મકથાત્મક કાવ્ય છે એમ કહી શકાય, કાવ્યનાયકનું ઉમાશંકર સાથે સ્વરૂપસંધાન સાધી શકાય. પણ એમાં કોઈ કાવ્યલાભ, કવિતાના રસાસ્વાદમાં લાભ નથી, મનોવૈજ્ઞાનિક ગેરલાભનું દુઃસાહસ અવશ્ય છે. ‘આત્માનાં ખંડેર’ના આરંભમાં સમુદ્રતટ પરના નગરની એક ટેકરી પરની ઉષાકાળની પ્રકૃતિની લીલાના અને નગરની સુદૂર વિસ્તરતી લીલાના દૃશ્યથી, એના પ્રથમ સ્પર્શથી જ આ નગરમાં આગંતુક અને અતિથિ એવા અત્યંત ચિંતનશીલ અને સતત સંવેદનશીલ એવા યુવાન કાવ્યનાયકનું વ્યક્તિત્વ વિહ્વળતા અનુભવે છે અને એનામાં એક દિવસ આ ભૂમિના વિજેતા થવાની મહત્ત્વાકાંક્ષા જન્મે છેઃ ‘ને ટેકરીશિખર રંગપરાગછાયું પ્રેરી રહ્યું ઉરમહીં નવલા જ ભાવ.’ ‘આગંતુકે નીરખી ટેકરી વીંટી ર્‌હેતી, લીલા શહેરતણી વિસ્તરતી સુદૂર;’ ‘ગર્જી રહ્યો અતિથિને પુલકંત આત્માઃ આ ભૂમિનો બનીશ એક દી હું વિજેતા.’ કાવ્યનાયક એના ‘હું’નો, અહમ્‌નો મહિમા કરે છે. એનો અહમ્ સ્થલકાલમાં, વિશ્વમાં વ્યાપી જવા, વિશ્વનું કેન્દ્ર થવા, વિશ્વરમણ માટે, વિજયપ્રાપ્તિ માટે પ્રબલપણે પ્રવૃત્ત થાય છે: ‘ગુહા અંતર્‌કેરી ભરીભરી અહંઘોષ સ્ફુરતો, જવા વિશ્વે વ્યાપી અદકી વધતી આત્મની વ્યથા; થતું હૈયાને જે સ્થસ્થલ કહું મારી જ કથા.’ ‘હતું સૌઃ એ સાચુ! હતી પણ ખરી હુંની જ મણા; વિના હું બ્રહ્માંડે કવણુ કરતે વિશ્વરમણા?’ કાવ્યનાયકની મુગ્ધ માન્યતા છે કે એક પ્રકૃતિનો અને એક મનુષ્યોને એમ બે સમુદ્રો અહીં સામસામે ગર્જે છે એમાં મનુષ્યોનો જે સમુદ્ર છે એને યંત્રનો તાલ છે અને પ્રકૃતિના સમુદ્રના અતલમાં છે તેમ એની અવિરત પ્રવૃત્તિના ગર્ભમાં, ગોપનમાં અનેક રત્નો છે અને પ્રકૃતિનો સમુદ્ર જેમ પૂર્ણિમાના ચંદ્રથી ભરતી અનુભવે છે અને નક્ષત્રોથી એ એની છીપમાં શુભ્ર મોતી પામે છે તેમ આ મનુષ્યોનો સમુદ્ર પણ પોતે ઉલ્લાસ અનુભવે અને પોતે કંઈક પામે એ માટે કોઈ વિરલ પ્રેરક સત્ત્વપુંજની એટલે કે કાવ્યનાયકની પ્રતીક્ષા કરે છેઃ ‘ને આ વિરાટ વળી માનવસિંધ નિત્યે ગર્જંત, ઓટભરતી મહીં મસ્ત, લ્હેરે. દે યંત્ર તાલ, અણથંભ પ્રવૃત્તિગર્ભે છૂ૫ાં કંઈ હૃદયરત્ન ઝુલાવી ર્‌હેતો.’ ‘એવો મહા વિરલ પ્રેરક સત્ત્વપુંજ સંક્ષુબ્ધ આ તરલ માનવરાશિ માગે, કે કૈં કર્યે જીવન જાગી ચગે હુલાસે.’ કાવ્યનાયક વચમાં વળી કયારેક પોતાની આ મહત્ત્વાકાંક્ષા અશક્ય તો નથી ને?-એવો પોતાને પ્રશ્ન પૂછે છે. અને પછી ઇસ્કંદરે, બાબરે, જોન ઑફ આર્કે, કીટ્સે યૌવનમાં જ પોતાની જ વયે વિજય પ્રાપ્ત કર્યો જ હતો ને! –એમ ધર્મ, કવિતા, ઇતિહાસમાંથી ઉદાહરણો દ્વારા પોતાને ઉત્તર આપે છે અને પોતાનામાં પણ એ જ ચૈતન્ય છે એથી પોતે પણ વિકાસ દ્વારા ભવિષ્યમાં પ્રજ્ઞાપુરુષ રૂપે પ્રગટશે એમ શ્રદ્ધા અનુભવે છે: ‘શ્વસે હૈયે મારે પણ તણખ એ ચેતન તણી,’ ‘વિકાસીને આગે પ્રગટ બનું પ્રજ્ઞાપુરુષ હું.’ અને એથી એ વિશ્વજનનીને, મૈયાને એના સ્તનપાનથી પોતાનો ત્વરિતમાં ત્વરિત વિકાસ થાય એ પયઘૂંટ પાય એ માટે અધીરાઈપૂર્વકની પ્રાર્થના પણ કરે છેઃ ‘રે! ખોલ, ખોલ, ઝટ છોડ વિકાસધારા, ને ના પટાવ શિશુને, બીજું કૈં ન જો’યે થાને લગાડી બસ દે પયઘૂંટ, મૈયા!’ વળી સમગ્ર પ્રકૃતિ વિશ્વકુલનો પ્રણય ગ્રહવા પોતાને આમંત્રે છે, પોતાને પણ પ્રકૃતિ અત્યંત પ્રિય છે પણ પોતે એ પ્રકૃતિરમણીનાં રૂપોથી, પ્રલોભનોથી લુબ્ધ-ક્ષુબ્ધ નહીં થાય કારણ કે પોતે પોતાનો સમગ્ર પ્રણય મનુષ્યોને અર્પણ કર્યો છે અને મનુષ્યરૂપી અમૃતથી પ્રપૂર્ણ એવી પોતાના હૃદયની કુંજ પોતાને પ્રકૃતિથી વિશેષ પ્રિય છે એવી પણ શ્રદ્ધા અનુભવે છેઃ ‘– મને આમંત્રે સૌ પ્રણય ગ્રહવા વિશ્વકુલનો.’ ‘નહીં મારે રે એ પ્રકૃતિરમણીનાં નવનવાં ફસાવું રૂપોમાં, પ્રણય જગને અર્પણ કર્યો.' ‘મને વ્હાલી વ્હાલી કુદરત ઘણી, કિંતુ અમૃતે મનુષ્યે છાયેલી પ્રિયતર મને કુંજ ઉરની.’ એથી એને હવે પોતાની સમૃદ્ધિ આ મનુષ્યોને અર્પણ કરીને અકિંચન થવું છે. પણ એમાં વક્રતા એ છે કે આ મનુષ્યની ભાવનાનાં મોતી સાચાં અને જૂઠાં છે અને આ મનુષ્યોના અનુભવોના કંટકોમાંથી એ પુષ્પો પામ્યો છે એથી એ મોતીની અને પુષ્પોની માલા એ રચી શકયો નથી. વળી પોતાની. અંગુલિના સ્પર્શથી એ પુષ્પો કદાચ સુરભિહીન, વિવર્ણ અને મ્લાન થશે એવો એને ભય અને સંકોચ છે. વળી એ પોતાનું કૌમાર્યપૂર્ણ હૃદય પણ આ મનુષ્યોને અર્પણ કરે એવી આ મનુષ્યોની ઇચ્છા છે પણ એમાં વકતા એ છે કે આ મનુષ્યો એના હૃદયને ચંચુપ્રહાર કરશે એવો એને ભય અને સંકોચ છે. કાવ્યનાયકની મુગ્ધ માન્યતા છે કે પોતે જે સ્થળમાં વસે છે તે સ્થળમાં જ એ ત્રિલોકને, અસીમને અનુભવી શકે છે, પોતે જે ક્ષણમાં જીવે છે તે ક્ષણમાં જ એ ત્રિકાલને, અનાદિ-અનંતને અનુભવી શકે છે. આમ ને આમ કૈંક પ્રાતઃ, કૈંક મધ્ય કૈંક સાયં, કૈંક મધ્યરાત્રિ, વસંત, વર્ષા, શરદ, દિવસો અને ઋતુઓ કૈં એક વરસ વીતી જાય છે. પણ એને કાળનો કે પ્રકૃતિનો કોઈ સ્પર્શ થતો નથી. વરસને અંતે એ પશ્ચાત્‌દર્શન અને આંતરદર્શન કરે છે. એ અશાંત છે. એથી અહોરાત એ સમયની સુરાનું પાન કરે છે. ફરીથી ઉષા ઊગે છે. ફરીથી તૃષા જાગે છે. પણ અંતે હવે નિરાશા છે, જડતા છે, માયા છે, ભીંસ છે, અશ્રુ છે. જીવનની મદિરાનું પાન એ ક્યાં લગી કરે? એથી અંતે એ વેર, દોષ, અસિદ્ધિ, પ્રણયવૈફલ્યને કારણે મૃત્યુ ઇચ્છે છે. એ મૃત્યુમાં પુનર્જન્મ, દિવ્ય ઉષા, નૂતન યાત્રા, આનંદયાત્રા આદિ મિથ્યા તર્કોનું આરોપણ નહીં પણ મૃત્યુ, એ જેવું છે તેવું, એના અસલ સ્વરૂપમાં મૃત્યુ ઇચ્છે છે. એ અસંખ્ય મનુષ્યની વચમાં વસે છે છતાં એકલતા અને મૌન અનુભવે છે એ સમુદ્ર સમક્ષ એકરાર કરે છે અને સમુદ્રને પોતાની કાયા અર્પણ કરે છે. પણ ‘તું તારા જગતમાં, મનુષ્યોના જગતમાં પાછો જા, મારે તારી સાથે અને એ તારા જગતની સાથે કોઈ સંબંધ નથી'- એમ સમુદ્ર એનો અસ્વીકાર કરે છેઃ ‘આંહી લોકે લખલખ જનોમાં ય એકાકી ર્‌હેવું; મૂગાં મૂગાં સહન કરવું, ના હયાને ક્‌હેવું.’ ‘ત્યાં તો કાયા ફગવી હડસેલી તરંગો પુકારે: જા રે તારે જગ, ઉભયથી કૈં ન સંબંધ મારે.’ હવે રણ સમું એનું અને સૌ મનુષ્યોનું જીવન છે. એ અને સૌ મનુષ્યો જલની આશામાં વિધિની રેત વ્યર્થ નિચોવે છે અને એ વૃથા પ્રયત્નમાં મૃગજળની રમ્ય ભ્રમણા પણ લુપ્ત થાય છે: સુકાઈ એવું તો રણ સમ થયું જીવન હતું, ... બિચારો નિચોવે મનુજ વિધિની રેત અમથો; વૃથા યત્ને ખુએ મૃગજળનીયે રમ્ય ભ્રમણા.’ આમ, સંશયવાદ નિરાશાવાદ, શૂન્યવાદ, પરાજયવાદ, અસ્તિત્વવાદ, નિઃસારતાવાદ આદિ આપણા યુગના, આધુનિક ઔદ્યોગિક યુગના અનેક અનુભવ એને થાય છે. હવે એને એકે ભ્રમ નથી. હવે એ જગતના જે અસંખ્ય મિથ્યા સુખો છે, અસત્ આનંદો છે, જગત જેની મદિરાનું સતત પાન કરે છે એનો ઉપહાસ કરે છે. હવે એને યથાર્થને કારણે જો અશ્રુ હોય તો એ અશ્રુનું જ મૂલ્ય છે. ભલેને સુખ હોય પણ જો એ જૂઠું હોય તો એનું કોઈ મૂલ્ય નથી. ભલેને દુઃખ હોય પણ જો એ સાચું હોય તો એનું મહાન મૂલ્ય છેઃ .. ‘અસત્ આનંદની પરબ રચી વ્હેંચો ન મદિરા, ભલાં શોકપ્રેર્યાં દૃગજલ યથાર્થે વિહરતાં’ ફરી ઉષા ઊગે છે. પણ હવે ચિત્તમાંથી ધુમ્મસ ઓસરે છે. પાંપણ પરથી રંગભરી જવનિકા સરે છે. હવે કેવુંક છે ચોમેર ટેકરી પરનું દૃશ્ય? હવે ક્યાં છે પેલી પ્રથમની વિરાટ જનતા? ચોમેર આત્માનાં ખંડેર છે. કાવ્યનાયક ક્ષણભર તો હૃદયના ઊર્મિલ વ્યાપારોમાં આશ્વાસન શોધે છેઃ ‘આત્મા તણાં અરધભગ્ન ઊભેલ અર્ધા ખંડેરની જગપટે પથરાઈ લીલા. ને છાંડીને જયમનોરથ, કે ઘવાયા પંખી સમું ઉર લપાઈ કહીંક બેઠું ખંડેરની કરુણભીષણ ગાતું ગાથા, ને ગોતતું અફળ ગાન મહીં દિલાસા.’ પણ કાવ્યનાયકની આ શોધ અફળ છે. અંતે એ એની એકલતા અને અશાંતિને, અને સાથે સાથે અન્ય સૌ મનુષ્યોની અશાંતિનો સ્વીકાર કરે છે. દુઃખનો સ્વીકાર કરે છે. યથાર્થનો સ્વીકાર કરે છેઃ ‘મને અસુખ ના દમે વિતથ સૌખ્ય જેવાં કઠે; સુખો ન રુચતાં, યથા સમજમાંહી ઊતર્યાં દુઃખો. યથાર્થ જ સુપથ્ય એક, સમજ્યાં જવું શક્ય જે. અજાણ રમવું કશું! સમજવું રિબાઈયે તે.’ ‘આત્માનાં ખંડેર'નો કાવ્યનાયક ગ્રામપ્રદેશનું, ગોપસંસ્કૃતિનું સંતાન છે. એણે પોતાને એ પ્રદેશમાંથી, એ સંસ્કૃતિમાંથી સ્વેચ્છાએ નિર્મૂલ કર્યો છે એણે પિતાના સુખદ મધુર શૈશવની સુવર્ણભૂમિનો, એની પ્રિય પ્રકૃતિનો સ્વેચ્છાએ ત્યાગ કર્યો છે. એણે ‘દિશ દિશ તણા આદર્શો સાથે, પ્રણય અને મૈત્રીની મોટી આશાઓ અને મોટી અપેક્ષાઓ સાથે આધુનિક ઔદ્યોગિક સંસ્કૃતિની આગવી સરજત જેવા નગરમાં, નગરસંસ્કૃતિમાં અને એના મનુષ્યોમાં પોતાની શ્રદ્ધાનું આરોપણ કર્યું છે. એણે ‘આંહીં લોકે લખલખ જનમાં એના અહમ ની સ્થાપનાનું, એની મહત્ત્વાકાંક્ષાની સિદ્ધિનું, એના વ્યક્તિત્વના વિકાસનું, એના વિજયનું મહાસ્વપ્ન સેવ્યું છે. અને અંતે એનો પરાજય થાય છે. એના અહમ્‌નો, એની મહત્ત્વાકાંક્ષાને, એના વ્યક્તિત્વને, એના સ્વપ્નનો હ્રાસ થાય છે, નાશ થાય છે. ‘આયુષ્યના અનિવાર્ય અનુભવોને અંતે એ શતખંડ' છિન્નભિન્ન થાય છે. એને પ્રથમ તો એના પોતાના આત્માનાં ખંડેરનું દર્શન થાય છે અને પછી એને જે મનુષ્યના આત્માની ભવ્યસુંદર ઇમારત પર કળશ રૂપે બિરાજવું છે એ આત્માનાં ખંડેરનું પણ એને ચોમેર દર્શન થાય છે. આ મનુષ્યોનું રણ સમું જીવન છે. એની વિધિની રેત અમથી અમથી નિચોવી નિચોવીને હવે એમાં એમણે મૃગજળની રમ્ય ભ્રમણા પણ ખોઈ છે. ‘ જગમગજના ઝંઝાવાતો', ‘દલિતઉરના લાવા’, ‘પ્રવાતો વૈરોના’, ‘પ્રપાતો દોષોના’, ‘અસિદ્ધિના ડંખો', ‘પ્રણય અણમાણ્યા’, ‘અસત્ આનંદો', ‘વિતથ સૌખ્યો', નિરાશા, જડતા, માયા, ક્ષુદ્રતા, ક્ષુલ્લકતા, ક્ષણિકતા આદિને કારણે આ મનુષ્યની કરુણતાનું એને દર્શન થાય છે. આ મનુષ્યો યથાર્થની ઉપેક્ષા કરે છે, અવહેલના કરે છે, યથાર્થની વિડંબના કરે છે, વિસ્મૃતિ કરે છે. ક્ષણભર તો કાવ્યનાયક પણ આ મનુષ્યની જેમ જ આત્મવંચના અને આત્મપ્રતારણા કરે છે. એ આત્મહત્યા દ્વારા યથાર્થમાંથી પલાયન થવાનો પ્રયત્ન કરે છે. ‘યથાર્થ (Reality)ને ચિત્તના હૃદયના ભાગેડુ વ્યાપારથી ભૂલવા પ્રયત્ન કરવો ને એ રીતે આનંદમાં રહેવું, અથવા એ યથાર્થ અંગે આંખ આડા કાન કરવા ને અજાણ રહીને જ સુખમય રહેવું, એ તો જીવનના પ્રવાહને આંગળીઓ વચ્ચેથી વ્યર્થ સરી જવા દેવા બરાબર છે. એ યથાર્થને સ્વીકારવો ને સમજવો એમાં જ જીવનની સાચી પકડ લાધવાનો સંભવ છે. આમ, પોચટ આશાવાદને અહીં અવકાશ નથી, પણ જીવનને ખોઈ બેસવાનો પણ ભય નથી, ઊલટું ભ્રમણાઓની પાર થઈને જીવનની સાચી અનુભૂતિની આ રીતે જ કાંઈકે આશા છે. એથી કાવ્યનાયક અંતે ભલે રિબાવું પણ સમજવું, જે કંઈ શક્ય હોય તે સમજવું અને માત્ર યથાર્થનો જ સ્વીકાર કરવો એ નિર્ણય કરે છે. આમ, કાવ્યનાયક અંતે યથાર્થને સ્વીકાર કરે છે અને આ સ્વીકારને કારણે એમાં જે દુઃખ છે એ દુઃખનો સ્વીકાર કરે છે. આ સ્વીકાર, આ સ્વીકારમાં જે સૂઝસમજ છે, જે યથાર્થનું દર્શન છે એ જીવનનું સારસર્વસ્વ છે, એ જ જીવનની સાચી અનુભૂતિ છે, આધ્યાત્મિક અનુભૂતિ છે અને એથી આ પરાજય એ જ અંતે જીવનનો આધ્યાત્મિક વિજય છે. ‘નર્મટેકરી’ના કાવ્યનાયકમાં, ૧૮૫૪માં મુંબઈમાં પ્રથમ મિલ સ્થાપવામાં આવી પછી હજુ ત્રણ જ મિલો અસ્તિત્વમાં આવી હતી અને શેરસટ્ટાની ધૂન, ઘેલછા જેમનામાં હતી એવા શ્રીમતોને, વ્યાપારી વર્ગનો જ મુખ્યત્વે સંદર્ભ હતો એથી, જે દર્શન નથી જ નથી અને ‘માસ્તર નંદનપ્રસાદ’માં આધુનિક ઔદ્યોગિક સંસ્કૃતિને, સમાજનો અને મનુષ્યનો સંદર્ભ છે છતાં નંદનપ્રસાદમાં આત્મહત્યાના પલાયનથી વિશેષ અનુભવનું બળ નથી એથી જે દર્શન નથી તે દર્શન, યથાર્થનું દર્શન ‘આત્માનાં ખંડેર'ના કાવ્યનાયકમાં છે, ભારતમાંથી અંગ્રેજોનો સુધારો ન જાય એટલું જ નહીં પણ એનો ઇંગ્લંડમાં જેટલો વિકાસ થયો છે એટલો ભારતમાં એનો વિકાસ થાય તો આધુનિક ઔદ્યોગિક સંસ્કૃતિમાં સંઘર્ષ આદિને કારણે ઔદ્યોગિક મનુષ્યનો, એના વ્યક્તિત્વનો હ્રાસ થાય, નાશ થાય એ ‘હિંદ સ્વરાજ'માં ગાંધીજીને અને ‘ઇતિહાસ દિગ્દર્શન’માં બલવન્તરાયને જે ભય અને શંકા છે તે જેમ રણજિતરામની વારતા – ‘માસ્તર નંદનપ્રસાદ’માં માત્ર ભય અને શંકા રૂપે નહીં પણ અનુભવ રૂપે છે તેમ ઉમાશંકરના કાવ્ય – ‘આત્માનાં ખંડેર'માં પણ માત્ર ભય અને શંકા રૂપે નહીં પણ અનુભવરૂપે છે. ઉમાશંકરે, જેમાં વિશ્વ રંગભૂમિ રૂપે હોય, નક્ષત્રો-ગ્રહો અને કાળ પાત્રો રૂપે હોય, જેમાં સૃષ્ટિમાં સૌંદર્યની સ્થાપનાનું કાર્ય સિદ્ધ થયું છે અને હવે વિશ્વમાં પ્રેમની પ્રતિષ્ઠા થવી જોઈએ, માનવજીવનમાં સંવાદનો અને પ્રેમધર્મનો મહિમા થવો જોઈએ એવી સમષ્ટિમાં સમરસ થવાની ઝંખના હોય એવા એક બૃહત્ કાવ્ય-નાટકની ઉપપેદાશ જેવું છ ભાગમાં પાંચસોએક પંક્તિનું ખંડકાવ્ય ‘વિશ્વશાંતિ' ૧૯૩૧માં ગાંધી-ઇરવિન સંધિના સમયમાં અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની લાંબી અગાસીમાં વહેલી સવારે આંટા મારતાં મરતાં સ્ફુરે, પછી છ કલાકનું ખાદી અંગેનું કામ કરતાં કરતાં આખો દિવસ એ મનમાં ઘેળાયા કરે અને ફાજલ સમયમાં પંક્તિઓ લખાય એમ, છઠ્ઠો ભાગ થોડાક દિવસ પછી લખાયો એ અપવાદ સાથે, પાંચ દિવસમાં રચ્યું હતું એ પણ અત્યંત સૂચક છે. વિશ્વશાંતિ'માં એક આદર્શ પ્રતિ અભીપ્સા છે. એમાં જે ભાવનામયતા કાવ્યની એકતારૂપ છે એ ભાવનામયતાને માનવજાતિએ વાસ્તવિકતા બનાવ્યા વિના છૂટકો નથી એવું દર્શન છે. એમાં, સવિશેષ તે પહેલા, પાંચમા અને છઠ્ઠા ભાગમાં, વિશ્વશાંતિ એ માનવનિયતિ છે એવું દર્શન છે. ઉમાશંકરે ૧૯૩૧માં ‘વિશ્વશાંતિ ખંડકાવ્ય રચ્યું પછી વચમાં પ્રેમ, મૃત્યુ અને જગતની અને જગતથી પર અને પારની વાસ્તવિકતાઓની કવિતા રચી અને ચાર જ વર્ષના સમય પછી ૧૯૩૫માં ‘આત્માનાં ખંડેર’ સોનેટમાલા રચી છે એમાં આધુનિક ઔદ્યોગિક સંસ્કૃતિ, સમાજ અને મનુષ્યની વાસ્તવિકતા છે. એમાં કેન્દ્રમાં વ્યક્તિની અશાંતિ છે. પણ આ વિશ્વશાંતિ અને આ વ્યક્તિની અશાંતિ વચ્ચે વિરોધ નથી. આ અશાંતિને અનુભવ એ નરક છે પણ એના યથાર્થનો સ્વીકાર એ શોધન છે અને સ્વીકારને કારણે દુઃખ એ અગ્નિ છે. આ શોધન અને આ અગ્નિ, આ શોધનઅગ્નિ એ જ તો વ્યક્તિ અને સમષ્ટિની શાંતિના, વિશ્વશાંતિના સ્વર્ગનું પ્રવેશદ્વાર છે. વ્યક્તિની અશાંતિના આ યથાર્થના સ્વીકાર દ્વારા જ વિશ્વશાંતિની શક્યતા છે, ન અન્યથા! એથી જ ઉમાશંકરે ૧૯૫૯માં ‘મારે વિશ્વશાંતિ' ફરી લખવાનું હોય તો?’માં લખ્યું છેઃ ‘પણ અત્યારે તો, વિશ્વ એક હૂંફાળા માળા સમું છે, એવો ભાવ દૃઢ થવાને બદલે આપણું સૂર્યમાલામાં માનવે પ્રેરેલો નવો કૃત્રિમ ગ્રહ કૌતુકભરી આશાની સાથે ભીતિ-અશાંતિનો સંચાર પણ કરે છે. અત્યારે મારે ‘વિશ્વશાંતિ’ ફરી લખવું હોય તો ભાવનામયતાના બુલંદ ઉદ્‌ગારની સાથે સાથે વ્યક્તિની અને સમષ્ટિની ગંજાવર અશાંતિના આલેખનો પણ કૃતિમાં સમાવેશ થાય એ જોઉં.’ વળી ઉમાશંકરે ૧૯૪૮માં અંગ્રેજ અમલનું કવિતા-સાહિત્યમાં લખ્યું છેઃ ‘...પણ સ્વેચ્છાએ સૌ સ્વાધીન દેશો એક જગતરાજ્યની રચનામાં ભળે તો જ જગત ટકી શકશે એવું હવે સ્વપ્નદ્રષ્ટાઓને જ નહિ, પણ વાસ્તવવાદીઓને પણ પ્રતીત થઈ રહ્યું છે. અર્થકારણમાં પણ દુનિયાના સૌ દેશેનાં પરસ્પર લટિયાં ગૂંથાયેલાં છે અને એક-કુટુંબ-ભાવના જેવું કાંઈ નહિ સ્થપાય તો સૌનો નાશ છે એમ પણ સ્વીકારાવા લાગ્યું છે, અને આ તો જગતને ચારે ખૂણે પાયાના માનવધર્મથી પ્રેરાયેલી સર્વોદય-સંસ્કૃતિ ફેલાય તો જ શક્ય છે. આ રીતે આજે આપણો દેશ જ નહિ, આખું જગત સાર્વત્રિક સમન્વયના ઉંબર ઉપર ઊભેલ છે. આવતી કાલની કવિતા... આ સર્વભૌમ સમન્વય-ભાવનાનો જ મંગલ મંત્રધ્વનિ હશે...’ ‘વિશ્વશાંતિ’ અને ‘આત્માનાં ખંડેર' એ સંક્રાન્તિયુગની કવિતા છે. યંત્રવૈજ્ઞાનિક યુગમાં યંત્રવૈજ્ઞાનિક સંસ્કૃતિ, સમાજ અને મનુષ્યના સંદર્ભમાં, આ વ્યાખ્યાનના મંત્રકવિતા વિશેના અંતભાગમાં જોઈશું તેમ, હવે પછીની કવિતામાં ‘વિશ્વશાંતિ' અને ‘આત્માનાં ખંડેર'નો સમન્વય થશે. આ બન્ને પ્રકારની કવિતા એક-કૃતિ રૂપે, એક-આકૃતિ રૂપે સિદ્ધ થશે. અને એ કવિતા યંત્રવિજ્ઞાનના સંદર્ભમાં મંત્રકવિતા હશે. ઉમાશંકરે ૧૯૬૮માં ‘અભિભાષણ’માં લખ્યું છેઃ ‘કવિતા પરસ્પરાવલંબનના સંબંધોનું આખુંય જાળ પ્રદર્શિત કરે અને અંતર્દષ્ટિ અને સહજસ્ફૂર્ત જ્ઞાન દ્વારા માનવ અને માનવેતર વચ્ચેના, શરીર અને શરીરેતર વચ્ચેના, જીવવામાં રહેલી અનિવાર્ય ક્રૂરતા અને પ્રેમ વચ્ચેના સમૃદ્ધ સમન્વયને આલોકિત કરે એ આજે જેટલું જરૂરી છે તેટલું કદાચ કયારેય ન હતું. ખરે જ કવિતા નરકથી, શોધનઅગ્નિ (પર્ગેટોરિયો) દ્વારા, સ્વર્ગનો પથ નિર્દેશી શકે.’