ભદ્રંભદ્ર
પણ જૂની કૃતિઓના મૂળ રૂપને સાચવીને એનું દસ્તાવેજી રક્ષણ કરવાની પણ એની નેમ છે.]
‘ભદ્રંભદ્ર’ નવલકથા રમણભાઈ નીલકંઠના સામયિક ‘જ્ઞાનસુધા’માં ટુકડેટુકડે છપાયેલી. એ પછી ઈ.૧૯૦૦માં એ પુસ્તકરૂપે પ્રગટ થઈ. લેખકની હયાતીમાં ઈ. ૧૯૨૩ સુધીમાં એની ૪ આવૃત્તિઓ પ્રસિદ્ધ થયેલી. ઈ.૧૯૨૮માં રમણભાઈનું અવસાન થયું એ પછી ઈ.૧૯૩૨માં એમનાં વિદૂષી પત્ની વિદ્યાબહેન નીલકંઠે ‘ભદ્રંભદ્ર’ની પાંચમી આવૃત્તિ કાળજીપૂર્વક, મૂળ પ્રમાણે પ્રગટ કરી હતી – કલાગુરુ રવિશંકર રાવળે ભદ્રંભદ્રનાં પાત્રો-પ્રસંગો લઈને કેટલાંક સુંદર રેખાંકનો કરેલાં એ રમણભાઈએ ત્રીજી આવૃત્તિથી સામેલ કરેલાં, એ ચિત્રો પણ વિદ્યાબહેને પાંચમી આવૃત્તિમાં જાળવેલાં.
યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં આ નવલકથા મુકાતી થઈ એ નિમિત્તે છેલ્લાં કેટલાંક વર્ષોમાં થયેલાં એનાં વ્યવસાયી બલકે ધંધાદારી પ્રકાશનોમાં નવલકથાનાં આગળનાં પાનાં – મુખપૃષ્ઠ(ખૂલતું પાનું), ‘પ્રસિદ્ધ કરનારની પ્રસ્તાવના’, ‘ગ્રંથકર્તાની પ્રસ્તાવના’, ‘અર્પણોદ્ગાર’ – કાઢી નાખીને એને પ્રકરણ-અનુક્રમથી જ શરૂ કરવામાં આવી છે! – આ નવલકથાનાં હાસ્ય-કટાક્ષ તો મુખપૃષ્ઠથી જ ચાલુ થઈ જતાં હોવાથી આમ આગલાં પાનાં કાઢી નાખવામાં તો બેદરકારીવાળો અપરાધ જ થયો કહેવાય. વળી, આ પ્રકાશનોમાં મૂળનાં રવિશંકર રાવળનાં રેખાંકનો પણ અદૃશ્ય કરી દેવાયાં છે! એક પ્રકાશનમાં તો, આવરણ પરના અણઘડ ચિત્રમાં ભદ્રંભદ્રના પગમાં ચાખડીઓને બદલે દોરીવાળા બૂટ દેખાય છે!
એટલે, એકત્રની આ શોધિત ઈ-આવૃત્તિમાં, વિદ્યાબહેને કરેલી પાંચમી આવૃત્તિમાંથી, આગળનાં પાનાં તથા રવિશંકર રાવળનાં રેખાંકનો સમાવી લીધાં છે ને એમ મૂળ નવલકથાનું વિશિષ્ટ કૃતિમૂલ્ય ને દસ્તાવેજી મહત્ત્વ જાળવી લીધું છે.
–રમણ સોની
૧. નામધારણ
સને ૧૮૮૬માં હું મારા મિત્ર દોલતશંકર સાથે મુંબાઇ ગયો હતો. આપણા દેશનો જૂનો ધર્મ ડુબાવનાર સુધારાવાળાની સામે દોલતશંકર ઠેરઠેર ભાષણ આપતા હતા. તેમની સાથે હું ઘણા દેશોમાં અને મુલકોમાં ફર્યો હતો. અમદાવાદથી નીકળી નરોડા, કોચરબ, સરખેજ, અસારવા, વટવા વગેરે વિવિધ ભૂમિઓમાં અમે મુસાફરી કરી હતી. તે સાલ તો અમે દક્ષિણમાં નવાપુરા સુધી જઈ પહોંચ્યા હતા. તે શહેરમાં અમે એક મહિનો રહ્યા તેટલામાં દોલતશંકરે સુધારા વિરુદ્ધ ૧૦૮ ભાષણો કર્યા હતાં. વળી એથી અગાડી વધી સાબરમતી નદી ઓળંગી અમે ઠેઠ ધોળકા સુધી જવાના હતા. એવામાં ખબર આવી કે મુંબાઇમાં માધવબાગમાં સુધારા વિરુદ્ધ એક મોટી ગંજાવર સભા મળનાર છે. ખબર આવતાં તરત દોલતશંકરે એમની હંમેશની ચંચળતા મુજબ એક ક્ષણમાં – અડધી ક્ષણમાં વિચાર ફેરવ્યો અને નિશ્ચય કર્યો કે ગમે તેટલાં વિઘ્ન આવે, ગમે તેટલાં કષ્ટ નડે, ગમે તેટલી વિપત્તિઓ પડે, પણ તે સર્વ સામે બાથ ભીડી, તે સર્વ વિરુદ્ધ વિગ્રહ કરી, તે સર્વ પર જય મેળવી મુંબાઇ જવું. મને પણ સાથે લેવાનું ઠર્યું.
અમે રાતોરાત ઊપડ્યા અને સવારે અમદાવાદ પહોંચ્યા. રવિવારે મુંબાઇમાં સભા મળવાની હતી તેથી વચમાં બે જ દિવસ રહ્યા હતા. એટલા થોડા વખતમાં આવી દૂરની મુસાફરીની તૈયારી કરવી એ અશક્ય હતું. પણ દોલતશંકરની દૃઢતા અને ઉત્સાહ કશાથી હઠે એવાં નહોતાં. એક આખો દહાડો અને એક આખી રાત અખંડ ઉજાગરો કરી એમણે સામાન બાંધ્યો. આગગાડીમાં મ્લેચ્છ ચાંડાલાદિના સ્પર્શથી દૂષિત થયેલાં પાટિયાં પર ખાવું અને પાણી પીવું એના જેવું ઘોર પાપ એકે નથી એમ દોલતશંકરે એકેએક ભાષણમાં કહ્યું હતું. તેથી ઉત્તમ દૃષ્ટાંત આપવા માટે એ સિદ્ધાંત અમલમાં આણવાનો આ વખતે એમણે ઠરાવ કર્યો. એમનો વિચાર તો એટલે સુધી થયો કે શ્વાસ પણ સ્ટેશન આવે ત્યારે નીચે ઊતરીને લેવો અને ગાડી ચાલતી હોય તે વેળા પ્રાણાયામ કરી બેસી રહેવું. પણ મેં સૂચવ્યું કે, ‘આ ભારત ભૂમિમાં યવનો આવ્યા ત્યારથી હવા તો એકેએક ઠેકાણે ભ્રષ્ટ થયેલી છે અને સ્ટેશન પર પણ ભ્રષ્ટ લોકો ફરતા હોય છે; વળી ગાડી દોડે એટલે હવા તો બદલાતી જાય અને બહારની હવા આવે, તેથી શ્વાસ લેવામાં હરકત નથી.’
આ ખુલાસો સાંભળી દોલતશંકર શંકાશીલ થઈ પ્રથમ તો મારી સામું સ્થિર દૃષ્ટિથી જોઇ રહ્યા. એમનું શરીર સ્તબ્ધ થયું. નાક ઊંચું થયું. રથચક્ર જેવી એમની ગોળ આંખો ચળક ચળક થવા લાગી. માટીના પોપડારૂપી એમના વિશાળ હ્રદયમાં કીડીરૂપી હજારો તર્ક ઊભરાઇ ગયા. અંતે સમાધિ પૂરી કરી શિવ મૌનભંગ કરતા હોય, રાત્રિ પૂરી થયે કૂકડા નિદ્રામાં અશાંતિ દાખલ કરતા હોય, પતરાળીઓ પીરસાઇ રહ્યે બ્રાહ્મણો ‘ભો’ ઉચ્ચાર કરી બુભુક્ષાનો પરાભવ આરંભતા હોય, તેવા શોભતા દોલતશંકર બોલ્યા, ‘અંબારામ ! તને ધન્ય છે. મારા સંગથી તને ખરેખરો લાભ થયો છે. તેં ખરેખરો શાત્રાર્થ કર્યો છે. આગગાડીમાં શ્વાસ લેવામાં હરકત નથી.’
સાથે લેવામાં માત્ર લૂગડાં અને પાથરણાં રહ્યાં. કોટ, પાટલૂન, બૂટ એવા વિલાયતી ઘાટ પર દોલતશંકરને અંતઃકરણથી તિરસ્કાર હતો. તેમનું એ જ કહેવું હતું કે આપણા બાપદાદાનો પહેરવેશ શા માટે છોડી દેવો? કોઇ ચિબાવલા કોઇ વખત તેમ પૂછતા કે આપણા બાપદાદાનો પોશાક તો મુસલમાનના પોશાક પ્રમાણે બદલાયેલો છે. તે આપણા બાપદાદાએ એમના બાપદાદાનો પોશાક કેમ બદલ્યો અને તેમના બાપદાદાએ વલ્કલ પહેરવાં અને ચર્મ ઓઢવાં કેમ મૂકી દીધાં? આવા લોકોને તે એ જ ઉત્તર દેતા કે, ‘વેદ વાંચો.’ તેથી આવે મહાભારત પ્રસંગે તો એક ધોતિયું પહેરીને, એક ધોતિયું ઓઢીને અને માથે પાઘડી મૂકીને જ મુંબાઇ જવું એવો દોલતશંકરે નિશ્ચય કર્યો. મુંબાઇમાં ટાઢ-તડકો નડશે તો તો હઠયોગનું ફળ પ્રાપ્ત થશે, એમ બે-ત્રણ વાર બોલી ગયા. એટલે મેં એ વાંધો કહાડ્યો જ નહિ.
શનિવારે બપોરની ગાડીમાં ઊપડવાનું હતું તેથી શુક્રવારે રાત્રે હું દોલતશંકરને ઘેર જઈ સૂઇ રહ્યો, કેમ કે સવારે ત્યાં જ ખાવાનું ઠીક પડે તેમ હતું. બીજે દિવસે રાત્રે ઉજાગરો કરવાનો તેથી હું વહેલો સૂઇ ગયો. હું એકાદ કલાક ઊંઘ્યો હઈશ એટલામાં ‘ઓ બાપ રે’ એવી બૂમ સાંભળી હું જાગી ઊઠ્યો. જોઉં છું તો દોલતશંકર પથારીમાં બેસી ગાભરા ગાભરા ચારે તરફ જોતા હતા. મેં ગભરાઇને પૂછ્યું, ‘શું છે ? શું થયું ?’
દોલતશંકર કહે, ‘અંબારામ, તેં જતા જોયા ?’
‘કોને?’
‘મહાદેવને, શંભુને, દીનાનાથને, પાર્વતીપતિને, શંકરને, શિવને, જટાધારીને.’
‘સ્વપ્નું આવ્યું હશે.’
‘કોણ જાણે, પણ મેં તો સાક્ષાત્ જોયા. આપણને સ્વપ્ન આવે પણ કંઇ દેવ સ્વપ્નમય થઈ ગયા ? ઓ શિવ ! ઓ શંભુ ! ઓ ભોળાનાથ ! દયા કરો, ક્ષમા કરો, ઓહો ! મેં આવો મોટો અપરાધ કર્યો ત્યાં લગી ભાન જ નહિ ! અંબારામ, તને પણ ન સૂઝ્યું ?’
‘પણ શું થયું તે તો કહો ? તમે સ્વપ્નથી કેમ આટલા બધા ગભરાયા છો ? દોલતશંકર, તમે સ્વસ્થ -‘
‘શાન્તં પાપમ્ ! અંબારામ, તું મને હવે એ અપવિત્ર નામે ન બોલાવીશ. મને શંકરે સાક્ષાત્ કહ્યું કે, ‘ભક્ત ! તું તારા નામમાં ‘દોલત’ જેવા યાવની ભાષાના શબ્દને મારા દિવ્ય નામ સાથે જોડે છે ? એનું તને ભાન પણ નથી ! તું ધર્મિષ્ઠ છતાં આવું પાપાચરણ કરે છે ? મારા નામને આ લાંછન લાગ્યું છે ત્યારથી હું બળીબળીને અર્ધો થઈ ગયો છું. અંતે મને વિષ્ણુએ ઉપાય બતાવ્યો કે એ પાપીને-‘ હું ભયનો માર્યો બોલી ઊઠ્યો, ‘મહારાજ પાપ તો મારી ફોઈનું છે. તેણે મારું નામ પાડ્યું છે. તેને સજા કરજો. હું તો નિરપરાધી છું મહારાજ, પગે પડું છું.’ પગે પડતાં મેં શંકરને ત્રિશૂળ ફેરવતા દીઠા એટલે મારાથી ‘ઓ બાપ રે’ કરીને બૂમ પડાઇ ગઈ ને હું જાગી ઊઠ્યો. ગમે તેમ હોય પણ મારે હવે એ નામ બદલી નાખવું, પ્રાયશ્ચિત કરવું અને બીજું નામ ધારણ કરવું; એમ ન કરું તો મને બાળહત્યા ! ગૌહત્યા ! બ્રહ્મહત્યા ! ઓ શંકર ! ઓ શંકર ! શિવ ! શિવ ! શિવ !
આ ધાર્મિકતા જોઈને હું સાનન્દાશ્ચર્યથી ચકિત થઈ ગયો. મેં પણ એ નામ દઈ હજારો વાર શંકરનો અપરાધ કર્યો છે, એ વિચારથી હું ખિન્ન થઈ ગયો. મારા મિત્ર તો કહે કે, ‘આપણે કાલે સવારે કાશી જઈ ત્યાં પ્રાયશ્ચિત કરીએ’ પણ મેં સંભાર્યું કે ‘કાલે તો મુંબાઇ જવું છે. ત્યાં પણ આપણા વેદધર્મના લાભનું પ્રયોજન છે. તમે તો ત્યાં ફત્તેહના ડંકા વગાડવાને તલપી રહ્યા છો અને ગમે તેવાં વિઘ્ન જીતીને જઈશ એમ સંકલ્પ કર્યો છે.’
આ ગૂંચવાડામાં અંતે ગોરને બોલાવ્યા. ગોર કહે કે ‘પ્રાયશ્ચિત અહીં કરો તો ચાલે, પણ એક માસ સુધી નદીતીર્થે ક્રિયા કરવી પડશે અને હજાર ગોદાન આપવાં પડશે. આ પાપ ઘોરતર છે !’ મેં ગોરના હાથમાં પાંચ રૂપિયા મૂક્યા અને કહ્યું, ‘અમારે કાલે બપોરે ગયા વિના ચાલે તેમ નથી અને લાંબો વિધિ કરવા રહીએ તો ગાડી ચૂકીએ.’ ગોર પાંના ઊથલાવી બોલ્યા કે, ‘પોતાના કુટુંબના ગુરુને શંકરની પ્રતિમા સારુ સુવર્ણ આપો અને એક ગોદાન આપો તો હજાર ગોદાનનું ફળ પ્રાપ્ત થાય. સવારે આઠ વાગે પ્રાયશ્ચિતવિધિ પૂરો થશે.’ ગોરને દક્ષિણા આપી વિદાય કીધા અને શંકરનું સ્મરણ કરતો હું ઊંઘી ગયો. મારા મિત્ર તો મોડા ઊંઘ્યા હશે, કેમ કે શંકરની જોડે તાંડવ નૃત્ય કરતાં મેં તેમને જોયા એવું અર્ધસ્વપ્ન અને અર્ધજાગ્રત અવસ્થાનું મને ભાન છે.
સવારે આઠને બદલે સાડા સાતે વિધિ પૂરો થયો. ઉપવીત બદલી મારા મિત્રે પોતાનું નામ ભદ્રંભદ્ર પાડ્યું. લોકો અજાણપણે આગલે નામે બોલાવી દોષમાં ન પડે માટે કપાળ પર મોટા અક્ષરે ‘ભદ્રંભદ્ર’ નામ લોઢું તપાવી પાડવું એવો ભદ્રંભદ્રનો વિચાર થયો. પણ મેં શંકા કરી કે, ‘આ નામ શિવને પસંદ પડે પણ વખતે બીજા કોઈ દેવને નાપસંદ પડે તો પછી ઊલટી પીડા થાય. છાપેલું નામ નીકળે નહીં અને તેત્રીસ કરોડ દેવમાંથી કોઇના મિજાજ કેવા હોય અને કોઇના કેવા નહિ, માટે સર્વ દેવોની મરજી જણાઇ જાય ત્યાં સુધી કાંઇ કાયમનું પગલું ભરવું નહિ. દરેક દેવ ખાતર એક એક દિવસ વાટ જોવી એટલે આખર બધાની પસંદગી જણાય જાય.’ ભદ્રંભદ્રને આ વિચાર ગમ્યો. માત્ર એટલું કહ્યું કે, ‘એ ‘પસંદ’ શબ્દ યવનોની ભાષાનો છે માટે દેવોના સંબંધમાં તેને સ્થાને ‘પ્રસન્ન’ શબ્દ વાપરજો.’ ગોરે કહ્યું કે, ‘દેવોને કોઇ ગરજ નથી પડી કે એક એક દહાડો એક જણ વહેંચી લે. માટે બ્રહ્મભોજન કરાવો તો ભૂદેવો પ્રસન્ન થતાં સ્વર્ગના દેવોને આજ્ઞા કરે.’ આ માટે મુંબાઇથી પાછા આવી ગોઠવણ કરવાનું ભદ્રંભદ્રે વચન આપ્યું અને સંકલ્પ કર્યો કે ‘આ ગોર સમક્ષ, ગંગાજી સમક્ષ, સૂર્યદેવ સમક્ષ, વાયુદેવ સમક્ષ, અગ્નિદેવ સમક્ષ, વરુણદેવ સમક્ષ પ્રતિજ્ઞા લઉં છું કે હવેથી યાવની ભાષાનો એકે શબ્દ નહિ વાપરું.’ ગોરને રૂપિયો આપ્યો એટલે ‘शुभं भवतु’ કહીને ઘેર જવાની રજા આપી.
૨. પ્રયાણ
જમીને અમે સ્ટેશન પર ગયા. ઘરેથી નીકળતાં ભદ્રંભદ્રનો આનંદ અપાર હતો. કપાળે કંકુનો લેપ કરતાં મને કહે કે, ‘અંબારામ, આજનો દિવસ મહોટો છે. આપણે આપણા વેદધર્મનું રક્ષણ કરવા, આર્યધર્મનો જય કરવા, સનાતન ધર્મનો પ્રચાર કરવા પ્રયાણ કરીએ છીએ. રાવણનો પરાજય કરવા નીકળતા શ્રીરામની વૃત્તિ કેવી હશે ! કંસના વધનું કાર્ય આરંભતાં શ્રીકૃષ્ણનો ઉત્સાહ કેવો હશે ! કીચકને મર્દન કરવાની યુક્તિ રચતાં ભીમસેનનો ઉમંગ કેવો હશે !’
ચકિત થઈ મેં કહ્યું, ‘અકથ્ય, મહારાજ ! અકથ્ય.’
ભદ્રંભદ્ર બોલી ઊઠ્યા, ‘તો મારી વૃત્તિ પણ આજ અકથ્ય છે. મારો ઉત્સાહ પણ આજ અકથ્ય છે. મારો ઉમંગ પણ આજ અકથ્ય છે અને અંબારામ ! એમ ન સમજીશ કે આગગાડીમાં જાઉં છું તેથી જ મારી ગતિ આટલી ત્વરિત છે. મારો વેગ – મારો પોતાનો વેગ તને વિદિત છે ?’
મેં કહ્યું, ‘મહારાજ, તે દહાડે જમાલપુર દરવાજા બહાર એક શિયાળવાને વરુ ધારી આપણે પાછા ફર્યા હતા તે દહાડે તો તમે મારાથી બહુ અગાડી નીકળી ગયા હતા. તેવો વેગ કહો છો?
ભદ્રંભદ્રે ગંભીરતાથી કહ્યું, ‘કંઈક તેવો, પણ તેથી સરસ.’
ઉત્સાહની વાતો કરતા કરતા અમે સ્ટેશન પર જઈ પહોંચ્યા. અમારી બંનેની ટિકિટ કરાવવા ભદ્રંભદ્ર ગયા. હું જોડે ઊભો રહ્યો. બારીમાં ખભા સુધી ડોકું ઘાલી ભદ્રંભદ્રે કહ્યું, ‘શ્રી મોહમયીની બે મૂલ્યપત્રિકા આપો.’
ટિકિટ માસ્તર પારસી હતો. તેણે કહ્યું, ‘સું બકેચ ? આય તો તીકીટ ઑફિસ છે.’
ભદ્રંભદ્રે ઉત્તર દીધો, ‘યવન ! તેથી હું અજ્ઞ નથી. મારે મોહમયીની બે મૂલ્યપત્રિકાની આવશ્યકતા છે, તેનું વિતરણ કરવું એ તવ કર્તવ્ય છે.’
ટિકિટ ઑફિસમાં એક હિંદુ હતો, તેણે કહ્યું, ‘સોરાબજી, એને ગ્રાંટરોડની બે ટિકિટ આપો.’
ટિકિટ આપતાં સોરાબજી બોલ્યા કે, ‘સાલો કંઈ મેદ થયેલોચ. હું તો સમજતો જ નહિ, કે એ સું બકેચ.’
ભદ્રંભદ્ર હવે કોપ શમાવી શક્યા નહિ. તેમણે મહોટે નાદે કહ્યું, ‘દુષ્ટ યવન ! તારી ભ્રષ્ટ વાસનાને લીધે તું અજ્ઞાન રહ્યો છે. મૂર્ખ –’
અગાડી બોલવાને બદલે ભદ્રંભદ્રે એકાએક ડોકું બહાર ખેંચી લીધું. ધબકારો થયો હતો અને બહાર આવી નાક પંપાળતા હતા તે પરથી મેં ધાર્યું કે પારસીએ મુક્કો માર્યો હશે, પણ મને તો એટલું જ કહ્યું કે, ‘દુષ્ટ યવનનો સ્પર્શ થયો છે. માટે મારે સ્નાન કરી લેવું પડશે.’
સ્નાન કરી રહ્યા પછી અમે આગગાડીમાં જઈ બેઠા. ગાડી ઊપડવાને પંદર મિનિટની વાર હતી, તેથી નીચે ઊતરી પાણી છંટાવી, ચોકો કરી તે ઉપર ઊભા રહી પાણી પીધું. ગાડી ઊપડવાની તૈયારી થઈ તેવામાં બે આદમી દોડતા દોડતા રઘવાયા થયેલા આવી બારણું ખેંચી બૂમ પાડવા લાગ્યા કે, ‘માસ્તર, આ તો બંધ છે, બારણું ઉઘાડો, બારણું ઉઘાડો.’ એક પોર્ટરે આવી બારણું ઉઘાડી બંનેને જોસથી અંદર ધકેલી દીધા. તે ભદ્રંભદ્ર પાસે બેસી ગયા. ભદ્રંભદ્રે સંકોચાઈને પૂછયું, ‘ક્યી નાત છો ?’ ‘બ્રાહ્મણ છીએ.’ એવો જવાબ મળ્યો એટલે ભદ્રંભદ્રે સંતોષથી પૂછયું, ‘ક્યાં જશો ?’ ‘મુંબાઈ’ કહ્યું, એટલે જિજ્ઞાસાથી પૂછયું, ‘નામ શું ?’ પેલા બેમાંના એકે કચવાઈને જવાબ દીધો, ‘મારું નામ રામશંકર અને આ મારા ભાઈનું નામ શિવશંકર, પણ અમારાં ઘરનાં નામ નખોદીઓ અને ઘોરખોદીઓ છે. છોકરાં ન જીવે તેથી મા-બાપે એવાં નામ પાડેલાં.’
એક ઉતારુ બોલ્યો કે, ‘વહેમ, ઈમ કંઈ સોકરાં જીવે સે ?’
બીજો ઉતારુ બોલી ઊઠ્યો, ‘અમારા ગામના શંભુ પુરાણીનો ભાણેજ વલભો મુંબાઈ જઈ અંગ્રેજી ભણી આવ્યો છે. તે તો કહે છે કે એ તો સુધારાવાળાએ અંગ્રેજ લોકોની દેખાદેખી શાસ્ત્ર જોયા વિના વહેમ વહેમ કરી કહાડ્યું છે. શાસ્ત્રમાં તો લખ્યું છે કે આપણા શરીરમાં નાસકમાં કઠોડાં મળે છે તેના જેવા-કોઠા છે. તેમાં વચ્ચે કમરખ જેવી દાબડી છે. તેમાં પ્રાણવાયુ ભરેલો છે. આવાં હલકાં નામ બોલીએ ત્યારે કમરખ આસપાસ કોઠામાંથી પિત્ત નીકળે, એટલે તેના જોરથી પેલા કમરખમાંથી પ્રાણવાયુની ધાર છૂટે, તે જીભને વળગી બહાર ઝરે તેની જોડે પેલું પિત્ત છૂટતું જાય, તેનું જોર નરમ પડે એટલે આયુષ્ય વધે. તેથી એ કાંઈ વહેમ નથી. ખરી વાત છે. ઘણાએ અજમાવી જોયેલું છે.’
૩. આગગાડીના અનુભવ
વક્તૃત્ત્વોત્તેજન-શાસ્ત્રાર્થ
આ વાતો ચાલતી હતી એટલામાં ગાડી ઊપડી. ઊપડી કે તરત ભદ્રંભદ્ર તથા હું ઊભા થઈ ‘માધવબાગ કી જે !’ પોકારવા લાગ્યા. અમે તો ધાર્યું હતું કે ગાડીમાંના બધા લોકો અમારી સાથે ઊભા થઈ ‘જે’ પોકારવા લાગશે અને બીજી ગાડીઓમાં તથા સ્ટેશન પર પણ માધવબાગની જે બધે ગાજી રહેશે અને એ જયનાદથી જ શત્રુદળ ધ્રૂજી જશે, પણ તેમ ન થતાં બધા નવાઈ પામી અમારી સામું જોવા લાગ્યા. અમે બેસી ગયા એટલે પેલા વહેમ કહી ટીકા કરનારે મને પૂછયું કે, ‘માધવબાગની જાત્રાએ જાઓ સો? એ તીરથ ક્યાં આવ્યું ?’
આવું શરમ ભરેલું અજ્ઞાન જોઈ સ્તબ્ધ થઈ મેં ભદ્રંભદ્ર ભણી જોયું.
ભદ્રંભદ્ર આશ્ચર્ય પામી બોલ્યા, ‘કેવી મૂર્ખતા ! માધવબાગની વાત જાણતા નથી ? જે સભાના સમાચાર દશ દિશામાં પ્રસરી રહ્યા છે, પૃથ્વીના ચતુરન્તમાં વ્યાપી રહ્યા છે, દિગન્તમાં રેલી રહ્યા છે; જે સભાના સમાચારના આઘાતથી મેરુ પર્વતની અચલતા સ્ખલિત થઈ છે, દિગ્ગજ લથડી પડ્યા છે, દધિસમુદ્ર શાકદ્વિપને ઉલ્લંધી દુગ્ધસમુદ્ર સાથે એકાકાર થઈ ગયો છે; જે સભાના સમાચારથી સુધારાવાળા, યવનાદિ શત્રુગણ ભયત્રસ્ત થઈ પલાયન કરતાં પડી જઈ શેષનાગના શીર્ષને ધબકારાથી વ્યથા કરે છે, આશ્રયસ્થાન શોધતાં અરણ્યવાસી તપસ્વીઓની શાંતિ ભગ્ન કરે છે, આર્તસ્વરથી દેવોની નિંદ્રા હરી લે છે; જે સભાના દર્શન સારુ આવતાં કરોડો જનોના ટોળાંઓ માર્ગમાંના વ્યાઘ્ર-વરુને ભય પમાડી પોતે ઉજ્જડ કરી મૂકેલાં ગૃહોને નિવાસી કર્યાં છે, જે સભાનાં દર્શન સારુ આવતા દેવોનાં વિમાનોમાંથી સૂર્ય આચ્છાદિત થતાં બ્રહ્માંડમાં અંધકાર વ્યાપી રહ્યો છે, જે સભાનાં દર્શન સારુ સમુદ્ર ઘડીઘડી ઊંચો થઈ નિરાશ થઈ પાછો પડે છે, તે માધવબાગની સભાથી તમે અજ્ઞ છો? અપશોચ ! અપશોચ !’
મોટે નાદે કહેલાં આ વાક્ય સાંભળી કેટલાક ઉતારુ ઊભા થઈ ગયા હતા, કેટલાક પાસે આવ્યા હતા, કેટલાક સામું જોઈ રહ્યા હતા, તેથી ભદ્રંભદ્રે પાટલી ઉપર ઊભા થઈ ભાષણ કરવા માંડ્યું.
શંકરના પુત્ર ગણપતિનું સ્મરણ કરી ભદ્રંભદ્ર બોલ્યા કે, ‘ભારતવાસી આર્યજનો ! શ્રવણ કરો ! આપણી આર્યભૂમિમાં કેટલો અધર્મ વ્યાપી રહ્યો છે, આપણી આર્યનીતિરીતિગીતિધીતિપીતિપ્રીતિભીતિ, અહા કેવી તે ઉત્તમ ! અહા શી તે ઉત્કૃષ્ટ ! અહા ! જય જય શ્રી રંગ રંગ ! ઉમંગ ! નંગ ! આવા દેશનું કેવું દુર્ભાગ્ય ! શિવ ! શિવ ! શિવ ! આપણો દેશ પૃથ્વીથી પણ શ્રેષ્ઠ હતો. દેવગણની કૃપા માત્ર આપણા દેશ પર જ હતી. બીજી ભૂમિઓના લોકોને ઈન્દ્રાદિ દેવોને તેમના વિશે માહિતી નહોતી; આજ લગી નહોતી, હાલ નથી અને હવે પછી નહિ થાય. એવી સર્વ કલા અને પ્રવીણતા, આ આપણા આર્યદેશમાં હતાં. આપણા મુનિઓ ત્રિકાળજ્ઞાની હતા એટલે કોઈ જાતની શોધ કરવાની તેમને જરૂર નહોતી. આપણા બાપદાદા આપણા જેવા જ સર્વ વાતે સંપૂર્ણ હતા. અહા ! હાલ કેવી ભ્રષ્ટતા થઈ ગઈ છે, લોકો ધર્મહીન થઈ ગયા છે. વેદધર્મ કોઈ પાળતા નથી. પણ નિરાશ થવાનું કારણ નથી. આપણો આર્યધર્મ તો સનાતન છે. આપણે હજી એવા ને એવા શ્રેષ્ઠ છીએ. વિપરીત દેખાય છે તે માયા છે. સંસાર સર્વમાયામય છે. માટે ઊઠો ! યત્ન કરો ! જય કરો ! અધર્મીનો નાશ કરો ! અહા ! આપણો ધર્મ કેવો નાશ પામ્યો છે ! શાસ્ત્રની આજ્ઞાને વહેમ કહેનાર આ મૂર્ખ આપણા ધર્મનું રક્ષણ કરવા મળનારી માધવબાગ સભા વિશે કેવળ અજ્ઞ છે. રે મૂર્ખ ! રે દુષ્ટ ! રે પાપી ! તારા જીવતરમાં ધૂળ પડી, તારાથી ગધેડા –’
હું ભદ્રંભદ્રના પ્રતાપી મુખ તરફ જોઈ રહ્યો હતો. તેથી તે એટલામાં એકાએક પડ્યા. શાથી તે ખબર પડી નહિ, પણ પેલો વહેમ વહેમ કરનાર રજપૂત કાં તો સ્નાનથી મોં પર બધે પસરી ગયેલા કંકુનો લેપ જોઈ ઉશ્કેરાયો હોય કે અધર્મ જોડે યુદ્ધ કરવાના આવેશમાં ભદ્રંભદ્ર જોડે યુદ્ધ કરવા મંડી પડ્યો હોય, પણ એકદમ તે નીચે પડ્યા કે તેમના પર ચડી બેસી તે મુક્કા પર મુક્કા લગાવવા લાગ્યો; ભદ્રંભદ્ર બૂમો પાડવા લાગ્યા; હું બારણું ઉઘાડું છું કે બંધ તે તપાસવા લાગ્યો; બે-ત્રણ જણ અમારો સામાન તપાસવા લાગ્યા; પણ યુદ્ધના નિ:સ્વાર્થ આવેશમાં હું દૂરથી જ કાંપવા લાગ્યો. કોઈ ‘મારો લ્યા મારો’ કોઈ ‘જવા દો, લ્યા’ એમ બૂમો પાડવા લાગ્યા.
કેટલાક ઉતારુ વચમાં પડ્યા તેથી પેલો રજપૂત ખસી ગયો. ‘એ બામણો મને કુણ ગાળો ભાંડનાર ! એ લાંબુ લાંબુ બોલ્યો તે તો હું ના હમજ્યો પણ મારા ભણી આંગળી કરી ‘હૌ માણહ દેખતાં મને મૂરખ ને ગધાડો કહે સે તે જીવતો ના મેલું.’ એમ બોલતાં ઘડી ઘડી તે અમારી તરફ વળતો હતો, પણ બીજા લોકો તેને સમજાવવા ગાડીના બીજા ભાગમાં લઈ ગયા. ભદ્રંભદ્ર વાયુદેવને યુદ્ધમાં ઊતરવાનું કહેણ મોકલતા હોય તેમ મુખ અને નાસિકા દ્વારા ધમણ માફક પ્રાણવાયુની પરંપરા કહાડવા લાગ્યા. મેં ભાષણ અગાડી ચલાવવા કહ્યું કે ‘આવતે અગ્નિરથસ્થાપન સ્થલે બીજી ગાડીમાં જઈ ત્યાં બોધ કરીશું. એના એ જ માણસોને વક્તૃત્વશક્તિનો બધો લાભ આપી દેવો બીજા પર અન્યાય કહેવાય.’
ભદ્રંભદ્રના નિષ્પક્ષપાતી સ્વભાવ પર મને સાનંદાશ્ચર્ય પ્રેમ ઉત્પન્ન થયો. જાણે કંઈ બન્યું જ ન હોય તેમ રામશંકર અને શિવશંકર જોડે વાતો કરવા મંડી ગયા. શી મોટા માણસોની ઉદારતા ! પેલા રાજપૂત ભણી ક્રોધમય દૃષ્ટિ કરવાને બદલે તેની નજર ન પડે તેમ એક માણસને ઓથે બેઠા. હું પણ તે તરફ પીઠ કરીને બેઠો.
રામશંકરને પૂછયું કે, ‘મોહમયીમાં ક્યાં જશો?’ રામશંકર કહે કે, ‘અમારું મુંબાઈમાં ઘર નથી, પણ આ ઘોરખોદીઆના ભાઈબંધ કુશલવપુશંકરના કાકા પ્રસન્નમનશંકરને ઘેર ઊતરવાના છીએ. તમે ક્યાં ઊતરશો ?’
ભદ્રંભદ્ર કહે, ‘અમારા પાડોશીના દીકરાના મામાનો સસરો ભરૂચમાં મહેતાજી છે. તેના ફુઆના સાવકા ભાઈનો સાળો શ્રી ભૂલેશ્વર સમીપ મોતી છગનના માળામાં રહે છે તેને ત્યાં ઊતરવાનો વિચાર છે.’
આ વાતો ચાલતી હતી તેવામાં અમારા સામાનનાં પોટલા પર મારી નજર પડી. બધું ફીંદાઈ ગયું હતું. તેથી મેં તપાસી જોયું તો માંહેથી એક ધોતિયું ને એક ચાદર ખોવાયેલા માલમ પડયાં. ભદ્રંભદ્ર કહે, ‘લાભ અને અલાભ પર ધીર પુરુષે સમદૃષ્ટિ રાખવી જોઈએ. આપણા વેદધર્મનું રક્ષણ કરવામાં તન ગુમાવ્યું છે. મન ગુમાવ્યું છે અને ધન ગુમાવવાને તૈયાર છું, હજી તો મહાભારત પ્રસંગ આવવાના છે. માટે અંબારામ, શોક કરવો નહિ, પણ મિત્રના શોકમાં ભાગ લઈ તે ઓછો કરવો એ કર્તવ્ય છે. તારી ચાદર માટે શોક મૂકી દઉં છું અને મારા ધોતિયા માટે તું શોક મૂકી દે !’
મને આ વહેંચણીમાં પૂરી સમજણ પડી નહિ, પણ ભદ્રંભદ્રના મુખની ગંભીરતા જોઈ મેં વધારે પૂછયું નહિ.
પેલો શાસ્ત્રની વાતો કરનાર અમારી પાસે આવી બેઠો. તે ભદ્રંભદ્રને કહે કે, ‘મહારાજ ! આપ શાસ્ત્ર ભણેલા છો તેથી એક ખુલાસો પૂછવાનો છે. શિંગોડાં ખવાય કે નહિ?’
ભદ્રંભદ્રે કહ્યું, ‘કેમ ન ખવાય? ફરાળમાં શિંગોડાનો લોટ વપરાય છે ને ?’
તે ઉતારુએ કહ્યું, ‘તે તો ખરું, પણ, અમારા ગામમાં એક શાસ્ત્રી આવ્યા હતા, તે કહેતા હતા કે શાસ્ત્રમાં શિંગોડાં ખાવાની ના લખી છે. કેમ કે તેનો આકાર શંકુ જેવો છે અને તેથી તેમાં બ્રહ્માજીનો વાસ છે, કારણ કે અસલ બ્રહ્માંડરૂપી ઈંડુ શિંગોડાં જેવું શંકુ આકારનું હતું.’
શાસ્ત્રનું આ મહોટું અને ઉપયોગી તત્ત્વ સાંભળી ભદ્રંભદ્રના મુખ પર ગંભીરતા પ્રસરી રહી. તેમની આંખોના ચળકાટથી તેમને કોઈ ચમત્કારી નવું જ્ઞાન પ્રાપ્ત થયાનું ભાન થતું હોય એમ જણાયું. તેમણે ઉત્સુકતાથી પૂછયું, ‘પછી તે શાસ્ત્રીએ શું કર્યું ?’ તે ઉતારુ કહે કે, ‘શાસ્ત્રી મહારાજે આખા ગામને દેહશુદ્ધ પ્રાયશ્ચિત્ત કરાવી ગોદાનના સંકલ્પ કરાવી તેના નિષ્ક્રય દીઠ દરેક પાસેથી રૂપિયો રૂપિયો લઈ સર્વને પાપમાંથી મુક્ત કર્યાં.’
ભદ્રંભદ્રના મુખ પર સ્વદેશહિતેચ્છુ હર્ષ જણાઈ આવ્યો. તેમની પરોપકારવૃત્તિ તત્પર થઈ રહી. કપાળે આંગળી મૂકી એક સ્થિર દૃષ્ટિએ વિચાર કરી તેમણે પોટલીમાંથી એક નોટબુક કહાડી. તેમાં “શ” નામના મથાળાવાળા પાના પર લખી લીધું કે “શિંગોડાં – અભક્ષ્ય – આખા હિંદુસ્તાનને અને શિંગોડાં ખાનાર મૃત્યુ પામેલા પૂર્વજોને પ્રાયશ્ચિત્તની આવશ્યકતા – શંકા – પ્રશ્ન – સિદ્ધાંત – શાસ્ત્રાર્થ.” પેલા ઉતારુને કહ્યું કે, ‘આ વિશે વધારે વિચાર કરી પંડિતોના મત પુછાવી અને બનશે તો વિદ્વાનોની સભા ભરી નિર્ણય પ્રસિદ્ધ કરાવીશું એટલે તમારા ગામમાં ખબર પડશે.’
સ્ટેશન આવ્યું એટલે બીજી ગાડીમાં જઈને બેઠા. પછી મને ભદ્રંભદ્ર કહે, ‘આ શિંગોડાનો પ્રશ્ન બહુ અગત્યનો છે; આખા દેશના કલ્યાણનો આધાર આ પ્રશ્નના નિર્ણય પર છે. જે માણસના મનમાં સ્વદેશાભિમાનનો અંશ પણ હોય તેનાથી આની અવગણના થાય તેમ નથી. જો આ વાત ખરી ઠરશે તો શિંગોડાનિષેધક સભાઓ સ્થાપવી પડશે. શ્રીકાશી સુધી એ વાત લઈ જવી પડશે. વારુ અંબારામ ! શિંગોડા શબ્દની વ્યુત્પત્તિ શી છે?’
‘મને ખબર નથી.’
‘એ પણ શોધી કહાડવું પડશે. કદાચ કાલની સભામાં આ વાત મૂકવી પડશે. મારે વિચાર કરી રાખવો જોઈએ. મારાથી હમણાં ભાષણ નહિ આપી શકાય.’
એમને ગંભીર વિચારમાં પડેલા જોઈ હું બારી બહાર જોવા લાગ્યો. તારના થાંભલા બહુ રસથી ગણતો હતો એવામાં ભદ્રંભદ્રની પાઘડી એકાએક મારા પગ પર પડી. જોઉં છું તો તેમની આંખો બંધ હતી, નાકમાંથી ધ્વનિ નીકળતો હતો અને ઘીના ઘાડવાવાળું ત્રાજવું સામે કાટલાં મૂકતાં ઊંચુંનીચું થાય તેમ તેમનું ડોકું હાલતું હતું. મને એમણે એક વખત કહ્યું હતું કે, ‘હું નેત્ર બંધ કરી ધૂણતો હોઉં ત્યારે મને ઊંઘતો ન સમજવો. એ તો એક જાતની સમાધિ છે, એક બાવા પાસેથી હું શીખ્યો છું.’ તેથી તેમાં ભંગાણ પાડવું મને ઠીક ન લાગ્યું. વખતે શિંગોડાના પ્રશ્ન માટે આ જરૂરનું હોય તેથી મેં પાઘડી મૂકી છાંડી.
૪. આગગાડીના અનુભવ (ચાલુ)
અમૂલ્ય ઓળખાણ
મારી સામે બેઠેલો એક જણ મારી સાથે વાત કરવાને બહુ ઇન્તેજાર હોય એમ જણાતો હતો; પણ વાત કેમ કહાડવી તે વિશે ગૂંચવાતો લાગતો હતો. તેથી મેં તેની મુશ્કેલી દૂર કરવા તેને પૂછ્યું, ‘હવે કયું સ્ટેશન આવશે ?’
તેણે કહ્યું, ‘મને બરાબર ખબર નથી. વડોદરાને તો વાર છે. તમારે ક્યાં ડાકોરજી જવું છે?’
મેં કહ્યું, ‘ના, અમે તો મુંબઈ જઈએ છીએ. ત્યાં માધવબાગ સભા છે.’
‘ક્યાં રહેવું?’
‘અમદાવાદ’
‘બ્રાહ્મણ હશો.’
મેં ‘હા’ કહી ભદ્રંભદ્ર ભણી જોયું કે તેમને વિશે કંઈ પુછે તો એમના ગુણ વર્ણવું; પણ તેણે ફરી નજર મળતાં પૂછ્યું, ‘છોકરાં છે કે ?’ મેં ‘ના’ કહી એ વાત બંધ કરાવવા આડું જોયું.
પણ તેણે ફરી પૂછ્યું, ‘બાયડી તો હશે ?’
મેં ના કહેવા ડોકું ધુણાવી મારી પોટલી કાઢી, પણ તેણે તો પ્રશ્ન જારી જ રાખ્યા.
વળી પૂછ્યું, ‘પરણેલા જ નહિ કે મરી ગઈ છે ?’
મેં બહુ જ નાખુશીથી જવાબ દીધો, ‘મરી ગઈ છે.’
એની જોડે વાત કહાડી તે માટે હું પસ્તાવા લાગ્યો, ભદ્રંભદ્ર જાગે એમ ઇચ્છવા લાગ્યો, બીજો કોઈ એને વાતમાં વળગાડે તે માટે યુક્તિ શોધવા લાગ્યો પણ તે ડગે તેવો નહોતો.
‘સુવાવડમાં મરી ગઈ ?’ એમ પુછ્યું ત્યારે તો એમ થયું કે પૂછું કે તારે કંઈ કામ છે ? પણ એટલી હિંમત ચાલી નહિ તેથી ભદ્રંભદ્રની પાઘડી ભણી જોઈ કહ્યું કે ‘તાવ આવતો હતો.’ મેં ઠરાવ કર્યો કે હવે પૂછશે તો જવાબ નહિ દઉં. વળી મેં ધાર્યું કે હવે શું પૂછશે, પૂછવા જેવું રહ્યું છે શું ? માધવબાગની વાતમાં તેને નાંખવા શરૂ કરતો હતો તેટલામાં ફરી પૂછ્યું.
‘કોઈ સારો વૈદ નહિ મળ્યો હોય, કે દાક્તરનું ઓસડ કરતા’તા ?’ મેં ટૂંકમાં જ કહ્યું, ‘વૈદનું.’
‘કયા વૈદનું ?’
હું ગભરાઈ ગયો અને આ કંટાળાથી ક્યારે છુટાશે એમ નિરાશાથી વિચારવા લાગ્યો; વળી જરા હિંમત લાવી જવાબ દીધો:
‘તમે નહિ ઓળખો.’
‘પણ નામ તો કહો ?’
આનો પાર આવત જ નહિ, પણ એવામાં સ્ટેશન આવ્યું. ગાડી અટકી તેથી ભદ્રંભદ્રની આંખો ઊઘડી ગઈ. તેમને પાઘડી આપી મેં વાત કરાવવા કહ્યું, ‘તાપ લાગે છે.’
ભદ્રંભદ્ર કહે કે ‘હોય, ઋતુના ધર્મ ઋતુ કરે છે, આપણે આપણા કરીએ છીએ.’
ગાડી ચાલવાની તૈયારી થઈ એટલે પેલો માણસ નીચે ઊતર્યો હતો, તે પાછો આવી બેઠો. બીડી સળગાવી પીવા લાગ્યો. ધુમાડો નાપસંદ કરી મેં મોં પરથી તેને કંટાળો બતાવ્યો. ભદ્રંભદ્રને અને મને તેણે એકેકી બીડી આપવા માંડી. ભદ્રંભદ્રે તેનો સ્પર્શ ન થાય માટે સંકોચાઈ કહ્યું, ‘અમે બ્રાહ્મણ છીએ. અમારાથી ન લેવાય.’
તે કહે, ‘લેવાય નહિ પણ પીવાય ખરી. ઘણાએ બ્રાહ્મણ બીડી પીએ છે.’
ભદ્રંભદ્ર કહે કે ‘તે તો ભ્રષ્ટ, પતિત, પાપી, સુધરેલા.’
‘એમ કેમ કહેવાય ? શાસ્ત્રમાં તો બીડી પીવાનું બહુ પુણ્ય લખ્યું છે.’
ભદ્રંભદ્ર કહે, ‘હોય નહિ, જૂઠી વાત.’
‘નહિ કેમ ? જુઓ,’
धूम्रपानं महादानं गोटे गोटे गौदानम् | अग्निहोत्री महायागे पुनर्जन्मस्य नाशनम् ||
‘એવું ધૂમ્રપુરાણમાં લખ્યું છે. મુખ પર અગ્નિ મૂકવાનું મહાપુણ્ય છે. તેથી મડદાંની અવગતિ થતી નથી.’
ભદ્રંભદ્ર જરા વિચારમાં પડ્યા. શંકાશીલ થઈ પૂછ્યું, ‘તમે એ પુરાણ વાંચ્યું છે ?’
‘જાતે જ. નહિ તો શ્લોક કહું ક્યાંથી ?’
ભદ્રંભદ્રે નોટબુક કહાડી પુછ્યું, ‘મને એ શ્લોક લખાવશો ? હું વિચાર કરી જોઈશ.’
‘બહુ ખુશીથી. કહો તો લખી આપું.’
‘ના લખાવો.’
તેણે ધીરે ધીરે શ્લોક લખાવ્યો તે ભદ્રંભદ્રે લખી લીધો. લખ્યા પછી ભદ્રંભદ્રે કહ્યું, ‘મને આ શ્લોક પાછળથી ઉમેરેલો લાગે છે. શાસ્ત્રમાં આવી આજ્ઞા હોય જ નહિ. પણ શ્લોક છે તેથી વિચાર કરવો પડશે.’
એમના મુખ તરફ જોઈ એક-બે પળ પછી એ માણસ ફરી બોલ્યો,
‘મહારાજ ! કંકુ બહુ સોંઘું છે.’
ભદ્રંભદ્ર કહે, ‘અત્યંત. દેશમાં પાછો ધર્મ સજીવ થવાનું એ ચિહ્ન છે. તિલક વિના ધર્મ કેમ પળાય ?’
‘એમ કહો કે ધર્મ વિના તિલક કેમ કરાય. ટીલું કરવું એ કંઈ સહેલ વાત નથી. હું રોજ બે કલાક મથું છું ત્યારે ટીલું કરવા પામું છું. ઊંધે માથે ઊભો રહી રસોઈ સામે જોઈ રહું છું ત્યારે મન ચોંટે છે અને પછી ટીલું ચોંટે છે. એમ ને એમ કરો તો ઊખડી જાય, તમે તો પૂર્વજન્મમાં બહુ પુણ્ય કર્યાં હશે, તેથી આમ કંકુના લપેડા ચોંટી રહ્યા છે.’
ભદ્રંભદ્ર ખુશી થયા પણ મોટા માણસની સાદાઈથી કહ્યું, ‘શંકરની કૃપા.’
તે બોલ્યો, ‘શંકરના ભગત છો કે ? આપણે તો ગણપતિની જ પૂજા કરવી.’
ભદ્રંભદ્ર કહે, ‘તે પણ શંકરના જ પુત્ર છે.’
‘પણ ફેર બહુ. હું એક વખત શિવના મંદિરમાં જઈ પોઠિયા પર બેઠો એટલે શિવ મારવા ઊઠ્યા ને હું નાઠો. મને મારી નાખત પણ ગણપતિએ મને બચાવ્યો. ગણપતિને એવું કાંઈ નહિ. એના ઉંદર આવીને રોજ મારું ટીલું ઊંઘમાં ચાટી જતા, પણ મેં બિલાડી પાળી તે દહાડાના ઉંદર મારે ત્યાં ફરકે નહિ, તેથી બિચારા ગણપતિ ચાલતા મારી પૂજામાં આવે. પણ કોઈ દહાડો બિલાડી બાબત બોલવું નહિ ! વાહ ! ગણપતિ મહારાજ, કલ્યાણ કરજો.’
ભદ્રંભદ્ર આ માણસની શ્રદ્ધાથી આશ્ચર્ય પામ્યા. કયા શિવ મંદિરમાં પોઠિયા પર બેઠેલા એ પૂછવા જતા હતા એટલામાં તે વળી બોલી ઊઠ્યો,
‘મુંબઈ જવાના ખરું કે ?’
ભદ્રંભદ્ર કહે, ‘હા.’
‘પહેલાં કોઈ વખત ગયેલા કે પહેલી વાર જ જાઓ છો ?’
‘ના, પહેલી વાર જ — ત્યાં કાલે માધવબાગમાં સભા …’
તે બોલી ઊઠ્યો, ‘હું તો બહુ વાર જઈ આવ્યો છું. મુંબાઈ જેવું શહેર દુનિયામાં નથી. ફરતો દરિયો છે અને ઊંટની ડોક જેવો બેટ છે. એટલું મોટું ગામ કે ભૂલા પડો તો પત્તો જ નહિ, તે માટે ઠેરઠેર ટપાલ સારુ લોઢાના થાંભલા દાટેલા છે. રસ્તો ના જડે તો કપાળે ટિકિટ ચોડીને સરનામુ લખી ત્યાં ઊભા રહેવું એટલે ટપાલની ગાડી આવે તેમાં આપણને લઈ જઈ મૂકી આવે. મારે એમ એક વખત ટપાલવાળા જોડે તકરાર થઈ. તે કહે કે, ‘તારા ભાર કરતાં ટિકિટ ઓછી છે.’ મેં કહ્યું કે ‘મેં લાડુ ખાધેલા છે તેનો ભાર કાપી લેવો જોઈએ, કેમ કે લાડુ ટપાલમાં મફત જાય છે.’ પછી મને નોટપેડમાં લઈ ગયા. મેં અરજીઓ કરી તે બે મહિને પૈસા પાછા મળ્યા, રોકડા ન મળ્યા, પણ ટપાલ ઑફિસને ઓટલે ચાર દહાડા ભાડા વિના મફત પડી રહેવા દીધો. પાંચમે દહાડે પોલીસ જોડે તકરાર થઈને ત્યાંથી હું જતો રહ્યો. અરજી કરવાની હિંમત જોઈએ.’
ભદ્રંભદ્ર કહે, ‘એ ખરું છે. માધવબાગ સભામાં પણ અરજી જ કરવાની —’
તે ઉતારુ વચમાં બોલી ઊઠ્યો, ‘મારે માધવબાગ પાસે થઈ મારબાવડીએ બહુ વાર જવાનું થતું. ત્યાં બહુ મોટો મહેલ છે. સાત તો અગાસી છે. ત્યાંના લોક ડગલા કાળા જ પહેરવાના. હું ના મળું તેના શોકમાં મારા બેટા ચાલાક બહુ. મારવાડીનો, ફિરંગીનો, મોગલનો, ચીનાનો, ગમે તેનો વેશ પહેરું પણ મને પારખી કહાડે. હું તો દર વખતે એમ જ કહું કે, ‘હું આબરૂદાર જેન્ટલમેન છું. ગાડી વિના હું આવતો નથી. જે લેશે તે આપીશ.’ બે સિપાઈમાંથી એક ગાડી લેવા જાય એટલે આપણે ફુટન્તી. એકના શા ભાર ? પણ હંમેશ એ યુક્તિ ના ચાલે. મારે ત્યાં બહુ ઓળખાણ છે. તમારે કોઈ પણ ભલામણ જોઈએ છે ?’
ભદ્રંભદ્રે ઉત્તર દીધો, ‘ધર્મના કાર્ય પર અમારે જવાનું છે. ત્યાં ભલામણની શી જરૂર છે ? અમારે કંઈ ધનની આશા નથી, રાજ્યનો લોભ નથી. વૈભવની તૃષ્ણા નથી, જે સભામાં ભાગ લેવા હું જાઉં છું તેનું પ્રયોજન તો તમને વિદિત હશે. માધવબાગ સભાનું પ્રયોજન એવું છે, એ પ્રયોજન ધ્યાનમાં રાખવાની એવી સર્વોપરી આવશ્યકતા છે કે જે મોટા મહેલના ધનમત્ત નિવાસીઓ માત્ર તમારા વિરહદુ:ખે શ્યામવસ્ત્ર ધારણ કરે છે, તેમની માયાલિપ્ત દૃષ્ટિ તમને ગૂઢ રૂપે રહ્યા છતાં પણ ઓળખી કહાડે છે, તેમને એ પ્રયોજન વિશે સમજણ પડે તો એ પ્રયોજન —’
ભદ્રંભદ્રને અટકાવી તે ઉતારુ કહે, ‘પ્રયોજન એટલે પ્ર અને યોજન. યોજન એટલે આઠ કોસ. આઠ કોસથી જેની પ્રકર્ષથી ચિંતા થાય તે પ્રયોજન. મુંબાઈ હજુ આઠ કોસથી વધારે દૂર છે. ત્યાંના પ્રયોજનની વાત હમણાં થાય નહિ. ન્યાયવિરુદ્ધ છે. હું ન્યાય શીખેલો છું. અમારા શાસ્ત્રી બહુ વિદ્વાન હતા. હું ત્રણ વર્ષ તેમની પાસે શીખ્યો. અંતે ધૂળ જેવી તકરારમાં અમારો સંબંધ તૂટ્યો. શાસ્ત્રી મહારાજના ઘરની પાંચ-દસ પાઘડીના તોરા એક પછી એક ગુમ થયા. મેં કહ્યું કે “એ તોરા અનિત્ય હતા. જે વાસ્તવિક રીતે હોય નહિ તે જ નાશ પામી શકે.” શાસ્ત્રી મહારાજ કહે કે, “જે ખરેખરું હોય તે જ નાશ પામી શકે; હોય નહિ તેનો નાશ શાનો ?” મેં કહ્યું કે “તે ન્યાયે પણ નાશકારી કારણ વિના નાશ શાનો ?” શાસ્ત્રી કહે, “તું જ કારણભૂત છે.” જડમનુષ્ય ભાવરૂપ નાશનું કારણ થાય તે મારા મનમાં ન આવ્યું તેથી મેં શાસ્ત્રીનો સંગ મૂકી દીધો, ઊલટું મારા ગયા પછી શાસ્ત્રીનો ખેસ ખોવાયેલો માલમ પડ્યો. કારણને અભાવે જ વિનાશ !”
ભદ્રંભદ્ર કહે, ‘આપ ન્યાય શીખેલા જણાઓ છો. આપના જેવા વિદ્વાનનો સંગ આમ સહજ થઈ જશે એમ મને આશા નહોતી.’
તે કહે, ‘મને પણ આશા નહોતી, આપ જેવા કોઈક જ હોય. ધાર્મિક, વિદ્વાન, પુણ્યશાળી, અકલમંદ મનુષ્ય દુનિયામાં ક્યાંથી હોય ! આપના દર્શનનો લાભ એ તો મહાભાગ્ય.’
એવામાં ટિકિટ હાથમાં હતી તે મૂકી દેવા તેણે ગજવામાંથી વાટવો કહાડ્યો. તે ખાલી હતો તે જોઈ તે બોલી ઊઠ્યો, ‘અરેરે ! આમાં પચાસ રૂપિયાની નોટ પડી ગઈ ! કોણ જાણે ક્યારે પડી ગઈ ! મારે વડોદરામાં ઊતરી ખર્ચ કરવાનો છે. આ તો ફજેતી. મેં મંદિરમાં બ્રહ્મભોજન કરાવવાનું કહ્યું છે. બિચારા બ્રાહ્મણો ભૂખ્યા રહેશે. નિસાસા મૂકશે તે તો નફામાં. એ તો ઓડકાર પછી હેડકી જેવું. મારી કેવી બેદરકારી !’
ભદ્રંભદ્ર કહે, ‘આપને કેટલાક રૂપિયા જોઈએ ?’
‘મારે તો હવે થોડેથી જ કામ ચલાવવું પડશે. પાંચ જોઈએ પણ પાછા લેવાનું વચન આપો તો લઉં. પ્રસિદ્ધ રીતે મેળવેલું ધન મારે શિવનિર્માલ્ય છે. મારી આંગળીએ દોરડો જોયો ? મેં વ્રત લીધેલું છે.’
ભદ્રંભદ્ર કહે, ‘આપ જેવા વિદ્વાનને સહાયતા કરવી એ ધર્મ છે. પણ ધન એમ ને એમ લીધાથી આપના ધર્માચરણમાં ભંગ થતો હોય તો યોગ્ય લાગે ત્યારે પાછા મોકલજો, હાલ પાંચ રૂપિયા લ્યો.’
ઉતારુ લેતાં કચવાતો હોય તેમ જણાયો. તે કહે, ‘સારા માણસને કોઈ વખત આમ શરમાવા જેવું થાય છે.’
ભદ્રંભદ્ર કહે, ‘એમાં શરમાવાનું કંઈ નથી. આપ જેવા સદ્ગૃહસ્થને ઘણા ઓળખીતા મળે. લ્યો, અવશ્ય લ્યો.’
તેણે જરા વિચાર કરી કહ્યું, ‘ત્યારે તો સાત આપો. સંખ્યા પણ પુણ્ય છે અને મારી ગણતરીમાં પણ ભૂલ ન પડે. લાવો મહારાજ કૃપા થઈ. માફ કરજો, મારું નામ હરજીવન છે. વડોદરાનું સ્ટેશન હમણાં આવશે. મને તેડવા આવનારને મારે ક્યાં ઊતરવાનું તે પૂછી લઈશ. પછી મારું ઠેકાણું આપને કહીશ – આપનું પણ લખી લઈશ. ભાઈ સાહેબ ! ઊતરવાનું કંઈ નિશ્ચિત નહિ. એકને ત્યાં ઊતરીએ તો બીજાને ખોટું લાગે. શું કરીએ ? વડોદરામાં મારે ઝાઝું ઓળખાણ છે.’
ભદ્રંભદ્ર કહે, ‘હોય, કેમ ના હોય !’
હરજીવન કહે, ‘પાછા આપવાની શરત તો ખરી. પણ તોય રૂપિયા લેતાં મને શરમ આવે છે. એટલો લાભ પણ લીધો કહેવાય. લ્યો, મહારાજ, પાછા લ્યો.’
ભદ્રંભદ્ર આ ટેક જોઈ ચકિત થઈ ગયા. તે બોલ્યો, ‘એક મનુષ્યમાં વિદ્વત્તા, સુજનતા, પ્રમાણિકતા ઇત્યાદિ સર્વ મહાગુણો સાથે રહી શકે તે આજ લગી મારા માનવામાં નહોતું, હવે નિશ્ચય થયો. ના મહારાજ, રૂપિયા હાલ રાખો. એટલી મારા પર કૃપા કરો.’
હરજીવને આનાકાનીથી રૂપિયા રાખ્યા. તે કહે, ‘મહારાજ, રૂપિયાને બદલે એક લાભ આપને આપવા દો. એથી મને સંતોષ થશે; મુંબાઈમાં મારે એક શ્રીમંત મિત્ર છે. તેના વાલકેશ્વરના બંગલામાં શિવનું ગુપ્ત મંદિર છે. લોકોને તે વિશે ખબરે નથી. તેનાં દર્શન કોઈને તે કરાવતો નથી. રોજ પૂજાસામગ્રીમાં રોકડા હજાર રૂપિયા થાય છે. સાક્ષાત્ શિવ ત્યાં પધારે છે. મારે તો પોઠિયા બાબત લડાઈ, નહિ તો નિત્ય દર્શન જરૂર થાય. પણ એ તો મારો જીવજાન દોસ્ત છે. મારો જામીન હંમેશ એ જ થાય છે, પણ ફક્ત નામ બદલવાં પડે.’
ભદ્રંભદ્રે પૂછ્યું, ‘શેના જામીન ?’
હરજીવને હસીને કહ્યું, ‘એ તો મારાથી કહેવાઈ જવાયું. ફિકર નહિ. આપ જેવાને કહેતાં હરકત નહિ. એ તો શિવ અને ગણપતિની તકરાર. જેવા આપણે ઘેર ટંટા તેવા દેવને ઘેર પણ હોય જ તો. કાર્તિકસ્વામીની બાબતમાં તકરારમાં અંતે સલાહ થાય ત્યારે ગણપતિનો જામીન હું થાઉં અને મારો જામીન એ મારો મિત્ર થાય. એના પર આ ચિઠ્ઠી લખી આપું છું. એ તમને દર્શન કરાવશે. તમને આસ્થા છે.’
આમ વાત કરતાં વડોદરાનું સ્ટેશન આવ્યું. ગાડી ઊભી રહી એટલે હરજીવન એક પોટલું ભદ્રંભદ્રને સોંપી નીચે ઊતર્યો અને કહ્યું કે ‘આ રાખો, હું આવું છું.’ થોડી વારે પાછા આવી પોટલું લઈ કહ્યું કે, ‘શું કરું મહારાજ ? ઊતરવાનું હજી નક્કી નથી. કોને ખોટું લગાડીએ ? લ્યો આ પેન્સિલ અને કાગળ. એ પર આપનું સરનામું લખી રાખજો. મારું નક્કી કરી જેને ઘેર ઊતરવાનું ઠરે તેના ચાકરને મારું સરનામું લખી આપી મોકલું છું. તેની જોડે પેલી કાળી પેટી મોકલજો. હાથે કેટલું ઉપાડું ! લ્યો મહારાજ ! રામ ! રામ ! કૃપા થઈ. વારુ એક બીજો રૂપિયો આપો તો.’
રૂપિયો લઈ ભદ્રંભદ્રને નમસ્કાર કરી અને મને આંખ મારી તે ચાલતો થયો અને ઉતારુઓના ટોળામાં ગુમ થઈ ગયો. ગાડી ઊપડવાનો ઘંટ થયો પણ કોઈ પેટી લેવા આવ્યું નહિ. ભદ્રંભદ્રે પોતાનું સરનામું તૈયાર કરી રાખ્યું. તેમને હરજીવનની પેટી રહી જશે એવી ફિકર થવા લાગી.
મને કહે, ‘એ પેટી ઉપર કહાડી મૂક કે લેવા આવે કે તરત આપી દેવાય.’
હું પેટી લેવા ગયો કે એક બીજો ઉતારુ જે ગાડીમાં આવી નીચે ઊતરી ફરી આવીને તરત જ પાછો આવેલો હતો તે કહે, ‘કેમ, પેટીને કેમ અડકે છે ?’
ભદ્રંભદ્ર કહે, ‘તારે શી પંચાત ? ધણી અમને કહી ગયો છે.’
તે ઉતારુ કહે, ‘ધણી વળી કોણ ? પેટી તો મારી છે.’
ભદ્રંભદ્ર કહે, ‘અસત્ય ભાષણ કેમ કરે છે ? એ તો હરજીવનની છે.’
‘વળી સાળો હરજીવન કોણ છે ? પેટી મારી પોતાની છે.’
હું ભદ્રંભદ્રના કહેવાથી પેટી લેવા જતો હતો, પણ પેલો ઉતારુ ઊભો થઈ કહે, ‘દૂર રહે નહિ તો માર ખાઈશ. એ સિપાઈ ! આ જો !’
આ તકરાર થતાં ગાડી ઊપડી ને ચાલી. હરજીવનનું કોઈ માણસ જણાયું નહિ તેથી અમે વધારે તકરાર કરવી દુરસ્ત ધારી નહિ.
અમને પેલો ઉતારુ લુચ્ચા ધારે નહિ માટે અમે બે, તે સાંભળે એમ હરજીવનની વિદ્વત્તા, ધાર્મિકતા, ચપળતા, વાચાળતા, બ્રહ્મભોજન, ટેક વિશે માંહોમાંહે વાત કરવા લાગ્યા. તેનું માણસ કેમ ન આવ્યુ, તે રૂપિયા હવે શી રીતે પાછા મોકલાવશે, બિચારાનો ટેક કેમ રહેશે, એના વ્રતમાં ભંગ પડશે વગેરે ચિંતાઓ ભદ્રંભદ્ર દર્શાવવા લાગ્યા.
અમે ઠરાવ કર્યો કે મુંબઈના પેલા હરજીવનના મિત્રને ચિઠ્ઠી આપતી વખતે હરજીવનનું ઠેકાણું પૂછી લઈ તેના પર પત્ર લખવો કે બિચારો મૂંઝવણમાંથી છૂટે અને પૈસા મોકલાવી શકે.
આ વાતોથી પેલા ઉતારુના મનમાં કંઈ અસર થઈ જણાઈ નહિ, તેથી અમે વિવિધ વાતો કરી અંધારું થયે સૂઈ ગયા. રાતમાં કોઈ વખત લાત વાગે, કોઈ નવો ઉતારુ સામાન અથડાવી વગાડે તે સિવાય અમે જાગતા નહોતા. પણ ઘણો ભાગ ટૂંટિયાં વાળી સૂઈ રહેવામાં કહાડ્યો. જોતજોતામાં સવાર થયું અને મુંબાઈના ધુમ્મસ અને ધુમાડા જોતાં જોતાં ગ્રાંટરોડનું સ્ટેશન આવી પહોંચ્યું.
૫. મોહમયી મુંબાઈ
સ્ટેશન પર કોઈ તેડવા આવ્યું નહોતું. તેથી અમે વગર કહે જ નીચે ઊતર્યા. મજૂરો સામાન ઊંચકવાનું પૂછી જવાબ સાંભળવા થોભ્યા વિના એક પછી એક અગાડી ચાલ્યા જતા હતા. પીઠ કરી ઊભેલા માણસોને પાછું ફરીને જોવાની જિજ્ઞાસા રહી નહોતી. ઉતાવળે ચાલતા લોકો વચમા કોણ ઊભું છે તે જોવા અટક્યા વિના હડસેલા મારી ચાલ્યા જતા હતા. તેડવા આવનારા દરેક ગાડી આગળ આવી પરોણાને ખોળવા બૂમો પાડતા નહોતા.
આ બેદરકારી જોઈ ભદ્રંભદ્ર બોલ્યા, ‘શો મોહમયીનો મોહ ! એ મોહ ઉતારવા માટે હું હજારો અને લાખો ગાઉં ઓળંગી અહીં આવ્યો છું.’
મેં કહ્યું, ‘બરોબર એટલા ગાઉ નથી એમ હરજીવનના કહેવાથી જણાય છે.’
ભદ્રંભદ્ર કહે, ‘એટલા ગાઉ નહિ તો ગજ કે તસુ તો હશે જ. એમાં ભિન્નતા દેખાય તે માયા છે. પરમાર્થ દૃષ્ટિએ તો સર્વ એક જ છે. આ મોહમયીનો મોહ દૂર કરવો, તેનો મદ ઉતારવો એ મેં માથે લીધું છે. યુદ્ધ દારુણ થનાર છે.’
એવામાં એક ઘૂંટણ લગી પહોંચતા, ખભા આગળથી લટકાવેલા દોરડા, નીચેથી ફાટેલાં બેવડી ખાદીના બદનવાળો અને માથે ઊંચી લાલ ટોપી પર કાળી કામળીના કકડાવાળો અને ઠીંગણો મજૂર મારા હાથમાંનું પોટલું ખેંચી બોલ્યો, “સેટ, ઘેઉ કાય?”
પોટલી જશે એ શંકાથી ભદ્રંભદ્ર મને ખેંચી પચાસ કદમ પાછા હઠી ગયા. પણ મજૂરને શાંત ઊભેલો જોઈ હિંમત લાવી કંઈક પાસે આવી ક્રોધમય મુખ કરી બોલ્યા, ‘પિશાચ ! શ્રોત્રિય બ્રાહ્મણને વૈશ્ય વ્યાપારીનું ઉપનામ આપી પાપમાં પડતાં બીતો નથી? તે સાથે વળી પરદ્રવ્ય હરણ કરવા તત્પર થાય છે ? ચૌર્ય સત્પુરુષને નિષિદ્ધ છે, હેય વ્યસનસપ્તકમાં ગણેલું છે, તેની અવગણના કરે છે ? આર્યધર્મની આજ્ઞાઓ સાંભળવા માધવબાગ સભામાં આવજે.’
પેલો મજૂર ડોકું એક તરફ વાંકુ કરી કંઈ બબડી ચાલતો થયો. ભદ્રંભદ્રના બોધ કે માધવબાગ સભાના નામે તેના મન પર જાદુઈ અસર કરી હોય તેમ લાગતું હતું, કેમ કે તે ઘડી ઘડી પાછો ફરી અમારી તરફ મોં કરી જોતો હતો.
ઉતારુઓની ભીડમાં ભચડાતા અને હડસેલા ખાતા અમે ટિકીટ આપી દરવાજેથી બહાર નીકળ્યા. ત્યાં બેસનારા ગાડી ખોળતા હતા ને ગાડીવાળા બેસનારા ખોળતા હતા. એક ઘોડાગાડીવાળાએ પૂછ્યું, ‘શેઠ લાવું કે ? કાં જશો ?’ બીજો ભદ્રંભદ્ર પર ઘોડો લાવી બોલ્યો, ‘શેઠ, આ ગાડી છે.’ ત્રીજાએ મારી પાસે આવી મારો હાથ જોરથી ખેંચી કહ્યું, ‘પેલી મોટી સગરામ છે, સામાન પણ બધો રહેશે. તમારે કાં જવું ?’ આંચકાથી વેદના પામી ગૂંચવણમાં હું ભદ્રંભદ્ર સામું જોવા લાગ્યો. ભદ્રંભદ્ર મારી સામું જોવા લાગ્યા. અને બંને ગાડીઓ સામે જોવા લાગ્યા. અંતે ભદ્રંભદ્રે ઉત્તર દીધો કે –
‘સર્વના પ્રશ્ન માટે અત્યંત ઉપકૃત છું. આમાંથી કોઈ વાહન માધવબાગ સભાના દર્શનાર્થી જનો સારુ વિશિષ્ટ છે?’
કોઈએ ઉત્તર દેવાની તસ્દી લીધી નહિ, સહુ ગાડીવાળા નવા ઘરાક શોધવા ચાલ્યા ગયા. અમને ગૂંચવણમાં જોઈ એક આદમીએ કહ્યું, ‘પેલો રેંકડો કરો, પછી તે ય નહીં મળે.’ તેથી અમે તે તરફ ગયા. જેમતેમ કરી તેમાં ચઢી ઉછળતા અને ખખડતા ભૂલેશ્વર ભણી ચાલ્યા.
રસ્તામાં ગાડીઓ દોડધામ કરતી જતી હતી. પગે જનારા લોકો ધસમસ્યા ચાલ્યા જતા હતા, કોઈ કોઈ માટે વાટ જોતું જણાતું નહોતું તે જોઈ ભદ્રંભદ્ર કહે કે, ‘આ સર્વ માધવબાગમાં જતા હશે !’
રેંકડાવાળાને પૂછ્યું: ‘માધવબાગમાં સભા કેટલા વાગે ભરાવાની છે ?’
રેંકડાવાળો કહે, ‘કહીં ? માધવબાગમાં ?’
ભદ્રંભદ્ર કહે, ‘હા, માધવબાગમાં આજે આપણા વેદધર્મનું રક્ષણ કરવા માટે મોટી સભા મળનારી છે. આ નગરીમાં તો સર્વને તે વિદિત હશે.’
રેંકડાવાળો કહે, ‘કોમ જાણે, અમારે તો રેંકડાના લેશન માટે પોલીસમાં જઈ આવવાનું છે.’
ભદ્રંભદ્ર કહે, ‘ત્યારે શું તમે લોક માધવબાગમાં નહિ આવો?’
‘ઘરાક મળે તો માધવબાગે ય જઈએ ને ‘સોનાપુરે’ જઈએ.’
ભદ્રંભદ્ર આશ્ચર્ય પામી બોલ્યા, ‘સોનાપુર ! સુવર્ણપુરીમાં પણ જે ન થઈ શકે તે આ અલૌકિક સભામાં થવાનું છે. સુવર્ણપુરીનો મોહ એ મોહમયીની માયા છે. સુવર્ણ એ પાર્થિવ સુખ છે, માયા છે. તેના કરતા સહસ્ત્રગણા સુખનું સાધન માધવબાગ સભામાં પ્રાપ્ત છે.’ મારી તરફ જોઈ કહે કે, ‘અંબારામ, જોઈ આ મોહમયીનિવાસીઓની ભ્રમણા ! સુવર્ણની લંકા લુપ્ત થઈ ગયા પછી પણ કલ્પિત ભૂગોળોમાં તથા ભૂમિરેખાચિત્રમાં હજી લંકા છે એવું અસત્ય વર્ણન કરી આપણા ધર્મ વિરુદ્ધ કેળવણી આપે છે. અને વળી, અહીં જ સુવર્ણપુરી નામે સ્થાન વસાવ્યું છે ? કેવું આપણા આર્યધર્મનું અપમાન !’
મેં રેકડાવાળાને પૂછ્યું, ‘સોનાપુર જૂદું ગામ છે કે આ શહેરમાં જ છે?’
રેંકડાવાળો અમારા બેની સામું થોડીક વાર જોઈ રહ્યો, ભદ્રંભદ્રના મુખ ભણી તાકી રહ્યો. પગથી માથા સુધી આંખ ફેરવી ગયો, ‘પૂંછડેથી જ જોતરેલા !’ એમ વાંકુ મોં કરી બોલી પાછો ફરી ઉતાવળે ગાડી દોડાવવા લાગ્યો, તેની જવાબ દેવાની ઈચ્છા જણાઈ નહિ તેથી અમે તેની જોડે વધારે વાતચીત કરી નહિ.
ઘણા રસ્તા વળ્યા પછી ભૂલેશ્વર આવ્યું. મહામહેનતે પૂછતાં મોતી છગનનો માળો જડ્યો. રેંકડાવાળાને પૈસા આપી અમે નીચે ઊતર્યા. માળામાં જઈ પૂછ્યું કે, ‘શંકરભાઈ ગોકળભાઈ ક્યાં રહે છે ?’ કેટલાકે જવાબ દીધો નહિ, કેટલાકે કહ્યું, ‘ખબર નથી.’ કેટલાકે કહ્યું, ‘ઉપર પૂછો.’ ઉપલે માળ ગયા ત્યાં પણ એવા જ જવાબ મળ્યા. માળ ઉપર માળ ચઢ્યા ગયા, ત્યાં પણ પત્તો લાગે એમ જણાયું નહિ. આખરે પાંચ-છ દાદર ચડ્યા પછી છેક ઉપલે માળે કોઈએ કોટડી બતાવી ત્યાં ગયા. શંકરભાઇને ઓળખાણ આપી અમે મુકામ કર્યો.
જમીને શંકરભાઈ સામા માળામાં પત્તાં ખેલવા ગયાં. ભદ્રંભદ્ર સભામાં જવા સારું સજ્જ થયાં. પગે પાવડીઓ પહેરી, કમરે ધોતીયા પર મૃગચર્મ બાંધ્યું. ઓઢેલા ધોતીયાની કોર પર ચપરાસીના પટા માફક ભગવા રંગની પટી ટાંકી; ગળામાં રુદ્રાક્ષની માળા ઘાલી. હથેલીઓ પર શંખ, ચક્ર, ગદા, પદ્મ ઇત્યાદિ ચીતર્યાં, ગાલ પર કંકુની આડીઊભી લીટીઓ કહાડી ખાનાઓમાં એક ગાલે ‘શિવ’, ‘શિવ’ એ શબ્દો લખ્યા અને બીજે ગાલે ‘રામ’ ‘રામ’ એ શબ્દો લખ્યા. કપાળે સુખડની અર્ચા કરી અને એક છેડે ગણપતિનું ચિત્ર કહાડ્યું. બીજે છેડે સૂર્યનું ચિત્ર કહાડ્યું. એક હાથમાં ગૌમુખી લીધી. માળા ગળે પહેરી હતી તેથી ગૌમુખીમાં સોપારી તથા પૈસા મૂક્યા. બીજા હાથમાં (પરશુને ઠેકાણે) શંકરભાઈના ઘરની કુહાડી ઝાલી ખભા ઉપર ટેકવી. પાઘડીમાં તુળસીની ડાળીઓ ખોસી. શંકરભાઈની ઘાટી ચાકરને કોઈ ઠેકાણેથી ઢોલ લાવવા કહ્યું. તે ઢોલ લઈ આવ્યો. માળામાંના કેટલાંક બૈરા છોકરાં પણ તેમની પછાડી આવ્યાં. ઢોલ મારા હાથમાં આલવાને બદલે ઘાટીઓએ જ વગાડવા માંડ્યુ. શૂરના આવેશમાં ભદ્રંભદ્ર સાક્ષાત્ જામદગ્ન્ય પ્રગટ થયા હોય તેવા જણાવા લાગ્યા. મને કહ્યું, ‘મેં આભરણો સહિત પ્રથમ કદી ભાષણ આપ્યું નથી. તેથી આ મંડળ સમક્ષ ભાષણ આપું તો અભ્યાસથી લાભ થાય. તું સભાપતિ થા.’
હું મારી મેળે મને સભાપતિ બનાવવાની દરખાસ્ત કરી એક કોઠી પર સૂંપડું નાખી બેઠો અને તાળીઓ પાડી કહ્યું:
‘શ્રોતાજનો ! શાંત થાઓ. આ મહાપુરુષનું ભાષણ સાંભળો.’
ભદ્રંભદ્ર બોલ્યા, “જિજ્ઞાસુ સભ્યજનો, મારું પધારવું અત્રે શા અર્થે થયું છે તે તમને વિદિત થઈ ગયું હશે. આપણા સનાતન આર્યધર્મની છિન્નભિન્ન અવસ્થાએ સકળ સ્વદેશાભિમાની આર્યોને ઉત્સાહયુક્ત કર્યા છે. સુધારાવાળાઓના ઉપાયોએ આર્યોને મુખરિત કર્યા છે. શત્રુદળની અલ્પ સંખ્યાએ આર્યોને શૂરવીર કર્યા છે. સ્વદેશની દોષગણનાએ આર્યોને દોષરહિત કર્યા છે. પરદેશની વિવૃદ્ધિએ આર્યોને પરદેશ ગુણ-આગ્રહી કર્યા છે. ધર્મનિષ્ઠ આર્યો, ધર્મસુધારણા વિરુદ્ધ થયા છે. અધમ દિશામાં આવેલા ભારતવર્ષનું સ્વદેશાભિમાની આર્યો સુધારકોના ઉપાયોથી રક્ષણ કરી રહ્યા છે. આપણા આર્યદેશમાં હાલ એકે સુધારો કરવાની, એક પણ રૂઢિ બદલવાની, એક પણ નવો અંશ આણવાની અગત્ય છે, એમ કહેવું એ ઘોરતમ પાપ છે. અહા ! પૂર્ણ કળાએ પહોંચેલા આપણા આર્યદેશની કેવી દુર્દશા થઈ છે ! આપણો આર્યદેશ કેવો શ્રેષ્ઠ, કેવો અચલ ! આર્યજનો ! આવાં મહાન કાર્યો સાધવા આજ માધવબાગમાં સભા મળનાર છે. ત્યાં ભાગ લેવો એ સર્વનું કર્તવ્ય છે.”
એવામાં શ્રોતાજનોમાં પછાડી ગરબડ થવા લાગી. કેટલાક દાદર ઊતરી નાસવા લાગ્યા, કેટલાક રવેશમાં ભરાવા લાગ્યા. કેટલાક બારણા પાછળ સંતાવા લાગ્યા. શંકરભાઈ આવી પહોંચ્યા હોય એમ જણાયું.એમણે કેટલાકને લાત લગાવી, કેટલાકને ધક્કા માર્યા. કોલાહલ થઈ રહ્યો. ભદ્રંભદ્રને આવીને કહે કે ‘તમે પણ પારકે ઘેર આવું ધાંધલ કરો છો ? આવા ભામટાઓને ઘરમાં એકઠાં કરો છો ?’ ચાકરને કહે કે, ‘તેં માળિયા પરથી કુહાડી કેમ ઉતારી ?’ તે કહે કે, ‘માગી તે હું શું કરું?’ સ્વામી સેવકનો વિરોધ શમાવવા ભદ્રંભદ્રે ધીમે રહી કુહાડી નીચે મૂકી દીધી. તે બે જણા ખુલાસાથી વાત કરી શકે તે માટે હું તથા ભદ્રંભદ્ર નીચે ઊતરી ગયાં. નીચે ઊભેલ ટોળાની તાળીઓ, હર્ષના પોકાર, ‘હુરિઓ’, ‘એઈ ચોર’, ‘લીજીયો’ ઇત્યાદી જયધ્વનિ શ્રવણ કરતા અને મુદિત થતા અમે માધવબાગમાં જઈ પહોંચ્યા.
ત્યાં લોકોનાં ટોળાં આવેલાં હતાં તથા આવ્યે જતાં હતાં. શોરબકોર થઈ રહ્યો હતો. કાને પડ્યું સંભળાતું નહોતું. સભાનો ઉદ્દેશ પહેલેથી લોકોનાં મનમાં ઠસાવવા જાતજાતનાં ચોપાનિયાં તથા પાનિયાં વહેંચાતાં હતાં. કેટલાંકમાં ગોરક્ષાનો બોધ હતો. કેટલાંકમાં સુતરપાડા ગામમાં કેદારેશ્વર મંદિરના બાવાના નિર્વાહ સારુ ઉઘરાણીની રકમો માગેલી હતી. કેટલાકમાં ‘સાડાત્રણ દોસ્તદારની વાર્તા’ના ગુણ તથા રસિકતા વર્ણવેલાં હતાં. કેટલાંકમાં બલવર્ધક ચૂર્ણની રામબાણ સફળતા વિસ્તાર તથા ઉદાહરણ સહિત પ્રસિદ્ધ કરેલી હતી. આવા મોટા પાયા પર તથા વિવિધ સામગ્રીથી ઊભી કરેલી સભાની અદ્ભુત યોજના ભદ્રંભદ્રે પણ કલ્પી નહોતી.
૬. માધવબાગમાં સભા
સભામંડપમાં લોકો ખુરશીઓ અફાળતા હતા અને પાટલીઓ પછાડતા હતા; તે દુંદુભિનાદ રણમાં ચઢવા તત્પર થયેલા આર્યભટોને પાનો ચઢાવતો હતો. પાછળથી આવ્યા જતા ટોળાના ધક્કાથી આગલી હારમાં ઊભેલા લોકો ખુરશીઓ પર બેઠેલા લોકો પર તૂટી પડી તેમને સ્થાનભ્રષ્ટ કરતા હતા; તે વ્યુહરચના આર્યસેનાની સંગ્રામ આરંભ કરવાની ઉત્સુકતા દર્શાવતી હતી. ભીડમાં કચરાઈ જવાની બીકથી અને સભાના સર્વ ભાગનું દર્શન કરવાની ઇચ્છાથી થાંભલા પર ચઢી ગયેલ લોકો એક હાથે પાઘડી ઝાલી રહેલા હતા; તે યુદ્ધમાં અદ્ભુત શૌર્ય દર્શાવી, પ્રાણવિસર્જન કરનારને વરવા વિમાન ઝાલી ઊભી રહેલી અપ્સરાઓની ઉપમા પામતા હતા.
આ ભીડમાં અને ઘોંઘાટમાં સભાના અગ્રેસરનું દર્શન કરવાની કે ભાષણમાંનો એક શબ્દ પણ સાંભળવાની આશા મૂકી ઓટલા નીચે અમે ઊભા હતા, એવામાં રામશંકર અને શિવશંકર આવી પહોંચ્યા. તે કહે કે ’અહીં કેમ ઊભા છો ? ચાલો, રસ્તો કરીશું.’ તેમની સાથે અમે ભીડમાં ઘૂસ્યા. કેટલાકને પછાડી હઠાવ્યા, કેટલાકની વચ્ચે પેઠા. હું આ ધમાધમથી કંટાળી પાછા ફરવાનું કરતો હતો. પણ તેમ કરવું યે મુશ્કેલ હતું. ભદ્રંભદ્ર કહે કે, ’આપણે ધૈર્ય રાખવું જોઈએ. જો, સભામાં ચારે તરફ આવો મહાભારત પ્રયત્ન લોકો કરી રહ્યા છે, તે સિદ્ધ કરે છે કે આ સંસારનો પંથ સરલ નથી.’
રામશંકર કહે, ’વાતો કરવા રહેશો તો કચડાઈ જશો, અગાડી વધો.’
જેમતેમ કરતા અમે એક પાટલી આગળ આવી પહોંચ્યા. પાટલી તો ખીચોખીચ ભરાઈ ગયેલી હતી. તેના અઢેલવાના કઠેરા પર પણ લોકો ઊભેલા હતા. તેમાંના કેટલાકને રામશંકરે ઝાલી નીચે પાડ્યા. તેમની જોડે સહેજ યુદ્ધ કરીને અમે પાટલીના કઠેરા પર ચઢીને ઊભા. ઊભા રહીને જોતાં સભામંડપની સર્વ રચના નજરે પડી. સભાપતિની બેઠક આસપાસની થોડીક જગા સિવાય બધે લોકો જગા મેળવવાના પ્રયાસમાં ગૂંથાયેલા હતા. સદાવ્રતમાં ખીચડી વહેંચાતી વખતની ગોસાંઈઓની ધમાચકડી પણ આની આગળ શાંત અને નિયમસર હોય છે. સર્વ સભાજનો અગાડી આવવાના પ્રયત્નમાં મચેલા હતા. ભાષણ સાંભળવા તેમને ઇચ્છા કે આશા હોય તેમ લાગતું નહોતું. સાંજ લગીમાં પણ અગાડી આવી પહોંચાય તો બસ. એ ધીરજથી છેક પાછળનું ટોળું પણ મહેનત જારી રાખી રહ્યું હતું. કેટલાક કહે કે સભાનું કામ શરૂ થઈ ચૂક્યું છે. કેટલાક કહે કે હજી શરૂ થવાનું છે.
જેમને અગાડી આવી પહોંચ્વા પછી પોતાની જગા મેળવવાનો જ પ્રયત્ન કરવાનો હતો, તેઓ ટોળાંનું જોર નરમ પડે ત્યારે વિશ્રામ લઈ ચિંતા દૂર કરવા વિવિધ વાતો કરતા હતા. કોઈ કહે કે ’આજની સભામાં એવો ઠરાવ કરવાનો છે કે બ્રાહ્મણને રૂપિયાથી ઓછી દક્ષિણા આપવી નહિ.’ કોઈ કહે કે ’બધી રાંડીરાંડોને પરણાવી દેવી એવો સરકારે કાયદો કર્યો છે તે માટે અરજી કરવાની છે કે સહુ સહુની નાતમાં જ પરણે.’ કોઈ કહે કે ’એવી અરજી કરવાની છે કે ગાયનો વધ કરે તેને મનુષ્યવધ કરનાર જેટલી સજા કરવી, કેમ કે અમારા ધર્મ પ્રમાણે ગૌમાતા મનુષ્યથી પણ પવિત્ર છે.’ કોઈ કહે કે ’નાતના મહાજન થવાના કોના હક્ક છે તેની તપાસ કરવા એક કમિશન નીમવાનું છે.’
આઘે ખુરશી ઉપર બેઠેલા બે જણને રામશંકરે સલામ કરી તેથી ભદ્રંભદ્રે પૂછ્યું, ’એ કોણ છે ?’
રામશંકર કહે, ’પેલા ઠીંગણા ને જાડા સરખા છે ને ચારે તરફ જુએ છે તે આ ઘોરખોદીઆના ભાઈબંધ કુશલવપુશંકર અને તેમની જોડે બેઠા છે તે એમના કાકા પ્રસન્નમનશંકર.’
પાસે ઊભેલો એક આદમી બોલી ઊઠ્યો, ’એ કુશલપુનું જ નામ લોકોએ ઘોરખોદીઓ પાડેલું છે અને એના કાકાનું નામ નખોદીઓ પાડેલું છે. નામ પડી ગયાં છે તે ભુલાવવા એ લોકોએ આ બે બ્રાહ્મણોને પૈસા આપી એ નામે પોતાને ઓળખાવવાને રાખ્યા છે. પૈસાની રચના કરનાર લોકો એવામાંયે પૈસાથી પોતાનું કામ સાધવા મથે છે.’
આ ખુલાસો શિવશંકરને બહુ ગમ્યો હોય એમ જણાયું નહિ. કેમ કે તેણે આડા ફરીને કહ્યું, ’સમાલીને બોલજે.’
પેલાએ કહ્યું કે ’જા, જા; સાળા હજામગોર, તું શું કરવાનો છે ?’
શિવશંકરે ઉત્તરમાં મુક્કી બતાવી. પેલાએ પ્રત્યુત્તરમાં મુક્કી લગાવી. આમ સભ્યતા આપ-લે કરતાં બંને નીચે ખસી પડ્યા. કેટલાક બંને પક્ષની મદદમાં શામિલ થઈ ગયા, કેટલાક તેમની ખાલી પડેલી જગ્યાએ ચઢી ગયા.
હો હો ચાલતી હતી તેવામાં સભામાં મધ્ય ભાગમાં તાળીઓ પડવા લાગી. અમે પણ તાળીઓ પાડતા તે તરફ ઊંચા થઈ જોવા લાગ્યા. કોઈ ચકરી પાઘડીવાળો લાંબા હાથ કરી મરાઠીમાં બોલતો હતો. તે શું કહે છે તે પૂરું સંભળાયું નહિ. સંભળાયું તેટલું સમજાયું નહિ. તે બેસી ગયા પછી એક ગુજરાતી બોલવા ઊઠ્યો. બધે સંભળાય માટે તે ખુરશી પર ઊભો થઈ ગયો. તેણે પાઘડી જરા વધારે વાંકી મૂકેલી હતી. મૂછના આંકડા ચઢાવેલા હતા. કલપ લગાવવો રહી ગયો હશે ત્યાં મૂછના કોઈ વાળ સહેજ ધોળા જણાતા હતા. પાનથી હોઠ લાલ થયેલા હતા. બાંહ્યો ચઢાવી તેણે બોલવા માંડ્યું :
’ગૃહસ્થો ! આજની સભા શા માટે મળી છે તે આપણી ભાષામાં કહેવાનું માન મને મળ્યું છે. એ માનથી હું ઘણો મગરૂર થાઉં છું. એ માન કંઈ જેવું તેવું નથી. આજકાલ યુરોપની ભાષામાં બોલવું એ મહોટું માન ગણાય છે. પણ હું સમજું છું કે હું કેવો ગધેડો (હર્ષના પોકાર) કે મેં યુરોપનું નામ પણ સાંભળ્યું. હું સમજું છું કે હું કેવો અભાગિયો કે મેં યુરોપની ચોપડીઓનો અભ્યાસ કર્યો (તાળીઓ). હું સમજું છું કે હું કેવો મૂરખો કે મેં યુરોપની રીતભાતો જાણી (હસાહસ). માટે પ્રમુખસાહેબ, હું આપનો ઉપકાર માનું છું, કે આપણી ભાષામાં ભાષણ કરવાનું માનવંતુ કામ મને સોંપ્યું છે. તે માટે ગૃહસ્થો, હું તમને મગરૂરીથી કહું છું કે મારા જેવા સાદા આદમીને આવું માન વગરમાગ્યે મળ્યું નહિ હોત તો હું તે લેત નહિ. હવે આજની સભામાં શું કરવાનું છે તે મારે તમને કહેવું જોઈએ. તમે સહુ જાણો છો કે સુધારાવાળાઓ લોકોની ગાળો ખાય છે તોપણ સુધારો કરવા મથે છે. મારા જેવા આબરૂદાર માણસો સુધારાવાળાના સામા પક્ષમાં દાખલ થઈ બહુમાન પામે છે, તે પરથી સાફ જણાશે કે સુધારાવાળા થવું ફાયદાકારક નથી. સુધારાવાળાના અગેવાન મલબારી છે, તેને લોકો શું કહે છે તે પરથી સાફ જણાશે કે એ કામમાં લોકપ્રિય થવાનું નથી. તોપણ તે સરકારને અરજી કરવા માગે છે કે બાળલગ્ન અટકાવવાનો કાયદો કરવો. આપણા ધર્મશાસ્ત્રમાં બાળલગ્ન કરવાનું લખેલું છે. એટલે તે માટે હું વધારે બોલવાની જરૂર ધારતો નથી. શું આપણે ધર્મવિરુદ્ધ જવું ? શું આપણો ધર્મ ચૂકવો ? કદી નહિ (તાળીઓ). વળી, સરકારને વચ્ચે નાખવાની શી જરૂર છે ? બાળલગ્નનો રિવાજ શો ખોટો છે કે સુધારો કરવાની જરૂર પડે ? અને જરૂર પડે તો શું આપણે નહિ કરી શકીએ ? આપણે આટલી બધી કેળવણી પામ્યા ને સરકારની મદદ લેવી પડે ? આપણા બધા રિવાજ બહુ લાભકારક છે. તે બતાવી આપે છે કે આપણા જેવા વિદ્વાન, આપણા જેવા ડાહ્યા, આપણા જેવા હોશિયાર બીજા કોઈ નથી. તો પછી આપણા જેવા લોકોના રિવાજ ખોટા કેમ હોય ? તેમાં સુધારો કરવાની શી જરૂર હોય ? પ્રમુખસાહેબ છે, હું છું, એવા મોહોટા માણસો આપણા લોકોના આગેવાન છે, તો પછી સરકારને વચમાં નાખવાની શી જરૂર છે ? જુઓ, આપણે ખાઈ રહીને કોગળા કરી મહોં સાફ કરીએ છીએ; અંગ્રેજ લોક તેમ નથી કરતા. તે સાબિત કરે છે કે આપણા બધા રિવાજ અંગ્રેજ લોકના રિવાજ કરતાં ઘણા જ સારા છે. માટે સરકારને અરજી કરવી જોઈએ કે આ બાબતમાં કાયદો ન કરે. બીજા બોલનારા છે, માટે હું વધારે વખત રોકાતો નથી.’ (પાંચ મિનિટ લગી તાળીઓ ચાલી રહી.)
ટેકો આપવાને એક બીજા ગૃહસ્થ ઊઠ્યા. તેમણે કહ્યું, ’સરકારને અરજી શા માટે કરવી જોઈએ. એ બહુ છટાથી કહેવામાં આવ્યું છે અને ઘણી હુશિયારીથી સાબિત કરવામાં આવ્યું છે, માટે મારે વધારે કહેવાની જરૂર નથી. કેટલાક અંગ્રેજો પણ આપણા રિવાજ વખાણે છે તેથી સાબિત થાય છે કે આપણા રિવાજ ઘણા જ સારા છે. દુનિયામાં એવા કોઈના નથી, તો પછી સુધારો શું કામ કરવો જોઈએ ? આપણા રિવાજની સરકારને શી ખબર પડે ? પરદેશી લોકોને આપણા રિવાજમાં હાથ ઘાલવા દઈ શકાય નહિ. તેમના હેતુ ગમે તેટલા સારા હોય તોપણ આપણી રૂઢિઓ કેવી સારી છે તે તેઓ ન સમજે. માટે હું આ દરખાસ્તને ટેકો આપું છું.’
એમના બેસી ગયા પછી કુશલવપુશંકર બોલવા ઊભા થયા. તેમને ઊભા થયેલા જોઈને લોકોએ તાળીઓ પાડવા માંડી, ’ઘોરખોદીઓ’, ’બાઘો’, ’શાસ્ત્રી મહારાજ’ એવાં વિવિધ નામે લોકો તેમને બોલાવવા લાગ્યા. પ્રમુખે તાળીઓ પાડી લોકોને શાંત થવા કહ્યું. ટેબલ પર લાકડી ઠોકી, ઊભા થઈ મૂંગા થવા હાથે નિશાની કરી. કેટલીક વારે આગલી હારવાળા શાંત થયા ત્યારે પાછલી હાર લગી તાળીઓ જઈ પહોંચી હતી. ત્યાંના લોકો શું ચાલે છે, તે જાણ્યા વિના તાળીઓ પાડવા લાગ્યા. કંઈક શમ્યા પછી પ્રમુખે કુશલવપુશંકરને ભાષણ શરૂ કરવાનું કહ્યું. લોકોના આવકારથી તે બહેબાકળા થઈ ગયા હતા. પણ કંઈ જાણતા જ ન હોય, એમ સ્વસ્થ રહેવા પ્રયત્ન કરતા હતા. ચારે તરફ નજર ફેરવી, મારો ગભરાટ કોઈ જોતું નથી, એમ મનથી માની લઈ તેમણે બોલવું શરૂ કર્યું.
’શ્રીવેત્રાસનાધિકારિન્ તથા શ્રી સભામિલિત શ્રોતૃજનાઃ આપણે વેદધર્મ શ્રેષ્ઠ છે, કારણ કે વેદ ઈશ્વરપ્રણીત છે. પૂછશો કે શા પ્રમાણથી ઈશ્વરપ્રણીત છે ? તો શું બાલક છો ? બાલકો જ એવાં પ્રમાણ માગે છે, વેદાધ્યયનને અભાવે. બ્રહ્મે પોતાનો પરિમાણ વેદમય કર્યો તેથી. કારણ કે વેદ અનાદિ છે. શબ્દ નિત્ય છે. ઈશ્વરપ્રણીત પ્રમાણ જન્યનિત્યત્વઇતરદેશશાસ્ત્રકારાસિદ્ધત્વથી. માટે સુધારો અનિષ્ટ છે. વેદવિરુદ્ધ તેથી, વેદવિરુદ્ધત્વ હોય ત્યાં ત્યાં અનિષ્ટત્વ વ્યાપક છે. તે માટે. જેમ ચાર્વાકાદિમાં ઇતિ સિદ્ધમ્.’
આમ અજબ શાસ્ત્રીય પ્રમાનથી આર્યપક્ષ સિદ્ધ કરી સર્વજનોને ન્યાયબલથી વિસ્મય પમાડી અને વિરોધીઓને સર્વકાલ માટે નિરુત્તર કરી નાખી કુશલવપુશંકર બેસી ગયા. આ પરાક્રમથી એમના કાકાના ગંભીર મુખ પર પણ મગરૂરી તથા હર્ષ પ્રસરી રહ્યાં. સભામાં હર્ષનાદ ગાજી રહ્યો. સુધારાવાળાનાં મહોં ફીકાં પડી ગયાં. સર્વાનુમતે દરખાસ્ત મંજૂર થઈ. પછી સરકારમાં મોકલવાની અરજી વાંચવામાં આવી. તે અરજીને ટેકો આપવા શંભુ પુરાણીના ભાણેજ વલ્લભરામ ઊઠ્યા અને બોલ્યા :
’આજકાલ સુધારાને નામે પાષંડવાદ ચાલે છે. આપણા આર્યશાસ્ત્રમાં શું નથી કે પાશ્ચાત્ય સુધારો આણવાની અગત્ય હોય ! આપણાં શાસ્ત્રો જોયા વિના જ સુધારાવાળા એવા ખાલી બકબકાટ કરે છે. તેઓ પૂછે છે કે આગગાડી, તાર, સાંચાકામ, એવું ક્યાં આપણા શાસ્ત્રકારોને ખબર હતું ? આ કેવું મહોટું અજ્ઞાન છે ? યુરોપી ભાષાંતરકારો અને યુરોપી કોશલેખકોના અર્થ પ્રમાણે તો શાસ્ત્રોમાંથી એવી વાતો નહિ જડે. પણ તેમને શાસ્ત્રના રહસ્યની શી ખબર હોય ? એવું શું છે કે જે યોગ્ય અર્થ કરતાં શાસ્ત્રમાંથી ન જડે ? આપણા શાસ્ત્રકારોને ત્રિકાળનું જ્ઞાન હતું, માટે તેમના જાણવામાં કંઈ ન આવ્યું હોય, એમ હોય જ નહિ. શાસ્ત્રના ખરા અર્થ ન સમજતા સુધારાવાળા તેને વહેમ કહે છે. જુઓ. બ્રાહ્મણથી જનોઈ વિના બોલાય નહિ, એને એ લોકો વહેમ કહે છે. પણ શાસ્ત્ર કહે છે કે ગાયત્રીમંત્રના ધ્વનિથી જનોઈના તાંતણા ફૂલે છે અને તેમાં વિવિધ જાળાં બંધાય છે. તેથી તેમાં પ્રાણવાયુ રહી શકે છે. એ પ્રાણવાયુ શરીરની સ્વેદાદિ અશુદ્ધિને સૂકવી નાખી આવરણ બની આકાશમાં ભમતા ભૂતદેહોનો શરીરને સ્પર્શ થવા દેતો નથી. જનોઈ વિના શબ્દોચ્ચાર થાય તો તે ધ્વનિ પ્રાણવાયુનું આવરણ ખસેડી નાખે, ભૂતોને સ્પર્શ કરવાનો લાગ આપે અને તેઓ મનુષ્યનું ચિત્ત ભ્રમિત કરી નાખે. તો શું આ શાસ્ત્રાજ્ઞા વહેમ છે ? મોન્ટ ગુફર, સિક વગેરે યુરોપના જગતપ્રસિદ્ધ વિદ્વાનોએ આ વાત કબૂલ કરેલી છે. મેં હજારો વાર પ્રયોગ કરી એ અજમાયશથી સિદ્ધ કરેલું છે. સુધારાવાળા આપણા આર્યશાસ્ત્રોનાં આ રહસ્ય જાણતા નથી અને પાશ્ચાત્ય યાંત્રિક યુક્તિઓના મોહમાં ગૂંથાયા જાય છે. પાશ્ચાત્ય પદાર્થવિજ્ઞાન, યંત્રો, વીજળીના પ્રયોગ, એ સર્વ માયાની વિવૃદ્ધિ કરે છે, ભ્રાંતિને પુષ્ટિ આપે છે. બ્રહ્મજ્ઞાનથી વિમુખ કરે છે. આપણા શાસ્ત્રકારોએ આવું પદાર્થવિજ્ઞાન મેળવવા યોગ્ય ધાર્યું નહિ, એ જ સિદ્ધ કરે છે કે તેણે માયાની અવગણના કરી છે. ચૈતન્યને જ શ્રેષ્ઠ ગણ્યું છે. પાશ્ચાત્ય માયાવાદના મોહથી સુધારો થયો છે. પાશ્ચાત્ય અંશોથી આપણો આર્યદેશ આજ લગી અસ્પષ્ટ રહ્યો છે, તો હવે શું કામ તેથી આપણા દેશને દૂષિત કરવો ? પાશ્ચાત્ય સુધારાના અંશો શું કામ આપણા દેશમાં દાખલ કરવા ? હું રાજકીય સુધારા વિશે આ નથી કહેતો. પાશ્ચાત્ય રિવાજો આપણા શાસ્ત્રોને આધારે નથી. તે ઘણા જ અનિષ્ટ છે. આપણા દેશને એ રિવાજો અધમ કરશે, આપણા દેશમાંનું તો સર્વ શ્રેષ્ઠ જ. જે તેથી જુદું તે તો તેથી ઊતરતું જ, અધમ જ, એ દેખીતું છે, માટે સિદ્ધ થાય છે કે આપણે સુધારા કરવા ન જોઈએ. પાશ્ચાત્ય રાજ્યકર્તાને આપણા ગૃહસંસારમાં પાડી તેમના એશ દાખલ કરવા દેવા ન જોઈએ. માટે આ અરજી મોકલવાની આવશ્યકતા સિદ્ધ થાય છે.’
આ ભાષણકર્તાના બેસી ગયા પછી, એક શાસ્ત્રી મહારાજે ઊભા થઈ કહ્યું :
’આ સભાની વ્યવસ્થા ઘણી જ અનિયમિત રીતે ચાલે છે. પ્રથમ વ્યાકરણના પ્રશ્નોનો વિવાદ થવો જોઈએ. હું એક પ્રયોગ આપું તે જેનામાં પાણી હોય તે સિદ્ધ કરે.’
એક બીજા શાસ્ત્રીએ ઊભા થઈને કહ્યું,
’એવો ગર્વ કરવો ન જોઈએ. આ સભામાં ઘણા વિદ્વાન શાસ્ત્રી છે.’
પ્રથમ બોલનાર શાસ્ત્રીએ ઉત્તર દીધો, ’એવા મૂર્ખોને શાસ્ત્રીની પદવી ઘટતી નથી.’
પ્રમુખે બંને શાસ્ત્રીઓને બેસાડી દીધા. તરત બીજા પાંચ-છ વક્તાઓ ઊભા થઈ સાથે બોલવા લાગ્યા, દરેકના પક્ષકાર સામાને બેસાડી દેવા તાળીઓ પાડવા લાગ્યા. ’બેસી જાઓ’, ’ચલાઓ’, ’એક પછી એક’ એવી બૂમો પડી રહી. સભામાં ઘોંઘાટ થઈ રહ્યો. કંઈક શમ્યા પછી એક જણને બોલવા દીધો. તેણે હાથ લાંબા કરી કહ્યું.
’ગૃહસ્થો ! આવા સારા અને વખાણવા લાયક કામને મદદનીશ થવા એકઠા થયેલા તમો સહુની સામે મને ઊભેલો જોઈ હું પોતાને નસીબવાન ગણી અભિનંદન આપ્યા વિના મદદ કરી શકતો નથી. હું ન્યુઝપેપરનો અધિપતિ છું. તે હોદ્દાના રાખનાર તરીકે મેં ઘણી વાર સુધારાની હિલચાલ પર ટીકા કરેલી છે. તેમાં મેં બતાવી આપ્યું છે કે, જોકે સુધારાવાળાઓએ એક પથ્થર ફેરવવો બાકી રાખ્યો નથી, તોપણ હજુ લગી તેઓની ટીક્કી લાગી નથી. તે જ બતાવી આપે છે કે સુધારાની અગત્યતા સાબિત થયેલી બિના નથી. એ પણ એક સવાલ છે કે સુધારો ચહાવાલાયક છે ? આપણામાં લડવાનું ઐક્યત્વતાપણું હોય, આપણામાં સારાં સારાં બધાં કામની સામે થવાનો જુસ્સો હોય, આપણામાં અજ્ઞાન છતાં મહોટા લોકો તરફ તોછડાઈ હોય, આપણામાં લોકપ્રિયતા એકઠી કરવાની ખપતી હિકમત હોય, તો પછી ગાંભીર્ય વિચારની શી ખોટ છે ? વિદ્વાનતાની શી જરૂર છે ? સુધારાની શી માગવા લાયકાત છે ? કંઈક જ નહિ, અરે ! હું પગ ઠોકીને કહું છું કે કંઈ જ નહિ. વળી આપણો અનુક્રમ કઈ લીટીઓ પર કરવો, તે બાબત પારસીઓને અને ઇંગ્રેજોને શું કામ નાક મૂકવા દેવાં ?’ –
એવામાં એક ચકરી પઘડીવાળો ઊભો થઈ બોલ્યો, ’પણ લોકો અઘરણીની નાતો નથી કરતા તેનું કેમ ?’
પ્રમુખે તેને બેસાડી દઈ, ભાષણકર્તાને અગાડી ચલાવવા કહ્યું, તે બોલ્યા કે,
’આ સ્વદેશાભિમાની બંધુએ ઇશારો કર્યો છે, તેવા આપણા દેશના કલ્યાણના મહાભારત અગત્યના ધર્મ સંબંધી સવાલોમાં પરદેશજનનિવાસીઓ શી રીતે આરપાર જઈ શકે ? આપણાં કામ સમજવાને આપણે અશક્ય થતા જનાઈએ અને પરકીય મુલકના દેશીઓ પોતાનું કહેણ ચલાવવામાં, પોતાના રિવાજોને મજબૂત પગલું ભરાવવામાં ફતેહ પામે એ કેવો દાર્શનિક નાટક છે ? આજકાલના સુધારાવાળાઓએ આર્ય લોકોને અણગમતી વાતો કહેવાનું હામમાં લીધું છે. તેઓ કહે છે કે પાશ્ચાત્ય રિવાજો દાખલ કરવા લાયક ન હોય, તે શાસ્ત્રમાં કયાં પાર્લામેન્ટની હા કહી છે ? આ મોટી ભૂલમાં પડવા બરાબર છે. લોકોના વિચારોને અને રાજ ચલાવવાની પદ્ધતિને કશો સંબંધ ગણવો એ મહા ભૂલ પર ચાલી જવાથી બને છે. દેશની વૃદ્ધિ અગાડી ચલાવવામાં વિચાર ફેરવવાની કશી જરૂર નથી. મારો જ દાખલો ધ્યાનમાં લેવાને ઘટતો છે. બે વરસ પર હું કંપોઝીટર હતો. તે પહેલાં છ મહિના પર હું અંગ્રેજી ત્રીજી ચોપડીમાં મોનિટર હતો. તે છતાં આજે હું એક ઍડિટર થઈ પડ્યો છું. ગ્રેજ્યુએટો મારી ખુશામત કરતા આવે છે, પૈસાદાર લોકો મને મદદમાં લે છે, મારે જ્ઞાન મેળવેલા હોવાની જરૂર પડી નથી. મારે નહિ સમજાય એવા વિષયોનો અભ્યાસ કરવાની ફરજ આવી પડી નથી. તે છતાં અર્થશાસ્ત્ર, રાજ્યનીતિ, સાહિત્ય, સંસારસ્થિતિ વગેરે બાબતો પર હું બેધડક ચર્ચા કર્યે જાઉં છું. ગમે તે બાબતની માહિતી મેળવ્યા વિના તે વિશે મત જાહેરમાં મૂકતાં મને આંચકો ખાવો પડતો નથી. પણ જુસ્સાની જરૂર છે. ઊંચુનીચું જોવાની જરૂર નથી. સારુંખોટું જોવાની જરૂર નથી, પણ તે પર હુમલો કરવાની જરૂર છે. ઍડિટરના હુન્નરથી અજાણ્યા લોકો આને ઉદ્ધતાઈ કહે છે, હું એને હિંમત કહું છું. એવી જુસ્સાવાળી હિંમત હોય, તો પછી રાજકીય હક્કો મેળવવામાં વિચારની વૃદ્ધિ રમતમાં લાવવાની શી જરૂર છે ? તો પછી સુધારાના અમલને કામનું ખેતર જ નથી. તે લાવવો જોઈતો છે નહિ.’
દરેક ભાષણકર્તા ભાષણ પૂરું કરી રહે એટલે ભદ્રંભદ્ર બોલવાનો આરંભ કરવા જતા હતા, પણ બીજો કોઈ ઊઠી બોલવા માંડે એટલે રહી જતા હતા. એક પછી એક ભાષણો થયાં જતાં હતાં. વચમાં કોઈ વખત મત લેવાતા હતા, પણ તે વખતે એટલો ઘોંઘાટ થતો કે ઘણી વાર શા માટે મત લેવાય છે તે સંભળાતું નહિ. ભદ્રંભદ્રે નિશ્ચય કર્યો કે, ગમે તેમ કરી ભાષણ કરવું તો ખરું. એક વાર મત લેવાઈ રહ્યા પછી ’હર હર મહાદેવ’ કરી ખૂબ જોરથી બૂમો પાડી, બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચી બોલવા માંડ્યું,
’શ્રી પ્રમુખદેવ અને શ્રીયુત આર્યજનો ! આ મંગલ સમયે શ્રી ગણપતિ ગજાનનને નમસ્કાર કરો. શ્રીશંકરના પાદયુગ્મનું સ્મરણ કરો. શ્રીવિષ્ણુની કૃપાની યાચના કરો. શ્રી સરસ્વતીનું આવાહન કરો. શ્રી અંબિકાને ભજો. શ્રી લક્ષ્મીને પ્રસન્ન કરો. શ્રી સૂર્યદેવનું સાંનિધ્ય લક્ષમાં લ્યો. શ્રીવાયુદેવનો પ્રભાવ ઇચ્છો. શ્રીઅગ્નિદેવવી સહાયતા માંગો. શ્રી વરુણદેવને સંદેશો મોકલો. શ્રીરામકૃષ્ણાદિ અવતારોને, શ્રી વેદમૂર્તિને, શ્રીઇન્દ્રદેવોને, શ્રીગંધર્વોને, શ્રીકિન્નરોને, શ્રીગ્રહોને, શ્રીનક્ષત્રોને, શ્રીતરકોને, શ્રીપૃથ્વીમાતાને, શ્રીઆર્યભૂમિને, શ્રીસનાતનધર્મને, શ્રીકાશીને, શ્રીપ્રયાગને, શ્રીમથુરાને, શ્રીજગન્નાથને, શ્રીદ્વારિકાને, શ્રીરામેશ્વરને, શ્રીતીર્થસમૂહને, શ્રીગંગાને, શ્રીસમુદ્રને, પ્રીતિથી પૂજો. જય ! જય ! જય ! જય ! જય ! જય ! અહા ! ધન્ય તમને, ધન્ય મને, ધન્ય આકાશને ! ધન્ય પાતાલને ! કીર્તિમંત થઈ છે આજ આર્યસેના. રણમાં રગદોળ્યો છે શત્રુના ધ્વજદંડને. સંહાર કર્યો છે સકલ અરિકટકનો. સનાતન ધર્મ સિદ્ધ થયો છે. આર્યધર્મ આગળ થયો છે. વેદધર્મ પૃથ્વીમાં પ્રસર્યો છે. આપણી રૂઢિઓ વિશ્વમાં સર્વથી ઉત્તમ ઠરી છે. ઉત્તમતાનું આપણું અભિમાન આપણે ક્યાં સમાવવું, એ કઠિન પ્રશ્ન થઈ પડ્યો છે. બ્રહ્માંડ તે માટે પર્યાપ્ત નથી. આત્મા તે માટે સાધન નથી. કાલ તે માટે દીર્ઘ નથી. અહો ! જે દેશમાં આજની સમસ્ત મંડળી જેવા દેવાંશી પુરુષો છે ત્યાં ’સુધારો’ એ શબ્દને અવકાશ શો છે ? ન્યૂન શું છે કે અંશમાત્ર પણ સુધારવો પડે ? જ્ઞાનની અવધિ આ દેશમાં આવી રહી તો પછી વધારે જ્ઞાન પ્રાપ્ત કરવાનું સંભવે શી રીતે ? મનુષ્યજાતિમાં ભૂત, ભવિષ્ય, વર્તમાનકાળમાં જેટલી જ્ઞાનની શક્તિ છે, તેટલું જ્ઞાન વેદકાળથી આપણા ત્રિકાળજ્ઞાની પૂર્વજો પામી ચૂક્યા છે. બીજા દેશમાં કાળક્રમે જ્ઞાન વધતું જાય છે; પણ આપણા આર્યદેશમાં તેમ નથી, કેમ કે યોગ દ્વારા આપણને કંઈ અજ્ઞાત છે જ નહિ. તો પછી પાશ્ચાત્ય રિવાજો આપણને શા કામના છે ? એ સત્ય છે રાજકીય રિવાજો સ્વીકારવામાં આ વાત ભૂલી જવાની છે. પણ તે વિના આપણને નવીન વિચાર જોઈતા નથી. સુધારાવાળા બાળલગ્ન અટકાવવા માગે છે. પણ, મહોટી વયનાં લગ્ન પાશ્ચાત્ય પ્રમાણોને આધારે ન હોય તો તે અનિષ્ટ છે, દુષ્ટ આપણે વજર્ય છે. પાશ્ચાત્ય પ્રમાણોને આધારે ન હોય, તો તે આપણાં શાસ્ત્રોમાં છે જ તે માટે તે ઇષ્ટ છે અને આપણાં શાસ્ત્રોની ઉત્તમતા સિદ્ધ કરે છે, એક રીતે શાસ્ત્ર બહાર જવાની જરૂર નથી, માટે સુધારો અનિષ્ટ છે, એ સિદ્ધ થાય છે. ’સુધારો’ એ શબ્દથી હું ત્રાસ પામું છું. આખો દેશ ત્રાસ પામે છે. આખી પૃથ્વી ત્રાસ પામે છે, મનુષ્ય ત્રાસ પામે છે, દેવ ત્રાસ પામે છે, દાનવ ત્રાસ પામે છે, પશુઓ ત્રાસ પામે છે, પક્ષીઓ ત્રાસ પામે છે, વનસ્પતિઓ ત્રાસ પામે છે, એ ત્રાસનો સંહાર કરવા આજ આર્યસેના સજ્જ થઈ છે. ભટોએ અદ્ભુત પરાક્રમ દર્શાવ્યાં છે. પ્રત્યેક વીર પોતાના કૌશલથી પ્રસન્ન થયો છે. પ્રત્યેક પોતાની પ્રશંસાના ઉપાય શોધે છે. તે પ્રશંસાને તે પ્રત્યેક પાત્ર છે. આપણા આર્ય લોકોની સ્તુતિથી કોને લાભ ન થાય ? કોને લોકપ્રિયતા ન મળે ? લોકો અજ્ઞાન છે તેથી સ્તુતિ કરી તેમને પ્રસન્ન કરવા જોઈએ, તેમાં જ આપણું હિત છે. લોકો સત્ય ધર્મ સમજતા નથી. તેઓ જે ધર્મ હાલ પાળે છે, તેની પ્રશંસા કરવી જોઈએ કે સત્ય ધર્મ પર તેમની પ્રીતિ થાય. સત્ય ધર્મ તે આપણો વેદધર્મ. આ સભામાં બિરાજમાન થયેલો અને નહિ થયેલો પ્રત્યેક આર્ય એક અખંડિત ધર્મ, ભેદરહિત એક જ વેદધર્મ, અક્ષરશઃ ચાર વેદમાંનો ધર્મ પાળે છે તે જ સિદ્ધ કરે છે કે, આપણો ધર્મ સનાતન છે, સત્ય છે. એ સનાતન ધર્મમાંથી જ આપણી સર્વ અનુપમ રૂઢિઓ ઉદ્ભવી છે. અહા ! કેવી ઉદાર છે એ રૂઢિઓ ! એ જ રૂઢિઓએ બ્રાહ્મણને શ્રેષ્ઠ કરી, બીજા સર્વને અધમ, અજ્ઞાન, અધિકારરહિત, પરવશ, અનક્ષર કરી નાખ્યા છે. બ્રાહ્મણને રૂઢિનો લાભ વિદિત છે, એટલું જ નહિ, પણ રૂઢિને બ્રાહ્મણનો લાભ વિદિત છે. એ જ રૂઢિઓએ માત્ર ક્ષત્રિયને યુદ્ધમાં જનાર કરી પૂર્વકાળના યવનોના ઉત્પાત સામે વિગ્રહ કરી દેશરક્ષણ કરવા જતાં અન્ય જાતિઓને અટકાવી, તે સર્વના પ્રાણનું રક્ષણ કર્યું : રૂઢિને ક્ષત્રિયનું હિત વિદિત હતું અને રૂઢિએ પક્ષપાતી થતાં યવનોનું અહિત થવા ન દીધું. એ રૂઢિઓ વૈશ્યને વ્યાપારત્રસ્ત કરી પછી તેને પરદેશમાં વ્યાપારને મિષે દ્રવ્ય નાખી દેવા જતાં અટકાવી, તેના વ્યાપારને ઉત્તેજિત કર્યો. રૂઢિએ વૈશ્યનું હિત સાચવ્યું. સમુદ્રગમન નિષિદ્ધ કર્યું અને દેશને પણ અનંતકાલ સુધીનો લાભ કર્યો. એ જ રૂઢિઓએ શૂદ્રને અમુક ધંધા વંશપરંપરા સોંપી. લાભાલાભ પ્રમાણે સમયે સમયે ધંધા બદલવાના મોહમાંથી મુક્ત કર્યા-શૂદ્રોને ધનસંચયમાં નિઃસ્પૃહી કર્યા અને અર્થશાસ્ત્રનો નિયમ સ્થાપિત કર્યો. રૂઢિના ગુણ ગાવા વાણી સમર્થ નથી, જગતની ભાષાઓમાં તે માટે જોઇતા શબ્દ નથી, મનુષ્યની બુદ્ધિમાં તે સમજવાની શક્તિ નથી, ત્યારે આપણી આર્યરીતિ કેવી ઉત્તમ ! ભીતિ કેવી ઉત્તમ ! પ્રીતિ કેવી ઉત્તમ ! નીતિ કેવી કેવી ઉત્તમ ! જેમણે આ રીતિ, આ ભીતિ, આ પ્રીતિ, આ નીતિની રૂઢિઓ સ્થાપી તેમણે કેવો દીર્ઘ વિચાર કરી તે સ્થાપી હશે ! અહીં તે મંગળ સમયે આખા ભરતખંડમાંની સમસ્ત પ્રજાની કાશીમાં રૂઢિ બાંધવા કેવી મહોટી સભા મળી હશે ? શું તે સભાનું વર્ણન ! દેવોએ સમુદ્રમંથનમાંથી નીકળેલાં રત્ન જડી, તે સભાની શોભા અનુપમ કરી હશે. અપ્સરાઓએ તે સભાનાં મન રંજિત કર્યા હશે. બ્રાહ્મણોના મંત્રોચ્ચારે બ્રહ્માંડને પૂર્યમાણ કરી વસ્તુમાત્રને રહેવાના સ્થાનરહિત કરી તે સભામાં એકઠી કરી હશે. આર્યપ્રજાના હર્ષના ઊભરાથી સમુદ્ર ભરાઈ જઈ ગગન લગી જઈ પહોંચ્યો હશે. વિચાર કરતા બ્રાહ્મણોની ગંભીરતા જોઈ હિમાચળ લજ્જાયમાન થઈ પાતાળમાં ઊતરી ગયો હશે, સભાજનોના અનંત્યમાં પહોંચતા તર્કવેગ જોઈ કાળ નિરાશ થઈ ગતિ બંધ કરી પાછો ફર્યો હશે. બુદ્ધિબલનો પ્રભાવ જોઈ વાયુ ઈર્ષ્યાથી કોપાયમાન થઈ શક્તિ અજમાવવા તત્પર થયો હશે.-’
એવામાં એક સ્થળે શ્રોતાજનોમાં મારામારી થવાથી, બધા લોકો તે જોવા ઊઠ્યા. અમારી પાટલી પરના માણસો નીચે ઊતરી અગાડી વધ્યા. કઠેરા પર ઊભેલાના એક તરફના ભારથી પાટલી એકાએક ઊલળી પડી. ઊભેલા બધા ગબડી પડ્યા, ભદ્રંભદ્રની પાઘડી સૂર્યદેવનું દર્શન કરવા આકાશ ભણી ઊડી. પછી પૃથ્વીમાતા તરફ નીચે આવી. ભદ્રંભદ્ર પણ તે જ દિશામાં પ્રથમ પગ ઊંચા કરી, અધ્ધર ચક્કર ફરી જમીન ભણી દળી નીચે આવ્યા. તેમની ઉપર બીજા પડ્યા. ઊભેલા પડી જવા લાગ્યા. પડી ગયેલા ઊભા થવા લાગ્યા. મારી પણ એ જ વલે થઈ. કચરાયેલા બૂમો પાડવા લાગ્યા. નહિ કચરાયેલા તાળીઓ પાડવા લાગ્યા. પાસેના હસવા લાગ્યા, આઘેના ધસવા લાગ્યા. ભીડ વધી ને નીચે પડેલાને ઊભા થવું વધારે મુશ્કેલ થવા લાગ્યું. ભદ્રંભદ્રની ગતિ પરવશ થઈ. જીવનાશા ભંગોન્મુખ થઈ. પણ એવામાં શિવશંકરે આવી કેટલાકને લાત લગાવી, આઘા ખેંચી કહાડ્યા. રામશંકરે પડ્યા પડ્યા કેટલાકને બચકાં ભરી બૂમો પાડતાં અને મહામહેનતે છૂટવા મથતાં ઉઠાડ્યા.
મને સહેજ અને ભદ્રંભદ્રને વધારે વાગ્યું હતું તેથી અમને ઘેર લઈ ગયા. છૂંદાઈ જવાની બીક સમૂળગી ગયા પછી ભદ્રંભદ્રમાં હિંમત આવી. આશ્વાસનથી અને ઉપચારથી કંઈક તાજા થયા પછી તેમણે કહ્યું, ’હું લેશમાત્ર ગભરાયો નથી. રણમાં ઘવાયેલા યોદ્ધા વ્રણ માટે શોક કરતા નથી. પરાક્રમના ચિહ્ન ગણી તે માટે અભિમાન કરે છે. આર્યસેનાના નાયક થઈ સંગ્રામમાં અદ્ભુત શૌર્ય દર્શાવતાં હું દુષ્ટ શત્રુના છલથી અશ્વભ્રષ્ટ થયો છું, પણ તેથી પરાજય પામ્યો નથી. સેનાનો જય થયો છે. આર્યધર્મનો જય થયો છે, રૂઢિદેવીની કીર્તિ પ્રગટ થઈ છે.’
૭. જયયાત્રા
ભિક્ષામાહાત્મ્ય – ગોરક્ષા
બે-ત્રણ દિવસ આરામ લઈ, અમે પાછા નીકળ્યા. માધવબાગના દારુણ યુદ્ધમાં શત્રુદલનો સંહાર કરી નાખ્યા પછી કેટલેક ઠેકાણે છૂટક છૂટક છાવણીઓ અર હલ્લો કરવાની જરૂર હતી. અતુલ પ્રરાક્રમ કરી મેળવેલા મહોટા જય પછી લડાઈ જારી રાખ્યાથી અરિબલનો સમૂળ નાશ થશે એવી ભદ્રંભદ્રને ખાતરી હતી. જ્યાં જોઈએ ત્યાં માધવબાગ સભાની કીર્તિ ગવાઈ રહી હતી. વર્તમાનપત્રોમાં સભાના અદ્ભુત વર્ણનો છપાયાં જતાં હતાં. દસ હજાર આદમી સભાના પ્રયોજનને ખાસ લક્ષમાં લઈ કેવાં કામકાજ મૂકી એકઠા થયા હતા, સમસ્ત શ્રોતાજનો કેવા એકાગ્ર ચિત્તે અને રસપૂર્વક ધ્યાન દઈ રહ્યા હતા; વિદ્વાન વક્તાઓ કેવા અજય્ય પ્રમાણથી અને સુશોભિત શબ્દોથી આર્યમત સિદ્ધ કરી રહ્યાં હતા, સઘળા ઠરાવો આખી સભામાં કેવા એકમતે, એકસંપે એકબુદ્ધિએ મંજૂર થયા જતા હતાં; સભામાં ગંભીરતા, શાંતિ, ઉત્સાહ અને આગ્રહ કેવા પ્રસરી રહ્યાં હતાં; તેનાં નવાં નવાં વર્ણન વર્તમાનપત્રોના રિપોર્ટરો તરફથી આવ્યાં જતાં હતાં. બધાના હેવાલમાં એક અનુપમ બુદ્ધિશક્તિ, અદ્ભુતપ્રભાવ, તેજસ્વી મૂર્તિવાળા નવા નીકળી આવેલા વક્તાની અત્યંત સ્તુતિ થતી હતી. તેમના ભાષણના શબ્દેશબ્દનાં બેહદ વખાણ થતાં હતાં, પણ તેમના નામઠામ વિશે કંઈ ખબર કોઈને પડતી નહોતી. સર્વ કોઈ પૂછતા હતા કે એ કોણ છે અને એમનું નામ શું? ભદ્રંભદ્રનું અલૌકિક નામ મુંબઈમાં કોઈએ સાંભળ્યું હોય તેમ જણાતું નહોતું. તેમના પરાક્રમથી જ સર્વ ચકિત થઈ ગયા હતા. ભાષણ કરતાં કરતાં સભામાંથી તે એકાએક અદ્રશ્ય કેમ થઈ ગયા, તે બધાને નવાઈ જેવું લાગતું હતું. તે વિશે હજાર તર્કવિતર્ક બંધાતા હતા. કોઈ વર્તમાનપત્રવાળા કહે કે એમને જરૂરનો તાર આવ્યો તેથી એકદમ ચાલ્યા ગયા. કોઈ કહે કે એકાએક પ્રકૃતિ બગડી આવી તેથી ઊઠી ગયા. કોઈ કહે કે અમારા રિપોર્ટરને ખાસ ખબર મળી છે કે, એ મહપુરુષ એવા નિરાભિમાની છે કે સભા વેરાયા પછી કોઈ એમને મળવા આવે નહિ માટે જાણી જોઈને વચમાંથી જતા રહ્યા. કોઈ તો કહે કે એમણે અનેક દેવતાઓનું આવાહન કર્યાથી સર્વ એમના આમંત્રણને માન આપી, નીચે ઊતરી આવતા હતા, તેમાં પ્રથમ અગ્નિદેવ હતો. તેને જોઈ સામા તેડવા ગયા તેથી અદૃશ્ય થઈ ગયા. આ બધા હેવાલ વાંચી ભદ્રંભદ્રે કહ્યું, ‘જગતની માયા એવી છે કે જ્ઞાન-અજ્ઞાન તર્કના ખાડામાં સાથે લીન થઈ જાય છે. તર્ક કરવા એ જ ભૂલ છે. શાસ્ત્રથી જ સત્ય જણાય છે.’
ઘર બહાર નીકળી અમે થોડે ગયા, એટલે એક ગલીમાંથી કોઈ માણસને નીકળતો દીઠો. તેનો ચહેરો પૂરેપૂરો દેખાયો નહિ પણ તે હરજીવન હોય એમ લાગ્યું. તેની નજર અમારા તરફ પડી, પણ તેનું ધ્યાન હોય તેમ જણાયું નહિ; કેમ કે તે એકાએક આગાડી જઈ, બીજી ગલીમાં વળી ગયો. અમે તેને બૂમો પાડતા તેની પછવાડે દોડ્યા, એને કંઈ ઉતાવળનું કામ હશે, તેથી તે પણ દોડતો હતો. ગલીને બીજે છેડે નીકળી તે ક્યાં વળી ગયો તે અમારાથી દેખાયું નહિ, અમે બૂમો પાડતા દોડ્યા જતા હતા. એવામાં એક પોલીસના સિપાઈએ અમને અટકાવ્યા અને પૂછ્યું કે કોની પછવાડી આટલા બધા દોડો છો? અમે ખુલાસો કર્યાથી જવા દીધા અને કહ્યું કે ધાંધલ ના કરો. થોડે ગયા પછી એક ઓટલા પર એક આદમી બેઠો હતો, તેણે અમને હાથ કરી પાસે બોલાવ્યા અને પૂછ્યું, ‘કોને ખોળો છો?’
ભદ્રંભદ્રે હરજીવનનું નામ દીધું.
તે કહે, ‘અહો! પેલો નૈયાયિક અને ગણેશભક્ત! તે તો સાંભળ્યામાં કંઈ વડોદરે ગયેલા છે. ત્યાં પૂજાનો બહુ મહોટો સમારંભ કરવાનો છે. હજી અહીં આવ્યા નહિ હોય. તમારે એવા મહોટા માણસ જોડે ક્યાંથી પ્રસંગ પડ્યો?’
ભદ્રંભદ્રે હકીકત કહી અને કહ્યું, રૂપિયા કેમ પાછા મોકલવા એ વિશે એ ગૂંચવણમાં પડ્યા હશે.’
પેલાએ પૂછ્યું, ‘તમે પાછા ક્યારે જવાના છો?’
ભદ્રંભદ્ર કહે, ‘માધવબાગમાં આર્યસેનાનો સંપૂર્ણ જય થયો છે. એક સભામાં આપણો આર્યધર્મ સિદ્ધ થયો છે. પણ હું ધારું છું કે આ નગરમાં હજી ધર્મભ્રષ્ટ લોકો છે. તેઓ આપણા શત્રુઓ છે. તેમને હરાવ્યા વિના હું પાછો જવાનો નથી. હારેલું સૈન્ય ક્યાં જઈને ભરાયું છે, તે શોધી કાઢવાની આવશ્યકતા છે. તેમને વિદિત ન થઈ જાય એમ અમે ભાળ કહાડીએ છીએ. એમની છાવણી ક્યાં છે તે તમે જાણો છો?’
તેણે ઉત્તર દીધો, ‘ તમારા પહેલા શત્રુઓ તો મુંબાઈના ભિખારીઓ છે. એ બિલકુલ ધર્મ પાળતા નથી અને ગમે તેનું ખાય છે. આ તરફ એક સદાવ્રત પાસે તેમનો મહોટો જથ્થો પડેલો છે. એ લોકો કોઈને ગાંઠતા નથી. તેમના પર હુમલો કરો. પણ જોજો, એ લોકો તમારી પાસે આવશે તો માગવાને બહાને, પણ તમને એવા પજવશે! બતાવશે કે અમે તમારાથી બીતા નથી. પ્રથમ એમનો જય કરો. માધવબાગ સભામાં પત્તો ન ખાધો તેથી એ લોકો બહુ ગુસ્સે થયેલા છે. માટે સંભાળજો. ઊંચે જુઓ. આઘે એમનો વાવટો જણાય છે.’
ભદ્રંભદ્ર કહે, ‘પેલા છાપરા પર છે તે?’
‘ના, તેની અગાડી ઝાડ પર છે તે. તે તરફ જાઓ.’
એ લોકોને વાગ્યુદ્ધમાં હરાવવાનો નિશ્ચય કરી ભદ્રંભદ્ર તે તરફ ચાલ્યા. અમારા મનસૂબાની પહેલેથી કઈંક ખબર પડી ગઈ હોય એમ જણાયુ. કેમ કે કેટલાક ભિખારી અમને રસ્તામાં મળ્યા. ભદ્રંભદ્રે કહ્યું,’ ચાલો જોડે આવો. રસ્તામાં શું ઊભા છો? રણમાં ચાલો.’ એમ કહી જે ભિખારી મળ્યા, તેમને હાથ વડે અગાડી બોલાવ્યા. તેમાંના કેટલાક થોડે લગી અમારી જોડે આવી ચાલ્યા ગયા. કેટલાક તો અમારી જોડે ને જોડે જ પછાડી બૂમો પાડતા આવ્યા. કેટલક પોતાના ઘવાયેલા હાથપગ બહુ આગ્રહથી દેખાડવા લાગ્યા. કેટલાકે તો શરીર પર બાંધેલા પાટા છોડવા માંડ્યા, તેથી વાગ્યુદ્ધના વ્રણને અને આ વ્રણને કાંઈ સંબંધ હોય અને આવા વ્રણથી અમે જરા પણ ગભરાતા નથી એમ બતાવવાનો તેમનો હેતુ હોય એમ લાગ્યું. તેમનાથી પહેલા પહોંચવા અમે ઉતાવળા ચાલવા લાગ્યા. અમે પાછા ફરીને તેમની તરફ જોઈએ તેમ તેઓ વધારે ઉશ્કેરાય. તેઓ અમારી પછવાડે દોડવા લાગ્યા. કેટલાક અગાડી આવી અમને આંતરવા લગ્યા. કોઈ કહે, ‘એ જ ભિખારી છે, તે આપણને શું આપવાના હતા?’
ભદ્રંભદ્રે ઊભા રહી સર્વ તરફ જોઈ કહ્યું, ‘દુષ્ટો! એમ ન સમજશો કે હું તમારાથી છેતરાઈશ. તમારી સર્વ છલમય યુક્તિઓ હું જાણું છું. પૈસા આપવા હોય તો મારી પાસે નથી એમ નથી. જુઓ આ!’ એમ કહી ઓઢેલા ધોતિયાને છેડે બાંધેલા પૈસા કહાડવા ગયા તો ત્યાં કંઈ હતું જ નહિ. મારી તરફ જોઈ કહ્યું, ‘ઘેરથી લેવા ભૂલી ગયા હઈશું.’
મેં કહ્યું, ‘ના, આપણને રસ્તો બતાવ્યો તે આદમી મળ્યો તે પહેલાં મેં તમારા ધોતિયાને છેડે ગાંઠ જોઇ હતી. છેડો તો કપાઈ ગયેલો છે.’
ભદ્રંભદ્ર કહે, ‘વખતે માર્ગમાં કોઈ ઠેકાણે ધોતિયું ભરાઈને પૈસા બાંધેલો છેડો કપાઈ ગયો હશે.’
ભિખારીઓ કહે, ‘ત્યારે અમને બોલાવો છો શું કામ?’
ભદ્રંભદ્ર કહે, ‘દુષ્ટો! હું તમને સારી રીતે ઓળખું છું. તમે તમારી સેનાના ગુપ્ત સંદેશકો છો, અમારી વાત જાણવા છાનામાના આવ્યા છો. પણ હું છેતરાવાનો નથી, શૌર્ય હોય તો સ્પષ્ટ રીતે યુદ્ધ કરવા બહાર પડો. તમારું મથક છે ત્યાં ચાલો. પહેલો હું આરંભ કરીશ. તમે આર્યધર્મ, આર્યનીતિ, પુરાતન આચારવિચાર, એ સર્વથી વિમુખ કેમ થયા છો? તમારાં પ્રમાણ હોય તે લાવો. હું સર્વનું ખંડન કરી નાખવા સમર્થ છું.’
શત્રુની છાવણી પાસે આવતી ગઈ તેમ તેમનો જમાવ વધતો ગયો. તેઓ યુદ્ધ માટે સજ્જ થતા હતા એમ લાગતું હતું. કેટલાક આંધળા થઈ ચાલવાનો પ્રયોગ કરી જોતા હતા. કેટલાક વાગે નહિ તેમ જમીન પર માથું પટકતા હતા. કેટલાક આખાં લૂગડાં કમ્મરે બાંધી ફાટેલાં પહેરી લેતા હતા. કેટલાક શરીરના સાજા ભાગ પર પાટા વીંટાળતા હતા. કેટલાક પૈસા આપી, બીજા ભિખારી પાસેથી બરફી ને ભજિયાં વેચાતાં લેતા હતા. કેટલાક માગી એકઠાં કરેલાં લૂગડાં વેચતા હતા. કેટલાક અમુક અમુક મહોલ્લામાંની કમાણી વિષે ચર્ચા કરતા હતા. તેમની આ વિવિધ યુક્તિઓ જોઈ, ભદ્રંભદ્રને શક ગયો કે એ લોકો પોતાની ખરી યોજનાઓ છુપાવવા આ પ્રયોગ કરે છે. હાંલ્લામાં દાળ અને લૂગડામાં વિવિધ વાનીઓ લઈ એક ભિખારીકુટુંબ ખાવા બેઠું હતું. તેનો વડીલ, છોકરાને કહેતો હતો કે ‘નવ વાગે ને રોજ પેલી પારસી શેઠાણીના ઘર આગળ જવું. એકાદ જણ લંગડો થઈ ચાલજો અને આપે તે થોડું ઝટપટ ખાઈ જજો એટલે બીજું બહુ આપશે. ગાડી આવતી-જતી ન હોય તો ભૂખે પડી જજો. બબરચી પણ બહુ સારો છે!’
ભદ્રંભદ્રે એકાએક બોલી ઊઠ્યા. ‘પાપી લોકો! તમે યવનોનું અન્ન પ્રાશન કરો છો. ધર્મભ્રષ્ટ થાઓ છો. આર્ય રૂઢિઓનું ઉલ્લંઘન કરો છો. ભ્રષ્ટાચારમાં મગ્ન રહો છો. નાતજાતના પૂછ્યા વિના ભિક્ષા સ્વીકારો છો. પરનાતિયો સાથે વ્યવહાર કરો છો. વર્ણાશ્રમનો ધર્મ પાળતા નથી, તમારી પાસે કંઈ શાસ્ત્રાધાર છે? વેદવાક્ય બતાવી શકો છો? સ્મૃતિપુરાણમાંથી દૃષ્ટાંત આપી શકો છો? અને સ્મૃતિનો આધાર હોય તો કઈ સ્મૃતિ છે. તે પ્રથમ કહો. વેદ વિરુદ્ધ અર્થ કરશો ત્યાં હું આધુનિક કોશના અર્થ સ્વીકારવાનો નથી, શબ્દ પ્રમાણથી ઈતર પ્રમાણ હોય તો તે લાવતાં વિચાર કરજો. તર્કને મહત્ત્વ આપશો તો મૂઢ ગણાશો. તમારે કયો વાદ ઈષ્ટ છે, વિવર્ત, પરિણામ કે પ્રધાન તે વિદિત કરવો એ તમારું કર્તવ્ય છે. વિવાદ કરવો એ કંઈ સહજ નથી. મેં વાગ્યુદ્ધમાં દિગ્વિજય મેળવ્યો છે. ઇષ્ટ મત સર્વત્ર સિદ્ધ કર્યાનો સંતોષ અનુભવું છું. કહી દો, દુષ્ટો! તમારે વિગ્રહ કરવો છે કે શરણે આવવું છે?’
આ ક્રોધાયુક્ત વચનોથી ભિખારીઓમાં ઝાઝો ક્ષોભ થયો હોય એમ લાગ્યું નહિ. મુંબઈના બીજા શ્રોતાજનોની પેઠે તેમનું ટોળું ભરાયું નહિ. રસ્તે જતાં-અવતાં પાઈ પૈસા ફેંકનારા લોકોની તરફ એમનો વધારે સમૂહ આકર્ષાતો હતો. ભદ્રંભદ્રના ભાષણથી તેઓ બહુ ચકિત થયા હોય એમ જણાયું નહિ. જેને ભદ્રંભદ્રે સખત ઠપકો આપ્યો, તે કંઈ કહેવા જતો હતો, પણ પાસે બેઠેલા ભિખારીએ તેને કહ્યું, ‘એ તો સદાવ્રતનો નવો ભૈયો છે.’ તેથી કંઈ બોલ્યા વિના તે અમારી તરફ પીઠ કરીને બેઠો. આ બેદરકારીથી ભદ્રંભદ્રનો ક્રોધ બમણો વધ્યો. એમણે તો ધાર્યું હતું કે આ ઉપાલમ્ભથી તે એકદમ વાગ્યુદ્ધમાં ઊતરી પડશે અને પ્રથમ વ્યાકરણના પ્રશ્ન પૂછી એકદમ એને માત કરી દઈશ. નિરાશાથી ખિન્ન ન થતાં અમે શત્રુદળમાં અગાડી વધ્યા. કેટલાકનું ધ્યાન ખેંચાયું. તેમણે. ‘શેઠ, શેઠ,’ કહી હાથ ધર્યા. કેટલાકે તો સૂતાંસૂતાં જ પૈસો નાખવા પાથરેલું લૂગડું બતાવ્યું. તેમની આ મન્દતા અમને ઠગવાનો ઢોંગ હતો એમ માલમ પડ્યું. સદાવ્રતના બારણાં જેવા ઊઘડ્યાં કે સર્વ ભિખારીઓ તે તરફ એકદમ ધસ્યા. કેટલાક ગુંસાઈ તો પહેલેથી બારણા આગળ ઊભેલા હતા. પછાડીથી ધસતા ભિખારીઓની ભીડમાં ભદ્રંભદ્ર અને હું પણ તે તરફ ઘસડાયા. ચારે તરફથી ઘેરી લઈ છળથી આ મુજબ ઘસારો કરવાની શત્રુઓની યુક્તિ જોઈ ભદ્રંભદ્રે બૂમ પાડી કહ્યું, ‘દુષ્ટો! છળથી મને ઘેરી લેશો, પણ વાગ્યુદ્ધમાં કેમ જય પામશો? મારી બુદ્ધિ કશાથી ડગે એમ નથી.’ કોઈ સાંભળવા થોભે એમ નહોતું. સદાવ્રતના બારણાં આગળ બહુ પડાપડી થઈ. અમને અગાડી ધકેલાતા અટકાવવા સારુ કેટલાક અમારાં લૂગડાં ખેંચવા લાગ્યા. કેટલાક અમારા ખભા પરથી હાથ લાંબા કરવા લાગ્યા, કેટલાક દાણા લઈ પાછા વળતાં અમને હડસેલવા લાગ્યા. પ્રમાણની નિર્બળતાને લીધે આમ શત્રુઓએ કરેલી શારીરિક પીડથી ભદ્રંભદ્ર અકળાયા નહિ, પણ અથડાતા-કૂટાતા બારણા આગળ આવી પહોંચ્યા કે તરત ઉપર ચઢી ગયા. સદાવ્રતના મુખ્ય નોકરને ઘેર મોકલાતી સીધા-સામાનનએએ થાળી ખેંચવા કોઈ ધસ્યું છે, એમ જાણી બારણા ઉપર ઊભેલા આદમીએ ભદ્રંભદ્રને ધક્કો લગાવી નીચે પાડ્યા. પણ નીચે ઊભેલા ટોળાના સબળ આગ્રહથી ભદ્રંભદ્ર પાછા ઉપર આવ્યા. આ હઠ વધારે પહોંચત પણ મેં બૂમ પાડી કહ્યું ‘ આ સત્પુરુષ તો ગૃહસ્થ છે, ભિખારી નથી.’ તેથી ભદ્રંભદ્રને બારણાં પર ટાકવા દીધા.
હાંફતા, કંઈક નરમ પડી લોભરહિત ચેષ્ટા કરી ભદ્રંભદ્રે પોતાની નિસ્પૃહા સિદ્ધ કરી અન્નાદિ વહેંચનારને સંશયમુક્ત કર્યો. મહોટા ટોળાને બોધ કરવાનો આ બહુ સારો લાગ છે, એમ જાણી ભદ્રંભદ્રે ભાષણ કરવા માંડ્યું. મારા વચનથી ભીડમાં હડસેલાતા બચ્યા હતા. તે મહાપુરુષની માફક લોભરહિત સ્મરણ કરી મારા પર સહેજ અપ્રસન્ન દૃષ્ટિ કરી બોલ્યા:
‘અંબારામ! તેં મને સત્પુરુષ જણાવી ભિખારીથી જુદો પાડી ગૃહસ્થ કહ્યો તે યથાયોગ્ય નથી કર્યું. ગૃહસ્થ પેઠે ભિખારીઓ પણ શ્રેષ્ઠ વર્ણના હોય તો સત્પુરુષ હોઈ શકે છે. બ્રાહ્મણને તો ભિખારી હોવું એમાં કૈ શોભા છે. ભીખ માગવી એ જ બ્રાહ્મણનો ધર્મ છે. એ લક્ષણથી આ કલિયુગમાં બ્રાહ્મણ ઓળખાય છે. તે જ માટે આ સર્વ મંડળને મારે ચેતવણી આપવાની છે કે ભીખ માગવી એ તો માત્ર બ્રાહ્મણનો જ અધિકાર છે બીજા વર્ણના માણસો ભીખ માગી બ્રાહ્મણ થવા પ્રયત્ન કરી જન્મથી આવેલો શાસ્ત્રોક્ત જાતિભેદ ઉલ્લંધી પાપમાં પડે છે. હે દુષ્ટો! તમને કોણે ભીખ માગવાની રજા આપી? વર્ણાશ્રમના ધર્મનો અતિક્રમ તમને કોણે શીખવ્યો? તમે શું એમ સમજો છો કે ભીખ માગવી, એ બહુ હલકું કામ છે, માટે આપણને કોઈ પૂછશે નહિ? પાશ્ચાત્યવિદ્યામાં જડવાદીઓના મોહમય અર્થશાસ્ત્રમાં કદી એવી ભ્રમિત કલ્પના હશે કે ભીખ માગવી એ હલકું કામ છે. પણ આપણાં આર્યશાસ્ત્રોની વ્યવસ્થા જુદા જ દૃષ્ટિબિંદુ પર છે. આપણાં શાસ્ત્રોએ તો ભિખારીઓને જ ઉત્તમ કહ્યા છે. ભિખારીઓને જ ભુદેવ કર્યા છે. સકળ મનુષ્યજાતિમાં શ્રેષ્ઠ વર્ણને ભીખ માગવાનું સોંપ્યું છે. એ જ સિદ્ધ કરે છે કે આપણાં શાસ્ત્રો અનુપમ છે. તો મૂર્ખો! પાશ્ચાત્ય કેળવણીના મોહથી લોભાઈ તમે ભ્રમિત માર્ગે કેમ ચઢ્યાં અને ઉત્તમ વર્ણનો ધર્મ કેમ શાસ્ત્રાજ્ઞાવિરુદ્ધ લઈ બેઠા? ભીખ માગવાથી આલસ્ય વધે છે, બુદ્ધિમાનની વૃત્તિ ઉદ્યમ કરવામાં શિથિલ થાય છે, ઉદ્યમીના શ્રમનું ફળ નિરુદ્યમી ખાઈ જાય છે, વિદ્યાભ્યાસની ઇચ્છા ઓછી થાય છે, આવા આવા દુષ્ટ પાશ્ચાત્ય વિચારો શું તમે સત્ય માની બેઠા છો? શું હાલ ચાલે છે તે બધું બરાબર નથી કે બ્રાહ્મણોની હાલની વૃત્તિ શાસ્ત્ર-વિરુદ્ધ હોઈ શકે કે અયોગ્ય હોઈ શકે? પાશ્ચાત્ય લેખકોમાં પણ જેમને સત્યનું કંઈક જ્ઞાન આર્યદેશથી મળ્યું છે તેઓ તો ભિખારીના ધંધાથી ઉત્તમતા જડશાસ્ત્રનાં પ્રમાણોથી સિદ્ધ કરે છે. જુઓ જગતપ્રસિદ્ધ પંડિતશિરોમણિ ફેડ્રીજેકીડર – જે નામ અબાલવૃદ્ધ મનુષ્યમાત્રને જાણીતું છતાં અજ્ઞાન સુધારાવાળાઓને આશ્ચર્યથી ચકિત કરે છે કે, તે લખે છે કે, “મનુષ્ય દેહમાંથી ઝરતો પ્રાણવાયુ સવેગ થઈ વાતાવરણને ઉષ્ણ કરી દે છે માટે ભિખારી દીન સ્વરથી તે વેગ મંદ પડતા કંઈક શીતતા થાય છે, નહિ તો પૃથ્વીમાં રહેવાય પણ નહિ. વળી બ્રાહ્મણથી ઈતર જાતિઓના દીનસ્વરની ગતિ વક્ર થાય છે, તેથી ભૂમધ્યરેખા સાથે કાટખૂણો થતો નથી અને તેથી પ્રાણવાયુનો વેગ મંદ પડતાં સમૂળગો અટકી જાય, તેથી હિંદુ શાસ્ત્રકારોએ બ્રાહ્મણને જ માગવાનો અધિકાર આપ્યો છે.” આ સિદ્ધ કરે છે કે આપણા શાસ્ત્રકારોએ એમના સમયમાં ન જણાયેલા ગતિના નિયમો લક્ષમાં લઈ આજ્ઞાઓ કરી છે, માટે તેઓ ત્રિકાળજ્ઞાની હતા એમાં કંઈ શક રહેતો નથી. અજ્ઞાન સુધારવાળાઓ જ આ શાસ્ત્રાજ્ઞાને વહેમ કહે છે અને વહેમ હોય તોપણ ભીખ માગવાથી લાભ થતો હોય તો તે શા કામ માટે મૂકી દેવું? તો શું પતિતજનો, તમે સુધારાના મોહમાં પડ્યા છો કે ભીખ માગવા માંડી છે? બ્રાહ્મણોને અપાતી ભીખમાંથી ઓછું કરો છો, એ પાપની તમને વિસ્મૃતિ થાય? ભીખ માગી જગતનું વાતાવરણ બગાડી નાખો છો તે તમને છતી આંખે સૂઝતું નથી? તમારે હાથે એ કામ કેવું હલકું થઈ ગયું છે, તેનું એક દ્રષ્ટાંત મેં હમણાં જ જોયું. તમારામાંનો એક ભિખારી-શાસ્ત્રાનુસાર ભિખારી નહિ પણ ભિખારીના વેષધારી યવનનું અન્ન ગ્રહણ કરે છે. જ્યાં લગી ભીખ માગવાનો ધંધો એકલા બ્રાહ્મણને હાથ હતો, ત્યાં લગી કદી આવી ભ્રષ્ટતા જોવામાં આવતી નહોતી. ભિખારીના ગુણકર્મમાં જાતિ પ્રમાણે ભેદ પડે એ આશ્ચર્યકારક લાગશે, પણ એમાં જ આર્યવ્યવસ્થાનું ડહાપણ છે. આર્યસંસ્કારમાં ઊછરેલો બ્રાહ્મણ માંસ-મદિરાના સ્વીકાર માટે પાશ્ચાત્ય રૂઢિનું નહિ પણ આર્યદેશમાં ઉત્પન્ન થયેલા શક્તિમાર્ગનું પ્રમાણ બતાવશે, હાલ શું નઠારું કહેવાય છે તેની અવગણના કરશે અને અસલી રૂઢિ પ્રમાણે ન્યાયાસને બેસી દ્રવ્યદાનના અસ્વીકાર વડે લોકોને ખોટું નહિ લગાડે; મૂઢ દ્વૈતવાદીના નીતિ-અનીતિના મિથ્યા ભેદમાં શ્રીકૃષ્ણથી ડાહ્યા થવાની ધૃષ્ટતા નહિ કરે; ખૂન કરનાર પર લોકોનો દ્વેષ, અમર આત્મા મરતો નથી એ બ્રહ્મજ્ઞાન વડે ભ્રમિત જાણી વ્યવહારદ્રષ્ટિએ ખૂની કહેવાતાનો નાતમાં અને પંક્તિમાં સ્વીકાર કરશે. પણ પરનાતિનું અને યવનનું અન્ન તો કદી પ્રાશન નહિ કરે અને પ્રાશન કરનારનો સંસર્ગ પણ નહિ કરે. આર્યસંસારનું એ મહત્ત્વ છે. તર્કગામી પાશ્ચાત્ય બુદ્ધિથી તેનું રહસ્ય સમજાય તેમ નથી. પણ હે ભ્રષ્ટજનો! તમે એ આર્યસંસ્કારરહિત હોવાથી તે અનુસાર ઉત્પન્ન થયેલી રૂઢિનું હાર્દ સમજતા નથી. ભોજનવ્યવહારમાં શાસ્ત્રનું પ્રમાણ માગવું એ જ અનાર્યત્વ છે. આડંબરમિશ્ર નામે એક આર્ય કહે છે કે જેમ લાંચ લેવી એવું શાસ્ત્રમાં પ્રમાણ નથી તેમ પરનાતિનું અન્ન ન ખાવું એવું શાસ્ત્રમાં પ્રમાણ નથી તે છતાં તે ખાવાનો અધિકાર નથી. આવાં શાસ્ત્રરહસ્ય તમે શૂદ્રો સમજી શકો નહિ. કર્તવ્ય-અકર્તવ્યનો ભેદ કરી શકો નહિ, પરમાર્થ દ્રષ્ટિએ કર્ત્વય-અકર્તવ્યનો અભેદ જાણી શકો નહિ, માટે શાસ્ત્રોએ ભીખ માગવાનું કામ તીક્ષ્ણ બુદ્ધિના બ્રાહ્મણોને સોંપ્યું છે. કેટલાક અર્ધદગ્ધ સુધારાવાળા કહે છે કે, “બીજાં કામ છોડી જ્ઞાન સંપ્રાપ્ત કરનાર અને લોકોને બોધ દેનાર વર્ગને આજીવિકાનાં સાધન બીજા વ્યવહારી જનો પૂરાં પાડે એ તો ઠીક છે. પણ હાલના કાળમાં બ્રાહ્મણો મૂર્ખ અનક્ષર છે તેમનું શા માટે બીજા લોકો પોષણ કરે?” આર્યવ્યવસ્થાનું રહસ્ય ન સમજવાથી આવી દુષ્ટ શંકાઓ થાય છે. બ્રાહ્મણોના ભીખ માગવાથી થતો એક લાભ તો ઉપર જડશસ્ત્રબુદ્ધિને આધારે બતાવ્યો છે. આધ્યાત્મશાસ્ત્રાદિએ લાભ એ છે કે લોકો પોતાનું દ્રવ્ય બ્રાહ્મણોને આપતાં શીખે, એ અભ્યાસ તે ‘આ મારું અને આ પોતાનું’ એ માયાના નાશનું પહેલું પગથિયું છે. આ રીતે બ્રાહ્મણો લોકોને બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરાવવા ભીખનો ધંધો કરે છે એટલે શાસ્ત્રનો ઉદ્દેશ સચવાય છે. સક્ષરતા – અનક્ષરત્વ એ સર્વ અપ્રસ્તુત પ્રલાપ છે. વળી સુધારાવાળાઓ કહે છે કે ભિખારી બ્રાહ્મણો તો પ્રેતાન્ન જમી પિશાચ સમ થાય છે. હવે આ સુધારાવાળા જાણતા નથી કે આ શાસ્ત્રવચનનો અર્થ એવો છે કે બ્રાહ્મણો એટલા માટે હાથે કરી પિશાચ થાય છે કે પિશાચવર્ગમાં બીજા બધા પોતાનું કામ છોડી દે એટલે પછી જેમ વિલાયતમાં ભંગિયા પણ સાહેબલોક તેમ પિશાચ પણ બ્રાહ્મણ હોવાથી એ વર્ગમાં પણ ભક્ષ્યાભક્ષ્યનો ભેદ સચવાય માટે આવા સર્વકાર્યકુશળ ભિખારીઓને આર્યસંસારમાં શ્રેષ્ઠ ગણ્યા છે કે તેમના રાજ્યથી પ્રજામાં ઉદારતા, વિદ્વતા, ઉદ્યોગ, શૌર્ય આદિ મહાગુણો પ્રસરતા. નેશનલ કૉંગ્રેસ, બ્રાહમણ વિના બીજા કોઈને ભીખ માગવા ન દે એ સાધવાનું માથે લે તો બધા અનર્થ અટકે અને શાસ્ત્રાનુસાર ભિખારીઓ સર્વોપરી થાય તો પાર્લમેન્ટની પણ જરૂર ન પડે. માટે દુષ્ટો, શાસ્ત્રાજ્ઞા પાળો, વર્ણાશ્રમનો અતિક્રમ બંધ કરો, દેશનું હિત સમજો અને બ્રાહ્મણોના ભીખ માગવાના કામમાં વચ્ચે ન આવો.’
આ લાંબુ ભાષણ સર્વ શ્રોતાજનો સાંભળી રહ્યા. સ્વસ્થ રહી સાંભળવામાં મજા છે એમ જાણી કેટલાક તો આઘા જઈ પોતાની જગામાં પડ્યા. કેટલાકને તો એટલો રસ પડ્યો કે આસપાસ ભ્રમતા પોતાના બંધુઓને સાંભળવા બોલાવવા નીકળી પડ્યા અને કેટલાક એક જણ હાથમાં ભદ્રંભદ્રના માથા પર પછાડીથી મુઠ્ઠીમાં ચોખા ધરી રહ્યો હતો તેની લાલચ ભૂલી જઈ તેની સામું જોતા સ્તબ્ધ થઈ ઊભા. સદાવ્રતના માણસો પર ભાષણની અસર વધારે થઈ હોય તેમ જણાયું; કેમ કે તેમણે ભદ્રંભદ્રને બહુ આગ્રહ કરી સીધું આપ્યું. ‘સુધારાવાળાની પેઠે કહેવું કંઈ અને કરવું કંઈ એ મારો માર્ગ નથી. મારા ભાષણને અનુસરી બ્રાહ્મણ છું માટે મારે ભિક્ષા લેવી જોઈએ.’ એમ કહી ભદ્રંભદ્રે મને સીધું બાંધી લેવા કહ્યું. આ યુદ્ધનો જય તત્કાળ પ્રસિદ્ધ થયો. અમે સદાવ્રત છોડી અગાડી ચાલ્યા પણ કોઈ ભિખારી અમારી પછાડી ન આવ્યો. ‘શેઠ, શેઠ’ કહી પજવવાનું સર્વ કોઈએ મૂકી દીધું. ભીખ માગવાનો આપણો અધિકાર નથી એ વાત સર્વએ સ્વીકારેલી જણાઈ.
જયપ્રવૃત્તિ ચાલુ રાખવા અમે બીજું શત્રુદળ ખોળવા નીકળ્યા. થોડે ગયા એટલે એક મારવાડીને પોતાની દુકાન આગળથી એક ગાયને હાંકી કહાડતો જોયો. આ પાપાચાર જોઈ ભદ્રંભદ્રને બહુ ક્રોધ ચડ્યો. મારવાડી તરફ તે જોરથી ધસ્યો અને દુકાને બીજા મારવાડીને બેઠેલા ન દીઠા હોત તો તે વખતે તેના પર પ્રહાર કરત; તોપણ હિંમત ન ખોતા ભદ્રંભદ્રે ક્રોધથી પૂછ્યું:
‘પાપી ! પૂજનીય ગોમાતાને વ્યથા કરવા તું કેમ તત્પર થયો છે? પવિત્ર ગોનું રક્ષણ કરવાને બદલે તું તેને બાધા કયા શાસ્ત્રાધારે કરે છે? શા પ્રમાણબળે તું તેની અવમાનના કરે છે?’
મારવાડે પૂરેપૂરું સમજ્યો નહિ, પણ ગાયનું નામ સાંભળી અને તે તરફ ભદ્રંભદ્રની દૃષ્ટિ જોઈ બોલ્યો, ‘ઝા, ઝા, દુકાનમાંથી સણા ખાઈ જાયસે ને સોકરાને સીંગડું મારેસે તેને હાંકે તે થારા સું લીયો?’
ભદ્રંભદ્રે ઉત્તર દીધો, ‘દુષ્ટ, આપણા એવાં સદ્ભાગ્ય ક્યાંથી કે વણબોલાવ્યે આવીને ગાય આપણું ધાન્ય ખાય અને આપણી પુણ્ય ઈચ્છા થતાં પહેલાં જ આપણને શીર્ષથી સ્પર્શ કરી જાય? તું શું આર્ય નથી કે ગાયમાતાની શાસ્ત્રોક્ત પવિત્રતા તને કહી બતાવવી પડે? તને વિદિત નથી કે ગાયની હિંસા કરનાર ને મનુષ્યહિંસા કરનાર થી ભારે દંડ કરવો એવો આર્યોનો મત છે? શું તારા દુષ્ટ કર્ણ પર આ વાત આવી નથી કે ગાયોને પીડા થતી જોતાં છતાં ટકી રહેલી આ અધમ કાયા ગાયના મલ જેટલી પણ ગણનાને પાત્ર નથી. તેથી ગાયનું શીંગડું વાગ્યે મૃત્યુ પામવું એ પુરુષાર્થ કાશીમાંય પ્રાપ્ત નથી થતો? શું તને એટલું પણ ભાન નથી કે ગાયો તારી દુકાનેથી ધાન્યાદિ ખાઈ પુષ્ટ થશે તો ભરતખંડની સમૃદ્ધિ અમર્યાદ વધી જશે? એક ગાયના દૂધથી એક દિવસમાં બે મનુષ્યનું પેટ ભરાય તેથી એક વર્ષમાં ૭૩૦ આદમીનું પોષણ થાય એ હિસાબે આખી ૪૦ કરોડ માણસની વસ્તીનું ભરણપોષણ ચાર કે પાંચ લાખ ગાયોથી થઈ શકે. આટલી ગાયોનું રક્ષણ થાય તો માણસોને બીજા કશાની જરૂર ન પડે; કેમ કે સહુ પેટ માટે મહેનત કરે છે. ખેતીની જરૂરત ન રહે; ખેતરો, જંગલો સર્વ ભૂમિ ઘર બાંધવામાં કામ લાગે. વરસાદની તાણથી કદી દુકાળ ન પડે. દેશનું બધું દ્રવ્ય બ્રહ્મભોજન, વ્યાપારાદિ અનેક સુમાર્ગે વાપરી શકાય. સરકારને પણ એથી બહુ લાભ છે; કેમકે લોકો સરકારને જોઈને તેટલા કર આપી શકે. માટે પાર્લમેન્ટ અને નેશનલ કૉંગ્રેસની વાતો મૂકી દઈ ગોરક્ષામાં સર્વ હિત સમાયેલું છે તે સમજવું જોઈએ. કોઈ કહેશે કે અમે તો ભેંસનું દૂધ ખાઈ પુષ્ટિ પામીએ છીએ પણ આ વાત અનુભવથી વિરુદ્ધ છે; કેમકે ઘોડાઓ ગાયનું દૂધ પી ઘણા જાડા થાય છે એમ જોવામાં આવ્યું છે.’
છટાદાર ભાષણ સાંભળવાના લોભે માણસોનો કંઈક જમાવ થવા લાગ્યો અને સર્વની વૃત્તિ સ્વસ્થ જોઈ ભદ્રંભદ્ર વધારે ઉશ્કેરાતા ગયા. દુકાન આગળ ટોળું મળવાથી ઘરાક ચાલ્યા જશે એમ જાણી ભેગા થનાર લોકોને મારવાડી ગાળો દેતો હતો. ભદ્રંભદ્ર અને મારવાડી બંને સાથે બૂમો પાડી બોલતા હતા તેથી શાસ્ત્રીઓની સભામાં એક બાજુએ વાદવિવાદ મચી રહ્યો એમ લાગતું હતું. ગાય તો ભદ્રંભદ્રનું ભાષણ થતાં ચાલી ગઈ હતી. પ્રત્યક્ષ દર્શનથી દયા ઉપજાવી ભાષણની અસર સબળ કરવા ભદ્રંભદ્રે રસ્તે જતા એક ખટારાવાળાને ઊભો રાખ્યો અને તેના બળદ તરફ આંગળી કરી મારવાડીને કહ્યું:
‘નરાધમ, પ્રમાણબળને અભાવે તું વિહ્વલ થયેલો છે, પણ હજી તારામાં દયાભાવ ઉત્પન્ન થતો નથી, માટે પવિત્ર ગોમાતાના આ ચિરંજીવી પવિત્ર પુત્ર બલિવર્દનું તારે સાંત્વન કરવું યોગ્ય છે. દિલીપે કામધેનુનો શાપ ઉતારવા તેની પુત્રીની આરાધના કરી હતી તેમ તારે પણ તારા વડે અપમાનિત ગોમાતાનો કોપ શમાવવા આ ચિરંજીવ ગોપુત્રની સેવા કરવી જોઈએ. તું એમ ન સમજીશ કે આ બળદ ભારવહનનું કામ કરે છે, માટે તેની ગણના હલકી છે. આ ગાડામાં માટી ભરેલી છે. તે કોઈ ઠેકાણે પાથરવામાં આવશે. તેથી તે સ્થળે ચાલનારા મનુષ્યોના પગને ભૂમિ પોચી લાગતાં તેઓ પ્રસન્ન થઈ વિચારમાં મગ્ન થશે. એમ વિચાર કરવાના પ્રસંગથી અનેક વાર વિચાર કરવાનો તેમને અભ્યાસ પડશે. તેમને વિચાર કરતા દેખી તેમની આસપાસના મનુષ્યોને વિચાર કરવાનું મન થશે અને એમ થોડાં સમયમાં આખા ભરતખંડની પ્રજાની વિચારશક્તિ વધી જશે. વળી આ ગાડામાંની માટી પથરાઈ હશે ત્યાં તે પરથી જનારા ઘોડા, બળદ આદિ પશુઓને પગે કાંકરા ન ખૂંચતા ઘા ઓછા પડશે. તેથી પશુઓના ધણીઓને તે પશુઓના સંબંધમાં ઓછા પૈસા વાપરવા પડશે, તેથી દેશમાં પશુઓ પાળનારની સંખ્યા વધશે અને ગાડી-ગાડાં વધારે વપરાશે. એથી લાકડાંની ખપત વધારે થશે અને વધારે ઝાડ ઉગાડવામાં આવશે. વધારે ઝાડ ઊગ્યાથી આખા દેશની હવા સુધરશે, આવા આવા અનેક લાભ આ બળદના આજના પરિશ્રમથી ફલિત થશે અને સર્વ માટે આ બળદની જનની ગોમાતાનો ભારત ભૂમિ ઉપર ઉપકાર થશે, આ પ્રમાણોથી સિદ્ધ થાય છે. અરે, જ્ઞાનીઓની દૃષ્ટિમાં તો અનાદિ-કાળથી સિદ્ધ થઈ ચૂક્યું છે – કે આ બળદ પૂજ્ય છે, સેવ્ય છે, ઉપાસ્ય છે. માટે, ચાલ, સત્વર પૂજાનો આરંભ કર.’
ક્રોધ અને આશ્ચર્યથી વ્યાકુળ થયેલા મારવાડીને ભદ્રંભદ્ર બળદ તરફ ખેંચવા જતા હતા. પણ અસ્પૃશ્ય રહેવાનો મારવાડીનો વિશેષ આગ્રહ હતો અને એ દુરાગ્રહના મોહે તે બળ વાપરવાને પણ તૈયાર હતો. તેથી વાગ્બાણથી વિશેષ જોર અજમાવવાનું ભદ્રંભદ્રને દુરસ્ત લાગ્યું નહિ. ગાડાવાળો વધારે થોભવાને રાજી નહોતો અને મારવાડી પોલીસને બોલાવવાની બીક બતાવતો હતો. તેથી અમે પણ વધારે રોકાવાને રાજી નહોતા. લોકો ભાષણ સાંભળવાને રાજી હતા. તેથી ગાડામાં ઊભા રહી ગાડું ચાલતું જાય તેમ પાછળ આવતા લોકોના સમૂહને ભાષણ આપ્યા જવું એમ ભદ્રંભદ્રની ઈચ્છા હતી અને તે માટે ગાડાવાળાને પૈસા આપવા માંડ્યા પણ ના કહી તે ચાલતો થયો.
મારવાડી જરા પણ ઉત્તર આપી શક્યો નહિ અને ગાયને પ્રહાર કરતો હતો તેને બદલે હવે બળદ તરફ ખેંચાઈને પણ તેને સ્પર્શ કરવા ચાહતો નહોતો તેથી અહીં પણ જય થયો માની લઈ, અમે કંઈક આરામ લેવા ઘર તરફ પાછા ફર્યા.
૮. હરજીવન અને શિવભક્ત
રસ્તામાં એક રેંકડાવાળો પોતાને બેસવાની જગાએ ઊભો રહી ‘બબ્બે દોડીઆં ભૂલેસર’ની જાહેરખબર પ્રસિદ્ધ કરતો હતો. રેંકડામાં એક આદમી બેઠેલો હતો. તપાસ કરતાં જણાયું કે બે પૈસામાં દરેક જણને ભૂલેસર સમીપ લઈ જવાને રેંકડાવાળો રાજી હતો અને ચાર આદમી થાય ત્યાં સુધી વાટ જોતો હતો. સોંઘું ભાડું જોઈ અમે પણ બેસવાનું નક્કી કર્યું. એક તરફ પૈડાં પાસેના વાંસ પર પગ મૂકી ભદ્રંભદ્ર ચઢવા જતા હતા, પણ એમના પવિત્ર શરીરનો સ્પર્શ કરવાની એકાએક ઈચ્છા થઈ આવ્યાથી બળદે પાછલો પગ ઊંચો કરી વેગ સહિત ભદ્રંભદ્રના ઢીંચણ પર પ્રહારો કર્યા અને ભદ્રંભદ્ર બળદના પગ અગાડી સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરી પડ્યા. રેંકડાવાળો ખીજી કહેવા લાગ્યો કે ‘બળદ મારે છે તે જાણતા નથી ? ઘડી ઘડી તે કેટલાકને કહીએ ?’ રેંકડામાં બેઠેલો આદમી ગાડીવાળાને કહે કે ‘આને બહુ વાગ્યું હોય તો બીજા બેસનારાને બોલાવ. ક્યાં લગી ખોટી કરીશ ?’ હું ભદ્રંભદ્રને હાથ પકડી ઉઠાડતો હતો, તે જોઈ મને તેણે કહ્યું કે ‘કાકાપુરી હોય તો બારોબાર જ લઈ જાઓને. વળી ઇસ્પિતાલમાં લઈ જઈને ચૂંથાશે.’ ઘાંટો કંઈક ઓળખીતો લાગ્યો. એણે મને ઓળખ્યો, મેં એને ઓળખ્યો, અને હું બોલી ઊઠ્યો કે ‘કોણ હરજીવન ?’ ભદ્રંભદ્ર પણ એકાએક ચમકી ઊભા થઈ ગયા અને બોલ્યા, ‘કોણ હરજીવન ?’ હરજીવને નીચે ઊતરી ભદ્રંભદ્રને રેંકડા પર ચઢવામાં મદદ કરી, રેંકડાવાળાને ધમકાવ્યો કે હવે ક્યાં લગી ખોટી કરીશ. ચાલ તને રસ્તામાં કોઈ મળી જશે.
ગાડી ચાલી એટલે હરજીવન કહે કે, ‘હું બહુ દિલગીર છું કે આપણે આમ અકસ્માત મળી ગયા.’
ભદ્રંભદ્ર કહે, ‘એમ કેમ ? મળ્યા એ તો સંતોષનું કારણ છે.’
હરજીવન કહે, ‘એ ભૂલ છે. આમ અકસ્માત થવાનો તેથી આપનું નસીબ આપને આ રેંકડા પાસે ખેંચી લાવ્યું. અકસ્માત થવાનો ન હોત તો નસીબ આપને ક્યાંયે ઘસડી જાત. જુઓ, આપની પાસેથી મારે રૂપિયા લેવાનું સર્જેલું તે આપણા બેનાં નસીબ આપણને તે દહાડે આગગાડીમાં ખેંચી લાવ્યાં અને મારે તત્કાળ રૂપિયા પાછા ન આપવાનું સર્જેલું તે મને નસીબ વડોદરે ઘસડી ગયું. માણસનું કર્યું કંઈ થતું નથી, નસીબ જ કરે છે. મારા એક મિત્ર બિચારાને ગઈ કાલે એનું નસીબ કેદમાં ઘસડી ગયું. તે પહેલાં જુગારીઓને ઘેર ઘસડી ગયું હતું, નસીબ આગળ સહુ કોઈ લાચાર છે. પાશ્ચાત્ય લોકો નસીબનું બળ સમજતા નથી. તેથી અજ્ઞાનથી તેમણે સજાના કાયદા કર્યા છે. નસીબે આપને આ અકસ્માત કર્યો તેથી હું દિલગીર છું. વારુ મારી પેલી પેટી આપની પાસે છે કે ? એમાં મારાં કેટલાંક કીમતી લૂગડાં છે, તે બગડે નહિ એ સંભાળજો.’
ભદ્રંભદ્ર કહે છે, ‘ અરે એ પેટી તો આગગાડીમાં એક બેસનારે કહ્યું કે “મારી છે, હરજીવન કોણ થાય છે, ઝાઝું કરશો તો સિપાઈને બોલાવીશ.” તેથી અમે તેની પાસે રહેવા દીધી, અમારું કંઈ ચાલ્યું નહિ.’
હરજીવન ખિન્ન થઈ બોલ્યો, ‘અરે ! ત્યારે મારે તો આઠ રૂપિયાના બદલામાં દોઢસો રૂપિયાનો માલ ગયો. એના કરતાં તો પેટી ત્યાં ને ત્યાં જ વેચી હોત તો ઠીક થાત. ફિકર નહિ. આઠ રૂપિયા તો હું આપને આપી દઈશ. હું રોકાઈ ગયો. તેથી પેટી લેવા આવી શક્યો નહિ. એ પણ નસીબની બલિહારી. ખેર.’
ભદ્રંભદ્ર ઝંખવાણા પડી જઈ બોલ્યા, ‘હવે રૂપિયા પાછા આપવાની જરૂર નથી. ઊલટી મેં આપને દોઢસો રૂપિયાની હાનિ કરાવી માટે ખેદ થાય છે. મારે તે ઊલટા આપને ભરી આપવા જોઈએ. તેમ કરીશ પણ ખરો.’
‘ના, એમ થાય નહિ. એમાં આપનો શો વાંક ? પણ વારુ આપ ક્યાં જાઓ છો ?’
‘હવે અમારે ઉતારે જઈએ છીએ, ભોજનનો સમય થયો છે.’
‘ચાલો, મારે ત્યાં પધારો ને. મારે તો એ મહોટો લાભ.’
એવામાં રેંકડામાં ચોથો બેસનાર આવી મળ્યો. અમને ભિખારીઓની છાવણી બતાવી તે જ આદમી એ હતો. હરજીવન કહે, ‘આ સત્પુરુષ મારા પરમ મિત્ર છે, મેં આપને ચિઠ્ઠી આપી હતી તે એમના પર જ. અનાયાસે એ પણ મળી ગયા. એ તો શ્રીમંત છે. પણ આપણી ખાતર આ વાહનમાં આવ્યા છે.’
ભદ્રંભદ્ર કહે. ‘અનૌદ્ધત્ય એ જ સમૃદ્ધિનું વિભૂષણ છે. એમનું નામ શું ?’
હરજીવને કંઈ કચવાઈ એમના મિત્ર તરફ જોયું. તેણે ઉત્તર દીધો, ‘જ્ઞાનીએ નામ ધારણ કરવું ન જોઈએ. નામરૂપનો તો નાશ છે જ. હરજીવને આપને એમના શ્યામવસ્ત્રધારી મિત્રો વિશે વાત કરી હશે. એ લોકો મારું નામ સાંભળીને જ મારાં દર્શન સારું એટલા ઉત્સુક થાય છે કે મેં નામનો ત્યાગ કર્યો છે. શું કરીએ ? માયાલિપ્ત વ્યાવહારિક લોકોમાં રહેવું પડે છે. શિવનો ભક્ત છું માટે મને શિવભક્ત કહેશો તો ચાલશે.’
ભૂલેશ્વર આવતાં પહેલાં એક ગલીમાં વળી અમે એક લાંબી ચાલ આગળ ઉતરી પડ્યા. શિવભક્ત ઉપર જઈ કંઈક ગોઠવણ કરી આવ્યા પછી અમે ઉપર ગયા. ઉપલે માળે ગયા ત્યાં હરજીવનની ઓરડી હતી. પાસે એક ઓરડીમાં દસ-પંદર આદમીઓ જમવા બેઠા હતા. હરજીવન કહે, ‘આ સર્વ મારા અતિથિ છે. શું કરીએ, આપણું નામ સાંભળી લોકો આવે તેમને ના કેમ કહેવાય ?’
હરજીવનની ઓરડીમાં લૂગડાં કે સરસામાન નહોતાં. બે ખાટલા કંઈકથી લાવી બેસવા માટે પથરાવ્યા. ભોજનને હજી વાર હતી. જમીને શિવભક્તને બંગલે મંદિર જોવા જવાનું હતું. પણ પ્રથમ કંઈ ભેટ મૂકવી જોઈએ એ સંપ્રદાયની ખબર પડ્યાથી ભદ્રંભદ્રે મને ઘેરથી પાંચ રૂપિયા લેવા મોકલ્યો. હરજીવનના આગ્રહથી અમારો બધો સામાન ત્યાં જ લઈ આવવાનું ઠર્યું. હું પાછો આવ્યો તે પછી મિષ્ટાન્ન જમ્યા. હરજીવને ભારે ખર્ચ કર્યો જણાતો હતો અને બધામાં જાયફળ વિશેષ હતું. જમતાં પહેલાં એક આદમી આવી કહેવા લાગ્યો કે, ‘અમારા પૈસા પહેલાં ચૂકવો.’
હરજીવને ભદ્રંભદ્ર તરફ આંગળી કરી કહ્યું ‘આમને ઓળખતો નથી ? એ તો મહોટા માણસ છે. કશી ફિકર રાખવી નહિ.’
બારણાં બંધ કરી જમતાં જમતાં હરજીવને ખુલાસો કર્યો, ‘મુંબઈ આવું ત્યારે રોજ સો રૂપિયા દક્ષિણા આપવામાં ખરચું છું. આપને આવ્યા જોઈ અને આપના પર મારો સદ્ભાવ જોઈ મારા અતિથિઓને બીક લાગી કે આજના સો રૂપિયા બધા હું આપને જ આપી દઈશ, તેથી અધીરા થયા છે. પહેલાં હું રૂપિયાને બદલે વસ્તુઓ વહેંચતો હતો. એક દહાડો સો રૂપિયાના ઘાસલેટના ખાલી ડબ્બાનું દાન કર્યું, પણ હોરાઓ બૂમ પાડતા આવ્યા કે મફત વહેંચશો તો અમારી કમાઈ જશે. બીજે દિવસે સીસીના બૂચ વહેંચ્યા તે ઘણા બ્રાહ્મણો રાજી થઈ લઈ ગયા, પછી બજારમાં બૂચ મળતાં બંધ થઈ ગયા.’
ભદ્રંભદ્રે પૂછ્યું, ‘બૂચને શું કરે છે ?’
શિવભક્ત બોલ્યા, ‘બેવડો નામે શિવનો ભૂત છે, તેને હાજર રાખ્યા વિના ખરેખરી શિવપૂજા થતી નથી. પણ તે એવો છે કે તેને મહોંયે દાટો ન દો તો ઊડી જાય. ભાંગ પીવા બાબત આપનો શો અભિપ્રાય છે ?’
ભદ્રંભદ્રને બેવડાનો ને આ ભાંગનો સંબંધ સમજાયો નહિ; પણ ભાંગનું નામ સાંભળી તે જરા ઉત્સાહથી બોલ્યા, ‘ભાંગ જેવી દિવ્ય વસ્તુ બીજી કોઈ નથી. ભાંગ પીવી એ સર્વ આર્યનું કર્તવ્ય છે. મદ્યનિષેધક સુધારાવાળાઓ પાશ્ચાત્ય લોકોની દેખાદેખી કરી ભાંગ-ગાંજાનો પણ નિષેધ કરે છે. પણ મૂર્ખા સમજતા નથી કે એ રીતે તો સાહેબ લોકો આપણું આર્યત્વ ખૂંચવી લેવા ધારે છે. સર્વ કેફી પદાર્થનો નિષેધ નહિ પણ માત્ર યુરોપમાં બનતા કેફી પદાર્થોનો નિષેધ થવો જોઈએ, કેમ કે તેમાં ગમે તેનું પાણી આવે છે. નહિ તો આપણા ઋષિઓ સોમરસ કેમ પીતા, આપણા સાધુઓ ગાંજો કેમ ફૂંકે છે, આપણા શક્તિમાર્ગીઓ દેશી મદિરાથી કેમ ચકચૂર બને છે ? પાણી બ્રાહ્મણિયા હોય, પાશ્ચાત્ય દેશની બનાવટ ન હોય અને પાશ્ચાત્ય નામ ન હોય, તો પછી કેફમાં કાંઈ બાધ નથી. કયો આર્ય એમ કહેશે કે ભાંગ આપણી પ્રજામાં સર્વ કોઈને ગ્રાહ્ય નથી ? પાશ્ચાત્ય લોક પાસે આપણે એ શીખ્યા નથી એ આપણને ગર્વનું અને સંતોષનું કારણ છે. શક્તિમાર્ગીઓનું પણ એ જ કહેવું છે કે ‘અમે તો પાશ્ચાત્ય લોકોના આવ્યા પહેલાં મદિરાપાન કરતા હતા. અમારાં શ્લોકબદ્ધ પ્રમાણ છે. તો પછી અમને અનાર્યત્વનું કે સુધારાનું લાંછન કેમ લાગી શકે ? અમારામાંથી ફૂટ્યા તેમણે જ પાશ્ચાત્ય અસરને નામે દારૂ પીવા માંડ્યો, પણ અમે તો આપણી જૂની રૂઢિ જાળવનારા છીએ.’
શિવભક્ત કહે, ‘આપ કહો છો તે સર્વ સત્ય છે, એ જ માટે મેં ભાંગ કઢાવી રાખી છે, ચાખી જુઓ. ઘૂંટી પણ ઠીક છે.’
બધાએ એક વાડકો પીધા પછી શિવભક્ત કહે, ‘નાસ્તિક સુધારાવાળાઓને ક્યાંથી શિવનાં સાક્ષાત્ દર્શન થયાં હોય ? તેમને ક્યાંથી ખબર હોય કે શિવને પોતાને જ ભાંગ ઘણી પ્રિય છે ! મને મહાદેવે પોતે જ કહ્યું હતું કે,
‘ભંગ ગંગ દો બ્હેન હે, રહેતી શિવ કે સંગ: લડ્ડુખાની ભંગ હૈ, તરન તારિની ગંગ.’
એક બીજો વાડકો ખાલી કરી, મારો ખભો ઝાલી એક ખાટલા પરથી બીજા ખાટલા પર કૂદી ભદ્રંભદ્ર બોલ્યા,
‘ભંગા એસી પીજીએ, જૈસી રંગન રંગ; ઘરકે જાને મર ગયે અપને મન આનંદ !’
હરજીવન બોલી ઊઠ્યા, ‘વાહ આનંદ આનંદ !’
અમે સર્વે ‘આનંદ આનંદ’ બોલતા બીજા બબ્બે વાડકા ઉડાવી ગયા, ભાંગના તપેલામાં ઊંધો વાડકો બોળી તે બહાર કાઢતાં ખાલી જોઈ ભદ્રંભદ્ર મને એક આંગળી દેખાડી બોલ્યા :
‘એમ ન સમજીશ કે તને એકલાને જ જાદુ આવડે છે, હું ધારું તો તને આ છાપરાના ભારવટીયા પર અધ્ધર ચહોંટાડું.’
હરજીવને મારી તરફથી ઉત્તર દીધો, ‘ઝાડુ જ, સુધારાવાળાને તો ઝાડુ જ. કહેશે કે પ્રતિજ્ઞા લ્યો, કોણ બાપ પ્રતિજ્ઞા લેવાનો હતો ? રવિવારે તો દેવીના નામની પ્યાલી લેતા હઈએ. પણ ભાંગનું નામ દઈ પ્રતિજ્ઞાની ના કહીએ તો ચાલે.’
મને કંઈક ઊંઘ આવવા માંડી, એટલામાં હરજીવને આવી લપડાક મારી અને કંઈક સૂઘાડ્યું, સુગંધથી ખુશ થઈ હું ઊંઘી ગયો, પછી શું થયું તે મને યાદ નથી. ઊંઘમાં મને એવું સ્વપ્ન આવ્યું કે મારા શરીરે લાંબો સાપ વીંટળાયો, પણ બરાબર સ્મૃતિ રહી નથી.
કેટલાક કલાક પછી હું જાગી ઊઠ્યો અને બેઠો થવા ગયો પણ તેમ થઈ શક્યું નહિ. ખાટલા પર સૂતાં સૂતાં આંખ ફેરવી જોયું તો મારા હાથ-પગ અને આખું શરીર ખાટલા સાથે દોરડી વતી સજ્જડ બાંધી લીધેલાં હતાં અને મારાથી ચસાય તેમ નહોતું. પાસેના ખાટલા પર ભદ્રંભદ્ર પણ એ જ દશામાં ઘોરતા હતા. ઓરડીનું બારણું બંધ કરેલું હતું. હરજીવન અને શિવભક્ત જતા રહેલા હતા. મેં તેમને બૂમો પાડી પણ બહાર કોઈ સાંભળતું હોય તેમ જણાયું નહિ. ભદ્રંભદ્રને બોલાવ્યા પણ તે જાગ્યા નહિ.
આ લાચાર દશામાંથી કેમ છુટાશે એ વિચારથી હું ગભરાવા લાગ્યો. મારા કરતાં ભદ્રંભદ્રની દશા વધારે સુખી લાગી, કે એ તો કશું જાણ્યા વિના નિરાંતે ઊંઘતા હતા. સંભારતાં મને યાદ આવ્યું કે ભાંગના ઘેનથી અને હરજીવને કંઈ સૂંઘાડવાથી હું ઊંઘી ગયો હતો. મારે શરીરે સાપ જેવું વીંટળાતું સ્વપ્નમાં લાગ્યું હતું તે દોરડીઓ બાંધતી વખતની લાગણીનું પ્રતિરૂપ હશે. ભદ્રંભદ્રને પણ મારી પેઠે થયું હશે. અમારા સામાનની પોટલીઓ જણાતી નહોતી. તે લઈને અમને ખાટલા સાથે બાંધીને હરજીવન અને શિવભક્ત નાસી ગયા હશે.
આવા વિચાર હું કરતો હતો, એવામાં કોઇએ બહારથી સાંકળ ઉઘાડી બારણું ઉઘાડ્યું. બે આદમી અંદર આવ્યા. અમારી દશા જોઈ પ્રથમ તે આશ્ચર્યથી અટક્યા અને એકબીજાની સામું જોઈ હસ્યા. પછી મને ક્રોધથી એક જણે પૂછ્યું, ‘લુચ્ચાઓ ! તમારી સાથે મગન અને મોતી હતા તે ક્યાં ગયા ?’
મેં કહ્યું, ‘અમે મગન ને મોતીને ઓળખતા નથી. અમે તો પરગામના છીએ. પહેલાં અમને છોડો.’
‘હવે છોડે કેમ ? કંઈક બેત હશે. મગન ને મોતીને ઓળખતા નથી તે કેમ માનું ? એમની જોડે ખાવા બેઠા હતા ને વીસીના પૈસા આપવા નહિ તેની આ તદબીર છે તે સમજું છું.’
નરમ થઈ મેં કહ્યું, ‘અમે કાંઈ લુચ્ચાઈમાં નથી, અમને કોઈ બાંધી ગયું છે. અમારી સાથે હતા તે તો હરજીવન ને શિવભક્ત.’
‘લુચ્ચાઓએ નામ બદલ્યાં હશે. મને નીચે આવીને કહી ગયા કે અમારો કીમતી સામાન ઓસડીમાં છે. તે અમે પાછા આવીએ ત્યાં સુધી તાળું દઈ રાખજો.’
મેં ઘણા કાલાવાલા કર્યાથી મને છોડ્યો. ભદ્રંભદ્રના બંધ છોડતા હતા તેટલામાં તે પણ જાગ્યા. એમને હજી ભાંગનું ઘેન ઊતર્યું નહોતું. આંખો લાલચોળ હતી. બેઠા થઈ શક્યા એટલે કંઈ ઊછળીને બોલ્યા,
‘ચાંડાલો, મને સ્પર્શ કરશો તો શિરચ્છેદ કરીશ. હું શિવ છું, બ્રહ્મ છું, વિષ્ણુપદ પામ્યો છું.’
હું એમની આગળ બેસી બંધ છોડતો હતો. તે જોઈ કહે, ‘આ કોણ ? મારી નાભિમાંથી ઊગેલા કમળમાં ઉત્પન્ન થયેલા બ્રહ્મા ? શું પ્રલયકાળ થઈ ગયો ? મારે તો ઊંઘમાં જ ગયું, પણ આ દૈત્યો શું પાતાળમાંથી આવ્યા ? ક્યાં ગયું મારું ચક્ર ? અરે સાંભર્યું, તે તો હું ઘૂંટીને પી ગયો.’
એમ કહીને વીસીવાળાને પ્રહાર કરવા જતા હતા, પણ મેં અટકાવ્યા, કેમકે, સામો પ્રહાર પડત એ નક્કી હતું. મેં વીસીવાળાઓને ભાંગ વિશે ઇશારો કરી સ્વસ્થ કર્યા. અમને છોડ્યા તો ખરા, પણ કહ્યું, ‘આજના અને મગન-મોતીના આગળના પૈસા ચૂકવ્યા વિના જવા નહિ દઈએ. હમણાં આને ભાનમાં આવવા દો.’ એમ કહી તેઓ ચાલ્યા ગયા.
ભદ્રંભદ્ર પાછા તરત સૂઈ ગયા. તે પાછા શુદ્ધિમાં આવી ઊઠ્યા ત્યારે મેં એમને હરજીવન અને શિવભક્તના છળ વિશે વાત કરી. ભદ્રંભદ્ર કહે, ‘ એ લોક એવા માણસ નથી. પછી કોણ જાણે, પણ મને શક છે કે કોઈએ ઇંદ્રજાળ ફેલાવવા મંત્રબળ વાપર્યું છે. જાદુ કોઈએ કરવા માંડ્યો એમ પણ મને યાદ છે. આપણે કાંઈ સુધારાવાળા નથી કે જાદુથી બધો ખુલાસો મળતો હોય તોપણ વધારે ચોકસી કરવા જઈએ.’
અમારી પાસે એક પાઈ રહી નહોતી. યેથી વીસીવાળાના પૈસા કેમ ચૂકવવા એ ચિંતા થઈ. અમે તેની પાસે ગયા. ભદ્રંભદ્રે તેને કહ્યું, ‘અમે તો હરજીવનના પરોણા હતા. જોડેના ઓરડામાં એમના બધા પરોણા હતા તોય અમને એકલાને કેમ પકડો છો ?’
વીસીવાળો કહે, ‘એ જુગારીના વળી પરોણા કોણ ? એ તો મારી વીસીના ઘરાક હતા, જમતી વખત તમારી પાસે પૈસા કબૂલાવ્યા છે તે હવે ચાલવાનું નથી. તમે પણ એવા કે તમને બાંધીને જતા રહ્યા ત્યાં લગી ભાન જ નહિ ? પણ હું કેમ જાણું ? તમે બધાં બેતમાં હશો. પૈસા ન આપવા હોય તો પોલીસમાં ચાલો.’
તકરારથી રસ્તે જનારાં માણસ એકઠાં થયાં. પોલીસનો સિપાઈ આવ્યો પણ હતો. એવામાં એક ગાડીમાં બેસી પ્રસન્નમનશંકર અને રામશંકર જતા હતા. અમને ઓળખી રામશંકરે ગાડી ઊભી રખાવી. હકીકત જાણી રામશંકરે પ્રસન્નમનશંકરના કાનમાં કંઈક કહ્યું, તેથી તેમણે વાટવો કહાડી વીસીવાળા અને પોલીસના સિપાઈને સંતુષ્ટ કર્યા અને અમને ગાડીમાં બેસાડી તેમને ઘેર લઈ ગયા.
૯. પ્રસન્નમનશંકર
ભદ્રંભદ્ર વિશે પ્રસન્નમનશંકરે પહેલેથી સાંભળ્યું હોય તેમ લાગતું હતું. ઘેર જઈ આજના બનાવની વાતો પૂરી થઈ, એટલે તેમણે ભદ્રંભદ્રને કહ્યું,
‘મેં આપના આતિથ્યકારને ગૃહે શિવશંકર દ્વારા આપનું અન્વેષણ કરાવ્યું હતું. આપ સારુ મેં અશ્વદ્વયાકૃષ્ટચતુશ્ચક્રકાચગવાક્ષસપાટાચ્છાદાનસમેતરથ પ્રેષિત કર્યો હતો; પણ આપ સંમિલિત થયા નહિ. આપનું ચરિત્ર શ્રવણ કરી હું સાનંદાશ્ચર્ય પ્રાપ્તિ છું. આપ મોહમયીમાં નિવાસ કરો, ત્યાં મમ આતિથ્યગ્રહણ ક્રિયતામ્, એ રીતે મને આપનો સમાગમલાભ અધિગત થશે. મારે આપની સહાયતાની આવશ્યકતા છે. સુધારાવાળા મારા શત્રુ છે. તેઓ પંડિત બની મને દુર્વિદગ્ધ ઠરાવવા મથે છે. પણ હું સૌરાષ્ટ્ર્વાસી પડ્યો એટલે મારે જાતે તો શત્રુને પણ પ્રિય વચન કહેવાં પડે. તેમની પ્રકટિત પ્રશંસા કરવી પડે, પણ આપ જેવાની દ્વારા તેમના પર નિન્દવર્ષણ થઈ શકશે. વળી વાદવિવાદમાં કે લેખનશક્તિમાં હું કોઈ સમય પરાજિત ન ગણાઉ એ પણ આવશ્યક છે, માટે હું જાતે તેમાં પ્રગટ થઈ ઊતરતો નથી. આપને હું સર્વ રીત્યા સંતુષ્ટ કરીશ. મેં પોતે પુસ્તક તો લખી રાખ્યાં છે. પણ મારા સદૃશ પવિત્ર પુરુષની પવિત્ર કૃતિને દુષ્ટ સુધારાવાળાઓની અપવિત્ર ટીકાનો સ્પર્શ ન થાય માટે આપ સદૃશ કોઈ વિદ્વાનના નામથી તે પ્રસિદ્ધ કરવાનો વિચાર છે. નહિ તો પછી મારાં બીજાં પુસ્તકપ્રસિદ્ધસાદૃશ્યેન એ પણ કલ્પિત નામ્ના પ્રસિદ્ધ કરત. આપે “વિદ્યાઢગ” નામે ગ્રંથકારનાં પુસ્તક વાંચ્યા હશે. “પ્રૌઢબોધ”, “સુલભ કીર્તિ માર્ગ”, એ સર્વે મારી કૃતિઓ છે.’
ભદ્રંભદ્ર આશ્ચર્ય પામી બોલ્યા, ‘ઓહો! ત્યારે તો આપને હું પુસ્તક દ્વારા સારી રીતે ઓળખું છું. મેં આપનાં પુસ્તકોનો અભ્યાસ કર્યો છે, હું મારા ભાષણમાં આપનાં વચનોનાં પ્રમાણ પણ આપું છું. પણ મને તો સાંભરે છે કે એ પુસ્તકોમાં ‘વિદ્યાઢગ’ ને બદલે ‘વિદ્યાઠગ’ નામ હતું અને તે આપ જ એમ વિદિત નહોતું. કદાચ વિનય માટે એવું નિરભિમાન નામ ધારણ કર્યું હશે એમ હું ધારતો હતો. પણ હવે આપનું ખરું ઉપનાઅ સમજાયું.’
પ્રસન્નમનશંકર કહે, ‘એ તો મુદ્રાલયે અક્ષરસમસનવ્યાપૃત પુરુષો દુષ્ટ સુધારાવાળાના મળતિયા હશે કે હું ઢકારને સ્થાને ઠકાર મૂકી દીધો. ઠગ શબ્દની વ્યુત્પતિ યાવન નહિ પણ સંસ્કૃત છે. એટલે મને વિશેષ ખેદ થયો નહિ. પ્રથમ તો એક કવિતાનું પુસ્તક રચ્યું છે તે આપને દર્શાવું. આપ, સદૃશને નામે તે પ્રગટ કરી મારી પ્રૌઢતા સચવાય તેવી વિખ્યાતિ પામતું જણાશે તો પછી દ્વિતીય આવૃત્તિમાં મારું વાસ્તવિક કર્તૃત્વ પ્રકાશિત કરીશ. નહિ તો પછી કીર્તિનો લાભ નથી. હું કેવો નિઃસ્પૃહી છું તે આપને રામશંકર કહેશે. વર્તમાનપત્રવાળાને મારે ધન આપી મારી પ્રશંસા કરતા અટકાવવા પડે છે. પણ તે એવો લોભી છે કે કોઈ પ્રસંગે સુધારાવાળાની નિંદા કરાવવી હોય ત્યારે પુનઃ પુનઃ ધનપ્રાર્થના કરે છે. સંસારમાં નિર્લોભીને લોભી સાથે વ્યવહાર કરવો પડે છે, તે અપશોચ કરવા જેવું છે. મારા કાવ્યનો પણ એ જ અંતર્ગત વિષય છે. એમાં સુધારાવાળ પર ઘણા ગુપ્ત આક્ષેપ કર્યાં છે. ભય એ છે કે એ આક્ષેપ તેઓ સમજશે નહિ. અર્થભાવ લેશ માત્ર ન સમજાય, એમાં જ કાવ્યનું સૌંદર્ય છે. કેમકે સમજાય તેવી કવિતા તો બધા રચી શકે. પણ આ આક્ષેપ સમજાય એ તો ઉદ્દેશ છે, માટે આપ તે જોઈ જુઓ. જુઓ આ એક દેડકા પર અન્યોક્તિ છે:
ભુજંગી
અહો દેડકા! સત્વરં ઉત્પતંત,
કર અશ્મવૃષ્ટિ યુવા પારસીક;
ન સ્પર્શે પ્રહારો તને લેશ માત્ર,
સુધારાથી નૈપુણ્ય નૈપુણ્ય સાર.
અહીં પ્રસંગ એવો છે કે, એક વેળા હું વર્ષાઋતુ સમયે અમારા અશ્વપાલની વ્યાધિગ્રસ્તતાને લીધે ચાલતો જ કોર્ટમાં જતો હતો. ત્યાં વિસ્તીર્ણ ભૂમિમાં પાણી ભરાઈ રહ્યું હતું અને તેમાં એક દેડકો હતો. તેને પારસીના છોકરા પથરા મારતા હતા. તોપણ તે એવો ત્વરાથી કૂદતો હતો, કે તેને પથરા વાગતા નહોતા. આ ભાવયુક્ત દર્શનથી મારા કવિત્વપૂર્ણ હ્રદયમાં ઉદ્દીપન થયું અને સાયંકાળે મારા વીરસસહિત ગૃહ પ્રતિ સત્વર આગમન કરતાં ગૃહે પહોંચતાં પહેલાં જ આ શ્લોક જોડી કહાડ્યો. પછી ‘દુર્દરશતક’ રચ્યું. છેલ્લી લીટીમાં સર્વ રહસ્ય છે. તેનો અભિહિત અર્થ એ છે કે દેડકા, તારું નૈપુણ્ય સુધારા અર્થાત્ સુધારાવાળાથી સારું છે. તાત્પર્યાર્થ કે સુધારાવાઆને તારા જેટલું નૈપુણ્ય પણ નથી આવડતું કે લોકનિંદાપ્રહારમાંથી બચી શકતા નથી. આ તો અન્યોક્તિ છે. એક સુધારાવાળો યુવક પારસીક દેડકા જેવો બધે ફરતો ફરે છે અને લોકો પર નિંદા રૂપી અશ્મ ફેંકે છે, પણ તેને પ્રકર્ષ નામ મહોટા હારો અર્થાત્ સુવર્ણ મોતીના હારો અર્થાત્ ધન લેશમાત્ર મળતું નથી, તેનો આક્ષેપ છે કે સુધાર કરવા કરતાં નૈપુણ્યથી ધનસંચય કરી હું વિશેષ લાભ પામું છું. બીજો આક્ષેપ સુધારાવાળા સ્પર્શાસ્પર્શનો ભેદ રાખતા નથી, વળી પારસીઓ સાથે ભોજન કરે છે તેમના પર છે. પારસીઓ ખીચડીના ગોળા કરી મહોંમાં અધ્ધર નાખે છે, તેને અશ્મવૃષ્ટિની ઉપમા આપી છે. કવિતા બહુ મનોહર છે, એમ આપ કહી શકશો. બધા મળી આવા પચાસ આક્ષેપ આ એક જ શ્લોકમાં છે. એટલે આખા શતકમાં ૫૦૦ આક્ષેપ સુધારાવાળા પર છે, એ મહા આનંદની વાત છે. કવિતાનો આનંદ અનુપમ કહેવાય છે. તે આપને અનુભવથી ગમ્ય થશે.’
ભદ્રંભદ્ર કહે, ‘આવી ,મનોહર કવિતા મેં કદાપિ જોઈ નથી. વાહ! આપની રસિકતા અલૌકિક છે. આપણા પક્ષમાં મહાકવિ કોઈ થયો નથી. તે ખોટ આપ પૂરી પાડશો. હું તો આપ તત્ત્વચિંતક છો એટલું જ જાણતો હતો.આપનું કવિત્વ મને વિદિત નહોતું. આ દેશમાં સુધારાવાળાની સંખ્યા પાચ હજાર પણ નથી. એકેક આક્ષેપ એકેક જણ લે તો નિરુત્તર અને ખિન્ન થઈ વાગ્બાણથી શત્રુ વર્ગ નાશ પામે અને આ ‘દર્દુરશતક’થી જ દેશનો ઉદ્ધાર થાય તો પછી મારે વ્યાકરણના પ્રશ્ન પૂછી સુધારકોને નિરુત્તર કરવાની આવશ્યકતા રહે નહિ.’
પ્રસન્નમનશંકર કહે, ‘ આપ વ્યાકરણમાં કુશળ છો એ આનંદની વાત છે. મારા પુસ્તકમાં સુધારાવાળાના એ વિષયના અજ્ઞાન પર મેં બહુ આક્ષેપ કર્યા છે. ઉદાહરણનાં ખરાં રૂપ ન આવડવાથી સ્થળે સ્થળે વાક્ય મારે અપૂર્ણ સ્થિતિમાં રાખવાં પડ્યાં છે, તે આપથી જાણી લઈ પૂર્ણ કરી દઈશ. વિદ્વત્તાનો ઢગ મેં આપ જેવાની પાસેથી જ સંગ્રહ કર્યો છે. એથી સુધારાવાળાઓ મને ‘વિદ્યાઠગ’ કહે છે. પણ હું સુધારાવાળા કરતાં વિદ્વાન છું, એવું આપ આ કાવ્યની પ્રસ્તાવનામાં લખી શકો, તો અસત્ય નહિ કહેવાય; એ આપે ઉપરની કૃતિથી જાણ્યું હશે.’
આવી વિદ્વદ્ગોષ્ઠિમાં એક પછી એક દિવસ જવા લાગ્યા. કોઈ કોઈ વખત કુશલવપુશંકર આવીને બેસતા. તે વખતે એમના કાકા પુસ્તક પ્રસિદ્ધ કરવાની યુક્તિની, સુધારાવાળા પર બીજા મારફત નિંદાવર્ષણ કરાવવાના ઉપાયની વાત નહોતા કરતા. એ હોય ત્યારે તો ઈ.સ. ૧૫૮૦માં ઈંગ્લાંડમાં જોન ટેલર નામે થયેલા કવિ વિશે પ્રસન્નમનશંકર બહુ વાતો કરતા. એ કવિનાં ‘જલ-કવિ’ અને ‘હલ્લેસાં-પ્રેરક’ નામે ઉપનામ એમને બહુ પ્રિય હતાં. વાક્યે વાક્યે તેનાં ‘પાવલાનો પ્રવાસ’, ‘ભિક્ષા અને ભિક્ષાવૃત્તિની પ્રશંસા’, પૃથ્વી પૈડા પર ચાલે છે, એક કેદખાનાની પ્રશંસા અને સર્વ જાતની ફાંસીનું ઉત્તમ રહસ્ય તથા આવશ્યક ઉપયોગ. નામે ગ્રંથોનાં વચનપ્રમાણ આપવાનો અભ્યાસ તેઓ રાખતા. કુશલવપુશંકર વિદ્વત્તાથી છલકાઈ જતા આ સંભાષણથી ચકિત થઈ કહેતા કે અમે આટલું બધું અંગ્રેજી ભણ્યા પણ આ ‘જલ-કવિ’નું નામ સાંભળ્યું નથી, તો પછી વચન તો ક્યાંથી પાઠે હોય? એક વખત તો કુશલવપુશંકર એટલે સુધી બોલી ગયા કે તમે મને તમને ‘પંડિત કાકાજી’ કહેવાનું કહ્યું છે તે યથાયોગ્ય છે.
પ્રસન્નમનશંકર કહે, ‘મૂર્ખ, મેં તને ક્યારે કહેવાનું કહ્યું હતું? તું તારી મેળે એમ કહી બોલાવે છે.’
રામશંકર કહે, ‘સત્ય છે. ગઈ કાલે જ કોઈ મળવા આવ્યું હતું. તેને આપ કહેતા હતા કે કોણ જાણે શાથી મારો ભત્રીજો કુશલવપુ મને પંડિત કાકાજી કહી બોલાવે છે. તે મળવા આવનારે પણ કહ્યું કે બાળકો અને યુવાનો નિરીક્ષણ બહુ ચતુરાઈથી કરે છે, મહોટી ઉંમરના અદેખાઈથી ઝટ ગુણગ્રાહી થતા નથી. પણ કુશલવપુભાઈ જરા વ્યવહારમાં કાચા છે.’
કુશલવપુશંકર બોલ્યા, ‘વ્યવહાર વેદમાં વિહિત નથી. પણ સુધારાવાળાનું ખંડન કરવા તેનું જ્ઞાન આવશ્યક છે અને આવશ્યક પ્રતિ પ્રવૃત્તિમાં શ્લોકબંધ પ્રમાણ છે એટલે છૂટકો નથી. સુધારાવાળા પ્રમાણ વિના શી રીતે ચલાવી શકે છે તે બહુ આશ્ચર્યની વાત છે. મૂર્ખોને વિદિત નથી કે આપણા પૂર્વજો એવા વિચારવંત હતા કે ખાવા, પીવા અને ઊંઘવાનાં પણ પ્રમાણ આપી ગયા છે કે પ્રમાણભાથે આપણે કોઈ સમય સંશયગ્રસ્ત ન થઈ જઈએ અને કિંકર્તવ્યમૂઢ ન થઈ જઈએ.’
પ્રસન્નમનશંકર કહે, ‘સંશયગ્રસ્તતા એટલું મહોટું સંકટ છે કે ધનની સહાયતા વિના તેમાંથી છુટાતું નથી. મારા શ્રેષ્ઠત્વ વિશેના ઘણાના સંશયનો છેદ એમ જ થયો છે. પણ અમારા ડચીમામાના સંશય સમક્ષ તો સર્વ નિરુપાય. રામશંકર, એમનો ઈતિહાસ કહો.’
રામશંકર કહે, ડચીમામા ભાઈસાહેબના મામા થાય. એમનું રહેવું ઘણા વર્ષથી અહીં જ થાય છે. પણ વહેમી બહુ, એક વેળા આખી ગાડીમાં બેસીને જતાં સંશયમાં પડી ગયા કે વખતે પૈડાં સાથે આખી ગાડી પણ ચક્કર ફરે તો આપણું શું થાય? નીકળાય નહિ અને ગાડી ઉપરતળે થાય તો આપણે તો ફજેતીમાં આવીએ! તે દહાડાના શક ખાઈ ગયા, તે ગાડીમાં જ નથી બેસતા. બહુએ સમજાવીએ છીએ પણ વહેમની કંઈક કચાશ રહી જાય છે. એક વખત જમતાં જમતાં શકમાં પડી ગયા કે વખતે ખાધેલું વાંસા તરફ ઊતરી જાય, તો પેટમાં કંઈ ન આવે. ખાતે ખાતે ભૂખ્યા ને ભૂખ્યા! ગમે તેટલું ખાઓ પણ પેટમાં કોયલી જ! તે દહાડાના એવા વહેમમાં પડી ગયા છે, કે ખાતી વખતે ડાબે હાથે બોચી પછાડીથી સજ્જડ ઝાલી રાખે છે, કે વાંસા તરફ કંઈ ઊતરે જ નહિ. વૈદ્યરાજે એમની સમક્ષ બહુ ખુલાસા કર્યા પણ શક પૂરો થયો નથી. પણ એ વહેમ ખાઈ જવાની વૃત્તિ આખરે સદ્ગુણ છે. સુધારામાં ન ભળ્યા તો પણ એ જ કારણથી. એક વખત એમને ગામ એવી સંગતમાં હતા અને સ્ત્રીઓને ભણાવવાની સભામાં દાખલ થવાના હતા. પણ એવામાં શક લાગી ગયો કે બાયડીઓને ભણાવીએ ને વખતે તે તો કહેશે, કે અમે જંગલી લાકડાંથી ચૂલો નહિ સળગાવીએ, પણ વિલાયતી દીવાસળીઓ બાળી રાંધીશું, તો અધધધ ! એટલી બધી દીવાસળી ક્યાંથી લાવીએ! વિલાયત લેવા જઈએ તો તો નાતબહાર મૂકે. એવા વહેમમાં પડી ગયા કે પોતાની છોકરીને નિશાળે મોકલે નહિ, એટલું જ નહિ પણ પાસેના ગામમાં નિશાળ હતી, તે તરફની સીમમાં ઘરની ગાયને ચરવા જવા પણ દે નહિ, કે વખતે ભણેલું ઘાસ ચરી આવે. ભાઈસાહેબે એમના વહેમની ખાતરી કરી આપી કે સ્ત્રીઓને ભણાવી પંડિત બનાવીએ તો પછી આપને પંડિત કોણ કહેશે? બ્રહ્માને ત્યાં પંડિતની સંખ્યા તો બાંધેલી છે.’
સ્ત્રીકેળવણીનો પ્રસંગ નીકળ્યાથી ભદ્રંભદ્ર બોલી ઊઠ્યા, ‘સ્ત્રીકેળવણી વિષે તો સંશય રહે, એ જ સંશયની વાત છે. અનાદિકાળથી સિદ્ધ થઈ ચૂક્યું છે કે સ્ત્રીઓને કેળવણી ન આપવી જોઈએ. સ્ત્રીઓને કેળવણી આપવાની હોત તો ઈશ્વર વેદમાં ન લખત કે સ્ત્રીઓને કેળવણી આપજો? ઉપનિષદોમાં કોઈ કોઈ ઠેકાણે ભણેલી સ્ત્રીઓ વિશે લખ્યું છે પણ તે તો વાસ્તવિક રીતે ભણેલા પુરુષો માટે છે, એમ વ્યાકરણાદિની સહાયતાથી સિદ્ધ કરી શકાય છે, તો પછી શું આપણે એવા મૂર્ખ છીએ કે અણગમતા અર્થનો આગ્રહ કરીએ? સ્મૃતિપુરાણો તો વેદવિરુદ્ધ હોઈ શકે નહિ એટલે તેમના પ્રમાણ વિશે ચિંતા નથી. તર્ક વાપરીએ તો પણ એ જ અનુમાન નીકળે છે. આપણે આર્યો શ્રેષ્ઠ છીએ. તેથી આપણામાં કાંઈ ખોટું હોઈ શકે નહિ, તે માટે આપણા દેશમાં હાલ ચાલે છે, તે બધું બરોબર છે. તો આ દેશમાં હાલ સ્ત્રીઓ ભણતી નથી તે પણ બરોબર છે. વળી એક વિદ્વાન કહે છે કે ફીજી બેટમાં એગુટી નામે એક પ્રાણીની જાત છે, તેની માદાને મગજ નથી હોતું તેથી સિદ્ધ થાય છે કે કુદરતમાં સ્ત્રીજાતિને ભણવાની ગોઠવણ નથી, કેમ કે તેમને મગજ નથી.’
પ્રસન્નમનશંકરે પૂછ્યું, ‘ એ ઉદાહરણ આપે કોની પાસેથી અધિગત કર્યું?’
ભદ્રંભદ્ર કહે, ‘અત્યંત આહારથી પ્રખ્યાત થયેલા શંભુપુરાણીના ભાણેજ વલ્લભરામ ગામડાના છતાં આ મોહમયીમાં નિવાસ કરી આંગ્લ ભાષા શીખ્યા છે. તે આર્યપક્ષના છે અને આ દેશનું સર્વ સારું જ અને પરદેશનું સર્વ ખોટું જ એમ સબળ આગ્રહ કરે છે, તોપણ પ્રસંગે પાશ્ચાત્ય લેખકોના મત આપણા પક્ષને અનુકૂળ હોય ત્યારે તેનાં પ્રમાણ લેવાં ચૂકતા નથી. માત્ર પ્રતિકૂળ હોય ત્યારે જ તેને વિદેશીય અનુકરણ કહી હસી કહાડે છે. તેમના પુસ્તકમાં આ ઉદાહરણ વાંચવામાં આવ્યું. આપ એમને ઓળખતા હશો.’
પ્રસન્નમનશંકર કહે, ‘ સારી રીત્યા ઓળખું છું. મારા આશ્રિત છે. પણ ગર્વને લીધે આશ્રિતપદથી પોતાને ઓળખાવતા નથી, તેથી કંઈક અંતર રહે છે. એક ઠેકાણે એમને સારા વેતનની કારાગૃહપાલની પદવી અપાવવાનો વિચાર છે કે પછી મારા સદ્ગુણ સત્વર એમના ધ્યાનમાં આવે અને તે પુસ્તકોમાં પ્રગટ કરે. પાશ્ચાત્ય પ્રમાણ ઉતારવાની વલ્લભરામની પદ્ધતિને હું સંમત નથી. આપણા ઋષિઓના ગ્રંથોમાં શું એવાં પ્રમાણ નથી? અને એ રીતિનાં પ્રમાણ ન હોય તો પારમાર્થિક જ્ઞાનથી ક્યાં બે ભિન્ન પ્રમાણોનો અભેદ થઈ શકતો નથી? જલકવિ વિના બીજા કોઈ પાશ્ચાત્ય લેખકનાં વચન હું ઉતારતો નથી અને મારી વિદ્વતાની તુલના કરવા માટે તેમ કરું છું. જલકવિ, હું અને કાલિદાસ એ ત્રિપુટીનો તેજોરાશિ સમુચિત થાય એથી જગતને બહુ લાભ છે. સ્ત્રીકેળવણીની અયોગ્યતા તો ઉપલા પ્રમાણ વિના પણ સિદ્ધ છે. સ્ત્રીઓ મૂર્ખ છે તેથી તેમને ભણાવવી ઘટે નહિ. ભણ્યા પછી બુદ્ધિનું બળ વધે છે પણ સ્ત્રીનું ભૂષણ તો નિર્બળતામાં છે. અબલા બુદ્ધિબળ પ્રાપ્ત કરે એ પ્રકૃતિના શાશ્વત નિયમોથી ઊલટું છે. સ્ત્રીઓના કામકાજમાં કેળવણીની આવશ્યકતા પડતી નથી. કેળવાયેલાથી પ્રત્યેક કામકાજ વધારે સારું થાય છે, એ પાશ્ચાત્ય મત આપણને માન્ય નથી. સ્ત્રીઓને માત્ર ધર્મજ્ઞાનની આવશ્યકતા છે. ધર્મજ્ઞાન માટે વિદ્વત્તાની આવશ્યકતા નથી. પુરુષો વિદ્વાન થયા પછી ધર્મજ્ઞાન સારું સમજી શકે છે એ ક્રમ સ્ત્રીઓને લાગુ પડતો નથી, કેમ કે સ્ત્રીઓ તે પુરુષ નથી. વળી સ્ત્રીઓ કેળવણીનો ખોટો ઉપયોગ કરે છે માટે તેમને મૂર્ખ રાખવી જોઈએ. પુરુષો કેળવણીનો ખોટો ઉપયોગ કરે છે, ત્યારે કેળવણીનો દોષ નથી હોતો પણ વ્યક્તિ પરત્વે સ્વભાવનો દોષ હોય છે. કારણ ઉપર કહ્યું તે જ. એ રીતે અનેકાનેક કારણોથી સુધારવાળાનો પક્ષ પરાભૂત છે.’
એવામાં ડચીમામા બહારથી આવ્યા. તેમને જોઈ પ્રસન્નમનશંકર કહે,’અમારા ડચીમામા સાથે આપને વધારે પ્રસંગ થશે તો એટલા સંશય કહાડતાં શીખશો કે સ્ત્રીઓને ભણાવવાના લાભના એક એક કારણનું આપ ખંડન કરી શકશો.’
ડચીમામા કહી, ‘પ્રસન્નમનશંકરભાઈ જગતમાં સહુથી મહોટા છે, એ વિના એક એક વાત વિશે શક છે. સ્ત્રીકેળવણી વિરિદ્ધ તો ઝટ શક કહાડાય છે. સ્ત્રીકેળવણીથી આપણા પુરુષોને શો લાભ છે તે સિદ્ધ થયા વિના આપણાથી તેનો આરંભ કેમ થાય? અને આરંભ કર્યા વિના સિદ્ધ કેમ થાય? તો પછી સ્ત્રીકેળવણી કેમ અપાય? હું એક સમે સમુદ્રતટે બેઠો હતો ત્યારે પાઘડી સમુદ્રમાં પડી અને શક ગયો કે સમુદ્રદેવ છે તેણે પોતે પાઘડી ખેંચી લીધી હશે તો પાછી નહિ આપે. લેવા માંડીએ ને ન મળે ત્યાં સુધી જણાય પણ કેમ કે તેણે હાથે કરી લીધી? અને તે જાણાયા વિના લેવા જવાય પણ કેમ ? એ શંકામાં હું ઉઘાડે માથે ઘેર આવ્યો. તેના જેવી આ વાત છે.’
ડચીમામાની વિચારશક્તિથી અને દેવ પરની શ્રદ્ધાથી ભદ્રંભદ્ર ચકિત થયા. તેમની સાથે વધારે પરિચય થતો ગયો તેમ તેમ ભદ્રંભદ્ર પોતાના શક તેમને પૂછ્તા ગયા. તે શકમાં ડચીમામા ઉમેરો કરતા ગયા.
રામશંકરના કહેવાથી ખબર પડી કે ભદ્રંભદ્રને વધારે વાર પરોણા રાખવાનું કારણ એ હતું કે સુધારાવાળા વિરુદ્ધ પુસ્તક લખાવવા એક માણસ પગાર આપી રાખવાનો કોઈ શ્રીમંત પાસે પ્રસન્નમનશંકરે વિચાર મૂક્યો હતો. પગારમાંથી અરધો ભાગ પ્રસન્નમનશંકરે તેમની વિદ્વતા માટે ભેટ આપવાની મરજી જણાવી ભદ્રંભદ્રે થોડા વખત માટે એ જગા કબૂલ કરી. પ્રસન્નમનશંકર જે વિષય બતાવે તે લેવો એવી આજ્ઞા હોવાથી “રૂઢિ પ્રશંસા”નો વિષય પ્રથમ લીધો. ભદ્રંભદ્રે સૂચવ્યું કે ‘જે રૂઢિઓને શાસ્ત્રનો આધાર ન હોય તેમને માટે આધાર શોધી કહાડી બતાવવો એ આ ગ્રંથનો હેતુ રાખવો, કેમકે તર્કથી રૂઢિની ઈષ્ટાનિષ્ટતા સિદ્ધ કરવી કે નિરર્થક વ્યવહારમાં લાભાલાભ જોવો એ નિરુપયોગી છે, કારણ કે શાસ્ત્રાનુસરણ એ જ લાભ છે. વ્યવહારમાં જ્યાં લાભ ન જણાય ત્યાં માયા ભ્રાંતિ કરાવે છે તે જ્ઞાનથી દૂર થશે. શાસ્ત્રાધાર બતાવવો એ જ રૂઢિની ખરી પ્રશંસા છે.’
પ્રસન્નમનશંકર કહે, ‘એ સત્ય છે. રૂઢિનું ધાતુ “રુહ” છે “રુહ્” એટલે વધવું. માટે પ્રથમ પ્રકરણમાં કોઈ વય અને જ્ઞાનથી રૂઢ પુરુષની પ્રશંસા આવવી જોઈએ.’
ભદ્રંભદ્ર કહે, ‘આપ જેવા યોગ્ય પ્રશંસાપાત્ર બીજા કોણ હોય? માટે આપની જ પ્રશંસા ઘટે.’
પ્રથમ પ્રકરણમાં વાંચનારનો પ્રશંસાના વિષયમાં પ્રવેશ થાય માટે મહાપુરુષ પ્રસન્નમનશંકરનું જીવનચરિત્ર પ્રશંસા સાથે લખવામાં આવ્યું. એમની જન્મની તારીખ અને મુંબાઈ આવ્યાની તારીખ સિવાય બીજી કોઈ તારીખે એમના જીવનમાં જાણવાજોગ બનાવ બનેલા નહોતા, તેથી એ રાજવંશમાં જન્મ્યા હોત તો કેવા પ્રતાપી થાત, ઋષિઓના સમયમાં જન્મ્યા હોત તો એમની રચેલી કેટલી સ્મૃતિઓ પ્રમાણભૂત ગણાતી હોત, એ મુંબાઈમાં ન આવ્યા હોત તો જગતમાં કેવી રીતે કેવા કેવા અનર્થ થઈ જાત, ઇતિહાસના મહોટા બનાવ વખતે એઓ હોત તો અનેક દેશોના ઇતિહાસનું સ્વરૂપ કેવું કેવું બદલાયેલું માલમ પડત, એવી એવી રચનાથી સર્વ ધાતુઓના સંકેત ભૂતકાળ એમના ચરિત્રમાં આપવામાં આવ્યા.
બીજું પ્રકરણ “રૂઢિસ્વરૂપ” વિશે હતું. રૂઢિનું લક્ષણ શું આપવું એ બહુ કઠણ પ્રશ્ન લાગ્યો. લક્ષણમાં નિષિદ્ધ દોષ એકે ન આવે અને સ્વરૂપથી રૂઢિનું પ્રમાણ અને ઇષ્ટતા સિદ્ધ થઈ જાય એવી વ્યાખ્યા ભદ્રંભદ્ર ખોળતા હતા. પ્રસન્નમનશંકરની ઇચ્છા એવી હતી કે લક્ષણ એવું સંપૂર્ણ આપવું કે તેથી રચનારની વિદ્વતા સિદ્ધ થાય. લક્ષણ જડે તો ‘શ્રીયુત પ્રસન્નમનશંકરે કૃપા કરી આ લક્ષણ બતાવી આપ્યું છે’, એવું પુસ્તકની ટીકામાં રચનારે પ્રસિદ્ધ કરવું. એવી તેમની ઇચ્છા હતી. કુશલવપુશંકર અને ડચીમામા પણ આ ચિંતનમાં સહાયક થયા. કુશલવપુશંકર કહે કે ‘દુઃસાધ્યતા એ છે કે જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાનનું શાસ્ત્રરૂપ એક્ય છતાં રૂઢિ તેથી સ્વતંત્ર પ્રવર્તે છે, છતાં માયા પ્રમાણે રૂઢિ ભ્રાંતિ કરાવનાર નથી પણ માન્ય અને પ્રમાણભૂત છે એમ દર્શાવવાનું છે. ઉત્તમ માર્ગ એ છે કે અદ્વૈતવાદનું પ્રમાણ લેવું અને શાસ્ત્ર અને રૂઢિ એ બેનો પરમાર્થ દૃષ્ટિએ અભેદ છે તેથી રૂઢિ શાસ્ત્રનું જ રૂપ છે એમ વ્યાખ્યામાં કહેવું.’
ડચીમામા કહે, ‘મને લાગે છે કે આપણા ઘયડીઆઓએ જ્યારે બહુ વિચાર કર્યો હશે ત્યારે તે વિશે કંઈ લેખ કર્યો હશે. માટે ટાંકા, તળાવ, હવેલીઓ, મંદિરો ખોદાવી નાખી ઊંડી તપાસ કરવી જોઈએ તો ધરતીમાંથી રૂઢિ વિશે જડે ખરું. ત્યાં સુધી આપણાથી રૂઢિ વિશે કંઈ નવું કેમ પ્રસિદ્ધ થાય? વખતે એમનો મત એથી જુદો જ માલમ પડે તેથી, આખો ભરતખંડ ખોદાવી તપાસ કર્યા વિના આ ઉતાવળ થાય છે એમ મારું માનવું છે.’
ભદ્રંભદ્ર કહે, ‘કાળને સીમા નથી ને કોઈ દિવસ પણ એ ખોદાવવાનું કામ પૂરું થઈ રહે એમાં સંશય નથી; તથાપિ ગ્રંથ કરવામાં ધન પ્રવૃત્તિહેતુ છે એવી વિસ્મૃતિ થવી ન જોઈએ, કેમકે તેવી વિસ્મૃતિ માટે પ્રમાણ નથી. તો પછી પૂર્વજોનો રૂઢિઓ બાંધવામાં શો આશય હશે એ જાણવાની આવશ્યકતા રહેતી નથી, જે આપણને, ઠીક લાગતો હોય અને જેથી આપણો પક્ષ સબળ થતો હોય, તે તેમનો આશય ઠેરવવો એ આપણી પ્રવર્તમાન યુક્તિ છે. વળી બહુ શ્રમ કરવો પડે નથી, કેમકે આપણા પૂર્વજોના જે આશય તેઓને અજ્ઞાત હતા તથા આપણને પણ અજ્ઞાત છે, તે અમિરિકામાં થિયોસોફિસ્ટ લોકોને જડ્યા છે અને અપૂર્વ છે, તે છતાં તે ગ્રહણ કરતાં વાધો નથી. આપણા દેશમાં બનતા વાસણ હવે વિલાયતથી બનીને આવે છે. તે લેવાની સુધારાવાળા ના નથી પાડતા તો પછી આપણી રૂઢિઓનાં કારણ અમેરિકાથી થિયોસોફિસ્ટ લોકો બનાવી કહાડીને મોકલે તે લેવાની આપણે શું કામ ના પાડીએ? અને કંઈ નહિ તો પછી પ્રાણવાયુથી ક્યાં બધાનાં કારણ જોડી કહાડતાં નથી? મારો તો મત એ છે કે એ કારણો શોધવા કરતાં શાસ્ત્રનાં પ્રમાણ શોધી કહાડવાં. જેટલાં શ્લોક એટલાં શાસ્ત્ર છે એટલે એમાં ક્દી કઠિનતા નહિ પડે. કારણો, આશય, લાભાલાભ એ સહુ જોવાથી શાસ્ત્ર પર વિશ્વાસ કંઈક ઓછો થાય છે અને અંતે કંઈક કર્તવ્યની વિસ્મૃતિ થાય છે. અન્નદેવનો અનાદર ન કરવો એ શાસ્ત્રાજ્ઞા અનુસરવા માટે જ આપણે દ્વિજવર્ગ નિત્ય ભોજન કરીએ છીએ. માત્ર કારણ જોનારા, ખાવાથી લાભ છે કે નહિ એમ વિચારનારા શૂદ્ર ભિખારીઓ શાસ્ત્રાજ્ઞા નથી જાણતા, તેથી જ ઘણી વાર ભૂખ્યા પડી રહે છે. લાભાલાભની પરિક્ષા કરવાની અગત્ય જ નથી. તેથી રૂઢિદેવીને અનુસરવામાં આંખો મીંચી ઘસડાયા જવું એમ આપણા પૂર્વજો કહી ગયા છે.’
પ્રસન્નમનશંકર કહે, ‘ધનથી ઇતર લાભાલાભસ્ય ઉપરિ દૃષ્ટિ કરવાનું શાસ્ત્રેષુ વિહિત નથી અને ધનવ્યવહારમાં આપ વદો છો તેમ આંખો બંધિત રાખવાનું આવશ્યકતાનું છે. એવ. તસ્માત્ હમણાં રૂઢિની વ્યાખ્યા પ્રસિદ્ધ કરવામાં બાધ નથી પણ કોઈ ભૂલ શોધી કહાડી અસ્માકં દોષ ન દર્શાવે માટે એવે યુક્તિ ક્રિયતામ્ કે એક વ્યાખ્યા વર્તમાનપત્રેષુ મુદ્રિત કરવો કે ‘કશ્ચિત્ એકદા અજ્ઞાન, પણ અધુના સુબુદ્ધિ સુધારાવાળો આર્યપક્ષમાં ભળી રૂઢિની આવી વ્યાખ્યા આપે છે. તેમાંની સકળ અપૂર્ણતા લખી મોકલનારને આટલું પારિતોષિક આપવામાં આવશે. જે ભાગ જેને સત્ય જણાય તેણે તેટલું પણ જણાવવું’ એથી સર્વેષાં મત આવી મળવાથી તેની સહાયતા વડે આપને નિશ્ચિંતપણે અસ્માકં વ્યાખ્યા રચીશું’
આ યુક્તિથી સર્વ પ્રસન્ન થયા. વ્યાખ્યા સુધારાવાળાના નહિ પણ આર્યપક્ષના દ્રષ્ટિબિંદુ, ઘડવાની હતી તેથી ઝાઝી હરકત પડી નહિ, મંત્રણા કરતાં અંતે નીચેની વ્યાખ્યા પત્રોમાં છપાવવાનું ઠર્યું:
“રૂઢિ તે આર્ય સમય સમય અને સ્થાન સ્થાનની ભિન્નતાને અનુસરી અને સનાતન શાસ્ત્રોનું વેદધર્માનુયાયી ઐક્ય જાળવી સર્વ દેશકાળને અનુકૂળ થયેલી, પણ એક અચળ ધ્રુવ રહેલી, લોકોને આચારવિચાર, ભોજન, પાન, ઇંગિત ચેષ્ટા, ગાયન, નૃત્ય, વાચન, લેખન, જ્રાંભણ, છિક્કાકરણ, પર્યટન, જનન, મરણ, વિવાહસ્ય, કરણ, નિરાકરણ, ભજન, પૂજન, દાયસ્ય, પ્રાપન, અપહરણ, સ્નાન, મુંડન, પરિધાન, આચ્છાદન, વચન, દર્શન, વેપન, ઘર્ઘરાયણ, શયન, જાગરણ, લંઘન, ભૂતગ્રસન, ધ્યાન, માર્જન, વ્યવહાર, વૈરાગ્ય એ સર્વમાં બિદ્ધિના ઉપયોગ વિના, ચક્ષુના ઉદ્ઘાટન વિના, શાસ્ત્ર નિરીક્ષણ વિના, વિવાદના પ્રયત્ન વિના, ગૌરવની ગણના વિના, અવમાનના ખેદ વિના, સુખની અપેક્ષા વિના, ઉન્નતિની ચિંતા વિના, વિરોધિતાના ભાન વિના, લાભના દર્શન વિના, સારાસારના વિવેક વિના, મૂઢ ભાવથી પૂજ્ય બુદ્ધિથી અને અકારણ ગર્વથી આર્યોને પ્રવર્તાવનાર, દિવ્ય, માનનીય શાસ્ત્રવિમુખ છતાં શાસ્ત્રરહસ્ય, ભૂત, ભક્તજનોના હસ્તપદ માટે લોહશૃંખલા અને કંટ માટે વધસ્તંભ ધારણ કરનાર દેવીરૂપ પ્રસિદ્ધ સંપ્રદાય, તે લતાપ્રહારથી પ્રવૃત્તિ કરાવે, મુખરોધનથી નિવૃત્ત કરાવે, મૂર્ખ દ્વારા સુવિચારનું હાસ્ય કરાવે, અંધ દ્વારા સુમાર્ગનો પ્રતિબંધ કરાવે, અનક્ષર વર્ગને મુખરિત કરે, વિદ્વદવર્ગને મૂક કરે, એવા એવા અનેક ચમત્કારથી આર્ય દેશના અપૂર્વ અંધકારમય દીપ થઈ રૂઢિ જગતને વિસ્મયથી ચકિત કરે છે. એનો પ્રભાવે એવો છે કે તેના સેવકો દુઃખ કરતાં તેના કોપથી વધારે ડરે છે; સુખ કરતાં તેના પ્રસાદ વધારે ઈચ્છે છે, ડહાપણ કરતાં તેનું અનુસરણ વધારે શ્રેયસ્કર ગણે છે, તેના સેવકો તેની ભક્તિમાં લીન થઈ રૂઢિશત્રુઓનાં સુખ સાધવાનો યત્ન વ્યર્થ કરી તેમની નિંદા, ઉપદ્રવ અને બહિષ્કારથી પીડે છે. અધોગતિને કલ્યાણ કહેવડાવનાર, પાપને પુણ્ય ગણાવનાર, મલિનને શુદ્ધ મનાવનારા, વિચ્છિન્નને અખંડ સ્વીકારાવનાર, અયુક્તને વૈદગ્ધ્વક્ત અંગીકાર કરાવનાર તેનો મહિમા અધરોત્તર છે.”
આ જાળ પાથરી તેમાં સંખ્યાબંધ પક્ષીઓને આવી પડતાં વાર લાગે તેમ હતું. કેટલાંક તો પકડયા વિના ઊંચેથી આવી જાળ પાથરનારને માથે ચાંચ મારી જશે એવી ભીતિ હતી. તેથી ધૈર્ય ધરી અને સાવધાન થઈ વાટ જોવાની જરૂર હતી. એ યુક્તિથી વિધિ પૂરો થાય તે દરમિયાન ભદ્રંભદ્રે રૂઢિ માટે શાસ્ત્રનાં પ્રમાણ એકઠાં કરવા માંડ્યા. ઘણાંખરાં પ્રમાણમાં રૂઢિને પુષ્ટિ આપવા સારુ ફેરફાર કરવાના હતા અને કેટલાક તો નવાં જોડી કહાડવાનાં હતાં. ભદ્રંભદ્રે વ્યાકરણના વાદ વિશે ઘણે ઠેકાણે ઘોષ કર્યા હતા, પણ તેમનો એ વિષયમાં ઝાઝો પ્રવેશ ન હતો. કોઈ સામો વ્યાકરણના વાદમાં ઊતરવા આવશે તો મ્લેચ્છ, યવન, શૂદ્ર, ચાંડાલાદિના સાંનિધ્યમાં મુહૂર્ત વિના કે મિષ્ટાન્નની આશા વિના ભૂખ્યે પેટે શાસ્ત્રનું વચન ન બોલાય એવું બહારનું કહાડી જોઈ લેવાશે એમ તે હિંમત રાખતા હતા. અને હજી લગી જટાધારી શંકરે એમની લાજ રાખી હતી. પણ પ્રમાણોની હાથચાલાકીમાં તો વ્યાકરણનું જ્ઞાન જોઈએ. કુશલવપુશંકર આ સહાયતા આપવાને રાજી હતા તેથી ભદ્રંભદ્ર અડધો પગાર પહેલેથી મળે તેનું વ્યાજ તેમને આપવાનો ઠરાવ કરી, એમ સહાય થવાથી પ્રસન્નમનશંકરે રજા આપી. પ્રમાણના ફેરફારમાં બહુ અગત્યના વિષયો આવ્યા. ભદ્રંભદ્રને હંમેશ એક વાદનો વિષય એ હતો કે કેટલાક આર્યપક્ષવાદીઓ પણ સુધારાવાળાથી અંજાઈ જઈ બાળલગ્નની વિરુદ્ધનાં પ્રમાણ કબૂલ કરે છે. અને તેથી કરીને આર્યદેશની હાલની વ્યવસ્થાની સંપૂર્ણતામાંથી ઓછું કરે છે, તે સારું એમ ઠરાવ્યું કે પ્રમાણગ્રંથોમાં લગની વયમાં જ્યાં “ષોડશ” હોય ત્યાં સર્વ ઠેકાણે “દ્વાદશ” કરવું; અને “વર્ષ”ને ઠેકાણે સર્વ સ્થાને “માસ” કરવું; અને એ રીતે “અષ્ટમાસા ભવેદ્ગૌરી” ઈત્યાદિરૂપે એ પ્રસિદ્ધ શ્લોક ટાંકી કન્યાનું લગ્ન અવશ્ય દસ માસની ઉંમર પહેલાં કરી નાખવું જોઈએ એમ પ્રમાણથી સિદ્ધ કરવું. કુશલવપુશંકરની સલાહથી એટલું ઉમેરવું ઠર્યું કે ‘માસ’ ને સ્થાને ‘વર્ષ’ એ પાઠાંતરનો આગ્રહ કરવામાં આવે તો પણ ‘વર્ષ’ તે ‘વર્ષાંગ’. અર્થાત્ માસના અર્થમાં લેવાનું છે અથવા વર્ષ એટલે જલનું પ્રોક્ષણ અથવા સેચન લેવું અને તે સેચન નવા જન્મેલા બાળક પર પ્રતિમાસે કરવાનું વિહિત હોવાથી ‘અષ્ટવર્ષા’ એટલે આઠ સેચનવાળી અર્થાત્ આઠ માસની કન્યા એમ સમજવું. આ પ્રમાણે ઘણાં પ્રમાણોના પાઠ પર ક્રિયા થઈ. બ્રાહ્મણોની જ્ઞાતિઓમાં પરસ્પર ભોજનવ્યવહારના નિષેધ માટે પ્રમાણ નથી તેથી આર્યપક્ષને ઘણું વૈષમ્ય નડે છે અને સુધારાવાળા બહિષ્કારથી પીડાતા છતાં શાસ્ત્રાર્થમાં જીતે છે, માટે ઠર્યું કે એમ પ્રસિદ્ધ કરવું કે નરનારાયણ સ્મૃતિમાં આવો શ્લોક આપ્યો છે:-
ब्राह्मणो ब्राह्मण द्रष्टवा श्वानवत् धुर्घुरायते।
न कर्षति मुखात् स्वाद्यं तस्माच्छुनो द्विजो वरः॥
“બ્રાહ્મણ બ્રાહ્મણને જોઈ કૂતરાની પેઠે ઘૂરકે છે (ભોજન દક્ષિણાદિની સ્પર્ધાથી): (પણ કૂતરા પેઠે સામાના) મુખમાંથી ખાવાનું ખેંચી લેતો નથી, તેથી કૂતરાથી બ્રાહ્મણ સારો તાત્પર્યાર્થ એ કે બ્રાહ્મણની ભિન્ન ભિન્ન જાતિઓમાં ગમે તેટલી સ્પર્ધા, છતાં તેઓ એકબીજાનું ખાતા નથી, એમાં જ બ્રાહ્મણનું શ્રેષ્ઠત્વ છે; જુદી જુદી નાતોવાળા એકબીજાનું ખાય તે કૂતરા જેવા છે.”
આ રીતે જોડી કાઢેલા બધા નવા શ્લોક નરનારાયણ સ્મૃતિને નામે પ્રવર્તાવવા અને નારાયણે (શ્રી કૃષ્ણે) શ્રીમદ્ ભાગવદ્ગીતાના અગિયારમા અધ્યાયમાં નરને (અર્જુનને) બહુમુખ અને નેત્રવાળું અને ઘની દાઢોથી એવું ભયંકર પોતાનું વિશ્વરૂપ દેખાડ્યું ત્યારે બગાસું ખાતાં ખાતાં શ્રી કૃષ્ણના મુખમાંથી આ સ્મૃતિ નીકળી ગઈ તે ઉચ્છવાસથી ઊડી ગયેલી પાછી હાથ લાગેલી છે એમ તેનું પ્રમાણ કરવું એમ નક્કી કર્યું.
૧૦. વંદાવધ
આ દેશસેવાના મહાકાર્યમાં ભદ્રંભદ્ર ગૂંથાયા હતા. એવામાં અમદાવાદથી ચોંકાવનારી ખબર આવી. અમે મુંબાઈમાં ધર્મચર્ચા અને શાસ્ત્રવિવાદમાં આનંદથી તલ્લીન થઇ દિવસ કહાડતા હતા. ત્યારે અમારા સ્વપ્નમાંએ નહોતું કે ઘેર આવો ખળભળાટ થઇ રહ્યો હશે. આ સૄષ્ટિની રચના જ એવી છે કે ભારે વિષમ ઊથલપાથલો આપણા અજાણમાં પરિણામ લગી આવી પહોંચે છે,એથી જ વિવર્તવાદમાં જ્ઞાન-અજ્ઞાનનો પારમાર્થિક અભેદ કહ્યો છે. હજી એક વર્ષ મુંબાઇ રહેવાનો ભદ્રંભદ્ર વિચાર કરતા હતા અને પ્રસન્નમનશંકરના દિવસે દિવસે મંદ થતા જતા આગ્રહ છતાં જુદું ઘર શોધવાની તજવીજ કરતા હતા કે જ્યાં તે પાછા પોતાના જ તેજથી પ્રકાશી શકે, અને ભક્તવૃંદના એકમાત્ર પૂજ્ય થઇ રહે. પણ એ તેજ ક્ષીણ થવાનું હશે, એ ભક્તિ શિથિલ થવાની હશે, એ સર્વે યોજના ધૂળમાં મળવાની હશે, તેથી એકાએક વિચાર બદલી નાખવો પડ્યો. ઘેરથી આવી ત્રાસદાયક ખબર આવ્યા પછી પણ વિદેશ રહેવું એનું શાસ્ત્રમાં પ્રમાણ નહોતું. ઘરવાળાં પણ એવાં કે છેક હાથથી બાજી ગઇ ત્યાં લગી કંઇ સમાચાર જ ન મોકલ્યા. પરગામ શું કામ ચિંતા કરાવવી એમ તેમણે ધાર્યું હશે, પણ એમ કરી ચિંતા હજારગણી વધારી. પ્રસન્નમનશંકરના જન્મદિવસે મિષ્ટાન્ન બનાવ્યાં હતાં.
ભોજન તૈયાર હતું. સર્વ સ્નાન કરી રહ્યા હતા. કુશલવપુશંકરની બે કલાકની સંધ્યાને મારા પેટમાંના કૉળ ખાઇ જવા કૂદતા હતા. મોદકનો પુંજ તેમના સંકલ્પને પણ ત્વરા કરાવતો હતો. એવામાં એકાએક ટપાલવાળો પત્ર લાવ્યો. ભદ્રંભદ્ર પર પચીસ પત્ર અમદાવાદના હતા. એકે પર ‘શુભ છે’ એવું લખ્યું નહોતું. એકેએક પર ‘જલ્દી હાથોહાથ પહોંચે’, ‘ઉતાવળનો છે’,’જરૂરી’ એવી અમંગલ સૂચનાઓ હતી. મ્લેચ્છાદિના સ્પર્શથી દૂષિત થયેલા પત્રોને એ માટે ખાસ જુદા કરી મૂકેલા ઠીકરાના કૂંડામાં પાણીમાં પા કલાક પલાળી રાખી, પા કલાક અગ્નિ પર ધરી પાવન કરી ભદ્રંભદ્રે હાથમાં લઇ તે ઊઘાડ્યા. વાંચવા માંડ્યું. પ્રથમ આતુર જણાયા. પછી ચમક્યા, પછી ગાલે શેરડા પડ્યા, મ્હોં લેવાઇ ગયું, આંખમાં ઝળઝળિયાં આવ્યાં. પત્ર નાખી દીધો. ફરી લીધો. ફરી નાખી દીધો. બીજો પત્ર વાંચવા માંડ્યો. તેની પણ એ જ અસર, ત્રીજો લઇ દીર્ઘ નિ:શ્વાસ મૂક્યો. અમે સર્વ ગભરાયા. મિષ્ટાન્ન બગડવાની ચિંતા કરવા લાગ્યા. કંઇ નહાવાનું હશે તો ફરી નહાવાનું પાણી ઊનું કરાવતાં કેટલી વાર લાગશે તેનો વિચાર થવા માંડ્યો. એવામાં ભદ્રંભદ્રે ઊભા થઇ , પગ ઠોકી, દાંત પીસી ઉદ્ગાર કર્યો; ‘એનો ઉપાય હું કરીશ. પક્ષપાતી નહિં થાઉં. મારો સગો બાપ કેમ ન હોય. મેં કંઇ આર્યપક્ષ નકામો લીધો નથી. હું અત્યંત ક્રોધાવિષ્ટ છું. મારાથી વધારે નહિ બોલાય. અંબારામ, લે આ વાંચીને બધાને ખબર કર.’
પ્રસન્નમનશંકરની ગંભીરતા પણ દૃષ્ટિને લઇ મોદક પરથી મારા તરફ વળી. દૂધપાકમાં કોયલા પ્રમાણે વિસ્મયમાં જિજ્ઞાસા તરતી જણાવા લાગી. કાગળો વાંચી રહી મેં સર્વને ખબર કરી કે, “ભદ્રંભદ્રનો ભાણેજ મગન અગિયારસને દિવસે રાત્રે દીવો લઇ પાઠ કરવા બેઠો હતો. કંઇક ભેજથી આકર્ષાયેલો એક વંદો (ઝલ) ઓરડામાં આવી દીવાની અને મગનની આસપાસ ફૂદડી ફરવા લાગ્યો. મગનની ચોપડી પર, માથા પર, નાક પર, અનેક સ્થળે તે સ્પર્શ કરવા લાગ્યો. તેની પાંખોનો ફ્ડફડાટ ઠેરઠેર થવા લાગ્યો. તેની લાંબી મૂછોના ઓળાની ભીંત પર લીટીઓ પડવા લાગી. મગન એકલો હતો. જગતમાં સર્વ કોઇ એકલું જ છે તે ભૂલી ગયો. બીવા લાગ્યો. ‘શિવોઙહં’ એ જ્ઞાનનો આનંદ જાણનાર કદી બીતો નથી. એ તેના ધ્યાનમાં જ ન આવ્યું. ગભરાયો ને અકળાયો. તત્વજ્ઞાનની ઇચ્છા રાખનારે સર્વત્ર સમચિત થવું જોઇએ એ ઉપદેશની ખોટ તેને નડી. અમંગળ ઘડીએ, દુર્ભાગ્ય રાત્રે, નાશકર સંયોગે, નહિ રૂઢિ-આજ્ઞા વિચારી, નહિ જ્ઞાતિકોપ ગણ્યો, નહિ વેદવાક્ય સ્મર્યા. કુલનો નાશ કરવા તે દુર્બુદ્ધિએ લૂગડામાં વંદાને પોલે હાથે પકડી બારીએથી નીચે નાખી દીધો. નીચે એક બિલાડી ભૂખી ડાંસ જેવી ઊભી હતી. વંદો પડ્યો સાંભળી તે ઊઠી અને તેને પકડી ઝપાટામાં ખાઇ ગઇ. અબ્રહ્મણ્યમ્ ! અબ્રહ્મણ્યમ્ ! કમનસીબ મગન તો કંઇ જાણ્યા વિના પાછો પાઠ કરવા બેઠો. પણ સોમેશ્વર પંડ્યા પોતાના પાડોશીને ઓટલે છાનામાના સાપ નાખી જવા આવ્યા હતા, તેમના જોવામાં સરકારી ફાનસને યોગે આ અનર્થ આવ્યો. તે મગનના ઘરમાં ધસી આવ્યા. મગનની ડોસીને બૂમ પાડી. મગનને નીચે ઉતાર્યો.બન્નેને ધધડાવ્યાં, ધમકાવ્યાં. ડોસી માગતા રૂપિયાની ઉઘરાણી કરતી હતી. તે વાત સંભારી, મગનના મહોટા ભાઇએ ગંદકીની વાત કોઠાના ઇન્સ્પેકટરને કરી હતી, તે બોલી ગયા. મહોલ્લો ભરાઇ ગયો. મગનને સાત વાર નહવડાવ્યો. જનોઇ બદલાવવા ગોર આવ્યો પણ મગનનો ભાઇ અંગ્રેજી ભણેલો હતો તે સામો થયો. સોમેશ્વર પંડ્યા પર ગૃહપ્રવેશની ને નાલેશીની ફરિયાદ કરવાની તે બીક બતાવવા લાગ્યો. તેણે સિપાઇને બોલાવી સોમેશ્વર પંડ્યાને બહાર કહડાવ્યા. મગનને જનોઇ નહિ બદલવાની આજ્ઞા કરી. સવારે આખી ન્યાતમાં વાત ફેલાઇ ગઇ. બજારમાં એ જ ચર્ચા થવા લાગી. કોઇ વર્તમાનપત્રમાં આવ્યું કે મગને ઉંદર બાફીને ખાધો. કોઇ માં છપાયું કે મગને બિલાડી દોડાવી ભોંયરામાંના નાગનું ખૂન કરાવ્યું. કોઇમાં પ્રસિધ્ધ થયું કે મગને બંદૂકની ગોળી મારી સાપ માર્યો. અમદાવાદમાં હાહાકાર થઇ રહ્યો. ન્યાતવાળાને મન જગતમાં હાહાકાર થઇ રહ્યો. હિંન્દુસ્તાનના શુભ કર્મનું ફળ પૂરું થઇ રહ્યું. અમદાવાદમાં ચોરાશીઓ બંધ થઇ, નાતો જમતી અટકી.નદીકિનારે સવારે ભૂખ્યા બ્રાહ્મણોની ભીડ વધવા લાગી. રાતે શહેરમાં ચોરીઓ થવા લાગી. કોળીઓને ખાતર પાડવામાં રોજગાર રહ્યો નહિ. ભદ્રંભદ્રની ન્યાત ઉપરાઉપરી મળવા લાગી. શું કરવું તેના વિચારમાં રાત નીકળી જાય, પણ કાંઇ નિશ્ચય સૂઝે નહિ. મગનને નાતબહાર મૂકવાનું સર્વ કોઇ કહેવા લાગ્યા. ભદ્રંભદ્રને હવે અમદાવાદ ગયા વિના ચાલે તેમ નથી.
આ ખબર સાંભળી પ્રસન્નમનશંકરે પણ અમને એ જ સલાહ આપી કે હવે તો ઝટ અમદાવાદ જવું. રાતની ગાડીમાં નીકળવાનું ઠર્યું. અમને હવે પેટમાં ભૂખ નહોતી, પણ પ્રસન્નમનશંકરને ખોટું ન લાગે માટે જેમ તેમ કરી દશ દશ લાડુ ખાઇ ઊઠી ગયા. મુંબાઇમાં ધારેલા બીજાં કામ પડતાં મૂકવાં પડ્યાં. શિંગોડાં અને ધૂમ્રપુરાણના નિર્ણય કરવાની યોજના એમ ને એમ રહી ગઇ. હજી મુંબાઇમાં સ્થળે સ્થળે ભાષણ આપવા અને દુષ્ટ સુધારાવાળાને સંપૂર્ણ રીતે પરાભૂત કરવાની ભદ્રંભદ્રની ઇચ્છા હતી, પણ માણસનું ધાર્યું કંઇ થતું નથી. રૂઢિપ્રશંસાની કૃતિ અધૂરી રાખવી પડી. એ કામમાં ભદ્રંભદ્ર એવા ગૂંથાઇ ગયા હતા, તેની ચર્ચા કરવામાં રાત-દિવસ એવા વ્યાપૃત રહેતા હતા કે વર્તમાનપત્રો પણ વાંચ્યાં નહોતાં. વાંચ્યા હોત તો અમદાવાદની ખબર કંઇ પડી હોત. ઘરથી બહાર પણ નીકળ્યા નહોતા. પણ હવે બીજા જ ઉધમમાં ગૂંથાવાને ચાલ્યા. એક વાર હરજીવનની ભાળ કહાડવાની અને તે ખરેખર લુચ્ચો જ હોય તો તેનું તરકટ બહાર પાડવાની ભદ્રંભદ્રને બહુ ઇચ્છા હતી. પણ હવે કશાનો વખત નહોતો. જેટલો વખત રહ્યો હતો તેટલામાં એક-બે શાસ્ત્રીઓને મળી તકરારી વિષય પરનાં શાસ્ત્રવચનો પૂછી લીધાં અને લખી લીધાં.
રાત્રે અમદાવાદ તરફ આગગાડીમાં બેસી ઊપડ્યા. ગાડી ઊપડી એટલે ભદ્રંભદ્ર બોલ્યા કે, ‘અંબારામ, શી આ સંસારની વિચિત્રતા છે ! કેવી જયવંત આશાથી હું મોહમયીમાં આવ્યો હતો ! કેવી ખિન્ન વૃત્તિથી હું મોહમયીથી પાછો જાઉં છું ! મહાપુરુષો તો સંપત્તિમાં અને વિપત્તિમાં એકરૂપ રહે છે તથા હાલ હું પણ તે સમયની પેઠે હરું છું, ફરું છું અને માણસ જેવો દેખાઉ છું. સાધારણ મનુષ્યો તો વિપત્તિમાં કોણ જાણે કેવા થઇ જાય. પણ નિશ્ચય માનજે કે હું કર્તવ્ય ચૂકવાનો નથી. હું અચળ રહીશ. વિપત્તિથી ગભરાઇશ નહિ. યજમાન મરણ પામ્યા છતાં બ્રાહ્મણ મોદકની કે દક્ષિણાની આશા મૂકતો નથી. બિલાડીએ ઝાલ્યા છતાં ઉંદર જીવનની આશા મૂકતો નથી. સૂર્ય અસ્ત થયા છતાં ઘુવડ આનંદની આશા મૂકતો નથી. હું પણ દઢ રહીશ. હું આર્ય ધર્મનો પક્ષ નહિ છોડું. સનાતન ધર્મ હું સિદ્ધ કરીશ, વેદધર્મ હું પ્રતિપાદન કરીશ અને તે જોડે હું મારું હિત સાચવીશ. મારો પ્રભાવ જોઇ લેજે.’
ગાડીના ગડગડાટમાં ભદ્રંભદ્રના આ શબ્દ બ્રાહ્મણના લોભમાં અદૃશ્ય થતા જ્ઞાન પ્રમાણે લીન થવા લાગ્યા. ચિંતાતુર દશામાં ઊંઘ આવે તેમ નહોતું તેથી સૂઇ જવાને બદલે બેઠાં બેઠાં ઝોકાં ખાવામાં અમે રાત કહાડી.
ભોજન કરતાં ક્ષુધા જાય તેમ ગાડી ચાલતાં રાત જણાયા વિના જતી રહી. પાશ્ર્ચાત્ય જડવાદની ભ્રષ્ટ રીત પ્રમાણે કૂકડા બોલતા સંભળાયા વિના વહાણું વાયું અને દાતણ કર્યા વિના દહાડો ચઢયો. દિવસ તપવા માંડ્યો તેથી અમદાવાદ આવ્યું, કે અમદાવાદ આવ્યું તેથી દિવસ તપવા માંડ્યો તે સમજણ ન પડી. પણ એટલી તો ખબર રહી કે અમારાં હ્રદય તો તે કારણોથી સ્વતંત્ર જ તપતાં હતાં, અમારાં એકલાનાં જ હ્રદય તપ્ત નહોતાં, ઇંજનનું હ્રદય પણ તપ્ત હતું. પૈડાંનું હ્રદય પણ તપ્ત હતું, આર્ય ધર્મનો ચમત્કાર જ એવો છે કે એકની ભ્રષ્ટતા સર્વ કોઇને તપ્ત કરે છે. માટે જ શાસ્ત્રમાં આવે વખતે સ્નાન કરવાનું લખ્યું છે.સ્ટેશન પર સર્વ જનો શૂન્યચિત્ત ફરતા જણાતા હતા. અમારા તરફ કોઇએ દૃષ્ટિ પણ ન કરી. દૃષ્ટિસુખની તો હવે આશા જ મૂકી હતી. દેખતાં છતાં ન દેખતાં અમે ઊતરી સ્ટેશન બહાર આવ્યા.
ભદ્રંભદ્રે ધાર્યું હતું કે વખતે સ્ટેશન પર કોઇ પાણી લઇ નહવડાવવા આવ્યું હશે, પણ કોઇ નહોતું આવ્યું તેથી સાંભર્યું કે, મૃત્યુ સરખે બીજે અમંગળ પ્રસંગે આપણે જીવતા રહેલા અશુચિ થઇએ તેથી સ્નાન આપણે કરવાનું હોય. પણ સુધારાના મોહથી થયેલે આવે વિપરીત પ્રસંગે તો ભ્રષ્ટાચારથી મૂવેલા હોય તે અશુચિ થાય તેમને સ્નાન કરવાનું હોય. આમ શાસ્ત્રાર્થ બરાબર બેઠા તેથી અમે ઘર તરફ ચાલ્યા, રસ્તામાં ભદ્રંભદ્રના મનમાં વંદો જ રમી રહ્યો હતો, રસ્તે દોડતી ઘોડાગાડીઓ વિષે ઘડી ઘડી વંદાગાડીને નામે તે વાત કરતા હતા. મને દસ વાર અંબારામને બદલે વંદારામ કહી બોલાવ્યો. મુંબઇથી નીકળ્યા ત્યારથી અમદાવાદને વંદાવાદ કહેવાઇ જવાતું હતું. રસ્તામાં પથરો કે કાંઇ પણ કાળી વસ્તુ દેખે તો રખેને વંદો હશે ને છૂંદાઇ જશે તો હત્યા લાગશે એ બીકથી પાઘડીએ હાથ મૂકી બે પગે તે પરથી અધ્ધર કૂદકો મારી અગાડી જતા હતા. મચ્છરથી કાગડા સુધીના કોઇ પણ ઊડતા પ્રાણીને બહુ સાવચેતીથી પોતાથી દૂર કહાડતા હતા.
શહેરને દરવાજે મ્યુનિસિપાલિટીના વેરા માટે હું પોટલાં છોડી બતાવતો હતો તે દરમિયાન ભદ્રંભદ્રે નાકેદારને પ્રશ્ન કર્યો કે શહેરમાં કેટલા વંદાની વસ્તી છે, કેટલા હરરોજ જન્મે છે, કેટલા હરરોજ મરે છે અને કેટલાનાં શબ દરવાજેથી જાય છે, નાકેદાર એકે પ્રશ્નનો ઉત્તર આપી શક્યો નહિ, તેથી ભદ્રંભદ્ર કોપાયમાન થયા. નાકેદારને મફતનો પગાર ખાનારો કહ્યો, સહુ કોઠાવાળાને નાલાયક ઠેરવ્યા અને અનુમાન કર્યું કે સુધારાવાળાના દબાણને લીધે આર્ય ધર્મને યથાયોગ્ય સહાયતા થતી નથી. દરવાજે ઊભેલા અને અટકાવેલા લોકો વંદાની હત્યા વિશે વાતચીત નહોતા કરતા, તેથી ભદ્રંભદ્રને બહુ નવાઇ લાગી. ક્રોધથી ઉત્તેજિત, ખેદથી મંદ, કૌતુકથી અધીર અને આશ્ચર્યથી ચકિત થઇ તે કંઇક શિથિલતા તજવા લાગ્યા. અપમાન કરવાની તૈયારીમાં આવેલા નાકેદારનો અને મૂઢ થઇ સામું જોઇ રહેલા લોકોનો પરાભવ કરવા વાગ્બાણ વાપરવા તેમણે નિશ્ચય કર્યો. દરવાજેથી જનારાને પણ શહેરમાં પેસતાં પહેલાં વંદાના વિગ્રહની બાબતમાં ખરી વાત સમજાવવાની જરૂર હતી કે તેઓ પક્ષપાતી ન થાય. સર્વનું ધ્યાન ખેંચાય એવે ઠેકાણેથી બોલવાનું હતું. એક ગાડાવાળો ચિટ્ઠી કરાવવા ગયો હતો. તેથી તેના ગાડા પર ચઢતાં હરકત પડે તેમ નહોતું. શ્રીરામચંદ્રના હનુમાનવાળા અનુયાયીની ચંચળતાનું અનુકરણ કરી એકદમ કૂદકો મારી ગાડા પર ચઢી ગયા. ગાડામાં ભરેલા અનાજ પર ઊભા રહી બોલવા લાગ્યા કે, ‘આર્યો ! સાંપ્રતકાળમાં અનાર્ય થયેલા આર્યો ! દુર્દશામાં મગ્ન રહેવાનો જ શું તમારો સંકલ્પ છે ? આર્યભૂમિની પવિત્રતા શું તમારે નિર્મૂળ કરવી છે ? વેદધર્મનું શ્રેષ્ઠત્વ વિચ્છિન્ન કરવાની શું તમારી ઇચ્છા છે ? પાશ્ચાત્ય જડવાદના મોહમાં આર્યો ચૈતન્યવાદની શું અવજ્ઞા જ કરશો ? નગરમાં રસ્તા કેટલા છે તે મ્યુનિસિપાલિટી ગણે છે. નગરમાં મસીદ કેટલી છે તે સરકાર ગણે છે. નગરમાં રૂપિયા કેટલા છે વેપારી ગણે છે. અરે ! આ તો મિથ્યાભાસી જડપદાર્થો છે તે કેમ કોઇ ને સૂઝતું નથી ? અને એ જડપદાર્થો ગણો છો પણ વંદા જેવા ચેતનની કોઇને ગણતરી નથી ? શું એ પર કોઇની દૃષ્ટિ જ થતી નથી ? તેની હત્યાઓ થઇ જાય પણ કોઇને અસર જ થતી નથી ? જડવાદના મોહથી સુધારાવાળા લોભાય છે. પણ શું આખું જગત તેથી લોભાશે ? ચૈતન્યવાદની આમ અવગણના થાય તો પછી મ્યુનિસિપાલિટીઓમાં સ્વરાજ્ય શા કામનું ? આર્યપક્ષવાદીઓને તો આશા હતી કે સ્વરાજ્ય થયા પછી મ્યુનિસિપાલિટીઓ મંદિર બંધાવશે, ચોરાશીઓ જમાડશે અને મહોટા યજ્ઞ કરશે. અરે ! ‘મ્યુનિસિપાલિટી’ એ મ્લેચ્છ ભાષાનું નામ તજી કંઇ અઘટિત આર્ય નામ જો ધારણ કર્યું હોત તો ધર્મશીલ આર્યોને એ મ્લેચ્છ નામના ઉચ્ચારણથી પતિત થઇ નિત્ય પ્રાયશ્ચિત કરવાં ન પડત ! સ્વરાજ્ય થયા પછી સર્વ મ્લેચ્છ શૂદ્ર ચાંડાલ સેવકોને કાઢી મૂકી, બધે સ્થાને બ્રાહ્મણોને રાખ્યા હોત તો કેવું સ્વદેશાભિમાન કહેવાત ! આર્યધર્મનો કેવો જય થાત ! સ્વરાજ્ય માટે કેવા આપણે યોગ્ય જણાત ! પરંતુ અહીં પણ સુધારાવાળા ફાવ્યા જણાય છે. જુઓ, મ્યુનિસિપાલિટીનો આ પતિત સેવક ચૈતન્યવાદની કેવી અવગણના કરે છે. આર્ય પક્ષવાદીઓનો કેવો અનાદર કરે છે, મ્લેચ્છ યવનોના સામાનને અડકી પાછો કેવો ધાર્મિક જનોના સામાનને ભ્રષ્ટ કરે છે ! એ એકેએકના સામાનને અડકીને સ્નાન કરતો હોય તો શું મરી જવાનો હતો ! પણ એ નરકે જાય કે તમે બધા નરકે જાઓ તેની મારે અપેક્ષા નથી. તમે સહુ મનુષ્ય છો. પણ બિચારા અસહાય વંદાનું શું થશે? તેની હત્યાના ઉપાય તમારી મ્યુનિસિપાલિટી નહિ લે, પણ તમે પણ નિર્દય થઇ બેસી રહેશો ? તેના રક્ષણની તમને કંઇ ઇચ્છા જ નથી ?’
આ ભાષણ સાંભળવાને લોકોનો, ગાડાની આસપાસ કંઇ જમાવ થયો હતો. મ્યુનિસિપાલિટીનો નોકર કંઇ અજ્ઞાનથી, કંઇક આશ્ચર્યથી અને કંઇક ક્રોધથી ભદ્રંભદ્રને ત્રાસ કરવાની ચેષ્ટા કરતો હતો. પોલીસનો સિપાઇ તેમને નીચે ઊતરવાનું નિમંત્રણ કરતો હતો, ગાડાવાળો ગાડે ચિઠ્ઠી ચોડી ઉપર આવવાની બીક બતાવતો હતો, આ સર્વથી વિના કારણ ભડકી બળદ ગાડું લઇ નાઠા ભદ્રંભદ્ર ધર્મભ્રષ્ટની ચિંતા મૂકી દઇ સ્થાનભ્રષ્ટ થતા અટકવાની તજવીજ કરવા લાગ્યા. ગાડાવાળો પછાડી દોડ્યો. પોલીસના સિપાઇએ દોડવાની ઉત્સુકતા બતાવી ધીમે ધીમે ચાલી, ‘ખડા રખો’ની બૂમો ગાડા પાછળ દોડાવી. લોકોએ તાળીઓ પાડતાં અને હો હો કરતાં ગાડા પછાડી દોડી બળદને ઊભા રાખવાનું વધારે મુશ્કેલ કર્યું. મેં સામાન સાથે દોડવાની મુશ્કેલી બતાવી, ભદ્રંભદ્રને નીચે ઉતરી પડવાની વિનંતી કરી. ભદ્રંભદ્ર લાંબા હાથ કરી ભાષણ કર્યે જતા હતા, પણ વંદાના, બળદના કે પોતાના, એમાંથી કોના રક્ષણ વિશે ઉપદેશ કરતા હતા તે ઘોંઘાટમાં સંભાળાતું નહોતું. ગાડા પછાડી રસ્તે જનારા લોકોના તર્ક પણ દોડવા લાગ્યા. કોઈ કહે કે દાણ ચૂકવીને નાઠો છે, કોઇ કહે કે વેઠે પકડેલો નાઠો છે. કોઇ કહે કે કોઇને વગાડી ને નાઠો છે. કોઇ કહે કે નાટકવાળો છે. આમ સર્વના તર્ક, શંકા, રમૂજ, આશ્ચર્યને પાત્ર થતી ભદ્રંભદ્રની ગતિ ક્યારે અટકશે, એ સૂર્યચંદ્રની ગતિની ગણતરી કરનારથી પણ કહેવાય તેમ નહોતું, પણ ગાડું એક પથરા પર ચઢી ગયું અને ભદ્રંભદ્ર ઊતરવાનો શ્રમ લીધા વગર ઝપાટામાં નીચે આવ્યા. ધરતીના કાનમાં કંઇક વાત કહી તે ઊભા થયા. દરદ થયા છતાં બિલકુલ વાગ્યું નથી એમ કહી પૂછનારની જિજ્ઞાસા ભંગ કરી. અનેક વિશેષણો ઉચ્ચારતા ગાડાવાળાને મેં આવીને સંતોષ્યો. સમાધાન કરીને અમે ઘેર ગયા.
૧૧. નાત મળી
અહિંસા-શાસ્ત્રાર્થ
રાત્રે મગનના સંબંધમાં પાકો અને છેવટનો વિચાર કરવાને નાત મળવાની છે, એ ખબર સાંભળી ભદ્રંભદ્રે ઉપલા બનાવના ખેદની વિસ્મૃતિ કરી. તેમનો ઉત્સાહ પાછો જાગ્રત થયો. શાહુડી સિસોળિયાં ફુલાવી નીકળે તેમ તે શાસ્ત્રવચનોથી સંનદ્ધ થઈ નીકળ્યા. મગનને આખરે પ્રાયશ્ચિત્ત કરાવી શુદ્ધ કરવો એવો તેમનો વિચાર હતો, પણ નાતવાળા વિરોધીઓને ભારે દંડ લેવામાં ફાવવા ન દેવા એવો તેમનો નિશ્ચય હતો. નાતની દેવીના મંદિરમાં નવ વાગતે નાત મળવાનો ઠરાવ હતો. દશ વાગતાં સુધી કોઈ આવ્યું નહિ. તે પછી અગિયાર સુધી છૂટક છૂટક આવી લોકો કોઈ નથી આવ્યું એમ કહી પાછા આવ્યા. છોકરાઓ બહુ જોરથી ઘંટ વગાડતા હતા અને કોઈ કોઈ વખત ’હે’ બોલાવતા હતા, તેથી જ આજની વિશેષતા માલમ પડતી હતી. આખરે જમાવ થવા લાગ્યો. લોકો આવી ઓટલા પર ખૂણામાં જોડા ગોઠવવા લાગ્યા, કોઈક અંદર બેસીને પ્રસ્તુત વિષય સિવાય બીજી અનેક બાબતોની વાતો કરવા લાગ્યા. કોઈ બહાર ઊભા રહીને ભદ્રંભદ્ર તરફ આંગળી કરી છાનામાના વાતો કરવા લાગ્યા. કોઈક મોડું થવા માટે પોતા વિના બીજા બધાનો દોષ કહાડવા લાગ્યા. કોળાના ભાવની વાત પરથી કાછીઆના, ધંધામાં કમાવાનું કે નહિ એ વાત ચાલી; તે પરથી કાછીઓ ચતુર કે કુંભાર ચતુર, તે પર વાત ચાલી, તે પરથી કોડિયામાં દાળ સારી લાગે કે વાડકામાં તે વાત ચાલી; તે પરથી ચીનાઈ માટીનાં ચલાણાં કેટલા જલદી ફૂટી જાય છે તે વાત ચાલી; તે પરથી કોઈએ પ્રશ્ન કર્યો કે ચીનાઈ માટીનાં ચલાણામાં ચાહ પીવાની શાસ્ત્રમાં આજ્ઞા છે કે નહિ. ચર્ચા વધતાં સુધારો કેટલો વધી ગયો છે અને કેટલી ભ્રષ્ટતા થઈ છે એવી કોઈએ ટીકા કરી. તે પરથી કોઈ એ કહ્યું કે નાતમાં માટી પીરસાય એટલું જ બાકી છે. કોઈ બોલ્યું કે ’હત્યા કરવાનો તો આરંભ થયો છે. બિલાડી ઉંદરનો શિકાર કરે તો બ્રાહ્મણ વળી બીજા કોઈનો શિકાર કરે.’ વંદાનું નામ જ બાકી હતું, ત્યાંથી બધા અટક્યા. અગાડી વિષય લંબાવવો કે નહિ તે વિચારી સર્વ એકબીજાની સામું જોવા લાગ્યા. અકસ્માત પ્રસ્તુત વાત આવી ગઈ કાંખ જાણી સર્વ ખેંચાયા. એવામાં સોમેશ્વર પંડ્યા ચકચૂર થયેલા મંડળને લઈને આવ્યા. તેમણે કેટલાકના પગ છૂંદ્યા, કેટલાકની પાઘડીઓ પાડી, કેટલાકને જગા કરવા દૂર ખેંચ્યા. હોહા થઈ, બોલાચાલી થઈ, સહેજ ટપાટપી થઈ.
આ સર્વ બનાવ ભદ્રંભદ્ર ક્યારના શાંતપણે જોઈ રહ્યા હતા તે હવે ઊકળી ઊઠ્યા. ઊભા થઈ સિંહવત્ ગર્જના કરી તેમણે કહ્યું કે ’અરે દુરાચારી દુષ્ટ, પતિત જનો ! તમે આ દેવીનું અપમાન કરો છો તેની તો ચિંતા નહિ પણ બ્રાહ્મણના નામને કલંકિત કરો છો ? કોણે તમને બ્રાહ્મણ કહ્યા ? કોણે તમને બીજાના બ્રાહ્મણત્વની પરીક્ષા કરવાને યોગ્ય કહ્યા ? પોતાની પરીક્ષા તો કરો.’
આ વચન કોઈ અમુક વ્યક્તિનું નામ દઈને કહ્યું નહોતું પણ તે બોલનાર તરફ સર્વનું ધ્યાન ખેંચાયું જોઈ સોમેશ્વરે જવાબ દીધો કે, ’બ્રાહ્મણ તો આજના નહિ પણ તારો બાપ ઢેઢવાડામાં ઠેસ ખાઈને મૂઓ ને તેના તેરમાની નાત ધૂળ થઈ તે પહેલાંના છીએ. પરીક્ષા કરવી છે તો શું કામ નાતની ખુશામત કરવા આજ આવ્યો છે ?’
ભદ્રંભદ્ર તરફના એક આદમીએ ઊઠી કહ્યું, ’અમે ખુશામત કરવા નથી આવ્યા પણ શાસ્ત્રાર્થ કરવા આવ્યા છીએ. એક આદમી તે કાંઈ નાત નથી કે તેનો કોઈ પર પાડ થવાનો હોય. ને કોઈનું મોત અકસ્માત ક્યાં થયું, ને નાતમાં કોઈ અદેખાને શું ટંટો કર્યો તે મહોટી વાત નથી. એમ તો કોઈનો કાકો છાકટો થઈને ગટરમાં પડીને મરી ગયો હોય તેનું કેમ ? દેવીને નામે દારૂ પીધો માટે શુદ્ધ થયો ?’
સોમેશ્વરના એક ભાઈબંધે કચ્છો મારી ખંભા ઠોકી ઉત્તર દીધો, ’કુસ્તી કરવી હોય તો આવી જા.’
એક વૃદ્ધ પુરુષે કહ્યું, ’કોઈને કંઈ છિદ્ર હશે ને કોઈને કંઈ હશે તે બધા માટે તકરાર કરશો તો પછી તો કોઈનો નાતમાં રહેવા વારો નહિ આવે, માટે મારામારીની વાત જવા દો. આ નાત શા માટે મળી છે તે કાંઈ છાનું નથી. તુળશીરામના દીકરા મગને હત્યા કરાવી માટે તેને નાતમહાર મૂકવાનો છે. એમાં વળી શાસ્ત્રાર્થ શાનો ? એમ કોઈ કહે છે કે હત્યા નથી થઈ ?’
એક બીજા બ્રાહ્મણે બેઠાં બેઠાં જ કહ્યું, ’શાસ્ત્ર હોય તો પછી નાતને શું પૂછવાનું હતું ? અમને બ્રાહ્મણીઆ વાંચતાં નથી આવડતું માટે શું નાતમાં અમારો એકડો નહિ ને શાસ્ત્ર જાણે તે જ નાતના મહોટા ? મગનને તો બહાર મૂકેલો જ છે. હું જોઉં છું એ કોને ત્યાં નાતમાં જમવા આવે છે.’
ભદ્રંભદ્રે ક્રોધાવિષ્ટ થઈ કહ્યું, ’આ તે કલિયુગ છે કે કલિયુગનો બાપ છે ? બ્રાહ્મણને મુખે શાસ્ત્રનો અનાદર થાય ત્યારે જનોઈ પહેર્યામાંયે શું સાર્થક્ય છે અને મોદક ખાવામાંયે શી તૃપ્તિ છે ? એમ ન સમજશો કે વેદધર્મ બધો નષ્ટ થઈ ગયો છે કે શાસ્ત્રને સ્થાને તર્કનું બળ ફાવશે. શાસ્ત્રાર્થનું કામ ન હોત તો વેદ ઇંગ્રેજીમાં કે ઉર્દૂમાં જ ન લખાત ? શાસ્ત્રાર્થનું કામ ન હોત તો મનુ, વ્યાસ આદિ ઋષિઓ સ્મૃતિઓને બદલે આંકની ચોપડીઓ ન લખત ? શાસ્ત્રાર્થનું કામ ન હોત તો સ્વર્ગમાં વૈતરણીમાં ગાયને પૂંછડે તરવાને બદલે પુલ ઉપર થઈ આગગાડીમાં બેસી જવાનું ન હોત કે બધા સડસડાટ ચાલ્યા જાત ! હું તો કહું છું કે શાસ્ત્ર જોવાની ના કહેનારને પહેલું પ્રાયશ્ચિત્ત આપો. શાસ્ત્રાર્થ કરવો સહેલો નથી તેનાં આ બધાં ફાંફાં છે. શાસ્ત્રમાં હું બાવળના વૃક્ષ જેવો છું. પાસે આવો કે કાંટા વાગે ને દૂર નાસો; સળગાવો તો એવો તાપ કોઈનો નહિ અને બારે માસ ઘરમાં ભરી મૂકો. આવો, કોઈ ઉત્તર દો કે મગને શું પાતક કર્યું ? હિંસા કરી, તો શ્રીમદ્ ભગવદ્ગીતામાં શ્રીકૃષ્ણ પરમાત્માએ કહ્યું છે કે આત્મા કોઈને મારતો નથી, ને કોઈથી મરાતો પણ નથી. તે તો અલિપ્ત છે અને અવધ્ય છે. તો પછી કોણે કોની હિંસા કરી ? આ પ્રમાણથી જ્ઞાની તો કદી ખૂનમાં પાપ ગણતા જ નથી. મનુસ્મૃતિમાં કહ્યું છે કે યજ્ઞ માટે સ્વયંભૂએ પોતે પશુઓ સર્જયા છે અને તેમાં યજમાન પશુ ન મારે તો પાપ છે. કયાં કયાં પ્રાણી ખાવાં અને કયાં કયાં ન ખાવાં તે નવમા અધ્યાયમાં ગણાવ્યાં છે, તો હિંસા તેથી સિદ્ધ છે. વેદમાં પશુઓની હિંસા લખી છે, તેમના શરીરના ભાગ કાપતાં નીકળે તે ગણાવ્યા છે, તેમના ઉપયોગનો વિધિ વર્ણવ્યો છે. તો શું તમે વેદને નહિ માનો ? બુદ્ધે અહિંસાનો બોધ કર્યો તે હિંસા થતી હશે તે વિના અમસ્થો જ ઘોંઘાટ કર્યો હશે ? રૂઢિ તેથી વિરુદ્ધ છે અને તે મારે માન્ય છે અને સુધારાવાળા કે પાશ્ચાત્ય લોકો સાથે વાદવિવાદ કરવો હોય તો ગમે તેમ સિદ્ધ કરી આપું કે વેદ અને શાસ્ત્રમાં હિંસાનું નામ નથી. પણ ખરી વાત પર આવે ત્યારે કહેવું પડે. બ્રાહ્મણ બ્રાહ્મણનું માથું વાઢે એમ તે હોય ? બાળક છે, સહેજસાજ દોષ થયો હોય તો જનોઈ બદલે, પણ આ ધાંધલ શું ?’
સોમેશ્વર પંડ્યા બોલી ઊઠ્યા, ’એમ જનોઈ બદલેથી પતી જાય એવું સહેલું કામ નથી. જનોઈ બદલે ને ગોર દક્ષણા લઈ જાય એમાં નાતનો શો ફાયદો ? વરસમાં બે વાર આખી નાતનું ભોજન થાય અને સહુ ભૂદેવોને સારી દક્ષણા મળે એટલી ગોઠવણ ન થાય તો પછી આ બધી મહેનતનું ફળ શું ? હોણ લગનગાળો મંદ હતો તેની ખોટ કંઈક પૂરી પાડવાનો લાગ આવ્યો છે. એવી આશા ન હોત તો વગર લેવાદેવાના ઉજાગરા કરત ? અમારે શી ગરજ પડી છે તે મગનને નાતમાં લઈએ ? નાતવાળાને ઘેર ફેરા ખાઈ ખાઈને જોડા ફાટે ત્યારે નાત તોડ કહાડવા મળે. તેને બદલે આમ સહેજ મળી મોચીનો ખરચ બચાવ્યો છે; તો શું તેના બદલામાં અમારા પેટરૂપી મોચીને મોદકરૂપી જોડા દાંતરૂપી ટાંકણા વડે સીવવા જેટલો રોજગાર પણ નહિ મળે ? કહે છે કે મગને પાપ કર્યું નથી. પણ કોઈએ પાપ કર્યું છે કે નહિ તેની અમારે પંચાત જ નથી. લોકોને પાપ કરતાં અટકાવવાં એ કોઈ નાતને કામ નથી. ચોરી કરી કેદમાં ગયેલા બ્રાહ્મણને નાતબહાર મૂક્યો એવું કદી સાંભળ્યું છે ? પણ બ્રાહ્મણ થઈ વાણિયાનું પાણી પીએ તો તરત નાતબહાર મૂકીએ. ધર્મ તો એમાં છે અને ધર્મ પળાવવો એ નાતનું કામ છે. એટલે એમાં શાસ્ત્ર જોવાનું કંઈ છે જ નહિ. શાસ્ત્ર કહે છે, તે એનો બાપ ભરૂચથી ઘોઘે નાવમાં બેસીને ગયો ત્યારે શાસ્ત્ર ક્યાં ઊંઘી ગયું હતું ? મહોટા શાસ્ત્રી કહેવાતા હતા પણ દક્ષણા જતી ન રહે માટે સમુદ્રગમન કર્યું. કેમ કોઈ બોલ્યું નહિ ? તે વખત એના કાકાનો જથ્થો હતો. જે તરફ જથ્થો તે તરફ શાસ્ત્ર તે રૂઢિ, તેથી મગનને પ્રાયશ્ચિત્ત અપાવી નાતમાં લઈએ તો વળી પા‘ડ સત્તર વખત. પૈસા આપતો હોય તો એ નાતમાં લેવો એવું કયા શાસ્ત્રમાં લખ્યું છે ?’
મગનનો ભાઈ આ બે પક્ષમાંથી એકે તરફ ન હતો. ભદ્રંભદ્રની સમાધાનની યુક્તિ પણ તેને પસંદ નહોતી. તે ઊઠીને બોલ્યો, ‘મડદું ફોલી ખાવાને શિયાળવાં ભેગાં થયાં છે. પણ એમ તો કોઈ જુઓ કે મડદું છે કે કોઈ જીવતું છે ? આંખ ઉઘાડીએ તો વખતે મન પાછું હઠે માટે આંધળા થઈને જ ભક્ષ કરી જશો ? એક કહે છે કે નાતબહાર મૂકો, એક કહે છે કે પ્રાયશ્ચિત્ત કરાવો, એક કહે છે કે જનોઈ બદલાવો, પણ કોઈ એ તો કહે કે શું વિશેષ થયું છે ? મગને જાતે તો જીવડું માર્યું નથી અને માર્યું હોય તોયે પૂછું છું કે, આ બધા બેઠા છે તેમના જન્મારામાં કદી હત્યા કરનાર માટે નાત મળી સાંભરે છે ? બકરા અને પાડા મારનારા દેવીના ભગતો શુદ્ધ થઈ બેઠા છે એમને જ પૂછો ને કેમ તમે શા ધર્માચરણથી નાતમાં રહ્યા છો ? અરે ! જાનવરની હત્યા તો શું પણ બાળહત્યા અને ભ્રૂણહત્યા કરાવનારાનાં નામ કોઈથી છાનાં નથી. એમને કોઈ પૂછતું નથી અને મગનને કેમ પૂછવા આવ્યા છો ? મગને શો અપરાધ કર્યો તે તો કહો. એ શાસ્ત્રથી અપરાધ છે કે રૂઢિથી અપરાધ છે ? નથી કોઈ શાસ્ત્ર જાણનારા ને નથી કોઈ રૂઢિ પાળનારા. ભટ્ટાઓને મિષ્ટાન્નની લાલચ લાગી છે. મફતનું ખાવાનું મન થયું છે, તો હું પણ ખરો કે ખરેખરા મફતના રોટલા ખવડાવું. જાઓ મગન પ્રાયશ્ચિત્ત નહિ કરે, એ કંઈ નાતબહાર નથી.’
થોડું ભણી થોડો વેપાર કરી, થોડી ખુશામત કરી અને ઘણા નાતવરા ખાઈ પેટ ભરનાર એક સામા પક્ષનો બ્રાહ્મણ તરત ઉત્તર દેવા ઊઠ્યો. તેણે કહ્યું, ‘નાતબહાર છે કે નહિ તે વખત આવે માલમ પડશે. નાતે તો નાતબહાર મૂક્યો છે. પશુહત્યા અને બાળહત્યા કરનારા કોઈ જાણવામાં નથી. એવાં કોઈ હોત તો તેને નાતબહાર મૂક્યા જ હોત. એવાં કૃત્યો માટે કોઈને નાતબહાર નથી મૂક્યા તેથી સિદ્ધ થાય છે કે એવું કરનારા કોઈ છે જ નહિ. હિંસા શાસ્ત્રમાં લખી છે. એમ કહેનારા તો વટલેલા છે. હિંસા જેવું દુષ્ટ કામ વેદમાં લખ્યું હોય તો પછી વેદ ઈશ્વરપ્રણીત શાના ? અને તે ઈશ્વરપ્રણીત નથી એમ કંઈ તે માટે કહેવાય ? આ દેશનો બધો ધર્મ ઊંધો વળાય ? સનાતન ધર્મનું રક્ષણ તો કોરે રહી જાય અને ઊલટી લોકની અપ્રીતિ થાય. એવી સત્યશોધક બુદ્ધિ તો સુધારાવાળાને ઇષ્ટ હજો. માટે આપણે તો સારું એ કે હિંસા વેદમાં લખી જ નથી. લખી છે એમ બતાવે તેને કહેવું કે વેદમાં હિંસા છે એમ કહે તે વેદ સમજે જ નહિ. એમ તો વળી સુધારાવાળા કહે છે કે વેદમાં ઘીનાં ટાંકાં કરવાનું નથી લખ્યું માટે શું ટાંકાં ન કરવા ? વેદમાં ઈશ્વરપ્રણીત નથી. જે ટાંકાની ના કહે તે વેદ સમજતા નથી એમ કહેવું. વેદાદિ શાસ્ત્ર તો કામદુઘા ગાય છે. જે જોઈએ તે મળે એમ છે, તો પછી ઘીના ટાંકાં ન મળે ? શું બ્રાહ્મણની કોઈને દયા જ નહિ હોય ? જુઓ, બ્રાહ્મણ પણ દયા ખાતર જ વેદમાં લખ્યું છે કે વિલાયતી સાંચાકામમાં ચરબી વાપરવી પડે તો તે વખત હિંસા અટકાવવી નહિ; કેમ કે ચરબીને બદલે એટલું બધું ઘી વપરાય તો ઘી બહુ મોંઘું થઈ જાય અને લોકો બ્રાહ્મણને મિષ્ટાન્ન બહુ ઓછાં જમાડે. ભક્ષ યજ્ઞા, વગેરે માટે પશુ મારવામાં ધન-લાભ નથી તો તે હિંસા અટકાવવી જોઈએ.’
શાસ્ત્રનો એક અક્ષર વાંચ્યા વિના શાસ્ત્રજ્ઞ હોવાનો ડોળ રાખનાર એક મહારાજ બોલ્યા, ’કેટલાક સમજ્યા વિના કહે છે કે યજ્ઞમાં પશુ મારવાનું લખ્યું છે. પણ વેદમાં તો જ્યાં પશુ, અજ, છાગ, અશ્વ, ગૌ, વત્સ, નર, માંસ, મેદસ્, વપા, એ શબ્દ આવે ત્યાં તેનો અર્થ ચોખા જ કરવાનો છે; બહુ બહુ તો નારિયેળ કે કોપરાની ઘારી એવો અર્થ થાય. માખી ઉરાડી હોય તેને વાઘ માર્યો કહીએ છીએ એવી એ બધી લક્ષણા હશે. તે માટે પ્રમાણ આપણી ઇચ્છા છે અને વળી કોઈ કદી ખરાં પશુ મારતા હશે તો તે એવા તપસ્વી હતા કે પશુને મારીને ખાઈ ગયા પછી પાછું જીવતું કરે. શરીરના રજકણ શી રીતે પાછા એકઠા થતા હશે તે હાલ કલિયુગમાં નવાઈ લાગે, પણ, આગલા યુગની વાત જુદી હતી. એવા ચમત્કાર તો ઈશ્વર પણ કરી નથી દેખાડતા. ઈશ્વરને તો એવું કે જે એક વાર મરી ગયો તે મરી ગયો. મરી ગયેલો ફરીથી બેઠો થાય તે તો પશુ ખાનારા આગલા યુગના પુણ્યશાળી ઋષિઓ જ કરી શકતા. પણ આ યુગમાં હવે તેમ થાય નહિ. આ યુગમાં તો મ્હોંયે કહેવાનાં પ્રમાણ માટે શાસ્ત્ર જોવાય પણ આચરણ કરવાનું પ્રમાણ જોઈએ ત્યારે તો રૂઢિ જ. નહિ તો પછી અસલનો જ ચાલતો આવેલો સનાતન ધર્મ શાનો ? સનાતન તો રૂઢિ જ. રૂઢિ તોડનારને પ્રાયશ્ચિત્ત આપવું જ જોઈએ.’
એક પીનપુષ્ટ ભૂદેવે બેઠાં બેઠાં કહ્યું, ’નાત મળી છે, ત્યારે ઠરાવ કરોને કે દૂધપાકનું જમણ હોય ત્યારે પડિયા મહોટા જ આપવા. નહાના પડિયાથી કાંઈ દૂધપાક ઓછો વરતો નથી, પણ જમનારાને હરકત પડે છે અને ઘડી ઘડી માગવું પડે છે એટલું જ.’
એક મહારાજ છાપાંતિલક કરી, કચ્છો મારી અને ચોટલી છૂટી રાખી ઉઘાડા જ આવ્યા હતા. તે બોલ્યા, ’અરે દૂધપાકના નહાના પડિયા આપવા એ છેક શાસ્ત્રવિરુદ્ધ નથી, પણ છોકરાઓ સાહેબલોકશાહી બાબરાં રાખે છે અને શિખાબંધન નથી કરતા એ અધર્મ અટકાવો ને. વૈતરણીમાં ડૂબ્યા તે વખતે શિખા નહિ હોય તો તેને ખેંચી શી રીતે કહાડશે ? શિખાબંધન વિના કશો ધર્મ પળાય કે એકે પુણ્યકર્મ થાય એમ કલ્પનામાં પણ આવી શકે છે ? આપણા ઘરડાઓએ બહુ વિચાર કરી શિખાબંધનનો વિધિ કહ્યો છે. જુઓ, જેવી શિખાની ગાંઠ વાળે કે તેવી આંતરડામાં ગાંઠ પડે છે અને તેથી પ્રાણવાયુ ખેંચાય છે અને આગગાડીના ઇંજિન જેવી સિસોટી વાગે છે, તે ધર્મરાજની કચેરીમાં સંભળાય છે અને ત્યાં વિમાનનો એક ટાંકો સિવાય છે. બધા ટાંકા સિવાઈ રહે એટલાં શિખાબંધન કર્યા હોય તેને જ મરતી વખત વિમાન આવે છે. બીજા બધા રહી જાય છે. શિખાબંધન નહિ કરનારો કોઈ સ્વર્ગમાં ગયો સાંભળ્યો છે ? માટે બંદોબસ્ત કરો કે જે બાબરા રાખે તે સવા રૂપિયો દંડ આપે ને મૂછ મૂંડાવે. સુધારો તે ક્યાં લગી ! આપણા ઋષિઓ દાઢી રાખતા તે તો જાણે હવે મુસલમાન, પારસી અને અંગ્રેજ રાખે છે, માટે પારકા દેશનો ચાલ ગણી છોડી દેવો પડ્યો, પણ લાંબા વાળ રાખવામાં એ ઋષિઓની રીતે છોડી દેવી અને પારકા દેશના ભ્રષ્ટ રિવાજ દાખલ કરવા ? આપણામાં ઘણા ઘાંયજાના ગોર છે તો ઘાંયજાને જ દબાવો ને કે જે બ્રાહ્મણની ચોતલી કાતરે તેને ત્યાં ગોર નહિ આવે.’
ભદ્રંભદ્ર લાગ જોઈ બોલી ઊઠ્યા, ‘શું તે માટે અમારી જન્મારાની વૃત્તિ જવા દઈએ અને દક્ષિણા છોડી દઈએ ? ખરો ઉપાય તો એ છે કે શિખા ન હોય તેને નાતમાં જમવા ન આવવા દેવા. આ બધા બાબરી રાખનાર છોકરાને નાતમાં જમવા આવવા દો ને મગનને અટકાવો એ કેમ, શાસ્ત્ર કે રૂઢિ પ્રમાણે છે તે આવો કોઈ બતાવો. પશુવધ કરતાં શિખાકર્તનમાં વધારે પાપ છે કેમ કે શિખામાં બ્રહ્મતેજ રહે છે અને શિખા કપાવે તો બ્રહ્મહત્યા થાય છે. શાસ્ત્ર કોરે રાખશો તોયે આમાં રૂઢિ પણ છે. પહેલી શિખાબંધન ન કરનારને કરવાની શિક્ષા નક્કી કરો. તે શિક્ષા મગનને કરજો, અમારે કબૂલ છે, પણ પહેલું એ કર્યા વિના મગનનું નહિ થાય.’
બધાના મનમાં આથી ગૂંચવણ થઈ. ઘણાનાં સગાંમાં બાબરીની સજામાં આવી જાય એવા છોકરા હતા. મગનને હેરાન કરવાની સર્વ કોઈને ઇચ્છા હતી, પણ પોતાનું સાચવીને શી રીતે બીજાને સતાવવો એ મુશ્કેલી થઈ પડી. કોઈ કહે કે ‘નાત જે માટે મળી હોય તે વાતનો જ વિચાર થઈ શકે, બીજો પ્રશ્ન હોય તો ફરી નાત મેળવે,’ કોઈ કહે કે ‘મગન દંડ આપે તે રકમમાંથી બાબરાં રાખનાર પ્રાયશ્ચિત્ત કરે.’ કોઈ કહે કે ‘નાતમાંથી મગન પ્રાયશ્ચિત્ત કરશે એટલે આખી નાત પાવન થશે ને બીજાને પ્રાયશ્ચિત્ત કરવાની જરૂર નહિ પડે.’
ભદ્રંભદ્રે આ સર્વ સામે વાંધો લીધો કે ‘મગન એકલો પ્રાયશ્ચિત્ત કરી શકે નહિ. એણે વંદાનો વધ કર્યો તેથી આખી નાત પતિત થઈ છે માટે આખી નાતે પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ. મગન શુદ્ધ થયા પછી બીજા લોકો મગનની સાથે પ્રાયશ્ચિત્ત કરી શુદ્ધ થયેલા ન હોય તો મગન પાછો તેમના સંસર્ગથી ભ્રષ્ટ થાય, તે પછી બીજા પ્રાયશ્ચિત્ત કરે તેઓ ભ્રષ્ટ થયેલા મગન સાથે સંસર્ગ કર્યાથી પાછા ભ્રષ્ટ થાય, પછી પાછા મગનને પ્રાયશ્ચિત્ત કરવું પડે. પછી એ લોક કરે, એમ અનંતકાળ સુધી ચાલ્યું જાય; ચોર્યાસી લક્ષ ભવ વહી જાય પણ પ્રાયશ્ચિત્તનો પાર ન આવે, માટે બધાએ સાથે જ કરી નાખવું એ વધારે સારું છે. વળી શિખાકર્તનમાં મોટું પાપ છે અને વંદાવધ પાપ છે. તેમાંથી નાના પાપનું પ્રાયશ્ચિત્ત પહેલું કરાવી નાનામોટાની પદવીનો વ્યક્તિક્રમ કરાવીએ તો સુધારાવાળામાં અને આપણામાં ફેર શો ? પાપમાંયે નાનામોટાનું માન સાચવવું જોઈએ. વળી પ્રાયશ્ચિત્ત કેવી જાતનું કરવાનું તે હજી નક્કી થયું નથી; એ માટે શાસ્ત્ર જોવું જ પડશે. નાતમાં મારા સમાન કોઈ શાસ્ત્રી નથી તેથી મને પૂછવું પડશે ને મગનને જેટલો દંડ થશે એથીયે મારી દક્ષણા વધારે થશે. એટલે મગનના દંડમાંથી બીજાના પ્રાયશ્ચિત્તનો ખરચ નીકળે એ આશા ખોટી છે.’
નાતમાં પોતાને સહુથી વિદ્વાન શાસ્ત્રી માનનાર એક ભૂદેવને આ છેલ્લા વાક્યથી ખોટું લાગ્યું. તે બોલી ઊઠ્યા, ‘કોના સમાન કોણ છે અને કોણ નથી એ કંઈ અભિમાન કર્યાથી સિદ્ધ થતું નથી. નાત તરફથી શાસ્ત્રાર્થ અમને જ પુછાશે. અમારી પરીક્ષા કરવાનો કોઈને અધિકાર નથી ને વિદ્વાન કહેવડાવવાનો બીજા કોઈને હક નથી. ઘાંયજાના ગોરને શાસ્ત્રીની દક્ષણા મળશે ત્યારે તો ગરોડા પણ બ્રાહ્મણ ભેગા જમી જશે.’ એ જ પક્ષના એક બીજા બ્રાહ્મણે કહ્યું : ‘એ યે ગરોડા જેવો જ છે તો. ઠેર ઠેર લાંબી જીભ કરીને ભાષણો કર્યા માટે કંઈ જાત બદલાઈ ? એનો બાપ કોઈ આઘેના ગામડામાંથી બાયડી પરણી લાવ્યો હતો અને કહેતો હતો કે આપણી નાતની છે. કોણ જોવા ગયું હતું કે બ્રાહ્મણ છે કે ઢેડ છે !’
ભદ્રંભદ્રનો પિત્તો ઊછળ્યો, મિજાજ હાથમાં ન રહ્યો. દક્ષના યજ્ઞમાં જાણે શિવ કૂદતા હોય તેમ આ નિંદાવાક્ય બોલનાર તરફ તેઓ વેગથી ધસ્યા, તેને જોરથી તમાચો માર્યો. તેણે ભદ્રંભદ્રને પેટ પર મુક્કી લગાવી. ભદ્રંભદ્ર કળ ખાઈ બેસી ગયા. એટલે સામાવાળાએ માથા પર લાત મારી. બંને પક્ષના માણસો ધસી આવ્યા, બાઝાબાઝી ને મારામારી થઈ; શોરબકોર થઈ રહ્યો; સોમેશ્વર પંડ્યાના મંડળને જોઈતો હતો તેવો લાગ મળ્યો. કયા પક્ષનો માણસ છે તે જોયા વિના તેમણે યથેચ્છ પ્રહાર ચલાવવા માંડ્યો, હાથ લાગ્યાં તેટલાં ખાસડાં ફેંક્યાં, લાકડીઓ અને દંડા ચલાવ્યા, મંદિરોમાંનો સામાન અફાળ્યો, કોઈનાં માથાં ફૂટ્યાં કે કોઈના પગ ભાંગ્યા, કોઈની કમ્મર તૂટી, કોઈ બેશુદ્ધ થઈને પડ્યા. રસ્તે જનારા પણ તાળીઓ પાડતા હતા અને પથરા ફેંકી રમૂજ મેળવતા હતા. મારામારીનો અંત આવતાં જરા વાર લાગત પણ પોલીસનો સિપાઈ આવે છે એમ સાંભળ્યું એટલે નાસાનાસી શરૂ થઈ. સોમેશ્વર પંડ્યા પહેલા નાઠા. જેમનાથી દોડાયું તે દોડી ગયા, ન દોડાયું તે સંતાયા, ન સંતાઈ શક્યા તે માર વાગ્યાની બૂમો પાડવા લાગ્યા.
ભદ્રંભદ્ર પીડાતા પડ્યા હતા. તેમને સિપાઈ આવ્યાની ખબરે પુનર્જન્મ રૂપ થઈ વાગેલા મારની વિસ્મૃતિ કરાવી. ઊભા થઈ પડખાની બારીએ થઈ તે નાઠા. પછાડી માણસો આવતા જોઈને દોટ મૂકી ગલીકૂંચીએ થઈ તે અદૃશ્ય થઈ ગયા. સવાર થયું પણ ઘેર આવ્યા નહિ. આખો દહાડો એમને સારુ અનેક હેતુથી શોધાશોધ થઈ પણ કાંઈ પત્તો લાગ્યો નહિ. અંધારું થયે ઘેર આવતાં એમને પોલીસે પકડ્યા.
૧૨. પોલીસચોકીમાં
મારામારીમાં કેટલાકને ભયંકર ઈજાઓ થઈ હતી અને ઘણાએ ભદ્રંભદ્રનું નામ બતાવ્યું હતું. પકડતી વખતે સામા થવાનો ભદ્રંભદ્રે પ્રયત્ન કર્યો. મેં આવી પહોંચી તેમને છોડાવવાનો પ્રયત્ન કર્યો, તેથી અમને બંનેને પકડી જાપતામાં રાખી પોલીસચોકીમાં લઈ ગયા. રસ્તે ચાલતાં કંઈ સ્વસ્થતા પામ્યા પછી ભદ્રંભદ્ર બોલ્યા,
‘અંબારામ, આજનો દિવસ હું સંતાઈ રહ્યો હઈશ એમ બધા ધારતા હશે. પણ, હું તો અનેક ચમત્કારોના દર્શનમાં ગુંથાઈ રહ્યો હતો; તેનું વર્ણન —’
પોલીસના એક સિપાઈએ ડંડો ઊંચકી ભદ્રંભદ્રના બે હોઠને ઇચ્છા ઉપરાંત મેળાપ કરાવ્યો. ચોકીને પગથિયે ચઢતાં વળી તે બોલ્યા,
‘સોનારૂપાના વાળવાળી રાણીના મહેલને ઓટલે તેના ભવિષ્યનો ધણી થનાર રાજા ચઢ્યો; તેમ હું આજ રક્ષાભવનમાં પ્રવેશ કરું છું. એથી ઘણા ઉત્પાત થશે એમ અંબારામ, નક્કી માનજે, સુધારારૂપી ત્રિયારાજ હવે ટકવાનું નથી. મારા વિજયઘોષ માટે આ રણશિંગું તૈયાર રાખેલું છે.’
ભદ્રંભદ્ર કોઈ ઠેકાણે ભાંગ કે એવું કંઈ પી આવ્યા હોય તેમ લાગતું હતું. સિપાઈના ફટકાનો સ્પર્શ તેમના મનમાં લાંબા વખત સુધીની લાગણી ઉત્પન્ન કરતો. મારા કરતાં તેમનું ચિત્ત વધારે પ્રસન્ન હતું. આ ઠેકાણે રાત કેમ જશે તેની મને ચિંતા થતી હતી. પણ ભદ્રંભદ્ર બોલ્યા :
‘ઉતારો ઠીક છે. પણ છાપરું સહેજ નીચું છે અને જાળી એક જ છે. પરંતુ સારી ગોઠવણ થઈ શકશે. આ હુક્કો અહીંથી લઈ લેવો પડશે. ગોળી પણ બ્રાહ્મણિયા નહિ હોય. ખાટલો તો છો રહ્યો, પથારી કરતી વખતે ઢાળજો. ઓહો ! બીજા ગૃહસ્થો પણ અહીં બિરાજેલા છે. જરા સંકડાશે પડશે, પણ વાતો કરવાનું અનુકૂળ પડશે.’
પોલીસના સિપાઈ ભણી ફરીને કહ્યું, ‘આ બધા માટે અત્યારે દશમી જ થવાની હોય તો મારે પણ તે જ ચાલશે. દૂધની હશે એટલે નહાવા કરવાની હરકત નહિ પડે. પણ રાંધનારને અને જમનારને પાણીનો જરા પણ સ્પર્શ થવો ન જોઈએ. એમાં તો ગંગાનું પાણી પણ અપવિત્રતા કરાવે. દશમી બાંધવાના દૂધને પન પાણીનો સ્પર્શ થવો ન જોઈએ. દૂધમાં પણ ઘણો અંશ પાણીનો સ્વાભાવિક રીતે હોય છે એમ સુધારાવાળા કહે છે તે હું નથી માનતો. એ તો માત્ર આર્યધર્મ ડુબાવવાને રસાયણશાસ્ત્રીઓની જોડે મસલત કરી વંચના ઊભી કરેલી છે. જલથી શરીર અને આત્મા શુદ્ધ થાય છે, પણ અન્ન અશુદ્ધ થાય છે, કેમકે વનસ્પતિના દેવ સોમનું ગ્રહણ થાય છે.’
ચોકીમાં કોઈ દહાડો ન બનેલી અપૂર્વ વર્તણૂક જોઈ સિપાઈ વિસ્મય પામી ભદ્રંભદ્રના સામું જોઈ રહ્યો હતો. બીજાએ કહ્યું, ‘હાસમ ફટકાવ ને, અબી ચૂપ હો જાયગા.’
‘દીવાના હે કે ક્યા ?’ એમ શંકા બતાવ્યા છતાં હાસમે ફટકાવી ભદ્રંભદ્રને જાગૃતિ આપી. તેને નિષ્ફળ કરવા ભદ્રંભદ્ર માત્ર મનને જાગ્રત કરી જીભ બંધ કરી બેઠા. પોલીસના એક-બે અમલદારો આવી ગયા. તેમણે અમને કેટલાક પ્રશ્ન પૂછ્યા. ભદ્રંભદ્રના ઉત્તર સાંભળી ‘તોફાન કરે તો ફટકા લગાવવા’ની ભલામણ કરી તેઓ ચાલ્યા ગયા. થોડી વારે ભદ્રંભદ્રે પાછી ભોજનની માગણી કરી. એક બીજા સિપાઈએ આવી થોડા ચણા આપ્યા અને પછી લાત લગાવી. સંપ્રદાયનો ક્રમ શાસ્ત્રાનુસાર ફેરવી ભદ્રંભદ્રે પહેલી લાત ખાઈ લીધી એ પછી ચણા ખાવા માંડ્યા. ચણા ખાઈ રહી થોડી થોડી વારે પાસેના ઓરડાના સિપાઈઓને શાંત જોઈ ભદ્રંભદ્ર બોલ્યા :
‘ચણા ખાવાનું શાસ્ત્રમાં પુણ્ય લખ્યું છે તેથી મેં તે સ્વીકાર્યા. ચણાના ગર્ભમાં જે વાયુ છે તેના સેવનથી પ્રાણાયામ કરવાની શક્તિ વધે છે, તેથી જ લડાઈ વખતે સિપાઈઓ ચણા ખાય છે. પ્રાણાયામ કરવામાં આટલું મહોટું અંગબળ અજમાવાય છે કે લડાઈમાં બંને લશ્કર સામસામાં પ્રાણાયામ કરીને ઊભાં રહે છે. જેનો પ્રાણાયામ વધારે વાર ટકે તે જીત્યા કહેવાય છે. લડાઈમાં દારૂગોળા કે સંગીનથી મારામારી થાય છે એવી બધી વાતો સુધારાવાળાઓએ ચણાને બદલે સેવો ખાવા સારુ જોડી કહાડેલી છે.’
વધારે વાત ચલાવવાની મારી વૃત્તિ નહોતી. હાથના બંધનને લીધે અમને ઊંઘ આવતી નહોતી. જે બીજા બે માણસોને અમારી પહેલાંના ચોકીમાં આણી બેસાડેલા હતા તે હજી લગી કેવળ શાંત થઈ બેસી રહ્યા હતા. કેટલીક વારે બધું ચૂપ જોઈ તેમાંના એકે કહ્યું, ‘રમાલ પાના, રરાક પાના રીક પાના રણાય પાના રે પાના.’
બીજાએ ઉત્તર દીધો, ‘રાં પાના.’
થોડી વાર મૂંગા રહી પહેલાએ ફરી કહ્યું, ‘રજવું પાના રોઉં પાના ? રંઈ પાના રશે પાના ?’
બીજાએ ઉત્તર દીધો, ‘રીછે પાના.’
આ પ્રશ્ન શા હતા અને તેના ઉત્તરમાં બીજાએ શી આજ્ઞા આપી તે કશું સમજાયું નહિ. અર્થ જાણવાની જિજ્ઞાસાથી ભદ્રંભદ્ર બોલ્યા, ‘સદ્ગૃહસ્થો, આપ પાના પાના કહી ખાવાનાં પાન કરતા હો તો મારે માટે પણ એક બીડી કરજો. ચણા પચવા જરા કઠણ છે અને પાન પાચક છે, શાસ્ત્રમાં હરકોઇના હાથનાં પાન ખાવાની ના નથી લખી.’
કોઈએ ઉત્તર દીધો નહિ તેથી વળી પાછું સર્વ નિ:શબ્દ થયું.
ચિત્તના ઉદ્વેગની તીવ્રતા કંઈક ઓછી કરવા અને ભદ્રંભદ્રને બોલતા બંધ કરવા મેં ભીંતને અઢેલી આંખો મીંચીને પડી રહેવાનો પ્રયત્ન કર્યો. ભદ્રંભદ્રના અનુસરણમાં કીર્તિ કરતાં અપકીર્તિ વધારે થાય છે. સુખ ઓછું છે અને પીડા ઘણી છે. આશા ઉત્પન્ન કરનાર માત્ર ભદ્રંભદ્ર છે અને નિરાશા કરનાર આખું જગત છે; એવા વિચાર મને આવવા લાગ્યા. કદાપિ કેદમાં જવાનો વખત આવશે તો કષ્ટ અને અપમાન કેમ સહન થશે એ કલ્પનાથી હું ભયભીત થવા લાગ્યો. વળી, ભદ્રંભદ્રના આર્યધર્માભિમાનનો વિચાર આવ્યો અને મારામાં એ અભિમાન ઓછું છે તેથી જ હું કેદમાં જવાને ઓછો રાજી છું એમ લાગ્યું. ભદ્રંભદ્ર માટે પૂજ્યબુદ્ધિ જાગ્રત થઈ અને મને કંઈક હિંમત આવી. ભદ્રંભદ્રની સંગતિમાં શરીરપીડા ખમવામાં પણ ઉત્સાહ કેટલો આનંદ આપે છે. માર ખાવામાં પણ તપશ્ચર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે એ ભદ્રંભદ્રનું કહેવું કેટલું સત્ય છે, એ વિચાર આવ્યો. આવા વિચારક્રમમાં સ્મૃતિ ઝાંખી થતી જતી હતી અને આંખો સહેજ મળવા આવી હતી એવામાં, ભદ્રંભદ્રે બૂમ પાડી કે, ‘મને કંઈ કરડ્યું’ તેથી હું ચમકી સાવધ થયો. ભદ્રંભદ્રને પગને અંગૂઠે કંઈ કરડ્યું હતું પણ અંધારાને લીધે શું કરડ્યું હશે તે જણાતું નહોતું. આથી અમારો ગભરાટ વધ્યો. હું ને ભદ્રંભદ્ર સિપાઈને બોલાવવા લાગ્યા. એક સિપાઈએ આવી પ્રથમ બધાને સારી પેઠે ફટકા લગાવ્યા. ‘એ બમન કબસે સોને નહિ દેતા હે’ એ કારણ બતાવી ભદ્રંભદ્રને બીજા કરતાં વિશેષ વાર કાષ્ઠ તથા ચર્મનો સ્પર્શ કરાવ્યો. એ પ્રમાણે અભિનંદન આપ્યા પછી સિપાઈએ ગરબડનું કારણ પૂછ્યું. કારણ જાણી દયા આણી દીવો લેવા ગયો. તે ગયો એટલે ભદ્રંભદ્ર બોલ્યા :
‘દુ:ખ માટે આર્તરવ કરવો એ શું શાસ્ત્રાનુસાર નથી ? કદાપિ આ સર્પદંશ હશે અને હું વિદેહ થઈશ તો જગતનું શું થશે ? આર્યમંડળનું શું થશે ? આનો ઉપાય ત્વરાથી થવો જોઈએ.’
મેં કહ્યું, ‘જિજ્ઞાસાને તાડનમાં લીન કરી અપૃચ્છાને આગળ થવા દેવી એ કેવળ મૂર્ખતા છે. દંશ કરનાર પ્રાણી ગમે તે હશે પણ તેના દોષે રક્ષકની અને સર્વની નિદ્રાનો ભંગ કરાવ્યો તો તાડન તેને એકલાને જ ઉચિત હતું.’
ભદ્રંભદ્ર બોલ્યા, ‘ઉચિત અનુચિતની હમણાં વાત નથી. મારા દંશનો પ્રતિકાર કરો. હું મરી જઈશ તો ઔચિત્યનો નિર્ણય કરનાર પણ કોણ રહેવાનું છે ?’
સિપાઈએ દીવો લાવી બધે ઠેકાણે તપાસ કરી પણ કરડી જાય એવું કશું જણાયું નહિ. અંગૂઠે દાંત પડેલા હતા પણ તે બહુ તીણા નહોતા. લોહી નીકળતું નહોતું. ભદ્રંભદ્રની બૂમો છતાં તેમની મુખરેખા પરથી જણાતું હતું કે વેદના બહુ થતી નહોતી. પાણીનો પાટો બાંધવાનો આપી સિપાઈ પાછો સ્વસ્થ થવા લાગ્યો.
ભદ્રંભદ્ર કહે, ‘સુધારાના પ્રબળમાં મંત્ર જાણનાર પણ ઓછા થઈ ગયા છે. સર્પ જેમ મંત્રશ્રવણથી મોહ પામે છે, તેમ તેનું વિષ પણ મનુષ્યના શરીરમાં પેઠા પછી મંત્રોચ્ચાર સુણી સ્તબ્ધ થઈ ઊભું રહે છે. મંત્ર ભણનારના હસ્તના ચલન સાથે તેમાંથી પ્રાણવાયુ ઝરતાં વિષને તે વાટવાકર્ષણથી નીચે ઉતારે છે અને દંશને સ્થાનેથી તે પાછું બહાર નીકળી જાય છે. લોહીમાં વિષ કદી ભળતું જ નથી. પણ સુધારાવાળા વહેમ કહી આ માનતા નથી અને જગતના ઉત્તમ પુરુષોનો સર્પદંશથી નાશ થવા દે છે.
જે બીજા બે માણસોને ચોકીમાં પુરેલા હતા તેમાંનો એક બોલ્યો, ‘અરે ઉલ્લુ, સાપ તો કંઈ નથી પણ તારો બાપ તને કરડ્યો છું. તારાં ગજવાં તપાસ્યાં પણ પણ કંઈ જડ્યું નહિ તેથી ચીડ ચડ્યાથી તારો અંગૂઠો કરડી ખાધો. માર ખાવો હોય તો સિપાઈને કહેજે. મારા હાથ બાંધેલા છે તેથી કોઈ માનવાનું નથી.’
મેં પૂછ્યું, ‘ત્યારે ગજવાં તપાસ્યાં શી રીતે ?’
તેણે કહ્યું, ‘પેલી સોટી મ્હોમાં લઈને. અરે જાને, ગમે તે રીતે; એ સોટી તો ગુમ થઈ ગઈ.’
સિપાઈની ઊંઘમાં ફરીથી ખલેલ પાડવાનું અમને દુરસ્થ જણાયું નહિ, તેથી જાગતા રહી સવાર થવાની વાટ જોવા લાગ્યા. સવાર થયા પછી એક-બે પોલીસ અમલદારોએ આવી અમારી પાસેથી જવાબ લીધો અને બદલામાં ગાલિપ્રદાન આપી ચાલતા થયા.
થોડી વાર પછી અમને બેને એક મૅજિસ્ટ્રેટને મુકામે લઈ ગયા. પણ તે શિકાર કરવા ગયેલા હોવાથી બીજાને ત્યાં લઈ ગયા. તેમને બિલકુલ ફુરસદ ન હોવાથી ત્રીજાને ત્યાં લઈ ગયા. થોડી વારમાં સોમેશ્વર પંડ્યાને અને તે રાત્રે મળેલી નાતમાંના બીજા કેટલાકને પણ પોલીસવાળા ત્યાં લઈ આવ્યા. ભદ્રંભદ્ર તેમને આવકાર દેવા જતા હતા પણ દંડપ્રહારનો ભય ઉત્પન્ન થતાં મૌન ધારણ કરવું યોગ્ય ધાર્યું. જાતતપાસ સારુ અમને સર્વને કેદમાં રાખવાની પોલીસે પરવાનગી માગી. તે પરથી ભદ્રંભદ્ર બોલ્યા :
‘ન્યાયાધ્યક્ષ, નરકમાં સાથે રહેવાનું હોય તોપણ હું આ બ્રાહ્મણચાંડાળોથી ભિન્ન ગ્રામમાં વાસ કરું. એમના સંસર્ગથી હું તાડનનો ભય રાખું છું તેમ નથી, પણ એમનો સ્પર્શ દૂષિત કરે છે, એમનો સહવાસ ભ્રષ્ટતા કરાવે છે.’
‘ચૂપ રહેવા’નો હુકમ થવાથી ક્ષણ વાર શાંત થઈ ભદ્રંભદ્રે કહ્યું, ‘મારું કહ્યું સાંભળવું જોઈએ. ગઈ રાત્રિમાં મને અસહ્ય દુ:ખ પડ્યું છે.’
મૅજિસ્ટ્રેટે કહેવાની રજા આપવાથી ભદ્રંભદ્રે રાતનો કંઈ વૃત્તાંત આપ્યો. પણ પોલીસ અમલદારે કહ્યું કે, ‘આ આદમી બહુ જ તોફાન કરતો હતો માટે તેને સખત જાપ્તામાં રાખવો પડ્યો છે તે સિવાયની બધી વાત જૂઠી છે.’ તેથી એ વિના બીજું કહેવું હોય તે કહેવાની રજા મળી. ભદ્રંભદ્રે કહ્યું, ‘જે અસત્યવાદીએ મારું નામ અપરાધીમાં ગણાવ્યું હોય તે મારા બ્રહ્મતેજથી અજ્ઞાત હોવો જોઈએ. બ્રાહ્મણને દેવ, દાનવ ને ગંધર્વ નમે છે, તો મનુષ્યની શી ગણતરી છે ? મારા તેજને બળે હું અદૃશ્ય થઈ જતો રહી શકું છું. પણ, તેમ કરું તો આ રક્ષકો શિક્ષાપાત્ર થાય માટે દયા આણીને જ હું તેમને વશ રહું છું. મારા તેજના બળે આ સર્વ અધિકારીવર્ગને બાળીને ભસ્મસાત્ કરી શકું છું. પણ તેમ હું કરું તો આ દુષ્ટો પણ શિક્ષા પામ્યા વિના છુટી જાય માટે જ તેમને યોગ્ય દશાએ પહોંચાડવા હું મારો કોપ શમાવું છું. તો મારા જેવા તેજસ્વીને પૂરી રાખવાથી શો લાભ છે ? મારા જેવા મહાપુરુષને જગતનું કલ્યાણ કરતાં અટકાવી નિયંત્રણમાં રાખશો અને રક્ષકોને મારો સંસર્ગ કરાવશો તો તમને હાનિ એ થશે કે સર્વે રક્ષકોને હું ઉપદેશ કરી સુધારાના પક્ષમાંથી આર્યપક્ષમાં લઈ લઈશ અને તમારી સેવા મૂકી દઈ તેઓ સંન્યાસી થઈ જશે. શ્યામ વસ્ત્ર તજી દઈ ભગવાં ધારણ કરશે અને રાત-દિવસ મારી કથા શ્રવણ કરતાં મ્હોં પહોળાં કરી દિગ્મૂઢ જેવા મારી સમક્ષ બેસી રહેશે. માટે મુક્ત કરવામાં તમને જ લાભ છે. એ ધ્યાનમાં લો.’
ભદ્રંભદ્રના આ પ્રમાણબળથી મૅજિસ્ટ્રેટ અને રક્ષકવર્ગ નિરુત્તર થઈ લજ્જા પામી નીચું જોઈ રહેશે અને એમને છોડી દેવાની આજ્ઞા એકદમ કરશે, પણ તે મહોટે સ્વરે કહેવાની તેમનામાં હિંમત નહિ રહે, એમ ધારી મંદ શબ્દ સાંભળવા મેં કર્ણને તત્પર કર્યા. પણ મૅજિસ્ટ્રેટે ભદ્રંભદ્રને એટલું જ કહ્યું કે ‘વધારે બકબકાટ કરીશ તો કોર્ટના અપમાન માટે સજા કરવામાં આવશે.’
પોલીસને બીજે દિવસે સર્વેને ફરી હાજર કરવાનો હુકમ કર્યો. ફરી હાજર કર્યા ત્યારે ભદ્રંભદ્રના મિત્રોએ અમને જામીન પર છોડવાની અરજ કરી. ભદ્રંભદ્રની વર્તણૂક શાંત થઈ હતી તેથી વાંધો ઓછો હોવાથી અમને છોડ્યા.
૧૩. જામીન પર- વિધવાવિવાહ
કોર્ટ બહાર આવી કેટલેક દૂર જઈ ભદ્રંભદ્રે પોતાના મિત્રને ભાષણ કરવા એકઠા કર્યા. જોવા આવેલા લોકો પણ એકઠા થયા. સર્વ પર દષ્ટિ ફેરવી જઈ ભદ્રંભદ્ર બોલ્યા:
‘આર્યો, હું તમને સર્વને ઓળખતો નથી પણ તમે સર્વ મને ઓળખો છો એમાં સંશય નથી. કેમકે, હું ધર્મવીર થયો છું એ વાત જગત્ પ્રસિદ્ધ છે. પ્રલયકાળે જેમ માછીઓ ઠેર ઠેર દેખાય તેમ સુધારાના ઉત્પાત સમયે, મારા ગુણ સ્થળે સ્થળે પ્રગટ થયા છે. મારા ધર્મવીરત્વનો પ્રકાશ થતો જોઈ સુધારાવાળા પોતાના યત્નને જ નિંદવા લાગ્યા છે. સુધારાવાળાઓએ જ મને આપત્તિમાં આણવાનો આ પ્રયત્ન કર્યો છે.’
વાઘરી, ભંગિયા અને મુસલમાન લોકોનો વિશેષ જમાવ થવા લાગ્યો અને તે જોઈ ભદ્રંભદ્રની વક્તૃત્વશક્તિનો ઉલ્લાસ થવા લાગ્યો. ખભા ઊંચા કરતા અને ખોંખારા કરતા તે મ્હોટે ઘાંટે બોલ્યા :
‘મારી આ આપત્તિને ઉત્પન્ન કરનારું સુધારાવાળાનું કાવતરું શોધી કાઢવું કઠણ નથી. સર્વને વિદિત છે કે સુધારાવાળાઓ આ દેશની જીવતી અને મરી ગયેલી સર્વ વિધવાઓનું પુનર્લગ્ન કરાવવા ભારે પ્રયત્ન કરે છે. એકેએક વિધવાને જોરજુલમથી પરણાવી દેવાનો કાયદો કરવાનું તેઓ સરકારને કહે છે અને તે માટે જ વસ્તીપત્રકો થાય છે અને મરણની નોંધ લેવાય છે કે કેટલી જીવતી અને મરી ગયેલી વિધવાઓ માટે વર જોઈશે તે નક્કી કરી શકાય. આ દેશને સુભાગ્યે હજી લોકોમાં એટલું આર્યત્વ રહેલું છે કે વરની સંખ્યા આ સર્વ માટે જોઈએ તેટલી મળી નથી. પાશ્ચાત્ય પ્રજાઓની અનાર્ય વિપરીત વૃત્તિ ગમે તેવી હોય, પણ આર્યપ્રજામાં તો મૃત વિધવાઓ સાથે લગ્ન કરવાને કોઈ તૈયાર થતું નથી. તેથી જ દીર્ઘદૃષ્ટિ વાપરીને આપણા ડાહ્યા પૂર્વજોએ આજ્ઞા કરી છે કે વિધવાઓના કેશનું મુંડન કરવું, વિધવાઓને અપશુકનવાળી ગણવી, શાપિત ગણવી, તેમને તિરસ્કારપાત્ર માનવી, આહાર ઓછો કરી તેમને કૃશાંગ કરવી, વિરક્ત વૃત્તિનું સર્વ કામ તેમની પાસે કરાવવું, એટલે રિબાઈને અને ક્ષીણ થઈને તેઓ વહેલી મરણ પામે કે તે સુધારાવાળાના અનાર્ય વિચારની પ્રવૃત્તિ થઈ ન શકે. સદૈવ હું વિધવા પુનર્લગ્નના દુષ્ટ પ્રયત્નોની સામો થાઉં છું તેથી મારી જિહ્વાના પ્રભાવે એ પ્રયત્નનો હવે થોડા સમયમાં અંત આવશે; આથી સુધારાવાળાને ભીતિ લાગે છે, તેથી લોકો મને ઘડી ઘડી પીડા કરવાના પ્રયત્ન કરે છે. પણ જેમ યજ્ઞ કરનાર ઋષિઓને ક્ષત્રિયો રાક્ષસોની બાધામાંથી મુક્ત કરે છે તેમ આર્યધર્માર્થ મહાપ્રયાસ કરનાર મારા શરીરને મારા ઉત્સાહી વિચારો, મારાં બંધન ઇત્યાદિની પીડાને સમયે શાંતિ આપે છે. એ પીડા મારા પર દ્વેષ રાખી મૂળમાં સુધારાવાળાઓ ઉત્પન્ન કરે છે એમાં લેશમાત્ર સંશય નથી. જુઓ વિધવાઓના દેહકષ્ટની સાધના સારુ હું ઉપદેશ કરું છું કે, વિધવાઓએ પ્રતિદિન વ્રત પાળવામાં અને ઉપવાસ તથા ફરાળ કરવામાં આયુષ કાઢવું. આથી વ્રતના પુણ્યની હાનિ કરવાના ઉદ્દેશથી સુધારાવાળાઓએ બિલાડબારસના દિવસે બિલાડીઓને પાવાના દૂધમાં પરીક્ષા કરવાને બહાને વિલાયતી કાચની ભૂંગળીઓ બોળી આખા ગામનું દૂધ અપવિત્ર કર્યું. તે દહાડાથી સુધારાનો ચેપ લાગ્યાથી બિલાડીઓએ પ્રાણીઓની હિંસા કરવા માંડી અને તેથી એક બિલાડીએ સુધારાની વૃત્તિથી પ્રેરાઈને વંદાનો ભક્ષ કર્યો. તે પરથી થયેલા ઝઘડા અને તેના આ પરિણામનું મૂળ કારણ આ રીતે સુધારાવાળાઓ છે એ સિદ્ધ થાય છે. પણ, એના પરિણામમાં જ્યારે મારું ક્રોધાવિષ્ટ ધર્મવીરત્વ પ્રગટિત થયેલું પૂર્ણ રીતે વિદિત થશે અને સુધારાનો નાશ થશે ત્યારે સુધારાવાળાઓ પશ્ચાતાપ કરી, સુધારાને પોતાથી છૂટો પડેલો જોઈ પોતાના જ પ્રયત્નને નિંદશે એ હું નિશ્ચયપૂર્વક કહું છું. વિધવાવિવાહનો નાશ કરવો એ મારા જેવા શાસ્ત્રજ્ઞને જરા પણ કઠણ પડવાનું નથી. સુધારાવાળા ગમે તેટલાં શાસ્ત્રનાં પ્રમાણ બતાવે, પણ જ્યાં સુધી મારા જેવા આર્ય તે સ્વીકારે નહિ ત્યાં સુધી સર્વ નિરર્થક છે, કેમકે શાસ્ત્રોમાં શબ્દ એ જ પ્રમાણ છે અને શબ્દ એ શ્રોત્રનો વિષય છે. તો જેમ ચક્ષુ બંધ કરનાર આગળ રૂપ નિરર્થક છે તેમ શ્રોત્ર બંધ કરનાર આગળ શબ્દ નિરર્થક છે અને અમે આર્યો શું એટલી સમજણ વિનાના છીએ કે, અમને અણગમતા શબ્દપ્રમાણ માટે શ્રોત્ર ઉઘાડા રાખીએ ? એ રીતે સુધારાવાળાને પ્રિય તર્કશાસ્ત્ર દ્વારા જ સિદ્ધ થાય છે કે સુધારાવાળાનાં શાસ્ત્રીય પ્રમાણ નિરર્થક છે.’
‘વળી આર્યરીતિથી પરીક્ષા કરતાં પણ એ જ પરિણામ આવે છે. સુધારાવાળા કલિયુગમાં પરાશરનું પ્રમાણ ચાલે એમ બતાવે છે, પણ કલિ તે તો આર્યનો કલિ તેમ સમજવાનું છે. પાશ્ચાત્ય માયાયુક્ત સુધારાને દેખીને તો આર્યકલિ દૂર જતો રહે અને તેની જોડે તેના સમયનાં પ્રમાણ પણ જતાં રહે. વળી પારાશરસ્મૃતિનો શ્લોક બતાવવામાં આવે છે, તેનો પદવિગ્રહ તો આ પ્રમાણે છે:
नष्टे अमृते अप्रवजिते अक्लीबे च पतिते अपतौ । पंचसु आपत्सु नारीणां पति: अन्य अविधीयते ॥
સુધારાવાળાઓ કહે છે કે, આ શ્લોકને આધારે જે સ્ત્રીનો પતિ મૃત થયો હોય તે બીજા પતિ સાથે લગ્ન કરી શકે છે પણ આ શ્લોકમાં તો मृत નહિ પણ अमृत છે એટલે વિધવાની તો વાત જ નથી. नष्ट પહેલા अકાર નથી તેથી કદાચ કહેવામાં આવશે કે પતિ नष्ट થઈ ગયો હોય તો બીજો પતિ કરી શકાય છે; પણ સુધારાવાળાઓએ સ્વીકારેલા પાશ્ચાત્ય પદાર્થવિજ્ઞાન પ્રમાણે તો કશાનો પણ નાશ થતો જ નથી તેથી તેમને नष्ट પતિ અસંભવિત જ છે, એટલે બીજો પતિ કરવાની વાત રહી જ નહિ, વળી पतित આગળ અકાર નથી, તે છતાં પણ પતિ पतित થાય ત્યારે બીજો પતિ થઈ શકતો નથી, કેમકે ક્રિયાપદ अविधीयते છે. કોઈ શંકા કરશે કે પતિ अमृत ઇત્યાદિ થાય તેમાં સ્ત્રીને आपत्ति શું છે ? પણ પ્રથમાર્ધનો છેલ્લો શબ્દ તો अपतौ છે. अपतिનો અર્થ “વાચાવદત્તા”નો પતિ થાય છે એવું ગપાષ્ટક કોશમાં લખેલું છે. હવે દાનથી થયેલો પતિ અમૃત થાય તો સ્ત્રીને કેવી મોટી આપત્તિ થાય ? વિધાત્રીએ કલ્પેલું આયુષ્ય વાગ્દાનથી નિ:સીમ વધે અને મર્ત્યત્વ દૂર થાઅ અને તેમાં વાગ્દત્ત સ્ત્રી નિમિત્તભૂત થાય તો પછી વિધાત્રી તે સ્ત્રી પર કોપે અને પોતાના લેખ એ ન ફેરવતી હોય તોયે ફેરવે અને સ્ત્રીને વિધવા કરે.
નારદસ્મૃતિમાં अष्टो वर्षाण्युपेक्षेत ઇત્યાદિ શ્લોક છે તે પણ પતિ નષ્ટ થઈ ગયો હોય તે માટે છે અને નષ્ટ પતિનો અસંભવ તો સિદ્ધ કરેલો છે. उदीर्यनार्य ઇત્યાદિ શ્રુતિવચનોનાં પ્રમાણ સુધારાવાળા આપે છે અને કહે છે કે શ્રુતિ અને સ્મૃતિનો વિરોધ હોય ત્યાં શ્રુતિનું પ્રમાણ વધારે બળવાન છે. પણ એ અનાદિ કાળથી સિદ્ધ થઈ ચૂકેલું છે. સ્મૃતિઓ થઈ તે પહેલાંનું સિદ્ધ થઈ ચૂકેલું છે કે શ્રુતિના અર્થને સ્મૃતિ અનુસરે છે. શ્રુતિમાં હોય તે જ સ્મૃતિમાં આવી શકે. માટે વિરોધ હોય ત્યાં શ્રુતિ ખોટી ગણવી અને સ્મૃતિ ખરી માનવી.’
‘વળી સુધારાવાળાઓ યુક્તિપ્રમાણ લાવે છે અને સુખદુ:ખ, લાભાલાભની તુલના કરી બતાવે છે કે વિધવાવિવાહનો બલાત્કારે નિષેધ કર્યાથી ઘણા અનર્થ થાય છે. હવે પ્રથમ તો જ્યાં શાસ્ત્રનું કે રૂઢિનું અનુસરણ કરવાનું છે ત્યાં સુખદુ:ખ કે લાભાલાભ જોવાનાં છે જ નહિ; સુખ અને લાભની નિરર્થકતા તો આપણા પૂર્વજોએ પ્રથમથી જોઈ મૂકેલી છે. માટે અલાભ થાય કે દુ:ખ પડે તોપણ ચાલતું હોય તે ચાલવા દઈએ તો આપણે કર્તવ્યપરાયણ થઈએ. તેથી, યુક્તિ કે તર્કનું મહત્વ આપણે ગણતા જ નથી. શાસ્ત્રમાં કહ્યું છે તેમ કરવાનું તો અવશ્ય છે તો પછી તેવા આચરણનાં વિષમ પરિણામ દેખાડ્યાનું શું પ્રયોજન છે ? દુરાચાર થાય છે, હત્યાઓ થાય છે, અપકીર્તિ થાય છે, સંતાપ થાય છે, એટલા માટે શું આર્યો શાસ્ત્રનું ઉલ્લંઘન કરશે, રૂઢિ ફેરવશે અને વિધવાઓને પુનર્લગ્ન કરવા દેશે ? સુધારાવાળા જાણતા નથી કે આર્યોની દઢતા તો અનન્ય છે. સુખના સાધનને તો સર્વ પ્રજાઓ આગ્રહથી વળગી રહે છે; પણ મોટાઈ તો આર્યોની જ કે તેઓ દુ:ખના સાધનને આગ્રહથી વળગી રહે છે; વળી પરમાર્થ દષ્ટિથી વિચાર કરીએ તો અનર્થ શો છે ? બાળહત્યા થાય છે તે તો બાળકોના આયુષ્યના ક્ષયનું પરિણામ છે. વિધવાઓનાં પુનર્લગ્નથી શું એવાં બાળકોનાં નિર્મિત આયુષ્ય વધશે ? શું તેમનાં પ્રારબ્ધ બદલાશે ? દુરાચારાદિ માટે પણ એ જ સમજી લેવું. વળી સુધારાવાળા કહે છે કે વિધુર પુરુષો ફરી લગ્ન કરી શકે છે તો વિધવા સ્ત્રીઓ ફરી લગ્ન કેમ ન કરી શકે ? સ્વાભાવિક વિશ્વનિયમનું કેવું અજ્ઞાન ? સ્વાભાવિક વિશ્વનિયમ એવો છે કે એક ગુરુને બે શિષ્ય હોઈ શકે પણ એક શિષ્યને બે ગુરુ હોઈ શકે નહિ. સ્વાભાવિક વિશ્વનિયમ એવો છે કે એક દાતાને બે યાચક હોઈ શકે પણ એક યાચકના બે દાતા હોઈ શકે નહિ. સ્વાભાવિક વિશ્વનિયમ એવો છે કે એક મોચી બે કાલબુટનો ધણી હોઈ શકે પણ એક કાલબુટના બે મોચીઓ ધણી હોઈ શકે નહિ, તે જ પ્રમાણે એક પુરુષને બે સ્ત્રીઓ હોઈ શકે પણ એક સ્ત્રીને બે પુરુષ હોઈ શકે નહિ. તે માટે સ્ત્રી મરી ગયા પછી પુરુષ લગ્ન કરી શકે, પણ પુરુષ મરી ગયા પછી સ્ત્રી ફરી લગ્ન કરી શકે નહિ, કેમકે તે સ્વાભાવિક વિશ્વનિયમની વિરુદ્ધ છે. સ્વાભાવિક વિશ્વનિયમાનુસરણની ઇષ્ટતા તો સિદ્ધ જ છે, કેમકે પાશ્ચાત્યોમાં પણ મનુષ્યેચ્છાનુસાર પ્રયત્ન કે મનુષ્યના અભિપ્રાયને અનિષ્ટ ગણી કેવળ સ્વભાવથી પ્રવર્તતી. વ્યવસ્થાને યોગ્ય ગણનાર કેટલાક માર્ગ છે તે આધારથી આપણો મત સિદ્ધ થાય છે કે વિશ્વસ્વભાવના જે સદૃશ છે તેનું અનુકરણ કરવું એ જ સ્વાભાવિક વિશ્વનિયમાનુસરણ છે. હવે વિશ્વસ્વભાવની સદૃશ ક્રિયા એનો નિર્ણય કરવો એ આપણા હાથમાં છે. માટે આપણને અનુકૂલ હોય તે સર્વ સદૃશ છે એમ સિદ્ધ કરી શકાય છે. વિધવાવિવાહ આપણા મતને અનુકૂલ નથી માટે તે સ્વાભાવિક વિશ્વનિયમથી વિરુદ્ધ છે. ઇતિ સિદ્ધમ્.
‘વળી, સ્ત્રી અને પુરુષમાં પ્રકૃતિથી ભિન્નતા છે, તે છતાં પુરુષની પેઠે સ્ત્રી પણ ફરીથી લગ્ન કરે તો પછી સ્ત્રી ને પુરુષમાં ફેર શો ? સ્ત્રીનું સ્ત્રીત્વ ટળી પુરુષત્વ નહિ થાય ? શું પુરુષની સમાન થવાની ધૃષ્ટતા કરવા પ્રકૃતિએ સ્ત્રીને સૃજી છે ? શું પુરુષો કૃપા કરીને સ્ત્રીઓને એક વાર લગ્ન કરવા દે છે માટે સ્ત્રીઓએ પુરુષો પેઠે બીજી વાર લગ્ન કરવાથી માંગણી કરવી ? પુરુષો બળવાન છે અને પુરુષોની કૃપા થકી સંસારનું સુખ મળ્યું છે. પુરુષોની કૃપા ન હોત તો સાધ્વી થવું પડત, એ શું સ્ત્રીઓ ભૂલી જાય છે ? માટે વિધવા થયે સંસારસુખ અટકે ત્યારે ફરી તેવા સુખની ઇચ્છા સ્ત્રીએ કરવી જ ન જોઈએ. સંસાર મિથ્યા છે અને દુ:ખથી ભરેલો છે એવો ધાર્મિક ઉપદેશ આવે સમયે સાંત્વન માટે પુરુષોએ કરી રાખેલો છે, તે વિધવાઓએ ગ્રહણ કરવો અને પુરુષોનો ઉપકાર માનવો એ જ કર્તવ્ય છે. વિધવા થયા પછી ધર્મલાભ મળે એથી વધારે મહોટું સુખ શું હોય ? સંસારમાં રહેતાં એવી ધર્મપ્રાપ્તિ થાય નહિ. વૈરાગ્યના સર્વ પુણ્યનો વિધવાઓને અધિકાર આપ્યો છે. વળી પ્રેમની ઉચ્ચ ભાવના તે એ જ છે કે બુદ્ધિમાન પ્રાણીએ એક વાર જ લગ્ન કરવું. પુરુષો પોતે અનેક વાર લગ્ન કરી ઊતરતી ભાવના સ્વીકારવાનું માથે લઈ સ્ત્રીઓ પાસે માત્ર ઊંચી ભાવના જ પળાવે છે એ શું પુરુષોની ઓછી ઉદારતા છે ? એવો સ્વાર્થત્યાગ બીજા કોઈ દેશમાં જોવામાં આવ્યો છે ? સુધારાવાળા સમજ્યા વિના જ આપણને સ્વાર્થપરાયણ કહે છે. વળી, એ પણ ધ્યાનમાં લેવાનું છે કે સ્ત્રીઓને પુનર્લગ્ન કરવાની છૂટ મળશે તો તેઓ પુનર્લગ્નની આશાથી પ્રથમ પતિઓને મારી નાખશે અને દેશમાં સર્વ પુરુષો પોતાના આયુષના રક્ષણ માટે વિધવાઓ સાથે લગ્ન કરવા ઇચ્છા કરશે અને કુમારિકાનાં લગ્નમાત્ર બંધ પડશે. આ સુધારાવાળાઓની યુક્તિ આપણે નથી સમજતા એમ નથી. એવા અનાચાર અટકાવવાને અમે આર્યો સજ્જ થઈ બેઠેલા છીએ. પુરુષોને ફરીથી લગ્નની છૂટ છતાં તેઓ સ્ત્રીને પ્રથમ મારી નાખતા નથી એ વાતથી અમે ભૂલમાં પડતા નથી, કેમકે પ્રકૃતિએ સ્ત્રી અને પુરુષના સ્વભાવમાં ભિન્નતા રાખી છે. આ દેશની આર્યાઓને અમે ઉચ્ચ ભાવનાવાળી કહીએ છીએ. તેમને સુશીલ, નમ્ર, પતિભક્ત ગણીએ છીએ, પણ અમે એવા મૂર્ખ નથી કે તેઓ પતિના મૃત્યુની ઇચ્છા ન કરે એમ માનીએ. આ દેશમાં સ્ત્રીઓ ફરી લગ્ન કરી શકતી નથી માટે જ તેમની ઉચ્ચ ભાવના કહેલી છે. સ્ત્રી જીવતી છતાં અને મરી ગયા પછી ફરી લગ્ન કરવા છતાં પ્રેમની ઉચ્ચ ભાવના પુરુષો જાળવી રાખી શક્યા છે, એ ચમત્કાર આ દેશના પુરુષોથી જ થઈ શકે એવો છે. તે માટે જ અમારા પૂર્વજોએ વિધવાનાં પુનર્લગ્ન કદી થવા દીધાં નથી. ચારે વેદમાંથી ગમે તે મંત્ર લાવો; તેમાંથી એવો અર્થ હું કહાડી આપીશ કે વિધવાએ પુનર્લગ્ન ન કરવું જોઈએ. અર્થ કરવાનું અમારું ચાતુર્ય છતાં કદી કોઈ વચન દુરાગ્રહી જણાય તો એટલું જ સમજવું કે કોઈ અપ્રસિદ્ધ અનિષ્ટ આચાર નિષિદ્ધ છતાં કોઈ કાલે પ્રવર્તતો હશે. તે આચાર અપ્રસિદ્ધ અને નિષિદ્ધ હતો એ સિદ્ધ જ છે, કેમ કે તેની પ્રસિદ્ધિનાં કે વિધિનાં પ્રમાણ અમે સ્વીકારતા નથી.’
આ રીતે, એકએક પ્રમાણથી વિધવાવિવાહનું ખંડન થાય છે. સુધારાવાળા પોતે જ વિધવા સાથે લગ્ન કરતા નથી એ શું બતાવી આપે છે ? એ જ કે તેઓ અંતરમાં આપણાં પ્રમાણ ખરાં માને છે. પોતાને પ્રતીતિ ન છતાં અને લોકોની અપ્રતીતિ થયા છતાં શા માટે તેઓ વિધવાવિવાહનો પક્ષ લે છે તે હેતુ શોધવાનું કામ આપણું નથી. તેમ કદી કોઈ સુધારાવાળા વિધવા સાથે લગ્ન કરે ત્યારે તેને દોષમાંથી મુક્ત કરવાનું અને તેના કૃત્યને યોગ્ય કહેવાનું કામ આપણું નથી. જે વિધવા સાથે લગ્ન કરે તેને નિંદાપાત્ર ગણવો એ જ કર્તવ્ય છે. સુધારાવાળા કહે છે કે ‘વિધવાઓ ઉપર જે જુલમ થાય છે તે દૂર કરવા અમે પ્રયત્ન કરીએ છે માટે અમારા પર બલાત્કાર થવો જોઈએ ?’ ઉત્તર કે ‘હા, સ્વાભાવિક વિશ્વનિયમ જ એવો છે. અગ્નિનો પ્રતિકાર અગ્નિથી જ છે. સુધારાવાળા કહે છે કે, અમે અમારી નિર્બળતાનો અંગીકાર કરીએ છીએ. પરંતુ અન્યાય પ્રગટ કરવા જેટલી નિર્ભયતા પણ તમે નહિ ગ્રહણ કરો, બીજાનાં દુ:ખ નિવારણ કરવાના અમારા પ્રયત્નને સહાયતા નહિ કરો અને ઊલટા તેમાં વિઘ્ન કરશો ? ઉત્તર કે ‘હા, અનાદિ સિદ્ધાંત જ એવો છે. વિધવા થવામાં દુ:ખ છે એમ અમારા પૂર્વજોએ માન્યું જ નથી. અમને પોતાને નવો વિચાર કરવાનો અધિકાર નથી.’ સુધારાવાળા કહે છે કે, ‘દુરાચાર અને હત્યા થાય છે એ અટકાવવા પ્રયત્ન કરવાની જરૂર નથી એમ તમે કહો છો ?’ ઉત્તર કે, ‘હા, એમાં જ અમારું આર્યત્વ છે, શાસ્ત્રના અનુસરણથી અનાચાર કે હત્યા થાય એમ આર્યો માનતા જ નથી. ‘જરૂર’ એ યાવની શબ્દ તમે વાપર્યો માટે હવે વધારે ઉત્તર અમે નહિ આપીએ.’
‘આમ નિરુત્તર થઈ જવાથી સુધારાવાળા મારા પર બહુ કોપાયમાન થયેલા છે. મારા વાગ્બાણની વૃષ્ટિથી તેમનો પરાજય થયો છે. તથા હવે એમના પક્ષના નાશને મોદકભોજન અને તૃપ્તિ વચ્ચે હોય એટલી જ વાર છે. તેથી તેઓ મારા પર વેર રાખે છે. કોઈ બુદ્ધિમાન પ્રાણી સહાયતા નહિ કરે એમ ધારી તેમણે બિલાડવર્ગને સુધારાના પક્ષમાં લઈ જંતુઓની હિંસામાં પ્રેરિત કર્યો અને તેના પરિણામે મેં બે રાત્રિ કારાગૃહમાં કાઢી પણ સંસારરૂપી માયામાં જેમ મનુષ્યની બુદ્ધિ વિકાસ પામે છે, માયાથી મુક્ત થવાનો પ્રયત્ન કરી શકે છે, અંધારામાં જેમ કેટલાંક પ્રાણીઓની દૃષ્ટિ વધારે દૂરગામી થાય છે, દંડપ્રહારથી જેમ અશ્વાદિની ગતિ વધારે વધારે ત્વરાયમાન થાય છે તેમ કારાગૃહ નિવાસમાં મારું ધર્મવીરત્વ વધારે પ્રગટિત થયું છે. કારાગૃહથી છૂટતાં વધારે સમર્થ થયો છું. આર્યપક્ષને વિશેષ સબલ કરવા હું શક્તિમાન થયો છું. માટે કારાગૃહમાં વધારે નિવાસ કરવો પડે તો તેથી પણ આ પ્રમાણે અંતે આર્યપક્ષને લાભ જ છે. સુધારાવાળાના પ્રયત્ન સર્વ રીતે નિષ્ફળ જ જશે.
એકઠા થયેલા લોકો સુધારાવાળાના જાસૂસ હતા એમ અમને લાગ્યું, કેમકે કોઈ પણ તાળીઓ પાડતા નહોતા અને કેટલાક તો ઘડી ઘડી ટોળામાંથી અગાડી નીકળી આવી અમારા મુખ સામે જોઈ રહી પાછા ટોળા બહાર નીકળી જઈ સુધારાવાળાને ખબર આપવા સારુ ચાલ્યા જતા હતા. એ માટે અમને લેશમાત્ર ચિંતા નહોતી પણ ભદ્રંભદ્રને ભીતિ એ લાગવા માંડી કે ટોળું વધારે પાસે ધસી આવશે. મને પાસે બોલાવી કહ્યું, ‘મને આ લોકોની મારની બીક નથી, પણ, એ અસ્પૃશ્ય લોકો વધારે પાસે આવશે અને એમનો સ્પર્શ થશે તો એટલી અશુદ્ધિ આપણને પ્રાપ્ત થશે કે સ્નાનથી શું પણ મત્સ્યરૂપે પુનર્જન્મથી પણ તે દૂર નહિ થાય. અસ્પૃશ્ય ચાંડાલોના સ્પર્શની બીક હોય તેવે સ્થળે જવાનો કે રહેવાનો શાસ્ત્રમાં સ્પષ્ટ નિષેધ છે. દેશનું સત્યાનાશ જતું હોય તોપણ સ્પર્શાસ્પર્શના નિયમોનો ભંગ કરવો નહિ. તે માટે તો દેશ પર ચઢાઈ કરનારા યવનો અને મ્લેચ્છો સામે લડાઈ કરવાનો આપણા પૂર્વજોએ ઝાઝો આગ્રહ કર્યો નહિ. કેમકે દેશના રક્ષણના હેતુથી પણ યુદ્ધમાં અસ્પૃષ્ય જનોના સ્પર્શથી આર્યધર્મ ભ્રષ્ટ થાય છે. આ ધર્મહાનિની ભીતિથી જ આપણા પૂર્વજો બીજા દેશ પર ચઢાઈ કરવા ગયા નથી.’
આ કારણસર ભદ્રંભદ્રે ભાષણ સમાપ્ત કરી ટોળું વિખેરી નાખ્યું.
૧૪. ભૂતલીલા
હવાફેરથી કે કોણ જાણે શાથી કારાગૃહમાં બે દિવસ ગાળ્યાથી ક્ષુધા પ્રદીપ્ત થઈ હતી, તેથી સત્વર ઘર તરફ જવાની મેં સૂચના કરી પણ ભદ્રંભદ્ર કહે “परान्नं दुर्लभं लोके” શાસ્ત્રાનુસારી બ્રાહ્મણે તો પારકાનું અન્ન ખાવાની જ બનતાં સુધી ગોઠવણ કરવી, માટે ભોજન કરાવનાર આતિથ્યકારની પ્રથમ શોધ કરીએ. કોઈ નહિ મળે, તો પછી ઘેર જઈને ઉદર ભરવાનું તો છે જ.’
કેટલેક અંતર ગયા પછી સુભાગ્યે એક મહોટા ઘરમાં માળ પર બ્રાહ્મણો જમતા હોય એવી હોહા અને ગરબડ સંભળાઈ. ઉપર જવાનો દાદર ઓટલા પર પડતો હતો પણ એક ચાકરે અમને અટકાવ્યા અને કહ્યું, “અત્યારે કોઈને ઉપર જવા દેવાનો હુકમ નથી, કેમ કે શેઠ શાહુકારો ને અમલદારો ભરાયા છે.”
ઘોંઘાટ પરથી એ વાત માનવા જેવી લાગી નહિ. વાટ જોઈશું એમ કહી અમે ચાકર જોડે વાત કરવા બેઠા. ભદ્રંભદ્રે તેને ભોજનસામગ્રી વિષે કેટલીક વાતો પૂછી પણ તેણે સંતોષકારક ઉત્તર આપ્યા નહિ. ‘મારે ને રસોઈયાને અણબનાવ છે, તેથી મારે ભાગે બહુ થોડું આવે છે.’ એ જ ઉત્તર તેણે મુખ્યત્વે કરીને આપ્યો. ચલમનો દેવતા ફૂંકવામાં તેનું ધ્યાન વધારે હતું. આખરે તેણે ચલમ ઠાલવી દઈ તમાકુની શોધ કરવા માંડી. ભદ્રંભદ્રે તેને તમાકુ લેવા સારુ પૈસો આપ્યો. તે લઈ તે બજાર તરફ ગયો. આ લાગ જોઈ અમે માળ ઉપર ચઢી ગયા.
દાદર ચઢતાં સામે “सिर्फ सनातन आर्यधर्मीओ कु प्रवेश की अनुज्ञा है” એ વાક્યવાળું પાટિયું જોઈ ભદ્રંભદ્ર સંતુષ્ટ થયા, પણ ભાણા પર બેઠેલા બ્રાહ્મણો જોવાની આશા સફળ ન થઈ. વખતે સહુ જમી રહ્યા હશે અને ખાધું પચાવવાનો પ્રયત્ન કરતા હશે, કે કદાચ મહાભારતની કથા સાંભળી કૌરવ-પાંડવોનો વિગ્રહ ભજવી જોવાને ઉશ્કેરાયા હશે, પણ સર્વ દારુણ યુદ્ધમાં મચેલા હતા, કેટલાક હાથમાં તકિયા લઈ જાણે દંડ વડે પ્રહાર કરતા હતા, કેટલાક શાલના કે ખેસના કોથળામાં ખાસડાં ભરી જાણે ગદા ફેરવતા હતા. કેટલાક બે હાથે જોડા પહેરી જાણે પંજાથી ડરાવતા હતા. કેટલાક ખુરશીઓ ઊંચકી જાણે ઢાલ ધરી ધસતા હતા. કેટલાક લાકડી પર પાઘડી ઊંચી કરી જાણે ધજા ફરકાવતા હતા. ઘણાખરા તો બિનહથિયારે મુક્કીઓથી અને લાતથી યુદ્ધ ચલાવતા હતા. માત્ર થોડા જ દૂર ઊભા હતા. તેઓ બહુ જ બીભત્સ ગાલિપ્રદાનથી જાણે ભાટ થઈ યોદ્ધાઓને પાનો ચઢાવતા હતા. જોવાની મઝા હતી, પણ ક્ષુધાના પ્રબળથી મેં ભદ્રંભદ્રને સૂચવ્યું કે, ‘આપણે અહીંથી ઊતરી જવું એ જ ઉચિત છે.’ પણ, ભદ્રંભદ્ર કહે કે ‘સર્વજનો આર્યપક્ષવાદી છે તો એમનો સમાગમ કર્યા વિના જવાય નહિ, શંકરની કૃપા હશે તો અહીં જ ભોજનની ગોઠવણ થઈ જશે.’
એવામાં પાસેના ઓરડામાંથી એક આદમી શેતરંજી ઓઢીને દોડતો આવ્યો. એ બૂમ પાડી બોલ્યો, ‘ભૂતગણો! શાંત થાઓ, શિવ આવ્યા છે. પ્રણામ કરો,” સર્વ શિયાળ જેવા દીર્ઘ રુતનો શબ્દ કર્યો, પોતાનાં શસ્ત્ર ફેંકી દીધાં અને એક પછી એક આવી શિવને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરવા લાગ્યા. પ્રણામ કરવામાં વચમાં એક જણ પૂરેપૂરો જમીન પર સૂઈ જતાં સંકોચાયો અને અધૂરા પ્રણામ કરી ઊઠી ગયો. શેતરંજીમાંના કાણામાંથી શિવે આ અવજ્ઞા જોઈ અને એકદમ આજ્ઞા કરી, ‘દ્રોહી છે, સુધારાવાળો છે, સર્વ અકેક ટપલો મારો.’ તે બિચારાએ ઘણું કહ્યું, ‘હું સુધારાવાળો નથી, આર્ય છું, કથાભક્ત છું, ભૂત છું.’ પણ, તે સર્વ વ્યર્થ ગયું. બધાં ભૂતો આવી એક પછી એક તેને ટપલો મારી ગયાં; કેટલાંક તો તેના ખભા ઝાલીને કૂદ્યાં, તો પણ તે નિશ્ચલ બેસી રહ્યો. પાછું દંડવત્ પ્રણામનું કામ ચાલ્યું. દ્રોહી ગણાઈ શિક્ષા પામવાની બીકથી અમે પણ મૂંગા મૂંગા સર્વ પ્રમાણે પ્રણામ કરી આવ્યા.
સહુ પ્રણામ કરી રહ્યું એટલે શિવરૂપ શેતરંજીમાંથી ઘાંટો કહાડી બોલ્યા, ‘નંદી પોઠિયો હોય તે આગળ આવે.’ તરત સર્વે ભૂતો પશુ પેઠે ચાર પગે ચાલી શિવ તરફ દોડવા લાગ્યાં, એ શિવની સમીપ જતાં એકબીજાને હડસેલવા લાગ્યાં, પોતાના વાહન થવાની આ સ્પર્ધા જોઈ શિવ ફરી બોલ્યા, ‘આજ જેનો નંદી થવાનો વારો હોય તે જ અગાડી આવે.’ એકદમ સર્વ ભૂતગણો પાછા હઠી દૂર જઈ બેસી ગયાં અને એક ભાગ્યશાળી ભૂત ખુશી થતું અને ડોલતું શિવ પાસે આવ્યું. શિવ તે પર બેઠા અને પોઠિયાને ચારે તરફ ફેરવવા લાગ્યા. જે ભૂત તરફ પોઠિયો જાય તે સામું માથું ધરે અને પોઠિયો તેની સાથે માથાની ટક્કર લઢાવે એ પછી તેનું માથું સૂંઘે, આમ કેટલીક વાર કર્યા પછી શિવ અને પોઠિયો પાછા સ્વસ્થાને આવ્યા. સર્વ ભૂત સામાં હાથ જોડીને ઊભાં રહ્યાં.
ક્ષણ વાર રહી શિવ બોલ્યા, ‘ભૂતગણો, તમારા કોઈના માથામાં સુધારાની કઠણતા રહી નથી એ જાણી મને સંતોષ થયો છે; પણ પોઠિયાના કહેવાથી જણાય છે કે હજી કેટલાકના તાળવામાંથી સુધારાની સહેજ સહેજ વાસ આવે છે એથી ખેદ થાય છે. વખતે અજાણ્યે એટલો પાસ બેસી ગયો હશે, કે પહેલાંના સંસ્કાર ધોઈ નાંખ્યા છતાં સહેજ ડાઘા રહી ગયા હશે.’
એક ભૂત અગાડી આવી બોલ્યું, ‘ભૂતેશ્વર, એટલી તો ખાતરી રાખશો કે અમારા કોઈની સુધારા તરફ ઈચ્છાપૂર્વક વૃત્તિ નથી. સુધારાના નામથી અમે ત્રાસ પામીએ છીએ. સુધારો હોય ત્યાંથી અમે દૂર નાસીએ છીએ, જે આચાર કે વિચાર સુધારાવાળાએ પસંદ કરેલા કે દાખલ કરેલા કહેવાય છે તે સર્વ અમે છોડી દીધા છે અને તે ખરા છે કે ખોટા છે અથવા લાભકારી છે કે હાનિકારક છે એટલુંય જોવા અમે ઊભા રહ્યા નથી. તે છતાં સુધારાના સંસ્કાર રહી ગયા હશે તો તે પહેલાંના, સુધારાના વખોડવાથી લોકપ્રીતિ મળે છે એ અનુભવ થવા માંડ્યા. અગાઉના હશે અને સુધારાનો પાસ બેઠેલો જણાતો હશે તો તે ફક્ત યુરોપીઅન લોકોના હાથ નીચે નોકરી કરવાની તેથી તેમની નજરમાં સુપ્રકાશિત બુદ્ધિવાળા ગણાવા માટે ધારણ કરેલી વૃત્તિ છે. લોકમાં કહેવાના અમારા વિચાર આ મંડળથી છાના નથી.’
ભૂતેશ્વર બોલ્યા, ‘ધન્ય છે, તરવાર તો બેધારી જ રાખવી. કયા વિચાર જાતે ખરા અને કયા આચારનાં પરિણામ સારાં એ ચિંતામાં જીવ બાળી જિંદગીની મજા ખોવી એ મૂર્ખાઈ છે.’
એક બીજું ભૂત અગાડી આવી બોલ્યું, ‘મહાદેવ, મઝા નથી સમજતા તે જ સુધારાની મૂર્ખાઈમાં પડે છે. શિવજીનો ઉપદેશ તો સાચો છે. પણ, આ પોઠિયાના વચન પર વિશ્વાસ ન કરવો જોઈએ, એને અમારા તાળવામાંથી સુધારાની વાસ આવે છે, પણ એના મોંમાં અમને બીજા કશાની વાસ આવે છે. માટે એની ઝડતી લેવી જોઈએ અને એની પાસેથી જે નીકળે તે બધાંને વહેંચી આપવું જોઈએ.’
આ સાંભળી સર્વ તુચ્છકારનો શબ્દ કરતા ધસી આવ્યા અને ‘ભ્રષ્ટ’, ‘પાપી’, ‘સુધારાવાળો’ એમ બોલી શિક્ષા કરવાનું કહેવા લાગ્યા. પોઠિયો બે પગે ઊભો થઈ ગયો અને એ ભૂત પર ક્રોધથી ધસ્યો. બેમાંથી કોને ભ્રષ્ટ ગણી શિક્ષા કરવાનો સર્વ પ્રયત્ન કરતા હતા તે સમજાતું નહોતું, પણ પોઠિયાને અને તેના પર આરોપ મૂકનાર ભૂતને બંનેને પગ પકડીને બીજા ઓરડામાં ઘસડી લઈ જતા હતા. પોઠિયો ઊભો થઈ જવાથી શિવ નીચે પડી ગયા, એ કોઈના ધ્યાનમાં આવ્યું નહિ. શિવ પણ શેતરંજી ફેંકી દઈ પેલા બેને ઘસડવામાં સામીલ થઈ ગયા. શિવનું મ્હોં દેખાતાં અમે તેમને ઓળખ્યા અને આશ્ચર્ય પામી મેં ભદ્રંભદ્રના સામું જોયું. ભદ્રંભદ્ર કહે, ‘મહોટા માણસો પણ રમતગમત ન કરે તો શરીરશક્તિ મંદ થઈ જાય. પોઠિયો થનાર પાછો આવે ત્યારે તેને પણ ધારીને જોજે. આ તો એ મહોટા માણસની સાદાઈ કહેવાય.’
થોડી વારે સર્વ પાછા આવ્યા. ભૂતત્વ મૂકી દઈ સર્વ મનુષ્ય થઈ ગયેલા હતા. બધાએ પાઘડીઓ પહેરી લીધી હતી. મ્હોં પર જેમણે બુકાનીઓ બાંધી હતી તેમણે તે છોડી નાંખેલી હતી. તેથી અમે ઘણાખરાને ઓળખ્યા. આગલા વેશના શિવજી, પોઠિયો અને બીજા કેટલાક ગાદી પર બેઠા અને બીજા આસપાસ કૂંડાળું વળીને બેઠા. અમે પણ તેમાં દાખલ થઈ ગયા. કોઈ ‘ત્રવાડી’ હજી આવ્યા કેમ નથી એ વિશે વાત ચાલી. કોઈએ કહ્યું કે ‘એમની તો સુધારાવાળાને ત્યાંયે થોડી બેઠક ખરી એટલે તે વખતે ત્યાં રોકાયા હશે.’
પૂર્વના નંદીરૂપ બોલ્યા, ‘બેઠક શાની ત્યાં તે કંઈ આવી સભા ભરાય છે અને ગમ્મત થાય છે? ત્રવાડીને તો હમણાં ગરજ છે તેથી જાય છે, સુધારા તરફ એનું વલણ જરાયે નથી. અક્કલ ન હોય તે સુધારામાં મળે. હું કૉલેજમાં ભણતો ત્યારે સ્ત્રીકેળવણીની હિમાયત કરતો અને તેના લાભ વિષે ભાષણો આપતો. પણ તે તરંગ બદલાઈ ગયા. જ્યારથી માલમ પડ્યું કે એ પ્રયત્ન તો સુધારાવાળાનો ખાસ છે અને તેની બધી કીર્તિ સુધારાવાળાને મળી ચૂકી છે ત્યારથી હું સ્ત્રીકેળવણી વિષે હાસ્ય અને તિરસ્કારની વૃત્તિથી વાત કરું છું. નોકરીના સંબંધમાં બોલવું લખવું પડે તે જુદી વાત છે. પણ અંદરથી હું સ્ત્રીકેળવણીની વિરુદ્ધ છું, કોઈ વખત હાલની સ્ત્રીકેળવણીની પદ્ધતિ ખોટી છે એમ કહી તેમાંથી ખસી જાઉં છું અને કોઈ વખત વધારે સારી પદ્ધતિ કઈ તે બતાવવાનું આવે ત્યારે એકે પદ્ધતિ સમૂળગી બતાવવાનું માંડી વાળું છું. કોઈ વખત એમ કહી પતવી દઉં છું કે ‘સ્ત્રીઓને તો ખાસ ધર્મશિક્ષણ જોઈએ, કેમ કે પુરુષોને ધર્મની એટલી બધી જરૂર નથી.’ સ્ત્રીઓ ભણે કે ન ભણે તેમાં આપણે કંઈ પંચાત નથી. પણ સુધારાવાળાનો પ્રયત્ન છે માટે જેમ બને તેમ પથરા નાંખવા. એટલે લોકોને કહેવાય કે અમે તમારી બધી જૂની રીત જ પસંદ કરીએ છીએ અને ભણેલાને કહેવાય કે લોકો હજી અજ્ઞાન છે અને સારી સ્થિતિને લાયક નથી.’
૧૫. ભૂતમંડળમાં પ્રવેશ
એકદમ ઊભા થઈ ભદ્રંભદ્ર બોલ્યા, ‘આ સમયે મને જે હર્ષ થાય છે તેની આગળ સર્વ અપાર વસ્તુઓ સપાર છે. આપ સર્વ સુધારાના શત્રુ છો અને તેથી પણ વધારે સુધારાવાળાના શત્રુ છો એ જાણી મને જે આનંદ થાય છે તે પારાવારમાં માઈ શકે તેમ નથી. આપ સૌનું આર્યત્વ, આર્યપક્ષત્વ, આર્યપક્ષવાદત્વ, આર્યપક્ષવાદલીનત્વ, આર્યપક્ષવાદલીનાભિમાનત્વ, આર્યપક્ષવાદલીનાભિમાનૈકવૃત્તિત્વ, આર્ય પક્ષવાદલીનાભિમાનૈકવૃત્તિનિર્ભયત્વ જોઇ મારા હૃદયમાં જે ઉલ્લાસનો પ્રવાહ વહે છે તે જોઇ કોડિયાના દીવાથી માંડીને દાવાનલ સુધી હરકોઇ અગ્નિને સમાવી નાખવા સમર્થ છે. માત્ર જઠરાગ્નિને શાંત કરવા તે અશક્ત છે. તેનું કારણ હું ટૂંકામાં જ કહી દઈશ, કેમકે મારો અને આપનો કાળ અમૂલ્ય છે અને હજી બીજાં કાર્યનું સાધન મારે કરવાનું છે. વળી દરેક વાત ટૂંકામાં કહી દેવાના અનેક લાભ છે અને તે વિષે મારે પ્રથમ વિસ્તારથી વિવેચન કરવું આવશ્યક છે. એ લાભ બધા મળીને સત્યાશી છે. તેમાં પહેલો જ શીઘ્રસિદ્ધિ નામે છે તેના એકસો તેર ભાગ પડે છે. તેમાં પ્રથમ ભાગ કાળ અને આયુષના સંબંધ વિશે છે અને તેનું પૃથ્થકરણ કરતાં તેનાં ત્રણસેં તેપન પેટા વિભાગ પડી શકે તેમ છે. સર્વની વ્યાખ્યા એક પછી એક તપાસીએ-‘
નંદીરૂપ પર પ્રથમ આરોપ કરનાર વચમાં ઊભો થઈ બોલ્યો, ‘મહારાજ, ક્ષમા કરજો. આપ કોઇ પૂજ્ય પુરુષ જણાઓ છો. પણ જ્યારે ટૂંકમાં જ કહી દેવાનું આપ જ યોગ્ય ધારો છો તો પછી તેમ કરવાનું કારણ લંબાણથી કહેતા વિરોધ અને અયુક્તિ ભાસે છે.’
ભદ્રંભદ્ર અપ્રસન્ન થઈ બોલ્યા, ‘વિરોધ અને અયુક્તિ સમજનાર મારા સમાન જગતમાં કોઇ નથી, તો પછી તે વિષે મને શિખામણ દેવાની અગત્ય નથી. ભલભલા સુધારાવાળાઓને મેં અણધાર્યે સ્થાનેથી સંવાદ અને યુક્તિનો અભાવ દેખાડી આપી વાગ્યુદ્ધમાં પરાજિત કર્યા છે. ‘કીડી અને કબૂતર’ના પાઠમાં કેટલો બધો વિરોધ છે, આર્યદૃષ્ટિથી તેમાં કેટલી બધી અયુક્તિ છે, તે વિષે બસેં પાનાનું પુસ્તક લખી મેં સુધારાવાળાઓ પાસે તેમના પોતાના લજ્જાપદત્વનો અંગીકાર કરાવ્યો છે. માટે મારા જેવા પૂજ્ય પુરુષના ભાષણમાં અવરોધ થવો ન જોઇએ. હું તમારા સૌ કોઇથી અધિક જ્ઞાની છું એ વિષે મારી પોતાની તો પૂર્ણ પ્રતીતિ છે અને આ મારો અનુયાયી જે, લાકડા ચીરનાર કઠિયારા જેમ સતૃષ્ણ નયને લાકડાનાં ગાડાં પછાડી ફરે છે, તેમ રાત્રિ-દિવસ મારી પછાડી ફરે છે. તે તમને મારું જગત્પ્રસિદ્ધ નામ કહેશે ત્યારે તમને પણ તેની પ્રતીતિ સહજ થઈ જશે. કોઇ આને આત્મપ્રશંસા કહશે પણ તે ભ્રાંતિ છે. સત્યકથનમાં પ્રશંસાનો દોષ નથી અને હું સત્ય કહું છું એમાં મને સંદેહ નથી. મારા જેવા વિદ્વાન બ્રાહ્મણને સત્કારપાત્ર કરવાને બદલે -‘
ભૂતેશ્વરરૂપ એકદમ ઊઠીને બોલ્યા, ‘ભૂદેવ, આપના સત્કારમાં અમે પાછા હઠીએ એવા છીએ જ નહિ. અમે સુધારાવાળા નહિ પણ આર્ય છીએ. આપ સુધારાવાળાના શત્રુ છો, એટલાથી જ આપ સન્માનને યોગ્ય છો. પણ આપે જઠરાગ્નિ વિષે કહ્યું તેથી અમને શંકા થાય છે કે આપે હજી ભોજન કર્યું નથી, એમ હોય તો આપના ભાષણના લંબાણથી આપની ભોજનસામગ્રીમાં વિલંબ થાય છે. માટે હાલ ટૂંકામાં કહી દેવાની આપને વિનંતી છે.’
ભદ્રંભદ્ર સ્મિત કરી બોલ્યા, ‘ભોજનસામગ્રી થતી હોય તો વિશેષ કહેવાની અગત્ય રહી નથી. મારા ભાષણનો ઉદ્દેશ એ હતો. મારું નામ આપને કહેવાની સૂચના આ મારો અનુયાયી સમજ્યો નથી અને આપે કોઇયે પણ તે હજી પુછ્યું નથી, માટે મારે કહેવું જોઇએ કે મારું નામ ભદ્રંભદ્ર છે.’
પૂર્વના ભૂતેશ્વર અને નંદીરૂપે આવીને ભદ્રંભદ્રને પ્રણામ કર્યાં. નંદીરૂપ કહે, ‘આપને નામથી ઓળખતા છતાં દીઠે ન ઓળખ્યા માટે ક્ષમા કરશો.’ ભૂતેશ્વરે શી રીતે અમે આવી ચઢ્યા તે પૂછ્યું. ભદ્રંભદ્રે કહ્યું ‘દુષ્ટ સુધારાવાળાઓના પ્રપંચને લીધે થયેલા જ્ઞાતિના વિગ્રહમાં સહેજ ખોટી સમજૂતને લીધે કારાગૃહમાં બે રાત્રિ કહાડવાની મને જરુર જણાઇ. તેથી ક્ષુધાર્ત થઈ ગૃહ ભણી જતાં અહીં ભોજનસામગ્રી થતી હશે તો સહેજ કોઇ યજમાનને પાવન કરી શકાશે એમ અનુમાન કરી હું આવ્યો. આપ અન્ય વ્યાપારમાં ગૂંથાયા હતા તેથી હજી બોલ્યો નહોતો.’ ભૂતેશ્વરે ભોજનની આજ્ઞા આપવા એકદમ ચાકરને બોલાવ્યો.
મેં હિમત કરી એકદમ ઊભા થઈ ભદ્રંભદ્રને કહ્યું, ‘મહારાજ’, આપના વચનની સૂચના હું સમજ્યો નહિ માટે ક્ષમા માંગુ છું, પણ, આપતો મારા ઉદરની ખરી હકિકત પૂરેપૂરી જાણતા છતાં, આપ તે વિષે એક શબ્દ પણ બોલ્યા નથી. આપ પેઠે હું પણ ક્ષુધાર્ત છું એ કોઇના જાણવામાં નહિ હોય, એ વાત ક્ષુધાએ આપના ચિત્તમાંથી ખસેડી નાખી છે. તો મારી વિસ્મૃતિ માટે પણ ક્ષુધા જવાબદાર છે.’
ભૂતેશ્વર કહે, ‘હું બંને માટે ભોજનની વ્યવસ્થા કરું છું’ તેથી તકરારનું કારણ રહ્યું નહિ. મેં દર્શાવેલી હિમંત માટે ભદ્રંભદ્રે બે શબ્દ કહી પ્રસન્નતા જણાવી નહિ તેમ આકારથી તે અપ્રસન્ન થયા પણ જણાયા નહિ; તેથી, ઊંચાઇને લીધે દેખાઇ આવતા અને પાતળાઇને લીધે દેખાવમાં ન આવતા તાડ જેવા તે શોભવા લાગ્યા. આ ઉપમા મારા મનમાં ઘોળાતી હતી એવામાં મંડળમાંના એકે ગૂંચવાઇને પૂછ્યું,
‘ભદ્રંભદ્ર ક્યા ? ખટપટાબાદ ગયા હતા અને તાડ પાડવા સારુ તે પરનો કાગડો ઉરાડતાં તાડ ઉપર ચડતાં અડધેથી પડી ગયા હતા તે ?’
તાડનું નામ સાંભળી મેં ઉતાવળમાં ભૂલથી ‘હા’ કહી દીધી. વિચાર કરતાં આશ્ચર્યથી ચમકી હું પ્રશ્ન વિષે ખુલાસો પૂછવા જતો હતો, પણ કોપસ્ફુરણ કરી ભદ્રંભદ્ર બોલ્યા,
‘શું લોકોના અજ્ઞાનથી બ્રાહ્મણને માન મળે એમ શાસ્ત્રમાં કહ્યા છતાં આ પુરુષના અજ્ઞાનથી મારું અપમાન થાય અને મારો નષ્ટમતિ અનુયાયી તેનો સ્વીકાર કરે ? શું સુધારાવાળાના પ્રયોગ નિષ્ફળ કરવા સારુ મલિન, દુર્ગંધી, અજ્ઞાની બ્રાહ્મણને પણ ભૂદેવ કહી પૂજવાનો આર્ય પક્ષનો આગ્રહ હવે પૂરો થયો અને દેવથી શ્રેષ્ઠ દ્વિજોનો ઊલટો તિરસ્કાર થવા લાગ્યો !’
ભૂતેશ્વરે અપમાન કરનારને ઠપકો આપી ભદ્રંભદ્રને કહ્યું, ‘પ્રખ્યાત કારભારી તંદ્રાચંદ્રના નામમાં આ માણસ ભૂલ કરે છે. તંદ્રાચંદ્ર વિષે આવી લોકની કહેણી છે તેથી આણે આપને નહિ ઓળખવાથી આ પ્રમાણે અજ્ઞાનથી કહ્યું. બાકી આપે એટલું તો જોયું હશે કે આ મંડળમાં કોઇની મગદૂર નથી કે મારી ઇચ્છા વિરુદ્ધ બગાસું પણ ખાય અને સર્વેને એ પ્રમાણે વશ કરું તો જગતમાં સુધારાનું નામ પણ લેવા ન દઉં. તંદ્રાચંદ્રના બાપ શંભુ પુરાણી મથુરા જઈ આહારમાં ચોબાને હરાવી આવેલા તેમનું નામ તો આપે સાંભળ્યું હશે. તેમના ભાણેજ વલ્લભરામ સુધારાવાળાના શત્રુ તરીકે પ્રગટ થવાથી હમણાં આ મંડળમાં ઘણુંખરું આવે છે. તેથી તંદ્રાચંદ્ર વિષે હમણાં આ મંડળમાં ઘણી વાતો થાય છે. જુઓ આ ત્રવાડિ અને વલ્લભરામ આવી પહોચ્યા.
સહેજસાજ ગાલિપ્રદાનથી બંનેનો આવકાર થયા પછી વલ્લભરામ અને ભદ્રંભદ્ર ભૂતેશ્વર સાથે ગાદી પર બેઠા અને ત્રવાડિ અમારા બધા સાથે બેઠા.
અમે વલ્લભરામને ઓળખતા હતા. તેથી મેં તેમને પ્રણામ કર્યા તેના ઉત્તરમાં તેમણે મને મુક્કી બતાવી અને પોતાના નાકે આંગળી મૂકી ચૂપ રહેવાની મને રોફમાં ઇશારત કરી. એક વખત વલ્લભરામ જુગાર રમતાં પકડાયેલા અને સિપાઇને લાંચ આપી છૂટી ગયેલા તે વખત હું ત્યા આવી પડ્યો હતો અને તે પછી બે-ત્રણ વખત શા વતી જુગાર રમતા હતા તે મેં તેમને પુછ્યું હતું; એક વાર તો બજારમાં મળ્યા ત્યાં કોરે બોલાવી પૂછ્યું હતું; તેથી એ જિજ્ઞાસા હાલ વશ રાખવાની આ ઇશારત છે એમ સમજી મેં નયનના પલકારાથી તે કબૂલ રાખી. મેં ધાર્યું કે મને કોઇ જોતું નથી. પણ ચારે તરફ આંખ ફેરવતાં માલમ પડ્યું કે સર્વની નજર મારા પર હતી. સર્વત્ર હાસ્ય પ્રસર્યું અને તે હાસ્ય પરથી તંદ્રાચંદ્રના દુરાચારના વર્તમાન વિષે કેટલાક સ્પષ્ટાર્થ પ્રશ્નો પુછાયા. તેના વિગતવાર ઉત્તર સંકોચ વિના આપી રહ્યા પછી વલ્લભરામે પૂછ્યું.
‘તંદ્રાચંદ્રની મશ્કરી કરો છો પણ, પણ આ બધામાંથી સાધુ થવાનો કોનો વિચાર છે તે કૃપા કરી જણાવશો કે -‘
નંદીરુપ વાક્ય પૂરુ કરવા વચમા બોલ્યા, ‘સાધ્વી ખોળી કહાડવાની તજવીજ થાય.’
ભૂતેશ્વરે તાળી આપી, પણ બોલ્યા,
‘ખરેખર શબ્દ તો ‘સાધુડી’ છે. બાવા લોક ‘સાધ્વી’માં ના સમજે. વલ્લભરામ, તમે તો ભાષાશાસ્ત્રમાં વિદ્વાન છો. ત્યારે નિર્ણય કરો કે આ બાબતમાં બરાબર શબ્દ કયો. તમે તો પાછા એમાંય સુધારાને એકાદ મેણું મારશો.’
વલ્લભરામ કહે, ‘બંને શબ્દ યોગ્ય છે અને બંને આર્યદેશની ઉત્તમતા સિદ્ધ કરે છે. ‘સાધ્વી’ શબ્દ આર્યદેશની સદ્ગુણભાવના સિદ્ધ કરે છે. પણ પાશ્ચાત વિચારના મોહથી સુધારાવાળા એમ તકરાર કરે છે કે સ્ત્રીઓને પણ પુરુષ જેટલા બધી બાબતમાં હક છે તો બતાવી શકાય કે પુરુષ સાધુ થઈ ગમે તેવું વર્તન કરે પણ તેને માટે તો ‘સાધુ’ શબ્દ જ વપરાય છે. પરંતુ સ્ત્રી સાધુ થવાની ધૃષ્ટતા કરી પુરુષના સમાન હક મેળવા જાય તો તે ‘સાધુડી’ શબ્દથી તિરસ્કારપાત્ર થાય છે. તેથી સિદ્ધ થાય છે કે આપણા પૂર્વજોએ ભાષા બાંધવામાં આવી ઝીણી બાબતમાં પણ બહુ ચતુરાઇ વાપરી છે. માટે, તેમણે તારની અને બલુનની શોધ કરી ન હોય એ સંભવે જ નહિ એમ સિદ્ધ થાય છે.’
૧૬. રસોઈ, રસોડું અને ભદ્રંભદ્ર
ભોજન તૈયાર થયાના સમાચાર આવ્યાથી હું ને ભદ્રંભદ્ર યજમાનને કૃતાર્થ કરવા ભોજનગૃહમાં ગયા. ભદ્રંભદ્ર કહે, ‘આનાકાની કરવાનો મારો કંઈક વિચાર થાય છે, પણ સૂર્ય આગળ જેમ ચંદ્ર અદશ્ય થઈ જાય છે તેમ ક્ષુધા આગળ વિવેક અદૃશ્ય થઈ જાય છે. ભોજન-દક્ષિણા સંબંધમાં શાસ્ત્રે બ્રાહ્મણવર્ગને પ્રશ્રયના કર્તવ્યમાંથી મુક્ત કર્યો છે.’
ભૂતેશ્વર વગેરે કોઈ અમારી સાથે આવ્યા નહોતા, તેથી ભોજન કરતી વખતે અમારે ચાકરોનો સમાગમ તથા પરિચય થયો. નવડાવતાં ભદ્રંભદ્રની દૂંદ પર ઊંચેથી પાણી રેડતાં એક ચાકરે રસોઇયા ભણી જોઈ કહ્યું,
‘મહારાજ, તમારી રસોઈ પહોંચવાની નથી. તમારાં તપેલાં આખાં ઠાલવી દેશો તોયે પુરાય તેમ નથી.’
ચાકરની એક આંખ દૂંદ પર હતી ને ભદ્રંભદ્રની દૃષ્ટિ નીચી હોવાથી તેમના લક્ષમાં ન આવી, તેમણે ઊંચું જોઈ પૂછ્યું, ‘તપેલાં ઠાલવી દેશો ત્યારે અમને શું જમાડશો ? અમે જમી રહ્યા પછી ઠાલવવાનાં હશે. ક્યાં ઠાલવો છો ?’
ચાકરે જવાબ દીધો, ‘એ તો એક પહોળી ને ઠીંગણી કોઠી છે તેમાં કેટલું માય તેની વાત કરું છું. કોઈ ગામથી આવેલી છે.’
ભદ્રંભદ્ર કહે, ‘ત્યારે તો જોવા જેવી હશે, નહિ તો પરગામથી શું કામ મંગાવવી પડે ? અહીંયાંયે કોઠીઓ તો મળે છે.’
ચાકર કોણ જાણે શાથી એકદમ હસ્યો અને પછી હસવું બંધ રાખવાનો પ્રયત્ન કરવા લાગ્યો. બીજા ચાકરો પણ તેની પેઠે હસવા લાગ્યા.
રસોઇયાએ એક આંખવાળું, શીળીનાં ચાઠાંથી ભરેલું અને જાડી ચામડીથી મઢેલું, ચોરસ મુખ રોષિત કરી કહ્યું, ‘અલ્યા મૂર્ખાઓ, એમાં હસો છો શું ? બધા કંઈ શ્રીમંત હશે કે અહીંની કોઠીઓ વાપરે જ નહિ ને પરગામથી મંગાવે ?’ ભદ્રંભદ્ર ભણી જોઈ તે બોલ્યો, ‘મહારાજ’ કોઠી જોવાલાયક છે, જમીને ઉપર જાઓ ત્યારે દાદર આગળ મોટો આરસો છે, તેની સામા જશો એટલે એ કોઠી દેખાશે.’
તેનું ઠાવકું રહેલું મોં પહોળું થયું પણ તે નીચો વળી ચૂલો ફૂંકવા મંડી ગયો તેથી હસ્યો કે નહિ તે દેખાયું નહિ.
સ્નાનસંધ્યા સમાપ્ત થયા પછી અમે અન્નનો સત્કાર કરવા ગયા. નાના પાટલા પર મને બેસવાનું કહી ભદ્રંભદ્ર મહોટા પાટલા પર બેઠા. બેઠા તેવો પાટલો ખસ્યો અને તેની નીચેથી પથ્થરની લખોટીઓ બહાર ગગડી આવી. મેં ભદ્રંભદ્રને ઝાલી લીધા ન હોત તો મુખનો સ્પર્શ થતાં પહેલાં અન્ન તેમનાં ઉદરાદિ ભાગને સ્પર્શ કરત. ભદ્રંભદ્ર જરા સ્વસ્થ થયા એટલે રસોઇયો બોલ્યો, ‘આ ઘરમાં એવો રિવાજ છે કે કોઈ મહોટા માણસ જમવા આવે ત્યારે તેને પથ્થરના પાટલા પર બેસાડવા. પથ્થરનો પાટલો હાલ તૂટી ગયેલો છે, તેથી તેને બદલે લાકડાના પાટલા નીચે પથ્થરના કકડા મૂકીએ છીએ.’
ભદ્રંભદ્ર કહે, ‘મારા જેવા મહાપુરુષોનું સન્માન કરવું એ યોગ્ય છે; પથ્થર એ બુદ્ધિ અને જ્ઞાનની સંજ્ઞારૂપે આર્યપ્રજામાં પ્રસિદ્ધ છે અને તે માટે જ તે દેવોની પ્રતિષ્ઠા માટે વપરાય છે. તેથી મહાપુરુષો અને પથ્થરનો સંસર્ગ કરાવવો એ ઉચિત સંયોગસન્માનનું અનુકૂલ સાઘન છે. પણ પથ્થરની ગોળીઓને બદલે ચોરસ કકડા રાખવા જોઈએ કે સ્થિરતા સચવાય.’
રસોઇયાએ ચાકરો ભણી જોઈ પોતાની આંખ થોડી બંધ કરી અને પછી ભદ્રંભદ્ર તરફ જોઈ બોલ્યો, ‘મહારાજ, ગોળ આકાર વિના તો ચાલે નહિ. બ્રહ્માંડ ગોળ છે, સૂર્યગોળ છે, ચંદ્ર ગોળ છે અને મહાપુરુષો પણ ગોળ હોય છે.’
ભદ્રંભદ્ર કંઈ ઉત્તર ઘડી કહાડતા હોય એમ જણાયા, પણ આખરે એટલું જ બોલ્યા, ‘એ પણ વિચાર કરતાં યોગ્ય લાગે છે. મોદક પણ ગોળ હોય છે.’
ભોજન કરતાં અમારો કાળ વિનોદમાં જાય માટે ચાકરો આસપાસ આવીને બેઠા. એક ચાકર કહે, ‘આ લાડુ જોઈને મ્હોંમાં પાણી આવે તેમ છે.’ બીજો કહે, ‘પાણી શું કામ આવે, લાડુ જ ના આવે ?’ ત્રીજો કહે, ‘એ તો રસોઇયા મહારાજની મહેરબાની હોય તો, તે દહાડાના જેવું કરે કે વધેલા લાડુ બધા ભોંય પર ગોઠવીને તે પર ગોદડું પાથરીને સૂઈ જાય અને જોવા આવે તેને કહે કે “લાડું તો કંઈ વધ્યા નથી અને મને તો તાવ આવ્યો છે ને મારે કંઈ ખાવું નથી.” તે વગર ચાકરોને ભાગે લાડુ કરચ આવે તેમ નથી.’
રસોઇયો કહે, ‘તારી તો જીભ જ કબજે ના રહે. આ મહારાજ જઈને શેઠને વાત કરે તો શેઠ ખરું માને. અમે શું એવા લુચ્ચા હઈશું ?’
ચાકર કહે, ‘અરે એમાં તો મીઠું જ નથી, -શેમાં ? લાડુમાં. આ મહારાજ તો જાણે છે કે અમે બધા મળીને આ રસોઇયાની મશ્કરી કરીએ છીએ. એવા મહોટા માણસ તે ખરું માને ?’
ભદ્રંભદ્ર ભણી જોઈ હાથ જોડી તે બોલ્યો, ‘આમાંની કંઈ વાત ઉપર જઈને કહો તો મહારાજ, તમને આ રસોઇયા મહારાજની એકની એક આંખના સમ છે.’
રસોઇયો કડછીમાં દાળ ભરી તે ચાકર ઉપર રેડવા ઊઠ્યો. પણ, તે ચાકર બીજા ચાકરોની પૂંઠે ભરાયો અને પછી હાથ બે તરફ લાંબા કરીને અને ડોકું નીચું નમાવીને નાચ્યો. રસોઇયો પાછો બેઠો, પછી ભદ્રંભદ્ર બોલ્યા, ‘મોદક પર મનુષ્ય શયન કરે એ અસંભવિત છે અને હું માની શકતો નથી. પ્રથમ તો અન્નદેવતાનું એવું અપમાન કોઈ બ્રાહ્મણ કરે નહિ.’
અડધો લાડુ મ્હોમાં મૂકી વળી ભદ્રંભદ્ર બોલ્યા, ‘મોદકાદિ અન્નને ગળી જવાથી તેનું દેવત્વ ઓછું થતું નથી. બીજા દેવતાને ગળી જવાનો શાસ્ત્રમાં નિષેધ છે, પણ અન્નને ગળી જવાની આજ્ઞા છે. કેમકે ઉદરમાં વાસ કરવો અન્નને પ્રિય છે. બીજા દેવતા મનુષ્યની પૂજા-અર્ચનાથી પ્રસન્ન થાય છે. પણ અન્ન્દેવતા મનુષ્યના પર તેને ગળી જવાથી પ્રસન્ન થાય છે; વળી મોદકમાં લવણ નથી એમ જે કહેવામાં આવ્યું તે પણ બહુ ધ્યાનમાં લેવા યોગ્ય છે. સાગરમાં લવણ છે તેથી જ સાગર દેવતા છતાં વિષ્ણુ તેમાં સૂઈ શકે છે. લવણ જાતે ખારું છતાં લોકોને ભ્રાંતિમાં નાખી મીઠાશ ધારણ કરતું જણાય છે અને પોતાને “મીઠું” કહેવડાવે છે, તેથી સિદ્ધ થાય છે કે તે માયાનું રૂપ છે. એ રીતે લવણ માયા છે તેથી તે વિષ્ણુને અને સાગરને અજ્ઞાનમાં નાખી એકબીજાથી અજાણ્યા રાખી વિગ્રહ કરતા અટકાવે છે. મોદક દેવતામાં લવણ ન હોવાથી મનુષ્ય તે પર શયન કરે તો તે તરત જાણી શકે અને મનુષ્યને સહસા ઉછાળીને ફેંકી દે; તેથી મનુષ્યને એવું પાપાચરણ કરવાનો વિચાર થાય જ નહિ. પણ એમ તો જ માનવું કે મનુષ્યના સૂવાથી મોદક કચરાય જાય અને તે બીકથી મનુષ્ય તે પર શયન કરે નહિ. એવી કલ્પના મોદકના દેવત્વ વિરુદ્ધ છે, તેથી ભ્રમમૂલક તથા હસવા સરખી છે, એવા દુષ્ટ તર્ક તો સુધારાવાળાને ઘટે; મને આશા છે કે તમારામાંથી કોઈ સુધારામાં ગયા નહિ હો.’
ભોંય પર લાડુ ગોઠવવાની વાત કરનાર ચાકર કહે, ‘અમારામાં સુધારો તે શો હોય, પણ આ રસોઇયા મહારાજની નાતમાં એવું છે કે બાયડી પરણે એટલે પછી રાંધવાનો ધંધો ન કરાય, તેથી એ કહે છે કે “હું રાંધવાનો સંચો લાવવાનો છું. તેમાં જોખી જોખીને બધું મૂક્યું હોય ને દેવતા સળગાવી કળ ફેરવી મેલી એટલે એની મેતે રંધાઈ જાય. એટલે પછી એમ કહેવા થાય કે રસોઇયાનું કામ કરતો નથી પણ સંચા પર માસ્તર છું” એવો સંચો થતો હશે મહારાજ ?’
ભદ્રંભદ્ર નિ:શ્વાસ બાખી બોલ્યા. ‘પાશ્ચાત્ય યાંત્રિક શક્તિઓ અનેક સુપ્રવૃત્તિઓ અટકાવે છે. તેમ સ્ત્રીઓને કર્તવ્યભ્રષ્ટ અને બ્રાહ્મણોને વ્યવસાયરહિત કરવા દેવે ધાર્યું હશે તો આવું દુષ્ટ યંત્ર પણ થશે. જલની ઉત્પત્તિના હેતુને નાશ કરનાર, ઋતુઓના ભેદને નિરર્થક કરનાર અને હિમાલયનું નામ અયથાર્થ કરનાર બરફનો સંચો નીકળ્યો છે, તો સ્ત્રીઓના અને રસોઇયા બ્રાહ્મણોના જીવનને નિષ્પ્રયોજન કરનાર, તેમના હસ્તને નિરુપયોગી કરનાર, તેમની બુદ્ધિને વ્યાપારરહિત કરનાર રાંધવાના સંચા પણ નીકળશે.’
રસોઇયો કહે, ‘નીકળશે શું ? નીકળી ચૂક્યા છે; મેં છાપામાં વાંચ્યું છે અને શેઠ કોઈ વેળા પૈસા ખરચવા બેસશે તે વખત એ સંચોયે મંગાવું છું.’
ચાકરો તરફ વળીને તે બોલ્યો, ‘પછી તો બધું રોજ જોખાવાનું ને જોઈ લેજો કે સીધું કેમ ઘેર લઈ જવાય છે.’
પેલો ચાકર કંઈક અકળાઈને બોલ્યો, ‘પોતે ઘી પી પીને જાડો થયો છે, ને ભટાણીને જાડી કરવા રોજ ઘી ઘેર મોકલે છે તે તો મારા બેટાને સૂઝતું નથી.’
રસોઇયો ચૂલામાંથી બળતું લાકડું કહાડીને તે ચાકર પર ધસ્યો. બીજા ચાકરો તેને વારવા લાગ્યા, પણ રસોઇયાનો કોપ જલદી શમે તેમ નહોતું. ‘મને “બેટો” કહેનાર કોણ અને ભટાણીનું નામ શું કામ દેવું પડે, એ જ વાક્ય ઘડી ઘડી તેના મુખમાંથી નીકળતું હતું અને કોઈ પણ ઉત્તરથી એ પ્રશ્ન બંધ થતા નહોતા. પેલા ચાકરને ડામવાનો રસોઇયો શપથ લેવા લાગ્યો. સમજાવ્યો નહિ અટકે એમ લાગ્યાથી ચાકરોએ રસોઇયાને ઝાલી લીધો અને બળતું લાકડું તેના હાથમાંથી ઝૂંટવી લીધું. ભદ્રંભદ્રે સુધારાની વાત કહાડ્યાથી આખરે નુકશાન તો અમને થયું કે રસોઇયો અભડાવાથી અમને પીરસવાનું અટકી બેઠું. એમને પીરસવાનું તો હજી બહુ બાકી હતું, કેમકે જમવા માંડ્યાને હજી પોણો કલાક જ થયો હતો. ચાકરો રસોઇયાને ફરી નહાવાની વિનંતી કરવા લાગ્યા. તે કહે, ‘મારે નહાવું જ નથી. આ રસોઈ બધી કોહી જાય ને નાખી દઉં પણ તમારે ભાગે એમાંથી કંઈ આવવા દઉં નહિ.’ હું ને ભદ્રંભદ્ર કંઈ જાણતા ન હોઈએ તેમ નીચું જોઈ થોડું થોડું ખાવાનું જરી રાખવા મંડ્યા, પણ માયા જેમ અજ્ઞાનમાં નાખી પાછી શિવસ્વરૂપ ભણી આત્માને પ્રેરે છે, તેમ ચિંતા નીચું જોવડાવ્યા પછી ત્રાંસુ જોવડાવી રસોઇયાનો ખેલ દેખાડવા લાગી.
ભદ્રંભદ્ર મારા મનમાં કહે, ‘સ્નાન કર્યા પછી અશુચિ થતાં ફરી ન નહાનારને શાસ્ત્રમાં લખેલો દોષ આ રસોઇયાને કહેવાથી લાભ થશે.’ પણ મેં કહ્યું, ‘તે વખતે તમારું અપમાન કરશે તેની તો ફિકર નહિ, પણ અહીંથી જતો રહેશે તો સમૂળગા ભૂખ્યા રહીશું; માટે ચાકરોને જ સમજાવવા દો.’
ભદ્રંભદ્ર કહે, ‘ભૂખ્યો તો ના રહું, મારું બ્રહ્મતેજ વાપરું તો બધી રસોઈ એમ ને એમ મારા મુખમાં ચાલી આવે પણ તેમ કરું તો તું રહી જાય અને કલિયુગમાં પરિણામ વિચાર્યા વિના બ્રહ્મતેજનો ઉપયોગ કરવાનો નિષેધ છે. વળી સર્વ પરિણામ જાણવા સારુ જ્યોતિષથી ગણતરી કરવી પડે, માટે હાલ મારું બ્રહ્મત્વ પ્રગટ કરતો નથી.’
આવી વાર્તામાં અમે શૂન્ય થાળીઓના દર્શનથી ઉદ્ભૂત થતો વિષાદ દૂર કરવા પ્રયત્ન કરતા હતા, તેટલામાં ક્ષમા માગી, વખાણ કરી, ગાંજો પાવાની લાલચ આપી, મે’માનને બેસાડી રાખ્યાની વાત શેઠને કાને પહોંચાડવાની બીક બતાવી અને બીજા અનેક ઉપાયો આદરી ચાકરોએ રસોઇયા પાસે નહાવાનું કબૂલ કરાવ્યું. ‘ઊના પાણી વિના નહિ નાહું,’ એવી વળી તે જીદ લઈ બેઠો. વિલંબ થાય છે, એ વાત ધ્યાનમાં લેવાની તેણે સાફ ના પાડી. ચાકરો ફરી ઊનું પાણી કરવા લાગ્યા.
ભદ્રંભદ્ર મને કહે, ‘આપણે દેવતા સળગાવવામાં મદદ કરવા જઈએ. મારા જેવા બ્રાહ્મણની શરમે અગ્નિ ઝટ પ્રદીપ્ત થશે અને પ્રચંડ થશે.’ મેં કહ્યું, ‘બીજી હરકત તો કંઈ નથી. પણ ભોજનનો આરંભ કર્યા પછી સ્વસ્થાનેથી ઊઠવાનો નિષેધ છે. આપ જ કહેતા હતા કે પ્રાણવાયુ શરીરમાંથી ઝરીને પાટલાને એવો વીંટાઈ વળે છે કે ઊઠવાનો પ્રયત્ન કરીએ તોપણ ઉઠાય નહિ.’
ભદ્રંભદ્ર કહે, ‘એ વાતની મને વિસ્મૃતિ થઈ. ભોજન જેવું શાસ્ત્રવિહિત કાર્ય કરતાં સુધારાનું નામ દીધું તેથી જ આ અનિષ્ટ પરિણામ થયું અને શાસ્ત્રાજ્ઞા વીસરી જવાઈ.’
આખરે જલે અને અગ્નિએ કૃપા કરી રસોઇયા મહારાજ નહાયા અને અમૃતાસ્વાદનો અમે ફરી પ્રારંભ કર્યો. કામ ચૂપચાપ ચાલ્યું, ચાકરોએ જિહ્વાલૌલ્યને વશમાં રાખ્યું. ભદ્રંભદ્રે શાસ્ત્રકથનની ઇચ્છાને અટકાવી. રસોઇયાએ નયનવ્યાપારને બંધ કર્યો. એકાદ કલાક રસોઇયાને સમજાવવામાં ગયો હતો, તેથી તે પહેલાં ખાધેલું બધું પચી જવાથી અમારે નવેસરથી ભોજન કરતાં એક કલાક થયો. કાર્ય સમાપ્તિ કરી. આ વખતે બધા મળી ત્રણ કલાક ગયા તે બધો વખત ઇતર વ્યાપારમાં ગયો તે માટે ખેદ કરતા, અમે ઉપર ગયા. યજમાનને રાજી કરવા પેટમાં પડવા દીધેલા ભારથી ભદ્રંભદ્ર હાંફતા ઊંચી દષ્ટિ રાખી દાદર પર ચઢ્યા, તેથી દાદર પાસેના આરસા ભણી તેમની દૃષ્ટિ પડી નહિ. તેની અંદર તેમનું પ્રતિબિંબ જોઈ કોઠી કેવી હશે તેનો વિચાર કરતો અને દાદરની ભારવહન શક્તિ શી રીતે મપાય તે વિશે તર્ક બાંધતો હું તેમની પછાડી ધીમે ધીમે ચઢ્યો. ઉપર ઘણુંખરું મંડળ વીખરાઈ ગયેલું હતું. રહ્યા હતા તેટલા ઊંઘી ગયેલા હતા. ત્રવાડી બેઠા બેઠા કેટલાકના જોડામાં કાગળના ડૂચા ને કાંકરા ભરતા હતા. અમે ગયા એટલે ઊભા થઈને ભૂતેશ્વર તરફ આંગળી કરીને બોલ્યા, ‘સંયોગીરાજ તો સૂઈ ગયા છે.’
ભદ્રંભદ્રે પૂછ્યું, ‘એઓ સંયોગીરાજ કેમ કહેવાય ? એ નામ તો મેં હમણાં જ જાણ્યું.’
ત્રવાડી કહે, ‘એઓ જ્ઞાનથી યોગી છે, કર્મથી ભોગી છે, આ સર્વ મંડળના રાજા છે, માટે સર્વગુણનું વાચક “સંયોગીરાજ” નામ તેમણે ધારણ કર્યું.’
ભદ્રંભદ્ર કહે, ‘એમના જેવા મહાપુરુષ કોઈક જ હશે, હવે મંડળ ફરી ક્યારે ભરાશે ?’
ત્રવાડી કહે, ‘દરરોજ પ્રાત:કાળે અને સાંયકાળે, દીવા થયા પછી મંડળ ભરાય છે.’
બીજે દિવસે સાંયકાળે આવવાનું કહી ભદ્રંભદ્ર ને હું બહારને દાદરેથી ઊતરી ઘેર ગયા.