ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/પ્રારંભિક

From Ekatra Wiki
Revision as of 21:27, 15 March 2023 by Atulraval (talk | contribs)
Jump to navigation Jump to search


‘એકત્ર’નો ગ્રંથગુલાલ


Ekatra-foundation-logo.jpg


આપણી મધુર ગુજરાતી ભાષા અને એના મનભાવન સાહિત્ય માટેનાં સ્નેહ-પ્રેમ-મમતા અને ગૌરવથી પ્રેરાઈને ‘એકત્ર’ પરિવારે સાહિત્યનાં ઉત્તમ ને રસપ્રદ પુસ્તકોને, વીજાણુ માધ્યમથી, સૌ વાચકોને મુક્તપણે પહોંચાડવાનો સંકલ્પ કરેલો છે.

આજ સુધીમાં અમે જે જે પુસ્તકો અમારા આ ઇ-બુકના માધ્યમથી પ્રકાશિત કરેલાં છે એ સર્વ આપ

https://www.ekatrafoundation.org

તથા

https://wiki.ekatrafoundation.org/wiki//એકત્ર_ગ્રંથાલય

પરથી વાંચી શકશો.


અમારો દૃષ્ટિકોણ:

હા, પુસ્તકો સૌને અમારે પહોંચાડવાં છે – પણ દૃષ્ટિપૂર્વક. અમારો ‘વેચવાનો’ આશય નથી, ‘વહેંચવાનો’ જ છે, એ ખરું; પરંતુ એટલું પૂરતું નથી. અમારે ઉત્તમ વસ્તુ સરસ રીતે પહોંચાડવી છે.

આ રીતે –

• પુસ્તકોની પસંદગી ‘ઉત્તમ-અને-રસપ્રદ’ના ધોરણે કરીએ છીએ: એટલે કે રસપૂર્વક વાંચી શકાય એવાં ઉત્તમ પુસ્તકો અમે, ચાખીચાખીને, સૌ સામે મૂકવા માગીએ છીએ.

• પુસ્તકનો આરંભ થશે એના મૂળ કવરપેજથી; પછી હશે તેના લેખકનો પૂરા કદનો ફોટોગ્રાફ; એ પછી હશે એક ખાસ મહત્ત્વની બાબત – લેખક પરિચય અને પુસ્તક પરિચય (ટૂંકમાં) અને પછી હશે પુસ્તકનું શીર્ષક અને પ્રકાશન વિગતો. ત્યાર બાદ આપ સૌ પુસ્તકમાં પ્રવેશ કરશો.

– અર્થાત્, લેખકનો તથા પુસ્તકનો પ્રથમ પરિચય કરીને લેખક અને પુસ્તક સાથે હસ્તધૂનન કરીને આપ પુસ્તકમાં પ્રવેશશો.

તો, આવો. આપનું સ્વાગત છે ગમતાંના ગુલાલથી.

Ekatra Foundation is grateful to the author for allowing distribution of this book as ebook at no charge. Readers are not permitted to modify content or use it commercially without written permission from author and publisher. Readers can purchase original book form the publisher. Ekatra Foundation is a USA registered not for profit organization with objective to preserve Gujarati literature and increase its audience through digitization. For more information, Please visit: https://www.ekatrafoundation.org or https://wiki.ekatrafoundation.org/wiki/Main_Page.



ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર












સંપાદક : રમણ સોની






સંપાદક-પરિચય

ચાર દાયકા સુધી ગુજરાતી ભાષાસાહિત્યનું અધ્યાપન કરીને વડોદરાની મ.સ.યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થયેલા, અને ૧૯૮૦-૮૫ દરમ્યાન ગુજરાતી સાહિત્ય પરિષદ-નિર્મિત ગુજરાતી સાહિત્યકોશના એક સંપાદક રહેલા પ્રો. રમણ સોની(જ. ૭-૭-૧૯૪૬) ગુજરાતીના વિવેચક, નિબંધકાર, અનુવાદક, સંશોધક અને સંપાદક છે. કવિ-વિવેચક ઉશનસ્‌ એ શોધનિબંધમાં તથા વિવેચનસંદર્ભ, સાભિપ્રાય, સમક્ષ,વગેરે વિવેચનગ્રંથોમાં વસ્તુના નક્કર સ્પર્શવાળું વિવેચન આપનાર ડૉ. સોની ગુજરાતી વિવેચનના વિશેષો અને વિલક્ષણતાઓ પર સતત નજર રાખતા રહ્યા છે. મરમાળી અભિવ્યક્તિથી નિઃસંકોચપણે નિર્ભીત વિવેચન કરવા છતાં વિવેચનમાં એમનો મૂળ અભિગમ તટસ્થ, વિધાયક અને ઇતિહાસલક્ષી રહ્યો છે. એમણે મધ્યકાલીન અને અર્વાચીન કૃતિઓનાં નમૂનેદાર શાસ્ત્રીય સંપાદનો આપ્યાં છે એમાં ૧૬મી સદીના કવિ વિષ્ણુદાસકૃત ચંદ્રહાસ-આખ્યાનનું સમીક્ષિત સંપાદન ઉત્તમ છે. સમયદર્શી સાહિત્યસંદર્ભકોશના ૪ ગ્રંથો એમનું યશસ્વી કોશકાર્ય છે. જેની ૧૭ આવૃત્તિઓ થઈ છે એ તોત્તોચાન ઉપરાંત અમેરિકા છે ને, છે જ નહીં –જેવા સહજ સુંદર અનુવાદગ્રંથો, વલ્તાવાને કિનારે તથા હિમાલય અને હિમાલય જેવાં પ્રવાસ-પુસ્તકો, સાત અંગ, આઠ નંગ, અને– જેવો હાસ્યનિબંધસંગ્રહ સર્જકતાનો સ્પર્શ ધરાવે છે. એમણે કરેલાં અનેકવિધ અભ્યાસશીલ સંપાદનોમાં શાસ્ત્રીયતા અને વિવેચકની સજ્જતાનો સુમેળ છે. અઢી દાયકા(૧૯૯૧-૨૦૧૭) સુધી એમણે કરેલા પ્રત્યક્ષ સામયિકના સંપાદને પુસ્તક-સમીક્ષા-ક્ષેત્રે અમીટ છાપ છોડી છે. પ્રત્યક્ષના ઉપક્રમે થયેલા નેપથ્યેથી પ્રકાશવર્તુળમાં તથા અવલોકનવિશ્વ જેવા મહત્ત્વના બૃહદ સંપાદનગ્રંથો ચિરસ્મરણીય છે. વિવેચનમાં તેમજ સર્જનાત્મક લેખનમાં એમનું સઘન છતાં મરમાળુ ગદ્ય હંમેશાં રસપ્રદ બની રહે છે એ તેમની વિશેષ ઓળખ છે.

–કિશોર વ્યાસ




કૃતિ-પરિચય


‘ગુજરાતી વિવેચન પરંપરા’વિશે ચારેક સંપાદન-ગ્રંથો કરવા વિચાર્યું છે એ પૈકી આ ગ્રંથ-૧ ‘સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર’વિશેનો છે. આ ગ્રંથ નર્મદથી આરંભીને છેક સામ્પ્રત સમય સુધીના વિવેચકોના ૫૩ લેખોને સમાવતું એક પ્રતિનિધિરૂપ સઘન સંપાદન છે. ગુજરાતી વિવેચન એના આરંભકાળથી જ પુસ્તક-અવલોકન, કવિ-પરિચય, ઐતિહાસિક ચર્ચા, વગેરેની સાથે સાહિત્યનો તત્ત્વ-વિચાર પણ કરતું રહ્યું છે. ને આરંભે અંગ્રેજી સાહિત્ય અને વિવેચનનું પરિશીલન એ માટે પ્રેરક બનતું રહ્યું ને સાથેસાથે સંસ્કૃતમીમાંસાનું અધ્યયન પણ તત્ત્વવિચાર-સંવર્ધક બનતું ગયું છે. સમય જતો ગયો એમ યુરપીય સાહિત્યતત્ત્વવિચારથી ને એમ વૈશ્વિક વિવેચનવિચારથી પણ ગુજરાતી વિવેચક પરિચિત ને પ્રતિભાવિત થતો ગયો. આધુનિક કાળમાં ને પછી અનુઆધુનિક કાળમાં તે તે સમયની વિચારધારાઓ સાથે ગુજરાતી વિવેચક સંવાદ સાધતો રહ્યો છે ને પોતાની મૌલિક વિચારશીલતાને પણ પ્રયોજતો ગયો છે. એટલે આ સંપાદનમાં વિવિધ દિશાઓમાં જતા ને વિવિધ દૃષ્ટિકોણો ઉપસાવતા લેખોમાંથી પસાર થવાના જિજ્ઞાસા-ઉત્તેજક આનંદ પામી શકાશે. ગુજરાતી સાહિત્ય-વિવેચનના તત્ત્વવિચારનો એક ભાતીગળ આલેખ ઊપસવાની સાથે અહીં, તત્ત્વલક્ષી વિવેચનની ઇતિહાસ-રેખા પણ જોઈ શકાશે. તાત્ત્વિક વાચનમાં રસ લેનાર જિજ્ઞાસુઓ, લેખકો, અનુસ્નાતક અભ્યાસ કરતા ને સંશોધન પણ કરતા વિદ્યાર્થીઓ, સાહિત્યના અધ્યાપકોને માટે આ સંપાદન એક હાથવગા સંદર્ભની ગરજ સારશે, એ જ રીતે ઉચ્ચતમ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગુજરાતી ભાષાસાહિત્યને વિષય તરીકે સ્વીકારનારને માટે પણ એ જરૂરી સંદર્ભ બની રહેશે. દરેક લેખના આરંભે, લેખશીર્ષક પૂર્વે વિવેચકની છબી અને જન્મવર્ષ મૂક્યાં છે ને લેખને અંતે સ્રોતગ્રંથ નોંધ્યો છે, મળ્યું ત્યાં લેખના પ્રથમ લેખન/પ્રકાશનનું વર્ષ પણ મૂક્યું છે. અનુક્રમ લેખકોના જન્મવર્ષ અનુસાર કરેલો છે. તો, હવે આ સાહિત્ય-તત્ત્વ-જગતમાં પ્રવેશીએ –

–રમણ સોની






પ્રવેશક

આનંદની વાત એ છે કે અર્વાચીન ગુજરાતી સાહિત્યના આરંભકાળે જ આપણા લેખકોએ બહોળા સમાજધર્મી સર્જન-લેખનની સાથે સાહિત્ય-વિવેચન પણ કર્યું હતું. પુસ્તકપ્રતિભાવ, સમીક્ષા, કવિચરિત્રવિમર્શ એવાં વિવિધ રૂપે એ દેખા દેવા માંડ્યું હતું એ ઉપરાંત સાહિત્યનો તત્ત્વવિચાર પણ આ લેખકોએ કર્યો હતો એ વધુ મહત્ત્વનું ગણાય. નર્મદના લેખો ‘કવિ અને કવિતા’ તથા ‘ટીકા કરવાની રીત’થી એનાં પગરણ થયાં હતાં. એમાં અલબત્ત, મુખ્ય પ્રભાવ અંગ્રેજી સાહિત્ય અને વિવેચનમાં જાગેલી જિજ્ઞાસાનો, વાચન-અધ્યયનનો હતો. એટલે તત્કાલીન અંગ્રેજી વિવેચનનાં કેટલાંક ઘટકો – subjective અને objective કવિતા; classical અને Romantic સાહિત્ય – વિશે આપણા વિદ્વાનો પણ લેખન-પ્રવૃત્ત થયા હતા. રમણભાઈ નીલકંઠનો ‘કવિતા : સ્વાનુભવરસિક અને સર્વાનુભવરસિક’ લેખ તથા આનંદશંકર ધ્રુવનો ‘સંસ્કારી સંયમ અને જીવનનો ઉલ્લાસ’ એના નમૂના છે. અહીં એ પણ જોઈ શકાય છે કે વિવેચનાત્મક સંજ્ઞાઓના ગુજરાતી પર્યાયો રચવાનું કામ પણ આ લેખકોએ કરવા માંડ્યું હતું. એની સમાન્તરે જ સંસ્કૃત સાહિત્યમીમાંસાની પર્યેષણા અને લેખન પણ આરંભાય છે. પંડિતયુગના વિદ્વાનોએ સંસ્કૃત સાહિત્યવિચારના શબ્દ અને અર્થની, રસ અને ધ્વનિની, સંસ્કૃતનાં કાવ્યસ્વરૂપોની ચર્ચા શરૂ કરી હતી. હાસ્યલેખક તરીકે જ જાણીતા જ્યોતીન્દ્ર દવે પણ ‘રસમીમાંસાની પરિભાષા’ જેવો દીર્ઘ અને વિષયના ઊંડાણમાં જતો લેખ આપે છે. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી પહેલે તબક્કે સંસ્કૃત સાહિત્યવિચાર સામે પ્રશ્નો ઊભા કરીને પછી ‘સાધારણીકરણ’ જેવો, અંગ્રેજી અને સંસ્કૃત સાહિત્યવિચાર બંનેને સામે રાખતો લેખ કરે છે. અને અનુપંડિતયુગના (ગાંધીયુગને વિવેચનની બાબતે તો અનુપંડિતયુગ કહેવો પડે એવી વિદ્વત્‌ પરંપરા વિકસતી જતી હતી) – એ અનુપંડિતયુગના નગીનદાસ પારેખ તો ‘ભારતીય અને પશ્ચિમની સાહિત્યમીમાંસા : કેટલાંક સામ્યો’એવો તુલનાદર્શી લેખ આપે છે. એમની પૂર્વે રામનારાયણ પાઠક ‘આપણા વિવેચનના કેટલાક કૂટ પ્રશ્નો’લેખમાં ગુજરાતી વિવેચન-પરંપરાને ચિકિત્સક દૃષ્ટિએ તપાસે છે અને વિવેચન જ્યારે શુક-રટણમાં ને નિષ્પ્રાણતામાં સરતું લાગે છે ત્યારે અદ્યતનતાના પ્રવર્તક સુરેશ જોષી ‘વિવેચનનો અન્ત?’ એવી વધુ કઠોર ચિકિત્સા કરે છે. આપણો વિવેચન તત્ત્વ વિચાર કેટકેટલી દિશાઓ ચીંધતો રહ્યો છે એનું આ એક દૃષ્ટાંતરૂપ ચિત્ર છે. ગુજરાતી વિવેચનનો તત્ત્વવિચાર કેટલીક વિશિષ્ટ ભૂમિકાએ પણ થયો છે. છેક આરંભે, નરસિંહરાવ દીવટિયા ‘કવિતા અને રાજકીય સંચલન’ એવો એક લાક્ષણિક મુદ્દો ચર્ચામાં લાવે છે તો અનુપંડિતયુગીન યશવંત શુક્લ ‘કવિતાનો સમાજસંદર્ભ’ચીંધે છે, અને કનુભાઈ જાની ‘લોકવાઙ્‌મયનો સામાજિક સંદર્ભ’ચર્ચીને લોકસાહિત્યને બલકે સમગ્ર લોકવાઙ્‌મયને તાત્ત્વિક ભૂમિકાએ તપાસે છે. ‘આધુનિકતા’નો પ્રાદુર્ભાવ થતાં જ, માત્ર અંગ્રેજી સાહિત્ય અને વિવેચન જ નહીં, સમગ્ર યુરપને પણ આવરી લેતા વૈશ્વિક સાહિત્ય ને વિવેચન તરફ આપણા સર્જકો-વિવેચકોની દૃષ્ટિ જાય છે. દુનિયાભરના ઉત્તમ સાહિત્યતત્ત્વજ્ઞોની વિચારણાનાં સમજૂતી અને અર્થઘટનો ગુજરાતી વિવેચનમાં પ્રવેશે છે. વિવેચક તરીકે બહુ જાણીતા નહીં એવા ભોગીલાલ ગાંધીના ‘મિતાક્ષર’(૧૯૭૦) સંગ્રહમાં આવી તાત્ત્વિક વિચારણાઓ ઊપસી છે. એમનો દીર્ઘ લેખ ‘અસ્તિત્વવાદ એક વિશ્લેષણ’ શાસ્ત્રીય લેખનનો એક મહત્ત્વનો નમૂનો છે. આ ઉપરાંત, પ્રમોદકુમાર પટેલ ‘વિવેચનનું તત્ત્વજ્ઞાન’જેવો વિશિષ્ટ લેખ આપે છે તો એ પછી ચંદ્રકાન્ત ટોપીવાળા ‘અનુઆધુનિકતાવાદની દાર્શનિક ભૂમિકા’ચર્ચે છે. સાહિત્ય-સિદ્ધાંત – theory – એક આગવી સ્વતંત્ર શાખા તરીકે પણ વિકસેલો છે – તત્ત્વવિચારનો સાહિત્યની તપાસમાં વિનિયોગ જ નહીં, કેવળ સિદ્ધાંતવિચાર પણ. એનું શું મૂલ્ય છે એ નીતિન મહેતા ‘સાહિત્ય, સિદ્ધાંત અને સાહિત્યસિદ્ધાંત’ લેખમાં ચર્ચે છે. વિશ્વના દાર્શનિકોએ જે સાહિત્યવિચાર કર્યો છે એ વિચારણા પણ અનુવાદરૂપે, સમજૂતી કે અર્થઘટન રૂપે આપણા વિવેચનમાં સામેલ થતી રહી છે. આપણા યુવાવિવેચક હર્ષવદન ત્રિવેદીનો ‘રોલાં બાર્ત અને સંરચનાવાદી સાહિત્યવિચાર’ એનું એક નિદર્શન છે. ગુજરાતીમાં સાહિત્ય તત્ત્વ વિચારનો આ એક નિર્દેશક નકશો છે. આ સંપાદનના અનુક્રમમાં જ જોઈ શકાશે કે કેટકેટલા વિવેચકોએ અત્યંત મહત્ત્વની તત્ત્વવિચારણા દ્વારા પોતાના અધ્યયનનો હિસાબ આપ્યો છે ને એ રીતે ગુજરાતીના વિવેચનવિચારમાં પોતાનું પ્રદાન કર્યું છે ને વિવેચનવિચારણાનું ફલક વિસ્તાર્યું છે. ૦ આ સંપાદન ગુજરાતી વિવેચનમાં થયેલી તાત્ત્વિક વિચારણાની સુદીર્ઘ પરંપરામાંથી એક આચમન-માત્ર છે. દરેક વિવેચકમાંથી એક એક જ લેખ જ લેવો એવું નક્કી કર્યું હોવાથી પસંદગી ચુસ્ત રાખવી પડી છે. એ કારણે બીજા કેટલાક ઉત્તમ લેખો પણ બહાર રાખવા પડ્યા છે. પરંતુ, ગુજરાતી વિવેચનના તત્ત્વવિચારનાં લગભગ સર્વ બિંદુઓને સમાવી લે અને કોઈ વિષય/મુદ્દાનું પુનરાવર્તન ન થાય એ રીતે આ લેખોની પસંદગી કરેલી છે. એમાંથી પસાર થનારને ગુજરાતીના બૃહદ્‌ સાહિત્ય-તત્ત્વ-વિચારની એક ઝાંખી જરૂર થશે એવી ખાતરી છે.


– રમણ સોની, સંપાદક