ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/રઘુવીર ચૌધરી/પોટકું
રઘુવીર ચૌધરી
◼
પોટકું • રઘુવીર ચૌધરી • ઑડિયો પઠન: દિપ્તી વચ્છરાજાની
સૂરજ વળી પાછો વાદળમાં ઢંકાઈ ગયો. બસ-સ્ટેશનના ચોગાનનાં ખાબોચિયાં એકાએક અંધ બની ગયાં. એક નવી બસે પ્રવેશ કર્યો અને કન્ડક્ટરે નીચે ઊતરીને સીટી વગાડી. ડ્રાઇવરને રિવર્સ ગતિમાં મદદ કરવા માંડી. બસનાં વ્હિલ પાણીવાળા ભાગમાં રહે એ ડ્રાઇવરને ગમતું ન હતું અને બસના બારણા નીચે ખાબોચિયું આવે તો પૅસેન્જરોને ચઢતાં-ઊતરતાં કેવી રીતે ફાવે એ કન્ડક્ટરની મૂંઝવણ હતી. બસને બે વાર પાછી પાડીને આગળ લીધી તે પછીયે પાછલાં વ્હિલ તો કાદવવાળા પાણીમાં જ રહ્યાં. કન્ડક્ટર કન્ટ્રોલરની કૅબિન ભણી ઊપડ્યો. એક ડોશીએ કંઈક પૂછવા ધાર્યું હોય એમ બે ડગલાં ચાલીને એ એની સામે ગયાં. ‘આ તો એક્સપ્રેસ બસ છે.’ એમ કહીને કન્ડક્ટર ડોશીનો પ્રશ્ન સાંભળ્યા વિના જ આગળ વધી ગયો. ડોશી ચાલવાનું ભૂલી ગયાં.
એક યુવક બસનું પાટિયું વાંચીને ડોશી ભણી ગયો. એણે ડોશીને જોયાં જ ન હતાં. એ અગાઉ ઊભો હતો તેમ અન્યમનસ્ક ઊભો રહ્યો. ડોશી એની સાવ પાસે આવ્યાં. એનું બાવડું પકડ્યું. યુવક સહેજ નવાઈ પામ્યો. પછી નવાઈનો ભાવ શમી ગયો. ડોશીની અસહાય અવસ્થાને એ સમભાવથી જોઈ રહ્યો. ડોશી બોલવા લાગ્યાં. એ વચ્ચે વચ્ચે પ્રશ્ન કરતાં હોય એમ લાગતું હતું. યુવક ધ્યાનથી સાંભળી રહ્યો હતો, પણ એને કશી સમજ ન પડી. ડોશી હજી બોલતાં હતાં. આમ ને આમ બોલ્યાં જ કરશે – એમ માનીને હવે યુવકે એમને પૂછ્યું –
‘તમારે ક્યાં જવું છે?’
ડોશીએ ત્રણચાર વાક્યોમાં જે કહ્યું એનો અર્થ થતો હતો કે એમણે પાછાં જવું છે.
‘પણ ક્યાં જવું છે, કયા ગામે?’
ડોશી ફરીથી બોલવા લાગ્યાં. એમાંનું કશું સમજાય એવું ન હતું. કોણ જાણે કેમ એ અધવચે અટકી ગયાં ને પછી એટલું બોલ્યાં કે કોઈ બસમાં બેસાડતું નથી.
‘તમારા ગામનું નામ?’
ડોશી બોલવા ગયાં, પણ દાંત વિનાના મોંમાંથી કશો અવાજ ન નીકળ્યો. યુવકે માન્યું કે ડોશીએ માનસિક સ્વાસ્થ્ય ગુમાવ્યું છે કે પછી ભૂલાં પડ્યાં છે અથવા એમને ભારે આઘાત લાગ્યો છે. બાકી, વૃદ્ધાવસ્થાને લીધે માણસ પોતાના ગામનું નામ ભૂલી જાય એવું બને ખરું?
‘આમ ક્યાં નીકળ્યાં હતાં?’
આ વખતે પણ ડોશી કશો સ્પષ્ટ જવાબ આપી ન શક્યાં. એ જે કંઈ બોલ્યાં એમાંથી એમ તારવી શકાયું કે એ એમના દીકરાને મળવા આવ્યાં હતાં, પણ કોઈએ એની ઓરડી બતાવી જ નહીં. ઘણા લોકોને એમણે પૂછ્યું, આજીજી કરી પણ કોઈએ એમને દીકરા પાસે પહોંચાડ્યાં જ નહીં. હવે થાકી ગયાં છે, તેથી પાછાં જવું છે. ઘેર ખોરડું ચૂતું હશે તો શું થશે?
‘તમારું ગામ કઈ બાજુ આવ્યું?’
ડોશીએ બેઉ હાથ ઊંચા કર્યા, દિશા સ્પષ્ટ ન થઈ.
‘બસમાં બેસીને આવ્યાં હતાં?’
ડોશીએ માથું હલાવ્યું. હલાવવા ધાર્યું હશે એટલું કદાચ હાલ્યું નહીં. ચહેરા પરની કરચલીઓમાં ઓછો કંપ થોડી વાર સુધી રહ્યો. ડોશી રડી તો નહીં પડે એવી દહેશતથી યુવકે આગળ પૂછ્યું :
‘તમારું ગામ સડક પાસે છે?’
ડોશીએ કહ્યું કે વડ પાસે. તળાવની વાડ પાસે બસ આવે. સવારે વાદળાં હતાં, અંધારું હતું.
‘ચણેલો વિસામો છે? સામી બાજુ બાવળિયાની ઝાડી છે?’
ડોશીએ હા પાડી અને એમના ચહેરા પર સહેજ રાહતનો ભાવ ફરકવા ગયો.
યુવક બીડી પીતા કન્ડકટરને મળ્યો. મનોમન ગામનું નામ નક્કી કરીને એણે કન્ડક્ટરને કહ્યું. કન્ડક્ટરે કહ્યું કે આ તો એક્સપ્રેસ બસ છે, ત્યાં ઊભી રહેતી નથી. યુવકે ગજવામાંથી પૈસા પણ કાઢ્યા હતા. અજાણી ડોશી માટે આ માણસ પૈસા કાઢે છે, તો બસ ઊભી રાખવામાં મારું શું જવાનું હતું, એમ સમજીને એણે બસનું પગથિયું ચડતાં ડોશીને મદદ કરી. યુવકે નાનું પોટકું બસમાં મૂક્યું. બધાં પૅસેન્જરોએ પાછળ નજર કરીને ડોશી સામે જોયું. કશું ન દેખાયું હોય એમ બીજી મિનિટે સહુ બસ હજી કેમ ઊપડતી નથી એની ચિંતા કરવા લાગ્યાં. ડોશીને ટિકિટ આપી કન્ડક્ટરે ઘંટડી વગાડી. ડોશી પોટકાની ગાંઠ છોડવા મથી રહ્યાં પણ ન છૂટી. પછી એમની જીર્ણ આંગળીઓ પોટકાની ગાંઠ પાસે સ્થિર થઈ ગઈ, ચીપકી રહી. બસ ઊપડી અને પાછળથી ઊછળી. ડોશી ધ્રૂજી ઊઠ્યાં. શરીરની ધ્રુજારી પછી મન સુધી પહોંચી ને બેઠક પર એ લપાઈને બેઠાં, એમના ખભા સંકોચાયા અને માથું નમી ગયું. બસ બીજી વાર ઊછળે તો આંચકો સહેવાની એમની તૈયારી ન હતી.
મુખ્ય રસ્તો આવી જતાં બસની ઝડપ વધી. ડોશીને કળ વળી, એ સીધાં બેઠાં. અવારનવાર બહાર જોવા લાગ્યાં. કોઈ વાર ખુશ થાય, કોઈ વાર અકળાય. એક વારની લાંબી અકળામણમાં પોટકાની ગાંઠ નીચે હાથ નાખીને કશુંક શોધવા લાગ્યાં, શોધતાં જ રહ્યાં.
ત્રણ સ્ટેશન પછી કન્ડક્ટરે ઊંચા અવાજે પૂછ્યું – ’ડોશીમા, તમારે ક્યાં ઊતરવું છે?’
ડોશીમા ઊતરવા માગતાં હોય એમ ખોળામાં પોટકું દબાવીને ઊભાં થવા ગયાં. કન્ડક્ટરે હાથના ઇશારાથી એમને બેસી રહેવાનું કહ્યું. એ સમજ્યો કે ડોશી સાંભળતાં નથી. કેટલા પૈસાની ટિકિટ આપી હતી એ યાદ કરીને એણે મનોમન સમજી લીધું કે ડોશી ક્યાં ઊતરવાનાં છે.
એક પૅસેન્જરે ટિકિટ બતાવીને બાકી રહેલા પૈસા માગ્યા. ‘આપું છું.’ કહીને કન્ડક્ટરે પૈસા ગણવા માંડ્યા. વળી ગયેલી નોટો સરખી કરીને ગોઠવી. પેલા પૅસેન્જરને બાકી રહેલી રકમ આપીને ઊંચા અવાજે પૂછ્યું. ‘કોઈના પૈસા બાકી નથી ને?’ જવાબ ન મળતાં એણે કંઈક ગાવા માંડ્યું. એકાએક એને કંઈક યાદ આવ્યું ને ઊભા થઈને ઘંટડી વગાડી. ડ્રાઇવરે બસ ધીમી પાડી પણ ઊભી ન રાખી. એની પાસે જઈને કન્ડક્ટરે કહ્યું કે સબ-સ્ટેશનની આ બાજુ બસ ઊભી રાખજે, નહીં તો પૅસેન્જર્સ ચડી જશે.
કન્ડક્ટરે બારણું ખોલ્યું, ડોશીને ઊતરવામાં મદદ કરી. એક બીજા પૅસેન્જરે પણ અહીં ઊતરી જવાનું એકાએક નક્કી કર્યું. ડોશી જમીન પર પગ સ્થિર કરીને કન્ડક્ટરને આશિષ આપવા માગતાં હોય એમ કંઈક બોલવા લાગ્યાં. કન્ડક્ટરે હસતે મુખે બારણું બંધ કર્યું અને બેને બદલે ત્રણ વાર ઘંટડી વગાડી.
ડોશીની સાથે ઊતરેલ એક ભાઈ આગળ વધી ગયા. ડોશી થોડાં ડગલાં ચાલીને થંભી ગયાં. કંઈક બોલ્યાં. આગળ વધી ગયેલા ભાઈએ પાછળ જોયું. એ અનિચ્છાએ પાછા આવ્યા. પણ ડોશીએ એમની સામે ન જોયું, આજુબાજુ જોઈ રહ્યાં હતાં.
‘તમારે ક્યાં જવું છે?’
ડોશીએ કદાચ સાભળ્યું જ નહીં. વડ હતો, તળાવ પણ હતું, આકાશમાં વાદળ પણ હતાં. એ બધું જોયા પછી હવે એ રસ્તો શોધતાં હતાં.
‘તમારે ગામમાં આવવું છે?’
ડોશી કંઈક બોલવા લાગ્યાં. પેલા ભાઈને એવો ખ્યાલ આવ્યો કે ડોશી ભૂલથી બીજા સ્ટેશને ઊતરી ગયાં છે. એની સામે પીઠ કરીને ડોશી સડક ભણી દૂર દૂર જોવા લાગ્યાં તે પછી તો એ ભાઈને ખાતરી થઈ ગઈ કે ડોશી એની સાથે આવવાનાં નથી. એ ચાલ્યો ગયો.
ડોશી ઊભાં હતાં. સડકની બેઉ દિશામાં વારાફરતી જોતાં હતાં. એમ જોતાં થાકી જતાં ત્યારે વડ ભણી જોતાં હતાં, કોઈક વાર તળાવ ભણી. એક વાર ડોક ઊંચી કરીને ઉપર આકાશ ભણી જોવા ગયાં. એમ કરવા જતાં એ પડતાં બચ્યાં. પછી બેસી ગયાં અને પોટકાની ન છૂટતી ગાંઠ છોડવા મથવા લાગ્યાં.