કાવ્યમંગલા/છેલ્લી આશા
અહા ! મારી આશા,
હવે છેલ્લી આશા
ક્ષુધિત જનનિદ્રા શું સરશે?
ડુબેલાં જહાજો પે જળ સમ નિરાશા શું તરશે?
ઉદધિ અળખાયો ગરજશે?
ભરીને ગોઝારું ધનિક જન શું પેટ હસશે?
અમે તેવે ટાણે,
ભરી સાતે વ્હાણે,
અમર સફરે સૌ ઉપડિયા,
અહા, કેવા કેવા શિશુદિલ વિષે કોડ ભરિયા !
મગન મનડે હંસ ઉડિયા :
મળે મોતીચારો, નિત નિરખવા દિવ્ય દરિયા.
અને ગાતા જાશું,
સદા ગંગા ન્હાશું,
અમિત બળ હૈયે ભરી ભરી,
વિપત્તિઝંઝાના પવન કંઈ જાશું તરી તરી,
વિજયમધુ પીશું દિલ ભરી,
મહા પ્રેમોર્મિથી જગકલહ ચૂસીશું ઉભરી.
સુનેરી આશાઓ !
ઉડી ક્યાં સંતાઓ !
અધવચ તજ્યો સાથી કુમળો,
દગાબાજી ખેલી, મૃગજળ શું રેલી પથ ભર્યો,
નકલી સુખનો સિન્ધુ ઉછળ્યો.
ઉડી સૌ એકેકી રણપટ મહા રૌદ્ર પસર્યો.
હવે છેલ્લી આશા,
મહામૈયા ! આશા :
નહિ પતન આથી વધુ સહું,
મહાયજ્ઞે થાવા બલિ તલ સમું એક જ ચહું,
વિમલ જલબિન્દુ થઈ કહું :
લિયો મા ! સ્વીકારી, વિલય મુજ થાઓ ઉદય તું.
ઉડો ત્યારે, આશા !
ઉડો છેલ્લી આશા !
બળ સકળ પાંખે ઉતરજો,
કંપાતા પાંખો યે, હૃદયનસની પાંખ કરજો,
પણ ડયન ના મંદ કરજો,
બૃહદ્-યજ્ઞે લઘુક બલિદાને ય ધરજો.
(માર્ચ, ૧૯૩૦)