ગાતાં ઝરણાં/રાફડાના વાસીને

From Ekatra Wiki
Revision as of 01:50, 14 February 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


*રાફડાના વાસીને


મણિધર, ઓ ફણીધર; ઓ ધરા પર દોડતી ધારા!
ગળાના હાર શંકરના અને શિરછત્ર ધરનારા !
જગત બસ એક દૃષ્ટિથી જુએ છે દુર્ગુણો તારા,
         બધે બદનામ છે નાહક, કહેવાતા ઓ હત્યારા !
       “તને છાતીએ ચાંપું રાફડામાં વાસ કરનારા !"

જગતમાં કોઈએ નહિ લેશ તારી વેદના જાણી,
તને વાચા નથી, ના કર્ણ, તું નિર્દોષ છે પ્રાણી;
છતાં મુજ કલ્પનાએ સાંભળી તારી વ્યથા-વાણી,
             દુખી છું, તારું દુખ જાણું છું, આજીવન ઓ દુખિયારા!
    “તને છાતીએ ચાંપું રાફડામાં વાસ કરનારા!”

રહ્યું સ્વીકારવું મારે કે તારો દંશ દુઃખકર છે,
છતાં ઓ નાગ ! આ ઈન્સાન તો તુજથી ભયંકર છે;
ઘડીભર ઝેર તારું, ત્રાસ એનો જિંદગીભર છે,
           છતાં એને સલામો, તારી સેવા લાઠીઓ દ્વારા !
        “તને છાતીએ ચાંપું રાફડામાં વાસ કરનારા!”

તું ભૂખ્યો થાય ત્યારે દરમહીંથી બહાર આવે છે,
ભર્યા પેટે અમારા નાગ ભૂખ્યાને સતાવે છે;
અહર્નિશ ડોલતા એ શેષ સૃષ્ટિને ધ્રૂજાવે છે,
            ન જાણે ક્યાં સુધી રહેશે શિરે એ સાપના ભાર!
          “તને છાતીએ ચાંપું રાફડામાં વાસ કરનારા !”

૨૮-૮-૧૯૪૯

  • “બાંબી કે બાસી” પરથી