કાવ્ય-આચમન શ્રેણી – મનુભાઈ ત્રિવેદી/કા’નાનું કામ
મારું જીવતર ધન્ય ધન્ય કીધું
કા’નાએ મને કામ ચીંધ્યું,
કીધું કા’નાએ મને, ગાવડીને પૂર
રૂડી ગોકુળિયા ગામની ગમાણે,
પાણી ને પૂળો એને નીરજે ને દો’જે
પણ કરતી ન કાંઈ તું પરાણે :
કામ કેટલું આ સાદું ને સીધું!
કા’નાએ મને કામ ચીંધ્યું.
ન્હોતી જે આવતી ને ઢીંકે ચડાવતી
તે ગાવડીને ડચકારી કા’ને;
સાલસ થઈને એ તો હાલી મુજ મોર
એની મેળે ગમાણની સાને :
એણે આસન ખીલાનું પાસ લીધું!
કા’નાએ મને કામ ચીંધ્યું.
દોરી ઉપાડી ત્યારે એણે નમાવી ડોક
પહેરી લીધી જાણે માળા;
નીર્યું નીરણ એણે ખાધું ને પાયું પાણી —
પીધું, કર્યા ન કોઈ ચાળા :
એણે સામેથી દૂધ દોહી દીધું!
કા’નાએ મને કામ ચીંધ્યું.
આવું આ કામ તોય કા’નાએ કીધું
એથી હરખે બની ગઈ હું ઘેલી;
કા’નાનાં વેણ થકી મારે શિર વરસી ગઈ
અઢળક આનંદની હેલી :
મેં તો હોંશે એ અમરત પીધું!
કા’નાએ મને કામ ચીંધ્યું.
(બૃહદ ગુજરાતી કાવ્યપરિચય, ભાગ ૧, ૧૯૭૩, સંપા. મોહનભાઈ પટેલ, ચંદ્રકાન્ત શેઠ, પૃ. ૧૨૩)