બાળ કાવ્ય સંપદા/બંદર

From Ekatra Foundation
Revision as of 02:40, 17 February 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
બંદર

લેખક : યશવન્ત મહેતા
(1938)

મમ્મી દોડાદોડ કરીને પાડે મોટી બૂમ,
“કેમ થઈ ગઈ અડધી, જે લટકાવી કેળાંની લૂમ ?”
“મમ્મી, જરૂર બંદર આવ્યો !”

“સો રૂપિયાને ભાવ ટમેટાં, અર્ધો કિલો લાવી;
માંડ રહ્યાં બે-ચાર, ટમેટાં કોણ ગયું ટટકાવી ?”
“મમ્મી, જરૂર બંદર આવ્યો !”

 “વીસ બનાવ્યા લાડુ, ગણેશચોથ નિમિત્તે ધરવા;
ત્રણ ગયા છે ચાલી, બોલો, પેટ કોનું ભરવા ?”
“મમ્મી, જરૂર બંદર આવ્યો !”

“જન્મદિવસની ભેટ દેવા નાનકડી ધ્યાનાને,
ચૉકલેટ પપ્પા લાવ્યા’તા” અર્ધી થઈ ગઈ શાને ?
“મમ્મી, જરૂર બંદર આવ્યો !”

 “આજે કંઈ ને કાલે કંઈ તોફાન મચાવે રોજ;
આવા બૂરા બંદરની ક્યાં મારે કરવી ખોજ ? ”
“મમ્મી, જરૂર બંદર આવ્યો !”