સંચયન-૮
॥ પ્રારંભિક ॥
એકત્ર ફાઉન્ડેશન : USA
તંત્રસંચાલન :
અતુલ રાવલ (atulraval@ekatrafoundation.org)
રાજેશ મશરૂવાળા (mashru@ekatrafoundation.org)
અનંત રાઠોડ (gazal_world@yahoo.com)
સંચયન : બીજો તબક્કો (સેકન્ડ ફેઝ): ૨૦૨૩
અંક - ૮ : જૂન ૨૦૨૫
(સાહિત્ય અને કલાઓનું સામયિક (ડાયજેસ્ટ)
સંપાદન : મણિલાલ હ. પટેલ • કિશોર વ્યાસ
આવરણ ચિત્ર : કનુ પટેલ
મુદ્રણ - ટાઈપ સેટિંગ્સ - સંરચના
શ્રી કનુ પટેલ
લજ્જા પબ્લિકેશન્સ
બીજો માળ, સુપર માર્કેટ, રાજેન્દ્ર માર્ગ,
નાનાબજાર, વલ્લભ વિદ્યાનગર-૩૮૮૧૨૦
ફોન : (૦૨૬૯૨) ૨૩૩૮૬૪
આ અંકનું પ્રકાશન : તા. ૩૦/૦૬/૨૦૨૫
![]()
એકત્ર ફાઉન્ડેશન
અધ્યક્ષ : સિતાંશુ યશશ્ચંદ્ર
મુદ્રિત સાહિત્યનું વીજાણુ સાહિત્યમાં રૂપાંતર અને વિસ્તાર ઝંખતી સંસ્થા
![]()
![]()
(પ્રારંભઃ ઓગસ્ટ, ૨૦૧૩)
બીજો તબક્કો : ઓગસ્ટ : ૨૦૨૩
એકત્ર ફાઉન્ડેશન : USA
https://www.ekatrafoundation.org/magazine/sanchayan
આ વેબસાઈટપર અમારાં વી-પુસ્તકો તથા ‘સંચયન’નાં તમામ અંકો વાંચી શકાશે.
તંત્રસંચાલન : શ્રી રાજેશ મશરૂવાળા, શ્રી અતુલ રાવલ, શ્રી અનંત રાઠોડ
(ડિઝિટલ મિડયા પબ્લિકેશન)
સંચયન : દ્વિતીય તબક્કો (સેકન્ડ ફેઝ) (સાહિત્ય અને કલાઓનું સામયિક (ડાયજેસ્ટ)
સંપાદન : મણિલાલ હ. પટેલ • કિશોર વ્યાસ
મુદ્રણ - ટાઈપ સેટિંગ્સ - સંરચનાઃ શ્રી કનુ પટેલ
લજ્જા કોમ્યુનિકેશન્સ, બીજો માળ, સુપર માર્કેટ, નાના બજાર, વલ્લભ વિદ્યાનગર - ૩૮૮ ૧૨૦
આ અંકનું પ્રકાશન : તા. ૩૦/૦૬/૨૦૨૫
![]()
જેને જેને ‘સંચયન’ મેળવવામાં રસ હોય એમના ઈ-મેઈલ અમને જણાવશો.
સૌ મિત્રો એને અમારી વેબસાઈટ પર પણ વાંચી શકશે.
તમારાં સૂચનો અને પ્રતિભાવો જરૂર જણાવશો.
અમારા સૌનાં ઈ-મેઈલ અને સરનામાં અહીં મૂકેલાં જ છે.
કાલિદાસના મેઘદૂત પરથી કનુ પટેલે તૈયાર કરેલ ચિત્ર કૃતિ - ૧૯૯૧-૯૨
॥ અનુક્રમ ॥
સંચયનઃ બીજો તબક્કોઃ અંક - ૮ : જૂન, ૨૦૨૫
સમ્પાદકીય
વણઝારી ઋતુઓ~ મણિલાલ હ. પટેલ
કવિતા
ગુજારે જે શિરે તારે ~ બાલાશંકર કંથારિયા
જનની ~ દા. ખુ. બોટાદકર
ન જાય ઘરમાં - ન બ્હાર આવે ~ હરજી લવજી દામાણી ‘શયદા’
પ્રાણ ~ રવીન્દ્રનાથ ઠાકુર [અનુવાદ: નગીનદાસ પારેખ]
આંધળી માનો કાગળ ~ ઇન્દુલાલ ગાંધી
સુની રે ફળી ~ મુકુન્દરાય પારાશર્ય
રાધાનું નામ તમે… ~ સુરેશ દલાલ
અંધારું ~ પુરુરાજ જોષી
ભોંયે ચીતરેલ બધા મારગને ચાતર્યા ~ ધ્રુવ ભટ્ટ
વાર્તા
સમજ ~ છાયા ઉપાધ્યાય
નિબંધ
નરસિંહ ટેકરીની ભૂતકથા ~ મયૂર ખાવડુ
વિવેચન
‘સૈરન્ધ્રી’ વિશે ~ મનીષા દવે
વિચાર
વિનોબા
સિતાંશુ યશશ્ચંદ્ર
કલાજગત
સાહિત્ય અને દૃશ્યકળાઓના આંતરસંબંધો ~ હરીશ મીનાશ્રુ
રવિન્દ્રનાથ ટાગોરની ચિત્ર કૃતિ - પ્રકૃતિ દૃશ્યઃ ૧૯૩૦-૪૦
રવિન્દ્રનાથ ટાગોરની ચિત્ર કૃતિ લિથોગ્રાફ- ૧૯૨૮-૩૦ |
કનૈયાલાલ મુનશીની નવલકથા ‘ગુજરાતનો નાથ’નું મહત્વપૂર્ણ પાત્ર મુંજાલ મહેતા રવીશંકર રાવળે તૈયાર કરેલ ચિત્ર કૃતિ |
॥ સમ્પાદકીય ॥
વણઝારી ઋતુઓ
કંઈ કેટલાય દિવસોથી કશું પણ લખતો નહોતો. સામાજિક વ્યવહારોની દુનિયાએ મને પરાણે પકડી રાખ્યો હતો. હું વ્યવહારનો જીવ નથી. ઉપચારો મને હંમેશાં ગૂંગળાવ્યા કરે છે… ને સમાજમાં રહેનારે ઉપચારો કર્યા વિના ચાલતું નથી! એકલા, મન વગરના આચારો પણ મને તો થકવી નાખે છે. દરેક વ્યવહારમાં ઊંડા ઊતરવું પડે છે ત્યારે ખબર પડે છે કે સંબંધો એ અપેક્ષાઓનું જ અવર નામ છે. એમાં સ્વાર્થ છે. ગણતરીઓ છે ને સ્વકેન્દ્રિતા જ એના પાયામાં પડેલી છે. સંબંધનો દરેક ચાપ જે પરિઘ દોરે છે તેમાં આપકેન્દ્રી સંકુચિત વ્યવહારો જ વિશેષ સમાવિષ્ટ હોય છે. સાવધ રહીને જોનાર-પરખનારને તરત ખબર પડી જાય છે કે સમાજના વ્યવહારોના પ્રત્યેક પગલાંમાં જાત સ્થાપનાનો જ ઉપચાર હોય છે... સ્વસ્થાપનાની નિરર્થકતા પામી જનારને એટલે સ્તો આવી ઔપચારિકતાઓ થકવી દે છે. હું પ્રકૃતિનો જીવ છું. ઋતુઓ મારું વળગણ છે. હું ભરપૂર અને મોકળા જીવનનો આશક છું. એટલે હું મારા પ્રકૃતિરાગને તથા મારા જીવન આવેગને શબ્દોમાં મૂક્યા વિના રહી શકતો નથી. શબ્દ વિના; જીવનથી સભર એવા શબ્દ વિના હું રહી શક્યો નથી.
શબ્દ વિના હું અંધ છું. શબ્દ વિના હું ચૂપ
શબ્દ વિનાનું આયખું જાણે, ઠાલો કૂપ!
ઋતુ આવે છે ને મારા કાનમાં ટહુકો કરે છે. ઋતુ મારી પ્રિયતમા છે. મારી પંચેન્દ્રિય એનાથી સતત સન્નદ્ધ રહે છે. એ મને મારી સંકડામણોમાંથી દૂર છોડાવી લઈ જાય છે. દુન્યવી વ્યવહારોની જૂઠી, બરડ, જડ રસમોથી એ મને અળગો કરી રહી છે. આઘેના વનોમાં, પહાડોમાં મને વને વને પર્વતો ફેરવતી આ પ્રેમિકા ઋતુઓ મને તરુ તરુની ગંધથી સભર સભર કરી દે છે. આ ઋતુઓ મને ઘરમાંય ઠરવા દેતી નથી!
વનમાં હજી પાનખરનો પડાવ છે…. ને આ વસંત તો સોઢાય છે બપોરી તડકાના ફરફરતા વસ્ત્રમાં કોઈ મુગ્ધાના શ્વાસ જેવી. આ તડકો ચંદનના લેપ જેવો મઘમઘે છે બધે. મને યાદ આવે છે સંસ્કૃતિરાણી દેસાઈની કવિતા : ‘વણજારણ ઋતુઓ’ હું એનો મોટેથી પાઠ કરું છું. સાંભળો ! “વણજારણ ઋતુઓ આવે છે નિયમિત રીતે પોતાના કાફલા સાથે ને નાખે છે પડાવ ગામમાં. જેમ નૌટંકીવાળા પોતાનો ખેલ રાખે છે તેમ વણજારણ ઋતુના ખેલમાં લપટાઈ જાય છે ગામલોકો. રીઝવવામાં ખૂબ હોશિયાર છે આ વણજારણો, મોહી પડે છે ઘણા તેના ઉપર પણ આ તો તેમનો ધંધો છે. કોઈની સાથે હળી ગયા વગર સમય પૂરો થયે પોતાનો પડાવ ઉપાડી જતો રહે છે વણજારણોનો કાફલો. આવતે વર્ષે ક્યારે આવશે તેની રાહ જોતાં મૂકી જાય છે મોહી પડેલા લોકોને. કોઈક વાર કોઈ નાનકડી વણજારણ કન્યા હળી જાય છે કોઈક સાથે ને બહુ કરગરીને રહી પડે છે ગામમાં પણ નથી માફક આવતી તેને સીધી સપાટ જિંદગી ને સોહરાઈને ગેરહાજરી અનુભવવા માંડે છે પોતાના કાફલાની વણજારણ ઋતુઓ રાહ જોવડાવી, તડપાવી ગામમાં આવી પડાવ નાખે છે ને ફરી પાછા મોહી લે છે ગામલોકોને. કવિતાની પળ જેવી વણજારણ કન્યા જતી રહે છે વણજારણ ઋતુઓ સાથે સમય પૂરો થતાં. ફરી પાછા વર્ષે આવશે તેની રાહ જોતા મૂકી જાય છે મોહી પડેલા લોકોને!” મારે લખવાની રહી ગયેલી તેવી આ કવિતા મારી અનુગામી કવયિત્રીએ લખી છે : હું એમાં ઉમેરું છું કે: “જખમ જેવી યાદો મૂકી જાય છે વણજારણ ઋતુઓ... એક ઋતુના જખમ દૂઝ્યા કરે છે બીજી ઋતુમાં! સમય પણ ભરી શકતો નથી આ જખમોને કેમકે પ્રત્યેક વર્ષે ઋતુઓ આવે છે ને જીવતાં થઈ ઊઠે છે વીતી ગયેલાં વર્ષો. વર્ષોએ આપેલા જખમોને ઋતુ ઋતુના અજવાળામાં વાંચ્યા કરું છું દૂઝ્યા કરું છું એકલો ઉનાળું પહાડના પડખામાં વિલિન થતાં ઝરણાં જેવો!” ઋતુનો દોરવાયેલો હું હમણાં જ પાછો વળ્યો છું પહાડોમાંથી પૂર્વોત્તર સાબરકાંઠાના વિજયનગરનાં વનો વીંધતો હું પસાર થતો હતો. હરણાવમાં હજી પહાડોનાં પાણી છે ખરાં. રાગની આગ લઈને કેસૂડા ખીલ્યા છે. નદીના બેઉ કાંઠે... પહાડોની ધારે, રસ્તા માથે પણ ઋતુના મશાલચીઓ જેવા એ વગડે વગડે ઊભા છે પ્રેમીઓને ઇજન આપતા! પણ વસ્તીમાં મોહી પડેલા લોકોને પ્રકૃતિ તરફ જોવાની ફૂરસદ જ ક્યાં છે? વળી કોક વન્ય કન્યા જેવી વસંતનું સામ્રાજ્ય છે બધે. ખાખરો ખરબચડો. જાણે રૂપનો તો દુશ્મન! પણ આ ઋતુમાં કેસૂડાંની કળીઓ એના રોમેરોમે અંગ મરોડતી દેખાય ત્યારે એ રૂપનો રાજા, ના વરરાજા લાગે છે. ભીલ કન્યાનું યૌવન ઊઘડ્યું છે આ કેસૂડે કેસૂડે, જોઉં છું તો આદિવાસી યૌવનાઓ મેળેથી પાછી ફરી રહી છે શેરડીના સાંઠા લઈને! અરે! એમના કાનમાં તો છે કેસૂડાંના ફૂલો. કોઈકે તો ગૂંથ્યાં છે કેશમાં... બીજીએ બાંધ્યાં છે હાથે! સ્વયં ખાખરા જેવી આ કેસૂડાંની કન્યાઓ વિશે લખનારા કાલિદાસની જરૂર છે આપણને. આ વનપરિસર વચાળે ઊંચા છટાદાર શીમળા છે... એકબેને આવ્યા છે ફૂલો; રાતાં ચટ્ટાક! પેલી કિંશૂક કન્યાઓને આ શીમળા તે એમના વર-પ્રેમીઓ! માટીની મધરી મધરી આગ છે શીમળાના ફૂલોમાં... એ પહાડોની ટોચો સુધી ફરકાવતા રહે છે વસંતનો વાવટો! ફાગણનાં ઝાડ તે આ કેસૂડા અને શીમળા, લાલ કેસરી રંગો ને ફાગણિયો છાકભર્યો વાયરો વનોના રંધેરંધ્રમાં રતિ-આવેગ છે. કાન માંડીએ તો સંભળાય છે આપણામાં રહેલા વન્યપશુના સિસકારા હું ઋતુઓથી અળગો રહી શકતો નથી. લઈ જાય છે આ ઋતુઓ મને હાથ પકડીને દૂર દૂર વને, પહાડે, ખેતરે, નદીએ, તળાવે. સીમ-સીમાડે... દિવસ રાતે... પવનની સાથે ચગાવતી રહે છે આ ઋતુઓ મને પણ....
(સોનાનાં વૃક્ષો)
મણિલાલ હ. પટેલ
॥ કવિતા ॥
બાલાશંકર કંથારિયા
ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સ્હેજે;
ગણ્યું જે પ્યારું પ્યારાએ, અતિ પ્યારું ગણી લેજે.
દુનિયાની જુઠી વાણી, વિશે જો દુ:ખ વાસે છે;
જરાયે અંતરે આનંદ, ના ઓછો થવા દેજે.
કચેરી માંહિ કાજીનો, નથી હિસાબ કોડીનો;
જગત કાજી બનીને તું, વહોરી ના પીડા લેજે.
જગતના કાચના યંત્રે, ખરી વસ્તુ નહીં ભાસે;
ન સારા કે નઠારાની, જરાએ સંગતે રહેજે.
રહેજે શાંતિ સંતોષે, સદાયે નિર્મળે ચિત્તે;
દિલે જે દુ:ખ કે આનંદ, કોઈને નહીં કહેજે.
વસે છે ક્રોધ વેરી, ચિત્તમાં તેને તજી દેજે;
ઘડી જાએ ભલાઇની, મહાલક્ષ્મી ગણી લેજે.
રહે ઉન્મત્ત સ્વાનંદે, ખરું એ સુખ માની લે;
પિયે તો શ્રી પ્રભુના, પ્રેમનો પ્યાલો ભરી પીજે.
કટુ વાણી સુણે જો કોઈની, વાણી મીઠી કહેજે;
પરાઇ મૂર્ખતા કાજે, મુખે ના ઝેર તું લેજે.
અરે પ્રારબ્ધ તો ઘેલું, રહે છે દૂર માગે તો;
ન માગે દોડતું આવે, ન વિશ્વાસે કદી રહેજે.
અહો શું પ્રેમમાં રાચે, નહીં ત્યાં સત્ય પામે તું!
અરે તું બેવફાઇથી ચડે નિંદા તણે નેજે.
લહે છે સત્ય જે, સંસાર તેનાથી પરો રહેજે;
અરે એ કીમિયાની જો મઝા છે, તે પછી કહેજે.
વફાઇ તો નથી, આખી દુનિયામાં જરા દીઠી;
વફાદારી બતાવા ત્યાં, નહીં કોઈ પળે જાજે.
રહી નિર્મોહિ શાંતિથી, રહે એ સુખ મોટું છે;
જગત બાજીગરીના તું, બધાં છલબલ જવા દેજે.
પ્રભુના નામનાં પુષ્પો, પરોવી કાવ્યમાળા તું;
પ્રભુની પ્યારી ગ્રીવામાં, પહેરાવી પ્રિતે દેજે.
કવિ રાજા થયો શી છે, પછી પીડા તને કાંઈ?
નિજાનંદે હંમેશા બાલ, મસ્તીમાં મઝા લેજે
આપણી કવિતા સમૃદ્ધિઃ બ.ક.ઠાકોર
![]()
૨૭ નવેમ્બર, ૧૮૭૦ –
૭ સપ્ટેમ્બર, ૧૯૨૪
દામોદર ખુશાલદાસ બોટાદકર
મીઠાં મધુ ને મીઠા મેહુલા રે લોલ,
એથી મીઠી તે મોરી માત રે,
જનનીની જોડ સખિ! નહિ જડે રે લોલ.
પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ,
જગથી જુદેરી એની જાત રે. જનનીની.
અમીની ભરેલી એની આંખડી રે લોલ,
વ્હાલનાં ભરેલાં એનાં વેણ રે. જનનીની.
હાથ ગૂંથેલ એના હીરના રે લોલ,
હૈયું હેમંત કેરી હેલ રે, જનનીની.
દેવોને દૂધ એનાં દોહ્યલાં રે લોલ,
શશીએ સિંચેલ એની સોડ્ય રે. જનનીની.
જગનો આધાર એની આંગળી રે લોલ,
કાળજામાં કૈંક ભર્યા કોડ રે. જનનીની.
ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ,
પળના બાંધેલ એના પ્રાણ રે. જનનીની.
મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ,
લેતાં ખૂટે ન એની લ્હાણ રે. જનનીની.
ધરણીમાતાયે હશે ધ્રૂજતી રે લોલ,
અચળા અચૂક એક માય રે. જનનીની.
ગંગાનાં નીર તો વધે-ઘટે રે લોલ,
સરખો એ પ્રેમનો પ્રવાહ રે. જનનીની.
વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ,
માડીનો મેઘ બારે માસ રે. જનનીની.
ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ,
એનો નહિ આથમે ઉજાસ રે.
જનનીની જોડ સખિ! નહિ જડે રે લોલ.
રાસતરંગિણી
હરજી લવજી દામાણી ‘શયદા’
જનારી રાત્રિ જતાં કહેજે: સલૂણી એવી સવાર આવે;
કળી કળીમાં સુવાસ મહેકે, ફૂલો ફૂલોમાં બહાર આવે.
હૃદયમાં એવી રમે છે આશા, ફરીથી એવી બહાર આવે;
તમારી આંખે શરાબ છલકે, અમારી આંખે ખુમાર આવે.
વ્યથા શું હું વિદાય આપું? વિરામના શું કરું વિચારો?
કરાર એવો કરી ગયાં છે – ન મારા દિલને કરાર આવે.
કિનારેથી તું કરી કિનારો, વમળમાં આવી ફસ્યો છે પોતે,
હવે સુકાની, ડરે શું કરવા? ભલે તૂફાનો હજાર આવે.
ન ફૂટે ફણગા, ન છોડ થાયે, ન થાય કળીઓ, ન ફૂલ ખીલે;
ધરામાં એવી ધખે છે જ્વાળા, બળી મરે જો બહાર આવે.
વિચારવાળા વિચાર કરજો, વિચારવાની હું વાત કહું છું;
જીવનમાં એથી વિશેષ શું છે? વિચાર જાયે વિચાર આવે.
તમારી મ્હેફિલની એ જ રંગત, તમારી મ્હેફિલની એ જ હલચલ;
હજાર બેસે, હજાર ઊઠે, હજાર જાયે, હજાર આવે.
હૃદયમાં કોની એ ઝંખના છે, નયન પ્રતીક્ષા કરે છે કોની?
ઊભો છે ‘શયદા’ ઉંબરમાં આવી, ન જાય ઘરમાં - ન બ્હાર આવે.
F.B.
![]()
૩૦ ઓગસ્ટ, ૧૯૦૩ –
૧૯ જાન્યુઆરી, ૧૯૯૩
રવીન્દ્રનાથ ઠાકુર
[અનુવાદ: નગીનદાસ પારેખ]
મરિતે ચાહિ ના આમિ સુન્દર ભુવને,
માનવેર માઝે આમિ બાંચીબારે ચાઈ.
એઈ સૂર્યકરે એઈ પુષ્પિત કાનને
જીવન્ત હૃદય-માઝે યદિ સ્થાન પાઈ !
ધરાય પ્રાણેર ખેલા ચિરતરંગિત,
વિરહ મિલન કત હાસિ-અશ્રુમય-
માનવેર સુખે દુ:ખે ગાંથિયા સંગીત
યદિ ગો રચિતે પારિ અમર-આલય !
તા યદિ ના પારિ તબે બાંચિ યત કાલ
તોમાદેરિ માઝખાને લભિ યેન ઠાઁઈ,
તોમારા તુલિબે બલે સકાલ બિકાલ
નવ નવ સંગીતેર કુસુમ ફૂટાઈ.
હાસિમુખે નિયો ફુલ, તાર પરે હાય
ફેલે દિયો ફુલ, યદિ સે ફુલ શુકાય.
• • •
આ સૌંદર્યમય વિશ્વમાં મને મરવાની ઇચ્છા નથી.
હું માનવોમાં જીવવા ઇચ્છું છું.
આ સૂર્યના કિરણોમાં,
આ પુષ્પિત કાનનમાં, અને જીવન્ત હૃદયમાં
હું સ્થાન પામવા ઇચ્છું છું.
ધરતી પર કેટકેટલાં વિરહ અને મિલન-હાસ્ય
અને અશ્રુ-ભરી પ્રાણની લીલા
સદાય લહેરાયા જ કરે છે.
- માનવના સુખદુઃખનાં ગીતો ગૂંથીને
અમર ભૂમિ રચવાની મારી ઇચ્છા છે.
પણ જો તે ન કરી શકું,
તો જ્યાં સુધી જીવું ત્યાં સુધી
તમારી વચ્ચે જ સ્થાન પામું
એમ ઇચ્છું છું.
અને તમે ચૂંટશો એમ કરીને
સવારે અને સાંજે
નવાં નવાં સંગીતના ફૂલો ખીલવ્યા કરીશ.
તમે હસતે મોઢે એ ફૂલ લેજો
અને
ત્યાર પછી હાય, જો એ ફૂલ સુકાઈ જાય
તો ફેંકી દેજો !
F.B.
![]()
૮ ડિસેમ્બર, ૧૯૧૧ –
૧૦ જાન્યુઆરી, ૧૯૮૬
ઇન્દુલાલ ગાંધી
અમૃત ભરેલું અંતર જેનું, સાગર જેવડું સત્,
પૂનમચંદના પાનિયા આગળ ડોશી લખાવતી ખત,
ગગો એનો મુંબઇ કામે;
ગીગુભાઈ નાગજી નામે. લખ્ય કે માડી!
પાંચ વરસમાં પ્હોંચી નથી એક પાઈ
કાગળની એક ચબરખી પણ, મને મળી નથી ભાઈ!
સમાચાર સાંભળી તારા;
રોવું મારે કેટલા દા’ડા?
ભાણાનો ભાણિયો લખે છે કે, ગગુ રોજ મને ભેળો થાય,
દન આખો જાય દા’ડિયું ખેંચવા રાતે હોટલમાં ખાય,
નિત નવાં લૂગડાં પે’રે
પાણી જેમ પઇસા વેરે.
હોટલનું ઝાઝું ખાઈશ મા, રાખજે ખરચીખૂટનું માપ,
દવાદારૂના દોકડા આપણે કાઢશું ક્યાંથી બાપ!
કાયા તારી રાખજે રૂડી;
ગરીબની ઇ જ છે મૂડી.
ખોરડું વેચ્યું ને ખેતર વેચ્યું, કૂબામાં કર્યો છે વાસ,
જારનો રોટલો જડે નહિ તે દી પીઉં છું એકલી છાશ,
તારે પકવાનનું ભાણું,
મારે નિત જારનું ખાણું.
દેખતી તે દી દળણાં, પાણી કરતી ઠામેઠામ,
આંખ વિનાનાં આંધળાંને હવે કોઈ ન આપે કામ,
તારે ગામ વીજળીદીવા,
મારે આંહીં અંધારાં પીવાં.
લિખિતંગ તારી આંધળી માના વાંચજે ઝાઝા જુહાર
એકે રહ્યું નથી અંગનું ઢાંકણ, ખૂટી છે કોઠીએ જાર.
હવે નથી જીવવા આરો,
આવ્યો ભીખ માગવા વારો.
સીગ્નેચર પોયમ્સ
![]()
૧૩ ફેબ્રુઆરી, ૧૯૧૪ –
૨૦ મે, ૧૯૮૫
મુકુન્દરાય પારાશર્ય
સૂની રે ફળી, સૂનાં ખોરડાં, સૂની લીમડાની ડાળ,
સૂનાં પાનોથી છલકે વાયરે, આખા ફળિયાનો થાળ;
રાતે ચૂવે નભનાં નેણલાં. સૂની ઓસરી, સૂના ઓરડા,
સૂનાં જાળી ને ખાટ, સૂની અધખોલી તૂટી ડેલીએ
ઊભું જુએ કો વાટ; ઝબકે મિજાગરું વાયરે.
નહીં રે ઝાંઝર, નહિ કો ઘૂઘરો, નહિ કો સંચરતું ગાય.
વળગી અવાવરુ આંગણે કુંકુમ પગલીની ઝાંય!
નયને લહરાતી ગળતી ચૂંદડી.
સૂના રે સંસારે, સૂની રાતના, નહિ કો દીવડો ન દીપ.
સમદર તીરે રવડે રેતમાં, મોતી વિહોણી છીપ.
સૂનકારે એકલતા સામટી.
રે’તાં રે રે’તાં તે દી સામટાં, આજે ઉજ્જડ આવાસ.
તોયે રે રઘવાયા મારા જીવને વળગ્યો વિરહે સહવાસ.
રણના વંટોળે સૂકું પાંદડું.
દિવ્ય ભાસ્કરઃ કળશ. મે - ૨૦૨૫
![]()
૧૧ ઓક્ટોબર, ૧૯૩૨ –
૧૦ ઓગસ્ટ ૨૦૧૨
સુરેશ દલાલ
રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં
વ્હેતું ના મેલો ઘનશ્યામ!
સાંજ ને સવાર નિત નિંદા કરે છે
ઘેલું ઘેલું રે ગોકુળિયું ગામ!
વણ ગૂંથ્યા કેશ અને અણઆંજી આંખડી
કે ખાલી બેડાની કરે વાત;
લોકો કરે છે શાને દિવસ ને રાત
એક મારા મોહનની પંચાત?
વળી વળી નીરખે છે કુંજગલી : પૂછે છે,
કેમ અલી! ક્યાં ગઈ’તી આમ?
રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં
વ્હેતું ના મેલો ઘનશ્યામ!
કોણે મૂક્યું ’લિ તારે અંબોડે ફૂલ?
એની પૂછી પૂછીને લીયે ગંધ;
વહે અંતરની વાત એ તો આંખ્યુંની ભૂલ,
જો કે હોઠોની પાંખડીનો બંધ.
મારા મોઢેથી ચહે સાંભળવા સાહેલી,
માધવનું મધમીઠું નામ;
રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં
વ્હેતું ના મેલો ઘનશ્યામ!
F.B.
![]()
૧૪ ડિસેમ્બર, ૧૯૩૮ –
૧૨ ડિસેમ્બર, ૨૦૨૦
અજવાળું
ઘોંઘાટ કરે છે
અંધારું તો પવનલહરના સ્પર્શે
મંદ, મધુર સુરાવલિ છેડતું
વાયોલિન !
અંધારામાં
મઘમઘતી માટી
અંધારાથી
સંગોપિતા પૃથ્વી
પુનર્જન્મની કરે પ્રતીક્ષા...
અંધારું
જળની પાટી પર
પવને પાડ્યા અક્ષર
ભૂંસે,
ગૂંથે શિશુઓની બીડેલ આંખમાં
સ્વપ્નો.
યુવકો માટે રચતું
વસંતોત્સવ અંધારું
ને વિરહદગ્ધ હૃદયો માટે
પાથરતું
અનંત અંધ સુરંગ.
F.B.
ધ્રુવ ભટ્ટ
ભોંયે ચીતરેલ બધા મારગને ચાતર્યા મેં દરિયામાં ઝંખી નહીં નાવ,
તળિયેથી મારામાં જાગતી થઈ છે એક વણજારે ગાળેલી વાવ.
આંખમાં ઉજાગરા તો અવનીને હોય નથી સૂરજની રાત ક્યાંય થાતી,
ચરણો તો કોક વાર થાકે રોકાય કાંઈ રોકી શકાય નહીં છાતી.
અણજાણી વાટ કયાંક રણના મુકામ અને વગડાઓ બોલાવે આવ,
રોમરોમ જાગતી થઈ છે એક વણજારે મારામાં ગાળેલી વાવ.
મેં જ મને કોઈ દિવસ ભાળ્યો ન હોય એવી વાયકા સમાન મારું હોવું,
મારામાં ક્યાંક એક આદમી વસે ને ક્યાંક રેતીભરી આંધીનું ટોળું.
વાદળ વરસે તો કહું વરસી પડો ને કોક માળો કરે તો કહે ગાવ,
મારામાં રોમરોમ જાગતી થઈ છે કે એક વણજારે ગાળેલી વાવ.
લોકનિકેતનઃ માસિકઃ ૨૦૨૫
॥ વાર્તા ॥
છાયા ઉપાધ્યાય
સંગીતાને જોતાં જયાને ખટકો તો આવ્યો, પણ તેણે ગણકાર્યો નહીં. ‘સંગીતાને પણ લાગણી તો હોય જને!’ જયાએ સ્વીકાર્યું. તેણે મન મનાવ્યું કે ‘શરૂઆતમાં કદાચ ઑક્વર્ડ લાગી શકે, પણ એક વખતે ખાસો પરિચય હતો. વાંધો નહીં આવે.’ સંગીતા વહેલી સવારે પહોંચી હતી. સોળ કલાકની ફ્લાઈટ અને ટાઈમ ડિફરન્સ છતાં આવી એવી જયંતને જોવા ગઈ. તે યાદ કરવા મથી, ‘ક્યારે રૂબરૂ થયેલાં? દીકરાનાં લગ્ન વખતે. દસકો થયો.’ જયંતને પથારીમાં તો જોયેલો, પણ આ રીતે નહીં. તેના સ્ટડીના આ પલંગમાં પુસ્તકોને બદલે મૅડિકલ ઈક્વિપમૅન્ટથી વીંટળાયેલો જયંત હજી હૅન્ડસમ લાગતો હતો. તેના પાતળા શરીર પરથી માંસ ઓગળી ગયેલું પણ પાતળા હોઠ નીચે લાંબી, ખાડાવાળી દાઢી, મોટું કપાળ, લાંબુ, પાતળું નાક અને પાંપણ બંધ હોય ત્યારે પણ ઊંડી જણાતી આંખની મોહિની અકબંધ હતી. કેટલીક ક્ષણ માટે સંગીતાના ચિત્તમાંથી પાછલા અઢી દાયકા ભૂંસાઈ ગયા. પણ, જયાની હાજરીએ તે તાજા કરી દીધા. સંગીતા ત્યાંથી બેડરૂમમાં પહોંચી. જયાને વળી એકવાર ખટકો આવ્યો અને વળી એકવાર તેણે તે ખંખેરી નાખ્યો, ‘આ ઘરમાં તેના પગ એમ વળે, સ્વાભાવિક છે.’ તે ઓરડામાં અત્યારે જયાની છાપ હતી, ચાદર, પડદા, દીવાલોનો રંગ, કૉર્નરના અરીસા પાસે કાંસકો, ચાંદલાનું પૅકેટ, બાથરૂમમાં સાબુ, શૅમ્પુ, ટૂથપેસ્ટ…એમ તો જયાએ ગેસ્ટ બેડરૂમમાં બધી સગવડ કરાવી રાખેલી. પણ... જયાએ વળી પોતાને ટપારી, ‘વાંધો નહીં. એને એ ઓરડો વધારે ફાવે, સ્વાભાવિક છે.’ સંગીતાની સતત હાજરીથી વાતાવરણ જરા વંકાયેલું, તેને ઠીક કરવા શું કરી શકાય એમ જયા વિચારવા માંડી : ‘એકબીજાનાં બાળકોની વાતોથી શરૂઆત થાય. શક્ય છે, જયંતની વાતોય ખુલે અમારી વચ્ચે.’ સંગીતા બે-ત્રણ કલાક ઊંઘીને વળી જયંત પાસે જઈ આવી. કોઈ સ્ત્રીને ઘર સંભાળતી જોવી કોઈ નવી વાત ન હતી, પણ આ ઘરમાં જયાને વ્યવસ્થા જાળવતી જોવાનું સંગીતાને વિચિત્ર લાગતું હતું. ડાઇનિંગ પર બંનેએ સાથે નાસ્તો કર્યો, જયંતની ખુરશીને ડાબે જમણે બેસીને. ‘હાવ્ઝ ફ્લાઈટ?’ ‘ગુડ. બીટ બમ્પી.’ ‘દિવસ-રાતથી અડજૅસ્ટ થવું અઘરું છે.’ ‘યૅહ! ડૅમ્ન બૉડી ક્લૉક.’ ‘યૅહ…’ જયા હસી. તે રાહ જોતી રહી કે સંગીતા જયંતની સ્થિતિ વિશે પૂછે. ‘જૅટ લૅગની અસરને કારણે તંદ્રામાં હશે... છતાં…’ જયાને સંગીતાની સ્થિરતાની નવાઈ લાગતી હતી. ‘અઢી દાયકા વહી ગયા... ઊર્મિઓ પાતળી પડી ગઈ હોઈ શકે. છતાં, કેવી દોડી આવી!’ જયંત અને સંગીતા, જયા અને સુમિત બાળકોને કારણે સંપર્કમાં રહેતાં હતાં. બાળકો પોતાનો પરિવાર વસાવી ચૂકયાં પછી માત્ર ખાસ પ્રસંગોએ વાત થતી. આ વખતે જયાએ સંગીતાને ફોન કરીને જણાવેલું. ફોન પર સંગીતાનો પ્રતિભાવ ઠંડો હતો પણ અઠવાડિયા પછી તેણે મૅસેજ કરેલો, “આવું છું.” “એમ ઉતાવળ નથી. ડૉક્ટર કહે છે કે બે ત્રણ વર્ષ પણ નીકળી જાય. છતાં આંટો મારી જવો હોય તો… હું એમ તો અપડેટ આપતી રહીશ તને… ઓ.કે. આઈ અન્ડરસ્ટેન્ડ. આવ. રાધર, ગુડ ફૉર બોથ ઑફ અસ.” જયાએ ફોન પર કહ્યું હતું. રૅગ્યુલર ચૅક અપ માટે ફૅમિલી ડૉક્ટર મહેતા આવ્યા અને સંગીતાને જોઈ બોલી પડ્યા, “માય માય! સચ અ લૉંગ… કેમ છો?” સંગીતાએ તેમને પણ જયંતની સ્થિતિ વિશે એક શબ્દ ના પૂછ્યો, ના તો જયાની કાળજી વિશે કાંઈ કહ્યું. જયંત પાસે બેસી જયાએ કેટલોક સમય મોટેથી વાંચ્યું, જાણે જયંત સાંભળતો હોય; નર્સ સાથે મળીને શરીરની સાફસફાઈ કર્યા પછી ઈન્સ્ટ્રુમૅન્ટલ, મૅટલ, ક્લાસિકલ એવું સંગીત વગાડ્યું, પ્રિસ્ક્રાઈબ્ડ દવા આપતી હોય એવા વિશ્વાસથી. વચ્ચે વચ્ચે મિત્રો, સાથીદારોના ફોન આવતા રહ્યા, જેમની સાથે જયાએ સ્પિકર પર વાત કરી. સાંજે બે-ત્રણ મિત્રો આવ્યા, સંગીતાની હાજરીથી જરા ઝંખવાયા, પણ પછી જયંત જાણે હમણાં દલીલ કરવા, નવો, જુદો આઈડિયા મૂકવા, કોઈ મુદ્દે ગંભીરતાથી વિચારવા ઊભો થવાનો હોય તેવી ગરમીથી વાતો કરવા લાગ્યા. પુસ્તકો, સંગીત, મિત્રો, ચર્ચા… સહમતિની શરત વગર એકબીજાને સમજી શકવાની પાત્રતાથી સમૃદ્ધ વ્યક્તિઓનો સંગાથ… તે ઓરડાનું આ જ તો રૂટિન હતું અઢી દાયકાથી. ફેર એટલો કે હવે તેમાં જયંત સક્રિય રીતે જોડાઈ નહોતો શકતો. સંગીતા દિવસભર જયંતના ઓરડે, ડ્રોઈંગરૂમમાં, ડાઇનિંગ પર હાજર રહી અને જૅટ લૅગ ખાળતી રહી. જયંત આસપાસ ચાલતી ક્રિયાઓમાં ના તો તે સક્રિય ભાગ લેતી હતી, ના વિશેષ રસ. તેને જોઈ ખંચાતા મુલાકાતીઓ પોતાને સંભાળી લઈ તેની સાથે વાત કરે તો સંગીતા વળતો પ્રતિભાવ આપતી. તેના વર્તનમાં ઉમળકા કે વિરોધની કોઈ તીવ્ર છાંટની ગેરહાજરીને કારણે જયા સાંજ સુધીમાં ખાસી હળવી થઈ ગઈ. આમેય, જયંતની એકવારની સંગિની, જયંત સાથે ક્યારેક સ્નેહથી જોડાયેલી વ્યક્તિ તરીકે સંગીતાને જયાએ હંમેશાં માનથી જોયેલી. ડિનર પછી વળી સંગીતા બેડરૂમમાં ગઈ. જયાને તેની સાથે સૂવું રુચિકર ના લાગ્યું એટલે તેણે સ્ટડીમાં જ સોફા પર લંબાવ્યું. બીજી સવારે સંગીતાને સ્ફૂર્તિમાં જોઈ જયાએ રાજીપો વ્યક્ત કર્યો, “સીમ્સ યુ હૅવ સૅટલ્ડ.” “ઑલ મોસ્ટ. પોતાના ઘરે ઝડપથી થવાય આમ પણ.” જયા કંપી ઊઠી. તેને લાગ્યું કે સંગીતાનો અવાજ અને સૂર બદલાયાં છે. વળી, ટૅક્નિકલી, લીગલી, આ ઘર સંગીતાનું હતું. ના જયંત, ના તો જયાએ છૂટાછેડા લીધા હતા. જયંતનું સવારનું રૂટિન પત્યા પછી એકાએક સંગીતાએ જયંતની સ્થિતિમાં રસ લેવા માંડ્યો. નર્સ પાસેથી દિવસ રાતની ક્લિનિકલ સંભાળ જાણી, ડૉક્ટર આવ્યા તો તેમની સાથે બેસીને જયંતની સ્થિતિ વિશે શરૂઆતથી માહિતી મેળવી. દસેક વાગ્યે જયા જ્યારે પુસ્તક લઈ જયંત તરફ આગળ વધી, સંગીતાએ તેને રોકી, “જરૂર નથી. આયમ હિયર નાવ.” શું પ્રત્યુત્તર આપવો તે જયાને સમજાયું નહીં. તેના પગ લથડ્યા. પછી કાંઈક સૂઝ્યું હોય એમ તે બબડી, “એને ગમે છે.” “આઈ નો. બટ, આયમ હિયર. યુ કૅન ગો ટુ યૉર પ્લેસ.” “...?” જયા જેવી જયા બઘવાઈ ગઈ અને થાંભલાની જેમ ત્યાં જ ખોડાઈ ગઈ. “થેન્ક યુ. નાવ, યુ કૅન ગો.” સંગીતાએ ફરી કહ્યું. “સંગીતા…!” “વૅકેટ માય રુમ, માય હોમ, માય પ્લેસ. હવે હું આવી ગઈ છું.” “સંગીતા… હી નીડ્સ મી. “ “તેને ડૉક્ટર, નર્સ, દુઆની જરૂર છે. તેની ‘પત્ની’ની જરૂર છે.” “મને તેની ટેવો, જરૂરિયાતની...સંગીતા હવે ઝાઝો સમય નથી આપણી પાસે, જયંત પાસે. જે છે તેમાં તેને ગમતું વાતાવરણ... આપણે બેઉ… તેને ખુશી ખુશી જવા દઈએ.” “જયંત માટે શું કરવું તેની ચિંતા હું કરી લઈશ. ડૉન્ટ ફોર્સ મી. તારો સામાન લઈ લે અને…” “સંગીતા, હાઉ કુડ યુ?” “તેં કર્યું એમ!” ગુસ્સો, ક્ષોભ, અકળામણ, મજબૂરીથી જયાનું ગળું ભરાઈ આવ્યું. “મેં, અમે કાંઈ ઈરાદાપૂર્વક…” “પ્લીઝ. ગો.” જયા સોફામાં ફસડાઈ પડી. પછી કાંઈક યાદ આવ્યું હોય તેમ, જયંત સાથે રહીને જાહેર જીવનમાં અઢી દાયકા ઝઝૂમનારી જયા બેઠી થઈ. “ના. જયંત છે, ત્યાં સુધી નહીં.” “ઠીક છે. વિક્રમનો નંબર છે તારી પાસે? મારી પાસે નથી. બોલાવ એને. નહીં તો મારા ભાઈને કહી બીજા કોઈને બોલાવું.” વિક્રમ વકીલ હતો. જયંતના કૉલેજકાળનો મિત્ર અને કાર્યક્ષેત્રનો સાથી. જયાના બોલાવ્યે તે તરત આવ્યો. વાત જાણી તેણે સંગીતાને સમજાવવા કોશિશ કરી જોઈ. પણ, “જયંતની પત્ની કોણ છે, વિક્રમ?” કહી તે જયંતના રૂમમાં જતી રહી. ગર્ભનાળ કપાઈ ગઈ હોય એવું લાગ્યું જયાને. જે ઘર, જે સંબંધ અઢી દાયકાથી પોતાનો હતો, અચાનક પારકો થઈ ગયો. પોતે જ્યાં બેઠી છે તે સોફા, જ્યાં પગ અડે છે તે ટાઈલ્સ, સામેની દીવાલ પરનું પેઇન્ટિંગ, તે દીવાલની પાછળ દિવસો ગણી રહેલા મિત્ર- સાથી- સખા- જીગરના ટુકડા પર પોતાને હક નથી એ અનુભૂતિ ઘેઘૂર સન્નાટા જેવી હતી. જાહેર ક્ષેત્રે કામ કરનારી જયાને હકીકતો સ્વીકારવામાં વાર નહોતી લાગતી. જયંતની બીમારી સુધ્ધાં તેણે સ્વીકારી જ લીધેલી. આ ઘર પર પોતાનો કાનૂનન અધિકાર નથી તે વિગત તેના માટે એટલી આકરી નહોતી જેટલી જયંત તેનો નથી તે હકીકત હતી. દિવસો, મહિનાઓ ગણી રહેલા જયંતને છોડવો તેના માટે અકલ્પનીય હતું. પણ, સંગીતાએ ઘરનો, જયંતનો ચાર્જ લઈ લીધો હતો, જયા કાંઈ સમજે તે પહેલાં. એક વ્યક્તિ માટે રસોઈનો હુકમ થઈ ગયેલો અને કૂક દ્વિધામાં જયાને તાકી રહેલા. નોકરચાકર એવા બઘવાઈ ગયા કે વિક્રમ સાથે ડ્રોઈંગરૂમમાં પથ્થરની જેમ બેસી રહેલી જયાને પાણી પાવું પણ કોઈને સૂઝ્યું નહીં. વિક્રમની વાત માનીને, હારીને તે પહેરેલે કપડે નીકળી ગઈ, વિક્રમ તેને ‘તેના’ ઘરે લઈ આવ્યો. તે ઘર જયાએ જયંત સાથે જોડાયા પછી, સુમિતથી અલગ થયા પછી ખરીદેલું. સંબંધોના નવાં પરિમાણ ખુલવા માંડ્યાં ત્યારે જયા જયંત ખચકાયેલાં જ. બેઉ પોતપોતાના સંસારમાં સુખી હતાં, બેઉને બાળકો હતાં. પણ, તે બેના જીવ મળી ગયેલા. સગપણને ગોઠવણમાં ફેરવવું કે ફોક કરવું તે જ સંભાવના બચેલી. શરૂઆતમાં સુમિત અને સંગીતાએ વિરોધ કરેલો અને “સમય સાથે અનુકૂલન કેળવાઈ જશે” એવી દલીલો પણ. પછીથી તેઓએ સમજ દાખવી હતી. સમજૂતી સાધી ચારેય ચાર મકાનમાં વહેંચાઈ ગયેલાં. સમય જતાં સંગીતા, સુમિત પણ નવા સંબંધોમાં ગોઠવાયેલાં. બેઉ પક્ષે બાળકો મોટાં થયાં ત્યાં સુધી કોઈએ જવાબદારીમાં પીછેહઠ નહોતી કરી. એકલા રહેતા જયંતનું ઘર કાર્યકરોનો અડ્ડો બનતું ગયું અને જયાનું રોકાણ, જયાનો સામાન ત્યાં ઉમેરાતાં ગયાં. જયાનું આ ઘર તેનાં સંતાનો પોતાના સંસારમાં ગોઠવાયાં ત્યારે ખાલી થઈ ગયું. તેમાં પ્રવેશતાં જયાને ખાલીપો વાગ્યો, જયંત વિનાના હોવાનો સૂનકાર. આવું તો તેને જયંત હવે થોડા સમયનો મહેમાન છે, તેની ભાનમાં આવવાની શક્યતા નહિવત્ છે તેમ જાણ્યા પછીય નહોતું થયું. ‘અમે સાથે ભરપૂર જીવ્યાં છીએ. હું તેને સુખેથી જવા દઈશ.’, જયાએ વિચારેલું. તે રડી પડી. વિક્રમ જાણતો હતો, જયા ઈઝ અ ફાઈટર. કાંઈ કેટલાય વંચિતોને ન્યાય અપાવવામાં જયા- જયંતની પડખે તે રહેલો. પણ, બીજા માટે લડવામાં અને પોતે કઠેડામાં ઊભા રહેવામાં ફેર છે તેમ વકીલ તરીકે તે જાણતો હતો. શાંત થયા પછી જયાએ એ જ વાત ખોલી જે વિક્રમે ધારી હતી, “શું કરી શકાય, વિક્રમ?” “યુ નો,” ગળું સાફ કરી વિક્રમે સહાનુભૂતિ સાથે કહ્યું, “કાનૂની કાર્યવાહી …” “તું વાત કરીશ સંગીતાને? તેને કહે મને દિવસ દરમ્યાન, કે રાત્રે, તેની અનુકૂળતા મુજબ બારેક કલાક રહેવા દે જયંત સાથે. કે પછી બીજી કોઈ સમજૂતી, તને સૂઝે તે. બસ, જયંત છે ત્યાં લગી મને તેનાથી સાવ અલગ...” “હું કરી જોઉં પ્રયત્ન.” વિક્રમે દરખાસ્ત મૂકી તો સંગીતાએ સામે જયંતના દસ્તાવેજ મૂક્યા. તે આખા ઘરને, જયંતના લૅપટૉપ, કમ્પ્યુટરને ફેંદી વળી હતી. “નો વે વિક્રમ. આ તો તું કહે છે એટલે હું સાંભળુંય છું.” “જયાને મિલકત વગેરેમાં રસ નથી. બસ જયંત છે ત્યાં સુધી, દિવસનો અમુક સમય, થોડા કલાક…” “એક સેકન્ડ પણ નહીં. અને જયંત પણ મિલકત જ છે, મારી.” “સંગીતા, જયંત માટે. હી લવ્ડ હર.” “હજી હેઝ લવ્ડ ઍન્ડ મૅરીડ ટુ મી.” “જયંતની ખુશી…” “ડૉક્ટરના કહેવા પ્રમાણે, તે કૉમામાં છે, તે સંવેદી શકતો નથી.” “કદાચ તે ભાનમાં આવે...” “હા, કદાચ તે ભાનમાં આવે. અઢી દાયકા પછી.” “સંગીતા, સંબંધ, માનવતા...” “ગુડ બાય, વિક્રમ.” સંગીતા ઊભી થઈ ગઈ, “તેના નામે જે ગાડી છે તે, તેનો સામાન ડ્રાયવર આપી જશે મોડેથી. હૅલ્પર્સ બધું ભેગું કરી લે પછી.” નાસીપાસ થઈ વિક્રમ જયા પાસે આવ્યો. “હવે? કોર્ટ?” “હા.” “સત્વરે. કાગળિયાં તૈયાર કર વિક્રમ.” “મારા તરફથી તો થઈ જશે પણ આપણે ઘણાં ઘણાં કાગળિયાં, તમારા સંબંધની સાબિતીઓ ભેગી કરવી પડશે. સંગીતા એટલી સરળતાથી નમતું નહીં જોખે.” જયા અટકી ગઈ, જયંત સાથેના સહજીવનની સાબિતીઓ. અઢી દાયકા સુધી કાર્યક્ષેત્રમાં, સમાચાર માધ્યમોમાં જયાજયંત એમ સાથે લેવાયેલા નામના સાહચર્યની સાબિતીઓ મેળવવી અઘરી તો ન હતી. પણ, એમ કરવું પડે તે સ્થિતિ જયાને કચડી નાખનારી હતી. એકસાથે અનુભવેલાં સુખદુઃખ, એક જ દિમાગ હોય તેવું વૈચારિક સંધાન, ગેરસમજની ગેરહાજરીને કારણે આવતી આદરપૂર્ણ સ્વીકૃતિ કેમ કરી સાબિત કરવી? સુગંધને શીશીમાં ભરવા જેવું, અનુભૂતિનું નામકરણ કરવા જેવું કામ કરવાનું હતું. ‘પણ, આ સમયે જયંત સાથે હોવા માટે…’ “તું બસ કહે શું જોઈશે. અને ઝડપ કરાવ. સમય નથી.” જયા વિક્રમને કહેતી રહેતી. કેસ ફાઈલ થયા પછીય ખાસો સમય જાતભાતની સાબિતીઓ એકઠી કરવામાં ગયો. અગ્નિ કે કોઈ ધાર્મિક ગ્રંથ તેમના સાહચર્યનો સાક્ષી નહોતો પણ લોકોની સ્મૃતિમાં તેઓ જીવનસાથી જ હતાં. બેઉ બીજે ક્યાંક પરણેલાં તે સામાન્ય લોકો માટે જાણે સમાચાર હતા. વાત જાહેરમાં આવી તે સાથે લોકલાગણી જયા પક્ષે ઢળી ગયેલી. પણ, કોર્ટમાં લાગણીઓનું વજન નહોતું પડવાનું. મીડિયાના મિત્રોએ અઢી દાયકાના ફોટા, વીડિયોનો ખડકલો કરી દીધો. તે જોતી વખતે તે ક્ષણોને માણવા પૂરતી પણ જયા અટકી નહીં અને વિક્રમની સૂચના પ્રમાણે, પોતાના અનુભવ તેમજ સૂઝ પ્રમાણે તે યાદોને સાબિતીઓના ખાનામાં ગોઠવતી ગઈ. જયંતનો સહવાસ મેળવવા તેણે પોતાના બધા રાજકીય, સામાજિક સંબંધો પાસે હાથ ફેલાવ્યા. દરેક દિવસ, દરેક પળ લોલક બની તેને વર્તમાન વડે મારતાં રહ્યાં. જયંતની ત્વચાને, તેના ઉત્સર્જન અંગોને બીજું કોઈ સાફ કરે છે; મિત્રોની મહેફિલ વગર, પુસ્તક કે સંગીત વગર, તેના વગર જયંતનો સમય સમેટાઈ રહ્યો છે તેવા વિચારોના કાંટા જયાને સતત ભોંકાતા રહ્યા. કેસની પ્રક્રિયા શરૂ થયા પછી જયાને નવરાશ મળી. સાઠ વર્ષ સુધી આવી નવરાશ તેને મળી નહોતી. સુમિત સાથે હોત તો સંતાનોના સ્થિર થયા પછી તે નવરી પડત. જયંત સાથે તો તે ઉપરથી વધુ સક્રિય થઈ ગયેલી. વાંચવું તેની દિનચર્યાનો ભાગ હતો. પણ, ફક્ત વાંચન પણ કેટલુંક થાય? વળી, આ મન:સ્થિતિ સાથે એકાગ્રતાય જળવાતી નહીં. એટલે, સામાન્યપણે થાય તેમ જયાનું મગજ જાતભાતના વિચારોથી ખદબદવા માંડ્યું. આટલા બધા, સામસામા છેડાના લાગે તેવા વિચારોના પ્રવાહમાં વારંવાર તે તણાવા માંડી. તેનાથી સમય કપાતો. પણ, જયા ઇચ્છતી તે ઝડપે તો નહીં જ. જયંત વગરની તેની દિનચર્યા ખોડંગાતી. સમસ્યા ઉકેલ માટે કેળવાયેલું તેનું મન પોતાની મુશ્કેલી માટે સંભવિત ઉકેલ શોધતું, વિક્રમ સાથે તે નવી નવી દરખાસ્ત સંગીતાને પહોંચાડતી અને દર વખતે સંગીતા તરફથી ઈનકાર આવતો. સંગીતાના ઘા બાબતે જયા અજાણ હતી એમ નહોતું. અઢી દાયકા પહેલાં બે યુગલ તરીકે તેમણે નિર્ણય લેવાનો થયો ત્યારે પણ તે એક મુદ્દો હતો. પણ, તે ઘા આમ ઝેર બની પોતાને, જયંતને પીડશે એમ જયાએ નહોતું ધાર્યું, અઢી દાયકાથી ચાલી રહેલી સમજૂતી પછી તો નહીં જ. દરેક દિવસ પૂરો કરતાં જયા હાંફી જતી. કેસ ફાઈલ કર્યા પછી તો દિવસભર શું કરવું તેની તેને સૂઝ પડતી નહીં. જયંત પથારીવશ થયા પછી આમ પણ ઑફિસના કામ પર ધ્યાન દેવાયું નહોતું અને હવે તો એ કામ કરવાની જગ્યા પણ છીનવાઈ ગયેલી. કામ તો ફોન પર થઈ શકે તેમ હતું પણ એક તો સહકર્મીઓ તેને કામ સોંપતા નહીં અને તે પોતે પણ કેસના કુંડાળામાં અટવાઈ ઊભી હતી. નોકર, ચાકર, ડૉક્ટર મહેતા મારફતે જયા જયંતની ખબર લેતી. તે વાત જાણતી હોવા છતાં સંગીતા કોઈને રોકટોક કરતી નહીં. ડિવોર્સ વગર એકબીજા સાથે રહેનાર જયંતજયા, જયંતની ટર્મિનલ બીમારી અને સંગીતાનું અચાનક આવી જવું તે વ્યાવસાયિક નજરે તો સોપ ઓપેરા જેવો કિસ્સો હતો. તેમ છતાં જયંતજયાના દમદાર કામને કારણે મીડિયાએ આ વાત ટીઆરપીનો મુદ્દો નહોતી બનાવી. જોકે, સુમિતે, તેનાં સંતાનોએ તો મીડિયા મારફતે જ આ બીના જાણી હતી. સંતાનોએ કહ્યું, “મમા, લવ યુ. તું કેસ હારે તો ય…” “ના બેટા, આ કેસ તો જીતવો જ રહ્યો.” સુમિતે કહ્યું,”આયમ પ્રાઉડ ઑફ યુ.” “હું આ દાવની છું એવું કાંઈ નહીં?” “થાય છેને! આ પણ તારું શ્રેષ્ઠ જ બહાર લાવશે.” “સૉરી સુમિત…” “ફૉર વ્હૉટ? તેં દંભ કે છદ્મ ન કર્યો તેના માટે?” “તું આ જ હતો, હંમેશાં. પણ…” “મને સમજાયું છે, સમય જતાં…” “થાય છે, મારે તનેય લીગલી છૂટો કરી દેવો જોઈએ. ક્યાંક હું તને ના નડું.” સુમિત હસ્યો, “એ પણ કરીશું. હમણાં તું આ કેસ પૂરો કર.” મહિનાભરની તૈયારી પછી કોર્ટમાં તો મિનિટોમાં નવી તારીખ પડતી. દરેક વખતે જયંત જયા વચ્ચે સંબંધ નથી તે વાત જુદીજુદી રીતે ઊપસીને આવતી હતી. સંગીતાના લગ્ન સર્ટિફિકેટ, તેનાં સંતાનોના બર્થ સર્ટિફિકેટ સામે જયાના અઢી દાયકા હાંફતા હતા. જાહેર માધ્યમોમાં, કાર્યક્ષેત્રમાં સતત વ્યક્ત થતો રહેલો સંગાથ તેમને સહ કર્મચારીથી વિશેષ સાબિત કરી શકતો નહોતો. તારીખો વચ્ચે અટવાયેલી જયાનો દિવસ પોતે જયંતનો ચહેરો જોઈ શકે તે પહેલા તેનું પંખેરું ઊડી જશે એ ધાસ્તી સાથે આથમતો. ભલે કૉમામાં હોય, જયંતમાં ધબકી રહેલું ચેતન તેના અંતિમ સમયે તેને ગમતી પ્રવૃત્તિઓથી, મિત્રોથી, તેના પ્રિયથી દૂર કોઈ કેદમાં જઈ પડ્યાની વાત જયાને ગૂંગળાવતી હતી. સંગીતાનો ગુસ્સો તેને સમજાતો હતો, પણ જયંતની પસંદગીઓના, સુખના ભોગે તે જે જીદ પર ઊતરી આવી હતી તે વૃત્તિ રાક્ષસી લાગતી હતી. સંગીતાના વકીલની દલીલ રહેતી કે તેમનો અસીલ લીગલ વારસદાર છે અને જયંત હવે વ્યાવસાયિક કે સંસ્થાકીય કામ કરવા અક્ષમ છે તેથી જયાની હાજરી જરૂરી નથી. વિક્રમ દલીલ કરતો : અઢી દાયકા સાથે જીવનારાંઓને અંતિમ સમયે છૂટાં પાડવાં ન જોઈએ અને માનવતાની રૂએ ન્યાય તોલવો જોઈએ. કોર્ટ કાર્યવાહીના ચઢાવ ઉતાર સાથે નવરી પડેલી જયાનો મોટાભાગનો સમય સંગીતાના વકીલના તર્કને કાપે તેવો તર્ક શોધવા બાબતના વિચારોમાં જતો. ને એક પળે તેને સ્ફૂર્યું : ‘જયંતે આ- પોતે ચાહી હતી તે બે સ્ત્રીઓને આમનેસામને જોવી પડી નહીં.’ તે વિચારને મમળાવતાં જતાં તે એક એવી વિગત પાસે પહોંચી, જેણે તેના ઉદ્વેગને વિખેરી નાખ્યો: જયંત કૉમામાં ગયો તે પળે હું તેની પાસે હતી, તેની સ્મૃતિના અંતિમ ઝબકારમાં તેની સંગાથી તરીકે હું છું. આ વિચાર વડે જયાની પીડા ધોવાઈ ગઈ. અત્યાર સુધી ભારે ભારે થઈ રહેલું શરીર, મગજ અને મનનો બધો સંતાપ, થાક ઊતરી ગયો. સંગીતા પ્રત્યે તેને ઊભી થયેલી કડવાશ વરાળ થઈ ગઈ અને ‘ઓછી સમજ છે એટલે તે આવું જ કરેને! સમજદાર હોત તો સમજાવવાની જરૂર જ ક્યાં હતી!’ અને એમ એક સમજભરી પળના અજવાળે જયા સંગીતાના વર્તનની સ્વીકૃતિ સુધી પહોંચી ગઈ. “આ વાત બહુ શાંતિ આપે છે.”, જયાએ વિક્રમને બોલાવીને કહ્યું, “જયંતની ચેતનાના અંતિમ ટુકડામાં હું છું.” અને એટલું કહી દીધા પછી તે આ ઘટનાની રહીસહી અસરોથી મુક્ત થઈ ગઈ. “હવે લડવાની ઇચ્છા નથી રહી. કેસ પડતો મૂકીએ?” “તું, જયા, થાકી ગઈ એટલે કે પછી જીતવાની શક્યતા નથી દેખાતી એટલે કે…? વિક્રમને નવાઈ લાગી. “મારો બધો થાક ઊતરી ગયો છે, વિક્રમ. આપણે જાણીએ છીએ કે જયંત હવે કશું મહેસૂસ કરતો નથી, ફક્ત શરીર રહી ગયો છે. જો કે, મને તક હોત તો ડૉક્ટર ડિક્લેર ના કરતા ત્યાં સુધી આશા રાખત ખરી કે તે ભાનમાં આવે. ખેર, સંગીતા, ભલે હક કરતી. તેનેય ખબર છે ઊંડે ઊંડે કે હક નથી. હોય તો જતાવવું થોડું પડે! દયા આવે છે એની.” “એને તો ગમતું થશે.” “એનું ગમતું થાય એમાં આપણને શો વાંધો? મને હતું કે જયંતને… આવા દિમાગને અભાન જોવું… શું થાય! જયંત જેવા વ્યક્તિ સાથે … સંગીતાની સમજશક્તિ ઓછી એમ હવે સમજાય છે. “ “સહનશક્તિ પણ…” “સહન કરવાનું તો એવું ને વિક્રમ, કે પારકાને એમ લાગે. જે તે વ્યક્તિ માટે તો એ સમજ જ હોય. સંગીતાએ સહન કર્યું એટલે આ કડવાશ છે. સમજીને સમય કાપ્યો હોત તો આવા સમયે જયંત સાથે આવું કરત તે?” વિક્રમ જયા સામે જોઈ રહ્યો. “તારી વાત કદાચ પૂરેપૂરી સમજાતી નથી પણ તારા ચહેરા પર દેખાય છે કે તને કશુંક નરવું જડી ગયું છે.” “હા. મને કોઈ ઉદ્વેગ નથી રહ્યો. જયંતની સંભાળ હું જ રાખું તેવીયે લાલસા શું કામ? કદાચ તે ભાનમાં આવે તેવી ધૂંધળી આશા રહે છે પણ તેણે પોતાને અસહાય જોવો પડે તેના કરતાં…” “હમમમ્. કેસ હવે સુપ્રીમમાં છે અને આપણે જયંતની સ્થિતિ ધ્યાનમાં રાખી ફાસ્ટ હિયરીંગની રીકવેસ્ટ કરી છે.” “વૅલ... ઓન અ સેકન્ડ થોટ, ભલે ચાલતો કેસ. તું એને ચુકાદા સુધી તો લઈ જ જા. ભવિષ્યમાં કોઈ મારા જેવી સ્થિતિમાં મૂકાય અને… જયંતને પણ આ ગમ્યું હોત. પોતાના માટે નહીં, સાર્વજનિક ન્યાય માટે.” “આ કેસ બેન્ચ માર્ક બની શકે. હું મારાથી બનતું બધું કરીશ જીતવા.” અને તે પછી જયાએ કોર્ટમાં જવું બંધ કર્યું. જયંત સાથે મળીને કરતી હતી તે કામ, વાંચન, લેખન જાણે નવેસરથી શરૂ કર્યું. આખરે દોઢ વર્ષ પછી, પંદર દિવસે પંદર મિનિટની ‘મુલાકાત’ માટે જયંતના પલંગ પાસે કાયદાકીય રૂએ પહોંચી શકાયું ત્યારે જયા કેટલુંક લખાણ લઈને ગઈ, તેનું અને જયંતનું સંયુક્ત લખાણ. જયંતના પલંગ પાસે બેસી એણે તે પંદર મિનિટ વાંચ્યું, બેકગ્રાઉન્ડમાં ઈન્સ્ટ્રુમેન્ટલ વગાડતાં રહીને. અને એમ દર પંદર દિવસે જયંતની પથારી પાસે બેસી પંદર મિનિટ સુધી એ તે વિચાર દોહરાવતી રહી જે તેમણે સાથે મળીને સેવેલા, ઘડેલા, પાકા કરેલા, સમજ તરીકે પચાવેલા અને અમલમાં મૂકેલા...જયંતની અંતિમ વિદાય સુધી.
વા રે વા - અંકઃ ૧૧
(મૂળ હસુમતિ મહેતાને નામે પ્રગટ થયેલી વાર્તા)
✳ ✳ ✳
॥ નિબંધ ॥
મયૂર ખાવડુ
મારા અસ્થિપિંજરના કારાગૃહમાં કેદ થયેલું ટેણિયું મુક્કીઓ મારી ભાગી છૂટવા ધમપછાડા મારે છે. હું આંખ મીંચું છું અને કોશેટોમાંથી ફૂટી નીકળેલું કાળું પતંગિયું એની પાંખોને ફફડાવે છે. હું નર છું અને નર પતંગિયાની પાંખમાં અંકાયેલી જીવનરેખાઓ લાંબી હોતી નથી. ક્યારેક એવું લાગી આવે છે કે સૃષ્ટિમાં વસતી નર જાતિને અતીતરાગની કાળકોટડીમાં નિવાસ કરવાનો શ્રાપ મળ્યો છે. એમ જ દિવસના કોઈ એકભાગમાં સ્મૃતિઓ એકધારી ઊલટી કરી મસ્તિષ્કના હોજને ખાલી કરી નાખે છે. ગળામાં અટવાયેલો એનો તૂરો સ્વાદ દિવસ અને રાત્રિ મને મારી જવાબદારીનું ભાન કરાવે છે. મૃત્યુ સમયે પણ પેલી ફ્લૅશલાઈટ થતી હશે અને એમાં ગમતાં અને બાળપણનાં તીવ્ર વેગે પસાર થઈ ગયેલાં દૃશ્યોનું એક વખત આચમન કરવાનો લહાવો મળતો હોવો જોઈએ. મૃત્યુ હજુ નજીક હોય એવું લાગતું નથી, પણ સ્મૃતિઓના ભયાવહ અરણ્યમાં પેલી ફ્લૅશલાઈટ રોજ થોડી થોડી થયા કરે છે. કોઈ અગમ્ય પીંજરામાં પુરાયેલી છે. પીંજરું એક ડબ્બામાં સાચવી રાખ્યું છે. એ ડબ્બામાં ભરેલાં મધુર સ્મરણોની અંદર નેવાધાર વરસાદ ઝીંકાય છે. ડબ્બો છલકાય છે. એમાંનું પાણી ડબ્બાની બહાર નીકળી મારી ચંદ્રકાય આંખની ભૂમિ પર ત્રાટકી પડે છે. આંખની ઉપર બેસેલાં સ્મરણોનાં માથાં ભીંજાવા લાગે છે. એને ભાગવું છે, પણ ભાગી નથી શકતા. કાતર જીવડાના ડાંગા જેવી દેખાતી મારી કીકીઓના વાળ અપંગ બની ગયા છે. હિંમત કરું છું, પણ આંખ ઊઘડતી નથી. બધું સ્થિર થઈ ગયું છે. ક્યાંક હીંચકા ખાતાં, ક્યાંક દોડતાં, ક્યાંક રમતાં, ક્યાંક ઝઘડતાં, ક્યાંક ગારો ખૂંદતાં, ક્યાંક ભૂતથી ભાગતાં, ક્યાંક ઘરેથી ભાગી જવાની હઠ લઈ બેસેલાં, ક્યાંક નદીમાં છીછરું પાણી શોધી તરતાં એ સ્મરણોની ઝાંય ડહોળાવા લાગે છે. એના પાણીમાં મારું માથું ખોસી દે છે અને હું શ્વાસ લેવા તરફડિયાં મારવા લાગું છું. આ જુઓને નરસિંહ ટેકરીનાં સ્મરણો મારી પાંપણની ટેકરી ઉપર ચાડિયા બનીને કતારમાં ઊભાં છે. અને હું પંખીની માફક એ ચાડિયાથી ડરું છું. સ્મૃતિના ખેતરમાં વાવેલા સંસ્મરણપાક પર ચાંચ મારવાનું મન નથી થતું. બાળપણનો અસબાબ તો હોય એવો ને એવો જ જોવાની શ્રદ્ધા કોને ન હોય? મેં હજુય એ આસ્થાના દીવાને મારા બેય હાથેથી બૂઝવા નથી દીધો. એવા તાનમાં ને તાનમાં કે હજુય ત્યાં એવું ને એવું હશે. કંઈ બદલ્યું નહીં હોય. તાફતે વાવાઝોડાના વિનાશથી બચ્યા પછી તેની ઝલક જોવા માટે નીકળવાનું થયું તો કારમાંથી ડોકિયું કરતાં મને હતું એવું ને એવું જ ચિત્ર દેખાયું. જાણે એ જગતને કોઈએ મારા માથે થંભાવી ન રાખ્યું હોય, પણ અંદરખાને તો કેટલુંય બદલાઈ ગયું છે એવો ગોકીરો કાને અથડાતા જીવ ચૂંથાવા લાગ્યો.
•••
અમારી નરસિંહ ટેકરીનાં બે ભુજાબળ એટલે રામદેવપીરનું મંદિર અને શંકરબાપાનું મંદિર. રામદેવપીરના મંદિરમાં ભાતભાતના ધમપછાડા કર્યા છે. આળોટ્યા છીએ. ઘરની છાતી સામે પીઠ દેખાડતી એની દીવાલ વચ્ચેની શૂન્યવત્ જગ્યા પર પગની પાનીને ચોંટાડીને ઉપર ચડ્યાનો હરખ હજુય એવો ને એવો તાજો રાખ્યો છે. શંકરબાપાના મંદિરની બાજુમાં વડલાનું ઘેઘૂર ઝાડ. ટણપા જેવું! એની ઉપર અમાસની અંધારી રાત્રે બેસતા ઘેંટાની વીતકકથા અમે આખી નરસિંહ ટેકરીમાં ફેલાવીને રાખી દીધેલી. રાત્રે ઘેંટાની સાથે એક દીવો પણ થતો. બીજું કંઈ યાદ હોય કે ન હોય પણ આકાશમાં જોઈએ અને ચંદ્ર ન દેખાય તો અંદરથી ખળભળી ઊઠીએ કે આજે વડલાના ઝાડની ઉપર ઘેંટું ઊભું થશે અને એની સાથે દીવો પણ ઝગમગતો હશે. બીજા દિવસે ત્યાં જઈએ તો ન હોય ઘેટું કે ન હોય દીવો. તોય કોઈ બોખી ડોસીની જીભમાંથી અમાસની રાત્રિએ લપસી ગયેલી આ ભૂતકથાને અમે એટલી પંપાળીને જિવાડી કે દિવસે ન થાય એટલી રાત્રે અને રાત્રે ન થાય એટલી દિવસે એની વાતો થતી. એની ચરબી વધતી જ ગઈ. વધતી જ ગઈ. રામદેવપીરના મંદિરની સામે એક મકાન બનતું હતું. ત્યારે તો કોઈ એમાં નિવાસ કરવા ન અાવ્યું એટલે ખાલી ભૂખરા પાણા ચણીને ઊભું કરી દીધેલું. રાત્રે થપ્પો’દા રમતાં અને રમત રમતમાં કેટલાક છોકરાઓ એ ઘરમાં બનાવેલા ભંડકિયામાં ઘૂસી જતા. ત્યાંથી બિહામણા અવાજોનું આક્રમણ અમારા કાનમાં થતું. જેની ઉપર દાવ ચગ્યો હોય એ છોકરાને બીજા દિવસે તાવ ચડી જાય. એની વેવલી ફરિયાદ કરવા આવે. એમાં પેલું નામ અમારું જ હોય. જ્યાં અંદર થપ્પો કરવાને આંખો નાખે ત્યાં કાનિયા અને દિપલાની ભયભીત કરી દેતી ભૂતવાણી ભંડકિયાના ગૂઢ અંધકારમાંથી સળવળતી બેઠી થાય. છોકરાની છાતીમાં ડૂમો ભરાય. એના દેહના ભાથામાં સુષુપ્ત થઈ પડેલી એક એક રુવાંટીઓનાં બાણ ઊભાં થઈ જાય. અંદરથી ખૂંચે. બીકની બળતરાનો પ્રસવ થાય. પેટમાં દુઃખે. સબાકા નીકળે. મૂંઢ લવકારો નીકળે. દેહ આખો ધગવા લાગે. જાણે હોલિકા દહનનું લાકડું હોય. ત્યાં હાઉક... એવો કાળમીંઢ શબ્દ કાનમાં ધગધગતા સીસાની જેમ ગરકી જાય અને પેલો છોકરો જ્યાં ભાગીને રામદેવપીરના મંદિરની બાજુમાં થપ્પો કરવા જાય ત્યાં સુધીમાં તો દિપલો કાં કાનિયો બેમાંથી એક જણ ત્યાં બટાઝટિયું બોલાવતાં પહોંચી ગયા હોય. ‘હવે ત્યાં કોઈ સંતાતા નંઈ હો... બાકી ના બેનના સમ આપી.’ એવી આક્રંદ કરતી વાણી એના ગળામાંથી સોંસરવી નીકળે. એ મકાન બનીને તૈયાર થયું. એમાં રહેવા મા ને દીકરો આવ્યાં. એ બહેનનો મોટો દીકરો કંઈક અવગતે ગયેલો અને એને ત્યાં ઘરની બાજુમાં જ બેસાડવાનો હતો. વિધિ થઈ. ભૂવા આવ્યા. ડાકલાં વગાડ્યાં. અડધી નરસિંહ ટેકરી આ ખેલ જોવા પહોંચી ગઈ. એમનાં સગાંમાંથી કોઈ ભાઈ મનમૂકીને ધૂણ્યા. અને એવા ધૂણ્યા કે વાત જ જવા દ્યો. મોટા મોટા પાણા ઉપર થાપા મારે. જોર જોરથી એવા રાંકા અવાજ કાઢે કે જાણે છાતીમાંથી વરાળું બાજુમાં જ પથ્થરથી ગોળ કૂંડાળું કરી એમને ત્યાં વિસામો ખાવા બેસાડ્યા. એ રાતે છોકરાની મા ખૂબ રડેલી. નરસિંહ ટેકરીની બાઈના સાડલાની કોર પણ ભીંજાઈ ગયેલી, પણ અમારી ટોળકીના મનમાં તો એક જ વાત રમતી હતી કે અહીં ભૂત હતું એ વાત તો સાચ્ચી. નરસિંહ ટેકરીનું સ્મશાન એટલે વેતાળનું ઘર! સંધ્યા ટાણે એની માથે વડવાંગડા એનો પોતીકો અંધકાર લઈ ઊડતાં હોય. ચીબરીઓનો કલુષિત ધ્વનિથી બધુંય થંભી જાય. સ્મશાનની પછીતે દીપડો કે સિંહ કે કૂતરાઓનું ઝુંડ ભૂંડનો શિકાર કરી ગયું હોય. એના વધેલા માંસના લોચાને ચૂંથતા કાગાડાઓને જોઈ અમને રાત્રે બિહામણા સ્વપ્નો આવે. ભૂંડનું માંસ અમને ચુડેલના વાંસા જેવું દેખાય. કહેવાય છે કે એ સામી મળે તો પાછા પગે ચાલતી પકડવાની, નહીં તો ભરખી જાય. જીવ અવગતે જાય. રામદેવપીરના ઓટલે બેઠાં બેઠાં ગઢવીબાપા ત્યાં સફેદ સાડલો પહેરીલી ચુડેલ થાય છે એવી વાતો કરી અમારા ટોળાને ભયભીત કરી દેતાં. પછી નવરાત્રિ ઉપર એ રસ્તે કોઈ જાય છે કે નહીં એની એક-એક અને બે-બે રૂપિયાની શરતું લાગતી. ગઢવીબાપા પોતાની પોથીમાંથી અમને ભૂતઅનુભવો ભણાવતા. એક વાર એ કોઈ બસમાં બેસીને જતાં’તા. વચ્ચે એક લાલ રંગની સાડી પહેરેલી બાઈ રાડો નાખે. છાતીનાં પાટિયાં બેસી જાય એવું રડે. બસમાં બેઠેલા કેટલાક ભાઈને થયું કે એનેય જગ્યા દઈએ. પણ કન્ડક્ટરે ના પાડી દીધી. અને પછી ઉમેર્યું કે ઈ અપ્સરા જેવી બાઈ તો ભૂત હતી. લગનના ટાણે જ એનો ભરથાર ભરથું થઈ ગયો પછી એય ગુજરી ગઈ અને હવે ભાઈડા ગોતે છે. અમે ભણવા જતાં ત્યાં ત્રણ માળિયું એક મકાન આડું આવતું. એમાં અમે કોઈને કોઈ દિવસ રહેતા જોયા નહીં. અમારામાંથી કોઈ એક જબાદિયાએ કથા ઘડી કાઢી કે ત્યાં એક બાઈ થાય છે. નિશાળે જવાનો એ એક જ ખહુરિયો રસ્તો. આખોય ધૂળિયો માર્ગ અમને ચીટલા ભરતો બીવડાવે. શિયાળાના અંધકારમાં નિશાળે જવું ન ગમે. માવઠું આવે, જાય અને કપાળે પરસેવાનું તળાવ ભરાય. મકાનની આડે આવતા બોરડીનાં ઝાડ અંધકારમાં તીણો તીણો બેસૂરો સાદ કરે. અમને બોર ખાવા લલચાવે. જમીનની માટીમાં અમારા ટાંટિયા રોપાઈ ગયા હોય એવું લાગે. એક ચોમાસે નરસિંહ ટેકરીમાં બારેમાઘ ખાંગા થયા. જ્યાં જોઉં ત્યાં અડધું પાટલૂન ડૂબી જાય એટલું પાણી વહે. ગાજર ઘાસની સાથે ફૂટી નીકળેલા દેડકાનું ડ્રાઉં ડ્રાઉં સંગીત સંભળાય. હિરણ નદીમાં ધોધમાર પૂર આવ્યું ગામડામાં રહેતા વિદ્યાર્થીઓ પહોંચી ન શકે. અમે તો રહીએ ત્યાં ને ત્યાં. એ કપાતર પૂર અમારા વિદ્યાભ્યાસની આડે ક્યારેય કાળી બિલાડી બનીને ન ઊતર્યું. નિશાળ પાછી માલેતુજારોના વિસ્તારમાં. અમારા પાડોશી જિગાભાઈ એની રીક્ષા લઈ મૂકવા આવ્યા. ગધની રિક્ષા એ જ જગ્યાએ ખોટકાણી જ્યાં પેલું ઘર. મને ધક્કો મારવાનું કીધું. હું અને પ્રતીક ઊતર્યા. ભરવરસાદમાં રિક્ષાને ધક્કો મારી ગારામાંથી બહાર કાઢી. રિક્ષા નીકળી ગઈ. પ્રતીક ઝડપભેર એમાં સવાર થઈ ગયો. હું બેસવા જાઉં તો મને પેલા ઘરમાં કોઈ દેખાયું. હું બી ગયો અને ઠેકડો મારીને રિક્ષામાં. નિશાળમાં સાડા નવના ટકોરે રિસેસ પડતી. અમે મિલના મેદાનમાં જતા. એ મિલ ભેંકાર. કોઈ ત્યાં ન જાય. ત્યાં એક મિત્રે ભોંયરું શોધી કાઢેલું. એ ભોંયરામાં કબૂતરોનાં પીછાંનો ઢગલો હોય. એક દહાડે અંદર ગયા તો કબૂતર ઊડ્યું અને અમે ફફડીને ભાગ્યા. પણ અમારો પેલો દોસ્તાર તો ઉસ્તાદ દરજ્જાનો શૂરવીર. એ સીધો ગયો અને ભોંયરાની બીજા બાજુથી નીકળ્યો. પછી અમેય નીકળ્યા. પછી તો રોજ અમે ત્યાં જતાં અને અમારી શૂરવીરતા દર્શાવતા. ગ્રીષ્મની ગરમીમાં ઘર આખું તપે. શરીર બળે. અમે રાતના અગાશી ઉપર ઊંઘવા જઈએ. વડલાની ડાળીઓ ચોખ્ખી દેખાય. હિરણ દેખાય. હિરણની ઉપરનો પુલ દેખાય. ઝાડવાં હિલ્લોળે ચડે. પવનને મસ્તીનો કેફ ચડે. રામદેવપીરના મંદિરની ધજાનો ફફડાટ સંભળાય. છાતી સુધી ગોદડું ઢાંકીનેય અમારે તો વાત તો ભૂતડાંઓની જ કરવાની. બાજુના ઘરમાં મુંબઈ ચાલ્યા ગયેલા. હું અને પ્રતીક ઠેકડો મારી એમના બંધ ઘરમાં ઘૂસતા. દાડમ અને જામફળીનાં ઝાડમાંથી ફળો ચોરી લાવતા. એમના ઘરને અજવાળાનો આભડછેટ. આજે કહી શકું કે ત્યાં રહેતી બિલાડી સ્ટીવન કિંગની નવલકથા ‘પેટ સિમેટરી’નું સ્મરણ અપાવતી. એય અમારા કોમળ હૈયામાં એના નહોરથી બીકનાં બખિયાં ભરતી. દાંતિયાં કરતી. નરસિંહ ટેકરીમાં અમારા દિવસો ભરાતા જતા હતા. અને છેલ્લે છેલ્લે અમારા એક મિત્રને પેશાબ કરવા જતાં સમયે ખોંખારો ન ખાતાં વળગાડ લાગેલો એવી વાત કાને પડેલી. માંડ એનો છુટકારો થયેલો. મનેય નરસિંહ ટેકરીની કપોળકલ્પિત કથાઓનો વળગાડ છે. સપનામાં આવે છે. ઊંઘમાંથી જગાડી મૂકે છે. પરસેવે રેબઝેબે હું ઊઠું છું અને પછી મરક મરક હસું છું.
✳ ✳ ✳
॥ વિવેચન ॥
મનીષા દવે
૧.
વિનોદ જોશી કૃત સૈરન્ધ્રી વિશે ગુજરાતી સાહિત્યમાં, ખાસ તો સમૂહ માધ્યમોમાં અને સાહિત્યના કાર્યક્રમોમાં ઘણા સમયથી જે પ્રશંસાત્મક ચર્ચાઓ ચાલે છે તે પરથી જેણે આ કૃતિ વાંચી નથી તેવા સરેરાશ સાહિત્યભાવકને એમ જ લાગે કે આ એક અભૂતપૂર્વ રચના છે. કવિએ સ્વયં અનેક સ્થાને એનાં પઠનો કર્યાં છે. ગુજરાતી ભાષા–સાહિત્યના અધ્યાપકોએ કરંડિયા ભરીને એનાં વખાણ કર્યાં છે. આ પ્રબંધકાવ્ય-કવિ પોતે એને આ સંજ્ઞાથી ઓળખાવે છે-ભારતની અન્ય એક કરતાં વધુ ભાષાઓમાં પણ અનુવાદિત થઈ રહ્યું છે. આ નિમિત્તે એવો પ્રશ્ન થવો જોઈએ કે ખરેખર સૈરન્ધ્રી ગુજરાતી સાહિત્યનું પ્રતિનિધિત્વ કરી શકે એવી સક્ષમ કૃતિ છે ખરી? અથવા જેટલી પ્રશંસા આ કૃતિની થઈ છે તેને અનુરૂપ એનું રચનાવિધાન છે ખરું? નામ પરથી સ્પષ્ટ છે તેમ આ કૃતિ દ્રૌપદીએ ગુપ્તવાસ દરમ્યાન રાખેલા છદ્મનામ સાથે કોઈ રીતે સંબંધિત છે. તો પુરાકથાના વિનિયોગની રીતે આ કાવ્ય કશી નવી ઊંચાઈઓ સિદ્ધ કરે છે ખરી? આ વિશે છેલ્લાં ત્રણ વર્ષના અભ્યાસને પરિણામે અને કૃતિના સૂક્ષ્મ વાચનને પરિણામે મારો ઉત્તર સ્પષ્ટ ના છે. સાહિત્યિક દૃષ્ટિએ સૈરન્ધ્રી એમની પૂર્વે રચાયેલી શિખંડી જેવી, બલકે એ કરતાંયે વધારે નબળી કૃતિ છે. એની સમગ્રલક્ષી તપાસ મેં મારા સુદીર્ઘ લેખમાં વિસ્તારપૂર્વક કરી છે. અહીં હું કેટલાક મુદ્દાઓ લઈ મારી વાત ટૂંકમાં મૂકીશ. શબ્દોનું કંટાળાજનક પુનરાવર્તન; શિથિલ વાકયરચના; એકસૂરિલી અને એથી પાત્રાનુસારી ભાષાનો અભાવ; કાનને વાગે એવી અસ્વાભાવિક પદાવલિ અને અને એવા જ દીર્ઘ વાક્યખંડો, વગેરે સાહિત્યગત એની અનેક મર્યાદાઓ છે. કવિનો દાવો દ્રૌપદીના ‘નિજત્વ’ને આલેખવાનો છે અને આ શબ્દ એનો રસકસ નીકળી જાય એમ ૮૦ વાર પ્રયોજાયો છે! ‘પુરુષમાત્રની અધિકારી’ આ પંક્તિ ૪ વાર પ્રયોજાઈ છે. કૃતિની ભાષા વિશે વાત કરીએ તો કવિની એવી માન્યતા જણાય છે કે તત્સમ પદાવલિથી પાત્ર સજીવન થાય. પાત્રને જીવંત કરવામાં બીજી આવશ્યક બાબતો પર ભાગ્યે જ ધ્યાન અપાયું છે. જેમ કે, પાત્રની બદલાતી મન:સ્થિતિ અનુસાર કે બદલાયેલી ભૂમિકાના સંદર્ભે ભાવદશામાં પણ પરિવર્તન દેખાવું જોઈએ પણ એનો સર્વત્ર અભાવ છે. પાત્રના કથનવર્ણન કરતાં પાત્રના ભાવનિવેદનની રીતિ જુદી હોવી જોઈએ જે અહીં નથી. કથક, દ્રૌપદી, અને સુદેષ્ણાની ત્રણ જુદાં પાત્ર છે માટે એમની શબ્દાવલિ, વાક્યવિન્યાસ, બોલવાની ઢબછબ ભિન્ન હોવી જોઈએ. પણ અહીં એને સ્થાને એક જ પ્રકારની બીબાંઢાળ ભાષા પ્રયોજાઈ છે. વળી, બોલચાલની છટા તો છે જ નહીં, જે છે તેમાં નરી ગદ્યાળુતા છે. ભાવસૃષ્ટિની સંકુલતાનો લાભ કવિ લેવામાં પણ નિષ્ફળ નીવડ્યા છે. એમની કૃતિ ‘શિખંડી’ સંસ્કૃતપ્રચુર અક્ષરમેળ છંદોથી વણસી ગયેલી એ પૂર્વાનુભવને યાદ રાખી એમણે સૈરન્ધ્રી માત્રમેળ દોહરા–ચોપાઈમાં લખી છે, પણ પરિણામ એકસમાન જ આવ્યું છે.
૨.
મારો હેતુ અહીં કવિએ દ્રૌપદીની મૂળ કથાને સાવ જ ચાતરીને સામા છેડે જઈ જે મનઘડંત અને વિકૃત આલેખન કર્યું છે એ વિશે થોડી સભાનતા લાવવાનો છે. આ ‘સભાનતા’ શબ્દ હું સભાનતાથી યોજું છું. કેમ કે, કેટલાયે મિત્રોએ અને વાચકોએ કબૂલ કર્યું કે એમણે કૃતિ વાંચી નથી અને કહ્યું કે કૃતિ સારી છે એમ કહેવાય છે તો અમે પણ કહ્યું કે આ ઉત્તમ કૃતિ છે. કેટલાક એવા છે જેમણે કૃતિ વાંચી નથી, પણ એનું કાવ્યપઠન સાંભળ્યું છે અથવા એની ભજવણી જોઈ છે. અને એનાથી પ્રભાવિત થઈ પોતાના અભિપ્રાય આપ્યા છે. એ જાણીતું છે કે કાવ્યપાઠ સાંભળતી વખતે પાઠકનો અવાજ, એનું ભાવવાહી પઠન, અને ઉપસ્થિત લોકોના વર્તન સાથે તાદાત્મ્ય સાધવાની આપણી માનસિકતા (મૉબ સાઇકૉલજી), વગેરે પણ આપણા ભાવને અને પ્રતિભાવને પ્રભાવિત કરે છે. જે ગઝલ વાંચવાથી સાવ સામાન્ય લાગે હોય તે જ્યારે જગજિતસિંહ કે મનહર ઉધાશ ગાય ત્યારે કે એવું જ સરેરાશ લાગેલું ગીત જ્યારે અમર ભટ્ટ ગાય ત્યારે તરત આપણે એના પ્રભાવમાં આવીએ છીએ એ એક સામાન્ય અનુભવ છે. મુશાયરામાં એટલે જ સાવ સામાન્ય શેર કે ગઝલ વન્સમોર ઉઘરાવે છે. પણ કોઈ કૃતિનો નિકષ આવું જાહેર સભારંજની પઠન નથી હોતું. એ તો વારંવારના સૂક્ષ્મ વાચન ઉપર જ આધાર રાખે. કૃતિને એક જ વાર સાંભળવાથી એને પામી ચૂકેલા વિદ્વાનોએ એ કૃતિને ઉત્તમ હોવાનું પ્રમાણપત્ર આપ્યું છે એમને મારાં વંદન, પણ કોઈ કૃતિને સમજવાની, એના મૂલ્યાંકનની, મારી તાલીમ, અભ્યાસરીતિ, અને સમજ જુદી છે.
૩.
રામાયણ–મહાભારત–પુરાણ, ઇત્યાદિનો આધાર લઈને પ્રાચીનકાળથી સાહિત્ય રચાતું આવ્યું છે. સર્જક જ્યારે આ પ્રકારે વિખ્યાત કથાનકની સામગ્રીનો પોતાની કૃતિમાં વિનિયોગ કરતો હોય ત્યારે મૂળ કથાનાં પ્રખ્યાત અંશો જળવાય એ રીતે એનું આલેખન કરે એ આવશ્યક છે. એનો અર્થ એવો નથી કે સર્જક એમાં કોઈ પરિવર્તન ન કરી શકે. સર્જક એમાં પોતાનાં સંવેદનો દાખલ કરતા હોય છે અને એ રીતે એ કથાનકોનું વર્તમાન સાથેનું અનુસંધાન રચી આપતા હોય છે. આવી કથામાં રહસ્ય કે આકર્ષણ રહેલું હોય છે જે સર્જક જુએ છે. આવી રચના કરવા પાછળ કવિની જીવનદૃષ્ટિ હોય છે. જેમ કે, કાલિદાસે અભિજ્ઞાનશાકુંતલમાં, ભવભૂતિએ ઉત્તરરામચરિતમાં અને પ્રેમાનંદે એમનાં આખ્યાનોમાં નવાં અર્થઘટનો દાખલ કર્યાં છે. ગુજરાતીમાં કાન્તે ‘વસન્તવિજય’માં, સિતાંશુ યશશ્ચંદ્રએ ‘જટાયુ’માં, અને ચિનુ મોદીએ ‘બાહુક’માં આવા નવોન્મેષ બતાવ્યા છે. અર્થાત્, કવિ મૂળ કથામાં ફેરફાર કરી જ શકે. પ્રશ્ન એટલે એ નથી, પણ સર્જક પાત્રના ગૌરવનો ભંગ થાય એવું, અત્યંત વિકૃત, મનોરુગ્ણતાની અને એકોન્માદ(મોનોમેનિયા)ની હદે જતું પાત્રાલેખન કરી શકે કે કેમ એ સવાલ છે. કવિ અગાઉ પણ આવું કરી ચૂક્યા છે. શિખંડીમાં શરશય્યા પર સૂતેલા મરણાસન્ન ભીષ્મને મળવા શિખંડી જાય છે ત્યારે ભીષ્મ ગત જન્મની અંબા અને વર્તમાને શિખંડી પ્રત્યે પ્રેમભાવ અને આકર્ષણ અનુભવે છે એમ કવિ નીરૂપે છે. ભીષ્મ શિખંડી સામે ‘એકરાર’ કરે છે કે, ‘અતિશય તુજને મેં ચાહી’તી રોમે રોમ’! આવું કહેવા માટે કોઈ જ આધાર નથી. આજીવન બ્રહ્મચર્ય પાળવાની પ્રતિજ્ઞા લીધી હોવાને કારણે જે દેવવ્રત ગાંગેય ‘ભીષ્મ’ તરીકે ખ્યાત થયા એ પાત્રનું આવું ચિત્રણ વાજબી રીતે જ ટીકાપાત્ર બન્યું હતું. પ્રસ્તુત કૃતિમાં તેઓ આવા નિરાધાર અને પાત્રને સર્વથા અન્યાયકર્તા નિરૂપણમાં એનાથી પણ આગળ વધ્યા છે. કેવી રીતે એ જોઈએ.
૪.
પ્રસ્તુત કાવ્ય મહાભારતના વિરાટપર્વના ઉપપર્વ વૈરાટપર્વ અને કીચકવધપર્વમાં આવતા સૈરન્ધ્રીના પાત્ર પરથી લખાયું છે. કુલ સાત સર્ગમાં વિભક્ત આ કૃતિના દરેક સર્ગમાં સાત ખંડ છે. વળી, આ દરેક ખંડ પુન: દસ ચતુષ્કમાં વિભાજિત છે. એટલે ૪૯૦ ચતુષ્કોમાં પથરાયેલી આ કૃતિ દેખીતી રીતે જ પ્રલંબ છે. મહાભારતનો તાંતણો અહીં છે પણ કવિએ જે કથા માંડી છે તે સર્વથા કાલ્પનિક છે. નામનું અને પ્રસંગનું માત્ર ઉપરછલ્લું સામ્ય છે. મૂળ કથા એવી છે કે દુર્યોધન સામે દ્યૂત રમીને પરાજિત થયેલા પાંડવોને રમતની શરત અનુસાર છેલ્લું વર્ષ ગુપ્તવાસમાં વિતાવવાનું છે. આ ગુપ્તવાસ દરમ્યાન જો એમની ઓળખ છતી થઈ જાય તો એમણે ફરી વનવાસ સ્વીકારવાનો એવી પણ બીજી શરત છે. આ માટે પાંડવો ગુપ્ત રીતે વૈરાટનગરમાં આવી પોતાની કાર્યકુશળતા પ્રમાણે વ્યવસાય સ્વીકારીને રહે છે. દ્રૌપદી રાણી સુદેષ્ણા પાસે સૈરન્ધ્રી તરીકે રહે છે. સૈરન્ધ્રી દાસીનો એક પ્રકાર છે. આ ગુપ્તવાસનાં દસ માસ પૂરાં થયાં ત્યારે રાણીનો ભાઈ કીચક સૈરન્ધ્રીને જુએ છે, એના અલૌકિક સૌંદર્યથી લુબ્ધ થાય છે, અને એને પામવા માટે પ્રયત્નો કરે છે. દ્રૌપદીને આ દેખીતી રીતે જ સર્વથા અસુખકર છે. એટલે જ સુદેષ્ણા જ્યારે એને પેય લાવવાના બહાને કીચકને ત્યાં જવા આદેશ આપે છે ત્યારે એ સ્પષ્ટ ના પાડે છે. જ્યારે જવું જ પડે છે ત્યારે એ ભગવાન સૂર્યને પોતાની રક્ષા કરવા વિનંતી કરે છે. એ કહે છે, ‘જો મેં મનથી કદી પાંડવો સિવાય બીજા કોઈનો પણ વિચાર ન કર્યો હોય તો આ કીચક મારી ઉપર કોઈ અધિકાર ન જમાવી શકે’ (૪.૧૪.૧૮). કીચક ત્યાં એનો હાથ પકડે છે ત્યારે અગ્નિશિખા દ્રૌપદી એને જમીન પર પછાડી, ભાગીને રાજસભામાં આશ્રય લે છે. કીચક એની પાછળ દોડી, વિરાટ રાજાની ભરી સભામાં એને લાત મારે છે. રાજસભામાં આવા દુષ્કૃત્ય બદલ કીચકને ઠપકો મળે છે અને અપમાનિત દ્રૌપદી પુન: સુદેષ્ણા પાસે આવે છે. મહાભારતકાર લખે છે, જ્યારથી કીચક દ્વારા પ્રહાર થયો (અથવા અપમાનિત થઈ) ત્યારથી દ્રૌપદી એના વધની ઇચ્છા કરવા લાગી (૪.૧૬.૧). એ રાત્રે જ એ ભીમ પાસે જઈ એને ઠપકો આપી કહે છે કે ‘ભીમસેન! આમ મડદાની જેમ સૂઈ શું રહ્યા છો? તમારા જેવાના હોવા છતાં તમારી પત્નીને સ્પર્શ કરનાર પાપી કેવી રીતે હજુયે જીવિત રહી શકે? એ વધયોગ્ય (વધાર્હ) દુષ્ટપાપી રોજ મને ‘તું મારી પત્ની થા’ એમ કહે છે ત્યારે પાકેલા ફળની જેમ મારું હૃદય ફાટી પડે છે’ (૪.૧૭.૮–૯). એ કહે છે ‘જેમ પથ્થર પર અફાડીને માટલું ફોડી નખાય તેમ તમે એ કામાંધ પાપીનો વધ કરો’ (૪.૨૦.૩૨). એ તો છેવટે ત્યાં સુધી કહે છે કે, ‘એના જીવતેજીવ જો કાલે સૂર્યોદય થાય તો એના હાથમાં પડવા કરતાં હું ઝેર ઘોળીશ’ (૪.૨૦.૩૩). એટલે ભીમ પોતે એનો કાલે જ એ પાપીનો વધ કરશે એમ સાંત્વના આપી એને નૃત્યશાળામાં બોલાવી લાવવા દ્રૌપદીને કહે છે. દ્રૌપદીના કહેવાથી કીચક રાત્રે નૃત્યશાળામાં જાય છે ત્યાં પહેલેથી છુપાઈ રહેલો ભીમ એનો વધ કરે છે. મહાભારતની કથા આ છે. જે ‘અશ્વત્થામા હણાયો’ એવું અર્ધસત્ય અને ‘હાથી કે નર એ ખબર નથી’ એ અસત્ય સિવાય સર્વથા સત્ય જ બોલ્યા છે તે ધર્મરાજ યુધિષ્ઠિર દ્રૌપદીને કહે છે કે, ‘તું પાપને ઓળખતી નથી, સાધ્વી છે અને સાધ્વીચરિત કાર્યોમાં નિમગ્ન રહે છે’ (૪.૩.૧૯). દ્રૌપદી પોતે પણ કહે છે કે ‘કોઈ પણ મને મારા સતીત્વથી વિચલિત કરી શકે નહીં’ (૪.૮.૩૧).
૫.
હવે આપણા કવિ આ દ્રૌપદી વિશે શું માને છે તે જોઈએ. કવિ લખે છે, ‘પતિસુખ વંચિત વિરહીવામા, / પુરુષ વિના બહુ સહે ઉધામા’. અને એથી ‘પાંચ પાંચ પતિ નિકટ’ હોવા છતાં એમને ‘કેવળ નીરખવાના’ હોવાથી એને પોતાનું ‘ભાર્યાપદ ભટકતું’ અને ‘દેહ અકારણ તપસ્યા’ કરે છે એમ લાગે છે! રાજા સાથે સમાગમ ઇચ્છતી સુદેષ્ણાને શણગારી સૈરન્ધ્રી પરત જાય છે ત્યારે કવિ એના મનમાં આ વિચારો મૂકે છે : ‘હું પણ સ્ત્રી શતરૂપા સુંદર / હું પણ પામું પુરુષ નિરંતર / ચુંબિત મર્દિત સુરભિત કાયા, / શ્વસન ઉષ્ણ, મસૃણની માયા; / મન્મથ ફુલ્લપ્રફુલ્લ વિલાસી / હું પણ સહજ સંગ અભિલાષી / હું સૈરન્ધ્રી, કેવળ દાસી / પહેર્યો પરિચય, પણ આભાસી; / અવગુંઠિત પાંડવપટરાણી / દ્રુપદસુતા, પણ હું અણજાણી / હું પણ સ્ત્રી, હું સુંદર શ્યામા, / તન્વી સુભગ સુવક્ષા વામા / નામઠામથી પર હું નારી, પુરુષમાત્રની અધિકારી’. એટલે કવિના મતે કોઈ સ્ત્રી જ્યારે ‘નામઠામથી પર’ થાય, એટલે કે પોતાનો ‘આભાસી’ પરિચય ફગાવી દે, ત્યારે એ એનું ખરું સ્ત્રીત્વ પ્રગટ થાય; ‘સ્ત્રીત્વ’ એટલે સ્ત્રી ‘પુરુષમાત્રની અધિકારી’ બને એ. નોંધો: આ કે તે પુરુષ નહીં, પોતાને મનગમતો પુરુષ પણ નહીં, કોઈ પણ પુરુષ! દુર્ભાગ્યથી બનેલી કોઈ રૂપજીવિની પણ જે ન વિચારે તેવા વિચારોનું આરોપણ કવિએ આપણી પાંચ સતીઓમાંની એક દ્રૌપદીમાં કર્યું છે. ‘પાંચ પાંચ પતિ નિકટ’ હોવા છતાં ‘પતિસુખ વંચિત વિરહીવામા’ એવી દ્રૌપદીની સમાગમેચ્છાને કદાચ સ્વાભાવિક ગણીએ. પણ આ સ્થિતિમાં મુકાયેલી દ્રૌપદી રતિસુખ સંદર્ભે પાંડુપુત્રોને નહીં પણ કૌરવોની ભરી સભામાં પોતે રજસ્વલા હોવા છતાં એનાં વસ્ત્રો ઉતારવાનું પાપકર્મ કરનારા સાથે બેઠેલા કર્ણને યાદ કરે છે! ‘સહસા ત્યાં મનોમન જોયો / પુરુષ એકદા જેને ખોયો / મત્સ્યવેધથી વંચિત રાખ્યો / કિન્તુ નેત્રથી નખશિખ ચાહ્યો’. સ્વયંવરમાં પ્રથમવાર કર્ણને જુએ છે ત્યારની એની મન:સ્થિતિ કવિએ આ રીતે આલેખી છે, જુઓ: ‘વક્ષ વિશાળ ભુજા બળશાળી. તત્ક્ષણ મોહિત થઈ પાંચાલી / પાંચાલી નખશિખ થઈ થરકી / અંગઅંગ હવે છલકાયો / તીવ્ર સતાવે અતુલિત તૃષ્ણા / હું કેવળ ભર્તાની ભુક્તા. / હું અંગાગ તરંગિત સ્પંદિત’. અહીં જે ‘હું કેવળ ભર્તાની ભુક્તા’ છે તે જ દ્રૌપદી અન્યત્ર પોતાને કોઈ પણ પુરુષ સાથે કલ્પે—‘પુરુષમાત્રની અધિકારી’—એમાં રહેલો વ્યાઘાત કવિના ધ્યાનબહાર ગયો છે. કર્ણ મત્સ્યવેધ નહીં કરી શકે એ જાણ્યા પછીનો દ્રૌપદીનો પ્રત્યાઘાત જુઓ: ‘વચન સુણી ભ્રાતાનાં વસમાં / સળગી પાંચાલી નસનસમાં / પડી તિરાડો ચિત્તફલકમાં / રહી વિચારી વ્યાકુળ કૃષ્ણા: / તીવ્ર સતાવે અતુલિત તૃષ્ણા / પ્રથમ પુરુષ જે ચાહ્યો મનમાં; / હવે નહીં પામું જીવનમાં.’ કવિને આ કહેવા માટે કશો આધાર નથી, બલકે આપણે જે કથા જાણીએ છીએ તેનાથી આ સાવ વિરુદ્ધનું છે. જે દ્રૌપદી મહાભારતમાં એમ કહે છે કે મેં પાંડવો સિવાય બીજા કોઈનો વિચાર સુધ્ધાં નથી કર્યો તેના મનમાં આવા પરપુરુષના હલકા વિચારો દાખલ કરવામાં જ કવિને સૈરન્ધ્રીનું ‘નિજત્વ’ દેખાયું છે.
૬.
હવે કીચક વિશે. પરત ફરેલી કામસંતૃપ્ત સુદેષ્ણાને જોઈને સૈરન્ધ્રી પોતાને ભ્રમરરહિત કમળ જેવી અનુભવે છે. સૈરન્ધ્રીને વધુ કામવિહ્વળ બનાવવા કવિએ સુદેષ્ણાને લાવી મૂકી છે. એ પણ અનંગનો જ ઉત્સવ કરતી હોય એમ ચિતરાઈ છે : ‘હે દાસી ! હે સુંદરી ! જીવન છે ઉપહાર, / એકાંગી ! અળખામણો, પુરુષ વિના સંસાર. કર કાયાની કુંજમાં, ઉત્સવ અનરાધાર’. ‘સુણ, હે દાસી! / અનુભવ ઉત્તમ કર્યો વિલાસી! / કેવળ સંગે સ્ત્રીપદ રાખ્યું / ભાર્યારૂપ વિદારી નાખ્યું. / ઓળખ સકળ ફગાવી દીધી / માત્ર પુરુષની વ્યાખ્યા કીધી. પુરુષ વિના સ્ત્રીને પોતાનો સંસાર એકાંગી અને અળખામણો લાગે એ કદાચ સ્વાભાવિક છે. પણ જે અગત્યની વાત રતિરાગના આલેખનમાં રમમાણ કવિના ધ્યાનમાં આવી જ નથી તે એ છે કે કોઈ પણ સ્ત્રીને પોતાનો સંસાર એકાંગી અને અળખામણો પોતાના પુરુષ વિના લાગે છે. પોતાના પુરુષ સિવાયના પુરુષ એને માટે અપ્રસ્તુત હોય છે. એ પણ નોંધીએ કે સુદેષ્ણા સૈરન્ધ્રીને જે જ્ઞાન આપે છે કે ‘કેવળ સંગે સ્ત્રીપદ રાખ્યું / ભાર્યારૂપ વિદારી નાખ્યું. / ઓળખ સકળ ફગાવી દીધી / માત્ર પુરુષની વ્યાખ્યા કીધી’ એ વ્યર્થ એટલા માટે છે કે એ કોઈ પુરુષને નહીં એના પોતાના પુરુષને મળીને આવી છે! કહેવાની જરૂર નથી કે ‘પત્નીપણું ફગાવી દઈ કોઈ પણ પુરુષ સાથે ફાગ ખેલવો જોઈએ’ એ ‘જ્ઞાન’ કવિ તાણીતૂસીને, કૃતક રીતે લાવ્યા છે. સુદેષ્ણાને મન પણ ‘સ્ત્રીપદ’નો અર્થ કામવાસનાથી વિશેષ નથી! એનું કારણ સાદું છે : બન્નેની મન:સ્થિતિનું આલેખન, ફ્રોયડનો શબ્દ પ્રયોજીએ તો, કવિના phantasyingને આધારે થયું છે. આની સામે ‘રેવન્યૂ સ્ટેમ્પ’માં અમૃતા પ્રીતમ જે ત્રણ પ્રસંગો મૂકે છે તે સરખાવીએ. આ ત્રણે પ્રસંગના સંદર્ભે એ લખે છે કે એ સમે હું માત્ર સ્ત્રી હતી, કેવળ સ્ત્રી. કવિના ચવાઈને ચુથ્થો થઈ ગયેલા શબ્દોમાં કહીએ તો અમૃતાનું સ્ત્રી તરીકેનું ‘નિજત્વ’ એ ત્રણ પ્રસંગે પ્રગટ થયું. એના દીકરાનો ફોન આવે છે કે હું સુરક્ષિત છું ત્યારે, જ્યારે ઇમરોઝ ચિત્ર કરતાં કરતાં પીંછીથી એના કપાળે ચાંદલો કરી આપે છે ત્યારે, અને ત્રીજું જ્યારે એ સાહિરની નાદુરસ્તીમાં એની છાતીએ વિક્સ ચોળી આપે છે ત્યારે. પણ કવિ માટે સ્ત્રીનું ‘નિજત્વ’ કોઈ પણ પુરુષ સાથે શારીરિક સુખ ભોગવવામાં જ છે. સુદેષ્ણા સાથે વાત કરતી વખતે જ દ્રૌપદી કીચકને પ્રથમવાર જુએ છે. મહાભારતમાં કીચક દ્રૌપદીને જુએ છે, પણ અહીં બેઉ એકમેકને જુએ છે, બલકે એમની વચ્ચે તારામૈત્રક રચાય છે. આ ફેરફાર નાનો છે પણ એના ઇંગિતો સમજાય તેવા છે. કવિની દ્રૌપદી પુરુષભૂખી છે ને એનાં નેત્રો સતત પુરુષોની તપાસમાં છે! કવિ લખે છે, ‘દૃષ્ટોદૃષ્ટ મળ્યાં નરનારી’ ‘કરી નિવેદન બાંધવ [કીચક] ચાલ્યો / નયન થકી દાસીએ [સૈરન્ધ્રીએ] ઝાલ્યો; / ઉત્તરરૂપે મલકયો આછું, / ગયો પુન: નિરખીને પાછું’. હવે આની સૈરન્ધ્રી પર કવિએ કલ્પેલી અસર જોઈએ. ‘સૈરન્ધ્રી રંગાઈ અનંગે, / છાલક વાગી અંગે અંગે, / તરત ખસેડયાં સર્વ વિશેષણ, / કર્યું એક સ્ત્રીનું અન્વેષણ. / કોણ દ્રૌપદી, દ્રુપદદુલારી? / કોણ યાજ્ઞસેની, અવતારી? / કોણ પાંચ પાંડવની ભાર્યા? / કોણે છળ દાસીનાં ધાર્યાં / એક હતી એ સહુમાં નારી, / પ્રગટ થઈ સહસા અણધારી; / હતી સર્વથી સાવ જ અળગી / જન્મજાત જે નિજને વળગી. / દાસીરૂપ જડાયું મનમાં / છલછલ નારી છલકે તનમાં; / ખળભળ થાય નિરંતર કાયા, / પડે તોય ઉજ્જડ પડછાયા પુરુષ ગયો દૃષ્ટિ દઈ, સમજી એનો સાર / મનમાં દાસી ચિંતવે, આ કેવો અભિસાર. સ્વત્વ–નિજત્વ–નારીત્વ વિશે વિચારતી આ નારી કેવી અવસ્થાને પ્રાપ્ત થઈ છે? ‘વિચલિત ભાસે વ્યાકુળ હરણી, /મંદ સુગંધ સમું મદમાતું, / ચંચળ મન મધુમય મલકાતું / ઝંખે ગાત્ર સકળ ઓગળવા / અવળ ચિત્ત લાગ્યું ટળવળવા / હળવાથી અતિ હળવી કાયા / મઘમઘ મંજુલ સ્વેદ સવાયા; / નેત્ર નિમલિત ઘેન ગભીરા, / શ્વસન ગુંજતા હોય અધીરાં. / મસૃણ રાત રહે કચડાતી, / તિમિર કઠોર તળે વળ ખાતી; / ટપકે સમય સુઘટ્ટ સુહાતો, / શુષ્ક કપ રસભર છલકાતો. / અંગે રંગ વસંત વિલસતા, / છાઈ રહે મદભર અલસતા; / શબ્દો સર્વ સરે ઉદ્ગારે, / વ્યક્ત થાય સઘળું ધબકારે. / કોણ શકે આપી આ પળને? / ઢાંકે કોણ છકેલા છળને?. . . છેવટ તનના ત્રાજવે, તોળ્યાં સહુ સંતાપ / પ્રગટ–અપ્રગટની રમતથી, કીધી અળગી જાત, / કીચક બેઠો કાળજે, છેડી ઉલ્કાપાત. ક્યાં કીચકને ધુત્કારતી મહાભારતની દ્રૌપદી અને ક્યાં એવા સાવ લંપટ પુરુષને કાળજે બેસાડતી જોશીની દ્રૌપદી! જે સૈરન્ધ્રી મહાભારતમાં કીચક જેવા નિર્લજ્જ (મહાભારતમાં દ્રૌપદીના મુખે જ એને માટે ‘નિરપત્રપ’ શબ્દ પ્રયોજાયો છે) અને દુરાચારી પુરુષથી ત્રાસેલી બતાવાઈ છે તે દ્રૌપદી જોશીની કલમે કીચકને જોયા પછી સ્વપ્નલોકમાં કીચકને માણે છે! પણ માત્ર કીચકથી સૈરન્ધ્રીને સંતોષ થાય એ કવિને બહુ રુચતું લાગતું નથી એટલે એ સાથે કર્ણને પણ ઉમેરી લે છે. એ કર્ણ સાથે પણ સ્વપ્નમાં સમાગમ કરે છે, એટલું જ નહીં આ ખરેખર ભવિષ્યમાં આવો સમાગમ શક્ય બનશે એમ પણ માને છે : ‘સ્મરે સ્વપ્નમાં કીધી રમણા; / કોઈ ન પૂછે, કોઈ ન જાણે, / મનની માયા મનમાં માણે. અટકી પડતી અટકળ સઘળી, / પળ બે પળ જે મનમાં ચગળી. / આજ નહીં તો કાલે મળશે, / ક્ષણભંગુર ઇચ્છા પણ ફળશે’. કવિ પોતાના રતિરાગમાં પોતે એટલા વહી ગયા છે કે કીચક જેવા માટે ‘અચ્યુત’ વિશેષણ વાપરી બેસે છે!
૭.
દ્યુત હાર્યા પછી સભામાં થયેલા વસ્ત્રાહરણ વિશે, વનવાસમાં જયદ્રથ દ્વારા કરાયેલા અપહરણ વિશે, અને કીચક દ્વારા વૈરાટસભામાં અવમાનના વિશે—આ ત્રણેય વિશે દ્રૌપદી જે દઝાડતી દલીલો કરે છે, પાંડવો સમેત ભીષ્મસહિત અન્ય કુરુવડીલોને અને વિરાટને જે ઉપાલંભ આપે છે તેમાં એનું તેજસ્વી વ્યક્તિત્વ પ્રગટ થાય છે. ભીમને ફરિયાદ કરતી વખતે તો એ ક્રોધાવેશમાં ધર્મરાજ યુધિષ્ઠિર માટે ‘એ પેલો જુગારી’ એવું સંબોધન કરે છે. તેજથી લખલખતી અગ્નિશિખા સમી દ્રૌપદીનું ગૌરવ મહાભારતકારે તો બરાબર સાચવ્યું છે પણ એકવીસમી સદીમાં કવિ એને કામવાસનાનું એક રમકડું બનાવીને જંપે છે. કવિનો દાવો સૈરન્ધ્રીના નિજત્વને અને સ્ત્રીત્વને આલેખવાનો છે. પણ એમણે જે રીતે આ આખી વાત મૂકી છે તે જોતાં લાગે છે કે કવિના મતે સ્ત્રીનું નિજત્વ અને સ્ત્રીત્વ કામેચ્છા કોઈ પણ ઠેકાણેથી સંતોષાય તેનાથી વિશેષ નથી. કવિનો એવો મત લાગે છે કે સ્ત્રીત્વ એટલે કામવાસના અને સ્ત્રીનું સ્વાતંય એટલે કોઈ પણ સ્થળેથી કામપૂર્તિ કરવાની છૂટ! જુઓ : ‘હું પણ પામું પુરુષ નિરંતર’/ સહજ સંગ અભિસારી/ પુરુષમાત્રની હું અધિકારી’. સૈરન્ધ્રીમાં કવિની અન્ય રચનાઓની જેમ વાસના અને દેહનો જ મહિમા કરાયો છે, અને એ પણ સાવ બૂઠ્ઠી અને ભદ્દી રીતે. વાસનાનું આવું, ફરી કહું તો, બુઠ્ઠું અને ભદ્દું આલેખન કહેવાતી મુખ્ય ધારાના સાહિત્યમાં ભાગ્યે બીજે જોવા મળે. જોશીએ સૈરન્ધ્રી માટે ‘દાસી’ શબ્દનો ૩૬ વાર, ‘અબળા’ શબ્દનો ૧૮ વાર, અને સ્ત્રીનો ‘વસ્તુ’ તરીકે ૮ વખત ઉલ્લેખ કર્યો છે. એની સામે ‘પુરુષ’ શબ્દ કાવ્યમાં ૩૮ વખત પ્રયોજાયો છે! એ સાવ આકસ્મિક નથી જ કે ૧૭૦ પૃષ્ઠમાં ફેલાયેલી આ કૃતિમાં ગણીને એક જ વાર ‘પ્રેમ’ શબ્દ પૃ. ૧૪૭ પર પ્રયોજાયો છે. કાવ્યના ફ્રોયડશાઈ વાચન માટે પણ અહીં ભરપૂર અવકાશ છે.
૮.
આ કૃતિનો બચાવ શૃંગારરસના આલેખનના નામે અને સર્જકતાના બહાના હેઠળ કરાયો છે. એ વિશે થોડું જોઈએ. કૃતિમાં આલેખાયેલા કથિત શૃંગારભાવ વિશે થોડી ચર્ચા થઈ છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં રસાભાસની વિશદ મીમાંસા કરવામાં આવી છે. જ્યાં જે ભાવ હોવાનું કલ્પવામાં આવે તે પરિસ્થિતિ સામાજિક દૃષ્ટિએ અસ્વીકાર્ય હોય ત્યાં રસાભાસ જન્મે. જેમ કે, સીતાને જોઈ રાવણને આકર્ષણ જન્મે તો એમાં આપણને એમાં શૃંગારરસ ન જ અનુભવાય. કોઈ ફિલ્મમાં શક્તિ કપૂર નાયિકાને જોઈ ચેનચાળા કરતો હોય તો એમાં આપણને શૃંગાર દેખાતો નથી. આ કૃતિમાં પણ દ્રૌપદી જેવા ઉદાત્ત અને દિવ્ય પાત્ર સંદર્ભે કવિએ જે સર્વથા અનુચિત કલ્પના માંડી છે તેમાં કોઈને શૃંગાર દેખાતો હોય તો તે બાળરતિ(પીડોફીલિયા)માં શૃંગારરસ જોવા સમાન છે. સર્જકતાના નામે થયેલા બચાવને એક સમાંતર ઉદાહરણથી સ્પષ્ટ કરીએ. ગાંધીજી સત્યવક્તા અને ધર્માનુસાર આચરણ કરનારા મનુષ્ય હતા. હવે કોઈ ગાંધીજી ખરેખર અંદરખાને સાવ જૂઠાબોલા, કાયર, નાના લાભ માટે કાવાદાવા કરનાર, કહેલું ન કરનાર, વગેરે હતા એવું કોઈ ચિત્રણ કરે તો એનો સર્જકતાના નામે, કવિની સ્વતંત્રતાને નામે, અભિવ્યક્તિસ્વાતંયના નામે બચાવ થઈ શકે? ગાંધીજીના ચરિત્રહનનના આવા પ્રયત્નની ચોમેર સર્જકતાના નામે પ્રશંસા થાય તો એ કેટલા અંશે યોગ્ય કહેવાય એ સુજ્ઞ વાચકો વિચારે. ગાંધીજીનું નામ તો માત્ર ઉદાહરણ તરીકે છે. એમના સ્થાને ભગતસિંહ, સુભાષચંદ્ર, બુદ્ધ, મહાવીર, માર્ક્સ કે વાચક જેને પોતાની આરાધ્યમૂર્તિ ગણતો હોય તેવી બીજી કોઈ પણ વ્યક્તિને, પોતાનાં માતા કે પિતાને પણ મૂકીને, વિચારી જુએ. એ ઉપરથી દ્રૌપદીનું કરેલું આલેખન કેટલું બેજવાબદાર, બેહૂદું, વિકૃત, અને સર્વથા નિંદ્ય છે તે ખ્યાલ આવશે. સૈરન્ધ્રીની જગ્યાએ ‘સવિતા’ હોય તો પણ કર્ણ કે કીચક પ્રતિનું જે આકર્ષણ આલેખાયું છે એ અનુચિત જ છે. વસ્ત્રાહરણ પ્રસંગે કર્ણએ કરેલી કુચેષ્ટાઓ વિસરી જઈ દ્રૌપદી કર્ણમાં રમમાણ રહેવાનું કૃત્ય તો વિનોદ જોશીની દ્રૌપદી જ કરી શકે. વળી, પહેલી જ વાર કોઈ પુરુષને જોઈ એની સાથે સમાગમનાં સ્વપ્ન જોતી નાયિકા પણ વિનોદ જોશીની જ હોઈ શકે. કવિએ એમને પરિચિત સ્ત્રીઓ સાથે આ વિશે વાત કરી હોત કે ક્વોરા જેવા કોઈ પ્રશ્નોત્તરીના પ્લેટફોર્મ ઉપર પણ થોડી તપાસ કરી હોત તો સ્ત્રીવિષયક એમની આવી પાયાની ગેરસમજો ચોક્કસ દૂર થઈ હોત. સ્ત્રી અને પુરુષના આ બાબતના વિચારો એટલા જુદા છે, અને એ જગજાહેર છે, એટલે એમ માનવામાં બિલકુલ હરકત નથી કે કવિએ એમના પોતાના પુરુષવિચારો નાયિકામાં આરોપિત કરી દીધા છે. એટલા માટે જ દ્રૌપદીની કામવિહ્વળતાનું વર્ણન કવિ જાતે જ કરવા લાગી જાય છે. ખરેખર તો એ દ્રૌપદીના માધ્યમે, સ્વગતોક્તિ દ્વારા કે અન્યથા, આવવું જોઈતું હતું. એટલે શરૂઆતમાં જણાવ્યું તેમ એમનાં પાત્ર જીવંત બનવાને બદલે કેવળ કઠપૂતળી સમાન ભાસે છે. સૈરન્ધ્રી પુરાકથાના પુન:સર્જનની રીતે, કાવ્યત્વની દૃષ્ટિએ, અને ભાષાની અનુચિતતા, એમ ત્રણેય માપદંડ પર નિષ્ફળતાને વરતી કૃતિ છે. આટલી નબળી કૃતિની જે ભૂરીભૂરી પ્રશંસા થઈ છે તે ગુજરાતી વિવેચનમાં સર્જાયેલી કટોકટીનો અને વિવેચનમાં સાહિત્યેતર ધોરણોની પ્રધાનતાનો વાસ્તવિક આલેખ આપે છે.
ચિત્રલેખાઃ ૨૦૨૪
F.B.
॥ વિચાર॥
ત્રીજી શક્તિ
મેં કહ્યું કે આપણે સ્વતંત્ર લોકશક્તિ નિર્માણ કરવી જોઈએ. મારા કહેવાનો અર્થ એ છે કે આપણે હિંસાશક્તિની વિરોધી અને દંડશક્તિથી ભિન્ન એવી લોકશક્તિ પ્રગટ કરવી જોઈએ. આજની આપણી જે સરકાર છે એના હાથમાં આપણે દંડશક્તિ સોંપી દીધી છે. એ દંડશક્તિમાં હિંસાનો એક અંશ જરૂર હોય છે, તેમ છતાં આપણે એને હિંસા કહેવી નથી, હિંસાથી એને એક અલગ વર્ગમાં મૂકવા માગીએ છીએ. કારણ કે એ શક્તિ એમના આખા જનસમુદાયે સોંપી છે. એ હિંસાશક્તિ નહિ, નકરી હિંસક શક્તિ નહિ, પણ એ દંડશક્તિ છે. એ દંડશક્તિનો પણ ઉપયોગ કરવાનો મોકો ન આવે એવી પરિસ્થિતિ દેશમાં નિર્માણ કરવી તે આપણું કામ છે. આપણે એ કરીએ તો આપણે આપણો સ્વધર્મ ઓળખ્યો અને તેના પર અમલ કરી જાણ્યો કહેવાય. જો તેમ નહી કરીએ અને દંડશક્તિના ઉપયોગથી જ થઈ શકે તેવી જ સેવાનો લોભ રાખીશું, તો જે ખાસ કામની આપણી પાસે આશા રાખવામાં આવે છે તે કામ, અને તે આશા આપણે પૂરાં નહિ પાડી શકીએ. ઊલટો એવો સંભવ છે કે આપણે બોજારૂપ પણ સાબિત થઈએ.
- વિનોબા ‘ત્રીજી શક્તિ’માંથી
શિક્ષણને ખેતીના રૂપકથી સમજીએ તો બિયારણ સારાં ગ્રંથાલયમાંથી મળે છે. ત્યાંથી અધ્યાપક પોતાના ઘરે લઈ આવે છે. ઘરમાંથી પોતાની વાવણીનાં ઓજારો લઈને વર્ગખંડમાં આવે છે. એ વર્ગખંડ જ ખેતર છે. ત્યાં જે ઊગે એ જ સાચું અન્ન છે. અનાજ વખારમાં હોઈ શકે. વિવિધ સત્તાધીશો પાસે એવી વખારો હોય છે. એ વખારોમાંથી પણ ક્યારેય ગુણો ભરીને તૈયાર અનાજ શિક્ષણની સંસ્થાના અધિપતિઓ દ્વારા વર્ગખંડોમાં મોકલાય છે. સમાજ વત્સલ વિચારકોએ ભય કે લોભ વિના એ જોતા રહેવું જોઈએ કે પોતાની આસપાસની શાળા-કોલેજમાં જે વર્ગખંડો છે એમાં પોતાનું અનાજ ઊગે છે કે, ક્યાંકથી મોકલેલા અનાજના કોથળા ઠલવાય છે. વર્ગખંડમાં ગ્રંથપાલ, અધ્યાપક અને વિદ્યાર્થીઓ દ્વારા સહિયારી થતી ખેતી અટકી તો સમાજનું આવી બનવાનું. આ ત્રણેય વચ્ચે વિદ્યાનો ત્રિકોણ રચાય તો ઉત્તમ. ચોથો ખૂણો ન હોવો જોઈએ.
પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં નિર્ણાયાત્મક મુદ્દો અધ્યાપકો-શિક્ષકોની નિમણૂકનો છે. આ શાળાઓનું સંચાલન બજારના હાથમાં ગયું છે એના વેપારીઓ ક્યારેક નાના મોટા રાજકીય થાણાઓમાંથી આવે છે. દેખાતા હોય કે છૂપા હોય બધા જ વિદ્યાના વેપારીઓ બન્યાં છે. થોડા અપવાદો પણ ખરા. અધ્યાપકોની નિમણૂક એમની આવડત કે નિષ્ઠાના જોરે થતી નથી, પણ સંચાલકોની લાંબી આર્થિક ગણતરીના આધારે થાય છે. આ નહીં અટકે ત્યાં સુધી સાચા અધ્યાપકો શાળાઓમાં નહીં આવે. (સર્વવિદ્યાલય કડીઃ મુખપત્ર)- સિતાંશુ યશશ્ચંદ્ર
॥ કલાજગત ॥
હરીશ મીનાશ્રુ
જ્ઞાનવિજ્ઞાનનો કોઈપણ વિષય, એક સંકુલ મંજૂષા કે સંચય જેવો હોય છે. કોઈ કૂંચીથી કશું ખૂલે ખરું પણ એની સાથે જ બીજા ઘણાં બધાં બંધ ખાનાં જોવા મળે, જેની કૂંચી હજી શોધવાની હોય, ને શક્ય છે કે ચોરખાનું તો જડે જ નહીં! એટલે કળા કે જ્ઞાનની મીમાંસા કરનાર કબીર સાહેબની જેમ ખાતરીપૂર્વક એવું ન કહી શકે કે ‘કહે કબીર નિર્ભય હો હંસા, કુંજી બતા દૂં તાલા ખૂલન કી’. વિષ્ણુધર્મોત્તરપુરાણની રૂપકકથા કળાભાવન બાબતે આપણને સર્વાશ્લેષી બનવા સૂચવે છે કારણ કે કોઈ કળા અન્ય કળાઓથી પૃથક નથી, બધી કળાઓ આંતરસંબંધે બંધાયેલી છે. આપણે પણ એ ભૂમિકા પર સ્થિર રહીને વાત માંડવાની છે સાહિત્ય અને દૃશ્યકળાઓના આંતરસંબંધની. સાહિત્ય અને દૃશ્યકળાઓ બન્ને ગહન અને સંકુલ કળાપ્રકારો છે ને બંનેના આંતરસંબંધો પણ એટલા જ ગહન અને સંકુલ છે. સાહિત્ય જ્ઞાનસંવેદનની મનોસૃષ્ટ અને મનોસંવેદ્ય કળા છે, અપ્રત્યક્ષ છે. એને દેહ કરતાં મનનું આલંબન વિશેષ છે. દૃશ્યકળાઓ મૂલત: દૃષ્ટિની કળાઓ છે, મુખ્યત્વે દૃષ્ટિની ઇન્દ્રિય પર નિર્ભર છે, એ પ્રત્યક્ષતાને સાધવા મથે છે. આપણે વાત કરવાની છે અમૂર્ત અને મૂર્ત વચ્ચેના, અદૃશ્ય અને દૃશ્ય વચ્ચેના, લક્ષ અને વાચ્ય વચ્ચેનાં આંતરસંબંધની. દૃશ્યકળાઓમાં પણ બે પેટા પ્રકારો છે: (૧) સાહિત્યનિરપેક્ષ દૃશ્યકળાઓ જે કેવળ દૃષ્ટિની ઇન્દ્રિય પર નિર્ભર હોય, જેમ કે, ચિત્ર, છબિ, શિલ્પ, સ્થાપત્ય, લેન્ડસ્કેપિંગ, ભરતગૂંથણ, પ્રસાધનકળા, દેહચિત્રણા આદિ. (૨) સાહિત્યસાપેક્ષ કે સાહિત્યઉપજીવી દૃશ્યકળાઓ જે મુખ્યત્વે દૃષ્ટિ અને શ્રવણની ઇન્દ્રિય પર નિર્ભર હોય, જેમ કે, નૃત્ય, નાટક, સિનેમા - ટીવી સિરિયલ - વેબ સીરિઝ, લાઈટ એન્ડ સાઉન્ડ શો, કઠપૂતળીના ખેલ, ટીવીનાં વિજ્ઞાપનો, આ સાહિત્યસાપેક્ષ રચનાઓના બંધારણમાં એક કવિતા કે કથાનક કે કવિતા કથાનક બન્નેનું હોવું અનિવાર્ય છે. એ કથા કે કવિતા પ્રશિષ્ટ સાહિત્ય રૂપે પહેલેથી ઉપલબ્ધ હોય અથવા જરૂરિયાત મુજબ નવેસરથી - stitched to order - તૈયાર કરાવવાં પડે. આપણાં રામાયણ મહાભારત જેવાં મહાકાવ્યોના આધારે ઠીક ઠીક ફિલ્મો-નાટકો બન્યાં છે. દા. ત. પીટરબ્રુક દિગ્દર્શિત મહાભારત. ગુજરાતી સાહિત્યકૃતિઓ પરથી બનેલી ફિલ્મો-ટીવી શ્રેણીઓમાં પૃથ્વીવલ્લભ, મળેલા જીવ, કંકુ, લીલુડી ધરતી, ગુણસુંદરીનો ઘરસંસારથી માંડીને મિસ્ટર યોગી, રેવા, ધાડ ને એકવીસમું ટિફિન સુધીની ફિલ્મોનાં નામ લઈ શકાશે. ઉત્સવ, દેવદાસ, ગાઈડ, સંસ્કાર, મકબૂલ (મેકબેથ), ઓમકારા (ઓથેલો) જેવાં સંખ્યાબંધ ઉદાહરણો લગભગ બધી જ ભાષાઓમાં મળશે. નેહરૂના nonfictional ગ્રંથના આધારે શ્યામ બેનેગલે તો ‘ભારત એક ખોજ’ જેવી ઇતિહાસપરક ટીવી શ્રેણીનું નિર્માણ કર્યું હતું. ઘણીવાર સાહિત્યકૃતિની લોકપ્રિયતાનો લાભ દૃશ્યકળામાં સીધેસીધો અંકે કરી લેવાનું પ્રયોજન પણ હોય છે. સરસ્વતીચંદ્ર કે દેવદાસની એકાધિક આવૃત્તિઓ શું સૂચવે છે? નાટક જેવો સાહિત્યપ્રકાર તો દૃશ્યકળાને અંજલિરૂપ છે. લખતી વખતે નાટકના લેખકના ચિત્તમાં તો શબ્દને ભજવણીક્ષમ દૃશ્ય બનાવવાની મથામણ જ નિરંતર ચાલતી હોય છે. સાહિત્ય સંગીત નૃત્ય નાટક, કહો કે લગભગ તમામ દૃશ્યશ્રાવ્ય કળાઓના સામંજસ્ય અને ટેકનોલોજીના ગુંફન વડે બહુપરિમાણી કૃતિની રચના કરતી ફિલ્મકળાને દૃશ્યકળાઓનું ચરમબિન્દુ સમજવું પડે. કવિતાનું કલ્પન જે સંવેદન કે અનુભૂતિ જન્માવે છે તે વાચકે વાચકે અલગ અને અંગત હોય છે, જે તે વાચકની વૈયક્તિક ભાવયિત્રી પ્રતિભા પર નિર્ભર હોય છે. ફિલ્મમાં આ મોકળાશ નથી, દિગ્દર્શકે કરેલું ચુસ્ત દૃશ્યાત્મક અર્થઘટન જ પ્રેક્ષકે સંવેદવાનું રહે છે. એક જમાનામાં હું પણ એક સર્વ સાધારણ માન્યતા મુજબ આ પ્રકારના ભાવન - સંવેદનરુંધનને કારણે ફિલ્મને સાહિત્ય પછીના ક્રમે મૂકતો હતો. પણ કેટલાક અદ્ભૂત કલ્પનાશીલ દૃશ્યકલ્પનો ધરાવતી, (જે ભલભલા ભાવકશિરોમણીઓનાય ગજા બહારની વાત હોય) epic-like excellence ધરાવતી ફિલ્મોને લીધે મને આ ક્રમ બદલવાનું મન થાય છે. જો કે હું આ કથનનું સર્વસાધારણીકરણ કરી શકીશ નહીં, ભલે કેટલીક અદભૂત ફિલ્મકૃતિઓ માટે એ સાચું હોય. અલબત્ત એટલું કહી જ શકાશે કે ફિલ્મ એ સર્વકળાશ્લેષી વિધા છે ને સાથે સાથે સામૂહિક સિસૃક્ષા - Collective Creativityની લીલા છે. એ અન્ય કળાઓની સરખામણીએ તોતિંગ અર્થતંત્ર અને વ્યવસ્થાતંત્ર માંગે છે. काव्येषु नाटकं रम्यं तत्र रम्या शकुंतला | तत्रापि च चतुर्थांक: तत्रश्लोक चतुष्टयम् || ઉપરછલ્લી રીતે આ પ્રશસ્તિવચન ભલે ‘અભિજ્ઞાન શાકુંતલ’ના ચોથા અંકના ચાર શ્લોક વિષે કહેવાયું હોય, પણ એમાં ગર્ભિત રીતે સામૂહિક સિસૃક્ષાભરી સર્વકળાશ્લેષી નાટ્યકળાનું જ મહિમામંડન છે. આપણા જમાનામાં સિનેમા આદિને નાટ્યકળાનાં જ ઉત્ક્રાંત સ્વરૂપ સમજવાં રહ્યાં. સ્માર્ટફોન, આઈપેડ, કોમ્પ્યુટર, ટીવી, મલ્ટીપ્લેક્સ : આપણા જમાનામાં સ્ક્રીનનો મહિમા વધી ગયો છે. વાચ્ય ને શ્રાવ્ય ઉપર દૃશ્ય હાવી થઈ ગયું છે. સાહિત્યએ પણ ઉત્ક્રાંત થઈને પટકથા-સ્ક્રીપ્ટ લેખન, સંવાદ લેખન કે adaptation જેવા સાહિત્યનું જ રૂપાંતર કરતા નવા સાહિત્ય-પ્રકારો વિકસાવવા પડ્યા છે. મોજીલા લોકો શબ્દોની અવેજીમાં ઇમોજીથી કામ ચલાવીને ઇમોજીલા બની ગયા છે. સાહિત્યની કળા એના ઉગમબિન્દુએ કેવળ ભાષા છે અને તેથી એ ચૈતસિક અને અમૂર્ત છે. ભાષાની ઉપલબ્ધિ પૂર્વે મનુષ્યને મુખ્યત્વે ધ્વનિસંકેતો અને ચિત્રસંકેતોથી કામ ચલાવી લેવું પડ્યું. ગુફામાનવે દીવાલ પર ચિતરામણ દ્વારા અભિવ્યક્તિની કોશીશ કરી. ભાષાની શોધ પછી આરંભે તો પ્રત્યાયન માટે વાચિકમ્ પૂરતું હતું: કેવળ વક્તા અને શ્રોતાનો સંબંધ. શરીરો સિવાય બીજા કશાની જરૂર નહીં. મનમાં રચેલી કથની કથક કહે, શ્રોતા સાંભળે ને મનમાં એનું ભાવન કરે. મન -- ઉચ્ચારણ -- શ્રવણ -- મન: બે ભિન્ન મન વચ્ચે બે ભિન્ન દેહ માધ્યમ બને ને આ ક્રમે પ્રત્યાયનપથ રચાય. ધ્વનિનું ઉચ્ચારણ અને શ્રવણ પણ મહદ્ અંશે વાયવ્ય જ ગણાય. દેખીતી રીતે જ અભિવ્યક્તિની એ ઘટના કાલભંગૂર હતી. એને દીર્ઘકાલીન ને નિત્ય-પ્રત્યાયનશીલ બનાવવાનો નુસખો, - જેને આપણે આજે લેખન તરીકે ઓળખીએ છીએ, - શોધવાનું કામ બાકી હતું. દીર્ઘકાલીન અભિવ્યક્તિ માટે અમૂર્ત ભાષાને મૂર્ત બનાવ્યા સિવાય કોઈ રસ્તો નહતો. એટલે ઉત્ક્રાંતિની કોઈ અવસ્થાએ સાહિત્યની કળાએ એક વિશિષ્ટ અર્થમાં દૃશ્યકળા સાથે જુગલબંદી કરવી પડી. માણસે લિપિની શોધ કરી: અલીફબે, આલ્ફાબેટ, કક્કોબારાખડી. આરંભે ગુફાની ભીંતો પર અંકિત ચિત્રરૂપો જ આગળ જતાં જરૂરી હ્રસ્વીકરણ દ્વારા ન્યૂનતમ સંકેતક્ષમ આકાર રૂપે અક્ષરો બન્યા હશે એવું કલ્પવું અઘરું નથી. સાહિત્ય અને દૃશ્યકળાના આદિમ સંબંધનું આ આરંભબિન્દુ છે. મૂર્તનની પ્રક્રિયાના ભાગ રૂપે ભોજપત્ર, પેપિરસ, સુમેરિયન ટેબ્લેટ્સ કે કાગળ, કલમ ને શાહી જેવાં સાધનો / માધ્યમોનો ઉપયોગ શરૂ થયો. આ જગાએ એ નોંધવું રસપ્રદ થઈ પડશે કે ઇસવી સન પૂર્વે ૧૦૦૦૦માં ભીમબેટકાની ગુફામાં ચિતરામણ કરનારો એ જ Homosapien - પ્રાગૈતિહાસિક મનુષ્ય કાળાંતરે, ઇસવી સન પૂર્વેની પહેલી બીજી સદી આવતાં તો ખરેખરો Homosapien (લેટિનમાં અર્થ શાણો મનુષ્ય) ઉદ્ભાસિત ચેતના ધરાવતો મનુષ્ય બનીને, અજન્ટા જેવાં મનોરમ ચિત્રો ચીતરીને ગુફાની દીવાલોને જાતક-કથાઓના સાહિત્યથી જીવંત કરી મૂકે છે ને મનુષ્ય પ્રજાતિમાં નિહિત સિસૃક્ષા અને સૌંદર્યપ્રભાનો પરચો આપે છે. લિપિના નિમિત્તે ચિત્રકળા સાથે પ્રારંભિક જુગલબંદી કર્યા બાદ સાહિત્યએ ચિત્રકળા સાથે દેખીતો ઉપરછલ્લો સંબંધ રાખ્યો છે. સાહિત્ય પુસ્તક રૂપ ધરે ત્યારે ચિત્રકળા મુખપૃષ્ઠ, પૃષ્ઠની કળાત્મક બોર્ડર, લેઆઉટ, વિશિષ્ઠ લયાન્વિત ફોન્ટ્સ, ગ્રંથસજ્જા જેવાં બહિરંગ પૂરતી પ્રસાધનલક્ષી graphical beauty ઊભી કરવાનું કામ કરે છે. કેલિગ્રાફી, પ્રાચીન જૈન હસ્તપ્રતો, ઈજીપ્શિયન હિયરોગ્લિફ્સ, શિલાલેખો, ગ્રાફિટી વગેરે પણ શબ્દ સાથે માધ્યમલક્ષી આડકતરો સંબંધ ધરાવે છે. આપણે ત્યાં દૃશ્યકલા સાથે સાહિત્યનો અનુબંધ દૃઢ કરવામાં રાવળ/ત-કાલીન ‘કુમાર’નું પ્રદાન વિશેષ ઉલ્લેખનીય છે. કેટલાંય સામયિકો- વર્તમાનપત્રોની સાહિત્યિક પૂર્તિઓ કૃતિઓની સાથે રેખાંકનો - ચિત્રો પણ મુદ્રિત કરતાં રહ્યાં છે. સાહિત્યની સંપૂર્તિ રૂપે ચિત્રને પ્રયોજતા આ પ્રકારમાં કલાગુરુ રવિશંકર રાવળે પોતાની આત્મકથાની સમાંતરે ચિત્રિત/મુદ્રિત કરેલાં આત્મકથનાત્મક રેખાંકનો અત્યંત નોંધપાત્ર ગણવાં રહ્યાં, કેમ કે એ એમના દેશકાળનો અમૂલ્ય દૃશ્ય-દસ્તાવેજ બનવાની ક્ષમતા ધરાવે છે. અલબત્ત ચિત્રકળા સાથેનો આ પ્રકારનો સંબંધ સપાટી પરનો છે. અસલ આંતરસંબંધ ગહન છે અને એ સંબંધ છે સૈદ્ધાંતિક આદાનપ્રદાનનો. એ વિશેષ નોંધપાત્ર છે કે ૧૯મી સદીના ઇમ્પ્રેશનિઝમ, વીસમી સદીના એક્સ્પ્રેશનિઝમ કે સર્રિયાલિઝમ જેવા સિદ્ધાંતો- વાદો પ્રથમ ચિત્રકળાના ક્ષેત્રમાં વિકસ્યા અને પાછળથી સાહિત્યમાં પ્રવેશ પામ્યા. ચિત્રકળામાં એક્સ્પ્રેશનિઝમ અને સર્રિયાલિઝમની વાત કરીએ તો અનુક્રમે વાન ગોઘ અને સાલ્વાડોર ડાલી સૌ પ્રથમ યાદ આવે. નામ સાથે કોઈ વાદે આપણી કવિતામાં દેખા દીધી હોય તો એ છે સર્રિયાલિઝમ. પરાવાસ્તવ શૈલીનાં ડાલીનાં થોડાં મૂળ ચિત્રો મેં જોયાં છે અને એ શૈલીની કવિતાઓ પણ વાંચી છે, પણ મને કહેવા દો કે કવિતાની સરખામણીએ મને ચિત્રની દૃશ્યાનુભૂતિ અંગત રીતે વિશેષ પ્રભાવક જણાઈ છે.
રંગોંકી રૂહસે થા જિન્હે ઇશ્ક બેહિસાબ
હમલોગ ભી ફકીર ઉસી સિલસિલેકે હૈં
સુખ્યાત ચિત્રો પરથી આપણા કવિઓએ સરસ કાવ્યો રચ્યાં છે. દૃશ્યભાષાનો આનંદ પોતાની ભાષામાં વહેંચવાની આ ક્રીડા છે. સિતાંશુ યશશ્ચન્દ્રનું ‘જેરામ પટેલનાં નવાં ચિત્રો વચ્ચે’ કે ગુલામ મોહમ્મદ શેખનાં ‘અથવાઅને’-માં સંગ્રહિત ચિત્રકળાથી સ્પંદાયમાન વિલક્ષણ કાવ્યો આવા ઉત્તમ નમૂના છે. રંગરેખાની આશિકી ને ફકીરીની વાત છે. અહીં કવિતા પોતાનું કળાકીય aesthetic અક્ષુણ્ણ રાખીને જે તે ચિત્રોની વિલક્ષણતાને આશ્લેષમાં લઈને એને કાવ્યવસ્તુ બનાવે છે. અહીં સમર્થ કવિઓ દૃશ્યવસ્તુનું એક પ્રકારનું approximation કરીને ગુજરાતી ભાષામાં કાવ્યવસ્તુ ઘડી લે છે. હિન્દી કવિ-મનોચિકિત્સક વિનયકુમારનો એક કાવ્ય સંગ્રહ છે: યક્ષિણી. એ સમગ્ર સંગ્રહના કેન્દ્રમાં ‘દીદારગંજની યક્ષી’નામે સુખ્યાત પાષાણ શિલ્પ અદ્ભૂત રૂપક બનીને પ્રવર્તી રહે છે. એક કલાકૃતિ ભાવન-ઉદ્દીપન દ્વારા અન્ય કલામાં પણ કેવી તો રહસ્યમય રીતે રમણીય આવિષ્કાર પામે તેનો રસપ્રદ નમૂનો છે એ કાવ્યસંચય. આ લખનારે ‘ચીતરવા વિષે’ કે ‘સાપુતારા’-શ્રેણીની કવિતાઓ લખીને ચિત્રકળાની વાસનાપૂર્તિ શબ્દો દ્વારા કરી છે. ચિત્રકળાને સાહિત્યના અવલંબનનું એવું અનિવાર્ય બંધન નથી, એક જોતાં એ સ્વાયત્ત છે. ચિત્રકળાની એ ફરજ નથી, છતાં એણે પોતાની ગરજે સાહિત્ય સાથે જુદી જુદી રીતે અનુબંધ ઊભો કર્યો છે. કળાકારો સાહિત્યના આશ્રયે પોતાની ચિત્રકળામાં કથનાત્મકતાની સમૃદ્ધિ ઉમેરવા ઉત્સુક રહે છે. જો કે એ કૈં નવી વાત નથી, પરંપરામાં પણ આ તત્ત્વ છે જ. રાજસ્થાનમાં રાવણહથ્થા સાથે ‘પાબૂજી કા પડ’ની મૌખિક કથા પ્રસ્તુત કરનારા લોકગાયકો નાયકની ગાથાના ચિતરામણવાળો પટ, - કાપડનો વીંટો (Phad-painting scroll) ઉકેલીને કથા કહેતા જાય છે. અખબારોમાં, બાળકોનાં સામયિક આદિમાં કાર્ટુનસ્ટ્રીપના આધારે વાર્તા પ્રસ્તુત કરવાનો રિવાજ છે. ચિત્રપટ્ટીમાં સંવાદો વાદળ જેવી આકૃતિમાં ટેક્સ્ટ રૂપે મૂકવાના આવે છે. અલબત્ત, એમાં શબ્દ અને ચિત્રનું રસાયણ બનાવવાની ફિકર કરવાની હોતી નથી. એ ચિત્રઅંગ કથાઅંગને પ્રત્યાયન માટે પૂરક બની રહે તે પૂરતું છે. નાટક સિનેમાના audiovisual સંવાદો અહીં માત્ર visual સ્વરૂપ ધારણ કરે છે. રાજસ્થાનના કોઈ મહેલની મુલાકાત દરમિયાન આપણે સૌએ એવું કોઈ વાઘના શિકારનું મિનિએચર પેઇન્ટિંગ અવશ્ય જોયું હશે જેમાં બે ચાર જગાએ ચિત્રમાં જુદી જુદી મુદ્રામાં વાઘ અને શિકારી ચીતરેલા હોય અને કોઈક જગાએ હણાયેલો વાઘ હોય. ખરેખર તો એ ચિત્રમાં શિકારનું એક જ કથાનક હોય છે, એ જ વાઘ અને એ જ શિકારીની વિવિધ ગતિશીલ મુદ્રાઓ જુદી જુદી ફ્રેમો રૂપે એક જ ચિત્રમાં ગોઠવી દઈને ચિત્રમાં નેરેટિવની રીતિ ઊભી કરવામાં આવી હોય છે. દૃશ્યકળામાં કથનાત્મકતાનાં તત્ત્વો કે જે મૂલત: સાહિત્યનું અંગ છે, ઉમેરવાની આ જુગત છે. કથનાત્મક લોકકળાની અમારાં વલ્લભ વિદ્યાનગરની જ એક જાણીતી ઘટના છે. આ જ કળાસંસ્થાના એક પૂર્વ અધ્યાપકના માતુશ્રી સંતોકબા દૂધાતે કાપડના એક લાંબા વીંટા પર ચીતરેલી રામાયણની પ્રસંગાવલિ ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર આર્ટ્સમાં સંગ્રહાયેલી છે. શાંતિનિકેતનના હિન્દી ભવનનું સંતપરંપરા વર્ણવતું પ્રલંબ ભીંતચિત્ર ઉત્તમ ઉદાહરણ છે. ઇલોરાનાં કૈલાસ મંદિરમાં શિવ પાર્વતી કે રામાયણની કથા કહેતાં રિલીફવર્ક (અર્ધત્રિપરિમાણી શિલ્પો) જોવા મળે છે તે પણ સાહિત્ય જેવી મનોપરિમાણી કળાને શિલ્પસ્થાપત્ય જેવી ત્રિપરિમાણી દૃશ્યભાષામાં કુશળતાપૂર્વક પ્રસ્તુત કરવાની એક સફળ યુક્તિ જ છે. જરા જુદી રીતે ભૂપેન ખખ્ખર, ગુલામ મોહમ્મદ શેખ જેવા અનેક ચિત્રકારો સાહિત્યકળાના, કોઈ કથાનકના સીધા આલંબનને બદલે ચિત્રઘટકોના સંયોજનમાં સાહિત્યની કથનાત્મકતાના સૂક્ષ્મ અંગનું આલંબન લેતા હોય છે. સામે પક્ષે સાહિત્યકૃતિમાં એનો સર્જક વર્ણવાઈ રહેલ પ્રસંગને શબ્દો દ્વારા ભજવણીની જેમ તાદૃશ કરવા મથતો હોય છે. લોકપ્રિય લેખકોમાં આપણે અશ્વિની ભટ્ટનું દૃષ્ટાંત લઈ શકીએ. એ વર્ણનો દ્વારા ઉત્તેજનાભરી સિનેમેટોગ્રાફિક ગતિશીલતા દાખવે છે ને વાચકના ચિત્તમાં ઉત્કંઠાભરી મોહિની ઊભી કરે છે. (આટલા વર્ષે કોઈને ‘કમઠાણ’ બનાવવાનું સૂઝયું તે ખુશીની વાત છે, બાકી એમની રચનાઓમાં તો ‘થ્રીલર કે વેબ-સિરીઝની સામગ્રી’ ઠાંસીને ભરેલી છે. પ્રેમાનંદના picturesque narrative excellenceથી આપણે અભિભૂત છીએ. શાળાકાળથી જ આપણને કંઠસ્થ છે તે સરસ્વતીવંદના - ‘या कुन्देन्दुतुषार हार धवला…’- નો પ્રારંભનો ખંડક ખરેખર તો દેવી સરસ્વતીનું portrayal છે. કહેવાનું તાત્પર્ય એ કે સર્જકો સાહિત્ય જેવી શ્રાવ્ય કળાને narrationમાં વિશેષ પ્રકારની ઝીણવટ સાધીને ચાક્ષુસ બનાવવા મથે છે. લોકપ્રિય હોય કે પ્રશિષ્ટ, ઘણી બધી કૃતિઓમાં આ તત્ત્વ જોવા મળશે. આપણે એવાં વર્ણનોને ‘ચિત્રાત્મક’ કહીએ છીએ. ચિત્રકળા માટે પ્રયોજાતા ‘આલેખન’ શબ્દનાં મૂળ તપાસો. એક રીતે જોતાં ‘દૃશ્યાત્મક’, ‘ચિત્રાત્મક’, ‘આબેહૂબ’, ‘તાદૃશ્ય’ કે ‘નિરૂપણ’ જેવા શબ્દો ચિત્રકળા માટેના સાહિત્યના પ્રેમોદ્ગારો સમાન છે. આ પ્રકારની સાહિત્યની ચિત્રાત્મકતા અને ચિત્રકળાની કથનાત્મકતા લાક્ષણિક કલાવ્યત્યય રૂપે પ્રમાણવી રહી. એક બીજી આડકતરી રીતે પણ ચિત્રકળા સાહિત્ય સાથે જોડાતી હોય છે: સાહિત્યકૃતિના પ્રસંગોનું ચિત્રણ, સર્જકનાં વાસ્તવિક ચિત્રો કે નોંધપાત્ર કૃતિઓના નાયકોનાં કાલ્પનિક રેખાચિત્રો. અહીં છીછરા પાણીમાં છબછબિયાં કરવાથી કામ નહી સરે. ચિત્રકારે જરા ઊંડા ઊતરવું પડે છે. એણે કૃતિને આત્મસાત કરવી પડે છે, એના નાયકની ચરિત્રગત લાક્ષણિકતાઓ અંકે કરવી પડતી હોય છે ને પોતાની પ્રબળ કલ્પનાશીલતાના આધારે એને visualize કરવો પડતો હોય છે. મને આ ક્ષણે, નરસિંહ, મીરાં, પ્રેમાનંદ ને અખા જેવા કવિપૂર્વજો કે મુંજાલ મહેતા જેવા કથાનાયકને અદ્ભુત રીતે તાદૃશ કરનાર ચિત્રકાર રવિશંકર રાવળનું સ્મરણ થઈ આવે છે. હાથ લંબાવી લહેકો કરતા પ્રેમાનંદ, માણ પર રણકતી વીંટીઓવાળી આંગળીઓ, મંજીરાના તાલ દેતો કોઈ જોડીદાર, નાનકડા બાજોઠ ૫ર મૂકેલી રાતી પાઘડી, બાજુમાં ગોઠવેલાં પિત્તળનાં લોટોપ્યાલો ને પાનપેટી, કાષ્ઠની કોતરણીદાર થાંભલી ને જાળિયું, ને દૂર ફળિયામાં બેઠેલા શ્રોતાઓ ને એક ચબૂતરો. એ ચિત્ર વ્યક્તિચિત્ર બનવાની સાથે સાથે, પ્રેમાનંદકાલીન ગુજરાતનું cultural landscape પણ બની રહ્યું છે. પ્રેમાનંદનું નામ પડતાં મારા ચિત્તમાં એ સિવાયની પ્રેમાનંદની અન્ય કોઈ છબી ઊભી જ થતી નથી! હેન્રી મિકોક્સ ફ્રેંચ કવિ ચિત્રકાર છે એમણે એમના Meidosems સંગ્રહમાં કાવ્યો સાથે પ્રેતાભાસી ચિત્રો કર્યાં છે. ચીની પ્રશિષ્ટ કવિ-ચિત્રકાર વાંગ વેઈ તો ‘સાહિત્યિક ભૂમિચિત્રણા- Literary landscape’ના જનક ગણાય છે. એમનાં કાવ્યોને ‘બોલતાં ચિત્રો’ અને ચિત્રોને ‘શાંત કાવ્યો’ તરીકે ઓળખવામાં આવે છે. અહીં કાવ્ય અને દૃશ્યનું સામંજસ્ય બંને કળાઓ માટે મૂલ્યવર્ધક બની રહે છે. જ્યોતિ ભટ્ટ, અતુલ ડોડિયા કે સુજાતા બજાજ જેવા ઘણા ચિત્રકારો કાવ્યપંક્તિઓ ટેક્સ્ટ રૂપે ચીતરતાં રહ્યાં છે ને દર્શકને દૃશ્યબોધ સાથે કાવ્યભાવનની રમ્ય ફરજ પાડે છે. અતુલ ડોડિયાએ ગુજરાતી અને ઈંગ્લિશ text રૂપે શ્રેણીબદ્ધ કવિતાઓ ચીતરી છે. રવીન્દ્રનાથની જેમ સાહિત્ય અને ચિત્ર - બન્ને કળાઓમાં અધિકારપૂર્વક પ્રવર્તતા હોય એવા કળાકારોના પણ ઘણાં દૃષ્ટાંતો મળી આવશે. ભૂપેન ખખ્ખર, ગુલામ મોહમ્મદ શેખ કે પ્રદ્યુમ્ન તન્ના તરત યાદ આવશે. વર્ષો પૂર્વે ‘સમકાલીન કલા’એ તો ચિત્રકારોનાં કાવ્યોનો એક સચિત્ર વિશેષાંક કર્યો હતો. મને ઊંડે ઊંડે એવું લાગ્યા કરે છે કે સાહિત્ય અને દૃશ્યકળાઓ વચ્ચે love hate relationship છે. કૈંક અંશે કોઈ કૃતિનો એક ભાષામાંથી બીજી ભાષામાં અનુવાદ કરવાની ઘટના સાથે એને સરખાવી શકાશે. અનુવાદ એક thankless job છે. ભારે જહેમત પછી પણ બન્ને પક્ષે અસંતોષ તો અકબંધ જ રહેતો હોય છે. એવું જ સાહિત્ય અને દૃશ્યકળાઓના સંબંધમાં પણ છે. એવા ઘણા કિસ્સાઓ જોવા મળશે કે સાહિત્યકૃતિ પરથી સર્જાયેલ ફિલ્મ અંગે સર્જકે પોતે કે રસજ્ઞ ભાવકોએ અસંતોષ વ્યક્ત કર્યો હોય. મૂળ કૃતિનું માધ્યમ રૂપાંતરણ એ સૂક્ષ્મ aesthetic વિવેકભર્યું કામ છે. ગોવર્ધનરામના વીસમી સદીના સરસ્વતીચન્દ્ર ક્યારે ભણસાળી તથા અન્યોના હાથે દીઠે ઓળખાય નહીં તેવા એકવીસમી સદીના સરસ્વતીચન્દ્ર બની જાય, કહેવાય નહીં!
શબ્દસરઃ મે, ૨૦૨૫ (સીવીએમ કૉલેજ ઑફ ફાઈન આર્ટ્સ, વલ્લભ વિદ્યાનગર ખાતે તા: ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૪નાં રોજ વસંતોત્સવ ૨૦૨૪ના ભાગરૂપે યોજાયેલ પરિસંવાદ ‘સાહિત્ય અને દૃશ્યકળાઓના આંતરસંબંધો’નું ચાવીરૂપ વ્યાખ્યાન.)
તબક્કાવાર આવતું રહેશે |
ઑડિયો રેકોર્ડિંગ સંકલન :
શ્રેયા સંઘવી શાહ
ઑડિયો પઠન:
અનિતા પાદરિયા
અલ્પા જોશી
કૌરેશ વચ્છરાજાની
ક્રિષ્ના વ્યાસ
ચિરંતના ભટ્ટ
દર્શના જોશી
દિપ્તી વચ્છરાજાની
ધૈવત જોશીપુરા
બિજલ વ્યાસ
બ્રિજેશ પંચાલ
ભાનુપ્રસાદ ઉપાધ્યાય
ભાવિક મિસ્ત્રી
મનાલી જોશી
શ્રેયા સંઘવી શાહ
કર્તા-પરિચયો:
અનિતા પાદરિયા
પરામર્શક:
તનય શાહ
ઑડિયો એડિટિંગ:
પ્રણવ મહંત
પાર્થ મારુ
કૌશલ રોહિત
સાંભળવા અહીં ક્લીક કરો |
| » | ગોવાલણી | » | એક સાંજની મુલાકાત | |
| » | શામળશાનો વિવાહ | » | મનેય કોઈ મારે !!!! | |
| » | પોસ્ટ ઓફિસ | » | ટાઢ | |
| » | પૃથ્વી અને સ્વર્ગ | » | તમને ગમીને? | |
| » | વિનિપાત | » | અપ્રતીક્ષા | |
| » | ભૈયાદાદા | » | સાડાત્રણ ફૂટની ઘટના | |
| » | રજપૂતાણી | » | સળિયા | |
| » | મુકુંદરાય | » | ચર્ચબેલ | |
| » | સૌભાગ્યવતી!!! | » | પોટકું | |
| » | સદાશિવ ટપાલી | » | મંદિરની પછીતે | |
| » | જી’બા | » | ચંપી | |
| » | મારી ચંપાનો વર | » | સૈનિકનાં બાળકો | |
| » | શ્રાવણી મેળો | » | શ્વાસનળીમાં ટ્રેન | |
| » | ખોલકી | » | તરસના કુવાનું પ્રતિબિંબ | |
| » | માજા વેલાનું મૃત્યુ | » | સ્ત્રી નામે વિશાખા | |
| » | માને ખોળે | » | અંધારી ગલીમાં સફેદ ટપકાં | |
| » | નીલીનું ભૂત | » | ઇતરા | |
| » | મધુરાં સપનાં | » | બારણું | |
| » | વટ | » | ત્રેપન સિંહ ચાવડા જીવે છે | |
| » | ઉત્તરા | » | બદલી | |
| » | ટપુભાઈ રાતડીયા | » | લીલો છોકરો | |
| » | લોહીનું ટીપું | » | રાતવાસો | |
| » | ધાડ | » | ભાય | |
| » | ખરા બપોર | » | નિત્યક્રમ | |
| » | ચંપો ને કેળ | » | ખરજવું | |
| » | થીગડું | » | જનારી | |
| » | એક મુલાકાત | » | બદામી રંગનો કોટ અને છત્રી | |
| » | અગતિગમન | » | ગેટ ટુ ગેધર | |
| » | વર પ્રાપ્તિ | » | મહોતું | |
| » | પદભ્રષ્ટ | » | એક મેઈલ |
