અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નરસિંહરાવ દિવેટિયા/મંગલ મન્દિર ખોલો

Revision as of 17:21, 8 July 2021 by Atulraval (talk | contribs)
મંગલ મન્દિર ખોલો

નરસિંહરાવ દિવેટિયા

મંગલ મન્દિર ખોલો,
                  દયામય!
         મંગલ મન્દિર ખોલો,

જીવનવન અતિ વેગે વટાવ્યું
         દ્વાર ઊભો શિશુ ભોળો;
તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો,
         શિશુને ઉરમાં લો, લો,
                  દયામય!
         મંગલ મન્દિર ખોલો!

નામ મધુર તમ રટ્યો નિરંતર
         શિશુ સહ પ્રેમે બોલો;
દિવ્યતૃષાતુર આવ્યો બાલક,
         પ્રેમ-અમીરસ ઢોળો,
                  દયામય!
         મંગલ મન્દિર ખોલો!

(સ્મરણસંહિતા, ત્રીજી આ. ૧૯૪૦, પૃ. ૧૩-૧૪)



કાવ્યસંગીત:

નરસિંહરાવ દિવેટિયા • મંગલ મન્દિર ખોલો • સ્વરનિયોજન: અમર ભટ્ટ • સ્વર: અમર ભટ્ટ