ગુજરાતી બાળવાર્તા સંપદા/બાદશાહ અને બુલબુલ

From Ekatra Foundation
Revision as of 04:47, 9 November 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
બાદશાહ અને બુલબુલ

રતિલાલ સાં. નાયક

એક હતો બાદશાહ. એણે એક મહેલ બંધાવ્યો. બાદશાહનો મહેલ એટલે સુંદરતા ને કારીગરીનો અજોડ નમૂનો. દેશપરદેશથી લોકો જોવા આવે. જે જુએ તે મહેલની સુંદરતાનાં વખાણ કરતાં ન થાકે. મહેલની ચોમેર મોટો એવો બાગ હતો. એટલો બધો લાંબો-પહોળો કે ખુદ માળીને પણ એની લંબાઈ-પહોળાઈની માહિતી ન હતી. ને એ બાગમાં જગતભરનાં રંગબેરંગી ફૂલ ખીલતાં હતાં. આ ફૂલોની વળી એક નવાઈ હતી. દરેક ફૂલમાં એકેક નાની રૂપેરી ઘંટડી લગાડવામાં આવેલી. આથી સહેજ પણ પવનનું ઝોકું આવતાં બધી ઘંટડીઓ મધુર અવાજથી બાગને ગજવી મૂકતી. બાગનો પાછળનો ભાગ એક ઝાડી સાથે મળી જતો અને એ ઝાડી દરિયાના કિનારા સુધી લંબાઈને પૂરી થતી. બરાબર એ જગ્યાએ જ એક બુલબુલ વસતું. આ બુલબુલનું ગીત એવું મીઠું હતું કે જે કોઈ એ સાંભળતું તે નવાઈ પામી ત્યાં ઝાડ ૫૨ થંભી જતું. ખુદ માછીમારો પણ હોડી હંકારતાં ત્યાં સાંભળતા થોભી જતા. દેશપરદેશથી આવેલા મુસાફરોમાંથી મહેલ જોયા બાદ જો કોઈ બાગ જોવા નીકળતું તો આ બુલબુલના બોલથી ખુશ થઈ જતું. એનું સંગીત કાયમના માટે એના હૈયામાં વસી જતું. આ બાગને બુલબુલની કેટલાકે પુસ્તકો લખીને પ્રશંસા પણ કરવા માંડી. એક કવિએ તો આ બુલબુલ ઉપર મોટું એવું કાવ્ય પણ લખી કાઢ્યું. એકમેકના હાથમાં વંચાઈને પસાર થતાં એ પુસ્તકો બાદશાહના હાથમાં આવ્યાં ને તે ખુશ થઈ ઊઠ્યો. પણ તેણે જ્યારે વાંચ્યું કે મહેલની કામગીરી કે બાગની સુંદરતા કરતાંય બુલબુલનું સંગીત જગતભરની એક અજાયબી જેવું હતું ત્યારે તે વિચારમાં પડી ગયો. ‘અરે ! મારા જ મહેલ પાસેની અજાયબી હું જાણતો નથી ને જગત બધું એનાં વખાણ કરી રહ્યું છે ! ક્યાં હશે એ બુલબુલ ?’ એણે માળીને બોલાવી મગાવ્યો અને કહ્યું, ‘આ લોકો લખે છે કે આપણા બાગમાં એક બુલબુલ છે, એનું સંગીત જગતભરમાં અજોડ છે, તમે જાણો છો, એ ક્યાં છે ?’ માળીએ કહ્યું, ‘કોક કોક વા૨ બાગના ખૂણેથી કોઈના ખૂબ જ મીઠા સૂર સંભળાય છે. પણ એ કોના હશે તે હું જાણતો ન હતો. પણ આજે તમારી વાત ઉપરથી લાગે છે કે એ તમે કહો છો એ બુલબુલના જ સંગીતના સૂરો હશે. હું અત્યારે જ તપાસ કરું છું.’ બાદશાહ બોલ્યો, ‘જાઓ, મારે આજે જ એનું સંગીત સાંભળવું છે. આજે સાંજે હું જમવા બેસું ત્યારે બુલબુલ મારી પાસે બેસીને ગાતું હોવું જોઈએ.’ ‘જેવો હુકમ.’ સલામ કરી માળી બુલબુલની તપાસમાં નીકળી પડ્યો. બાગની ઝાડીમાં શોધતો શોધતો એ છેવટે બુલબુલના રહેઠાણ એવા ઝાડ પાસે આવી ગયો. હજુ પણ બુલબુલ એનું મીઠું ગીત ગાઈ રહ્યું હતું. માળી થોડી વાર થોભ્યો. ગીત પૂરું થયું અને તરત જ માળીએ કહ્યું, ‘હે મીઠા બુલબુલ ! અમારા બાદશાહ તારું ગીત સાંભળવા ઇચ્છે છે. તું ન આવે ?’ અને બુલબુલ તો તરત જ ઊડીને માળીને ખભે બેસી ગયું. માળીના આનંદનો પાર ન રહ્યો. બુલબુલને લઈને એ તો બાદશાહની તહેનાતમાં હાજર થયો. એક મોટા ખંડમાં બાદશાહ બેઠા હતા. બીજા પણ કેટલાક મહેમાનો અને રાજ્યના નોકરો ત્યાં ગોઠવાયા હતા. એક સોનેરી સળિયા ઉપર બાદશાહની નજીક પેલા બુલબુલને બેસાડવામાં આવ્યું. બુલબુલ શાંતિથી ત્યાં બેસી ગયું. બાદશાહ બોલ્યો, ‘હે મીઠા બુલબુલ ! અમે સૌ તારું ગીત સાંભળવા હાજર થયા છીએ. તો તે તું સંભળાવશે ?’ અને જાણે હુકમની રાહ જોતું હોય તેમ બુલબુલ મીઠું ગીત લલકારી ઊઠ્યું. એના ગીતને શબ્દેશબ્દ વાતાવ૨ણ બધું ખીલી ઊઠ્યું, ‘અદ્ભુત ! અદ્ભુત !’ સૌ કોઈ બોલી ઊઠ્યું. બાદશાહના ગાલ તો આનંદનાં આંસુથી પલળી ઊઠ્યા. બાદશાહે પછી તો એ બુલબુલનું શાહી સન્માન કર્યું. એના માટે એક રત્નજડિત પાંજરું બનાવરાવ્યું અને બુલબુલના પગે હીરા ને રેશમની દોરીઓ બાંધી બા૨ માણસોના હાથમાં પકડાવી. જ્યારે જ્યારે બુલબુલને પાંજરામાંથી બહાર કાઢવામાં આવે ત્યારે બાર માણસ પેલી દોરીઓ પકડી એ બુલબુલની પાછળ પાછળ ચાલ્યા આવે એવું કરાયું. બુલબુલનું તો ખૂબ જ માન વધી ગયું. એવામાં ઓચિંતું એક પારસલ બાદશાહના હાથમાં આવ્યું. એ પારસલ ઈરાનના બાદશાહ તરફથી ભેટ મોકલવામાં આવ્યું હતું. બાદશાહે એ ઉઘાડ્યું તો અંદરથી કળાનો સુંદર નમૂનો હોય તેવું એક બુલબુલ નીકળ્યું. એક પેટી હતી અને તેના ઉપર આ બુલબુલ બેસાડ્યું. પેટીને કળો હતી. બાદશાહે જેવી એક કળ દાબી તેવું પેલા બનાવટી બુલબુલનું મોં પહોળું થયું ને અંદરથી સરસ મીઠું સંગીત શરૂ થઈ ગયું. કરામત મજાની હતી. બુલબુલ બહેનમૂન હતું. પેલા કુદરતી બુલબુલને ટપી જાય એવું હતું. અને એના મોંમાંથી નીકળતું સંગીત પણ પેલા કુદરતી બુલબુલ જેવું જ હતું - બાદશાહને ઘડીભર તો એ ચઢિયાતું પણ લાગ્યું હતું. બાદશાહને બંને બુલબુલોના સંગીતની સરખામણી કરવાનું મન થયું. અને એથી એણે બંને બુલબુલો વારાફરતી પોતાનું સંગીત સંભળાવે એવી ગોઠવણ કરી. બંનેનું સંગીત આમ તો સ૨ખું જ જણાયું. મીઠાશ પણ સરખી જ જણાઈ. અને છતાં બંનેના અવાજમાં કંઈક બારીક ફરક હતો. બનાવટી બુલબુલના પક્ષે એક વિશેષતા એ હતી કે કુદરતી બુલબુલ કરતાં આ બનાવટી બુલબુલ થાક્યા વિના ગમે તેટલી વાર સુધી ગાઈ શકે તેમ હતું. તેત્રીસ વખત બંનેએ ગાયું. પણ ચોત્રીસમી વાર જ્યારે ગાવાનું કહેવામાં આવ્યું ત્યારે એકદમ કુદરતી બુલબુલ ઊભું થઈ ગયું અને પાંખો ફફડાવતું બારી વાટે ઝાડી તરફ ચાલ્યું ગયું. બાદશાહે કહ્યું, ‘આ શું સમજવું ?’ કોઈએ કહ્યું : ‘બુલબુલનું નગુણાપણું, બીજું શું ?’ સંગીતાચાર્યે અભિપ્રાય આપ્યો, ‘એ ગયું તો છો ગયું. એ તો એને ઇચ્છા હોય તો જ આપણી સંગીત સાંભળવાની ઇચ્છા પૂરી કરતું, જ્યારે આ કરામતી બુલબુલ પાસેથી આપણે આપણને ઇચ્છા થાય ત્યારે તરત સંગીત સાંભળી શકીશું.’ અને પછી તો બનાવટી બુલબુલના રોજ જલસા જામવા લાગ્યા. સૌ કોઈ એને સાંભળવા આવવા લાગ્યું અને બધા જ એને વખાણવા લાગ્યા. કેવળ પેલા માછીમારો એક વાર મહેલ પાસેથી નીકળેલા ને તેમણે આ બનાવટી બુલબુલને સાંભળેલું તેઓ જ માત્ર કહેતા કે આ બુલબુલ ઝાડીના બુલબુલને લેશ પણ પહોંચી શકે તેમ નથી. પેલા માળીએ તે સાંભળ્યું. તેનું મોં પડી ગયું. તેને પણ લાગ્યું કે આ માછીમારો સાચા હતા અને તેથી તો તે ઘણી વા૨ ઝાડીમાં જતો અને પેલા કુદરતી બુલબુલને સાંભળતો. બાદશાહે તો કુદરતી બુલબુલનું જે મુખ્ય સ્થાન હતું તે રદ કર્યું અને આ બનાવટી બુલબુલને મુખ્ય શાહી ગાયકની જગ્યા આપી દીધી. એણે ગાયેલા સંગીતની કેટલીય તો નકલો પણ કરાવરાવી ! એક રાતે બાદશાહ પથારીમાં પડ્યા પડ્યા આ બુલબુલને સાંભળતા હતા. ત્યાં ખુશીમાં અને ખુશીમાં તેમનો હાથ બુલબુલને અથડાયો અને એક આંચકો થતાં બુલબુલ ગાતું અટકી ગયું, પેટીમાંનું સાંચાકામ બગડી ગયું. સવારમાં કારીગરોને બોલાવવામાં આવ્યા. સાત દિવસની સખત મહેનત બાદ માંડ માંડ સાંચાકામ સુધર્યું. પણ મુખ્ય કારીગરે કહ્યું, ‘બાદશાહ સલામત ! હવે આને કાળજીથી વાપરવું પડશે. વર્ષમાં એક વખતથી વધુ આનો ઉપયોગ કરવામાં આવશે તો ફરી પાછું બગડી જશે અને પછી તો કાયમ માટે નકામું થઈ જશે.’ આમ હવે તે વર્ષમાં એક જ વખત ગાઈ શકતું. બાકીના દિવસોએ એક તંબૂર દ્વારા લોકોને સંગીત સંભળાવાનું. એના ગાઈ રહ્યા બાદ સંગીતાચાર્ય ઊભો થઈને ભાષણ કરતો કે, હજુ પણ એનું ગળું પહેલાંના જેવું જ મીઠું છે. પણ રોજ સાંભળવા ઇચ્છતાં સૌથી એથી ઝાઝો સંતોષ ન થતો. પાંચ વર્ષ વીતી ગયાં. બાદશાહ માંદા પડ્યા અને મરણપથારીએ પડ્યા. હકીમો છૂટી પડ્યા. બાદશાહને. એક વિચિત્ર સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં એક પરી દેખાઈ. પરીએ બાદશાહને કહ્યું, ‘ચેત ! ચેત ! ચેત !’ અને આથી વિશેષ કશું પણ કહ્યા વિના એ ચાલી ગઈ. એને જતી જોઈ તો એની પાછળની પીઠ પેલા જૂના બુલબુલ જેવી હતી. અને એ જ સવારે એક વિચિત્ર ઘટના બની. એકાએક એક જુવાન લશ્કરી માણસ આગળ આવ્યો અને એણે બાદશાહને કહ્યું, ‘આજથી હું નવો બાદશાહ થાઉં છું. લશ્કરનો મને ટેકો છે. દરબારીઓ પણ સંમત થયા છે. લોકપ્રતિનિધિ સભાની પણ મેં સંમતિ મેળવી છે. તમે આ મહેલ છોડી જાઓ.’ બાદશાહને મહેલ છોડવો પડ્યો. રાજ્યના નોકરો નવા બાદશાહને ખુશ કરવા લાગી ગયા. આ બાદશાહને સૌ છોડી ગયા. એ સાવ એકલો પડી ગયો. એણે પેલા બનાવટી બુલબુલને કહ્યું, ‘લોકોના જૂના ગુણને ભૂલી જવાની ટેવથી મારું દિલ ખૂબ ઘવાયું છે. તું એવું કંઈક ગા કે એ દુઃખ બધું ભૂલી શકે.’ પણ બુલબુલ તો હતું તેવું મૂંગું રહ્યું. ત્યાં તો દ્વાર ખૂલ્યું ને પેલો માળી કે જે હવે બુઢ્ઢો થઈ ગયો હતો તે દેખાયો. તે બાદશાહની ખબર પૂછવા આવ્યો હતો. બાદશાહે કહ્યું, ‘માળી ! મરતા બાદશાહનો એક બોલ ન ઉથાપીશ. ગમે તેમ કરીને પેલા ઝાડીના બુલબુલને એક વાર મારી પાસે લઈ આવ. મારે મરતાં પહેલાં તેની માફી માગવી છે.’ માળી તરત જ ઊભો થઈ ગયો ને ઝાડીમાં પહોંચી ગયો. બુલબુલને બાદશાહનો સંદેશો કહી સંભળાવ્યો. તરત જ બાદશાહ પાસે આવવા બુલબુલ તૈયાર થયું. બુલબુલને જોતાં જ બાદશાહની આંખમાંથી પસ્તાવાનાં આંસુ સરી પડ્યાં. એણે થોથરાતી જીભે કહ્યું, ‘પ્યારા બુલબુલ, મને માફ કર.’ પણ ત્યાં તો બાદશાહની નજીક બેસી બુલબુલ તો કોઈ નવા જ ગીતને લલકારવા લાગી ગયું હતું. ગીતની કડીએ કડીએ બાદશાહના શરીરમાં કોઈ નવો જ ઉત્સાહ ભરાઈ રહ્યો હતો. થોડી વારમાં જ બાદશાહની આંખો મીંચાઈ ગઈ. ખૂબ દહાડે આજે તે ઊંઘી શક્યો. માળી બહાર ચાલ્યો ગયો. બુલબુલ તો ત્યાં સોડમાં જ હતું. સ્વપ્નમાં ફરી પાછી પેલી પરી આવી. એણે બાદશાહને કહ્યું, ‘સુખી ! સુખી ! સુખી !’ અને સવારે બાદશાહ જાગ્યો એની પડેલી દશામાં પણ બુલબુલની સોબતમાં અપૂર્વ સુખ ભોગવવા લાગ્યો. એને પહેલી વાર સમજાયું કે સુખ સાહ્યબીમાં નથી, લક્ષ્મીમાં નથી, પણ કોઈની લાગણી મળે એમાં છે.