ગુજરાતી બાળવાર્તા સંપદા/ચતુર કાગડો

From Ekatra Foundation
Revision as of 04:54, 9 November 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ચતુર કાગડો

મધુસૂદન પારેખ

એક કાગડાના બચ્ચાંને નવીનવી પાંખો ફૂટી હતી. એને હવે આકાશમાં ઊંચેઊંચે ઊડવાની હોંશ હતી. પણ કાગડો તેને શિખામણ આપતો હતો : ‘હજી તને હમણાં જ પાંખ ફૂટી છે માટે ઊડવાનું ધીમેધીમે શરૂ કરવું. ભોંય પર ખોરાક શોધવા ઊતરે ત્યારે માણસજાતથી ખાસ ચેતીને ચાલજે. એ બહુ ઘાતકી જાત છે. એ હાથમાં પથરો ઉપાડે કે તરત ઊડી જ જવું.’ કાગડાનું બચ્ચું કહે : ‘પાપા, તમે ભોળા છો. માણસ પથરો ઉપાડે ત્યાં સુધી રાહ જોવાતી હશે? માણસ વાંકો વળે એટલામાં જ આપણે જોખમ સમજીને ઊડી જવું જોઈએ.’ કાગડો ખુશ થયો. બચ્ચાને કહે : ‘તું હોશિયાર છે. પણ એક વાત ધ્યાનમાં રાખજે. કોઈ આપણાં બહુ વખાણ કરે તો ફુલાઈ જવું નહિ. કેટલાક પોતાના ફાયદા માટે, આપણી ચીજવસ્તુ પડાવી લેવા માટે આપણાં વખાણ કરતા હોય છે.’ બચ્ચું કહે : ‘પાપા, વખાણ તો બધાને ગમે.’ કાગડો કહે : ‘એમાં જ ફસાઈ જવાય છે. એક વાર હું ક્યાંકથી પૂરી ઉઠાવી લાવ્યો હતો ને ઝાડ પર બેસીને ખાતો હતો. ત્યાં એક શિયાળ આવ્યું. મારાં ખૂબ વખાણ કરતું કહે : ‘કાગડાભાઈ, તમારો કાળો વાન કેવો સુંદર લાગે છે. તમારી ચાંચ પણ મજાની અણીદાર છે. તમારો અવાજ પણ મીઠો હશે, ખરું ને?’ પણ તમે કા, કા કા બોલો તો અમારા જેવાને તમારા મીઠા અવાજની ખબર પડે.’ શિયાળના મોઢે વખાણ સાંભળીને મેં ‘કા... કા...’ કર્યું ત્યાં તો પૂરી મારી ચાંચમાંથી નીચે પડી ગઈ અને ધૂર્ત શિયાળ પૂરી લઈને ભાગી ગયું. માટે બેટા, કોઈના વખાણથી ફુલાવું નહિ.’ બચ્ચું કહે : ‘પાપા, તમે ભોળા છો એટલે શિયાળથી છેતરાઈ ગયા.’ કાગડો કહે : ‘તારામાં મારા કરતાંય વધારે અક્કલ છે?’ બચ્ચું કહે : ‘હું ઝાડ પર બેસીને પૂરી ખાતો હોઉં ને શિયાળ કે બિલાડી કે કૂતરો મારા રંગનાં કે મારી ચાંચનાં વખાણ કરે તો હું નિરાંતે સાંભળું. શિયાળ કે બિલાડી કદાચ કહે કે ‘કાગડાભાઈ, તમારો મીઠો અવાજ તો સંભળાવો!’ ‘તો હું શું કરું પાપા, ખબર છે? પૂરી બાજુ પર મૂકીને કા, કા, કા કરું એટલી અક્કલ તો આપણામાં હોવી જોઈએ. નહિતર આપણે કાગડા શેના કહેવાઈએ?’ કાગડો કહે, ‘અમે હવે જૂના જમાનાના કહેવાઈએ. એટલે કાગડા કહેવાઈએ છતાં છેતરાઈ જઈએ.’ કાગડાનું બચ્ચું કહે : ‘હવે તો મને ઊડવાની રજા છે ને?’ કાગડો કહે : ‘હવે તું સમજદાર છે. ઊડ્યા કર. હુંય તારી સાથે છું. આપણે બેય ઊડીએ.’ કાગડો અને તેનું બચ્ચું ઊડવા લાગ્યાં. એ વખતે કોઈ મકાનના ઓટલા ઉપર કોઈ ત્રણેક વર્ષનો છોકરો જલેબી ખાતો હતો. કાગડાનું બચ્ચું કહે : ‘પાપા જલેબી! મારા તો મોઢામાં પાણી આવે છે.’ કાગડો કહે : ‘હું કશીક તરકીબ કરું છું.’ એમ કહીને કાગડો પેલા છોકરાની સામે જઈને કા, કા, કા કરવા લાગ્યો. બાળકે કાગડા સામે જોયું. કાગડો વધારે જોરથી, ‘કા, કા, કા’ કરવા લાગ્યો. પણ બાળકે હાથમાંથી જલેબી છોડી નહીં. કાગડો કંટાળી ગયો. કા, કા, કા કરીને એનું ગળું બેસી ગયું પણ જલેબી મળી નહિ. કાગડો એના બચ્ચાને કહે : ‘બેટા, તારા નસીબમાં જલેબી નથી. ચાલ બીજે જઈએ. કશુંક ખાવા જોગ મળી જશે.’ બચ્ચું કહે : ‘મારે તો જલેબી જ ખાવી છે. હવે હું પ્રયત્ન કરું.’ એમ કહીને કાગડાનું બચ્ચું પેલા બાળકની સામે જોઈને કા, કા, કા કરવા લાગ્યું. પેલો છોકરો બચ્ચા સામે જોઈ રહ્યો, પણ ઊભો થયો નહિ. કાગડાનું બચ્ચું એની પાસે આવીને કા, કા કરવા લાગ્યું. એટલે છોકરો ઊભો થયો. એની પાછળ દોડયો. પણ હાથમાંની જલેબી છોડી નહિ. કાગડાનું બચ્ચું કહે : ‘આય નવા જમાનાનો ઉસ્તાદ છોકરો લાગે છે. જલેબી છોડતો જ નથી.’ કાગડાના બચ્ચાને ખાલી ફાંફાં મારતું જોઈને કાગડાએ કહ્યું : ‘બેટા, રહેવા દે, છોકરો જલેબી નહિ છોડે. જલેબી તો વાસી છે… ચાલ બીજે જઈએ.’ પણ કાગડાનું બચ્ચું કહે : ‘પાપા, એમ વાત પડતી મૂકે તો તે કાગડો શેનો કહેવાય? તમે જરા રાહ જુઓ.’ એમ કહી કાગડાનું બચ્ચું પેલા છોકરાની આસપાસ ઊડાઊડ કરવા લાગ્યું. છોકરો એની પાછળ-પાછળ દોડે, પણ હાથમાંની જલેબી મેલે નહિ. એવામાં કાગડાના બચ્ચાએ ઘૂઘરો પડેલો જોયો. એણે ચાંચમાં ઘુઘરો ઉપાડ્યો એટલે એ રણકી ઊઠ્યો અને પછી ઘુઘરો હીંચકા પર મૂક્યો. એટલે પેલા બાળકે જલેબી પડતી મૂકીને ઘુઘરો લેવા દોટ મૂકી. કાગડાના બચ્ચાએ તરત ચાંચમાં જલેબી ઝડપી લીધી અને ઝાડ પર બેસીને તમાશો જોતા પાપાને કહ્યું : ‘પાપા, જુઓ જલેબી લઈ આવ્યો. જલેબી વાસી નથી ને ખોરીય નથી.’ કાગડો હરખાઈ ઊઠ્યો : ‘બેટા, તમારી પેઢી તો બહુ ઉસ્તાદ પાકવાની, હવે તમારે મારી શિખામણની જરૂર નથી.’ અને પછી કાગડાએ અને એના બચ્ચાએ પ્રેમથી જલેબીની ઉજાણી કરવા માંડી.