ભરત વિંઝુડાની ગઝલસંપદા/નોખો પડે

From Ekatra Foundation
Revision as of 02:52, 26 December 2025 by Meghdhanu (talk | contribs) (જોડણી)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૫૪
નોખો પડે

ના કદી વહેલો પડે ને ના કદી મોડો પડે,
આપણો ઈશ્વર બધાથી કેટલો નોંખો પડે.

તેં ગણેલો દાખલો જોઈ કહ્યું સાચો નથી,
એટલે એવું નથી કે એ બધે ખોટો પડે.

એને કેમેરાની સામે બેસવાનું ના કહો,
જેમ છે એમ જ રહે ત્યારે ખરો ફોટો પડે.

બાગમાં પણ કંઈક અકસ્માતોય એવા થાય છે,
કીડીઓ નીકળે ને ઉપર એક ગલગોટો પડે.

એવી અફવા પાંચ-દસ વરસે જ ફેલાતી હશે,
પૃથ્વીના ગોળા ઉપર એવો બીજો ગોળો પડે.

એટલા માટે ન માન્યો આપનો આભાર મેં,
આપનો આભાર માનું એટલો ઓછો પડે.

(નજીક જાવ તો)