ગુજરાતી બાળવાર્તા સંપદા/રમતી-ભમતી
મીનાક્ષી વખારિયા
અનંતપૂરમાં એક બિલ્લીબેન રહે. એ બિલ્લીબેનને બે બચ્ચાં થયાં. બિલ્લીબેન તો રાજી રાજી થઈ ગયાં. એમણે ‘ઓળીજોળી પીપળ પાન’ ગાઈને બેયનાં નામ પણ પાડ્યાં. એક બચ્ચું આખો દિવસ રમ્યા કરતું એટલે એનું નામ રમતી અને બીજું આખો દિવસ ભમ્યા કરતું એટલે એનું નામ ભમતી પાડ્યું...! એ બેય નાનાં હતા ત્યાં સુધી બિલ્લીબેને બેયનું બહુ ધ્યાન રાખ્યું, પાલનપોષણ કર્યું. કોઈ એમને ઉપાડી ન જાય, ખોવાઈ ન જાય એટલે રાતદિવસ જાગીને રમતી-ભમતીની દેખભાળ કરી. હવે તો રમતી અને ભમતી ખાઈ-પીને એ...યને અલમસ્ત થઈ ગઈ હતી. પોતે પોતાનું ધ્યાન રાખી શકે એવી સમજદાર પણ. રમતી અને ભમતી, બંનેને એક મિનિટ પણ એકબીજા વગર ચાલે નહીં અને સાથે હોય ત્યારે ઝઘડ્યાં વિના રે’ય નહીં. મિયાંઉ મિયાંઉ કરી ઘુરકિયાં કરે અને મારામારી પણ કરે. હવે બિલ્લીબેન તો આ બેયનાં તોફાનોથી ખૂબ કંટાળી ગયાં. “આ શું બેય સગી બહેનો થઈને આખો દિવસ લડ્યા કરો છો? ઘરકામમાં મને મદદ કરવાને બદલે હેરાન કર્યા કરો છો ? તમારી લડાઈ જોઈને મારું તો માથું ભમી જાય છે. જોજોને હ...વે, તમારી વાત છે. આવતીકાલથી જ બંનેને સ્કૂલમાં મોકલી દઉં છું કે નહીં...!” “મમ્મી, એવું ના કરતી. હવેથી અમે તોફાન નહીં કરીએ. તું કહેશે તે કરીશું પણ સ્કૂલમાં ના મોકલીશ.” રમતી-ભમતી કાન પકડીને બોલી. બિલ્લીબેનને તો એટલો ગુસ્સો આવેલો કે કંઈ જ સાંભળ્યું નહીં અને બંનેને સ્કૂલમાં દાખલ કરાવીને જ રહ્યાં. બિલ્લીબેન, બંનેને રોજ સવારે વહેલાં ઉઠાડી તૈયાર કરીને સ્કૂલમાં મૂકી આવે ને સ્કૂલ છૂટે ત્યારે લઈ આવે. શરૂઆતમાં તો રમતી-ભમતી પરાણે તૈયાર થતી પણ સ્કૂલમાં રોજ સવારે એક કપ દૂધ અને રિસેસમાં સરસ મજાનું જમવાનું મળતું. બેયને બહુ ભાવતું ને ગમતું...! ધીમે ધીમે બેયને સ્કૂલ ગમવા લાગી એટલે બિલ્લીબેનને નિરાંત થઈ. “મમ્મી, હવે તું અમને લેવા મૂકવા નહીં આવતી. અમને રસ્તાની ખબર પડી ગઈ છે. અમે જાતે જ જઈશું ને આવીશું.” રમતી-ભમતીએ ડાહી ડાહી થઈને મમ્મીને કહ્યું. “એય રમતી-ભમતી, તમને તો રસ્તો ઓળંગતા પણ નથી આવડતો. આ રમતી તો કેવી છે, સ્કૂલે જતાં રસ્તામાં જ ક્યાંક રમવામાં રોકાઈ રહેશે અને ભમતી તું ભમવામાં ભટકી જશે. ને પછી સ્કૂલમાંથી ફરિયાદ આવશે. બોલો તમે જ, હું એ લોકોને શું જવાબ આપીશ?” તરત જ બંને બહેનો એક સાથે બોલી પડી, “ક્યા મમ્મી, તેરે કો રમતી-ભમતી પર ભરોસા નહીં હૈ? તેરી અપની બેટીયોં કો જાનતી નહીં ક્યા?” બિલ્લીબેન કપાળે હાથ દેતાં બોલ્યા, “ભરોસો તો ત્યારે કરું જ્યારે તમે રમવા-ભમવાનું ભૂલી ભણવામાં ધ્યાન આપો. આ વખતે જો તમારી પરિક્ષાનુ પરિણામ સારું નહીં આવેને તો તમારું સાંજનું ટીવી પણ બંધ..!” રમતી-ભમતી : “મમ્મી તું ખોટી ચિંતા કરે છે. અમને કહે, આજ સુધી અમારાં નામે કોઈ ફરિયાદ આવી છે, ખરી? અમે રોજનો અભ્યાસ રોજ જ કરીને જઈએ છીએ. અમારાં ટીચર તો હવે અમને પહેલી બેંચ પર બેસાડે છે. આ એકવાર, અમારી વાત માની જા. કંઈપણ થાય, બસ હવેથી અમે જાતે જ સ્કૂલમાં જવાનાં એટલે જવાનાં.” ખરેખર, તે દિવસથી રમતી-ભમતી જાતે જ સ્કુલે જતાં-આવતાં થયાં. મન દઈને ભણવા પણ લાગ્યાં. શાળાની બીજી પ્રવૃતિમાં તેમ જ શાળા તરફથી યોજાતી હરીફાઈઓમાં પણ હોંશે હોંશે ભાગ લેતાં થઈ ગયાં. આ વખતની દોડવાની હરીફાઈમાં રમતી પ્રથમ નંબરે આવી. ભમતી જરા માટે પાછળ રહી ગઈ એટલે એ તો રિસાઈને રડતી રડતી ઘરે જતી રહી. રમતી હરીફાઈમાં પ્રથમ આવી એટલે તેને સ્કૂલ તરફથી ઈનામમાં એક સાયકલ મળી. સાયકલ પર એક મજાની ઘંટડી પણ લાગેલી. એ તો ખુશ થતી, ટ્રીંગ ટ્રીંગ, ઘંટડી વગાડતી સાયકલ પર બેસીને ઘરે આવી. ટ્વીંગ ટ્રીંગનો અવાજ સાંભળી બિલ્લીબેન અને ભમતી, દોડતાં બહાર આવી ગયાં. રમતી બોલી, “મમ્મી જો, દોડવાની હરીફાઈમાં હું પ્રથમ આવી એટલે મને સાયકલનું ઈનામ મળ્યું. હવેથી હું અને ભમતી, રોજ સાયકલ પર બેસીને સ્કૂલે જવાનાં.” ભમતી પણ સાયકલ જોઈને ખુશ થઈ ગઈ. આગળ આવીને તેણે પણ ટ્રીંગ ટ્રીંગ ઘંટડી વગાડી. ઘંટડીનો અવાજ સાંભળી એ તો તાળીઓ પાડતી ભમ્મર ભમ્મર ભમવા લાગી. રમતીને તો સાયકલ પર ચક્કર લગાવવાની મજા પડી ગઈ. ભમતી તેની પાછળ દોડતી જાય ને બોલતી જાય, “ઓ રમતી, મને પણ એકવાર સાયકલ આપને. હું પણ ચલાવી જોઉં.” ને રમતી તેને ડીંગો બતાવતી સાયકલને દોડાવી મૂકી. “એં...એં મમ્મી, જોને આ રમતી મને સાયકલ નથી આપતી...એં...એ...” ભમતી રડતી રડતી મમ્મીને ફરિયાદ કરવા લાગી. “રમતી-ભમતી, બંને જણાં વારો વારો રમો, જોઈએ.” બિલ્લીબેને રસોડામાં બેઠે બેઠે જ કડક અવાજે, બેયને સમજાવવાનો પ્રયત્ન કર્યો. પણ એમ આ રમતીબેન માને તોને? રમતી તો ભમતીને ચીડવવા જોર જોરથી પેડલ મારી સાયકલ ભગાવવા લાગી. એમ કરતાં એ બહુ દૂર નીકળી ગઈ. તે પાછું ફરીને જોવા ગઈ કે ભમતી, હજી પણ પીછો કરતી પાછળ આવે છે કે નહીં? એમ પાછું ફરીને જોતાં જોતાં એનાથી સાયકલ ચલાવવા પર ધ્યાન ન રહ્યું, રસ્તા વચ્ચે પડેલાં એક મોટા પથ્થર સાથે તેની સાયકલ અથડાઈ ગઈ અને રમતીબેન ઉછળીને રસ્તાની બીજી બાજુએ જઈ પડ્યાં. ધીરે ધીરે પાછળ પાછળ આવી રહેલી ભમતીએ આ જોયું. એ દોડીને રમતી પાસે પહોંચી ગઈ. તેને ટેકો આપી બેઠી કરી પણ એ બેસી ન શકી. રમતીને બહુ માર લાગેલો. એ પોતાની જાતે ઊભી થઈ શકતી નહોતી. “ઓય મારી મા, મને બહુ દુખે છે. હું ચાલી પણ નથી શકતી. હું કેવી રીતે ઘરે જઈશ?” રમતી, ભેંકડો તાણીને રડવા લાગી. “છાની રહી જા. રડવાનું નહીં. હું છુંને...! ભમતીએ એને છાની રાખતા ઊભી કરીને રસ્તાની એક બાજુએ બેસાડી પછી જ્યાં સાયકલ પડી હતી ત્યાં દોડતી ગઈ. સાયકલ ચેક કરી એ તો બરાબર જ હતી એટલે સાયકલ લઈને રમતી પાસે આવી. રમતીને સાચવીને કેરિયર પર બેસાડી અને પોતે સાયકલ પર સવાર થઈને ઘરે આવી. ટ્રીંગ ટ્રીંગ, ઘંટડી વગાડી એટલે બિલ્લીબેન દોડતાં બહાર આવ્યા અને ગુસ્સો કરવા લાગ્યા, “ક્યારના ક્યાં ભટકો છો બંને જણાં? સાયકલ આવી એટલે શું મન ફાવે તેમ રખડ્યા કરવાનું?” બિલ્લીબેનનો ગુસ્સો જોઈ રમતી તો મોટેથી રડી પડી. “ઓય...વોય મારી મા, હું પડી ગઈ. મને બહુ દુખે છે. શું થયું એ તો પૂછ પહેલાં?” મમ્મીનો ગુસ્સો અને રમતીનું રડવાનું ચાલતું હતું ત્યાં ભમતી ભાગીને બાજુવાળા ડૉક્ટર અંકલને બોલાવી લાવી. રમતીને તપાસીને ડૉકટરે પાટાપીંડી કરી આપી ને થોડી દવાઓ લખી આપી. અઠવાડિયા સુધી આરામ કરવાનો. ક્યાંય જવાનું નહીં એવી સૂચના આપીને તેઓ જતા રહ્યા. પથારીમાં પડ્યાં પડ્યાં રમતીને બહુ પસ્તાવો થયો. પોતાની બહેનને સાયકલ ન આપી ને બિચારીને કેટલું દોડાવી. તેનું ધ્યાન રાખવા પાસે જ બેઠેલી ભમતીને, “સોરી બેના, મેં તને બહુ હેરાન કરી. મને માફ કરી દે. તું કેટલી સારી છે. મેં તને પાર વગરનું સતાવી તોય મને બચાવીને તું ઘરે લઈ આવી. ડૉકટરને બોલાવ્યાં. તું મારું કેટલું ધ્યાન રાખે છે. તારો તો જેટલો માનું તેટલો આભર ઓછો જ પડવાનો." બોલતાં રમતી રડી પડી. ભમતી તેને ભેટી પડી ને બોલી, “અરે એવું તો ચાલ્યા કરે. મારી બહેનનું ધ્યાન રાખવું એ તો મારી ફરજ છે. આપણે બહેનો બહેનો મસ્તી-તોફાન, લડાઈ-ઝઘડા નહીં કરીએ તો કોણ કરશે?” રમતી બોલી, “ભમતી, સાચી વાત છે તારી...! આમ પણ મારે થોડાં દિવસ ઘરમાં આરામ કરવાનો છે. આવતીકાલથી તું સાયકલ લઈને સ્કૂલે જજે. ટીચર જે શીખવાડે તે તું, ઘરે આવીને મને ભણાવજે. જેથી મારું ભણવાનું બગડે નહીં. જોજે પાછી સાયકલ લઈને ભમવા નહીં નીકળી પડતી.” એ સાંભળી રમતીને તાળી દેતાં ભમતી ખડખડાટ હસી પડી. .....અને રમતી-ભમતીને હસતીરમતી જોઈ બિલ્લીબેન મલકાઈ ઉઠ્યાં.