રસસિદ્ધાંત—એક પરિચય/ભરતની રસવિચારણા

From Ekatra Foundation
Revision as of 03:34, 3 February 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૬. ભરતની રસવિચારણા

અગાઉ નોંધ્યું છે તેમ, રસવિચારણાના ઇતિહાસમાં ભરતની નાટ્યરસની વિચારણા, આ વિશેની ઉપલબ્ધ વિચારણાઓમાં સૌથી પ્રાચીન છે. લોલ્લટાદિની રસવિચારણા તેમના પ્રસિદ્ધ રસસૂત્રની વ્યાખ્યા વિચારણા રૂપે, કહે કે અર્થઘટનરૂપે વિકસી છે. રસ વિશે ભરતની ચર્ચા સંક્ષિપ્ત પણ એટલી શાસ્ત્રીય રૂપની છે કે, આજના વિદ્વાનો ભરતની પહેલાં રસની વ્યવસ્થિત ચર્ચા આરંભાઈ હોય એમ માનવા પ્રેરાયા છે. આપણે એ પણ નોંધ્યું છે કે, રસ એ જ નાટ્યનું પરમ પ્રયોજન છે, અને એ જ તેનું પ્રાણતત્ત્વ છે, એમ કહી ભરતે તેનું અપૂર્વ ગૌરવ કર્યું છે. નાટકમાં ભાવ અભિનય આદિ સર્વે તત્ત્વો રસનિષ્પત્તિ અર્થે જ આવે છે, અને તેને સમર્પક બનીને જ સાર્થક બને છે. આમ નાટ્યમાં તેમણે રસનું અનન્ય સ્થાન સ્વીકાર્યું, એ તેમની વિચારણાનો અત્યંત નોંધપાત્ર મુદ્દો છે. પણ રસનિષ્પત્તિની પ્રક્રિયા તેમ જ રસના સ્વરૂપ વિશે ભરતની ચર્ચા પ્રમાણમાં સંક્ષિપ્ત અને અ-વિકસિત રહી છે. ભરતે ‘નાટ્યરસ’નો પોતાનો ખ્યાલ સ્પષ્ટ કરવા ‘ભોજ્યરસ’નું દૃષ્ટાંત આપ્યું છે : ‘યથા હિ નાનાવ્યઞ્જનૌષધિદ્રવ્યસંયોગાદ્રસનિષ્પત્તિઃ તથા નાનાભાવોપગમાદ્રસનિષ્પત્તિઃ | યથા હિ ગુડાદિભિર્દ્રવ્યૈર્વ્યઞ્ચનૈરૌષધિમિશ્ચ ષાડવાદયો રસા નિર્વર્ત્યન્તે તથા નાનાભાવોપગતા અપિ સ્થાયિનો ભાવા રસત્વમાપ્નુવન્તીતિ |’ (ના.શા., pp. ૨૮૭-૮૮) અર્થાત્‌, જુદા જુદા પ્રકારનાં વ્યંજનો ઔષધિઓ અને દ્રવ્યોના સંયોગથી જે રીતે રસ નિષ્પન્ન થાય છે, તે જ રીતે જુદા જુદા ભાવોના સંયોગથી રસ નિષ્પન્ન થાય છે. ગોળ વગેરે દ્રવ્યો વ્યંજનો અને ઔષધિઓમાંથી જે રીતે છ રસો નિર્માણ થાય છે, તેવી જ રીતે સ્થાયિભાવ પણ જુદા જુદા ભાવો સાથે સંયોજાઈને રસત્વ પ્રાપ્ત કરે છે. આ સંદર્ભમાં ભરત આગળ સમજૂતી આપતાં કહે છે : ‘યથા હિ નાનાવ્યજ્જનસંસ્કૃતમન્નં ભુજ્જાનાં રસાનાસ્વાદયન્તિ સુમનસઃ પુરૂષા હર્ષાદીશ્ચાધિગચ્છન્તિ તથા નાનાભિનયવ્યજ્જિતાન્‌ વાગઙ્‌ગસત્ત્વોપેતાન્‌ સ્થાયિભાવાનાસ્વાદયન્તિ સુમનસઃ પ્રેક્ષકાઃ હર્ષાદીશ્ચાધિગચ્છન્તિ | તસ્માન્ન્ગ્યરસ ઈત્યભિવ્યાખ્યાતાઃ |’ (ના. શા., pp. ૨૮૮–૮૯) અર્થાત્‌, જુદાં જુદાં વ્યંજનોથી રસાયેલા અન્નનો ઉપભોગ કરતા સુમનસ્‌ પુરુષો જે રીતે રસોનો આસ્વાદ લે છે, અને હર્ષાદિનો અનુભવ કરે છે, તેવી જ રીતે સુમનસ્‌ પ્રેક્ષક પણ વિવિધ ભાવો અને અભિનયો દ્વારા—વાચિક, આંગિક અને સાત્ત્વિક અભિનયોથી વ્યંજિત–સ્થાયિભાવોને આસ્વાદે છે, અને હર્ષાદિનો અનુભવ કરે છે. એને જ ‘નાટ્યરસ’ તરીકે ઓળખાવવામાં આવે છે. અહીં આપણે જોઈ શકીશું કે ભરતે ‘નાટ્યરસ’ એવી વિશિષ્ટ સંજ્ઞા પ્રયોજી છે, અને નાટ્યપ્રયોગના સંદર્ભમાં જ તેઓ રસના તત્ત્વનો વિચાર કરી રહ્યા છે. બીજું, સુમનસ્‌ પ્રેક્ષકો આ ‘નાટ્યરસ’નો આસ્વાદ લેતા હોય છે, એમ તેઓ કહે છે. ત્રીજું, એ ‘નાટ્યરસ’માં સ્થાયિભાવ જ આસ્વાદની મુખ્ય સામગ્રી છે. ‘ભોજ્યરસ’ના દૃષ્ટાંતમાં આસ્વાદની મુખ્ય સામગ્રી તો અન્ન છે અને જુદાં જુદાં વ્યંજનાદિ એને રોચકતા વધારવામાં ફાળો આપે છે; કંઈક તેવી જ રીતે ‘નાટ્યરસ’ની બાબતમાં સ્થાયિભાવ આસ્વાદની મુખ્ય સામગ્રી બની રહે છે, અને વિભાવાદિ તેમાં માત્ર રોચકતા ઉમેરે છે. તાત્પર્ય કે, ‘નાટ્યરસ’નો મુખ્ય સ્રોત સ્થાયિભાવ જ છે, એટલે વિભાવાદિરૂપ બીજી બધી સામગ્રી તેને અવલંબીને અને તેને અર્થે જ પ્રયોજાય છે. આ દૃષ્ટાંતમાંથી એમ પણ તારવી શકાય કે અન્ન આદિ ૫દાર્થોથી ‘ભોજ્યરસ’ જે રીતે અનેરો સ્વાદ પ્રાપ્ત કરે છે, તે જ રીતે ભાવ, વિભાવ આદિના પરિપાક રૂપ ‘નાટ્યરસ’ પણ અનેરો સ્વાદ ધરાવે છે. ભરતના રસસૂત્રના વ્યાખ્યા કરનારા આચાર્યોમાં લોલ્લટ, શ્રીશંકુક અને ભટ્ટ નાયકના રસવિચારણાના મૂળ ગ્રંથો હજી ઉપલબ્ધ બન્યા નથી. પણ અભિનવના બે ગ્રંથો ‘લોચન’ અને ‘અભિનવભારતી’, ઉપરાંત મમ્મટના ‘કાવ્યપ્રકાશ’ને આધારે તેમની દરેકની ભૂમિકા રચવામાં આવી છે.