કુંવરબાઈનું મામેરું/કડવું ૪

From Ekatra Wiki
Revision as of 06:04, 29 October 2021 by MeghaBhavsar (talk | contribs)
Jump to navigation Jump to search
કડવું ૪

રમણ સોની


[પુત્રીને છે એવી મૂંઝવણ ભક્ત પિતાને નથી : ભગવાનને એ ‘દુઃખવેળા સંભારજે...’એ વચન યાદ કરાવીને કહે છે – ‘ત્રિકમજી ત્રેવડમાં રહેજો...’ કવિની શબ્દશક્તિ જુઓ : જે ત્રિ-વિક્રમ હોય એણે જ વળી ત્રેવડમાં રહેવાનું – જવાબદારી એની જ!
મામેરું કરવા જતા નરસિંહ-વાળો પ્રસંગ કવિકૌશલથી તાદૃશ થયો છે! ઉપહાસને ન ગણકારતી પ્રબળ શ્રદ્ધાનો એ વૈભવછે]


(રાગ ધન્યાશ્રી)
ખોખલે પંડ્યે પત્ર જ આપ્યું મહેતાજીને હાથ જી;
વધામણી કાગળમાં વાંચી સમર્યા વૈકુંઠનાથ જીઃ          ૧

‘મામેરું પુત્રીને કરવું, ઘરમાં નથી એક દામ જી;
ત્રિકમજી! ત્રેવડમાં રહેજો, દ્રવ્ય તણું છે કામ જી.’          ૨

ભોજન કરાવી દક્ષિણા આપી, મહેતો લાગ્યા પાય જીઃ
‘મોસાળું લેઈ અમો આવશું’, પંડ્યો કીધા વિદાય જી.          ૩

નરસિંહ મહેતે ઘેર તેડાવ્યા સઘળા વૈષ્ણવ સંત જી :
‘મોસાળું લેઈ આપણે જાવું, કુંવરબાઈનું છે સીમંત જી.’          ૪

જૂની વહેલ ને ધૂંસરી વાંકી, સાંગી સોટાએ ભાંગી જી;
કોના તળાવા ને કોની પીંજણી, બળદ આણ્યા બે માંગી જી.          ૫

મહેતોજી મામેરે ચાલ્યા, સમર્યા શ્રીજગદીશ જી;
ત્રણ સખી સંગાથે લીધી, વેરાગી દસવીસ જી.          ૬

દાબડી ત્રાંબાની સાથે લીધી, તેમાં બાલમુકુંદ જી;
કંઠે હાર કરીને બાંધ્યા દામોદર નંદાનંદ જી.          ૭

વહેલની પૂંઠે કોથળો બાંધ્યો, માંહે ભર્યાં વાજિંત્ર જી;
ગાંઠડી એક ગોપીચંદનની, છે તુલસીકાષ્ઠ પવિત્ર જી.          ૮

મોસાળાની સામગ્રીમાં તિલક, તુલસી ને માળ જી;
નરસૈંયો છે નિર્ભય મનમાં, ભોગવશે ગોપાળ જી.           ૯
બળહીણા બળદો શું હીંડે? ઠેલે વૈષ્ણવ સાથ જી;
શોર પાડે ને ઢાળ ચઢાવે : જય જય વૈકુંઠનાથ જી.          ૧૦

એક બળદ ગળિયો થઈ બેસે, આખલો તાણી જાય જી;
પડ્યાને પૂંછ ગ્રહી ઉઠાડે, કૌતુક કૌટિક થાય જી.          ૧૧

સાલે સાલ જૂજવાંં દીસે રથ તણાં જે વક્ર જી;
સાંગીના બહુ શબ્દ ઊઠે, ચીંચૂએ બહુ ચક્ર જી.          ૧૨

ચઢે, ઊતરેે ને વળી બેસેે, લે રામકૃષ્ણનું નામ જી;
મધ્યાહ્‌ને મહેતોજી પહોંત્યા, જોવા મળ્યું સહુ ગામ જી.          ૧૩

શું જાણે વૈષ્ણવનો મારગ વિષયી પુરના લોક જી?
કોડ પહોંત્યા કુંવરવહુના, મામેરું છે રોક જી.          ૧૪
વલણ

રોક મામેરું મહેતોજી લાવ્યા, જુઓ વૈષ્ણવની વિસાત રે;
એકેકી માળા આપશે, ત્યારે પહેરશે નાગરી નાત રે.’          ૧૫