સુદામાચરિત્ર/આસ્વાદલક્ષી અભ્યાસ

From Ekatra Wiki
Revision as of 18:18, 17 November 2021 by Atulraval (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


નિર્મળ મનુષ્યની ગાથાનું કાવ્ય

મધ્યકાળના મહાકવિ પ્રેમાનંદે પોતાનાં આખ્યાનોને રસપ્રદ બનાવવા માટે રામાયણ, મહાભારત જેવાં મહાકાવ્યો ને ભાગવત જેવાં પુરાણમાંથી કથાનકો પસંદ કરીને તેને પોતાના મૌલિક અભિગમથી આલેખ્યાં છે, ને એમ કરીને તેણે મધ્યકાલીન શ્રોતાઓનું માત્ર મનોરંજન જ નથી કર્યું, પણ એ દ્વારા સહજ રીતે માનવમૂલ્યોનું યશોગાન કરીને મહાકવિને છાજતું દર્શન પણ પ્રગટ કર્યું છે. એ અર્થમાં પ્રેમાનંદ મધ્યકાળનો મોટો કવિ ઠરે છે. ‘કુંવરબાઈનું મામેરું’ ને ‘નળાખ્યાન’ની જેમ ‘સુદામાચરિત્ર’ પણ પ્રેમાનંદની યશોદાયી કૃતિ છે. આ કૃતિને આપણા વિવેચકોએ ‘મૈત્રી કાવ્ય’, ‘ભક્તિકાવ્ય’ ગણાવીને એનું અનેક રીતે મૂલ્યાંકન કર્યું છે. ‘સુદામાચરિત્ર’માં મૈત્રી ને ભક્તિનો, કહો કે ભક્તિપૂર્ણ મૈત્રીનો મહિમા અવશ્ય થયો છે. પણ પ્રેમાનંદનાં ‘મામેરું’, ‘નળાખ્યાન’ જેવાં આખ્યાનોમાંથી પસાર થતાં આપણને જે તરત નજરે ચડે છે તે છે નિર્મળ મનુષ્યનું મહિમાગાન કરવાની પ્રેમાનંદની વૃત્તિ. પ્રેમાનંદ પ્રભાવિત થયો છે નળ ને યુધિષ્ઠિર જેવા પુણ્યશ્લોક રાજર્ષિઓથી ને નરસિંહ તેમ જ સુદામા જેવા સંસારની મધ્યમાં રહીને ‘વર્ત્યા જાય તે ઉપરછલ્લા’ રહીને ‘અસંગ’ પ્રમાણિત થતા વિરલ સાધુજનોથી. ‘સુદામાચરિત્ર’ માં પ્રેમાનંદને ગાવો છે આવા ચરિત્રનો મહિમા. આવું ‘સુદામાચરિત્ર’ પ્રેમાનંદનું એક ઉત્તમ આખ્યાન બની રહ્યું છે તેની કથાસંકલનાથી, પાત્રચિત્રણકળાથી, વર્ણનોનો ચિત્રાત્મક્તાથી, અલંકારોની સમુચિત ગોઠવણીથી ને કાવ્યમાં સિદ્ધ થતી વ્યંજનાથી. ‘સુદામાચરિત્ર’ નો આરંભ થાય છે સાંદીપનિ ઋષિના આશ્રમમાં બલરામ-કૃષ્ણના વિદ્યાપ્રાપ્તિ હેતુ થયેલા આગમનથી, જ્યાં ‘વડા’ વિદ્યાર્થી તરીકે ‘ઋષિ’ સુદામાની નિયુક્તિ થયેલી છે. ગુરુ સાંદીપનિની મનુષ્યમાં પડેલી અનંત શક્યતાની ઓળખનો આડકતરો પરિચય કરાવીને પ્રેમાનંદે એમના ગુરુત્વનો મહિમા કરી દીધો છે. પ્રેમાનંદ લાઘવનો કવિ હોવાની પ્રતીતિ પહેલા જ કડવામાં થઈ જાય છે. સુદામાનો પરિચય, બલરામ-કૃષ્ણ-સુદામાની ઉત્તરોત્તર ગાઢ થતી ગયેલી મૈત્રી, બલરામ-કૃષ્ણનું વિદ્યાપ્રાપ્તિ કરીને વિદાય થવું, વિદાય લેતી વેળાએ કૃષ્ણનું સુદામાને ‘મા’નુભાવ! ફરીને મળજો’ કહીને સૂચક રીતે પોતા પાસે આવવાનું નિમંત્રણ દેવું, ‘સદા તમારા ચરણ વિશે રહેજો મનસા મારી’ કહેતા ‘ઋષિ’ સુદામાની અનાસક્તિ વ્યક્ત કરીને તેમની નિર્મળતાનાં ફૂટું ફૂટું થતાં બીજનો પરિચય કરાવવો, ને બંને મિત્રોનું પોતપોતાના જીવનમાં સ્થિર થવું – આટલી ઘટનાઓ એકસાથે અહીં ઘટે છે. સુદામાથી છૂટા પડીને કૃષ્ણ દ્વારકાના અધિપતિ બને છે ને બીજી બાજુ સુદામાનો પરિવાર અન્ન વિના ટળવળે છે. આવા વિષમ સંજોગોમાં સુદામાની પત્ની ધીરજ ને સલુકાઈથી માંડ માંડ પોતાની ગૃહસ્થી નિભાવે છે. પણ છેવટે એ વિવશ બનીને પોતાના દેવતુલ્ય પતિ સમક્ષ પોતાની વ્યાવહારિક મૂંઝવણો તારસ્વર વ્યક્ત કરે છે. પતિ સાથેના તેના સંવાદમાં તેનું કોમળ, ગરિમાયુક્ત, એક આચારનિષ્ઠ ગૃહસ્થી નારીનું પ્રેમાનંદે આંકેલું ચિત્ર સહૃદયના ચિત્તને રણઝણાવી દે એ રીતની અભિવ્યક્તિ પામ્યું છે. સુદામાનાં જ્ઞાન ને ઋષિત્વનો એ અનહદ આદર કરે છે, પણ વ્યવહાર ને પરિવારની જાળવણી માટે આર્થિક ઉપાર્જનની અનિવાર્યતા પર ભાર દેતાં વિનીતભાવે પતિને કૃષ્ણ પાસે જવા એ વિવિધ દલીલોથી ઉદ્દીપ્ત કરે છે. તેની એ દલીલોમાં વિવેકપૂર્ણ વ્યવહારુતા છે, અભિજાત જીવનદૃષ્ટિ છે, ભવિષ્યના જીવનને લક્ષતી દીર્ઘદૃષ્ટિ છે, જીવન પ્રત્યેનો ગૌરવશીલ અભિગમ છે ને સુદામાની પત્નીને છાજતું ઔચિત્ય છે. પત્નીની દલીલોના પ્રત્યુત્તરમાં સુદામાએ વ્યક્ત કરેલી ભાવનામાં એક ખાનદાન બ્રાહ્મણનું વ્યક્તિત્વ ભર્યું છે. ‘જાચતાં જીવ જાય’માં માનતો આ અજાચક વ્રતધારી ઋષિ, પત્નીની મૂંઝવણને પૂરેપૂરી સમજવા છતાં પોતાના સિદ્ધાંતને છોડવા રાજી નથી. પણ પત્ની પ્રત્યેના પ્રેમને લઈને છેવટે એ કૃષ્ણને મળવા માટે પોતાનાં ચરણ ઉપાડે છે, ખાલી હાથે નહીં પણ કૃષ્ણનાં બાળકો માટે તાંદુલથીય હલકા પ્રકારના ‘કાંગવા’ પડોશણ પાસેથી માગીને – ભરેલા હાથે.

‘સુદામાચરિત્ર’માં પ્રેમાનંદે અવારનવાર સામસામેની પરિસ્થિતિઓ મૂકીને વિરોધ નિષ્પન્ન કર્યો છે, જેથી એક બાજુ આખ્યાનમાં રંગત જામે છે ને બીજી બાજુ હાસ્ય ને કરુણ રસ ભાવકને હસતાં હસતાં રડાવી જાય છે. અહીં એક બાજુ છે ગરીબ સુદામો ને બીજી બાજુ સુવર્ણની ઝળહળતી નગરી દ્વારકા! જેમાં પ્રવેશતાંવેંત સુદામાને

‘જાદવ સ્ત્રી તાળી દઈ દઈ હસે,
ધન્ય એ નગર જ્યાં આવો નર વસે’

આ પ્રકારનો વ્યંગાત્મક સત્કાર સાંપડે છે. બાળકો કાંકરીચાળા કરતાં સુદામાનો પીછો પકડે છે ને નગરજનોનાં વીંધી નાખે એવાં વ્યંગબાણોની વચ્ચે ‘ભાવકની આંખો અશ્રુભીની બને છે ત્યારે ‘તો યે ઋષિજી હસતા જાય’ એવા સુદામાનો કૃષ્ણ દ્વારા સત્કાર થવો તો બાકી છે એની રાહમાં ભાવક કુતૂહલવશ છે. બરાબર એ જ ક્ષણે એક બીજો વિરોધ પ્રેમાનંદે આલેખ્યો છે. એકાદા સમજુ જણની મદદથી માંડ માંડ કૃષ્ણદ્વારે પહોંચેલો સુદામો દાસીને પોતાની ઓળખ આપીને કૃષ્ણને પોતાના આગમનની જાણ કરે છે. એક બાજુ પ્રતીક્ષારત સુદામો છે, વચ્ચેનું દ્વાર બંધ છે ને એની પાછળ અનેક રાણીઓ ને પટ્ટરાણીઓથી ઘેરાયેલા, સોનાને હીંચકે પોઢેલા, સુખમાં ઝકઝોર એવા કૃષ્ણ છે. એ ક્ષણે દાસીમુખેથી સુદામાના આગમનને જાણીને

‘હેં હેં કરતો ઊઠ્યો શામળિયો’,
આવ્યો સુદામો! હું દુઃખિયાનો વિસામો’

એવું ઉદ્‌ગારીને પડતા-આખડતા દોડતા કૃષ્ણનું ચિત્ર આલેખીને પ્રેમાનંદે આડો આંક વાળી દીધો છે! જોવાનું તો એ છે કે દુઃખિયો જણ તો બહાર ઊભો છે ને સુખિયો જણ પોતાને આ ક્ષણે દુઃખિયા તરીકે ઓળખાવે છે! પ્રેમાનંદને કહેવું તો એ છે કે આટલાં સુખ વચ્ચે પોતાને સમજે એવું જણ કૃષ્ણને વર્ષો પછી આજે સાંપડ્યું છે! હવે એ સાચા અર્થમાં સુખિયા થશે. સુદામાની ઠઠ્ઠા ઉડાડતા ભેગા થયેલા લોકની વચ્ચે સુદામાનાં ચરણમાં કૃષ્ણે માથું મૂકી દીધું છે ત્યારે હસી પડવાની ક્ષણે આ ‘ઋષિ’ સંક્ષાભ પામીને રડી પડ્યો છે! સુદામા પર ઓળઘોળ થયેલા કૃષ્ણ તેનું સન્માન કરતાં કહે છે,

‘ઋષિ પાવન કર્યું મુજ ગામ રે,
હવાં પવિત્ર કરો મુજ ધામ રે;’

ને સુદામાને અંદર લઈ જઈને તેની સેવા કરતા કૃષ્ણનું ચિત્ર આલેખતા પ્રેમાનંદે ભક્ત ને ભક્તિનો મહિમા કરતું અનેરું ચિત્ર દોરીને ભાવકને ધન્ય કરતાં કરતાં જીવતરનો મર્મ પણ આલેખી દીધો છે.

‘સુખ સજ્જાએ ઋષિ બેસાડી
ચંમર કરે છે ચક્રપાણિ.’

જેના હાથમાં કાયમ ચક્ર હોય છે એવા સમ્રાટ-શા કૃષ્ણ આજે સુદામાના ઋષિત્વને અખંડ રહેલું જોઈને તેને ચામર ઢોળવા બેસી ગયા છે. આ છે અસંગત્વનો મહિમા! ભક્ત સુદામા નથી, ભક્ત તો છે કૃષ્ણ, મિત્રના ભક્ત. મિત્રના ઋષિત્વના આરાધક. હા, ચામર ઢોળતાં ઢોળતાં કૃષ્ણે સુદામાનાં ઋષિત્વને એક ચિકિત્સકની અદાથી ચકાસ્યું છ.ે દૂબળા પડી ગયેલા ભગતને વારંવાર કૃષ્ણ એમનાં દુઃખો અંગે પૂછે છે પણ સુદામા એમ પકડાય તેમ નથી. કૃષ્ણે પૂછેલાં બધાં જ દુઃખો સુદામાએ ભોગવ્યાં હોવા છતાં એને મન દુઃખ એક જ છે ‘નથી કૃષ્ણજી પાસે.’ પણ હવે એ મળ્યા તેથી ‘દેહડી પુષ્ટ જ થાશે. તો એ જ રીતે કૃષ્ણ અને ભૂતકાળ યાદ કરાવતાં પોતે તે બલરામ એની પાસે શીખતા એવું સુદામાને નમ્રતાપૂર્વક જણાવે છે ત્યારે અભિજાત ગણી સુદામાનો ઉત્તર છે તેમ, ‘મને મોટો કીધો મહારાજ, મને કેમ વીસરે રે!’ કૃષ્ણની માયાજાળને અતિક્રમતા સુદામાનું ઋષિત્વ અખંડ રહેલું જોઈને કૃષ્ણ તેના પ્રતિ લળી-ઢળીને પોતાનું તમામ સુખ તો તેને અર્પે જ છે પણ પ્રેમાનંદને મન જે અંતિમ સુખ સુદામાને મળ્યું તે કયું? સુદામાએ લાવેલા તાંદુલ તેના હાથમાંથી ઝૂંટવીને સોનાની થાળીમાં તેને ઠાલવતા કૃષ્ણે તેને આપ્યું તે આઃ ‘વેરાયા કણ ને પાત્ર ભરાયું’ મુઠ્ઠીભર તાંદુલના બદલામાં સુદામાને કૃષ્ણે મુક્ત કરી દીધા ગરીબાઈથી, ને સંસાર સુધ્ધાંથી. તેના ઋષિત્વને સાંપડેલું આ અંતિમ વરદાન હતું. આ બંનેને જોઈ રહેલી રાણીઓમાં ખાસ તો સત્યભામા સુદામાની માર્મિર્ક મજાક કરે છે ત્યારે સાવધાન છે માત્ર રુક્મિણી. સુદામાને રાણીઓ સુધ્ધાં આપી દેવા ઇચ્છતા કૃષ્ણને વારતાં એ કહે છે, ‘અમે અન્યાય શો કીધો નાથ?’ આમ કહીને કૃષ્ણને રોકવાનું સામર્થ્ય માત્ર રુક્મિણીનું જ દર્શાવીને પ્રેમાનંદે એ બંનેનાં દામ્પત્યનેય વધાવી લીધું છે. ઝગમગતી દ્વારકાનગરીનું, સુદામાની ગરીબાઈનું, કૃષ્ણના સુખનું, ને પાછા ફરેલા સુદામાની સમૃદ્ધિનું પ્રેમાનંદે કરેલું વર્ણન, તેની વર્ણનકલાની ક્ષમતા સૂચવે છે. તો, એકાદ લસરકાથી સમજદાર કૃષ્ણ દાસીનું, સુદામા-પત્નીને તાંદુલ આપતી ભલી પડોશણનું પાત્ર આલેખતા પ્રેમાનંદની નિરીક્ષણશક્તિ તેને સમાજનો સાચો આલેખક ઠેરવે છે. ‘માધવ સાથે મિત્રાચાર’, ‘દ્રુમ દરિદ્રનાં’, ‘ચમર કરે છે ચક્રપાણિ’ જેવા અલંકારોમાં માત્ર શબ્દચાતુર્ય નથી પણ જીવતરનું વિરલ અર્થઘટન છે. ઘેર જઈને માંડ માંડ પત્નીને ઓળખતો સુદામો તેની સાથે આલિંગનબદ્ધ બનીને પતિ તરીકે તેને ઉચિત ન્યાય આપવાની ક્ષણે પણ એનાં ઋષિત્વને ગૃહસ્થી સાથે સમન્વિત કરીને સાચા અર્થમાં અસંગ પુરુષ પ્રમાણિત થયો છે. આખ્યાનના આરંભે સાંદિપનિના ગુરુકુળનો કિશોર વયનો ‘ઋષિ’ સુદામો આખ્યાનને અંતે અનેક ઊથલપાથલો પછીય ‘યદ્યપિ વૈભવ ઇન્દ્રનો, તો ય ઋષિ રહે ઉદાસ.’ તરીકે વર્તીને એનાં ઋષિત્વનાં વર્તુળને સંપન્ન કરે છે. એક બાજુ પ્રેમાનંદની કથાસંકલનાનો આ વિજય છે, તો બીજી બાજુ એક સાધક વ્યક્તિના વ્યક્તિત્વના ઐશ્વર્યનો આલેખ પણ અહીં અપાયો છે. પ્રેમાનંદ જેને ભક્તિ ગણે છે તે આ સ્વધર્મપ્રીતિ આચારનિષ્ઠા ને સ્વમાં સ્વસ્થ રહ્યાની કલા ઈશ્વરનુંય અતિક્રમણ કરી શકે છે એની જ વાત આખરે તો પ્રેમાનંદને ‘સુદામાચરિત્ર’માં માંડવી છે. આ અર્થમાં આ આખ્યાન નિર્મળ મનુષ્યની ગાથાનું ગીત બને છે. – દર્શના ધોળકિયા