સ્વાધ્યાયલોક—૧/કવિતા માણવાની કળા

From Ekatra Wiki
Revision as of 12:13, 23 March 2022 by Shnehrashmi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કવિતા માણવાની કળા}} {{Poem2Open}} આજથી પચાસેક વર્ષ પૂર્વે જો આ વ્ય...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


કવિતા માણવાની કળા

આજથી પચાસેક વર્ષ પૂર્વે જો આ વ્યાખ્યાન યોજવામાં આવ્યું હોત તો એનો વિષય ‘કવિતા જાણવાની કળા’ હોત! ગુજરાતમાં કવિતા શું છે એ સૌ કવિતારસિકોએ જાણવાની અને કોઈ વિવેચકે જણાવાની જરૂર હતી. આ સદીના આરંભે કલાપી અને ન્હાનાલાલની કવિતાનું પ્રકાશન થયું. એથી ગુજરાતમાં અંગ્રેજી પરંપરાનું આધુનિક ઊર્મિકાવ્ય લોકપ્રિય થયું. એનો યશ આપણી આ બે મહાન કવિઓને આપવો રહ્યો. તો સાથેસાથે એથી આ સદીની પહેલી પચ્ચીસીમાં

ઈશ્કે જે બાયલું ને રેલોલે ટાયલું,
ગુજરાતે ગીત એવું ઘેરું છવાયલું.

એનો અપયશ પણ એમને જ આપવો રહ્યો! આ બન્ને કવિઓની નિષ્ફળ કૃતિઓમાં જે અપલક્ષણ હતું — અને આવી નિષ્ફળ કૃતિઓ અલ્પસંખ્ય નહિ પણ અસંખ્ય હોય એવું આ બન્ને કવિઓમાં અતિલેખનનું પણ જે અપલક્ષણ હતું એને કારણે એમને સ્વહસ્તે અને આ અપલક્ષણના એવા જ અલ્પસંખ્ય નહિ પણ અસંખ્ય અનુકરણો દ્વારા અન્ય કવિપદ- લોલુપાત્માઓને હસ્તે એનો એટલે કે ઊર્મિલતાનો અતિરેક થયો. બે દાયકા લગી આ ઊર્મિલતાના અતિરેકને કારણે ગુજરાતમાં કવિતાનો લીલો દુકાળ આવ્યો. તરત જ ૧૯૨૪ બલવંતરાયે ગુજરાતના સ્વનિયુક્ત કવિતા- શિક્ષક તરીકે સૌ કવિતારસિકોને કવિતા શું છે એ જણાવાનો, કવિતા જાણવાની કળા ભણાવાનો ‘કવિતાશિક્ષણ’માં આરંભ કર્યો. ૧૯૨૮માં ‘લિરિક’માં કવિતા શું છે એનું ઉચ્ચ શિક્ષણ આપવાનું આયોજન કર્યું, ૧૯૩૧માં ‘આપણી કવિતાસમૃદ્ધિ’નું અનાવરણ કર્યું અને તે પ્રસંગે એના ‘પ્રવેશક’માં ‘પૂછું મ્હને ક્ટેવ’ એવા કટાક્ષ સાથે સૌ કવિતારસિકોને એમણે પૂછ્યુંઃ

‘પુષ્કળ કવિતા માત્ર શ્રવણરંજનીઃ તે વિષે
પૂછું રસિક સુપાત્ર, — કવિતા બસ વાદિત્ર કે?
પુષ્કળ કવિતા માત્ર લાલચવશ જશ જોડતી;
રસિક વિવેકી સુપાત્ર, — કવિતા શું ભાટણ સુઘડ?’

અને પછી સમકાલીન કવિઓની કવિતામાં જે ઊર્મિલતાનો અતિરેક હતો એનું કાવ્યમાં વર્ણન કર્યું :

‘પુષ્કળ કવિતા માત્ર ફૂલણફિશિયારી, વળી
પુષ્કળ કવિતા માત્ર પોચટ આંસુ સારતી :
પુષ્કળ કવિતા માત્ર ખોટો ઓપ, અસત્પ્રભા :
પુષ્કળ કવિતા માત્ર બલિહારી ભાષાતણી’

અને ગદ્યમાં એનું વિવેચન કર્યું. ૧૯૩૯માં ‘આપણી કવિતાસમૃદ્ધિ’ની બીજી આવૃત્તિમાં અનુગામી કવિઓની કવિતાનું સ્વાગત કર્યું. અંતે ૧૯૪૩માં ‘નવીન કવિતા વિષે વ્યાખ્યાનો’માં આ કવિતાનું વિવેચન કર્યું. ‘ભણકાર’માં ગુચ્છ પહેલો ‘કવિ અને કવિતા’ વિશે છે એ અત્યંત સૂચક છે. બલવંતરાયના આ કવિતાશિક્ષણના અનુસંધાનમાં ચોથા દાયકામાં આનંદશંકર, રામનારાયણ અને ઉમાશંકરના કવિતા વિશેના વિવેચનલેખોના પ્રકાશનનો આરંભ થયો એમાં આનંદશંકરે તાત્ત્વિકતાથી, રામનારાયણે તાર્કિકતાથી અને ઉમાશંકરે રસિક માર્મિકતાથી કવિતા શું છે એ સૌ કવિતારસિકોને જાણાવવાનો પુરુષાર્થ કર્યો. આમ, પચાસેક વર્ષથી ગુજરાતના કવિતારસિકોને આપણા આ ચાર વિવેચકો પાસેથી કવિતા જાણવાની કળાનો પરિચય થયો છે. એને પરિણામે આજે હવે ‘કવિતા માણવાની કળા’ એ વિષય પર આ વ્યાખ્યાન યોજી શકાય છે. જોકે બલવંતરાયે ઊર્મિલતાના અતિરેક સામેના પ્રતિકારથી આરંભ કર્યો પણ પછી વિચારપ્રધાન કવિતાના પુરસ્કારને કારણે ક્રમેક્રમે અન્ય આત્યંતિક કક્ષાએ એટલે વિચારપ્રધાનતાના અતિરેકમાં એ પ્રક્રિયાનો અંત આવ્યો. આ સદીના આરંભે આનંદશંકરે કવિતા આત્માની કલા છે એ દર્શન કર્યું-કરાયું હતું. પણ આ પચાસેક વર્ષની ગુજરાતી કવિતા પર એનો કોઈ સવિશેષ પ્રભાવ નથી. એ, હવે પછી જોઈશું તે કારણે, બલવંતરાયનું અને ગુજરાતી કવિતાનું દુર્ભાગ્ય છે. એથી હજુ આજે પણ ‘કવિતા જાણવાની કળા’ એ વિષય પર વ્યાખ્યાન યોજી શકાય! જોકે કવિતા માણ્યા વિના કવિતા જાણી શકાય નહિ અને કવિતા જાણ્યા વિના કવિતા માણી શકાય નહિ. કવિતા જાણવાની કળા અને કવિતા માણવાની કળા એ બે ભિન્ન, ભિન્ન કળાઓ નથી. કવિતા જાણવાની કળા એ માત્ર બુદ્ધિની વિચારની કળા નથી અને કવિતા માણવાની કળા એ માત્ર હૃદયની ઊર્મિની કળા નથી; બલકે એ બન્ને એક જ, અભિન્ન કળા છે. એકસાથે બુદ્ધિની અને હૃદયની વિચારની અને ઊર્મિની કળા છે. કવિતા માણવાની કળા પામ્યા વિના કવિતા જાણવાની કળા એ ટીકા-ટિપ્પણ, વિવરણ, મલ્લીનાથી, ફ્રેન્ચપ્રજા જેને ‘explication de texte’ કહે છે એવા એવા જ્ઞાન-વિજ્ઞાનમાં, શાસ્ત્રસિદ્ધાંતમાં પરિણમે એટલે કે એ કળાની વિકૃતિ અને વિડંબનામાં પરિણમે. કવિતા જાણવાની કળા પામ્યા વિના કવિતા માણવાની કળા એ રાગ-દ્વેષ-લૌલ્ય-દૌર્બલ્યમાં અંગ્રેજ પ્રજા જેને ‘beauties of poetry’ કહે છે એવી એવી રમૂજ-રમતમાં, મઝાક- મશ્કરીમાં પરિણમે એટલે કે એ કળાની વિકૃતિ અને વિડંબનામાં પરિણમે. આ બન્ને કળાઓ અન્યોન્યાશ્રયી છે, પરસ્પરાવલંબી છે. અન્યના વિના કોઈપણ એકથી રસાનુભવ ન થાય, રસાભાસ થાય. બૉદલેરે કહ્યું છે તેમ ‘creative imagination’ — સર્જનાત્મક કલ્પના અને ‘critical intelligence — વિવેચનાત્મક બુદ્ધિના સાયુજ્યમાંથી કવિતાનું સર્જન થાય છે એ સત્યમાં આ અન્યોન્યતા, પારસ્પરિકતાનું રહસ્ય છે. વળી હવે, પછી જોઈશું તે કારણે, અન્ય કોઈ રૂપે, વિચાર અને / અથવા ઊર્મિ રૂપે નહિ પણ કવિતાને કવિતા રૂપે માણીને જ કવિતાને જાણી શકાય. અને અન્ય કોઈ રૂપે વિચાર અને / અથવા ઊર્મિરૂપે નહિ પણ કવિતાને કવિતારૂપે જાણીને જ કવિતાને માણી શકાય. અહીં કૌંસમાં નોંધવું જોઈએ કે કવિતા જાણવાની કળા એ બિનઅંગત અને સાર્વજનિક કળા છે, જ્યારે કવિતા માણવાની કળા એ અંગત અને એકાન્તિક કળા છે. વળી કવિતા જાણવાની કળા પ્રત્યેક પેઢીએ પોતાના સમયની અન્ય સૌ જ્ઞાનસાધનાના સંદર્ભમાં સ્વતંત્રપણે સિદ્ધ કરવાની હોય છે. જ્યારે કવિતા માણવાની કળા પ્રત્યેક મનુષ્યે કવિતા શું છે એ વિશેની પોતાની જ્ઞાનસાધનાના સંદર્ભમાં સ્વતંત્રપણે સિદ્ધ કરવાની હોય છે. કવિતા એ શબ્દની કળા છે, વાણીની કળા છે. ઉપનિષદમાં શબ્દને બહ્મ, શબ્દબ્રહ્મ કહ્યો છે, બાઇબલમાં શબ્દને logos, કહ્યો છે. કાલિદાસે “વાગર્થૌ ઇવ સંયૃક્તૌ પાર્વતી પરમેશ્વરૌમાં વાણીને પાર્વતી-શક્તિ કહી છે. ભવભૂતિએ ‘દેવતાં વાચમ્’માં વાણીને દેવતા કહી છે. શબ્દમાં, કવિના શબ્દમાં શક્તિ છે, અલૌકિક, લોકોત્તર, દિવ્ય શક્તિ છે. કવિ શબ્દની શક્તિનો — બલકે શક્તિઓનો પૂરેપૂરો કસ કાઢે છે. એથી જ કવિતા જાણવાની અને માણવાની કળા એ કાવ્યના એકેએક શબ્દની સૌ શક્તિઓનો પૂરેપૂરો ક્યાસ કાઢવાની કળા છે. એથી તો કીટ્સે કહ્યું છે, ‘I look upon words like a lover.’ કવિતામાં વિચાર હોય છે. વિચાર વિના કવિતા થતી નથી. કવિતા એ કોઈ વિચારહીન પ્રવૃત્તિ નથી. તો માત્ર વિચારથી પણ કવિતા થતી નથી. કવિતામાં જે શબ્દો હોય છે એમાં વિચાર હોય છે પણ એમાં વિચારની સાથે સાથે ઊર્મિ, અલંકાર અને છંદ પણ હોય છે. એથી સ્તો માલાર્મેએ દેગાને કહ્યું હતું, ‘Poetry is not made with ideas but is made with words.’ કવિતા વિચારોથી થતી નથી એમ માલાર્મેએ કહ્યું એનો અર્થ એ નથી કે કવિતામાં વિચારો નથી. કવિતામાં વિચારો તો, અલબત્ત, છે. પણ કવિતામાં વિચારપ્રધાનતા નથી. એથી સ્તો કવિતાશિક્ષક બલવંતરાયને હસ્તે વિચારપ્રધાનતાનો અતિરેક થયો એમ આગળ કહ્યું. કવિતામાં શબ્દો છે અને કવિતાના શબ્દોમાં વિચાર ઉપરાંત ઘણુંબધું છે અને એ ઘણુંબધું તે ઊર્મિ, અલંકાર, છંદ વગેરે. એથી સ્તો ઑડને પ્રશ્નોત્તર રૂપે કહ્યું છે, Why do you want to write poetry?' If the young man answers, ‘I have important things I want to say,’ then he is not a poet. If he answers, ‘I like hanging around words, listening to what they say.’ then may be he is going to be a poet.’ કવિતા એ માત્ર વિચારની જ અભિવ્યક્તિ નથી. જેણે માત્ર વિચારની જ અભિવ્યક્તિ કરવી હોય એણે કવિતાનું સર્જન ન કરવું જોઈએ, એણે ફિલસૂફીનું સર્જન કરવું જોઈએ. અને જેણે માત્ર વિચારની જ પ્રાપ્તિ કરવી હોય એણે કવિતાનું વાચન ન કરવું જોઈએ, એણે ફિલસૂફીનું વાચન કરવું જોઈએ. કવિતા એ ફિલસૂફી નથી. કવિતામાં વિચાર એ કવિતારૂપ હોય છે. કવિતામાં શબ્દોમાંથી માત્ર વિચાર જ જાણવાનો અને માણવાનો નથી. વિચાર ઉપરાંત ઊર્મિ, અલંકાર, છંદ એટલે કે કવિતા જાણવાની અને માણવાની છે. એનો અર્થ એ નથી કે કવિતામાં વિચારનો મહિમા નથી, વિચારનું મહત્ત્વ નથી. એનો અર્થ એ નથી કે કવિતામાં જે વિચાર હોય તે તુચ્છ હોય, પામર હોય. ઊલટાનું કવિતામાં વિચારની મહત્તા છે. કવિતામાં જે વિચાર હોય તે ગહનગભીર હોય, એ સ્પષ્ટ, સરલ અને સંપૂર્ણ હોય. અને એથી સ્તો એ વિચારને સમજ્યા વિના, પામ્યા વિના, જાણ્યા વિના કવિતા માણવાનું શક્ય નથી. એટલું જ નહિ પણ કૉલરિજે ‘willing suspension of disbelief’ દ્વારા સૂચન કર્યું છે તેમ એમાં સ્વેચ્છાએ શંકાનો ત્યાગ કર્યા વિના, કવિતા માણવાની હોય એટલા સમય માટે એમાં શ્રદ્ધા ધરાવ્યા વિના કવિતા માણવાનું શક્ય નથી. ‘કવિતામાં અર્થ’ એ શબ્દપ્રયોગમાં ‘અર્થ’ શબ્દની મર્યાદા ‘કવિતા’ શબ્દથી અંકાય છે. એમાં ‘અર્થ’નો અર્થ વિશિષ્ટ છે. કારણ કે એ અર્થ કવિતામાં જે શબ્દો હોય તે શબ્દોનો અર્થ છે અને કવિતામાં શબ્દો ક્યારેક અતિપરિચિત હોય છે, ક્યારેક અપરિચિત હોય છે પણ સદાય વિશિષ્ટ હોય છે. એ શબ્દોનો ક્રમ વિશિષ્ટ હોય છે. એ શબ્દોનો પરસ્પરનો સંબંધ વિશિષ્ટ હોય છે. એ શબ્દોમાં એમનો જોડણીકોશ પ્રમાણેનો અર્થ તો હોય જ છે. એ અર્થ ન હોય તો આ વિશિષ્ટ અર્થ પ્રગટ જ ન થાય. આ વિશિષ્ટ અર્થ જોડણીકોશ પ્રમાણેના અર્થ દ્વારા જ પ્રગટ થાય છે. ભલું થજો જોડણીકોશ પ્રમાણેના અર્થનું કે એ દ્વારા કવિતામાં આ વિશિષ્ટ અર્થ પ્રગટ થાય છે. કવિ શબ્દો પાસેથી — એમના સંદર્ભો, સંસ્કારો, ભૂતકાળ આદિ દ્વારા અર્થછાયા, અર્થવલય, વ્યંગ, વ્યંજના. ધ્વનિ, સૂચન, આ વિશિષ્ટ અર્થ કઢાવી લે છે. અને કવિતામાં આ અર્થનો સવિશેષ મહિમા છે; એનું સવિશેષ મહત્ત્વ છે. એથી જ કવિતામાં શબ્દોનો પુનર્જન્મ થાય છે, નવજન્મ થાય છે; શબ્દોને નવજીવન, નવપલ્લવતા પ્રાપ્ત થાય છે. કવિતામાં ભાષાની અંતર્ગત એક બીજી ભાષા હોય છે, અર્થની પછવાડે કે પડછે એક બીજો અર્થ હોય છે. કવિતામાં ઊર્મિ હોય છે. ઊર્મિ વિના કવિતા થતી નથી. કવિતા એ કોઈ ઊર્મિહીન પ્રવૃતિ નથી. એથી ઓ સી. ડે લુઈસે કહ્યું છે, ‘Emotions are dangerous to Poetry. But there is one thing more dangerous to it, the lack of emotions.’ તો માત્ર ઊર્મિથી પણ કવિતા થતી નથી. કવિતામાં જે શબ્દો હોય છે એમાં ઊર્મિ હોય છે પણ એમાં ઊર્મિની સાથે સાથે વિચાર, અલંકાર અને છંદ પણ હોય છે. ઊર્મિ કવિતાને જોખમરૂપ છે એમ સી. ડે લુઇસે કહ્યું એનો અર્થ એ નથી કે કવિતામાં ઊર્મિ નથી. કવિતામાં ઊર્મિ તો, અલબત્ત, છે. પણ કવિતામાં ઊર્મિપ્રધાનતા નથી. એથી સ્તો કલાપી અને ન્હાનાલાલ તથા એમના અનુયાયીઓને હસ્તે ઊર્મિલતાનો અતિરેક થયો એમ આરંભમાં કહ્યું. કવિતામાં શબ્દો છે અને કવિતાના શબ્દોમાં ઊર્મિ ઉપરાંત ઘણું બધું છે અને એ ઘણું બધું તે વિચાર, અલંકાર, છંદ વગેરે. કવિતા એ માત્ર ઊર્મિની જ અભિવ્યક્તિ નથી. જેણે માત્ર ઊર્મિની જ અભિવ્યક્તિ કરવી હોય એણે કવિતાનું સર્જન ન કરવું જોઈએ, એણે સંગીતનું સર્જન કરવું જોઈએ. અને જેણે માત્ર ઊર્મિની જ પ્રાપ્તિ કરવી હોય એણે કવિતાનું શ્રવણ ન કરવું જોઈએ, એણે સંગીતનું શ્રવણ કરવું જોઈએ કવિતા એ સંગીત નથી. કવિતામાં ઊર્મિ એ કવિતારૂપ હોય છે. કવિતામાં શબ્દોમાંથી માત્ર ઊર્મિ જ માણવાની અને જાણવાની નથી, ઊર્મિ ઉપરાંત વિચાર, અલંકાર, છંદ એટલે કે કવિતા માણવાની અને જાણવાની છે. એનો અર્થ એ નથી કે કવિતામાં ઊર્મિનો મહિમા નથી, ઊર્મિનું મહત્ત્વ નથી. એનો અર્થ એ નથી કે કવિતામાં જે ઊર્મિ હોય તે તુચ્છ હોય, પામર હોય. ઊલટાનું કવિતામાં ઊર્મિની મહત્તા. છે. કવિતામાં જે ઊર્મિ હોય તે ગહનગભીર હોય, એ સંયત, અને સંસ્કૃત હોય. એ ઊર્મિ વર્ડ્ઝવર્થે ‘spontaneous overflow of powerful feelings’ અને ‘emotions recollected in tranquility’ આદિ દ્વારા જેનું સૂચન કર્યું છે તે ઊર્મિ ન હોય. પણ એલિયટે ‘significant emotion, emotion which has its life in the poem’ અને ‘the emotion of art is impersional’ આદિ દ્વારા જેનું સૂચન કર્યું છે તે. ઊર્મિ હોય. અને આ ઊર્મિને અનુભવ્યા વિના, પામ્યા વિના, માણ્યા વિના કવિતા જાણવાનું શક્ય નથી. આમ, કવિતા વિચારહીન નથી ને વિચારપ્રધાન પણ નથી, ઊર્મિહીન નથી ને ઊર્મિપ્રધાન પણ નથી. કવિતા વિચારવત્ અને ઊર્મિવત્ છે. કવિતામાં કશું ગૌણ કે કશું પ્રધાન હોતું નથી, કશું વત્તુંઓછું હોતું નથી. કવિતામાં બધું સમતોલ ને સપ્રમાણ હોય છે. કવિતામાં વિચાર અને ઊર્મિનો, બુદ્ધિ અને હૃદયનો પરસ્પર સંબંધ છે, કલાત્મક સંબંધ છે. કવિતામાં જે વિચાર અને ઊર્મિ હોય છે એને અન્ય શબ્દોમાં નહિ, પદાન્વયમાં નહિ પણ કવિતાના શબ્દોમાં જ અને એ શબ્દોના ક્રમમાં જ જાણવા અને માણવાનો હોય છે, કવિતારૂપે જ જાણવા અને માણવાનાં હોય છે. એથી સ્તો કૉલરિજે કવિતાનું ‘best words in best order’ એવું વર્ણન કર્યું છે અને એથી સ્તો કવિતાના શબ્દો પર સંપૂર્ણ એકાગ્રતાથી સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવાનું હોય છે. કવિતામાં જે વિચાર અને ઊર્મિ હોય છે તે કવિતાના શબ્દો દ્વારા, એ શબ્દોના અર્થ અને અવાજ દ્રારા એટલે કે અલંકાર અને છંદ દ્વારા પ્રગટ થાય છે. એમાં વિચાર સવિશેષ અલંકાર દ્વારા અને ઊર્મિ સવિશેષ છંદ દ્વારા પ્રગટ થાય છે. કવિતામાં જ્યાં વિરોધાભાસ (paradox) હોય છે ત્યાં વિચાર અને ઊર્મિનો સંઘર્ષ પ્રગટ થાય છે. વિચાર અને ઊર્મિની સંકુલતા સિદ્ધ થાય છે. એમાં એકસાથે બે પરસ્પર વિરોધી વિચારો કે ઊર્મિઓ પ્રગટ થાય છે. કવિતામાં જ્યાં શ્લેષ (pun) હોય છે ત્યાં એકસાથે બે ભિન્ન ભિન્ન વિચારો કે ઊર્મિઓ પ્રગટ થાય છે. એમનો પૂર્વે કદી કલ્પ્યો ન હોય એવો સંબંધ સિદ્ધ થાય છે અને એ દ્વારા વિચાર અને ઊર્મિને એક પ્રકારની દીપ્તિ પ્રાપ્ત થાય છે. કવિતામાં જ્યાં વક્રતા (irony) હોય છે ત્યાં શબ્દના વાચ્યાર્થ અને વ્યંગ્યાર્થની બે ભિન્ન ભિન્ન કક્ષાએ બે ભિન્ન ભિન્ન વલણ હોય છે અને એ દ્વારા કથનની વક્રતા સિદ્ધ થાય છે. કવિતામાં માત્ર કથનની જ નહિ ક્યારેક સમગ્રપ્રસંગની અથવા પરિસ્થિતિની પણ વક્રતા હોય છે. કવિતામાં વિશિષ્ટ શબ્દો દ્વારા. એ શબ્દોમાં કવિનો જે સૂર (tone) હોય છે એ દ્વારા વસ્તુ-વિષય પ્રત્યેનું અથવા વાચક પ્રત્યેનું કવિનું વલણ પ્રગટ થાય છે. કવિતામાં વિચાર અને ઊર્મિ ઉપમા, રૂપક, કલ્પન, પ્રતીક, પુરાકલ્પન આદિ દ્વારા પ્રગટ થાય છે. કવિતામાં આ સૌ સામગ્રીનો ઉપયોગ વિપુલ પ્રમાણમાં થાય છે અને એની ઉપલબ્ધિનાં જગતમાં વિવિધ સ્થાનો છે. કવિતા એ કલ્પનાનો કીમિયો છે. એમાં હૃદય વિચારે છે અને બુદ્ધિને લાગી આવે છે. એથી વિચાર અને ઊર્મિ કવિતારૂપ થાય છે. કલ્પના એટલે કલ્પન એટલે પદાર્થ. એની પાંચે — બલકે સાતે ઇન્દ્રિયોને અપીલ હોય છે. કવિતામાં વિચાર પદાર્થ દ્વારા idea through image અને ઊર્મિ રૂપ-સ્વરૂપ દ્વારા feeling through form પ્રગટ થાય છે. એથી કવિતામાં વિચાર અને ઊર્મિ કવિતારૂપ થાય છે. એથી કવિતામાં પરિચિત અપરિચિતરૂપે અને અપરિચિત પરિચિતરૂપે પ્રગટ થાય છે. એથી કવિતા જેટલી સંસ્કૃત અને અર્વાચીન છે એટલી જ પ્રાકૃત અને પ્રાચીન છે; જેટલી બૌદ્ધિક અને આધ્યાત્મિક છે એટલી જ સ્થૂલ અને સેન્દ્રિય છે. કવિતામાં કલ્પના દ્વારા ભિન્ન ભિન્ન વસ્તુઓ, વિરોધી વસ્તુઓ વચ્ચે અભિન્નત્વ અને અવરોધ રચાય છે. વૈધર્મ્યો વચ્ચે સાધર્મ્ય સર્જાય છે. અનૈક્યમાં ઐક્ય પ્રગટ થાય છે. કવિતામાં બધું એકરસ અને એકરૂપ હોય છે: એથી જ કૉલરિજે કલ્પનાને ‘esemplastic’ કહી છે. કવિતામાં ઉપાદાન છે શબ્દ. અને શબ્દના બે ગુણધર્મો છે. એક અર્થ અને બીજો અવાજ — કવિતામાં શબ્દોનો અવાજ એના અર્થથી અભિન્ન છે, પાર્વતી-પરમેશ્વરની જેમ, અર્ધનારીશ્વરની જેમ સંપૃક્તો — અભિન્ન છે. કવિ એકેએક શબ્દના એકેએક અક્ષરના સ્વર અને વ્યંજનના અવાજનો પૂરેપૂરો કસ કાઢે છે. આ અવાજ ક્યારેક કોમળ હોય છે. ક્યારેક કઠોર હોય છે. ક્યારેક મંદ હોય છે’ ક્યારેક તીવ્ર હોય છે. ક્યારેક લગભગ મૌન જેવો મંદ હોય છે. આ અવાજ દ્વારા એ ક્યારેક પ્રાસ, ક્યારેક અર્ધપ્રાસ, ક્યારેક અનુપ્રાસ, ક્યારેક રવાનુકારિતા અને ક્યારેક પુનરાવર્તન સિદ્ધ કરે છે. અને એ દ્વારા એ વિચાર અને ઊર્મિને તથા અલંકારને અનુરૂપ અને અનુકૂળ વાતાવરણ રચે છે. કવિતામાં શબ્દોનો અવાજ એકસાથે પ્રગટ થતો નથી. કવિતામાં શબ્દો એક પછી એક અનુક્રમે યોજાય છે. એ દ્વારા કવિ લયનું સર્જન કરે છે અને લયના સાતત્ય તથા લયએકમના પુનરાવર્તન દ્વારા છંદ સિદ્ધ કરે છે. આ લયની લીલા અનંત છે. છંદનો વિસ્તાર અસીમ છે. લય ક્યારેક સબળ હોય છે. ક્યારેક શિથિલ હોય છે; ક્યારેક દ્રુત હોય છે, ક્યારેક વિલંબિત હોય છે, છંદ માપમાં ક્યારેક દીર્ઘ હોય છે, ક્યારેક લઘુ હોય છે, બહુધા મધ્યમ હોય છે. આ અનંત લયલીલા દ્વારા અને અસીમ છંદવિસ્તાર દ્વારા વિચાર અને ઊર્મિ પ્રગટ થાય છે, એનાં વિપુલ વલણો અને વિવિધ વિવર્તો પ્રગટ થાય છે. કવિતામાં વિચાર; ઊર્મિ, અલંકાર, છંદ આ સૌના સંકલન દ્વારા, સંવાદ દ્વારા કાવ્યનો આકાર, કાવ્યનું સ્વરૂપ સર્જાય છે. કવિતામાં વિચાર, ઊર્મિ, અલંકાર, છંદ, આકાર, સ્વરૂપ — કશું આગંતુક નથી; બધું અંતર્ગત અને અનિવાર્ય છે; એકરસ અને એકરૂપ છે. આ સૌના વૈચિત્ર્ય અને વૈવિધ્ય દ્વારા મહાકાવ્ય, પદ્યનાટક, ઊર્મિકાવ્ય આદિ કવિતાના પ્રકાર અને એ પ્રત્યેક પ્રકારમાં વળી ઉપપ્રકાર સર્જાય છે. આટલા વ્યાખ્યાન પછી હવે આ સ્તબકે પ્રશ્ન પૂછી શકાય કે કવિતા માણવાની કળા કેમ સિદ્ધ થાય? અનેક દેશની અને અનેક કાળની અનેક ભાષાની અનેક પ્રકારની કવિતાનો અનેક વાર પાઠ — એ દ્વારા જ કવિતા માણવાની કળા સિદ્ધ થાય તો થાય. ન અન્યથા. આવાં આવાં વ્યાખ્યાનોના શ્રવણ માત્રથી કે આવા આવા વિષયો પરના વિવેચનગ્રંથોના વાચન માત્રથી તો નહિ જ. કવિતા માણવાની કળા એ કળા છે. એથી કોઈ પણ કળાની જેમ એ શ્રમસાધ્ય અને દુઃસાધ્ય જ હોય — પણ અસાધ્ય નથી. પ્રત્યેક મનુષ્યમાં આ કળા સિદ્ધ કરવાની શક્તિ અને શક્યતા છે. કવિતા એ શબ્દની કળા છે. એથી એ કળા માણવાની કળા પણ એ શબ્દ દ્વારા જ એટલે કે કવિતાના શબ્દ દ્વારા જ સિદ્ધ થાય. કવિતા એ શબ્દની સાધના-આરાધના છે. કવિતાના શબ્દને સાધવા-આરાધવાથી જ કવિતા માણવાની કળા સિદ્ધ થાય, કવિતાના પ્રત્યક્ષ સંબંધ દ્વારા, સાક્ષાત્ સંપર્ક દ્વારા જ કવિતા. માણવાની કળા સિદ્ધ થાય. કવિતા માણવાની કળા એ કાવ્યપુરુષનો કરુણાકટાક્ષ છે. કવિતા સ્વસંવેદ્ય છે. એને માણવાની કળા એ મનુષ્યના એકાન્તની અંગત કળા છે. એથી એલિયટે કહ્યું છે, ‘we learn what poetry is — if we ever learn — by reading it.’ કવિતા માણવાની કળા એ સવિધ્ના સંવિત્‌ના સામાજિક તરીકે નહિ પણ એક સમગ્ર મનુષ્ય તરીકે કાવ્યના આ કે તે અંગ કે અંશને, માત્ર વિચારને કે માત્ર ઊર્મિને કે માત્ર અલંકારને કે માત્ર છંદને નહિ પણ સમગ્ર કાવ્યને માણવાની કળા છે. એથી કૉલરિજે કહ્યું છે, ‘The poet, described in ideal perfection, brings the whole soul of man into being.’ કવિતા દ્વારા, કવિતાના શબ્દ દ્વારા જે અન્ય વસ્તુઓનું સૂચન થતું હોય છે એ માણવાથી કવિતા માણવાની કળા સિદ્ધ ન થાય. એથી એલિયટે કહ્યું છે, ‘We should begin to learn to distinguish the appreciation of poetry from thearizing about it and to know when we are not talking about poetry but about Something suggested by it.’ આ કળા દ્વારા મનુષ્યને કવિતાના અતલ - Full fathom five- માં — અસ્થિમાંથી જે પ્રવાલ પ્રગટ થાય છે — Of his bones are coral made — નેત્રોમાંથી મૌક્તિકો પ્રગટ થાય છે — Those are pearls that were his eyes — મૃત્યુમાંથી સમુદ્રોત્સર્ગ — Sea — change દ્વારા જે કંઈક સભર અને સમૃદ્ધ, અલૌકિક અને અદ્ભુત — something rich and strange — પ્રગટ થાય છે, અમૃત પ્રગટ થાય છે તેનો અનુભવ થાય છે, રસાનુભવ થાય છે. અમૃતા આત્મન: કલાનો અનુભવ થાય છે. કવિતા માણવાની કળા તમને સૌને સિદ્ધ હજો એવી શુભેચ્છા સાથે વિરમું છું. (શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકરસી મહિલા વિદ્યાપીઠ, મુંબઈના ઉપક્રમે ‘શિક્ષણ સાતત્ય વિસ્તાર વ્યાખ્યાનમાળા’માં વ્યાખ્યાન. ૧૪ સપ્ટેમ્બર ૧૯૭૫.)

*