સ્વાધ્યાયલોક—૧/પ્રતીકો અને પ્રયોગો

From Ekatra Wiki
Revision as of 15:14, 23 March 2022 by Shnehrashmi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પ્રતીકો અને પ્રયોગો}} {{Poem2Open}} પ્રતીકો અને પ્રયોગો એ કાંઈ આપણ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પ્રતીકો અને પ્રયોગો

પ્રતીકો અને પ્રયોગો એ કાંઈ આપણું, આપણી પેઢીનું કે આપણા સમયનું આગવું લક્ષણ નથી. એ કંઈ કોઈ એક યુગનો ઇજારો નથી. ‘અમે તો પ્રતીકવાદી’ અથવા તો ‘અમે તો પ્રયોગખોર’ એવું માથે છોગું ઘાલીને ફરાય નહિ. તો ‘આજકાલ કવિતા પ્રતીકવાદી બની છે’ અથવા તો ‘આજકાલ કવિતા પ્રયોગખોર બની છે.’ એમ કહીને એની નિંદા પણ કરાય નહિ, કારણ કે કવિતામાં પ્રતીકો અનિવાર્ય છે અને પ્રયોગો અખંડ છે. પ્રતીકોની અનિવાર્યતામાંથી અને પ્રયોગોની અખંડિતતામાંથી જ કવિતા સિદ્ધ થાય છે અને કવિતા સજીવ રહે છે, એ જ કવિતાની સંજીવની છે. જગતના આદિ કવિથી તે આજ સવારે જન્મેલા છેલ્લામાં છલ્લા કવિ લગી સૌએ પ્રતીકોની આ અનિવાર્યતા અને પ્રયોગોની આ અખંડિતા અનુભવી છે. વાલ્મીકિ, વ્યાસ કે કાલિદાસ, હોમર, સોફોક્લિસ કે ડેન્ટિ સૌ કવિઓએ પ્રતીકવાદી કવિતા રચી છે. (હા, એમણે માત્ર પ્રતીકવાદી કવિતા પાઉન્ડ-લોવેલના ‘ઈમેજિઝમ’ની જેમ રચી નથી, એમની કવિતામાં પ્રતીકો ઉપરાંત કાવ્યકલાના અન્ય અનેક અંશો છે. એથી એ કેવળ પ્રતીકવાદી કવિતા નથી, એથી એને ‘પ્રતીકવાદી’ એવું લેબલ નહિ લગાવી શકાય) વળી આ કવિઓની કવિતા, એમનાં કાવ્યો એમના સમયમાં તો પ્રયોગો જ હશે. રામાયણ, મહાભારત કે શાકુંતલ, ઇલિયડ-ઑડીસી, ઇડીપસ કે ડિવાઇન કૉમેડી જ્યારે રચાયાં હશે ત્યારે તો પ્રયોગો રૂપે જ રચાયાં હશે. સાહિત્યના ઇતિહાસનો પ્રાથમિક પરિચય કર્યો હોય એને આ વિધાન સહજ જ સ્પષ્ટ હોય. આપણા પ્રાચીન સાહિત્ય વિશે કહી શકાય કે નરસિંહનાં પ્રભાતિયાં, અખાના છપ્પા, પ્રેમાનંદના આખ્યાનો કે દયારામની ગરબીઓ એ કવિઓ અને એમના સમકાલીનોની દૃષ્ટિએ તો પ્રયોગો જ હશે. પુરોગામીઓએ એ પ્રકારો કે સ્વરૂપો અજમાવ્યાં હોય તો પણ આ કવિઓએ એમાં પૂર્ણતા સિદ્ધ કરી એ પણ પ્રયોગ જ છે. અર્વાચીન સાહિત્ય વિશે પણ એમ જ કહી શકાય કે કાંતનાં ખંડકાવ્યો અને બળવંતરાયનાં સૉનેટો બાલાશંકરનાં સ્તોત્રો કે કલાપીની ગઝલો એ પણ એ કવિઓ અને એમના સમકાલીનોની દૃષ્ટિએ તો પ્રયોગો જ હશે. આજે આ સૌ કાવ્યો આપણને સિદ્ધિઓ લાગે છે. કારણ છે કાળ ભગવાન. ગઈ કાલના પ્રયોગો એ આજની સિદ્ધિઓ છે, એમ જ આજના પ્રયોગો એ આવતી કાલની સિદ્ધિઓ છે. આપણે આજે જેને સિદ્ધિઓ કહીએ છીએ એ ક્યારેક પ્રયોગો હતા, એમ જ આપણે આજે જેને પ્રયોગો કહીએ છીએ એ (સૌ નહિ, પણ જેમાં જીવ હશે તે) ક્યારેક સિદ્ધિઓ હશે. કવિતામાં પ્રતીકો અનિવાર્ય છે અને પ્રયોગો અખંડ છે. કારણ? થૉરોએ એક અત્યંત સૂચક વિધાન કર્યું છે, ‘It is not metres but a metre-making argument that makes a poem’ (છંદ એ કવિતા નથી, પણ છંદપ્રયોજક વિચાર એ કવિતા છે.) ગટેએ કહ્યું છે કે કોઈ પણ કાવ્યનો આત્મા એક જ વાક્યમાં પ્રગટ કરી શકાય. એટલે કે કાવ્ય કાવ્ય હોય તો એનો આત્મા એક જ વાક્યમાં પ્રગટ કરી શકાય. અને જો એક જ વાક્યમાં એનો આત્મા પ્રગટ ન કરી શકાય તો એ સાચું કાવ્ય નથી, અકાવ્ય છે; સફળ કાવ્ય નથી, નિષ્ફળ કાવ્ય છે, અગડંબગડં છે, મંંબોજંબો છે, પાગલનો પ્રલાપ છે. કોઈ પણ કાવ્યનો આત્મા એક જ વાક્યમાં ત્યારે જ પ્રગટ કરી શકાય કે એમાં જ્યારે કોઈ ને કોઈ કેન્દ્રવર્તી વિચાર પ્રગટ થયો હોય (પછી એ વિચાર ભલે કવિની દૃષ્ટિએ અને વાચકની દૃષ્ટિએ જુદો જુદો હોય), વળી બે વાચકની દૃષ્ટિએ પણ જુદો જુદો હોય — કવિતામાં આ જ વિચાર છે અને પેલો નહિ એમ વાચકો તો શું સ્વયં કવિ પણ ન કહી શકે. એનો અર્થ એ નથી કે કવિતામાં વિચાર જ નથી. કવિતામાં કોઈ ને કોઈ પ્રકારનો વિચાર તો હોય જ, આ વિચાર હોય કે પેલો વિચાર હોય, પણ વિચાર હોય. આથી જ પાઉન્ડ જેવા ક્યારેક એમ પણ કહે છે કે, ‘Ambiguity is the soul of poetry સંકુલતા એ કાવ્યનો આત્મા છે. આ દુર્બોધતાનું બચાવનામું નથી. પણ આ વિચિત્ર સત્યનો એકરાર છે. આથી તો પરીક્ષકો વારંવાર પરીક્ષાના પ્રશ્નપત્રમાં પૂછે છે, ‘આ કાવ્યનો કેન્દ્રવર્તી વિચાર કહો’ આમ, કવિતામાં કોઈ ને કોઈ પ્રકારનો વિચાર હોય, બલ્કે અનિવાર્ય છે. એટલે કે વિચાર વિના કવિતા ન થાય. પણ તો પછી માત્ર વિચારથી પણ કવિતા ન થાય. માત્ર વિચારથી ફિલસૂફ થવાય, કવિ નહિ. માત્ર વિચારથી ફિલસૂફી થાય, કવિતા નહિ — એટલે કે વિચાર વિના કવિતા ન થાય તો માત્ર વિચારથી પણ કવિતા ન થાય. (ટેનીસન ‘It is better to be loved and lost than never to have loved at all’ કહે ત્યારે બહુ તો ફિલસૂફી થાય, કવિતા નહિ.) પણ એ જ વિચારનું ‘Romeo and Juliet’માં જ્યારે શેક્‌સ્પિયર પ્રતીક આપે ત્યારે કવિતા થાય. એટલે કે કવિતામાં વિચાર તો હોય જ. પણ વિચાર ઉપરાંત પણ કંઈક હોય. આ કંઈક શું? પ્રતીક. એથી જ ડેન્ટિના વિવેચકો ડિવાઈન કૉમેડીની પ્રતીકસિદ્ધિ પર વારી ગયા છે અને એ કાવ્ય પરથી કહ્યું છે કે કવિતા એટલે ‘idea through image’ — કવિતા એટલે પ્રતીક દ્વારા વિચાર. વિચારનો આકાર એટલે પ્રતીક. કવિતામાં વિચાર નહિ, વિચારનો આકાર છે. કવિતા એ પ્રતીકોની લીલા છે, કારણ કે કવિનો અનુભવ, વિચાર, ભાવ એટલે કે એક જ શબ્દમાં કવિનો રસ. આ પ્રતીક (એટલે કોઈ ઘન, નક્કર, વાસ્તવિક પદાર્થ)ની આસપાસ જ ઘનીભૂત થાય. અને તો જ કવિતા સિદ્ધ થાય. (‘નર્યું કથન પણ ક્યારેક ઊંચી કવિતા હોય.’ હા, હોય. પણ ક્યારેક જ.) આ પ્રતીકના અભાવે વિચારોનાં વમળો અને ભાવોની ભૂતાવળો જ પ્રગટે, કવિતા નહિ. આ પ્રતીકો પદાર્થો કે પાત્રો દ્વારા સિદ્ધ થાય. કરોળિયામાં માત્ર કરોળિયો જ જુએ અને એ સિવાય કંઈ જ ન જુએ તે વિજ્ઞાની. પણ કરોળિયામાં કરોળિયો તો જુએ જ પણ એ ઉપરાંત પણ કંઈ (એ કંઈ એટલે શું? કવિ અને વાચકની દૃષ્ટિએ જુદુ જુદું હોય અને બે વાચકોની દૃષ્ટિએ પણ જુદું જુદું હોય. તે ભલે. પણ ‘એ કંઈ’ એ કંઈ તો હોય. એ જ પાછી પેલી પ્રસિદ્ધ દુર્બોધતા!) જુએ તે કવિ. આથી જ કવિતામાં કરોળિયો એ કરોળિયો તો છે જ પણ એ ઉપરાંત પણ કંઈ છે એટલે કે પ્રતીક છે. ખગોળશાસ્ત્રમાં એક જ આકાશ છે પણ કવિતામાં ‘આકાશ’નો ઉપયોગ કરનાર જેટલા કવિઓ છે એટલાં આકાશ છે. કારણ કે કવિતામાં આકાશ એ આકાશ તો છે જ પણ એ ઉપરાંત પણ કંઈ છે એટલે કે પ્રતીક છે. ૧૩-૭ની લોકલ એ વેસ્ટર્ન રેલવેની લોકલ તો છે જ પણ સુંદરમ્‌ના કોઈ ને કોઈ વિચાર કે ભાવનું પ્રતીક પણ છે. આ રીતે પદાર્થો કવિતામાં પ્રતીકો રૂપે પ્રગટ થાય છે. વાલ્મીકિ, વ્યાસ કે કાલિદાસ, હોમર, સૉફોક્લિસ કે ડેન્ટિનાં પાત્રો એ પાત્રો એટલે કે લોહીમાંસની સજીવ વ્યક્તિઓ તો છે જ, પણ તે ઉપરાંત એ પાત્રો એ કવિના કોઈ ને કોઈ વિચાર કે ભાવનાં પ્રતીકો પણ છે. પ્રેમાનંદનો સુદામા, કાંતનો પાંડુ કે ગોવર્ધનરામનો સરસ્વતીચંદ્ર સૌ પાત્રો વ્યક્તિવિશેષ તો છે જ પણ એ પાત્રો એમના સર્જકોના કોઈ ને કોઈ વિચાર કે ભાવનાં પ્રતીકો પણ છે. એ પાત્રો ભલે અર્વાચીન કે પ્રાચીન હોય. આમ જો પદાર્થ કે પાત્રનો સર્જનાત્મક કે કલ્પનાત્મક ઉપયોગ થાય — અને કલ્પનાસર્જનમાં થવો જ રહ્યો — તો એ પદાર્થ કે પાત્ર પ્રતીક બની જાય. કવિની ચેતના સર્જકતાના કલ્પનાના, સભાનતાના અનેક સ્તરો પર એકસાથે પ્રવૃત્ત થતી હોય છે. એનું આ પરિણામ છે. પદાર્થ કે પાત્ર પ્રતીક બની જાય છે એનું આ રહસ્ય છે, એનો આ કીમિયો છે, જાદુ છે. કાવ્યનું સ્વરૂપ પણ કવિતાના કોઈ ને કોઈ વિચાર કે ભાવનું પ્રતીક છે. એથી જ કવિ પોતાના વિચાર કે ભાવને અનુકૂળ કે અનુરૂપ એવું કાવ્યસ્વરૂપ — મહાકાવ્ય, કથાકાવ્ય, ઊર્મિકાવ્ય, સ્તોત્ર ગીત, સૉનેટ વગેરે યોજે છે. જીવન એ સતત ગતિશીલ, ક્રિયાશીલ, પરિવર્તનશીલ પ્રક્રિયા છે. જીવન પોતે પ્રયોગોની પરંપરા છે અથવા તો આ અખંડ પ્રયોગ છે. એથી જ કવિતામાં પ્રયોગની અખંડિતતા છે. પ્રત્યેક કાવ્યની સર્જન સમયે કવિનો અનુભવ નવો હોય છે, કવિનો વિચાર નવો હોય છે. કવિનો ભાવ નવો હોય છે. એક જ શબ્દમાં કવિ નવો હોય છે. કારણ કે જીવન નવું હોય છે. એટલે જ પ્રત્યેક કાવ્ય એ પ્રયોગ છે, શોધ છે, સાહસ છે. એલિયટે ફોર ક્વોર્ટેટ્સના ઈસ્ટ કોકરમાં આ વસ્તુ અત્યંત સ્પષ્ટ અને સ્વચ્છ રીતે કહી છે : ‘Trying to learn to use words, and every attempt is a wholly new start, and a different kind of failure’. (શબ્દનો ઉપયોગ કરવાનું શીખવાનો પ્રયત્ન કરું છું અને પ્રત્યેક પ્રયત્ન એ તદ્દન નવો પ્રયોગ છે અને અનન્ય પ્રકારની નિષ્ફળતા છે.) પ્રત્યેક કવિ પ્રયોગ કરે છે અને એકનો એક કવિ પ્રત્યેક કાવ્યમાં પ્રયોગ કરે છે. કવિતામાં પ્રતીકોની આ અનિવાર્યતા સદા અનિવાર્ય રહો અને પ્રયોગોની આ અખંડિતતા સદા અખંડ રહો. એટલે કે કવિતા અમર રહો! ૧૯૫૬-૫૮

*