સ્વાધ્યાયલોક—૧/મહાકવિ અને પામર પ્રજા
પ્રજામાં જ્યારે ચારિત્ર્ય શિથિલ થાય, વ્યાખ્યાઓ વિશેનો આગ્રહ અલોપ થાય, મૂલ્યોનો હ્રાસ થાય અને સર્જકતા ક્ષીણ થાય ત્યારે એના સાહિત્યના વિવેચનની પરિભાષા વિકૃત થાય. અત્યારે આપણા સાહિત્યના વિવેચનની પરિભાષા દિનપ્રતિદિન વધુ ને વધુ વિકૃત થતી જાય છે. સત્ય સૌંદર્ય, કલા, કલાકાર, કલાકૃતિ, જીવનદર્શન, ચિંતન વગેરે વિવેચનના પારિભાષિક શબ્દોની અત્યારે કરુણ અને કમનસીબ સ્થિતિ છે. (વ્યાપક પ્રજાજીવનમાં એવી જ કરુણ અને કમનસીબ સ્થિતિ અત્યારે સત્ય, અહિંસા, સંત. સેવા, ત્યાગ, દાન, ધર્મ વગેરે શબ્દોની છે.) અત્યારે આ શબ્દોની કોડીની કિંમત પણ નથી રહી એટલો એમનો દુરુપયોગ થયો છે. એમની અત્યારની અર્થહીનતાને કારણે અલ્પસમય માટે એમના પર પ્રતિબંધ ન મૂકવો જોઈએ. અથવા તો કોશમાંથી એમને દેશવટો ન દેવો જોઈએ? સાહિત્યના સારામાં સારા ઉચ્ચભમ્મરિયા — highbrow સામયિકમાં પણ ક્યારેક વિવેચનના પારિભાષિક શબ્દોની આવી વિડંબના અને વિકૃતિ થાય છે. ભવિષ્યમાં કોઈ ‘વીસમી સદીના વિવેચનમાં કેટલાક પરિભાષિક શબ્દોની વિકૃતિ’ વિષય પર અવશ્ય એકાદ મહાનિબંધ લખી શકશે! શબ્દોની આવી વિકૃતિનું મુખ્ય કારણ એ શબ્દો જે સૂચવે છે તે વસ્તુ કે તત્ત્વોનો અભાવ હોય. જો એ વસ્તુ અથવા તત્ત્વ અસ્તિત્વમાં હોય તો શબ્દોની આવી વિકૃતિ જ અશક્ય. પણ જો એનો અભાવ હોય તો પછી એ શૂન્યતાને માત્ર શાબ્દિક રટણથી જ ભરવી રહી. પ્રજા જ્યારે કોઈ શબ્દનું આવેશપૂર્વક અને અધીરાઈપૂર્વક પોપટની જેમ રટણ કરે ત્યારે એ શબ્દના સૂચિત વસ્તુ કે તત્ત્વના અસ્તિત્વ વિશે સ્વાભાવિક જ વહેમ પડે. ત્યારે સમજવું કે પ્રજા હીન ગ્રંથિથી હિજરાય છે, પામરતાથી પીડાય છે, પરિણામે શબ્દની વિકૃતિ થાય છે. આપણા સાહિત્યના વિવેચનની પરિભાષામાં અત્યારે આવો એક વિકૃત શબ્દ છે ‘મહાકવિ.’ મહાકવિ તો ગુજરાતમાં કાલાંતરે ય પાકે ત્યારે! હજુ તો પાક્યો નથી. પ્રાચીનોમાં પ્રેમાનંદ અને અર્વાચીનોમાં ન્હાનાલાલ મહાકવિ નથી એ સત્ય જેટલું સહર્ષ અને સત્વર સ્વીકારશું એટલી પ્રેમાનંદને અને ન્હાનાલાલને ન્યાય થશે તથા આપણને અને આપણી રસિકતાને લાભ થશે. પ્રેમાનંદ ચોસર જેવા આખ્યાનકાર કવિ છે, અને એવા આખ્યાનકાર કવિ થવું એ પણ મહાકવિ થવાથી સહેજ પણ સહેલું નથી, કારણ કે જાણકારો જાણે છે કે જગતભરના સાહિત્યમાં જેમ મહાકવિઓ વિરલ છે તેમ ચોસર કે પ્રેમાનંદ જેવા સાચા આખ્યાનકાર કવિઓ પણ એટલા જ વિરલ છે. ન્હાનાલાલ ટેનિસન જેવા ઊર્મિકવિ છે અને એક ઊર્મિકવિ લેખે એમને વાંચીશું ને વિચારીશું તો જ એમની કવિતાનો સૌથી વિશેષ અને સાચો આનંદ પામીશું. પ્રાચીનોમાં શ્રેષ્ઠ સર્જક છે પ્રેમાનંદ અને અર્વાચીનોમાં ગોવર્ધનરામ, પણ જો ગદ્યદેહે મહાકાવ્ય જન્મી શકતું હોય તો ગુજરાતમાં મહાકાવ્ય — ‘સરસ્વતીચંદ્ર’ — અને મહાકવિ — ગોવર્ધનરામ — જન્મી ચૂક્યા છે. પ્રાચીનોમાં અર્વાચીનોમાં એટલે કે આજ લગીના સમગ્ર ગુજરાતી સાહિત્યના સર્વશ્રેષ્ઠ સર્જક ગોવર્ધનરામ છે અને છતાંય એમને મહાકવિ નહિ કહીએ કારણ કે એથી પણ પાછી ‘મહાકવિ’ શબ્દની વિકૃતિ થાય. આ વિશે જેમણે જગતભરમાં મહાકાવ્યો વિષે જનમભર વાંચ્યું-વિચાર્યું છે તેવા આપણા કવિ વિવેચક બલવંતરાયનું વિધાન વારંવાર સ્મરણમાં રહેવું જોઈએ : ‘ ‘બાપાની પીંપર’ લખાઈ ત્યારથી માંડીને આજ લગીના છ્યાશી વર્ષના ગાળામાં ગુજરાતે એકે મહાકવિ પાક્યો નથી. ગુજરાતી પ્રજાએ આ સમય દરમિયાન કરેલાં ઉચ્ચારણોમાં વાહન લેખે મુખ્ય સ્થાન કવિતાનું નહિ, ગદ્યનું છે.’ જગતભરની સાહિત્યોમાં આજ લગી પાંચ જ મહાકવિઓ પાડ્યા છે — વાલ્મીકિ, વ્યાસ, હોમર, વર્જિલ, મિલ્ટન. મિલ્ટન જગતનો અંતિમ મહાકવિ છે. અને ત્યાર પછી સંસ્કૃતિ અને સમાજની સ્થિતિ જોતાં હવે અને હવે પછીના જગતમાં મહાકવિ પાકવો જ અશક્ય છે એમ કેટલાક આ વિષયના જાણકારોનું કહેવું છે. એટલે મિલ્ટન જગતનો અંતિમ મહાકવિ છે અને કદાચ અંતિમ જ રહેશે : ડેન્ટિ જેવો ડેન્ટિ પણ મહાકવિ નથી. એ અસાધારણ, અસામાન્ય, અપ્રતિમ, અપૂર્વ, અદ્વિતીય, અનન્ય કવિ છે પણ ઊર્મિકવિ છે, મહાકવિ નહિ. કાલિદાસ, શેક્સ્પિયર, ગટે વગેરે નાટ્યકાર કવિઓ છે. ચૉસર, પ્રેમાનંદ વગેરે આખ્યાનકાર કવિઓ છે. ડેન્ટિ, રવીન્દ્રનાથ વગેરે ઊર્મિકવિઓ છે. જગતના અંતિમ મહાકવિ મિલ્ટનનો ‘મહાકવિ’ વિશેનો આદર્શ એટલો જ મહાન છે. જે કવિ જગતના સૌ કવિઓથી જ માત્ર નહીં પણ જગતના સૌ મહાપુરુષોથી પણ મહા હોય તે મહાકવિ. આવો મહાકવિ વિરલ જ હોય. એ વિશે પણ આગલા વિધાનના અનુસંધાનમાં બલવંતરાયનું એક વિધાન વારંવાર સ્મરણમાં રહેવું જોઈએ : ‘આ જ ગાળામાં મહાપુરુષો તો પાંચ-છ પાક્યા છે : નર્મદ, દયાનંદ સરસ્વતી, જમશેદજી તાતા અને મોહનભાઈ ગાંધી વિશે તો મતભેદ પણ સંભવતો નથી. એટલે મહાકવિ કહી શકાય એવી વ્યક્તિઓ મહાપુરુષો ગણાય એવી વ્યક્તિઓ કરતાં ઓછી જ પાકે છે. એક દેશ અને એક સમયને બદલે દુનિયાના આખા ઇતિહાસપટ ઉપર — સાઈક્લોપીડિયા જેવા સર્વસંગ્રહોમાંનાં જીવનચરિત્રો ઉપર — દૃષ્ટિ ફેરવશો, ત્યાં જ મહાપુરુષોને મુકાબલે મહાકવિઓ કેટલા તો ઓછા પાકે છે તેની ખાતરી થઈ જશે. અને હોવું જોઈએ પણ એમ જ ને? મહાકવિ એટલે કવિતાક્ષેત્રમાંના મહાપુરુષોની સંખ્યા ધર્મ, રાજકારણ, વેપાર, ઉદ્યોગ, કલાઓ, વિજ્ઞાન- શોધખોળ, ફિલસૂફી આદિ અનેકાનેક ક્ષેત્રોમાંના મલાપુરુષોની એકઠી સંખ્યા કરતી ઓછી ઘણી ઓછી, હોય જ.’ સુરત-વલસાડમાં નર્મદજયંતી પ્રસંગે બલવંતરાય પ્રમુખસ્થાને હતા. પ્રમુખની દરખાસ્ત મૂકતાં પ્રસંગયોજકે બલવંતરાયને ‘સાક્ષર’ કહ્યા. એ વિશે પણ બલવંતરાયનું એક વિધાન વારંવાર સ્મરણમાં રહેવું જોઈએ : ‘સાક્ષર તે, જે અક્ષરતા, અમરતાનો અધિકારી. સાક્ષર તો કાલિદાસ, બાણ, મલ્લિનાથ, ભટ્ટોજી દીક્ષિત; તમે ને હું, તમે ને રતનભાભી સૌને ‘સાક્ષર’ કહે તે દીવાનો, સ્વીકારે તે ય દીવાનો, સાંભળીને ફુલે તે દુપ્પટ દીવાનો!... વિશિષ્ટ અર્થવાળા શબ્દને ઉતારી પાડિયે, છેક સામાન્ય અર્થમાં વાપરતા થઈ જઈયે, તેથી ભાષાને લાભ નથી, હાનિ જ છે, ખાસ તો આ કારણથી કે એવાં એવાં હીનકરણ ચેપી હોય છે, અને સમજુ, અણસમજુ લોકને હાથે તુર્ત ફેલાવા માંડે છે. અર્થઘન શબ્દોને અર્થઘન જ રાખવાની દરેક જવાબદાર લેખક અને વક્તાની ફરજ છે. ભાષાને બાપડીને નથી દેહ કે નથી હાથ કે જાતે આવીને અડપલાં કરનાર બાલકને સોટી લગાવે !’ કવિ મહા હોય કે મહા ન(એટલે કે મહાન) હોય, આપણે એક વાર તો એની જે કંઈ કવિતા હોય એને સાચા અર્થમાં સમજીએ, એના રસનો આસ્વાદ કરીએ, એનો આનંદ માણીએ અને એનો આદર કરી જાણીએ એમાં જ આપણી પ્રેમભક્તિ! એ તો કરવું નથી ને ‘અમારેય એક મહાકવિ છે, કેમ ન હોય વારુ?’ એવું અહમ્ની પામરતાનું પ્રદર્શન કરવું છે. પણ જ્યાં સાહિત્યમાં બિનસાહિત્યિકીનું વર્ચસ્ હોય ત્યાં આવી અનધિકાર ચેષ્ટા ન થાય તો જ નવાઈ! મહા ન હોય એવા કવિને મહાકવિ કહીને ‘મહાકવિ’ શબ્દ વિશેની આપણી અલ્પસમજ પ્રગટ ન કરીએ, ‘મહાકવિ’ શબ્દને આપણી હીનતાથી હલકો ન કરીએ, અને પ્રજા તરીકે આપણી મલાપામરતાને આવો મહાઅર્ધ્ય ન ધરીએ! સબ કો સન્મતિ દે ભગવાન! ૧૯ જુલાઈ ૧૯૫૭