સ્વાધ્યાયલોક—૧/સ્મૃતિમંદિરો અને ચિત્રસંપુટો
‘ગ્રંથ’ના આ અંકમાં અન્યત્ર ગોવર્ધનરામ સ્મૃતિમંદિરના જીર્ણોદ્ધાર અંગેની વિજ્ઞપ્તિ અને આ અંકના મુખપૃષ્ઠ પર બલવંતરાયની એક વ્યક્તિત્વસભર છબી પ્રગટ થાય છે. ત્યારે મનમાં સહજ જ બેચાર વિચારો ચમકી-ચમકાવી જાય છે તે અહીં નોંધું છું. કોઈ પણ સર્જકનું સાચું સ્મારક અંતે તો એનું સર્જન જ છે. સર્જકને એના સર્જનમાં જ શોધવો જોઈએ. ન અન્યત્ર. ૧૬૨૩માં, શેક્સ્પિયરના મૃત્યુ પછી સાત વરસે, શેક્સ્પિયરના બે મિત્રો — હેમિંગ અને કૉન્ડેલે શેક્સ્પિયરનાં સૌ નાટકો પ્રથમ વાર જ ગ્રંથસ્થ કર્યાં અને ‘ફર્સ્ટ ફૉલીઓ’ને નામે આજે જે પ્રસિદ્ધ છે તે સર્વસંગ્રહ પ્રગટ કર્યો, એ પ્રસંગે સમકાલીન મહાન કવિ-નાટકકાર બેન જોન્સને ‘માય બીલવેડ... માય શેક્સ્પિયર... માય જેન્ટલ શેક્સ્પિયર’ને સંબોધીને અર્પણકાવ્ય રચ્યું અને આ સર્વસંગ્રહમાં પ્રગટ કર્યું એમાં પણ આ જ સત્યનું સૂચન છે. શેક્સ્પિયરનું સર્જન એટલે કે આ સર્વસંગ્રહ જ શેક્સ્પિયરનું સાચું સ્મારક છે :
Thou art a Monument, without a tomb,
And art alive still, while thy Book doth live,
૧૮૬૫માં નર્મદે ‘નર્મગદ્ય’ પ્રગટ કર્યું ત્યારે એમાં જર્મનીમાં જેનું સ્ટીલ એન્ગ્રેવિંગ કરાવ્યું હતું (નર્મદના શબ્દોમાં ચાડું કોતરાવ્યું હતું) તે ‘નર્મદ આખરે જુદાઈ જ’ કાવ્યપંક્તિખંડ સાથેની, મસ્તિષ્ક પર તર્જની સાથેની પેલી પ્રસિદ્ધ છબી સાથે પ્રગટ કર્યું હતું. એની પ્રત્યે જાણે ઉપાલંભ રૂપે ૧૮૭૯માં દલપતરામે ‘દલપતકાવ્ય’ પ્રગટ કર્યું ત્યારે એના શીર્ષકપૃષ્ઠ પર ‘છબી વિશે દોહરો’ પ્રગટ કર્યો એમાં પણ આ જ સત્યનું સૂચન છે :
શું જોશો તનની છબી, એમાં નથી નવાઈ;
નીરખો મુજ મનની છબી, ભલા પરીક્ષક ભાઈ!
અને છતાં, સર્જકની એક મનુષ્ય તરીકેની સિદ્ધિ-અસિદ્ધિ, કીર્તિ-અપકીર્તિ, એના સામાજિક-સાંસારિક જય-પરાજય એક જ શબ્દમાં સર્જકનું જીવનચરિત્ર એના સર્જનના આસ્વાદન અને મૂલ્યાંકનમાં અંતે અપ્રસ્તુત છે (અને ક્યારેક તો અવરોધરૂપ છે) છતાં સર્જક પણ પ્રથમ તો એક મનુષ્ય છે. એથી એની પ્રજાને એ જ્યાં જન્મે, જ્યાં જ્યાં વસે, જ્યાં મૃત્યુ પામે એ સૌ સ્થળોમાં, એનાં કુટુંબીજનોમાં, એનાં મિત્રો- અમિત્રોમાં, એના જીવનમાં જેમણે મહત્ત્વનો ભાગ ભજવ્યો હોય એવાં મનુષ્યોમાં, એની સર્જનેતર પ્રવૃત્તિઓમાં, એની ભૌતિક-બૌદ્ધિક લાક્ષણિકતાઓમાં રસ હોય છે. એ સૌના પ્રતીકો સમી સામગ્રીનો એ સંગ્રહ કરે છે અને સ્મૃતિમંદિરો રચે છે. આવાં સ્મૃતિમંદિરો એ જતનપૂર્વક જાળવે છે અને ભાવિ પેઢીઓને ભાળવે છે. કોઈ પણ પ્રજાની સંસ્કારિતાનું આ એક મહત્ત્વનું લક્ષણ ગણાય છે. આપણા પ્રાચીન-મધ્યકાલીન સર્જકો અંગેની આવી પ્રમાણભૂત સામગ્રી સુલભ નથી. પણ અર્વાચીન સર્જકો — દલપત નર્મદ અને ગોવર્ધનરામથી ન્હાનાલાલ લગીના સાક્ષરયુગના જે આજે હવે સદ્ગત છે તે સૌ સર્જકો — અંગેની આવી સામગ્રી હજી સુલભ છે. છતાં આપણે આ પ્રજા તરીકે ક્યાંક ન એનો સંગ્રહ કરી શકીએ તો ક્યાંક ન એનું રક્ષણ કરી શકીએ. મિત્રો યુરોપ-ઈંગ્લંડ-અમેરિકા જાય છે, ત્યાંના સર્જકોનાં સ્મૃતિમંદિરો જુએ છે અને અહીં આવીને એ સ્મૃતિમંદિરો કેવાં તો સ્વચ્છ, સુન્દર અને સુરક્ષિત છે, એમની કેવી તો આદર્શ વ્યવસ્થા છે એનું વર્ણન કરે છે ત્યારે એક કરુણ વિરોધનો અનુભવ થાય છે. નડિયાદમાં ગોવર્ધનરામ સ્મૃતિમંદિરની આજે જે સ્થિતિ છે એનું આ વિજ્ઞપ્તિમાં વર્ણન છે; તો ન્હાનાલાલ અમદાવાદમાં એલિસબ્રિજમાં ટાઉન હૉલ પાસે અસલ લાલશંકર ઉમિયાશંકરના જે મકાનમાં એમના આયુષ્યનાં અતિવિકટ અંતિમ પચીસ વરસો વસ્યા એ મકાનની એથીયે વધુ ચિંતાજનક અને કરુણ સ્થિતિ છે. કદાચ ભવિષ્યમાં એ મકાનનું અસ્તિત્વ સુધ્ધા નહિ હોય? આપણે સૌ પ્રાર્થના કરીએ કે એ મકાનના માલિકના હૃદયમાં ભગવાન વસે અને એ મકાનમાં રાષ્ટ્રીય સ્મારક સમું ન્હાનાલાલ સ્મૃતિમંદિર રચાય! અને સાથે સાથે પ્રાર્થના કરીએ કે આપણા એકેએક મહત્ત્વના સર્જકનું સ્મૃતિમંદિર રચાય અને એમ આપણા સર્જકોનું સાચું તર્પણ તથા એક પ્રજા તરીકે આપણી સંસ્કારિતાનું સંતર્પણ થાય! ‘ગંથ’ના આ અંકના મુખપૃષ્ઠ પર બલવંતરાયની એક લાક્ષણિક છબી પ્રગટ થાય છે. મારા ચિત્રકાર-કવિ મિત્ર શ્રી શિવ પંડ્યા પાસેથી મને આ છબી સુલભ ન થાત તો કદાચને એ કદી પ્રગટ ન થાત. યુરોપ-ઈંગ્લંડ-અમેરિકાના સર્જકોની સચિત્ર જીવનચરિત્રો વારંવાર જોવાનું પ્રાપ્ત થાય છે. એમાં વિવિધ વયે, વિવિધ સ્થળે અને વિવિધ વ્યક્તિઓ સાથે સર્જકનાં અનેક ચિત્રો, સર્જકની ચીજવસ્તુઓ, હસ્તપ્રતો, આવૃત્તિઓ, અનુવાદ-આવૃત્તિઓ, સર્જકના પત્રો તથા અન્ય દસ્તાવેજો વગેરે અનેક પ્રકારની સામગ્રીના ચિત્રો — કેટકેટલાં ચિત્રો અને કેવાં વિવિધ ચિત્રો હોય છે. ત્યારે ત્યારે થાય છે મારી ભાષામાં સર્જકો અંગે આવા ચિત્રસંપુટો ક્યારે પ્રગટ થશે? આપણી સાહિત્ય-સંસ્થાઓ, શિક્ષણસંસ્થાઓ, પ્રકાશન-સંસ્થાઓને આવું આવું ક્યારે સૂઝશે? ૧૯૭૭