સમૂળી ક્રાન્તિ/4. ઇતિહાસનું જ્ઞાન
છેલ્લી અર્ધી સદીથી વિદ્વાનોએ ઇતિહાસના જ્ઞાનનો ઘણો મહિમા વર્ણવ્યો છે, અને અનેક દિશામાં ઐતિહાસિક શોધખોળ કરવાનો તથા અનેક વિષયોનો ઇતિહાસ લખવાનો ઘણો પ્રયત્ન થયો છે. પોતાના દેશ, જગત તથા જીવનની અનેક બાબતોનો પાછલો ઇતિહાસ જાણવો એ મનુષ્યની સર્વાંગીણ અને સામાન્ય કેળવણીનું આવશ્યક અંગ મનાયું છે. અર્થશાસ્ત્રીઓમાં ઇતિહાસવાદીઓનો એક સંપ્રદાય જ છે. કૉમ્યુનિસ્ટો પોતાની વિચારસરણી ઐતિહાસિક સત્યો ઉપર જ રચાયેલી માને છે. અને તે ઉપરથી માનવજીવનનું ભવિષ્ય શું થવાનું છે તે વિશે નિશ્ચિત પ્રતિપાદનો કરે છે. ઇતિહાસના જ્ઞાનના મહિમામાંથી ઇતિહાસને ‘જાળવી રાખવાનો‘યે એક આગ્રહ બન્યો છે. અને તે એટલે સુધી કે આરણ્યક પછાત પ્રજાઓને – માનવના આદિયુગના નમૂના લુપ્ત ન થઈ જાય તે માટે – એમની આદિદશામાં રહેવા દેવી જોઈએ એવો વિચાર ધરાવનારાયે પુરાતત્ત્વવાદીઓ છે. અનેક રૂઢિઓ તથા સંસ્થાઓને આજના જીવનમાં તે અર્થહીન અને અગવડરૂપ થતી હોય તોયે ઇતિહાસ જાળવવા માટે સાચવનારો વર્ગ પણ છે.
ઇતિહાસનું આટલું બધું મહત્ત્વ મનાય છે, તે સ્થિતિમાં એમ કહેવું કે એ માન્યતા લગભગ વહેમની કોટિની છે, તે ધૃષ્ટતા જેવું લાગશે. પણ નમ્રતાપૂર્વક મારે કહેવું જોઈએ કે જેટલું ઇતિહાસના જ્ઞાનનું મહત્ત્વ માનવામાં આવે છે તેટલા મહત્ત્વને તે પાત્ર નથી. પિત્તળના ઘરેણાને સોનાનું ઘરેણું માની લેવા જેવી એમાં ભૂલ થાય છે.
સાચી વાત તો એ છે કે કોઈ પણ ઘટનાનો સોળે આના સાચો ઇતિહાસ આપણને ભાગ્યે જ મળી આવે છે. પોતે જ કરેલી અને બોલેલી વાતોનીયે માણસની સ્મૃતિ જેટલી ઝપાટાબંધ ઝાંઘી પડી જાય છે કે થોડા વખત પછી એમાં સત્ય અને કલ્પનાનું મિશ્રણ બની જાય છે : એક માનસશાસ્ત્રીએ એક પ્રયોગ નોંધ્યો છે. વિદ્વાનોની એક સભામાં એક નાટયપ્રયોગ કરવામાં આવ્યો. તેમાં એક અકસ્માતનો દેખાવ હતો. પ્રયોગોની જોડે જ એની ફિલ્મ પણ ઉતારી રાખવામાં આવી. પ્રયોગ થોડી મિનિટનો જ હતો. પ્રયોગ થયા પછી અડધા કલાક બાદ શ્રોતાઓને પોતે શું જોયું તેનું બરાબર વર્ણન લખવાનું જણાવવામાં આવ્યું. પરિણામ એ નીકળ્યું કે ત્રીસેક સાક્ષીઓમાંથી બેએક જણનો વૃત્તાન્ત ફિલ્મ સાથે નેવું ટકા જેટલોય મળતો આવ્યો. બાકી બધાંના વર્ણનો 40 થી 60 ટકા જેટલી ભૂલો નીકળી.
આમાં કાંઈ આશ્ચર્ય પામવા જેવું નથી. તટસ્થ અને દક્ષ સાક્ષીઓ પણ ઘટનાઓને આમ ઝપાટાબંધ ભૂલી જાય છે તો પછી જેમાં ઘટનાના નિપજાવનારા તથા લખી રાખનારા લોકોના કોઈ રાગદ્વેષ – પક્ષપાત વગેરે હોય તેમના વૃત્તાન્તોમાં સત્યાંશ ઓછો હોય અને જેમ જેમ સમય જતો જાય તેમ તેમ વધારે ને વધારે ઓછો થતો જાય છે તેમાં શી નવાઈ? વર્તમાન બનાવોની બાબતોમાંયે ખરેખર ઘટના શી રીતે થઈ તે ક્યારેયે નિશ્ચયપૂર્વક ન શોધી શકાય એવી એક જ દિવસમાં તે સંશયાસ્પદ થઈ જઈ શકે છે. કલકત્તાની ‘કાળી કોટડી‘ની વાતને ગઈ કાલ સુધી સાચા કિસ્સા તરીકે બધા વિદ્યાર્થીઓ અને શિક્ષકો માનતા હતા. તે હવે ગપ સાબિત થઈ છે. મહમ્મદ ગજનવીએ સોમનાથ લૂંટયાની વાત પણ સાચી નથી એમ પં. સુંદરલાલજીએ જણાવી આપણને હમણાં જ આશ્ચર્યચકિત કર્યા છે. ઑગસ્ટ 1946 પછી દેશભરમાં થયેલા હિંદુ–મુસલમાન અત્યાચારો અને રમખાણોની બાબતમાં સોળેસોળ આના સાચો ઇતિહાસ કદીયે મળી શકવાનો નથી. કૃષ્ણનું સાચેસાચું જીવનચરિત્ર કોણ જાણી શકે એમ છે? રામનો જ નહીં, ઈશુ ખ્રિસ્તનોયે કદી જન્મ થયો હતો કે કેમ એને તેને ક્રૉસ પર મારવામાં આવ્યો હતો કે કેમ તે વિશે શંકા કાઢવામાં આવી છે. શેક્સપિયરનાં નાટકો વિશે, પ્રેમાનંદનાં નાટકોના જેવો જ વાદ છે. કાલિદાસ કેટલા, એ વિશે વિદ્વાનો ચર્ચા કરે છે.
આમ જે ઇતિહાસના જ્ઞાનનો આપણે મહિમા ગાઈએ છીએ, તે ઇતિહાસને નામે અને સેક્રેટેરિયેટનાં દફતરો તથા પ્રત્યક્ષ ભાગ લેનારાઓની જુબાની પર લખાયો હોય તોયે નવલકથા કે સંભવનીય કલ્પના કરતાં વધારે કિંમતનો હોતો નથી. એનું વાચન અને પાછળની કડીઓ શોધવા અને જોડવાની બૌદ્ધિક કસરત મનોરંજક વિષય અવશ્ય છે. પણ શેક્સપિયર, કાલિદાસ, બર્નાર્ડ શૉનાં ઉત્તમ નાટક, કે પૌરાણિક વાર્તાઓ તથા પરંપરાગત આવેલી દંતકથાઓ કરતાં એની વધારે કિંમત કે એના જ્ઞાનનો મોહ રાખવા જેવો નથી.
ઇતિહાસ વાંચીને આપણે ભૂતકાળ વિશે જે કલ્પનાઓ કરીએ છીએ તે યોગ્ય કરતાં ઘણી વધારેપડતી વ્યાપક રૂપમાં હોય છે; અને તે ઉપરથી વળી જે અહંતાઓ કે દ્વેષો પોષીએ છીએ તે તો અતિશય અઘટિત હોય છે. પ્રજાજીવનનાં વર્ણનોમાંથીયે પ્રજાના બહુ થોડા ભાગના જીવનની માહિતી જ નોંધાયેલી હોય છે. પણ આપણે તેને સમસ્ત પ્રજાવર્ગની સ્થિતિરૂપે સમજીએ છીએ. ભૂતકાળમાંયે સમૃદ્ધિ હતી, મોટાં મોટાં નગરો, નાલંદા જેવાં વિદ્યાપીઠો વગેરે હતાં; આ કાળમાંયે છે. પણ આપણને એમ લાગતું નથી કે આજની જેમ ત્યારેયે તે સમૃદ્ધિનો થોડા લોકો ઉપભોગ કરતા હશે, મોટો ભાગ દરિદ્ર જ હશે; ગુરુકુળોનો લાભ ગણ્યોગાંઠયો વર્ગ જ લેતો હશે; ગાર્ગી જેવી વિદુષી કાંઈ બ્રાહ્મણને ઘેર ઘેર નહીં હોય; અનેક બ્રાહ્મણીઓ તો આજના જેવી જ નિરક્ષર હશે, અને બીજા વર્ણોનાં સ્ત્રીપુરુષો પણ આજના જેવાં જ હશે. પણ આપણે એવું સમજીએ છીએ કે તે વખતે તો સૌ કોઈની સ્થિતિ સારી જ હતી; પાછળથી પલટાઈ. આવું બહુ મોટા પ્રજાસમૂહ માટે કેટલે અંશે કહી શકાય તે શંકા જ છે.
પછી શિવાજીએ તે કાળનાં મુસલમાન રાજ્યો સામે મોરચો માંડયો અને સ્વતંત્ર હિંદુ રાજ્યની સ્થાપના કરી, તે પરથી મરાઠામાત્રને લાગે છે કે મુસલમાનોનો દ્વેષ કરવો એનો કુળધર્મ છે; એ જ ન્યાયે શિવાજીએ સુરતને લૂંટયું હતું એ વાંચીને મારા એક બાળપણના સાથી, જેના પૂર્વજો સુરતમાં રહેતા હતા, તેને લાગતું હતું કે શિવાજી અને મરાઠા બધા લૂંટારું હતા અને મહારાષ્ટ્રી પ્રત્યે અણગમો ધરાવવો એને કુળાભિમાનનો પ્રશ્ન લાગતો હતો. દેશ–દેશ અને પ્રજા–પ્રજા વચ્ચેનાં કેટલાંયે વેરો ઇતિહાસ જેવી કશી વસ્તુ ન હોય, માણસને ભૂતકાળની કશી સ્મૃતિ જ ન રહેતી હોય તો પોષાય નહીં. ઇતિહાસ વાંચીને ધડો લીધો હોય અને શાણી બની હોય એવી કોઊ પ્રજા કે વ્યક્તિએ હજુ સુધી થઈ નથી.
ખરું પૂછતાં ઇતિહાસ સ્મૃતિ કે યાદદાસ્તનું જ બીજું નામ છે. યાદદાસ્ત કરતાં એની કિંમત ઓછી છે, કારણ કે ઘણુંખરું ઇતિહાસ લખવાની પ્રવૃત્તિ સ્મૃતિ તાજી હોય ત્યારે નહીં, પણ તે ઝાંખી પડી ગઈ હોય અને સાચી બીનાઓ જાણવાના સાધનો પણ લુપ્ત થવા લાગ્યાં હોય ત્યારે જ થાય છે. પણ તાજી અને સાચી સ્મૃતિયે મનુષ્યને મળેલી બક્ષિસ જ નથી, શાપ પણ છે. બે ગાયો વચ્ચે સહાનુભૂતિ – પ્રેમ સદા રહે છે, એમની વચ્ચે થયેલો ઝઘડો ક્ષણિક રહે છે. કારણ કે એની સ્મૃતિની શક્તિ બહુ મંદ છે. અને જ્યારે ઝઘડો ન હોય, તેનું સ્મરણે ન હોય, ત્યારે સહાનુભૂતિ સ્વભાવસિદ્ધ જ હોય છે. પણ માણસો સ્મૃતિને તાજી રાખીને ઘણુંખરું દ્વેષ જ જીવતો રાખતા હોય છે; એટલે કે સહાનુભૂતિ – પ્રેમને ઝાંખો કરતા હોય છે. સ્વભાવસિદ્ધ સહાનુભૂતિ – પ્રેમ કાંઈ ખાસ કર્મ દ્વારા બતાવવામાં આવ્યો હોય તો તો યાદ રહે અને પોષાય; તેને અભાવે અથવા તેને ભુલાવી શકે એવો ઝઘડો એકાદ વાર પણ થયો હોય તો તે સ્મૃતિ દ્વારા લાંબો કાળ જીવતો રહે.
આ બધું જોતાં ઇતિહાસનું શિક્ષણ કાવ્ય–નાટક–પુરાણ–નવલકથા વગેરે સાહિત્યના શિક્ષણ કરતાં વધારે મહત્ત્વનું છે એમ મને જણાતું નથી. ઇતિહાસનું અજ્ઞાન એકાદ પ્રસિદ્ધ નાટક કે કાવ્યના અજ્ઞાન કરતાં વધારે મોટી ખામી નથી. મનોરંજક ભાષાસાહિત્યનો જ એ એક વિભાગ સમજવો જોઈએ.
ઇતિહાસનાં પરિણામો તે આજનું માનવજીવન છે. આજનું માનવજીવન કેવું છે તેનું બરાબર નિરીક્ષણ કરવું જોઈએ અને તેની સમસ્યાઓનો ઇતિહાસની કેદમાં પુરાયા વિના ઉકેલ શોધવો જોઈએ. ઇતિહાસ તૂટી જશે, એની પરંપરા જળવાશે નહીં, એવો ડર રાખવાનું કારણ જ નથી. કારણ કે એના સંસ્કારો તો આપણા જીવનમાં દૃઢ થઈ જ ગયા હોવાથી, ગમે તેટલું કરો એની કારણકાર્ય શૃંખલા તો તૂટી શકતી જ નથી. જે ઉપાયો વિચારશો તે ભૂતકાળના કોઈ સંસ્કારોમાંથી જ સૂઝશે, એટલે ન–ભણેલા ઇતિહાસમાંથી જ હશે. ભણેલો ઇતિહાસ ઊલટો એમાં વિઘ્નરૂપ થવા જ વધારે સંભવ રહે છે.
જો ઇતિહાસજ્ઞાન ન હોય તો ઝંડાના ચક્રને અશોકના ધર્મચક્ર જોડે કે કૃષ્ણના સુદર્શન જોડે સરખાવવાની ઇચ્છા ન થાત; અને ચંદ્રતારાના ઝંડાનેયે મહત્ત્વ ન મળત. ઇતિહાસજ્ઞાન ક્ષીણ થવાને લીધે મધ્યકાળમાં હિંદુસ્તાનમાં આવેલા શક, હૂણ, યવન, બર્બર, અસુર વગેરે લોકો તથા તેમના ધર્મો અને આર્યો વચ્ચે જેમ આજે કોઈ સ્વદેશી–પરદેશીનો ભેદ કરતું નથી, કે હિંદુની સાવરકરી વ્યાખ્યા ભણવા બેસતું નથી, તેમ મુસલમાન, ખ્રિસ્તી, પારસી વગેરે વિશે પણ હોત. પૌરાણિક ચતુઃસીમા પ્રમાણે અરબસ્તાન, તુર્કસ્તાન, મિસર, બર્મા વગેરે સર્વે દેશો ભરતખંડના જ દેશો ગણાતા હોત. જેમ બધાં પુરાણો એક જ કાળે અને વ્યક્તિએ લખ્યાં હોય એમ ઇતિહાસના અજ્ઞાનથી માનીએ છીએ, તેમ બધા ધર્મો સનાતન ધર્મના જ ફાંટા મનાતા હોત. ઇતિહાસ વાંચવાને પરિણામે આપણે છૂટા પડતાં શીખ્યા છીએ.
કેળવણીમાં ઇતિહાસને ગૌણ સ્થાને મૂકવાની જરૂર છે. એની કિંમત ભૂતકાળ વિશેની કલ્પનાઓ અથવા દંતકથાઓ જેટલી જ સમજવી જોઈએ.
30-1-’48