સ્વાધ્યાયલોક—૫/નરસિંહનું અનુભવ-દર્શન
‘હતાં મ્હેતો અને મીરાં, ખરાં ઇલ્મી, ખરાં શૂરા; હમારા કાફલામાં એ મુસાફર બે હતાં પૂરાં!’ કલાપીએ નરસિંહ અને મીરાંને આ અંજલિ આપી છે. કલાપીએ આ અંજલિ ૧૮૯૪માં આપી હતી. ત્યારે ૧૮૬૯માં પોરબંદરમાં ગાંધીજીનો જન્મ તો થઈ ચૂક્યો હતો. પણ આજે આપણે જે ગાંધીજીને જાણીએ છીએ એ ગાંધીજીનો જન્મ ત્યારે થયો નહતો. એ ગાંધીજીનો જન્મ તો ૧૯૯૩ અને ૧૯૧૫ની વચ્ચે આફ્રિકામાં થયો હતો એટલે આજે હવે આપણે કલાપીની આ પંક્તિઓમાં પાઠાન્તરે આ અંજલિ આપવી જોઈએ : હતાં નરસિંહ, મીરાં, ગાંધી, ખરાં ઇલ્મી, ખરાં શૂરાં; અમારા કાફલામાં એ મુસાફર ત્રણ હતાં પૂરાં! નરસિંહ, જન્મે નહિ પણ કર્મે મીરાં અને ગાંધીજી — આ ત્રણે વિરલ વિભૂતિઓ સૌરાષ્ટ્રની સરજત છે. આ અંજલિ આપનાર અને ‘ફકીરી હાલ મારો છે’ એમ ૧૮૯૨માં જીવનના આરંભે જ પ્રથમ કાવ્યમાં આલાપનાર રાજવી કવિ કલાપી પણ સૌરાષ્ટ્રનું સંતાન છે. આમ, સૌરાષ્ટ્ર સંતોની ભૂમિ છે. સૌરાષ્ટ્રની ભૂમિમાં ભક્તોની અને ભક્તિકવિતાની ભવ્યસુન્દર પરંપરા છે. નરસિંહ તો મીરાં અને ગાંધીજીના પૂર્વજ છે. એટલું જ નહિ, ગુજરાતના ઇતિહાસમાં નરસિંહને કોઈ પૂર્વજ નથી. એ અર્થમાં નરસિંહ માત્ર ગુજરાતના આદિ કવિ જ નથી, આદિ ભક્ત પણ છે. ગુજરાતમાં નરસિંહ પૂર્વે અને નરસિંહ, મીરાં તથા ગાંધીજી પછી સંતો થયા હોય તો પણ નરસિંહ, મીરાં અને ગાંધીજીએ અસંખ્ય મનુષ્યોનાં હૃદયમાં જેવું અને જેટલું સ્થાન પ્રાપ્ત કર્યું છે એવું અને એટલું સ્થાન એમની પૂર્વેના કે એમની પછીના કોઈ સંતે પ્રાપ્ત કર્યું નથી. એ અર્થમાં આ ત્રણે સંતો એક વિરલ અને વિશિષ્ટ ત્રિમૂર્તિ છે. આ ત્રણે સંતો ખરાં ઇલ્મી છે, ખરાં શૂરાં છે અને ખરાં પૂરાં પણ છે. આ ત્રણે સંતો ખરાં ઇલ્મી છે કારણ કે એમને કોઈ પરમ તત્ત્વનો, કોઈ પરમ વસ્તુનો, કોઈ પરમ આત્માનો અનુભવ થયો હતો. એમને પરમેશ્વરનું પ્રત્યક્ષ જ્ઞાન થયું હતું. એ કોઈ ધાર્મિક, સામાજિક કે રાજકીય સંપ્રદાયમાં ન હતાં કે એમને કોઈ સંપ્રદાય ન હતો. તેઓ કોઈ ધાર્મિક, સામાજિક કે રાજકીય સંસ્થાના બંધનમાં બધ્ધ ન હતાં. તેઓ મુક્ત હતાં, મુક્તાત્માઓ હતાં. એથી એમને ત્રાસ આપવામાં આવ્યો હતો. નરસિંહને સામાજિક ત્રાસ, મીરાંને રાજકીય ત્રાસ અને ગાંધીજીને સામાજિક અને રાજકીય ત્રાસ આપવામાં આવ્યો હતો. એમણે એ ત્રાસનો નમ્રતાથી અને ગૌરવથી, ધીરતાથી અને વીરતાથી પ્રતિકાર કર્યો હતો, અખૂટ આત્મશ્રદ્ધાથી, અતૂટ આત્મવિશ્વાસથી પ્રતિકાર કર્યો હતો. એથી તેઓ ખરાં શૂરાં અને પૂરાં પણ હતાં. આ કારણે માત્ર ગુજરાતના જ નહિ, સમગ્ર ભારતના ઇતિહાસમાં નરસિંહ, મીરાં અને ગાંધીજી એક વિરલ અને વિશિષ્ટ ત્રિમૂર્તિ છે. અહીં આમ આરંભે જ ગાંધીજીનો ઉલ્લેખ કર્યો છે, કારણ કે નરસિંહ અને મીરાંના જીવન વિશે કોઈ પ્રમાણ કે આધાર નથી, એમનું જીવન અનુમાન અને સંશોધનનો વિષય છે. જોકે એમની — અને અન્ય ભક્તકવિઓની — કવિતા દ્વારા એમના જીવનની કેટલીક વિગતો — મુખ્ય વિગતો સુલભ અને સુપરિચિત છે. પણ કવિતા એ ઇતિહાસ નથી. એમાં રૂપક-રૂપકાત્મકતા અને કલ્પના-કલ્પકતાની ઉપસ્થિતિ હોય છે. જ્યારે ગાંધીજીનું સમગ્ર જીવન, એમના જીવનની અને કાર્યની દિનપ્રતિદિનની નાની મોટી એકે એક વિગત આપણને પ્રત્યક્ષ છે. ગાંધીજી આપણા જીવનકાળમાં આપણી વચ્ચે જીવ્યા છે. આપણે એમને નજરોનજર જોયા-જાણ્યા છે. એથી નરસિંહ અને મીરાંનું જીવન અને કાર્ય સમજવામાં એમની અમૂલ્ય સહાય છે. ગાંધીજી નરસિંહ અને મીરાંના સાચા વંશજ છે, સીધા વારસ છે. કહે છે કે ગાંધીજીએ પણ ક્યારેક ‘શું નરસિંહ મહેતા ખોટું કહે? શું મીરાંબાઈ ખોટું કહે? એવો પ્રશ્ન પૂછ્યો હતો. આમ, સ્વયં ગાંધીજીને પણ એમનું જીવન અને કાર્ય સમજવા-સમજાવવા માટે, એમના સત્ય અને અહિંસાના પ્રયોગોના અનુમોદન અને આધાર માટે નરસિંહ અને મીરાંના જીવન અને કવનની અમૂલ્ય સહાય હતી. પરાઈ પીડ જાણનાર પરમ વૈષ્ણવ ગાંધીજીએ નરસિંહનું ‘વૈષ્ણવજન’ જીવનભર રોજ રોજ સવાર સાંજ પ્રાર્થનામાં સમગ્ર ભારતને સંભળાવ્યું હતું. જનમાત્રની પીડ હરવાની પ્રાર્થના શ્વાસે શ્વાસે ઉચ્છ્વાસનાર ગાંધીજીએ ૧૯૪૭ના ઑક્ટોબરની ૨જીએ દિલ્હીમાં એમના અંતિમ જન્મદિને સાંજની પ્રાર્થનામાં મીરાંનું પદ ‘હરિ, તુમ હરો જનકી પીર’ સુબ્બલક્ષ્મીને કંઠે આગ્રહપૂર્વક આગલી રાતે ગવડાવીને બીજી સવારે મદ્રાસથી વિમાનમાં દિલ્હી એની રેકર્ડ મંગાવીને સાંભળ્યું હતું. આજે અહીં ‘નરસિંહનું અનુભવ-દર્શન : આંતરજીવનમાં અને બાહ્યજગતમાં’ એ શીર્ષકથી આ વ્યાખ્યાનમાં નરસિંહના આંતરજીવનમાં અને કવનમાં એમનું જે ઇલ્મીપણું છે અને નરસિંહના સમકાલીન બાહ્યજગતમાં અને કાર્યમાં એમનું જે શૂરાપણું અને પૂરાપણું છે એ સમજવાનો ઉપક્રમ છે. એ માટે સૌ પ્રથમ તો નરસિંહનાં છ આત્મકથનાત્મક કાવ્યો — ‘વિવાહ’, ‘મામેરું’, ‘હૂંડી’, ‘હાર’, ‘ઝારી’ અને ‘પવિત્ર પ્રસંગ’માં એમના જીવન અને કાર્ય તથા સ્થળ અને સમય વિશે જે ઉલ્લેખો અને સૂચનો છે એને આધારે એમના જીવનની રૂપરેખા આ પ્રમાણે આંકવી જોઈએ : ૧૪૦૮માં તળાજામાં જન્મ. ૧૪૨૪માં ૧૬ વર્ષની વયે માણેકબાઈ સાથે લગ્ન. ૧૪૨૮માં ૨૦ વર્ષની વયે પુત્ર શામળનો જન્મ. ૧૪૩૦માં ૨૨ વર્ષની વયે ભાભીનું મહેણું, ગૃહત્યાગ અને એકાન્ત મૌનમાં પરમેશ્વરનું પ્રત્યક્ષ જ્ઞાન. ૧૪૩૦માં ૨૨ વર્ષની વયે પુત્રી કુંવરબાઈનો જન્મ. ૧૪૩૦-૩૧માં ૨૨-૨૩ વર્ષની વયે હરિજનોના સાન્નિધ્યમાં જીવનચર્યાથી ભાઈ-ભાભીની અકળામણને કારણે સકુટુંબ જૂનાગઢમાં. ૧૪૪૦ના એપ્રિલની ૭મીએ પુત્ર શામળનો વિવાહ (ત્યારે નરસિંહનું વય ૩૨ વર્ષનું અને પુત્ર શામળનું વય ૧૨ વર્ષનું). ૧૪૪૭માં પુત્રી કુંવરબાઈનું મામેરું (ત્યારે નરસિંહનું વય ૩૯ વર્ષનું અને પુત્રી કુંવરબાઈનું વય ૧૭ વર્ષનું)થયું તે પૂર્વે કુંવરબાઈનું લગ્ન મોડામાં મોડું ૧૪૪૫-૪૬માં થયું હોવું જોઈએ (ત્યારે નરસિંહનું વય ૩૭-૩૮ વર્ષનું અને કુંવરબાઈનું વય ૧૫-૧૬ વર્ષનું હોવું જોઈએ). મામેરું થયું તે પૂર્વે, ૧૪૪૭ પૂર્વે, એટલે કે નરસિંહનું વય ૩૯ વર્ષનું હોય તે પૂર્વે પત્ની અને પુત્રનું અવસાન. આમ, ૧૪૪૫-૪૬ પૂર્વે નરસિંહ વિધુર અને પુત્રી શ્વસરગૃહે હોય એથી નરસિંહ એકાકી. ત્યારે નરસિંહનું વય ૩૭-૩૮ વર્ષનું હોવું જોઈએ. ૧૪૫૫ના ઑક્ટોબરની ૧૬મીએ હારનો પ્રસંગ (ત્યારે નરસિંહનું વય ૪૭ વર્ષનું). ૧૪૬૪માં જૂનાગઢના રા’માંડલિક પાંચમાનું અવસાન. ૧૪૬૪ પછી. એટલે કે નરસિંહનું વય ૫૬ વર્ષનું હોય ત્યાર પછી નરસિંહનું ૧૪ વર્ષનું ઉત્તરજીવન માંગરોળમાં. અહીં કાકા પરબતદાસના ઘરમાં કાકાની કોઈ સ્વજન સ્ત્રી રતનબાઈની ઝારીનો પ્રસંગ. ૧૪૮૦માં માંગરોળમાં ૭૨ વર્ષની વયે નરસિંહનું અવસાન. નરસિંહે ૧૪૩૦ પછી જીવનભર પ્રેમભક્તિ — શૃંગાર અને વાત્સલ્ય — નાં કાવ્યો, ૧૪૪૭ પછી અને ૧૪૬૪ પૂર્વે જૂનાગઢમાં ‘વિવાહ’, ‘મામેરું’, ‘હૂંડી’, ‘હાર’, ‘પવિત્ર પ્રસંગ’, ‘ચાતુરીઓ’, ‘દાણલીલા’, ‘સુદામચરિત્ર’ તથા ૧૪૬૪ પછી અને ૧૪૮૦ પૂર્વે માંગરોળમાં ‘ઝારી’ અને ભક્તિજ્ઞાનમાં કાવ્યો રચ્યાં હોવા જોઈએ. નરસિંહને, આરંભે કહ્યું તેમ, પરમેશ્વરનું પ્રત્યક્ષ જ્ઞાન થયું હતું, કોઈ રહસ્યમય અનુભવ થયો હતો. નરસિંહે એમનાં આત્મલક્ષી સ્વાનુભવનાં આત્મકથનાત્મક કાવ્યો કંઈક વિગતે વિસ્તારથી ‘વિવાહ’(પદ ૧-૮, ૧૫, ૨૧) અને ‘મામેરું’ (પદ ૧-૩)માં ં તથા પરલક્ષી પરાનુભવના આખ્યાનકલ્પ કાવ્ય ‘ચાતુરીઓ’ (પદ ૯)માં એનો ઉલ્લેખ કર્યો છે. આમ, એમણે એનું જીવનભર સ્મરણ અને પુનરાવર્તન કર્યું છે. એમાં એમણે આ અનુભવ ક્યાં, ક્યારે અને કેવી રીતે થયો અને આ અનુભવ થયા પછી એમના આંતરજીવનમાં અને બાહ્યજગતમાં શું પરિવર્તન થયું એનો પણ ઉલ્લેખ કર્યો છે. મીરાંને પણ આવો જ અનુભવ શૈશવકાળમાં થયો હતો એવું માની-અનુમાની શકાય. પછી મીરાંએ દીર્ઘ સમય લગી, ૧૭ વર્ષની વય લગી લગ્ન કર્યું ન હતું અને લગ્ન કર્યું ત્યારે મેવાડના રાણા સંગ — સંગ્રામસિંહની વિનંતિથી વિદેશી-વિધર્મી આક્રમણોના પ્રતિકાર માટે અનિવાર્ય એવી ઉત્તર ભારતના રાજ્યોની રાજકીય એકતા અર્થે, બહુજનહિતાય અને તે પણ ‘મીરાં સુત જાયો નહિ’માં સૂચન છે તેમ એ લગ્ન પોતે ભોગવશે નહિ એ શરતે રાજકીય સગવડનું લગ્ન ‘mariage de convenece કર્યું હતું. વૈધવ્ય પછી અને સવિશેષ રાણા સંગના અવસાન પછી રાજપ્રાસાદનો ત્યાગ કર્યો હતો. અને નિર્દોષ અને નિર્ધન એવા બહિષ્કૃતો અને તિરસ્કૃતોની વચ્ચે વસ્યા હતા. પછી બે દુષ્ટ અને દુર્જન રાણાઓના રાજકીય ત્રાસને કારણે મેવાડ-મેડતાનો અને દૂષિત અને દોષિત ધાર્મિક વાતાવરણને કારણે વ્રજ સુધ્ધાંનો ત્યાગ કર્યો હતો અને દસેક વરસ દ્વારિકામાં વસ્યાં હતાં. ત્રીજા રાણાએ મેવાડ પાછા આવવાનું આમંત્રણ આપ્યું પણ મેવાડ પાછા જવું ન હતું એથી અંતે દ્વારિકાનો પણ ત્યાગ કર્યો હતો અને દસેક વરસ દક્ષિણ ભારતની તીર્થયાત્રા પછી જીવનનાં અંતિમ દસેક વરસ પૂર્વ ભારતમાં અજ્ઞાત વાસમાં વસ્યાં હતાં અને પોતાના નામ સુધ્ધાંનો ત્યાગ કર્યો હતો. અહીં એ યુગના સૌ મહાપુરુષો — અકબર, માનસિંહ, તુલસીદાસ, બિરબલ, તાનસેન — સાથે એમનું મિલન થયું હતું અને અકબરને ભારતવર્ષના ઐક્યનું એમનું દર્શન ભેટ આપ્યું હતું. ગાંધીજીને પણ દક્ષિણ આફ્રિકામાં કોઈ ક્ષણે આવો જ કોઈ અનુભવ થયો હશે. ગાંધીજી બેરિસ્ટર મીસ્ટર ગાંધી તરીકે આફ્રિકા ગયા હતા અને મહાત્મા ગાંધી તરીકે ભારત પાછા આવ્યા હતા. એટનબરોએ એમની ‘ગાંધી’ ફિલ્મમાં આ ક્ષણને પામવાનો કંઈક પ્રયત્ન કર્યો છે. ગાંધીજીએ પણ ‘હિન્દ સ્વરાજ’ના અંતિમ વાક્યમાં આ ક્ષણનું સૂચન કર્યું છે. ત્યાર પછીનું ગાંધીજીનું જીવન અને કાર્ય આપણને સુવિદિત અને સુપરિચિત છે. ભારત પાછા આવ્યા પછી સાબરમતીમાં વસ્યા હતા. પછી સાબરમતીનો ત્યાગ કર્યો હતો અને જીવનનાં અંતિમ વરસોમાં સેવાગ્રામમાં વસ્યા હતા. ગાંધીજી સત્ય દ્વારા ભારતના સ્વાતંત્ર્ય માટે અને અહિંસા દ્વારા સમગ્ર જગતના સમત્વ અને બંધુત્વ માટે, પ્રેમ દ્વારા દલિત અને પીડિત એવા બહિષ્કૃતો અને તિરસ્કૃતો માટે અને સર્વધર્મસમભાવ, સર્વધર્મમમભાવ દ્વારા વિધર્મીઓ માટે જીવ્યા હતા. નામ પાડીને કહેવું હોય તો, ગાંધીજી હરિજનો માટે જીવ્યા હતા અને મુસ્લિમો માટે મર્યા હતા. નરસિંહએ એમને આ અનુભવ ક્યાં, ક્યારે અને કેવી રીતે થયો એનો ઉલ્લેખ કર્યો છે : ‘ગામ તળાજામાં જન્મ મારો થયો, ભાભીએ ‘મૂર્ખ’ કહી મ્હેણું દીધું.’ ‘વચન વાગ્યું’ ‘મરમવચન કહ્યાં હુંને ભાભીએ તે માહરા પ્રાણમાં રહ્યાં વળૂંધી’ ભાભીએ મ્હેણું કેમ માર્યું? નાગરી નાત હોય, પુરુષ ૨૦-૨૨ વર્ષની વયનો હોય; એ પુરુષ નાની વયનો તો ન જ હોય, તો ભાભીએ ‘મૂર્ખ’ એવું મ્હેણું ન માર્યું હોય, ભાભી એટલાં મૂર્ખ તો ન જ હોય; એ પુરુષ છ વર્ષથી પરિણીત હોય, બે વર્ષની વયના પુત્રનો પિતા હોય, થોડાક જ સમયમાં અન્ય એક સંતાનનો પિતા થવાનો હોય, પત્નીની પ્રસૂતિ એના પિયરના ઘરમાં નહિ પણ પોતાના સંયુક્ત કુટુંબના ઘરમાં થવાની હોય, અને એ આજીવિકા, જીવનપોષણ, કુટુંબનું ભરણપોષણ — આદિ કર્તવ્ય અને અન્ય કર્તવ્યોનું પાલન ન કરતો હોય, એ નિષ્ક્રિય અને નિરુદ્યમી હોય, ભવિષ્યમાં એ નરસિંહ મહેતા થવાનો છે એવો વહેમ સુધ્ધાં કોઈને ન હોય, તો સમાજ પણ એને મ્હેણું મારે તો ભાભી મ્હેણું ન મારે તો જ નવાઈ! તો ભાભીએ મ્હેણું માર્યું પછી નરસિંહે ગૃહત્યાગ કર્યો : ‘એક અપૂજ શિવલિંગનું વન માંહે જઈ પૂજન કીધું.’ ‘શિવ આગળ જઈ એક-મનો થઈ ધ્યાન કીધું દિવસ રાત સુધી’ ‘સાત ઉપવાસ ચિત્ત દૃઢ કરીને કર્યા’ એથી શિવ પ્રસન્ન થયા અને દર્શન આપ્યું. શિવે વરદાન માગવા કહ્યું અને ‘મસ્તકે કર ધર્યો મુગ્ધ જાણી’ નરસિંહે માગ્યું : ‘માગું શું નવલ હું? તમને જે વલ્લભ, દીજિયે મુંને તે જાણી દાસ’ ‘તમને જે વલ્લભ, હોય કાંઈ દુર્લભ આપો, પ્રભુજી! હુંને દયા રે આણી’ શિવને કૃષ્ણ વલ્લભ. એથી શિવે નરસિંહનો ‘હાથ સાહ્યો’, નરસિંહને દ્વારિકા લઈ ગયા અને કૃષ્ણ સમક્ષ ઊપસ્થિત કર્યા. કૃષ્ણે નરસિંહનું સ્વાગત કર્યું અને ‘હસ્તકમળ મારે શીશ ચાંપ્યો’. પછી કૃષ્ણે નરસિંહનું આતિથ્ય કર્યું. અને નરસિંહને વરદાન માગવા કહ્યું : ‘શ્રીકૃષ્ણ સ્વમુખ વદે : માગ તું, નાગરા! રિદ્ધિ સિદ્ધિ ત્રિલોક આપું’ સ્વર્ગના સુરપતિ વાસ વસે વિધિ તિહાં, વૈકુંઠ-કૈલાસમાં સદ્ય થાપું!’ નરસિંહે માગ્યું : ‘રિદ્ધિ સિદ્ધિ રાજ્યનો ખપ નથી માહરે, એક અનંત તારી ભક્તિ જાચું’ ‘કષ્ટ પડે તિહાં સહાય થાજો તમો, ગાઉં જશ તાહરા મધુર વાણી’ ‘રાસ મંડળ રસ્યું, વૃન્દાવન મચ્યું, અખંડ લીલા મારે નેણ નિરખું’ અને પછી ‘હસિયા કમળાપતિ : ‘ધન્ય તારી મતિ!’ પ્રેમની ભક્તિ નરસૈંને આપી’ શરદપૂનમની રાતે ‘વ્રજ તણી આદ્ય લીલાનું દરશન હવું’ ‘અદ્ભુત લીલા અખંડ શ્રીકૃષ્ણની, નરસૈંને જઈ દેખાડ્યો રાસ.’ એ સમયે પણ નરસિંહ ‘મહારસ માંહે મહાલિયો શંભુજી કેરી બાંહે.’ અને શિવે ‘દિવ્યચક્ષુ દીધ મુજને, મસ્તક મેલ્યો હાથ.’ આમ, શ્રીકૃષ્ણે નરસિંહને આદ્ય અખંડ રાસલીલાનું દર્શન કરાવ્યું. પછી એક માસનો અથવા ત્રણ માસનો સમય વીતી ગયો. પછી ‘હસ્તકમળે મારો હાથ ઝાલ્યો’ અને કૃષ્ણ નરસિંહને રુકિમણી પાસે લઈ ગયા. રુકિમણીએ પુત્રના વિવાહ પ્રસંગે કૃષ્ણની સાથે ઉપસ્થિત થવાનું આમંત્રણ માગ્યું. નરસિંહે એમને વચનનું પાલન કરવાનું કહ્યું અને નરસિંહ દ્વારિકામાંથી વિદાય થયા અને તળાજા પાછા આવ્યા. નરસિંહે એમને આ અનુભવ થયો પછી એમના બાહ્યજગતમાં જે પરિવર્તન થયું એનો ઉલ્લેખ કર્યો છે : પ્રથમ તો એમણે ભાભીનો આભાર માન્યો : ‘ધન્ય ભાભી! તમો, ધન્ય માતા-પિતા, શઠ જાણી મુંને દયા કીધી તમારી ક્રિયા થકી હરિ-હર ભેટિયા…’ ‘આવીને ભાભીને લાગ્યો પાયે’ ‘શ્રી હરિ-હર હુંને જે મળ્યા, સાંભળો! માત મારી! તે તમારી કૃપાએ’ ‘ભાભીએ ભાગ્ય ઉદે કર્યું’ પછી આ અનુભવ સમયે કૃષ્ણએ ‘પ્રેમની ભક્તિ નરસૈંને આપી’ એથી નરસિંહે જીવનભર ભક્તિ કરવાની પ્રાર્થના અને પ્રતિજ્ઞા કરી હતી : ‘એક અનંત તારી ભક્તિ જાચું’ ‘સૂતી ઊઠી મારી આદ્ય વાણી’ ‘ગાઉં જશ તાહરા મધુર વાણી’ ‘જે રસ અનુભવ્યો ગાઉં તે નિત નવો’ પછી ઘેર આવીને ‘લક્ષ સવા કીર્તન તણો નીમ કરી..’ સવા લાખ પદ રચવાનો નિર્ણય કર્યો. ઉમાશંકરથી અસાવધ ક્ષણે લખાઈ ગયું છે, ‘લક્ષ સવા કીર્તનો ગાયાં હશે કદાચ!’ પણ પછી સાવધ ક્ષણે સુધાર્યું છે, ‘સવા લાખ નહિ તો પણ ખાસ્સી મોટી સંખ્યામાં કૃષ્ણ અંગેનાં પદો નરસિંહે ગાયાં લાગે છે’ અને પાદટીપમાં ઉમેર્યું છે, ‘સોળસોની આસપાસ પદસંખ્યા જોવા મળશે.’ નરસિંહે ૨૦-૨૨ વર્ષની વયે આ પદ રચવાનો નિર્ણય કર્યો અને ૭૨ વર્ષની વયે અવસાન લગી, ૫૦ વર્ષ લગી સતત રોજ રોજ કાવ્યો રચ્યાં હોય તો સરેરાશ રોજનાં સાતેક કાવ્ય રચવાનું થાય. ૫૦-૬૦ વર્ષના સમયમાં જગતમાં કોઈ કોઈ કવિઓએ દોઢ-બે લાખ પંક્તિઓ રચી છે. પણ એટલા સમયમાં સવા લાખ કાવ્યો? શક્ય નથી. નરસિંહના આ શબ્દો ગુજરાતી ભાષામાં ‘તને લાખ વાર કહ્યું’, ‘લાખ લાખ વંદન’, ‘લાખવાનાં કર્યાં’ વગેરે જે વિશિષ્ટ શબ્દપ્રયોગ છે એવો પ્રયોગ માત્ર છે. એનો અર્થ એટલો કે નરસિંહે જીવનભર કાવ્યો — મોટી સંખ્યામાં કાવ્યો રચવાનો નિર્ણય કર્યો અને લગભગ ૧૬૦૦ કાવ્યો રચ્યાં પણ છે. નરસિંહે સુદામા, મીરાં અને ગાંધીજીની જેમ સ્વેચ્છાએ નિર્ધનતાનો સ્વીકાર કર્યો હતો : ‘હરિ રસ ગાવા જે મળે ખાવા’ ‘કાષ્ટ પડે તિહાં સ્હાય થાજો તમો’ એ ભગવાન ભરોસે ઇચ્છરેચ્છાનું જીવન જીવ્યા હતા. એથી ઈશ્વરે એમના યોગક્ષેમના અને સંકટ સમયે સહાયના કર્તવ્યનું પાલન કરવાનું હતું. એમણે તો સંપૂર્ણ સમર્પણ કર્યું હતું, બિનશરતી શરણાગતિ સ્વીકારી હતી. શિવ અને કૃષ્ણે વરદાન માગવાનું કહ્યું ત્યારે એમણે શિવને અને કૃષ્ણને જે વલ્લભ-વહાલું હોય એ માગ્યું હતું. એમણે તો ભક્તિ જ માગી હતી, એથી તો એ નિર્ભય અને નિશ્ચિંત હતા : ‘નરસિંહ નિરભે થયો’ મીરાં અને ગાંધીજીની જેમ નિત્ય સેવા, નિત્ય કીર્તન અને નિત્ય ઉદ્યમ એ એમનો જીવનભરનો નિત્યક્રમ હતો. એથી મીરાં અને ગાંધીજીની જેમ એમને ઘેર પણ ‘ગામગામે થકી હરિજન આવતા, દર્શન કરવાને લ્હાર લાગી’ આ અનુભવ પૂર્વેના નિષ્ક્રિય અને નિરુદ્યમી નરસિંહ જીવનભર સક્રિય અને ઉદ્યમી થયા હતા. હવે પછી ‘પવિત્ર પ્રસંગ’ના પદમાં જોઈશું તેમ, નરસિંહ અરધી સદી લગી સતત સક્રિય રહ્યા હતા. નરસિંહ activist — કર્મવીર હતા. એથી ‘ભાઈ-ભોજાઈ અકળાઈને એમ કહે : ‘હવે તમો અમ થકી દૂર રહીએ.’ ‘…નગર જૂનાગઢ માંહે જઈએ.’ નરસિંહ હવે પત્ની માણેકબાઈ, એક પુત્ર અને આ અનુભવ થયો ત્યારે પત્ની સગર્ભા હતાં એથી ટૂંક સમયમાં જ જે એક પુત્રીનો જન્મ થયો તે પુત્રી સાથે જૂનાગઢમાં ભાઈ-ભાભીથી સ્વતંત્ર વસ્યા હતા. જૂનાગઢમાં નરસિંહે ‘લીધું મંદિર જિહાં નાત છે નાગરી’ નાગરોની વચ્ચે નાનું ઘર વસાવ્યું હતું. ‘નીચા મંદિર ને નિપટ જૂના ઘણાં’ થોડાંક વર્ષ પછી પત્ની અને પુત્રનું અવસાન થયું અને પુત્રી લગ્ન પછી શ્વસુરગૃહે હતી એથી નરસિંહ હવે વિધુર અને એકાકી થયા હતા. અંતે ઉત્તરજીવનમાં માંગરોળમાં વસ્યા હતા. નરસિંહે એમને આ અનુભવ થયો પછી એમના આંતરજીવનમાં જે પરિવર્તન થયું એનો ઉલ્લેખ કર્યો છે. શિવનું દર્શન થયું ત્યારે ‘અચેત ચેતન થયો, ભવ તણો અઘ ગયો’ ‘પૂરણ બ્રહ્મ શું ધ્યાન ચોંટ્યું’ ‘દિવ્યચક્ષુ દીધાં મુજને મસ્તક મેલ્યો હાથ’ કૃષ્ણે રાસલીલાનું દર્શન કરાવ્યું ત્યારે ‘પુરુષ પુરુષાતન લીન થયું માહરું, સખીરૂપે થયો મધ્ય ગાવા’ ‘દેહદશા ટળી, માંહે રહ્યો ભળી, દૂતી થઈ માનિનીને મનાવા’ ‘મેલી પુરુષપણું સખીરૂપ થઈ રહ્યો’ એથી ૨૦-૨૨ વર્ષની વયે નરસિંહના ગૃહસ્થજીવનનો અંત આવ્યો હતો. આમ, નરસિંહનો પુંભાવ, હુંભાવ ગયો અને એમનો આત્મા નારીરૂપ થયો : આત્મા વૈ રાધિકા — આ છે નરસિંહની પ્રેમભક્તિની પાત્રતા. સાથે સાથે નરસિંહ પ્રભુમય, પ્રભુસ્વરૂપ., પ્રભુસમાન થયા. નરસિંહને પ્રભુ સાથે સાન્નિધ્ય અને સાયુજ્યનો. સમાનધર્મા સુદામાની જેમ મિત્રતાનો અનુભવ થયો. એથી સ્તો કૃષ્ણ વારંવાર સ્વમુખે કહે છે : ‘હું અને તું મધ્યે ભેદ નહિ નાગરા!’ ‘નરસૈંયો ભક્ત હુંતુલ્ય જાણો’ ‘લોક માંહે કરું મુજ સમાણો’ ‘હું ને એમાં અંતર ન આણો’ ‘તમારું ને અમારું એક નામ’ ‘હું અને તું ક્ષણ એક નથી વેગળા’ ‘એક અધક્ષણ નથી હું રે વેગળો’ ‘હું અને તું વિશે ભેદ નહિ, નાગરા!’ ‘તાહરું માહરું એક રૂપ’ નરસિંહ સ્વમુખે કહે છે : ‘કીડી હું તો તે કુંજર થઈ ઊઠિયો’ ‘નરસૈંયો મહામતિ’ મદનમહેતાએ પણ લગ્નમંડપમાં ‘નરસૈંયો દીઠો નરસિંહ સરખો’ અન્ય અતિથિઓએ પણ લગ્નવિધિ સમયે ‘નરસૈંયો ચતુર્ભુજ જોયે’ આમ, નરસિંહનો આ અનુભવ ૧૭મી સદીના શ્રેષ્ઠ અંગ્રેજ ભક્તકવિ જોર્જ હર્બટના અનુભવની જેમ એકસાથે નમ્રતા અને ગર્વનો અનુભવ હતો. એમાં નરસિંહની પ્રભુતા અને પ્રભુમયતા પ્રગટ થાય છે. નરસિંહનો આ અનુભવ પરમેશ્વરના પ્રત્યક્ષ જ્ઞાનનો અનુભવ છે, રહસ્યમય અનુભવ છે. એ વ્રત, તપ, યોગ, વિધિ, ધ્યાન, મંત્ર, શાસ્ત્ર, તપસ્યા, સાધના, આરાધના, ઉપાસના, યમનિયમ, તીર્થાટન, સમુદ્રસરિતાસ્નાન, માર્ગ, પંથ, સંપ્રદાય આદિ દ્વારા પ્રાપ્ત થયો નથી. એ તત્કાલ, તત્ક્ષણ, ક્ષણ-ક્ષણાર્ધનો રહસ્યમય અનુભવ છે. એ સહજ, સરલ, સહસા, સ્વયંભૂ, સ્વયંસ્ફુરિત જ્ઞાનનો અનુભવ છે. ભાભીએ મૂરખ કહ્યો અને એમણે ગૃહત્યાગ કર્યો એટલા તો એ સ્વમાની અને સંવેદનશીલ હતા. ગૃહત્યાગ પૂર્વેથી જ એમના ચિત્તમાં, એમની ચેતનામાં આ અનુભવના બીજનો પ્રક્ષેપ થયો હોય અને સાત દિવસના સમયમાં એકાન્તમાં, એકાગ્રતામાં મૌનમાં, ધ્યાનમાં એ બીજ આ અનુભવ રૂપે ફૂલ્યું-ફાલ્યું હોય. પછી એક અથવા ત્રણ માસ માટે એ દ્વારિકા ગયા હોય. દ્વારિકા ભારતનું એક મુખ્ય તીર્થસ્થાન છે. એથી સમગ્ર ભારતમાંથી અસંખ્ય યાત્રિકો, ભક્તો, સંતો, સાધુઓ, યોગીઓ, આચાર્યો, વિદ્વાનો સતત એની યાત્રાએ આવતા જતા હોય. એથી દ્વારિકામાં અને માર્ગમાં નરસિંહનું એમની સાથે મિલન થયું હોય, અને અધ્યાત્મચર્ચાનો, વાદવિવાદ અને સંવાદનો વિનિમય થયો હોય. ટૂંકમાં, નરસિંહના આ અનુભવ વિશે એટલું જ કહી શકાય કે નરસિંહને ‘કંઈક’ થયું હતું. નરસિંહનો આ અનુભવ અનિર્વચનીય છે, અવર્ણનીય છે, યતો વાચો નિવર્તન્તે એવો અનુભવ છે. એ વાણીમાં વ્યક્ત કરવો અશક્ય છે. એક જ રીતે ભાષામાં, શબ્દમાં, કાવ્યમાં વ્યક્ત કરવો શક્ય છે, રૂપક-રૂપકાત્મકતા અને કલ્પના-કલ્પકતા, કલ્પન અને પ્રતીક દ્વારા. એથી આ અનુભવ વિશેનાં કાવ્યોમાં, અગાઉ જેનો વિગતે ઉલ્લેખ કર્યો છે તે, વન, શિવલિંગ, શિવ, દ્વારિકા, કૃષ્ણ, રુકિમણી, રાસલીલા આદિ તથા, હવે પછી જોઈશું તેમ, રાધા, ગોપી, કૃષ્ણ આદિ માત્ર કલ્પનો છે, માત્ર પ્રતીકો છે, માત્ર રૂપકો છે. અસંખ્ય પ્રાકૃતજનોએ, પૃથકજનોએ એનો રૂપકાર્થ ન કર્યો અને વાચ્યાર્થ કર્યો અને એમને જે ભ્રમત્કાર થયો તે ચમત્કાર ગણાય છે. આ સમગ્ર પ્રગટીકરણની, પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા વિશે અણસમજ અને ગેરસમજને કારણે સમાજમાં આ ભ્રમત્કારનું બીજું નામ ચમત્કાર છે. નરસિંહે સતત ડગલે ને પગલે અનેકવાર સ્વમુખે સૂચન કર્યું છે કે આ ભૂતલ પરનો અનુભવ નથી પણ નરસિંહના અંતસ્તલનો અનુભવ છે, આ મર્ત્યલોકનો અનુભવ નથી પણ નરસિંહના માનસલોકનો અનુભવ છે; નરસિંહની આંતરગુહાનો, આંતરચેતનાનો અનુભવ છે; આ લોકોત્તર, અલૌકિક અનુભવ છે. આ અનુભવની મુક્તિપુરી — દ્વારિકા એ મૃત્યુલોકની દ્વારિકા નથી, એ મુક્તિપુરી છે : ‘મુક્તિપુરી મુંને સદ્ય દેખાડી’ ‘ભક્ત મારો મૃત્યુલોકથી આવિયો’ ‘ભૂતળ માંહે જે ભૂરચાં માનવી સુણે ભણે અનુભવે ભાવ આણી’ ‘મૃત્યુલોક જોવાની હોંશ અમને’ ‘જે રસ અનુભવ્યો ગાઉં તે નિત નવો, પ્રગટ ભૂતલ કરું અંતરયામી’ ‘મહૂરત એકમાં ભૂતલે આવિયો’ ‘ભૂતલે જઈ ગુણ મારા ગાજે’ ‘ભૂતલે જન જે રસિક છે હરિ તણા, તેહને એહ રસ તું રે પાજે!’ આ અનુભવ એક રહસ્ય છે; એવું રહસ્ય છે કે જેને આ અનુભવ થયો હોય એને પણ એ એક ક્ષણ, ક્ષણાર્ધ માટે તો ચમત્કાર જ લાગે. શિવે બેવાર અને કૃષ્ણે એક વાર પોતાનો હાથ ઝાલ્યો તથા શિવે બે વાર અને કૃષ્ણે એક વાર પોતાના માથા પર એમનો હાથ મેલ્યો. એમ નરસિંહ સ્વયં સ્વમુખે કહે છે. આમ, પોતાને માટે આ અનુભવ સ્પર્શેન્દ્રિયનો અનુભવ હતો; સ્થૂલ, પાર્થિવ, વસ્તુક્ષમ, સ્પર્શક્ષમ અનુભવ હતો એમ નરસિંહ સ્વયં સ્વમુખે કહે છે. એટલે એ ચમત્કાર હોય એવું સૂચન કરે છે છતાં નરસિંહ આ અનુભવ વિશે દ્વિધામાં છે : ‘સાચું કે સ્વપ્ન મેં દૃષ્ટે દીઠું’ આ અનુભવ પછી, આગળ જોયું તેમ, નરસિંહનું આમૂલ પરિવર્તન થયું, સ્વરૂપાન્તર થયું, પોતે પોતાને ઓળખી-પારખી ન શકે એવા એ આખા ને આખા પલટાઈ-ઊલટાઈ ગયા, મૂર્ખ નરસિંહ મહામતિ નરસિંહ થયા, કીડી હતા તે કુંજર થયા, નરસિંહ હતા તે નર-સિંહ થયા એ જ ચમત્કાર છે, અન્ય કોઈ ચમત્કાર છે જ નહિ. આ અનુભવમાં નરસિંહનું ચિત્ત ચમક્યું એને અને માત્ર એને જ ચમત્કાર કહેવો હોય તો કહી શકાય. એ એક જ અર્થમાં એ ચમત્કાર છે. આ અનુભવમાંથી, આ અનુભવમાં એમનું જે અદ્વૈતનું, અભેદનું, એકત્વનું દર્શન છે એમાંથી જ એમનું સમગ્ર જીવન અને કવન વિકસ્યું-વિસ્તર્યું છે, એમાંથી જ એમનાં સૌ કાર્યો અને કાવ્યોનું સર્જન થયું છે. એમનાં ભવ્યસુન્દર કાવ્યોમાં જે દર્શન છે એ જ એમનું આ આરંભનું દર્શન છે. એ પરથી એમના અનુભવ-દર્શનનું રહસ્ય પામી શકાય છે. એમનાં ૧૬૦૦ જેટલાં કાવ્યો એક સળંગ, અખંડ કાવ્ય છે. એ સૌમાં એક જ અનુભવ-દર્શન છે. એમાંનું કોઈ પણ એક કાવ્ય સમજવું હોય તો એમાંના અન્ય સૌ કાવ્યો સમજવાનું અનિવાર્ય થાય છે. એથી એ એલિયટના મોટા ગજાના કવિના આદર્શ અનુસાર મોટા ગજાના કવિ છે. એમનાં કાવ્યો એ એમની આધ્યાત્મિક આત્મકથા છે. એથી જ બલવન્તરાયે નરસિંહનાં કાવ્યો વિશે વિધાન કર્યું છે કે એ ‘ત્રીજા નેત્રની પ્રસાદી’ છે. ‘વિવાહ’, ‘મામેરું’, ‘હૂંડી’માં દામોદર દોશી, શામળશા શેઠ આદિએ નરસિંહને સંકટ સમયે સહાય કરી હતી એને પણ પ્રાકૃતજનો, પૃથકજનો ચમત્કાર માને છે, સ્વયં નરસિંહ પણ લગભગ એમ માને છે. કોઈ પરિચિત-અપરિચિત, જ્ઞાત-અજ્ઞાત ભાવિક, ધનિક સજ્જને એક અન્ય નિર્ધન, ભાવિક સજ્જનના સંકટ સમયે ગુપ્ત, ગોપન સહાય કરી હોય અને એના ‘નેત્રમાં નાથ છે’ એથી એ સર્વત્ર, સર્વમાં પરમેશ્વરને જ જોતો હોય, એ સર્વત્ર, સદાય પરમેશ્વરનું સાન્નિધ્ય અને સાયુજ્ય અનુભવતો હોય અને સંકટ સમયે કોઈ ને કોઈ સહાય થશે એવી એને શ્રદ્ધા હોય તો એ સહાય પરમેશ્વરની જ સહાય છે એમ માની શકે. ભક્તોને આવા અનુભવો સામાન્ય છે. અનેક ભકતોએ આવા અનુભવોનો ચમત્કાર તરીકે ઉલ્લેખ કર્યો છે. અન્ય ઇતર જનોએ પણ ભક્તોના આવા ચમત્કારનો ઉલ્લેખ કર્યો છે પણ ‘વિવાહ’માં સ્વયં નરસિંહે જ અત્યંત સભાનપણે અને સાવધાનપણે કહ્યું છે : ‘અવર બીજું કો જાનમાં નવ લહે, નરસૈંયો નિરખે ચક્રપાણિ’ અને મદન મહેતા પણ મનમાં વિમાસે છે : ‘જુવે તો મહેતાજી બેઠા છે એકલા’ આમ, નરસિંહે પરમેશ્વરને સૌની સમક્ષ પ્રગટ કર્યા નથી, ચમત્કારના તત્ત્વને છતું કર્યું નથી. સંકટ સમયે કોઈને આમ સહાય કરવાની વૃત્તિ થાય અને સહાય કરનારમાં પરમેશ્વરનું દર્શન થાય, વળી સંકટ સમયે સહાય થશે જ એવી શ્રદ્ધા હોય તો એ વૃત્તિ, એ દર્શન અને એ શ્રદ્ધા જ એક ચમત્કાર છે, અન્ય કોઈ ચમત્કાર છે જ નહિ. નરસિંહના આ અનુભવમાં, આગળ જોયું તેમ, કૃષ્ણે એમને રાસલીલાનું દર્શન કરાવ્યું હતું એમાં એમનું પુરુષપુરુષાતનનું, પુંભાવ-હુંભાવનું વિલોપન થયું હતું. એમની દેહદશાનું વિગલન થયું હતું અને એમણે હાથમાં કરતાલ અને દીવી સાથે સખી રૂપે દૂતી કાર્ય કર્યું હતું એવો ઉલ્લેખ છે એ અત્યંત સૂચક છે. આ રાસલીલા ઇન્દ્રિયોરૂપી, આત્મારૂપી ગોપી અને બ્રહ્મરૂપી, પરમાત્મારૂપી કૃષ્ણના પ્રેમનું રૂપક છે. એમાં આત્મા વૈ રાધિકા છે એથી નરસિંહની પ્રેમભક્તિ નવધા ભક્તિથી પર અને પાર છે. આ ભક્તિ એ સૂક્ષ્મ ઇન્દ્રિયાતીત અને શુદ્ધ અલૌકિક પ્રેમનું સ્વરૂપ છે. આ પ્રેમભક્તિ કામરહિત, મોહરહિત સૌંદર્યનો અનુભવ છે. એમાં રસિકા : કામવર્જિતા છે. એથી એ પાર્થિવતાને, સ્થૂલતાને અતિક્રમી જાય છે. ભાગવતના દશમ સ્કંધના રાસક્રીડાના વર્ણનની પ્રેરણાથી અને જયદેવના ‘ગીતગોવિંદ’ના પ્રભાવથી નરસિંહે આરંભમાં સ્થૂલ, પાર્થિવ સંભોગશૃંગારનાં થોડાંક પદો સવિશેષ ‘ચાતુરી’માંનાં ઉત્તરાર્ધમાં — રચ્યાં હતાં. પણ પછી નરસિંહ એમના કૃષ્ણપ્રીતિનાં, શૃંગારપ્રીતિનાં અસંખ્ય પદોમાં એ સ્થૂલતાને, પાર્થિવતાને અતિક્રમી ગયા છે. એમાં પ્રેમભક્તિનું સૂક્ષ્મ, શુદ્ર, સ્વરૂપ જ પ્રગટ થાય છે. એમાં શૃંગારપ્રીતિને વાત્સલ્યપ્રીતિની ભૂમિકા છે. પુરુષ-અર્થી તરીકે નહિ, પણ સ્ત્રી-અર્થી તરીકે પરમાત્માની પ્રેમભક્તિ કરવાની છે એવી એમની પ્રતીતિ છે એથી ગોપી એમનો આદર્શ છે. આ પદોના કેન્દ્રમાં એક મંત્રરૂપ ઉદ્ગાર છે : ‘નેત્રમાં નાથ છે’. આમ, દૃષ્ટા અને દૃષ્ટ વચ્ચે અદ્વૈત, અભેદ છે. આ દૃષ્ટા દેહીમાં પ્રગટ થશે અને એથી સર્વત્ર, સદાય બ્રહ્મનું જ દર્શન થશે એવી એમની પ્રતીતિ છે. અહીં નરસિંહના અનુભવ-દર્શનની પરાકાષ્ઠા છે. અહીં પ્રેમભક્તિ અને અદ્વૈત એકરૂપ થાય છે. ‘ક્ષિતિરસ તરુશાખાએ પ્રસર્યો’ પદમાં નરસિંહે યુવતીમાં, સુન્દર સ્ત્રીમાં અખિલ બ્રહ્માંડના અમૃતરસનું ભવ્યસુન્દર દર્શન કર્યું છે. એમાં નરસિંહની રસ અને સૌંદર્યની દૃષ્ટિ પાર્થિવતાને, સ્થૂલતાને અતિક્રમી જાય છે. સુન્દર સ્ત્રીમાં, ગોપીમાં, આત્મામાં પરમાત્માના પ્રેમને કારણે રસ અને સૌંદર્ય પ્રગટ થાય છે અને આમ આ રસ અને સૌંદર્ય એના આત્માના આવિષ્કાર છે, પરમાત્મા એનું પાન કરે છે અને નરસિંહ યોગ-વિયોગ, તપ-તપસ્યા અને સાધના-આરાધના નહિ પણ આત્મા-પરમાત્માના આ રસ-સૌંદર્યનું ગુણગાન કરે છે : ‘ક્ષિતિરસ તરુશાખાએ પ્રસર્યો, મનસિજ નયણે વસિયો રે, હૃદે ભાવ કુચમંડલ પૂર્યા, આવો રતિપતિ રસિયો રે. અતલી બલ વનસ્પતિ-નાથે ઊલટ-પાલટ કીધું, અખિલ બ્રહ્માંડ તણું અમ્રતરસ જુવતીને વદને દીધું. અદ્ભુત બલ આપ્યું અબલાને, નરવર કાયર અંગે; હસવું વનવેલીને આપ્યું, કોકિલાસૂર મુખ-રંગે યોગવિયોગ વિમુખને આપ્યો, ભોગ ભગત ભગવાન, તાપતપસ્યા ક્રમ-જડને આપ્યાં, નરસિંયાને ગુણગાન.’ ‘દાણલીલા’માં કૃષ્ણ ગોવર્ધનગિરિ પરથી કોઈ અદ્ભુત, અલૌકિક એવી અનુપમ સુંદરીનું, રાધાનું દર્શન કરે છે. એમાં એમને વિશ્વરૂપદર્શન થાય છે. આમ નરસિંહે સ્વયં કૃષ્ણને સ્વમુખે, પરમાત્માને સ્વમુખે સુન્દરીના રસસૌંદર્યનું, આત્માના રસસૌંદર્યનું ગુણગાન કરાવ્યું છે : ‘ગોવર્ધન ચડી વહાલે ચીંતવયું, દૂર દીઠી અનુપમ નાર; તેજે ત્રિભુવન મોહી રહ્યાં જી રે નરખે નંદકુમાર’. … મુખ ભર્યું એનું મોતીએ, જી રે અમર વાસિક વેખ, સુન્દર સોહિયે રાખડી, નયણે કાજળ રેખ; ચૂડી મુદ્રિકા ને બેરખી, મુખે ચાવંતી તંબોળ; વૃન્દાવનમાં સંચર્યા, જી રે સજીને શણગાર સોળ.’ નરસિંહનું આ અનુભવ-દર્શન, હમણાં જોયું તેમ, નરસિંહના આંતરજીવનમાં પ્રેમભક્તિમાં, ગોપી-રાધાની કૃષ્ણપ્રીતિમાં, આત્માની પરમાત્માપ્રીતિમાં પ્રગટ થાય છે. તો આ દર્શન નરસિંહના બાહ્યજગતમાં, એટલે કે નરસિંહના બાહ્યજીવનમાં, સામાજિક જીવનમાં લિંગભેદરહિતતામાં, અને, હવે પછી જોઈશું તેમ, જાતિભેદરહિતતામાં પ્રગટ થાય છે. ગીતામાં કૃષ્ણનું વચન-વરદાન છે : ‘સ્ત્રીઓ, વૈશ્યો, શૂદ્રો મારા આશ્રય દ્વારા પરમ ગતિને પામે છે.’ આળવાર ભક્તોમાં પણ ભક્ત-સ્ત્રીઓ હતી. મીરાં તો સ્વયં સ્ત્રી હતી. ગાંધીજીએ પણ પ્રત્યેક સ્ત્રીમાં ત્યાગમૂર્તિનું અને કસ્તુરીબાઈમાં કસ્તૂરબાનું દર્શન કર્યું હતું. એમના દર્શનમાં સ્ત્રી અબળા ન હતી. સબળા હતી. એમણે દારૂના પીઠા પર પિકેટિંગ કરવા માટે દારૂડિયાઓની સામે સ્ત્રીઓને રજૂ કરી હતી. નરસિંહનું આ દર્શન પછી પત્ની માણેકબાઈ અને પુત્રી કુંવરબાઈ સાથેના અંગત આત્મીય સંબંધમાં પણ પ્રગટ થાય છે. ‘વિવાહ’માં એમણે માણેકબાઈનું સન્માન-બહુમાન કર્યું છે : ‘ઘેર દારા એક સુન્દરી સાધવી’ અને પુત્રના વિવાહ સમયે માણેકબાઈએ ચિંતાપ્રશ્ન કર્યો : ‘આપણું ઘર તે આદ્ય મોટું સદા, નિર્ધન વિહિવા કેમ થાશે?’ ત્યારે નરસિંહે એમને પરમેશ્વર પર શ્રદ્ધાનું સાન્ત્વન-આશ્વાસન આપ્યું હતું : ‘દુ :ખ ન ધર, ભામિની! વાત સુણ, કામિની! પૂરશે મનોરથ કૃષ્ણ કામી; ધ્યાન ધર કૃષ્ણનું, રાખ મન પ્રસન્ન તું, સહાય થાશે નરસૈંનો સ્વામી.’ વળી લગ્નમંડપમાં સૌએ નરસિંહમાં ચતુર્ભુજરૂપનું દર્શન કર્યું ત્યારે નરસિંહ કહે છે : ‘મહેતીનું રૂપ દીઠું રે કમળા તણું, વદન જોતાં કોઈ નથી રે હોડે, ઇન્દ્ર-ઇન્દ્રાણી બ્રહ્માણી, રુદ્રાણી તિંહા નિરખતાં નિરખતાં હાથ જોડે.’ ‘મામેરું’માં પણ જ્યારે કુંવરબાઈનું મામેરું થયું તે પૂર્વે માણેકબાઈનું અવસાન થયું હતું અને નરસિંહ વિધુર થયા હતા. વળી પુત્રનું પણ અવસાન થયું હતું એટલે આ સંકટ સમયે પત્ની અને પુત્રની સહાય ન હતી. નરસિંહને એકલે હાથે મામેરું કરવાનું થયું હતું. ત્યારે એક સામાન્ય પતિની જેમ એમના મુખમાંથી અતિ કરુણ ઉદ્ગાર સર્યો હતો : ‘જનનીએ મેલ્યા નર જીવે, સ્ત્રી-વિછોહ્યા મરી જાય રે બાપ!’ એમાં નરસિંહે માણેકબાઈના મૃત્યુ સાથે જાણે પોતાનું પણ મૃત્યુ થયું હતું એવી આર્દ્ર અને આર્ત્ત અંજલિ માણેકબાઈને આર્પી હતી. પ્રેમાનંદના ‘કુંવરબાઈનું મામેરું’માં માણેકબાઈના મૃત્યુ પછી નરસિંહના મુખમાંથી હાસ્યાસ્પદ ઉદ્ગાર સર્યા છે : ‘ભલું થયું, ભાગી જંજાળ, સુખે ભજીશું શ્રીગોપાળ’ નરસિંહ જેવા ભક્તના આવા ઉદ્ગાર હોય જ નહિ. નરસિંહમાં ભક્ત અને ભક્તિ વિશે જે દર્શન છે તે પ્રેમાનંદમાં નથી. નરસિંહ ભક્ત હતા. પ્રેમાનંદ ભક્ત ન હતા, ભટ્ટ હતા. એથી પ્રેમાનંદમાં ક્યારેક આવું હસવામાંથી ખસવું થાય છે; પ્રેમાનંદ હાસ્યના લોભમાં હાસ્યાસ્પદતા લાભે છે. ‘મામેરું’માં નરસિંહ જ્યારે માત્ર તાળ, મૃદંગ અને ચંગ સાથે મામેરું કરવા આવે છે ત્યારે કુંવરબાઈએ નિર્ધન પિતાનો ઉપહાસ થશે એની વેદના વ્યક્ત કરી હતી : ‘તાત ત્રેવડ નહિ, શીદ આવ્યા તમે હાંસુ થાવા?’ અને ન આવ્યા હોત તો સારું થાત એમ પિતાને સૂચવ્યું હતું પછી જ્યારે સાસુએ પિતા કદી ન આપી શકે એવી અને એટલી ભેટ-સામગ્રીની યાદીનો પત્ર લખ્યો હતો તે પિતાને આપ્યો ત્યારે કુંવરબાઈના હૃદયમાંથી એક કારમી ચીસ સરી હતી : ‘સાધુ મુજ તાતને, દુઃખ દેવા ઘણું, સીમંત મારે શીદ આવ્યું?’ અને પોતે વંધ્ય, નિ:સંતાન હોત તો સારું થાત એમ સૂચવ્યું હતું. એમાં આજે પણ ભારતના સમાજમાં કન્યાવિક્રયના કુધારાને કારણે નિર્ધન માતા-પિતાની અસંખ્ય કન્યાઓની જે વેદના છે એને નરસિંહે વાચા આપી છે. ‘ઝારીનાં પદ’માં માંગરોળમાં કાકા પરબતદાસના ઘરમાં મૂર્તિપ્રતિષ્ઠાના ઉત્સવના પ્રસંગે નરસિંહે રાતે કીર્તન કર્યું અને વચમાં તરસ લાગી એથી કોઈ રતનબાઈ ઝારીમાં પાણી આપવા આવી ત્યારે એ સ્ત્રીમાં નરસિંહે મોહિનીસ્વરૂપ કૃષ્ણનું દર્શન કર્યું હતું : ‘આ જોને, કોઈ ઊભી રે આળસ મોડે. … નરસૈંયાને પાણી પાવાને હરિજી પધાર્યા કોડે.’ પછી આ અદ્ભુત વર્ણન દ્વારા આ અપૂર્વ સૌંદર્યનું દર્શન કરવા સૌને આમંત્રણ આપ્યું હતું : ‘નરસૈંયાનો સ્વામી જોવા સરીખડો, કોઈ એ સુન્દરીનું વદન નિહાળો રે’ અને આ કૃષ્ણ છે એવું કોઈએ માન્યુ નહિ અને ભરસભામાં પરસ્ત્રીનું દર્શન ન થાય એમ માન્યું ત્યારે આ સ્ત્રી નથી, સ્વયં કૃષ્ણ છે એમ સ્પષ્ટ કર્યું હતું. અને પવિત્ર નેત્રથી એમનું દર્શન કરવા આગ્રહપૂર્વક પુનશ્ચ આમંત્રણ આપ્યું હતું : ‘કહીએ છીએ, પણ કહ્યું નવ માને, એ તો નારી નહીં ગિરધારી રે, બ્રહ્મા, ઇન્દ્ર, શેષ શારદા એના ચરણ તણા અધિકારી રે. … અંતર હેત પોતાનું જાણી એ તો આવે છે અંતરજામી રે, વ્યભિચાર મૂકી જુઓ વિચારી, એ તો નરસૈયાનો સ્વામી રે’ આમ ને આમ કેટલાય સમય લગી નરસિંહ આ સૌંદર્યમાં એવા તો લીન, તલ્લીન હતા કે જલનું પાન ન કર્યું ને આ સ્ત્રીનું, કૃષ્ણના મોહિનીરૂપનું ગુણગાન કર્યા કર્યું ત્યારે આ સ્ત્રીના ભાઈએ નરસિંહને એમની તરસનું સ્મરણ કરાવ્યું હતું : ‘હરિ આવ્યા છે નારીના વેશે, રે એને કોઈ જુઓ રે. … બંધવ એનો તત્ક્ષણ ઊઠ્યો, આવ્યો મંદિર જાણી રે, રતનબાઈ ઘણું વ્યાકુળ ફરે છે, તમો લ્યોને મહેતા પાણી રે.’ અને ત્યાં કૃષ્ણ અંતર્ધાન થયા હતા. આ સ્ત્રીમાં નરસિંહને મોહિનીસ્વરૂપ કૃષ્ણનું દર્શન થયું અને અન્ય કોઈને ન થયું. એમાં કોઈ ચમત્કાર નથી. સર્વત્ર, સર્વદા, સર્વમાં કૃષ્ણનું દર્શન કર્યું હોય એવા નરસિંહને આ ક્ષણે આ સ્ત્રીમાં કૃષ્ણના મોહિનીસ્વરૂપનું દર્શન થાય એ નરસિંહને માટે અત્યંત સહજ, સરલ અને સ્વાભાવિક હતું. નરસિંહમાં આવી દિવ્યતૃષા હોય, આવી દિવ્યદૃષ્ટિ હોય એ જ ચમત્કાર છે. અન્ય કોઈ ચમત્કાર છે જ નહિ. આમ, નરસિંહે નરવા નેત્રથી સ્ત્રીમાં પરમેશ્વરની પરમ વિભૂતિનું દર્શન કર્યું છે. અને આ દર્શન એમણે અપૂર્વ સૌંદર્યથી ‘ઝારીનાં પદો’માં સાકાર કર્યું છે. આજે પણ ભારતમાં — અને સવિશેષ તો સૌરાષ્ટ્રમાં સૌથી મોટી સંખ્યામાં — અનેક સ્ત્રીઓ અગ્નિસ્નાનથી આત્મહત્યા કરે છે અને અનેક પુરુષો સ્ત્રીઓની હત્યા કરે છે. આજે પણ, આ સ્ત્રીસ્વાતંત્ર્ય અને સમત્વના યુગમાં પણ, અનેક ધાર્મિક સંસ્થાઓ અને જીવા ગોસાંઈના વંશજો જેવા સંપ્રદાયો લિંગભેદને કારણે સ્ત્રીઓના વેદપાઠ અને મુખદર્શનનો નિષેધ કરે છે ત્યારે, તિરસ્કાર-બહિષ્કારપૂર્વક નિષેધ કરે છે ત્યારે જેમાં લિંગભેગ નથી, ઉચ્ચાવચતાક્રમ નથી એવા નરસિંહના આ દર્શનનું સ્મરણ કરવું-કરાવવું રહ્યું : ‘સારમાં સાર અવતાર અબળા તણો, જે બળે બળભદ્ર-વીર રીઝે’ નરસિંહનું આ દર્શન જાતિભેદરહિતતામાં પ્રગટ થાય છે. એમાં ઉચ્ચાવચતાક્રમ નથી. આળવાર સંતો અને મધ્યકાલીન સંતોમાં પણ અવચ જાતિના સંતો હતા. એથી જ નાગર હતા છતાં નરસિંહે સુદામા, મેવાડની મહારાણી મીરાં અને બેરિસ્ટર મિસ્ટર ગાંધીની જેમ સ્વેચ્છાએ નિર્ધનતાનો સ્વીકાર કર્યો હતો. નરસિંહની નિર્ધનતામાં આત્મદયા કે આત્મઅવહેલના ન હતી. સંકટ સમયે પરમેશ્વર એમને સહાય કરશે જ એવી એમને શ્રદ્ધા હતી : ‘નાગરી નાતમાં નિર્ધન સરજિયાં, તમ વિના કૃષ્ણજી કોને કહીએ?’ પુત્રના વિવાહ અને પુત્રીના મામેરામાં સંકટ સમયે નાગરોએ એમની નિર્ધનતાને કારણે એમની નિંદા કરી હતી, એમનો ઉપહાસ કર્યો હતો ત્યારે નરસિંહે પરમેશ્વરની સહાય માટે પ્રાર્થના, નર્મમર્મ, કટાક્ષ, રોષ, ધાકધમકી આદિનો ઉપયોગ-ઉપચાર કર્યો હતો. નરસિંહ સંકટમાં સફળ થયા હતા. પછી ધન, વસ્ત્ર, અલંકારો આદિ પ્રાપ્ત થયા ત્યારે એ જ નાગરોએ એમની સ્તુતિ કરી હતી. નાગરો એટલા દંભી અને લોભી હતા, મૂર્ખ અને ધૂર્ત હતા. ‘હૂંડી’માં તો નાગરોએ ‘ઠગ કરી’ને સામે ચાલીને તીર્થયાત્રીને નરસિંહની પાસે મોકલ્યા હતા. એમાં પણ નરસિંહ સફળ થયા હતા. નરસિંહ પણ મીરાં અને ગાંધીજીની જેમ તિરસ્કૃતો અને બહિષ્કૃતો, પીડિતો અને દલિતો, અંત્યજો અને અસ્પૃશ્યોની વચ્ચે જીવનભર, ૨૦-૨૨થી ૭૦ વર્ષની વય લગી, અરધી સદી લગી સક્રિય હતા. નિત્ય સેવા, નિત્ય કીર્તન, નિત્ય ઉદ્યમ એ એમનો જીવનક્રમ હતો, એમની જીવનચર્યા હતી. ૧૬૦૦ પદો રચીને એ ઘરના ખૂણામાં રહ્યા ન હતા. એ ઘરના આંગણામાં ગયા હતા : ‘ગામગામે થકી હરિજન આવતા, દર્શન કરવાને હાર લગી’ વળી પવિત્ર પ્રસંગના બીજા પદમાં સૂચન છે તેમ ઘરે ઘરે ગયા હતા : ‘જેનું મન જે સાથે રે બાંધ્યું, પહેલું હતું ઘર-રાતું રે, હવે થયું છે હરિરસ-માતું, ઘેર ઘેર હીંડે છે ગાતું રે’ એ મંદિરમાં નહોતા ગયા, એ નાગરોને ઘરે તો નહોતા જ ગયા. એ હરિજનોને ઘરે ઘરે ગયા હતા. એ એકાદ વાર કે ક્યારેક ક્યારેક નહિ, જીવનભર ગયા હતા એથી તો ‘પવિત્ર પ્રસંગ’નાં પદો રચવાનું થયું હતું. આજની પ્રચલિત ભાષામાં કહેવું હોય તો નરસિંહ activist — કર્મવીર હતા. નરસિંહની આ સક્રિયતાથી ભાઈ-ભાભી અકળાય અને નરસિંહને ઘરની બહાર જવાનું કહે તો નાગરો ન અકળાય તો જ આશ્ચર્ય! નાગરો એમને ગામની બહાર જવાનું ન કહે તો જ નવાઈ! નાગરોએ નરસિંહને ‘ભ્રષ્ટ અને ભૂંડો’, ‘હળવા કરમનો નરસૈંયો’ કહીને નરસિંહની અવમાનના કરી હતી, અવહેલના કરી હતી. નરસિંહની આ સક્રિયતાથી નાગરોના અહમ્ પર આઘાત થયો હશે, એમની પ્રતિષ્ઠા પર પ્રહાર થયો હશે. નાગરોને અપમાન, અનાદર જેવું લાગ્યું હશે અને નરસિંહ નાગરી નાત પર કલંક સમા લાગ્યા હશે. હૂંડી, વિવાહ અને મામેરાના સંકટ સમયે નરસિંહ જેમ જેમ વધુ ને વધુ સફળ થયા તેમ તેમ નાગરો વધુ ને વધુ નિષ્ફળ થયા હતા. એથી નાગરો વધુ ને વધુ નિરાશ અને હતાશ થયા હશે, વધુ ને વધુ કઠોર અને ક્રૂર થયા હશે. એમનામાં નરસિંહ પ્રત્યે એક સાથે ઘૃણા અને ઈર્ષ્યા પણ હશે. એથી અન્ય સૌ શસ્ત્રો વિફળ અને વિતથ થયાં ત્યારે નેષ્ટ, અલ્પમતિ અને દુરીજન એવા નાગરોએ ચારિત્ર્યખંડન અને મૃત્યુદંડના અંતિમ શસ્ત્રનો ઉપયોગ કર્યો હતો. Morality is the last resort of a scoundrel. વળી, નરસિંહ કોઈ સંપ્રદાયમાં ન હતા, સ્વતંત્ર હતા; શિવભક્ત ન હતા, કૃષ્ણભક્ત હતા. એમણે આરંભમાં રાધા-કૃષ્ણના સંભોગશૃંગારનાં પદો રચ્યાં હતાં અને હવે એકાકી હતા, વિધુર હતા. હૂંડી, વિવાહ અને મામેરાના પ્રસંગે તો માત્ર શબ્દોનું શસ્ત્ર હતું. પણ હવે રા’માંડલિકની સભામાં હારના પ્રસંગે નરસિંહ તો કામી અને કપટી છે એવા આક્ષેપનું, નરસિંહ તો લંપટ અને વ્યભિચારી છે એવા અપવાદનું શસ્ત્ર હતું અને મૃત્યુદંડનું સક્રિય શસ્ત્ર હતું. એમાં નાગરોના વૈરની પરકાષ્ઠા હતી. તો નરસિંહની ભક્તિની પણ પરકાષ્ઠા હતી, અગ્નિપરીક્ષા હતી : ‘સાત સાંધુ ત્યાં તેર તૂટે, રંક મનાવું ત્યાં રાય રૂઠે.’ નરસિંહ આ અગ્નિપરીક્ષામાંથી પણ સફળ થયા હતા. પણ મીરાંએ જેમ મેવાડ-મેડતા અને વ્રજ સુધ્ધાંનો ત્યાગ કર્યો હતો અને દ્વારિકા ગયાં હતાં, ગાંધીજીએ જેમ સામબરમતીનો ત્યાગ કર્યો હતો અને સેવાગ્રામ ગયા હતા તેમ નરસિંહે પણ જૂનાગઢનો ત્યાગ કર્યો હતો અને માગંરોળ ગયા હતા. નરસિંહનું આ દર્શન, જાતિભેદરહિતતાનું દર્શન ‘પવિત્ર પ્રસંગ’નાં બે પદોમાં પ્રશ્ન અને ઉત્તરના અત્યંત નાટ્યાત્મક સ્વરૂપમાં અને વીરત્વની વાણીમાં વ્યક્ત થાય છે. એમાં નરસિંહનો મિજાજ, નરસિંહની ખુમારી, નરસિંહનું ખમીર, એનું કર્મવીર તરીકેનું સમગ્ર વ્યક્તિત્વ પ્રગટ થાય છે એમાં એમનું કલાપીકથિત શૂરાપણું અને પૂરાપણું પ્રગટ થાય છે : ‘ઘેર પધાર્યા હરિજશ ગાતા, વહાતા તાળ ને શંખમૃદંગ, હસી હસી નાગર લેતા તાલી, ‘આ શા રે બ્રાહ્મણના ઢંગ!’ મૌન ગ્રહી મહેતાજી ચાલ્યા : ‘અધવધરાને શો ઉત્તર દઉં?’ જાગ્યા લોક, નરનારી પૂછે : ‘મહેતાજી! તમે એવા શું? નાત ન જાણો, જાત ન જાણો, ન જાણો કંઈ વિવેચવિચાર!’ કર જોડીને કહે નરસૈંયો : ‘એ વૈષ્ણવ તણો મુજને આધાર.’ ‘એવા રે અમો એવા રે એવા, વળી તમો કહો છો તેવા રે; ભક્તિ કરતાં ભ્રષ્ટ જ કહેશો તો કરશું દામોદરની સેવા રે. જેનું મન જે સાથે રે બાંધ્યું, પહેલું હતું ઘર-રાતું રે; હવે થયું છે હરિરસ-ગાતું, ઘેર ઘેર હીંડે છે ગાતું રે. કરમધરમની વાત જેટલી, તે મુજને નવ ભાવે રે, સઘળા પદારથ જે થકી પામ્યો, તે મારા પ્રભુ તોલે ના’વે રે. સઘળા સંસારમાં એક હું ભૂંડો, ભૂંડાથી વળી ભૂંડો રે; તમારે મન માને તે કહેજો, નેહડો લાગ્યો છે મને ઊંડો રે. હળવા કરમનો હું નરસૈંયો, મુજને તો વૈષ્ણવ વ્હાલા રે; હરિજનથી જે અંતર ગણશે તેના ફોગટ ફેરા ઠાલા રે. આ પદોમાં નરસિંહે કરોડો તિરસ્કૃતો અને બહિસ્કૃતોની સૈકાઓની દારુણ વેદના વ્યક્ત કરી છે. મનુષ્ય જેવા મનુષ્યને, પરમેશ્વરના સર્વશ્રેષ્ઠ સર્જનને પોતાના પડછાયાથી પણ સ્પર્શ ન કરવાનું પાપ અને અપમાન જગતની કોઈ પ્રજાએ ક્યારેય કર્યું નથી. પરમેશ્વરના સર્જન પ્રત્યેનું પાપ એ પરમેશ્વર પ્રત્યેનું પાપ છે. પરમેશ્વરના સર્જનનું અપમાન એ પરમેશ્વરનું અપમાન છે. ભારતની પ્રજાએ એના આ પાપ અને અપમાનનું પ્રાયશ્ચિત કરવા નરસિંહનું આ પદ લલાટે લખવું રહ્યું. ‘વૈષ્ણવજન તો તેને કહીએ…’ જેવો પીડ પરાઈ જાણનાર નરસિંહનો આ એક અમર ઉદ્ગાર છે. નાગરો તો નરસિંહની હત્યા ન કરી-કરાવી શક્યા (રા’માંડલિકના અવસાન પછી નરસિંહ જો માંગરોળ ન ગયા હોત અને જૂનાગઢમાં જ રહ્યા હોત તો સવર્ણો જેમ ગાંધીજીની હત્યા કરી-કરાવી શક્યા તેમ નાગરો કદાચ નરસિંહની હત્યા કરી-કરાવી શક્યા હોત!) પણ એમના વંશજો એટલે કે નાગરિકો, નગરવાસીઓ આજે પણ ભારતમાં ક્યાંક ને ક્યાંક રોજ ને રોજ હરિજનોની હત્યા કરે છે. ૨૦મી સદીના આરંભે ૧૯૧૦માં રવીન્દ્રનાથે પણ ‘ભારતતીર્થ’ કાવ્યમાં તીર્થરૂપ ભારતમાં નરસિંહની જેમ બ્રાહ્મણોને અને હરિજનોને આર્ત્ત અને આર્દ્ર અવાજે આહ્વાન આપવું પડ્યું હતું : ‘એસો બ્રાહ્મણ, શુચિ કરિ મન, ધરો હાત સબાકાર — એસો હે પતિત, હોક્ અપનીત સબ અપમાનભાર’ નરસિંહનું આ દર્શન, આરંભે કહ્યું તેમ, અનુભવનું દર્શન છે. એ અનુભવથી સિદ્ધ થયું છે. પરમેશ્વરનું આ પ્રત્યક્ષ જ્ઞાન છે, અનુભવસિદ્ધ એવું વિજ્ઞાન છે : ‘જ્ઞાનવિજ્ઞાનની જોત જાગે’ આ દર્શન ઉપનિષદનું સોહમ્, તત્ત્વમસિ, અહમ્ બ્રહ્માસ્મિનું, તત્ત્વનું, વસ્તુનું દર્શન છે. ઉપનિષદ પછી ભારતમાં પ્રથમ વાર જ માત્ર નરસિંહની જ કવિતામાં એ પ્રગટ થયું છે. એટલું જ નહિ, એ ઉપનિષદના દર્શન જેવું ભવ્ય તો છે જ, પણ ‘નેત્રમાં નાથ છે’, ‘બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે’ જેવી મંત્રરૂપ પંક્તિ-અર્ધપંક્તિમાં એ વધુ કાવ્યમયતાથી, વધુ સુન્દર વાણીમાં વ્યક્ત થયું છે. એથી એ એકસાથે ભવ્ય અને સુન્દર છે. એનો આરંભ ભક્તિમાં, પ્રેમભક્તિમાં છે અને અંત પ્રેમ દ્વારા ભક્તિજ્ઞાનમાં છે. એનો આરંભ સગુણમાં છે અને અંત નિર્ગુણમાં છે. એ સગુણ અને ભક્તિમાંથી ક્રમે ક્રમે સહજ, સરલ, સ્વાભાવિકપણે, અનિવાર્યપણે નિર્ગુણ જ્ઞાનમાં વિકસ્યું-વિસ્તર્યું છે. સગુણ, રાધા, આત્મા એ નિર્ગુણ, કૃષ્ણ, પરમાત્માનું જ સ્વરૂપ છે : ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જૂજવે રૂપ અનંત ભાસે’ તે ‘બે નથી’, ‘એક’ જ છે, એકલો છે. અંતે ‘હું’ નથી, ‘તું’ નથી, માત્ર ‘તે’ જ છે. સગુણ નિર્ગુણમાં તત્ત્વત : ભેદ નથી, અભેદ છે; દ્વૈત નથી, અદ્વૈત છે. જ્ઞાન જો વિજ્ઞાન હોય, અનુભવસિદ્ધ જ્ઞાન હોય તો ભક્તિ અને જ્ઞાન, સગુણ અને નિર્ગુણ ‘બે’ નથી, ‘એક’ જ છે; ભિન્ન નથી, અભિન્ન છે. આમ, ભક્તિ અને જ્ઞાનમાં, સગુણ અને નિર્ગુણમાં અભેદ છે, એકત્વ છે, અદ્વૈત છે, ‘નેત્રમાં નાથ છે’ એથી નિર્ગુણ નાથ, દૃષ્ટા, સગુણ દેહીમાં, દૃશ્યમાં પ્રગટ થાય છે અને સર્વત્ર, સર્વદા સમગ્ર બ્રહ્માંડ બ્રહ્મ જ ભાસે છે. આ છે નરસિંહની કવિતાની ભૂમિકા. એમાં સગુણમાંથી નિર્ગુણ, પ્રેમભક્તિમાંથી પ્રેમ દ્વારા ભક્તિજ્ઞાન એવો ક્રમ છે એથી નરસિંહની કવિતામાં આર્તતા અને આર્દ્રતા છે, નરસિંહની કવિતા એક સાથે ભવ્યસુન્દર છે. એમાં એકસાથે ભવ્યતા અને સુન્દરતા છે. ‘પ્રેમરસ પાને તું’માં એનો આરંભ છે અને ‘અખિલ બ્રહ્માંડમાં એક તું’, ‘નીરખનો ગગનમાં’ તથા ‘જાગીને જોઉં તો’ એ કાવ્યત્રયીમાં, એ ક્રમમાં એનો અંત છે. નરસિંહે ૩૭ માત્રાના પ્રલંબ ધીરગંભીર ઝૂલણામાં બ્રહ્મને ઝીલ્યો છે અને ઝુલાવ્યો છે. નરસિંહની કવિતામાં લયનું માધુર્ય છે, વાણીનું સૌંદર્ય છે અને ઊર્મિની ઉત્કટતા છે. ઉત્તર ભારતમાં કબીર અને પશ્ચિમ ભારતમાં જ્ઞાનેશ્વર, નામદેવ, તુકારામની કવિતામાં અદ્વૈત છે પણ પ્રેમભક્તિ નથી. ઉત્તર ભારતમાં મીરાં, સૂરદાસ અને પૂર્વ ભારતમાં જયદેવ, ચંડીદાસ, વિદ્યાપતિની કવિતામાં પ્રેમભક્તિ છે પણ અદ્વૈત નથી. નરસિંહની કવિતામાં પ્રેમભક્તિ અને અદ્વૈત બન્ને છે. એથી નરસિંહ મધ્યકાલીન ભારતમાં ભક્તિ આંદોલનના નેતા છે એટલું જ નહિ પણ નરસિંહની કવિતામાં પ્રેમભક્તિ અને અદ્વૈત એકરૂપ છે એથી એ માત્ર નેતા નહિ, વિરલ નેતા છે.
(‘નરસિંહ મહેતા પ્રતિમા ટ્રસ્ટ’, જૂનાગઢના ઉપક્રમે વ્યાખ્યાન. ૧૧ ફેબ્રુઆરી ૧૯૯૬.)