સ્વાધ્યાયલોક—૬/અમૂલ્ય અમર પંક્તિરત્ન
ભગ્ન સ્વપ્નની નાવ મારી નાવ કરે કો પાર? કાળાં ભમ્મર જેવાં પાણી, જુગજુગ સંચિત રે! અંધાર; સૂર્યચંદ્ર નહિ, નહિ નભજ્યોતિ, રાતદિવસ નહિ સાંજસવાર! ભાવિના નહિ પ્રેરક વાયુ, ભૂત તણો દાબે ઓથાર; અધડૂબી દીવાદાંડી પર, ખાતી આશા મોતપછાડ! નથી હીરા, નથી માણેક, મોતી, કનક તણો નથી એમાં ભાર; ભગ્ન સ્વપ્નના ખણ્ડિત ટુકડા, તારી કોણ ઉતારે પાર? ૧૯૪૧ની સાલ. મારું પંદર વરસનું વય. હું નવચેતન હાઈસ્કૂલમાં પાંચમા ધોરણમાં વિદ્યાર્થી. ગુજરાતીના શિક્ષક અમુભાઈ પંડ્યા. સુન્દરમ્ના સહાધ્યાયી અને પાઠકસાહેબના વિદ્યાર્થી, ગૂજરાત વિદ્યાપીઠના સ્નાતક, કવિતાના પ્રેમી અને નિજાનંદે કવિ. વર્ગમાં પાઠ્યપુસ્તકનું વાચન-અધ્યાપન પણ સાથેસાથે ‘પૂર્વાલાપ’નું પણ વાચન અને છંદોનું પણ અધ્યાપન. પરિણામે સ્વપ્રયત્નથી નવીન કવિઓ — મુખ્યત્વે સુન્દરમ્, ઉમાશંકર, શ્રીધરાણી અને પ્રહ્લાદ – ના કાવ્યસંગ્રહોનું કંઈક આત્મીયતાપૂર્વક અને અભિજ્ઞતાપૂર્વક વાચન-પઠન કરવાનું સદ્ભાગ્ય મને પ્રાપ્ત થયું હતું. સાથે સાથે આ નવીન કવિઓમાં વડીલ એવા પાઠકસાહેબ અને ઝીણાભાઈની કવિતાનું પણ મેં સ્વપ્રયત્નથી વાચન-પઠન કર્યું હતું. ૧૯૪૧માં એક દિવસ ઝીણાભાઈને મારી શાળામાં વ્યાખ્યાન માટે આવવાનું થયું ત્યારે મને એમની કવિતાનો પરિચય તો હતો જ પણ તે દિવસે મને સ્વયં ઝીણાભાઈનો પ્રથમ પરિચય થયો હતો. પછીથી મને સૌ પૂર્વોક્ત નવીન કવિઓનો પરિચય થયો છે પણ એમાં ય સૌપ્રથમ ઝીણાભાઈનો પરિચય થયો હતો. વ્યાખ્યાનને અંતે શાળાના આચાર્ય દામુભાઈએ એમની સાથે મારો પ્રત્યક્ષ અંગત પરિચય કરાવ્યો, પછી અમારી વચ્ચે થોડોક સંવાદ થયો, એને અંતે એમણે દામુભાઈને કહ્યું, ‘મને તમારી શાળાની ઈર્ષ્યા થાય છે. મારી શાળામાં એકાદ નિરંજન હોત તો! મને તમારો આ વિદ્યાર્થી ભેટ તરીકે ન આપો?’ આ ક્ષણે, આ પ્રથમ પરિચયે જ, મને ઝીણાભાઈનું વાત્સલ્ય પ્રાપ્ત થયું હતું. એ ક્ષણથી તે આજ લગી, લગભગ પિસ્તાલીસ વરસ લગી, એમની સાથેના અંગત આત્મીય સંબંધમાં મને એમનું એ જ વાત્સલ્ય સતત પ્રાપ્ત થતું રહ્યું છે. ઝીણાભાઈએ કવિતા રચવાનો આરંભ તો ત્રીજા દાયકાના પૂર્વાર્ધમાં કર્યો હતો. પણ એમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘અર્ઘ્ય’ ચોથા દાયકાના મધ્યભાગમાં, ૧૯૩૫માં પ્રસિદ્ધ થયો હતો. ત્યાર પછી આજ લગીમાં ઝીણાભાઈના અન્ય ત્રણ કાવ્યસંગ્રહો ‘પનઘટ’ (૧૯૪૮), ‘સોનેરી ચાંદ, રૂપેરી સૂરજ’ (૧૯૬૭) અને ‘અતીતની પાંખમાંથી’ (૧૯૭૪) પ્રસિદ્ધ થયા છે. આ સૌ કાવ્યસંગ્રહોનું પણ સહૃદય વાચન-પઠન કર્યું છે. વળી એમાંનાં કેટલાંક કાવ્યોનું તો પ્રકાશન પૂર્વે હસ્તપ્રતમાં જ વાચન-પઠન કરવાનું અને કવિને સ્વમુખેથી શ્રવણ કરવાનું સદ્ભાગ્ય પણ પ્રાપ્ત થયું છે. પણ એ સૌમાં એક કાવ્ય ‘ભગ્ન સ્વપ્નની નાવ’ તો ૧૯૪૧માં જે ક્ષણે એનું વાચન-પઠન કર્યું તે ક્ષણથી જ, વાંચતાં-પઠતાંવેંત જ ગમી ગયું છે અને આ ક્ષણ લગી એ ગમતું જ રહ્યું છે. એમાંથી એક પંક્તિ, અંતિમ પંક્તિ — બલકે અર્ધપંક્તિ ‘ભગ્ન સ્વપ્નના ખણ્ડિત ટુકડા’નું તો અસંખ્ય વાર એકાન્તમાં રટણ કર્યું છે. અન્ય એક કાવ્ય ‘અણદીઠ જાદૂગર’ પણ કંઈક એવું જ ગમી ગયું છે અને આ ક્ષણ લગી એ પણ ગમતું જ રહ્યું છે. એમાંથી એક પંક્તિ, પ્રથમ પંક્તિ ‘રજનીના ઓળા આવે, સાહેલડી! અંધકારના દૂર પડઘા પડે’ નું પણ વારંવાર એકાન્તમાં રટણ કર્યું છે. પણ આ પંક્તિ કંઈક સ્ત્રૈણ છે, જ્યારે ‘ભગ્ન સ્વપ્નના ખણ્ડિત ટુકડા’ પૌરુષેય છે. એથી આજે અહીં આ અધ્યયન ગ્રંથમાં ‘ભગ્ન સ્વપ્નના ખણ્ડિત ટુકડા’નું એક વાર જાહેરમાં રટણ કરવાનું એટલે કે અર્થઘટન કરવાનું વિચાર્યું છે. પંદર વરસની વયે સૂઝસમજની અપર્યાપ્તતાને કારણે જીવનમાં અને રસરુચિની અપક્વતાને કારણે કવિતામાં ન ગમવા જેવું ગમે અને ગમવા જેવું ન ગમે એવું બનવું શક્ય છે. સાઠ વરસની વયે પણ એવું બનવું શક્ય છે. સૂઝસમજમાં રાગદ્વેષને કારણે અને રસરુચિમાં પક્ષપાત-પૂર્વગ્રહને કારણે. વળી, પંદર વરસની વયે જે ગમ્યું હોય તે સાઠ વરસની વયે ન ગમે અને પંદર વરસની વયે જે ન ગમ્યું હોય તે સાઠ વરસની વયે ગમે એવું પણ બનવું શક્ય છે, સૂઝસમજ અને રસરુચિમાં શુદ્ધિ-વૃદ્ધિને કારણે. પણ આ કાવ્ય વિશે એવું બન્યું નથી. આ કાવ્ય પંદર વરસની વયે ન ગમવા જેવું હોય અને રસરુચિની અપક્વતાને કારણે ગમ્યું હોય અને સાઠ વરસની વયે ન ગમવા જેવું હોય અને રસરુચિમાં પક્ષપાત-પૂર્વગ્રહને કારણે ગમતું હોય એવું બન્યું નથી. એટલું જ નહિ પણ આ કાવ્ય મને પંદર વરસની વયે ગમતું હતું એટલું જ સાઠ વરસની વયે પણ ગમે છે બલકે કંઈક વિશેષ ગમે છે. કારણ કે આ કાવ્યનો કાવ્યનાયક વૃદ્ધ છે. એણે દીર્ઘાયુષ્ય ભોગવ્યું છે, એ દીર્ઘ જીવન જીવી ચૂક્યો છે અને હવે આયુષ્યના અવશેષે એ મૃત્યુ વિશે ચિંતા-ચિંતન કરે છે. એ મૃત્યુ વિશે આત્મસંભાષણ કરે છે. એથી આ કાવ્યમાં મૃત્યુનો વિષય છે અને નાટ્યાત્મક એકોક્તિ (dramatic monologue)નું સ્વરૂપ છે. આ કાવ્યમાં સુશ્લિષ્ટ એકતા છે, સુગ્રથિત સંકલના છે. કાવ્યમાં બે વિભાગ છે. પ્રથમ વિભાગ પંક્તિ ૧-૫, ‘મારી નાવ… મોત પછાડ’માં બાહ્યજગત છે. દ્વિતીય વિભાગમાં પંક્તિ ૬-૭, ‘નથી હીરા… ઉતારે પાર?’માં આંતરજીવન છે. ‘નાવ’ના પ્રતીક દ્વારા, મૃત્યુના વિષય દ્વારા આ બાહ્યજગત અને આ આંતરજીવન વચ્ચે સંબંધ સ્થપાય છે. વળી, એક જ પ્રાસ પાર, અંધાર, સવાર, ઓથાર, પછાડ, ભાર દ્વારા આ બે વિભાગો વચ્ચે પણ સંબંધ સ્થપાય છે. આ કાવ્ય એ ચિંતનોર્મિકાવ્ય છે. કાવ્યનો આરંભ પ્રશ્નથી થાય છે. આ પ્રશ્ન દ્વારા કાવ્યનાયકની નમ્રતા પ્રગટ થાય છે. પ્રથમ પંક્તિમાં ‘પ્રભુ, મારી નાવ કરો ને પાર!’ એવું પરમેશ્વરને કોઈ સંબોધન હોત અથવા ‘પ્રભુ મારી નાવ કરે ના પાર?’ એવો પરમેશ્વરનો કોઈ ઉલ્લેખ હોત તો આ કાવ્ય ચિંતનોર્મિકાવ્ય ન થયું હોત, ભક્તિકાવ્ય થયું હોત, એટલે કે કાવ્ય ન થયું હોત, ભજન થયું હોત. અને તો એમાં કાવ્યનાયકની દીનતા કે દયનીયતા પ્રગટ થાત. પણ પ્રથમ પંક્તિમાં ‘મારી નાવ કરે કો પાર?’માં ‘કો’ એટલે ‘કોણ’ એવું નામ વિનાનું કોઈ રહસ્ય છે. એથી આ કાવ્ય ચિંતનોર્મિકાવ્ય થયું છે. ભાવકને તો કાવ્યનાયકની નાવમાં શું નથી ને શું છે એની જાણ કાવ્યને અંતે થાય છે. એથી એને કાવ્યના આરંભે જ કાવ્યનાયકનો જે પ્રશ્ન છે એથી કદાચ આશ્ચર્ય થાય. પણ કાવ્યનાયકને તો પોતાની નાવમાં શું નથી અને શું છે એની જાણ કાવ્યની પૂર્વે છે. એથીસ્તો કાવ્યને આરંભે એને આવો પ્રશ્ન થાય છે. વળી, ‘મારી નાવ કોણ પાર કરશે?’ એટલે કે ‘આવી નાવને તે કોણ પાર કરશે? કોઈ નહિ કરે.’ એવો આ પ્રશ્નમાં એનો ઉત્તર પણ છે. એથી જ આ પ્રશ્નમાં કાવ્યનાયકની નમ્રતા પ્રગટ થાય છે. પ્રથમ વિભાગમાં બાહ્યજગતનું વર્ણન છે. આ સમગ્ર વર્ણન પ્રાચીન અને પરંપરાગત છે. જીવન માટે નાવ (નોહાની નાવ, મનુની નાવ આદિ)નું પ્રતીક તથા મૃત્યુ માટે અંધકારનું પ્રતીક પ્રાચીન અને પરંપરાગત છે. કાળી વસ્તુઓ માટે ભમ્મરની ઉપમા પણ પ્રાચીન અને પરંપરાગત છે. કાવ્યનાયક પૃથ્વીના પટ પર અને સમુદ્રના તટ પર છે, ઉપર આકાશ છે. તેજ અને વાયુ નથી એવા નકારાત્મક કથન દ્વારા પણ એમનો ઉલ્લેખ છે. આમ, બાહ્યજગતના વર્ણનમાં પંચમહાભૂતો — પૃથ્વી, જલ, આકાશ, તેજ, વાયુ – નો ઉલ્લેખ છે. મૃત્યુ એટલે પંચમહાભૂતમાં મળી જવું, ભળી જવું એવું દર્શન પણ પ્રાચીન અને પરંપરાગત છે. આ વર્ણનમાં સ્થળવિહીનતા, કાળવિહીનતા અને આશાવિહીનતાનું સૂચન છે. અહીં સૂર્યચન્દ્ર નથી, રાતદિવસ અને સાંજસવાર નથી, ભાવિ અને ભૂત નથી. અરે, અહીં દીવાદાંડી પણ અધડૂબી છે અને એ રક્ષણ નહિ પણ ભક્ષણ કરે છે. એની પર આશા મોતપછાડ ખાય છે. આ પંક્તિમાં આ, ઈ સ્વરો અને ડ, દ, ત વ્યંજનોની સંકલના તથા વિલંબિત લય અધડૂબી દીવાદાંડી પર મોતપછાડ ખાતી આશાનું ચિત્ર હૂબહૂ તાદૃશ કરે છે, અવાજ અર્થને પ્રગટ કરે છે. આ સૂચન દ્વારા મૃત્યુયાત્રા એ અસીમ, અનંત અને અજ્ઞાત યાત્રા છે એનું પણ સૂચન છે. આ સૂચનો પણ પ્રાચીન અને પરંપરાગત છે. આવું બાહ્યજગત છે. અંધકાર, અંધકાર ને અંધકાર. એથી જ આરંભે પ્રશ્ન છે કે આ અંધકારમાં ‘મારી નાવ કરે કો પાર?’ આ પ્રશ્ન પણ પ્રાચીન અને પરંપરાગત છે. દ્વિતીય વિભાગમાં આંતરજીવનનું વર્ણન છે — બલકે આત્મનિરીક્ષણ અને આત્મપરીક્ષણ છે. જીવનમાં જય, સિદ્ધિ, સાફલ્ય આદિ માટે હીરા, માણેક, મોતી, કનક આદિનાં પ્રતીકો પ્રાચીન અને પરંપરાગત છે. ભગ્ન સ્વપ્ન માટે ખણ્ડિત ટુકડાનું પ્રતીક પણ પ્રાચીન અને પરંપરાગત છે. તો પછી, આ કાવ્યમાં એવું તે શું છે, એવો તે શો જાદુ છે; એવો તે શો કીમિયો છે, એવી તે શી ભૂરકી છે, એવી તે શી મોહિની છે કે પંદર વરસની વયથી તે સાઠ વરસની વય લગી, લગભગ અરધી સદી લગી જીવનભર સતત મેં આ કાવ્યનું રટણ કર્યું? એ જાદુ, એ કીમિયો, એ ભૂરકી, એ મોહિની છે કાવ્યની અંતિમ પંક્તિ — બલકે અર્ધપંક્તિ : ‘ભગ્ન સ્વપ્નના ખણ્ડિત ટુકડા’ કોઈ પણ મનુષ્યનું, મનુષ્યમાત્રનું જીવન એટલે અંતે ભગ્ન સ્વપ્નના ખણ્ડિત ટુકડા જ. ગમે તે મનુષ્યનું, મનુષ્યમાત્રનું જીવન મનુષ્ય હોય, પછી એ સંત હોય, પ્રેમી હોય કે વીર હોય, પણ સૌ મનુષ્યોનાં જીવનનું સરવૈયું, સારસર્વસ્વ એટલે ભગ્ન સ્વપ્નના ખણ્ડિત ટુકડા. જેના જીવનમાં સૌ સ્વપ્નો સિદ્ધ થયાં હોય, સફળ થયાં હોય, સાકાર થયાં હોય એવો કોઈ મનુષ્ય ક્યાંય ક્યારેય હતો, છે કે હશે? વળી, બ્રાઉનિંગ જેવા પરમ આશાવાદી કવિ તો આ જગતમાં, આ જીવનમાં મનુષ્યનાં સૌ સ્વપ્નો સિદ્ધ, સફળ, સાકાર ન થાય એવું ઇચ્છે, ન જ થવાં જોઈએ એવું આગ્રહપૂર્વક ઇચ્છે. આમ, આ શબ્દગુચ્છમાં મનુષ્યજીવનનું એક મહાન સત્ય છે. અને આ સત્યમાં નમ્રતા, વિનમ્રતા છે. આરંભની પંક્તિમાં પ્રશ્ન છે : ‘મારી નાવ કરે કો પાર?’ આ અંતિમ પંક્તિમાં પ્રશ્ન છે : ‘તારી કોણ ઉતારે પાર?’ આવી નાવને કોણ પાર ઉતારે? જેમાં નથી હીરા, નથી માણેકમોતી કે નથી કનક, જેમાં છે કેવળ ભગ્ન સ્વપ્નના ખણ્ડિત ટુકડા એવી નાવ તે કોણ પાર ઉતારે? આમ, આ પ્રશ્નમાં અંતિમ પંક્તિના ઉત્તરાર્ધમાં જે નમ્રતા છે તે પંક્તિના પૂર્વાર્ધમાં જે સત્ય છે એને કારણે. વળી, કાવ્યના આરંભમાં જે પ્રશ્ન છે એનું કાવ્યની અંતિમ પંક્તિમાં પુનરાવર્તન છે. ના, એમાં માત્ર પુનરાવર્તન નથી. એમાં પરિવર્તન છે. કાવ્યના આરંભમાં પ્રશ્ન છે : ‘મારી નાવ કરે કો પાર?’, કાવ્યના અંતમાં પ્રશ્ન છે : ‘તારી કોણ ઉતારે પાર?’ આમ, ‘મારી’ને સ્થાને ‘તારી’ શબ્દનું પરિવર્તન છે. કાવ્યના આરંભમાં જે પ્રશ્નો છે તેમાં ‘મારી’ શબ્દને કારણે કોઈને, કોઈ અન્ય મનુષ્યને, શ્રોતાને કે ભાવકને સંબોધન છે. કાવ્યના અંતમાં જે પ્રશ્ન છે એમાં ‘તારી’ શબ્દને કારણે કાવ્યનાયકનું સ્વને, પોતાને સંબોધન છે, આત્મસંબોધન છે. કાવ્યનાયકને પોતાની નાવમાં શું નથી અને શું છે એની જાણ કાવ્યની પૂર્વે છે એથી કાવ્યના આરંભમાં જે પ્રશ્ન છે એમાં કાવ્યનાયકની નમ્રતા પ્રગટ થાય છે. મારી નાવને તે કોણ પાર કરશે? કોઈ નહિ કરે — અન્યને આવા પ્રશ્ન પછી, આવા સંબોધન પછી અને કાવ્યના અનુભવ પછી, બે પ્રશ્નોની વચ્ચે કાવ્યની પાંચ પંક્તિના અનુભવ પછી કાવ્યના અંતમાં કાવ્યનાયકનો પોતાને પ્રશ્ન છે, કાવ્યનાયકનું આત્મસંબોધન છે — આવી છે તારી નાવ, તારી નાવને તે કોણ પાર ઉતારશે? કોઈ નહિ ઉતારે. એથી કાવ્યના અંતમાં જે પ્રશ્ન છે એમાં કાવ્યનાયકની નમ્રતા નહિ, વિનમ્રતા પ્રગટ થાય છે. ‘ભગ્ન સ્વપ્નના ખણ્ડિત ટુકડા’ — આ અર્ધપંક્તિમાં, આ શબ્દગુચ્છમાં માત્ર સત્ય નથી સૌંદર્ય પણ છે, લયસૌંદર્ય આરંભના ત્રણ શબ્દોમાં આઠ અક્ષરોમાં ચાર યુક્તાક્ષરો છે અને અંતના શબ્દમાં એકેએક અક્ષર કઠોરકર્કશ વ્યંજન છે. ‘ભગ્ન સ્વપ્નના’ — આ બે શબ્દોમાં પઠનથી જાણે સ્વપ્ન ભાંગી રહ્યું છે એવો, અને પછી ‘ખણ્ડિત ટુકડા’ — આ બે શબ્દોના પઠનથી જાણે એ ભગ્ન સ્વપ્નના ટુકડા વેરવિખેર બની રહ્યા છે એવો અનુભવ થાય છે. આ ‘auditory imagi-nation’ શ્રુતિગત કલ્પનાનું એક ઉત્તમ ઉદાહરણ છે. આમ આ શબ્દગુચ્છમાં અર્થ અને અવાજનો તથા સત્ય અને સૌંદર્યનો પણ સંપૂર્ણ સંવાદ છે. કવિતાની આ સિદ્ધિ એ માત્ર તર્ક કે બુદ્ધિની સરજત નથી, માત્ર પ્રયત્ન કે સંકલ્પની સરજત નથી. આ સિદ્ધિ એ કવિપ્રતિભાનું અનન્ય વરદાન છે, કવિકલ્પનાની અમૂલ્ય ભેટ છે. આ સિદ્ધિ કવિને કોઈ ધન્ય ક્ષણે પ્રાપ્ત થાય છે. આ સિદ્ધિ કવિનું પરમ અને ચરમ સદ્ભાગ્ય છે. આ પંક્તિ ઈશ્વરદત્ત (donnee) છે. સમગ્ર કાવ્યમાં આ અંતિમ પંક્તિ લગી પૂર્વેનું સૌ પંક્તિમાં, પાંચે પંક્તિમાં, જે કંઈ છે તે સામાન્ય અને સર્વસાધારણ છે, પ્રાચીન અને પરંપરાગત છે. પણ આ પંક્તિ અસામાન્ય અને અસાધારણ છે, અભૂતપૂર્વ અને નિત્યનૂતન છે. આ પંક્તિમાં જાણે કે શબ્દોને સહસા સહજ પાંખો ફૂટે છે અને સમગ્ર કાવ્ય જાણે કે એકાએક અચાનક ભાવકના ચિદાકાશમાં સદા સતત ઊર્ધ્વતમ ઉડ્ડયન કરે છે. આવો શબ્દ એટલે કવિનો પંખાળો શબ્દ (winged word). સમગ્ર કાવ્ય જાણે કે આ પંક્તિના તેજસ્વી તારકની આસપાસ કોઈ આભાવલયરૂપે રચાયું ન હોય એવી પ્રતીતિ થાય છે. શુદ્ધ કવિતા, સાદ્યંત સુન્દર અને સર્વાંગ સંપૂર્ણ કવિતા એ તો માત્ર એક આદર્શ છે. માત્ર એક સિદ્ધાંત છે. શુદ્ધ કવિતાનો, સાદ્યંતસુન્દર અને સર્વાંગસંપૂર્ણ કવિતાનો આદર્શ અને સિદ્ધાંત અસ્તિત્વમાં છે. એક પણ શુદ્ધ કાવ્ય, સાદ્યંતસુન્દર અને સર્વાંગસંપૂર્ણ કાવ્ય અસ્તિત્વમાં નથી. અલબત્ત, એકેએક કાવ્ય આ આદર્શ અને સિદ્ધાંતને, સિદ્ધ કરવાના, સાકાર કરવાના પ્રયત્નરૂપ હોય છે. એથીસ્તો કોઈપણ કાવ્ય એકબે અશુદ્ધ, અપૂર્ણ, અસુન્દર પંક્તિને કારણે મરી જતું નથી. તેમ કોઈકોઈ કાવ્ય એકાદ શુદ્ધ, સંપૂર્ણ, સુન્દર પંક્તિ અથવા અર્ધપંક્તિ, એકાદ શબ્દગુચ્છ, અરે, ક્યારેક તો એકાદ શબ્દને કારણે જીવી જાય છે. આ કાવ્યમાં ‘ભગ્ન સ્વપ્નના ખણ્ડિત ટુકડા, એ આવી એક અર્ધપંક્તિ છે. કાવ્યનાયકની નાવમાં ભલે હીરા, માણેક, મોતી અને કનક ન હોય, પણ કવિના આ કાવ્યની નાવમાં તો આ પંક્તિ — અર્ધપંક્તિનું એકાદ રત્ન છે. ‘ભગ્ન સ્વપ્નના ખણ્ડિત ટુકડા’ સાચ્ચે જ ‘અમૂલ્ય અમર પંક્તિરત્ન’ છે. પાદટીપ રૂપે અહીં નોંધવું જોઈએ કે ૧૯૪૧માં મને ‘ભગ્ન સ્વપ્નની નાવ’ કાવ્ય ગમ્યું અને ‘ભગ્ન સ્વપ્નના ખણ્ડિત ટુકડા’નું અનેક વાર એકાન્તમાં રટણ કર્યું. પછી ૧૯૪૬માં એલ.ડી. આર્ટ્સ કૉલેજમાં ઇન્ટરમીડિયેટ આર્ટ્સના વર્ષમાં પાઠકસાહેબના વર્ગમાં બળવન્તરાય ઠાકોરનું સંપાદન ‘આપણી કવિતાસમૃદ્ધિ’ પાઠ્યપુસ્તક તરીકે ભણવાનું હતું. બલ્લુકાકાનું પુસ્તક ને પાઠકસાહેબ અધ્યાપક, મારે તો મોસાળમાં જમણ અને મા પીરસનાર જેવું થયું. સોનામાં સુગંધ. ત્યારે જાણ્યું કે વિવરણમાં બલ્લુકાકાએ ‘ભગ્ન સ્વપ્નના ખણ્ડિત ટુકડા’નું ‘અમૂલ્ય અમર પંક્તિરત્ન’ તરીકે મૂલ્યાંકન કર્યું છે. ત્યારથી આજ લગી ‘ભગ્ન સ્વપ્નની નાવ’ કાવ્ય વધુ ગમ્યું છે અને ‘ભગ્ન સ્વપ્નના ખણ્ડિત ટુકડા’નું અનેક વાર એકાન્તમાં વધુ રસ-આનંદથી રટણ કર્યું છે.
૧૯૮૬