શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૭. અંધકારનો પવન રૂપેરી

From Ekatra Wiki
Revision as of 16:19, 13 July 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૭. અંધકારનો પવન રૂપેરી


અંધકારનો પવન રૂપેરી આવે,
હરિયાળાં મેદાન ફરકતાં આવે,
ઝાકળનાં મોતીના અઢળક મેઘ,
શય્યાની ચોગમ ઝબકીને હસતા ચાંદ અનેક :
દીવાલ સઘળી અંધકારના ફીણ મહીં ફેલાતી,
બારીમાંથી શય્યા સામે સીમ લગી લંબાતી!
શય્યાથી મેદાન હવે શું દૂર?
પાંખોથી આકાશ કેટલું દૂર?
હાથ જરા જો થાય ઊંચો તો હવા મહીં ઓ દ્રાક્ષ!
હોઠ જરા ફરકે તો ગીતનો અડી જાય રે સ્વાદ.
પ્હાડ બધા ધુમ્મસના તરતા પડખામાંથી સરતા,
એકલતાના ડંખ ફૂલ થૈ પારિજાતનાં ખરતા.
ગરમ લોહીનાં ઊછળે રાતાં ફૂલ!
શ્યામ લટોમાં ડોલે લિસ્સા મણિધર મુક્ત પ્રફુલ્લ.
હોઠ મહીં રે હોઠ ઓગળી જાય,
આંગળીઓનાં સ્નિગ્ધ ટેરવે જ્યોત ફૂટતી જાય.
અંધકારનો પવન રૂપેરી વાય;
કાળમીંઢ કો ખડક રેશમી કપોતમાં પલટાય.
કપોત કેરી શ્વેત હૂંફનો શય્યામાં સંચાર,
રોમ રોમમાં વ્યાપે એના ઊડવાનો વિસ્તાર.

(પવન રૂપેરી, ૧૯૭૨, પૃ. ૪૧)