કાવ્યમંગલા/રામજી એ તો
ધરતીને ખોળે દેહ સુવાડીને,
માતાને હૈયે કાન અડાડીને,
પોઢું થઈ નાનો બાળ,
સૂણવા માંડું ત્યાં હૈયે વિશાળ
માતાને ભમતાં પગલાંની કૈં કૈં કેવીક ચાલ.
આવે આવે કોક નાનેરાં બાળ,
ચંપાનાં ફૂલ ગરે શું રસાળ,
ગૂંથાતી શું ફૂલમાળ;
આછી આછી એના પડઘાની તાલ
કાન પડે, આંખે ઘેન ચડે મીઠું લાલ ગુલાલ.
આ તો આવે પાણિયારીના સંઘ,
ઝાંઝરના ઉઠે તાલ અભંગ,
સંગીત સૌમ્ય તરંગ,
માતા જસોદાએ કાનાની કેડે
બાંધેલ ઘૂઘરમાળતણા શું બાજત આ ઝંકાર.
ચાલ્યું આ તો ધણ ગાયોનું જાય,
વાછેરું આરડે, ઘંટ બજાય,
ચાલ્યાં ચાલ્યાં એ જાય,
ધડબડ ધોડે, નાક ફૂંફોળે,
હૂંકારે હાંફતી ગાયો મને પાય નીંદરધાર.
રાજાજીની આ તો આવે સવારી,
ભૂંગળ, ઢોલ, નગારાંની ભારી
ધૂન ઊઠે ભયકારી,
રાવણ શું કુંભકર્ણ ઉઠાડે,
રાજાના દોરના શોર એ મને પહોંચાડે નીંદરદ્વાર.
બાળુડાંએ ફૂલસેજ બિછાવી,
નારીગણે પદતાલે રિઝાવી,
હળુહળુ નીંદર આવી,
ગાયોની ડોકે, આવતી ઝોકે,
રાજાના ભોંકારે ઘોર ચઢી મારે અંગ અઢાર.
સૂમ પડી મારી સૂવાની શેરી,
દુનિયાની આંખે નીંદ રૂપેરી
પ્રભુજીએ વેરી,
કોઈ હલે નહિ, કોઈ ચલે નહિ,
કેમ ત્યારે મારી ખખણી ઊઠે હૈયાની થાળ?
રાજાના શોરથી ઊંઘી જનારા,
પ્રાણીનાં પગલાં પારખનારા,
મેરુ શા ઉરને મારા,
કોની આ ભારી કાળકરાળી
જગાડે આવી પગલી દેતી વજ્જરભાર?
ઝબે જાગે મારી આંખડી ભાળે,
જનજનાવર કાંઇ ન ન્યાળે,
‘કોણ હશે?’ વિચારે,
ધબકી હૈયું કાંઇ કહી રહ્યું :
‘મારામાં સૂતા રામજી એ તો સળવળ્યા છ લગાર.’
(૧૬ જુલાઈ, ૧૯૩૨)