– અને ભૌમિતિકા/સર્જક-પરિચય

From Ekatra Wiki
Revision as of 19:33, 5 March 2024 by Shnehrashmi (talk | contribs)
Jump to navigation Jump to search


સર્જક-પરિચય

ભીખુભાઈ કપોડિયા (૮-૭-૧૯૪૯)

Bhikhu Kapodia.jpg


સાબરકાંઠાના ઈડરના કપોડા ગામમાં જન્મેલા ભીખુભાઈ કપોડિયા બાળપણથી જ કવિતા લખતા. આઠમા ધોરણમાં અભ્યાસ કરતા હતા ત્યારે મુક્તકો - સુભાષિતો લખીને તેમના શિક્ષક પ્રવીણ ભટ્ટને બતાવતા. ૧૯૬૬માં મુંબઈ આવવાનું થયું અને સિદ્ધાર્થ કૉલેજમાં જયંતભાઈ પારેખ પાસે ગુજરાતી શીખવાનું મળ્યું. જયંતભાઈ એમનાં છંદોબદ્ધ કાવ્યો, ગીતો વાંચી ‘કવિલોક'ની એ વખતની લિપિની પ્રેસમાં મળતી બેઠકમાં લઈ ગયા અને ભીખુભાઈ લખે છે : “રાજેન્દ્રભાઈએ સાચા અર્થમાં શબ્દની ઓળખ કરાવી આપી. શબ્દ, ઔચિત્ય, એની અનિવાર્યતા અને યથાર્થતા - દરેક સંદર્ભમાં કેમ સાચવવાં એના પાઠ શીખવ્યા.” એ જ રીતે જયંતભાઈએ સુરેશ જોષીનો પરિચય કરાવ્યો અને કવિની કાવ્યસાહિત્ય વિશેની સૂઝે જુદો વળાંક લીધો. ભીખુભાઈ કપોડિયા પાસેથી ‘અને ભૌમિતિકા' (૧૯૮૮) કાવ્યસંગ્રહ મળે છે, તેમાં ગીતો અને અછાંદસ રચનાઓ છે. તેમના ગીતોમાં લગ્ન, પ્રેમ, મિલન જેવા વિષયો લયબદ્ધતા અને ઇન્દ્રિયપ્રત્યક્ષતાને કારણે આસ્વાદ્ય બની આવે છે. ‘તમે ટહુક્યાંને આભ મને ઓછું પડ્યું...’માં પ્રણયની પ્રસન્નતા વ્યક્ત થઈ છે તો પ્રકૃતિનું સુંદર ચિત્ર ‘ડાળથી ફૂટ્યો’માં છે. એમનાં અછાંદસ કાવ્યોમાં આધુનિકતાનો સ્પર્શ જોવા મળે છે. તેમાંનાં ‘જોડાં' અને ‘અળસિયાં’ નોંધપાત્ર કાવ્યો છે.

—પારુલ કંદર્પ દેસાઈ
‘ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ’ ગ્રંથ : ૮ (ખંડ ૧)માંથી ટૂંકાવીને