ચાંદરણાં/ટોળું

From Ekatra Wiki
Revision as of 16:19, 22 April 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


19. ટોળું


  • ટોળું માત્ર બોલે છે, સાંભળતું નથી.
  • ટોળું કહે છે બસ સાંભળો, બોલો નહીં.
  • માણસ પોતાનો ચહેરો ઘેર મૂકીને ટોળામાં જોડાય છે.
  • ટોળામાં ભળે તે સૌના ચહેરા એક બની જાય છે.
  • ટોળું પોતે ચીસ પાડે છે, બીજાને પણ ચીસ પડાવે છે.
  • ટોળાની શિસ્ત લશ્કર થાય, લશ્કરની અશિસ્ત ટોળું થાય.
  • ટોળું વંટોળિયા જેવું હોવા છતાં ઊંચે જતું નથી.
  • કળિયુગમાં રામનો નહીં, ટોળાનો મહિમા છે.
  • યાત્રાના માર્ગે હવે સંઘ નહીં, ટોળું જાય છે.
  • ટોળાને એક વિકરાળ આશયની ભૂખ હોય છે.
  • એક ટોળું આપોઆપ જ બીજું ટોળું રચે છે.
  • ટોળામાં કોઈ કોઈને અનુસરતું નથી, ઘસડાય છે.
  • વિચાર પર આશય વિજય મેળવે છે ને ટોળું રચાય છે.
  • ટોળું એ ખંડિત કરવા માટેની એકતા હોય છે.
  • વિચાર ન કરવો પડે તે માટે ટોળું ઘાંટા પાડે છે.
  • દરેક ટોળું છૂટકમાં નહીં જથ્થાબંધમાં જ માને છે.
  • કોઈપણ ટોળામાં ‘હું’ ગુમ થઈ જાય છે.
  • ટોળું, ટોળાને મળે છે, માણસ, માણસને મળતો નથી.
  • પોલીસવાળો લાઠીચાર્જને બદલે ફંડફાળો માંગે તો ટોળું જલદી વિખેરાઈ જાય.
  • ટોળાનો માણસ સ્વતંત્ર હોઈ શકતો નથી.
  • ટોળામાં કોઈ માણસના હાથમાં ફૂલ નથી હોતું.
  • સાઉન્ડ સિસ્ટમની શોધ થઈ છે એ વિશે ટોળું જાણતું નથી.