સોનાની દ્વારિકા/સાત

From Ekatra Wiki
Revision as of 02:00, 25 June 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

સાત

પેમામારાજના ઘરથી સીધી પાટીએ જાવ પછી બે શેરી વટાવીને જમણી બાજુ વળો એટલે આવે પગીવાડો. કેટલાંક એને કોળીવાડો પણ કહે. લોકો કહે છે કે પગની છાપ ઉપરથી ચોર પકડી પાડે કે પગેરું કાઢી આપે એવા પગીઓ હવે રહ્યા નથી, અને ચોરી પણ માત્ર પગીઓનો જ ઈજારો રહી નથી. ચોરી કરવાની રીતો પણ બદલાઈ ગઈ છે. કહેવાય પગીવાડો, પણ ત્યાં બીજી ન્યાતનાંય ઘર ખરાં. કાળુ કુંભારનું ઘર પહેલું આવે. ખરો પગીવાડો તો બોથાભાઈના ઘરેથી જ શરૂ થાય ને પાછળના પાદરડા પાસે પૂરો થાય. છેલ્લું ઘર સધરા બાવળિયાનું. સધરાડોહા, ડોહા તો હમણાં થયા, પણ જુવાન હતા ત્યારે હતા રંગીન મિજાજના. વડોદરા બાજુ કમાવા ગયેલા ત્યાંથી કોઈ બાઈને લાવેલા, પણ એ વખતે મોંઘીડોશીએ બરોબરનો પરચો બતાવેલો. ડોહાને ખરેખર સધરામાંથી લઘરા જેવા કરી દીધેલા ને પોતે મોંઘાં થઈને રહેલાં. પેલી બાઈ તો આવી એવી જ નાસી ગઈ! બોથાપગીની આમ ધાક ઘણી પણ એમને લગભગ બધાં વહાલથી તુંકારે બોથિયો કહીને બોલાવે. નાનેરાં હોય એ બોથોભઈ કહે. બોથાનો દેહ પડછંદ. છાતી તો બે માણસની. એકદમ ચોખ્ખો વાન. મોટી આંખો ને નાકનકશી અણિયાળી. મૂછોના આંકડા ચડાવેલા જ રાખે. લેંઘા બનાવવાના કામે લાગે એવું ઊભા પટ્ટાવાળું મિલનું પાંચ મીટર કાપડ લે. ચારેય કોર વાદળી પોપલીનની ગોટ મૂકાવે. એને ધોતીની જેમ પહેરે. કાછડીનો એક છેડો ધજાની જેમ ત્રિકોણાકારે હવામાં ફરક્યા કરે. એના ઉપર લાંબી ચાળનું, આખી બાંયનું કોલરવાળું, મોટે ભાગે તો આસમાની રંગનું પહેરણ. એના ઉપર કાળી બંડી, એમાં ઘૂઘરી સાંકળીવાળાં ચાંદીનાં બટન. બંડીના ગાજમાં બીજી સાંકળી સાથે લાઈટર. લાઈટર બંડીના ખિસ્સામાં. બોથિયાના માથે, નીચે પહેર્યું હોય એવું જ પટ્ટાવાળું પણ જૂનું-ઘસાયેલું ફાળિયું. ફાળિયું એવી રીતે બાંધે કે જમણો કાન ઢંકાઈ જાય ને વચ્ચોવચ નાનું એવું છોગું નીકળે. હાથમાં કડીયાળી ડાંગ અથવા ધારિયું. નાનાં છોકરાંઓ તો એને જોઈને જ બી જાય! પગમાં ચઈડવાળા જોડા ને એમાં વળી લાલ મોજાં. કાનમાં અત્તરનો ફાયો તો હોય જ. બોથો શેરીમાંથી પસાર થઈ જાય પછી પણ ફંટાસિયાની સુગંધ ક્યાંય સુધી અટવાતી રહે. કોળી પહેરે એવો આ પોશાક ભૂલી જાવ તો કોઈ એને કોળી માનવા તૈયાર ન થાય. અદ્દલ ગરાસિયો જ જોઈ લો! બોથાનો બાપ ખોડો પગી ને એની મા ગજરી પગિયાણી મેરુભાના દરબારગઢમાં કામ કરતાં. કહેવાય છે કે પગિયાણી રૂપાળાં બહુ ને કાયમ દરબારનો જ રોટલો ખાધેલો તે ઈનોય કો’ક અંશ તો આવે જ ને? તમને થશે કે આ બોથિયામાં એવું તે શું છે કે હું એની વાત માંડી બેઠો? બોથાભાઈ અમારા ગામના મોટા અભિનેતા. એ જો મુંબઈમાં લાંબુ ટકી ગયા હોત ને એ વખતે ફિલ્મલાઈનના કોઈ ધૂરંધર મરમી માણસની નજરે ચડ્યા હોત તો દિલીપકુમારને નબળા નકલખોરોને બદલે એક સાચો હરીફ મળ્યો હોત! બોથોભાઈ નવરાત્રિની નવેય રાત રમે. અંબાજીના ચોકમાં રોજ નવા નવા ખેલ ભજવાય. બૈરાં-છોકરાં સહિત આખું ગામ ચોકમાં ભેગું થાય. ઠંડીની શરૂઆત થઈ ગઈ હોય ને આખી સીમનાં ખેતરોમાં પાણી પવાયું હોય એટલે આમેય ઠંડો પવન વધુ વાય. ઘરેથી બધાં કંતાનના કોથળા લઈને આવે. પાથરીને બેસે. ધાબળા ને પછેડીઓ ઓઢી હૂંફ સાચવવા ઘોઘોમોઘો કરીને બેસે. અમુક બાઈઓ તો ધાવણાં છોકરાંનેય લઈને આવી હોય. વાતાવરણમાં ચારેકોર ઉત્તેજના ફરી વળી હોય. સહુને કુતૂહલ હોય કે આજે કયો ખેલ થશે? ચોરામાં આડો પડદો બાંધીને એની પાછળ બધા ખેલ કરનારાઓ શરીર પર બોદારની માટી ચોપડીને તૈયાર થતા હોય. અંદર જવાની મનાઈ હોય. પણ છોકરાંઓની ઉત્સુકતા જબરી. ગમે તેમ કરીને ચોરાના ઊંચા ઓટા ઉપર ચડી જાય. પડદો ઊંચો કરીને કે કલાકારો કંઈ લેવા-મૂકવા આવે ત્યારે અલપઝલપ જોઈ લે. વસ્ત્રો ઉપરથી ખ્યાલ ન આવે કે કોણ કયો પાઠ ભજવશે. પણ અનુમાન કરવાની મજા આવી જાય. બીજું તો કંઈ નહીં, પણ જેણે ઘાઘરો-પોલકું પહેર્યાં હોય એ સ્ત્રીનો પાઠ લેશે એટલું તો નક્કી. છોકરાઓને એ વાતનું ભારે અચરજ કે ભાયડા તે વળી કેવી રીતે બાયડી બની શકે? એમાંય જાદવજી મેરાઈનો પરસોત્તમ ઉર્ફે પશ્યો સ્ત્રી બને એની તો બહુ જ નવાઈ. પશ્યો એવો તો શણગાર સજે કે ભલભલાને ભુલાવામાં નાંખી દે! નકલી વાળનો લાંબો ચોટલો, ચોટલામાં ચાર ચાર ફૂલ, ગાલ ઉપર લાલી, એવા જ લાલ રંગેલા હોઠ, હાથમાં બંગડીઓનો પાર નહીં! ચાલે ત્યારે પાતળી કમર પર ઘેરદાર ઘાઘરો લચક લે! પોલકું તો એના બાપા જાદવજી જ સીવી આપે. અંદર ભરવાના દટ્ટા પશ્યો કપાસમાંથી બનાવી લેતો. ઓઢણી માથે ગોઠવીને બંને બાજુ પીન ભરાવે. સાડીની પાટલી એવી લે કે બૈરાંઓય જોતાં રહી જાય. ગીત ગાય ત્યારે એનો અવાજેય કૂણો થઈ જતો. કોઈએ એકલી ચોયણી પહેરી હોય, કોઈ ચોયણી ઉપર પોલકું પહેરીને વળગણી ઉપરથી ઘાઘરો ગોતતું હોય, તો કોઈ વળી બધો મેકઅપ થઈ ગયા. પછી બીડી પીતું હોય. કોઈને મુગટ જડ્યો હોય પણ માળા કે કુંડળ ન જડતાં હોય! ચારેકોર લૂગડાં જ લૂગડાં! નીચે પતરાની ટંકડીઓમાં શણગારની સામગ્રીઓ આમતેમ રડવડતી હોય! અરીસા માંડ એકાદ બે ને બધાને એની જરૂર. મજાકમસ્તી ચાલતાં હોય. એક ખૂણામાં તલવાર, ભાલા, ત્રિશૂળ, ગદા, તીરકામઠાં વગેરે હથિયારો પડ્યાં હોય! કોઈ વળી પોતાના પાઠને પાકો કરતું હોય! ખેલમાં વ્યવસ્થા લાવતાં પૂર્વે કેટલી બધી અવ્યવસ્થા સર્જવાની! બોથોભાઈ અભિનયનો બાદશા. મહાદેવ રામચંદ્ર જાગુષ્ટેની સચિત્ર ચોપડીના બધા પાઠ મોઢે. મુખ્ય પાત્ર સિવાયનો કોઈ પાઠ ભજવે કે સ્ત્રીનો વેશ લે તે બોથોભાઈ નહીં! વચ્ચે વચ્ચે ચોપડીમાં ન હોય એવા એવા સંવાદોય બોલી નાંખે. ક્યારેક સામા પાત્રને મૂંઝવણમાંય મૂકી દે. પણ જો એમ લાગે કે ગૂંચવાય છે તો બધું ઉકેલતાંય આવડે! આજ જે પાઠ લીધો હોય તેનાથી તદ્દન જુદો પાઠ કાલે લેવાનો. બોથોભાઈ એટલે મેનેજર, દિગ્દર્શક, અભિનેતા, ડિઝાઈનર બધું જ. આબેહૂબ વેશ એ એની ખૂબી. રાણકદેવીના ખેલમાં એ રા’ખેંગાર થાય. ‘તલવાર મારી ચકચકે રુધિર તારું ચાખવા...’ કહીને મ્યાનમાંથી તલવાર ખેંચે ને પડકાર કરતો પટમાં પડે! તલવાર તો એવી સમણે કે સિદ્ધરાજે જીતવાનું હોવા છતાં એક ક્ષણ તો એનાં હાજાં ગગડી જ જાય! પશ્યો રાણી ચંગાવતી થયો હોય ને બોથાભાઈ થાય શેઠ શગાળશા. બેય જણા ખાંડણિયામાં કુંવર ચેલૈયાનું માથું ખાંડતા જાય ને હાલરડું ગાતા જાય - ‘મારે હાલરડે પડી હડતાળ કુંવર ચેલૈયા... ચેલૈયા રે કુંવર ખમ્મા ખમ્મા તું ને!’ એ વખતે જાણે દિશાઓ પણ હીબકે ચડી જતી. ‘હરિશ્ચંદ્ર-તારામતી’માં મૃતપુત્ર રોહિતની અંતિમક્રિયા માટે શ્મશાનમાં આવેલી રાણી સામે ખડગ ઉગામતી વખતે પિતાની પીડા, ફરજની મક્કમતા અને સત્યની ચમક ત્રણેય જોવા મળે. ‘ભિક્ષા દે ને રે મૈયા પિંગળા…’ કરીને પોતાના જ મહેલે ‘અલખ નિરંજન’નો નાદ દેતી વખતે, એના જેવો જોગી-વીતરાગી ને ગુરુની આજ્ઞાનું પાલન કરનારો સચરાચરમાં બીજો કોઈ નહીં પાક્યો હોય એમ લાગે. બોથો જોગીદાસ ભજવે ત્યારે, બેય આંખો પર હથેળીઓ મૂકીને મરચું ભરે ત્યારે ભલે બંને હાથ ખાલી હોય પણ આખા ગામની આંખોમાં બળતરા થતી. સિસકારા નીકળી જતા. જાણે આખું જગત થંભી જતું! બોથોભાઈ રામાયણનો રાવણ અને મહાભારતનો કર્ણ. મારા મનમાં એમનો કોઈ પાઠ છવાઈ ગયો હોય તો તે છે રામદેવપીરનો. પીરનો મુગટ પૂંઠાનો. જરી, સતારા ને ટીલડા-ટીલડીનો તો પાર નહીં. કપાળમાં ને કાન ઉપર લળકતાં મોતી. આખો મુગટ સાવ સોનાનો લાગે. ઢીંચણ સુધી આવતું, કમરમાંથી ઘેરદાર એવું લાલ મખમલનું અંગરખું ને એની નીચે સિલ્કનો ચમકતો સુરવાળ. દસેય આંગળીએ વેઢ. બંને હાથમાં બાજુબંધ ને કાંડિયા તો જાણે નગદ સોનાના. કમર ઉપર બાંધેલો રૂપેરી લેસવાળો ગુલાબી ખેસ. ખભા ઉપર લીલો લટકતો ઉપરણો. ડોકમાં લાલ-ગુલાબી-લીલાં-કાળાં ને સ્ફટિક જેવાં મોતીઓની માળા. કાનમાં કુંડળ ને પગમાં રાજસ્થાની મોજડી. ડાબા હાથમાં ભાલો ને જમણો હાથ આશીર્વાદની મુદ્રામાં! બોથોભઈ એટલે સાક્ષાત રામોપીર! દરજી સંકટ જેલમાં પુરાયો છે ને રામદેપીરને આજીજી કરે છે. રામદેવપીર એને બંધનમુક્ત કરે છે પણ કેવી રીતે? દરજી જેલમાં, એટલે કે પડમાં વચ્ચોવચ ઘૂંટણિયે પડ્યો છે. ચારે બાજુનાં પ્રેક્ષકો સ્તબ્ધ! દરજીની આજીજીની અવધિ આવી ગઈ એટલે કહે કે ‘હે રણુંજાવાળા મને નહીં છોડાવો તો તમને ધારશે કોણ? માનશે કોણ? તમ્યે તો અશરણના શરણ, મુજ બંદીની આપદા ટાળો!’ બરાબર એ જ વખતે રામદેવપીરનો માત્ર ચહેરો દેખાય. બંને બાજુ બે જણ પડદો ધરીને ઊભા હોય. એ પડદો લઈને ક્યારે આવી ગયા હશે એની સરત ન રહે. કેમકે એ વખતે પ્રેક્ષકો તો દરજીના વિલાપમાં જ ઓતપ્રોત હોય! ધીરે ધીરે પડદો નીચે ઊતરે ને રામદેવજી પૂર્ણરૂપે પ્રગટ થાય. રામદેવજીનો જમણો હાથ ઊંચો થાય ને દરજી સામે દૃષ્ટિ કરે, ત્યાં તો ચોકડી પાડીને ઊભેલા બે ભાલાધારીઓ ભાલા સમેત બેભાન થઈને ભોંય પર પડે. સર્વત્ર છવાઈ રહે અધમ ઉદ્ધારક રામોપીર! વાણિયો ને વાણિયાણ જાતરાએ નીકળ્યા છે. એમની પાસેનો કીમતી માલ દેખીને ચોરટાઓ પાછળ પડે છે. જાનમાલ બચાવવા વાણિયો રામદેવપીરની ટેક રાખે છે. સોગઠડે રમતાં રામાપીરને કાને એનો અવાજ સંભળાય છે. લીલુડો ઘોડલો ને હાથમાં તીર લઈને રામદેવપીર વાણિયાની વહારે ચડે છે. બોથોભાઈ બુલંદ અવાજે ગાય : ‘આંખે કરું આંધળો ને ડીલે કાઢું કોઢ, ત્રણ ભુવનમાંથી ગોતી લાવું ચોર!’ એ વખતે બધાનાં રૂવાડાં ઊભાં થઈ જતાં. કોની મગદૂર છે કે રામદેપીરના ખોફથી બચી શકે? આખું ગામ જાણે રામદેવપીરના આખ્યાનના ઘેનમાં હતું. સવારે સાત વાગ્યે વાયરાની જેમ વાત વહી કે બોથાપગીને પકડવા પોલીસ આવી છે. ગામમાં પોલીસ આવી છે એ વાતથી જ કેટલાકની બોલતી બંધ થઈ ગઈ! આખા વાતાવરણમાં બેબાકળી બીક ફરી વળી. છોકરાંઓ તો ઘરમાં જ ભરાઈ ગયાં! બધાં ખાનગીખૂણે પૂછ્યા કરે : ‘હેં સું થ્યું સે? બોથ્યાને ઝાલી જાવા ફૂલેસપાલટી આવી સે ઈ હાચી વાત?’ કોઈ વળી કહે કે, ‘ગમ્ભા ગામમાં નથ્ય એટલ્યે સું થાહે ઈનું નક્કી નંઈ!’ ‘ચ્યમ વળી ગમ્ભા ચ્યાં જ્યા સે? હજી કાલ્ય રાત્યે ખેલ જોવામાં તો બેઠા’તા વળી!’ ‘આજ હવારે જ નૂરાભૈની ઘોડાગાડીમાં જાતા જોયાને! મૂળીએ જ્યા સે કંઈક કામ હશ્યે તે...’ કોઈ સાચો જવાબ મળતો નહોતો, પણ પોલીસે બોથાભાઈના ઘરનો ખૂણેખૂણો જોઈ લીધો. બરાબરની જડતી લઈ લીધી. ઘરમાંથી તો કંઈ જડ્યું નહીં, થોડાંક તલવાર ધારિયાં ને એવાં હથિયાર મળ્યાં એને આધારે વોરંટ બજાવ્યું. આ બધું થાતાંમાં બપોરનો એક વાગી ગયો. કહે છે કે લીંબડીમાં કોઈ વાણિયાના ઘરે મહિના પહેલાં ચોરી થયેલી. એમાં બોથાભાઈનો સાળો સામેલ હતો તે પગેરું ઠેઠ અહીં સુધી આવ્યું! બોથાભાઈની કોઈ વાત સાંભળી નહીં ને સીધી ધરપકડ! બોથાભાઈના બેય હાથમાં બેડી. બાવડાં દોરડાથી બાંધેલા. ભવાઈમાં પેલા સૈનિકો બે ભાલાથી પાડતા એવી પીઠ ઉપર દોરડાની ચોકડી પડે. એક પોલીસ આગળ, બે બાજુ બે ને પાછળ બીજા બે. બોથોભાઈ બધાની વચ્ચે! અંબાજીનો ચોક આવ્યો ને બોથાભાઈ થંભી ગયા. આ એ જ ચોક કે જેમાં ગઈ રાત્રે જ બોથાભાઈએ રામાપીરના વેશમાં, ‘ત્રણ ભુવનમાંથી ગોતી લાવું ચોર’ એવો પડકાર કરેલો. એમના મોઢા પરનું પેલું તેજ જાણે ક્યાંક ચાલ્યું ગયું હતું. બોથાભાઈના મ્લાન ચહેરામાં હું પેલો ચમત્કાર શોધતો હતો. મને થાય કે હમણાં કંઈક એવું થાશે કે બેડીઓ તૂટી પડશે ને પોલીસો બધા બેભાન થઈ ઢળી પડશે! હું ચમત્કારની રાહ જોતો રહ્યો ને પોલીસ એમને એ જ ચોકમાંથી ચલાવીને પાદર સુધી લઈ ગઈ. ત્યાં મિલેટરી રંગની ખટારી તૈયાર જ હતી. બોથાભાઈ ચૂપચાપ ખટારીમાં ચડી ગયા. ખટારીની જાળીના ગોળ કાણામાંથી દેખાતું એ મોઢું બોથાભાઈનું હતું, રામદેવપીરનું હતું કે પેલા ચોરનું? એમની બદામ જેવડી પણ ફિક્કી પડી ગયેલી આંખોમાં શગાળશાનું સમર્પણ, ભરથરીનો ભેખ, જોગીદાસનું શૌર્ય અને રામાપીરની કરુણા બધું જ જાણે એકસાથે ડૂબી ગયું હતું. ગામનો આખો દિવસ બેચેનીમાં પસાર થયો. સહુના મોઢે એક જ વાત કે- ‘બોથાભઈ વિના ખેલ નો થાય.’ ‘આજથી નવરાત ભાંગી પડી. માતાજીના પારે નવેનવ રાત કેવા અસલ ખેલ થાતા. આટલાં વરહમાં પેલ્લી વાર ભંગાણ પડ્યું!’ ‘અરે! ઈમ તે કાંઈ ખેલ બંધ નો રે? બીજા બધા સે ને? ઈ રમશે...’ ‘નો સું રે? બંધ જ રે ને? આજની રાત તો ઓઢા જામની. બોથ્યા વિના કુંણ તારો ભા ઓઢો થાશ્યે?’ આમને આમ વાતમાં ને વલોપાતમાં સાંજ પડી. છોકરાંઓ ‘ગરબડિયા ગોરાવો ગરબે જાળીડા મેલાવો જો…’ અને ‘ઘોઘા ઘોઘા ઘોઘ સલામ નાથીબઈના વીર સલામ…’ કરતાં ગરબા અને ઘોઘા લઈને ફરી વળ્યાં. ગામને તો એમ કે આજે તો માતાજીની આરતી ને પાંચ ગરબા ગાઈને ગોદડાં ઓઢીને સૂઈ જ જવાનું છે. પણ આ શું? અંબાજીના ચોકમાં તો એક પછી એક પેટ્રોમેક્સ ઝળહળવા માંડી! જાણે કંઈ બન્યું જ નથી એમ રાબેતા મુજબ આરતીયે થઈ ને ગરબાયે થયા. થોડીવારમાં તો ભૂંગળ ને તબલાંય રમરમાટ બોલાવવા માંડ્યાં! આખું પડ ગાજવા માંડ્યું! રંગલોય આવ્યો ને રંગલીય આવી. ‘વાવડી ખોદે રે ભરમો રામરામજી રે’ અને ‘ભલા મોરી રામા ભલા તારી રામા’યે થયું અને બધાંની ઉત્સુકતા વચ્ચે ખેલની જાહેરાત થઈ કે આજે ‘ઓઢો જામ’ ભજવાશે. દોકડ-પેટી-મંજીરાં અને કાંસીજોડા બધાંએ ગતિ પકડી લીધી. બધાંની નજર બોથાભઈને શોધતી રહી. અચાનક જ- "કોટે મોર કણકિયાં અને વાદળ ચમકી વીજ... મારા રુદાને રાણો સાંભર્યો આ તો આવી અષાઢી બીજ!” ‘ઢેનટે ટે ણેન... ઢેનટે ટે ણેન. ઢેનટે ટે ણેન..’ થયું ને સામેથી ઓઢો જામ ઉર્ફે બોથોભઈ પટમાં પડ્યો. બધાંની આંખો ચાર થઈ ગઈ... જાણે સ્વપ્ન જોતાં હોય એમ જોનારાં બધાં મીણની મૂર્તિ જેવાં થઈ ગયાં! બધાંને લાગ્યું કે જાણે સવારની ઘટના બની જ નથી! બીજે દિવસે સવારે ખબર પડી કે બોથાભાઈને ઝાલી ગયેલી પોલીસ સુરેન્દ્રનગર પહોંચે એ પહેલાં તો મોટામાસ્તરે પીપળાના ઓટે બેઠેલા કેશાબાપાને કહી રાખેલું કે ‘ગમ્ભા આવે. એવા સીધા જ મારી પાસે મોકલજો!’ મૂળીથી આવેલા ગમ્ભા ગામમાં પગ મૂકે ત્યાર પહેલાં સીમમાંથી જ વાવડ મળી ગયેલા કે ‘બોથો પુરાણો સંકટ જેલમાં...!’ માસ્તર રાહ જોઈને જ બેઠા હતા. ગમ્ભાને કહે કે- ‘અત્યારે આ ઘોડાગાડીમાં જ તમે સુરેન્દ્રનગર જાવ. રાતનો ખેલ બંધ ન જ રહેવો જોઈએ. આખા ગામને આઘાત લાગે એવું તે કંઈ થાય? જાવ... બોથાને જામીન ઉપર છોડાવી લાવો. એ ગુનેગાર હશે તો કાયદો કાયદાનું કામ કરશે. એમાં આપણે વચ્ચે નહીં પડીએ, પણ જામીનના અભાવે બોથો જેલમાં બાંધ્યો રહે એ બરાબર નહીં. એવું તો ન જ થવા દેવાય...’ આટલું બોલીને એક ઊંડો શ્વાસ લીધો ને પછી ઉમેર્યું, ‘ગમે એમ તોય એ કલાકાર છે. અભિનેતા છે ને પાછો આપણો છે. એ તો આ ગામમાં આવી પડ્યો, બાકી અમદાવાદ કે મુંબઈમાં હોત તો ઉપાડ્યોય ઉપડતો ન હોત! સમજો ને કે નિયતિ બધા ખેલ કરાવે, પણ કલાકારનું કાળજું કોમળ હોય! આપણે એને સાચવી લેવો જોઈએ. જરૂર લાગે તો ફોજદાર જુવાનસંગ બાપુને મારું નામ આપજો ને કહેજો કે માસ્તરે કીધું છે કે દિ’ આથમ્યા પહેલાં બોથો ગામમાં આવી જાવો જઈએ!’

***