ગુજરાતી બાળવાર્તા સંપદા/ચિત્રલેખા

From Ekatra Wiki
Revision as of 14:56, 14 August 2024 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ચિત્રલેખા

નાગરદાસ ઈ. પટેલ

એક હતી અપ્સરા. એનું નામ ચિત્રલેખા. ચિત્રલેખાને ચિત્રો ચીતરવા બહુ જ ગમે. જાત જાતનાં ને ભાત ભાતનાં એ સુંદર ચિત્રો દોરે અને આંખે ઊડીને વળગે એવા સરસ રંગ પૂરે. એણે નવલખ તારા ચીતર્યા, એમાં વહેતી આકાશગંગા ચીતરી. આભની અટારીએ ઊડતાં વાદળાં એણે ચીતર્યાં અને તેમાં બહુ જ ખૂબીથી સાત રંગનું મેઘધનુષ ચીતર્યું. એમાં સુંદર રંગપૂરણી કરી. આખા ચિત્રનો ઉઠાવ એણે ભારે મઝાનો કર્યો. પણ એ હતી મનમોજી. એને વિચાર થયો કે લાવને ધરતી ઉપર જઉં. જાતજાતના રંગની પેટી લીધી, નાની મોટી પીંછીઓ લીધી અને એ તો ઊપડી. ઊડતી ઊડતી એ ધરતી ઉપર આવી પહોંચી. એણે ચારે તરફ નજર નાખીને જોવા માંડ્યું. ધરતી ઉપર એણે ફૂલ જોયાં : ગુલાબ ને કેતકી, મોગરો ને જાસૂદ, કમળ ને કેવડો, જાઈ ને જુઈ અને બીજાં ઘણાંબધાં. એમાં સુગંધ હતી પણ રંગ ન હતો અને રંગ ન હોવાને લીધે એનો દેખાવ ખીલતો ન હતો. ચિત્રલેખાએ પોતાની રંગની પેટી ઉઘાડી અને બધાં ફૂલોને પોતાના દૈવી રંગે રંગવા લાગી. એણે તો મઝાના રંગ પૂર્યા. ફૂલ બધાં શોભી ઊઠ્યાં. જે જુએ તે ખુશ ખુશ થઈ જાય ! અને રંગ પણ કેવા ? કદી જાય નહિ એવા. ઝાંખા પણ ન પડે. બધાં ફૂલઝાડ ને વન ઉપવન સુંદર ફૂલોથી ખીલી ઊઠ્યાં. પક્ષીઓએ ચિત્રલેખાની કલા જોઈ. એમનાં મનમાં પણ એમ થયું કે આવો કલાકાર આપણને પણ રંગે તો સારું. આપણો દેખાવ પણ મઝાનો થાય. એમણે પોતાના તરફથી કબૂતર ને કાકાકૌવાને ચિત્રલેખા પાસે મોકલ્યાં. એમણે ચિત્રલેખાને પક્ષીઓને રંગવાની અરજ કરી, અને ચિત્રલેખાએ તે ખુશીથી સ્વીકારી. એક પછી એક ચિત્રલેખા પંખીઓને બોલાવતી ગઈ અને પોતાની કલા એમના ઉપર અજમાવવા લાગી. એણે કબૂતરને આછા વાદળી રંગે રંગ્યું અને ગળા ઉપર લાલ રંગની છાંટ નાખી. કબૂતરનો દેખાવ ફરી ગયો. કાકાકૌવા પણ પોતાના રંગથી રાજીરાજી થઈ ગયો. પછી આવ્યો મોરનો વારો. મોરને રંગવામાં એણે ભારે કલા બતાવી, મોરની ડોક, એની પાંખ, એનાં પીંછાં એ દરેકમાં બહુ જ મનોહર રંગ પૂર્યા. એ તો એટલો ખુશી થયો કે થનગન થનગન નાચવા મંડી પડ્યો ! પછી આવ્યો ગરુડનો વારો. ખૂબ વિચાર કરીને ચિત્રલેખાએ એને માટે ભૂખરો રંગ પસંદ કર્યો અને એ રંગની આખી ગોટી ગરુડને રંગવા માટે વાપરી. ઊંચા વાદળામાં ઊડવાનું એટલે ગરુડને પણ એ રંગ ગમ્યો. એનામાં ગરુડનો મોભો પણ વધ્યો. એવામાં ફરિયાદ આવી કે કાગડો અને કોયલ છાનાંમાનાં રંગની પેટી ઉઘાડી પોતાનાં પીંછાં રંગતાં હતાં. ચિત્રલેખાએ તે જોયું અને એ બેઉને સજા તરીકે આખે શરીરે કાળો રંગ લગાડ્યો. બેઉને કાળાં કર્યાં. ચોરી કરે તેને આવી સજા થાય ! પછી આવ્યો હંસ. એણે તો થોડા રંગથી જ સંતોષ માન્યો. પોતાની ચાંચ એકલી રંગવાની એણે ચિત્રકલાને વિનંતી કરી. ચિત્રલેખાએ મઝાના લાલ રંગથી એની ચાંચ રંગી. એની પાંખ ઉપર ખૂબ આછા વાદળી રંગની છાંટ લગાવી. એનાથી હંસની સફેદાઈ ખૂબ ખીલી નીકળી. હંસ પાંખો ફફડાવતો ઊડી ગયો ત્યાં તો ઘુવડ આવ્યું. ‘મારાં બચ્ચાં એકલાં છે, વખતે કોઈ એમને હેરાન કરે માટે જલદી કરો.’ ઘુવડ બોલ્યું. ચિત્રલેખાએ બનતી ઉતાવળે એને પણ રંગ પૂરીને રવાના કર્યું. જેવું જેવું પક્ષી તેવા તેવા એ રંગ પસંદ કરતી ગઈ ને રંગતી ગઈ. પછી તો આવ્યાં પોપટ ને કાબર, અને મેના ને બુલબુલ. પોપટ તો મીઠું મીઠું ગાય એટલે ચિત્રલેખાએ એને સુંદર રંગે રંગ્યો. એની લાલ મઝાની ચાંચ કરી, આછા લીલા રંગે એનાં પીછાં રંગ્યાં ને કોટે કાળો કાંઠલો કર્યો. કાબરના કલબલાટથી જરા પણ કંટાળ્યા વિના એને તથા મેનાને સારી રીતે રંગ્યાં. બુલબુલને પણ ખુશ કર્યું. તે પછી આવ્યા શાહમૃગ. એ કહે : ‘અમને પણ રંગો.’ ચિત્રલેખાએ એમને રંગવા માંડ્યાં. એમને રંગતાં રંગતાં તો ઘણાબધા રંગ ખૂટી પડ્યા. એવાં મોટાં પક્ષીઓને રંગે પછી રંગ તો ખૂટી જાય ને ! કાળા રંગનો તો ઘાણ નીકળી ગયો. રંગ જોઈને શાહમૃગ રાજી થયાં. તે પછી આવ્યાં હોલાં, લેલાં, ચકલી, દેવચકલી અને નીલકંઠ. એમને બધાંને રંગતાં ચિત્રલેખાને વાર જ ન લાગી. નીલકંઠને રંગવા પાછળ એણે ખૂબ મહેનત લીધી. એ બધાં રાજી થઈને ઊડી ગયાં. ચિત્રલેખાએ રંગની પેટી ને પીંછીંઓ સાફ કરવા માંડી. એવામાં આવ્યો કૂકડો. એ કહે : ‘મને રંગો.’ ‘અત્યાર સુધી તું ક્યાં ગયો હતો ?’ ચિત્રલેખાએ પૂછ્યું. ‘હું તો ઉકરડા ફેંદતો હતો. મને તો છેક હમણાં જ ખબર પડી તે દોડતો આવ્યો.’ ચિત્રલેખાને વિચાર થઈ પડ્યો કે આને હવે શું કરવું ? એને રંગે નહિ તો એ બીચારો નિરાશ થાય ! ચિત્રલેખાએ બધાં પક્ષીઓને બોલાવ્યાં અને બધાંને કહ્યું કે તમારામાંથી થોડો થોડો રંગ લેવા દો. સૌએ તે કબૂલ કર્યું. ચિત્રલેખાએ બધાં પંખીમાંથી થોડો થોડો રંગ લીધો ને વિવિધ રંગે કૂકડાને રંગ્યો. કૂકડો રાજીરાજી થઈ ગયો. પોતાના કામથી સંતોષ પામતી ચિત્રલેખા આકાશમાં ઊડી ગઈ.