ભારતીય કાવ્યસિદ્ધાંત/લક્ષણાના પ્રકારો
લક્ષણાના મુખ્ય બે પ્રકાર પાડવામાં આવે છે : શુદ્ધા અને ગૌણી. આપણે જોયું કે લક્ષણામાં મુખ્યાર્થ અને લક્ષ્યાર્થ વચ્ચે કોઈ ને કોઈ જાતનો સંબંધ હોવો આવશ્યક છે. જ્યારે એ સંબંધ સાદૃશ્યનો હોય, ત્યારે એ લક્ષણાને ‘ગૌણી’ (ગુણ પર આધાર રાખતી) કહેવામાં આવે છે; અને સાદૃશ્ય સિવાયનો સંબંધ હોય, ત્યારે એ લક્ષણાને ‘શુદ્ધા’ કહેવામાં આવે છે.
કેટલાક લોકો ગૌણીને લક્ષણાનો પ્રકાર ગણવાને બદલે જુદી ગૌણી વૃત્તિ સ્થાપે છે. આમ, ‘નર્મદ સિંહ હતો’ એ દાખલામાં ‘સિંહ’ના મુખ્યાર્થ અને લક્ષ્યાર્થ વચ્ચે સાદૃશ્યનો સંબંધ હોઈ, એ ગૌણી લક્ષણાનું ઉદાહરણ થયું; જ્યારે ‘ગંગામાં વાસ’ એ દાખલામાં ‘ગંગામાં’ના મુખ્યાર્થ અને લક્ષ્યાર્થ વચ્ચે સાદૃશ્ય સિવાયને (સામીપ્યનો) સંબંધ હોઈ, એ શુદ્ધા લક્ષણાનું ઉદાહરણ થયું. [૪]
શુદ્ધાના અને ગૌણીના પેટાભેદો પણ પાડવામાં આવે છે. ઉપા- દાનલક્ષણા અને લક્ષણલક્ષણા કેવળ શુદ્ધા લક્ષણાના જ ભેદો છે, જ્યારે સારોપા લક્ષણા અને સાધ્યવસાના લક્ષણા શુદ્ધા તેમજ ગૌણી પણ હોઈ શકે. આમ, લક્ષણાના કુલ છ પ્રકારો થયા :
શુદ્ધા લક્ષણા : (૧) ઉપાદાનલક્ષણા (૨) લક્ષણલક્ષણા
(૩) સારોપા લક્ષણા (૪) સાધ્યવસાના લક્ષણા
ગૌણી લક્ષણા : (૧) સારોપા લક્ષણા (૨) સાધ્યવસાના લક્ષણા
૧. ઉપાદાન લક્ષણા :
વાચ્યાર્થ પિતાની સિદ્ધિ અથવા પ્રતીતિને માટે બીજા અર્થને – લક્ષ્યાર્થને - સ્વીકારે ત્યારે ઉપાદાનલક્ષણા કહેવાય. (स्वसिद्धये पराक्षेपः).
‘कुन्ताः प्रविशन्ति’ જેવા દાખલામાં ભાલાં ખરેખર પ્રવેશતાં તો હોય છે, પણ એ કંઈ એકલાં પ્રવેશી શકતાં નથી. એટલા પૂરતો અહીં મુખ્યાર્થનો બાધ થયો. (એ રીતે જોઈએ તો અહીં અન્વયબાધ નહિ, તાત્પર્યબાધ છે એમ ગણાય.) આથી આપણે ‘कुन्ताः’ (ભાલાં)નો લક્ષ્યાર્થ ‘कुन्तिनः’ (ભાલાધારીઓ) લીધો. હવે ‘कुन्तिनः प्रविशन्ति’ એમ આપણે લક્ષ્યાર્થ લઈએ છીએ તેમાં ‘कुन्ताः प्रविशन्ति’નો વાચ્યાર્થ સમાવિષ્ટ થઈ જાય છે. આમ, ‘कुन्ताः’ શબ્દ પોતાના વાચ્યાર્થની સિદ્ધિ માટે ‘कुन्तिनः’ એ અર્થ સ્વીકારે છે; માટે એ ઉપાદાનલક્ષણાનું ઉદાહરણ થયું.
‘ભાલાં’ એ મુખ્યાર્થ અને ‘ભાલાધારીઓ’ એ લક્ષ્યાર્થ વચ્ચે સંયોગસંબંધ છે. ‘ભાલાધારીઓ પ્રવેશે છે’ એમ કહેવાને બદલે ‘ભાલાં પ્રવેશે છે’ એમ કહેવાનું પ્રયોજન ભાલાધારી સૈનિકોનું બહુલત્વ બતાવવાનું અથવા ભાલાંની તીક્ષ્ણતા ને કઠોરતા સૈનિકો વિશે સૂચવવાનું ગણી શકાય.
ઉપાદાનલક્ષણાને अजहत्स्वार्था કે अजहल्लक्षणा પણ કહે છે, કારણ કે એમાં શબ્દ પોતાના મુખ્યાર્થને ત્યજતો નથી.
‘काकेभ्यो दधि रक्ष्यताम्’, ‘छत्रिणः यान्ति’, ‘મેં આજે દૂધપાક ખાધો’, ‘અહીં તો ધોળી ટોપી એકઠી થઈ છે’ આદિ ઉપાદાનલક્ષણાનાં ઉદાહરણો છે. [૫]
૨. લક્ષણલક્ષણ :
બીજા અર્થ — લક્ષ્યાર્થ — ને ખાતર શબ્દ પોતાના વાચ્યાર્થનો ત્યાગ કરે, ત્યારે એ લક્ષણલક્ષણાનું ઉદાહરણ બને. (परार्थ स्वसमर्पणम्।) ‘ગંગામાં વાસ’ જેવા દાખલામાં ‘ગંગામાં’ પોતાનો ‘ગંગાપ્રવાહમાં’ એવો વાચ્યાર્થ તજીને ‘ગંગાતટે’ એવો બીજો જ અર્થ સ્વીકારે છે. ‘ગંગાતટ’માં ‘ગંગાપ્રવાહ’માં સમાવિષ્ટ નથી, એનાથી એ ભિન્ન છે.
લક્ષણલક્ષણને जहत्स्वार्था के जहल्लक्षणा પણ કહે છે, કારણ કે એમાં શબ્દ પોતાનો વાચ્યાર્થ તજે છે.
‘कलिङ्गः साहसिकः’, ‘ફાનસ સળગ્યું’, ‘કલમની તાકાત’, વગેરે લક્ષણલક્ષણાનાં ઉદાહરણો છે.
૩. સારોપા લક્ષણા (શુદ્ધા) :
એક વસ્તુનો બીજી વસ્તુ પર આરોપ કરવામાં આવે અને આરોપનો વિષય તથા જેનું આરોપણ થયું છે તે વિષયી બંનેને જુદા શબ્દોથી દર્શાવવામાં આવે, ત્યારે સારોપા લક્ષણા કહેવાય. (सारोपान्या तु यत्रोक्तौ विषयी विषयस्तथा।) ‘દવા એનું જીવન છે’ એ દાખલામાં ‘દવા’ પર ‘જીવન’નો—બંનેને સમાનાધિકરણથી ઉલ્લેખીને – આરોપ કરવામાં આવ્યો છે, તેથી એ સારોપા લક્ષણાનું ઉદાહરણ થયું. -’જીવન’ શબ્દના ‘જીવન’ એ વાચ્યાર્થ અને ‘(જીવનને ટકાવનાર – પોષનાર) દવા’ એ લક્ષ્યાર્થ વચ્ચે કાર્યકારણસંબંધ હોવાથી આ ઉદાહરણ શુદ્ધા સારોપા લક્ષણાનું ગણાય. ‘દવા’ને જીવનપોષક પદાર્થ કહેવાને બદલે ‘જીવન’ જ કહેવાનું પ્રયોજન એ છે કે બીજા ખાદ્ય પદાર્થો જીવનપોષક હોઈ શકે, પણ ‘દવા’ એ કાર્ય કંઈક વિલક્ષણતાથી – કંઈક વિશેષ ભાવે – સાધે છે.
મમ્મટનું શુદ્ધા સારોપા લક્ષણાનું ઉદાહરણ છે ‘आयुर्धुतम्’. ‘વૈજ્ઞાનિકની દૃષ્ટિએ દરેક બી વૃક્ષ છે’, ‘हरिभक्तिर्मोक्ष’ વગેરે આ લક્ષણાપ્રકારનાં ઉદાહરણો છે.
૪. સારોપા લક્ષણા (ગૌણી) :
‘અશ્વિન ગધેડો છે’ જેવા ઉદાહરણમાં પણ ‘અશ્વિન’ પર ‘ગધેડા’નો આરોપ કરવામાં આવ્યો છે, બંનેને સમાનાધિકરણથી દર્શાવવામાં આવ્યા છે; પણ અહીં ‘ગધેડો’ શબ્દના ‘ગધેડો’ એ વાચ્યાર્થ અને ‘(ગધેડા જેવી મંદ બુદ્ધિવાળો) અશ્વિન’ એ લક્ષ્યાર્થ વચ્ચે સાદૃશ્યનો સંબંધ છે. એટલે આ ગૌણી સારોપા લક્ષણાનું ઉદાહરણ થયું. અશ્વિનને મંદ બુદ્ધિવાળો કહેવાને બદલે ‘ગધેડો’ કહેવાનું પ્રયોજન એ છે કે એ બંને વચ્ચે ભિન્નતા હોવા છતાં જે સમાનતા છે તે સચોટતાથી સ્ફુટ થાય.
મમ્મટનું ગૌણી સારોપા લક્ષણાનું ઉદાહરણ છે ‘गौर्वाहीकः’ ‘राजा गौडेन्द्रं कण्टकं शोधयति।’, ‘अमृतं हरिकीर्तनम्’, ‘વિદ્યાર્થીને મન પરીક્ષક સાક્ષાત્ યમરાજ છે’, ‘બાળકને ગોળ મળ્યો એટલે ભગવાન મળ્યા’ વગેરે આ લક્ષણાપ્રકારનાં ઉદાહરણો છે.
સાધ્યવસાના લક્ષણા (શુદ્ધા) :
વિષયીની અંદર જ વિષયને જ્યારે સમાવી લેવામાં આવે - વિષયી વિષયનું નિગરણ કરે, એને ગળી જાય,– ત્યારે સાધ્યવસાના લક્ષણા કહેવાય. (‘विषय्यन्तःकृतेऽन्यस्मिन् सा स्यात् साध्यवसानिका।) ‘આ પડીકીમાં એનું જીવન છે’ એ ઉદાહરણમાં વિષયી ‘જીવન’ વિષય ‘દવા’ ને ગળી ગયેલ છે – માત્ર જીવનને જ શબ્દથી દર્શાવવામાં આવ્યું છે. અહીં ‘જીવન’ શબ્દના મુખ્યાર્થ અને લક્ષ્યાર્થ વચ્ચે કાર્યકારણસંબંધ હોવાથી આ શુદ્ધા સાધ્યવસાના લક્ષણાનું ઉદાહરણ થયું. અહીં પ્રયોજન દવા અફરપણે જીવનપોષક છે એમ દર્શાવવાનું ગણી શકાય.
મમ્મટનું શુદ્ધા સાધ્યવસાના લક્ષણાનું ઉદાહરણ છે ‘आयुरेव इदम्’ ‘मोक्षं कुरु’, ‘મારા હાથમાં વૃક્ષ છે’ વગેરે આ લક્ષણા પ્રકારનાં ઉદાહરણો છે.
૩. સાધ્યવસાના લક્ષણા (ગૌણી) :
અશ્વિનને આવતો જોઈને કોઈ એમ કહે કે ‘આ ગધેડો આવે!’ તો ત્યાં વિષયી ‘ગધેડા’ એ વિષય ‘અશ્વિન’નું નિગરણ કર્યું કહેવાય; અને ‘ગધેડા’ શબ્દના મુખ્યાર્થ અને લક્ષ્યાર્થ વચ્ચે સાદૃશ્યનો સંબંધ હોવાથી એ ગૌણી સાધ્યવસાના લક્ષણાનું ઉદાહરણ થાય. અહીં પ્રયોજન અશ્વિન અને ગધેડા વચ્ચે સર્વથા અભેદ દર્શાવવાનું ગણી શકાય.
મમ્મટનું ગૌણી સાધ્યવસાના લક્ષણાનું ઉદાહરણ છે. ‘गौरयम्’. ‘राजा कण्टकम् शोधयति’, ‘अमृतं श्रुणोमि’, વગેરે આ લક્ષણાપ્રકારના ઉદાહરણો છે.
એ તરત ધ્યાનમાં આવે એવી વાત છે કે ગૌણી સારોપા અને ગૌણી સાધ્યવસાના લક્ષણામાં અનુક્રમે રૂપક અને અતિશયોક્તિ અલંકાર રહેલા છે. (૬)