મંગલમ્/ધર્મ અમારો

From Ekatra Foundation
Revision as of 13:11, 26 January 2025 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ધર્મ અમારો

ધર્મ અમારો એકમાત્ર એ સર્વ ધર્મ સેવા કરવી,
ધ્યેય અમારું છે વત્સલતા, વિશ્વમહીં એને ભરવી.

સકલ જગતની બની જનેતા, વત્સલતા સહુમાં રેડું,
એ જ ભાવનાના અનુયાયી, બનવાનું સહુને તેડું.

નાતજાતના ભેદ અમોને, લેશ નથી કાંઈ આભડતા,
દેશ વેશના શિષ્ટાચારો, વિકાસ માટે નહીં નડતા.

નિર્ભય બનીને જાનમાલની, પરવા કદીયે નવ કરીએ,
અમ માલિકીની વસ્તુનો, મૂઢ સ્વાર્થ પણ પરહરીએ.

બ્રહ્મચર્યની જ્યોત જગાવી, સત્ય પ્રભુને મંદિરિયે,
જનસેવાને આંચ ન આવે, એ વ્યવસાયો આચરીએ.

સદ્ગુણ સ્તુતિ કરીએ સૌની, નિંદાથી ન્યારાં રહીએ,
વ્યસનો ત્યજીએ સદ્ગુણ સજીએ ટાપટીપ ખોટી તજીએ.

ખાવું, પીવું, હરવું, ફરવું, સૂવું, જાગવું ને વદવું,
સર્વ ક્રિયાઓ કરતાં પહેલાં પાપ વિકારોથી ડરવું.

છતાં થાય ગફલત જે કાંઈ તે ક્ષમા માગી હળવાં થઈએ,
સર્વ ક્ષેત્રમાં રહીએ તોપણ આત્મભાન નહીં વિસ્મરીએ.
— સંતબાલજી