બાળ કાવ્ય સંપદા/જો હું થાઉં

From Ekatra Foundation
Revision as of 03:33, 13 February 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
જો હું થાઉં

લેખક : સોમાભાઈ ભાવસાર
(1911-1984)

આજ મને બા ! એમ થાય કે,
એમ થાય કે;
કૂકડો જો હું થાઉં !
અરે હાં, કૂકડો જો હું થાઉં !
પરોઢિયે હું વહેલો વહેલો,
ઊઠી આખા જગથી પહેલો,
એમ પુકારી ગાઉં,
અરે હાં, એમ પુકારી ગાઉં :
કૂકડે કૂક ! કૂકડે કૂક !

આજ મને બા ! એમ થાય કે,
એમ થાય કે;
કોયલ જો હું થાઉં !
અરે હાં, કોયલ જો હું થાઉં !
સરવરની પાળેથી,
ઊંચા આંબાની ડાળેથી,
એમ પુકારી ગાઉં,
અરે ! હાં, એમ પુકારી ગાઉં,
કુહૂ ! કુહૂ ! કુહૂ ! કુહૂ.... !

આજ મને બા ! એમ થાય કે
એમ થાય કે :
મોર જો હું થાઉં !
અરે હાં, મોર જો હું થાઉં !
થનગન થનગન કરતો નાચી,
ચોકે દાણા ચરતો રાચી,
એમ પુકારી ગાઉં,
અરે હાં, એમ પુકારી ગાઉં,
મે આવ ! મે આવ !