શબ્દલોકના યાત્રીઓ – ૨/ડૉ. ભારતીબહેન વૈદ્ય
શ્રી ભારતીબહેને મૌલિક નવલકથાઓ, ટૂંકી વાર્તાઓ અને નાટકો લખ્યાં છે. હિંદી, મરાઠી અને અંગ્રેજીમાંથી અનુવાદો કર્યા છે. ભારતના જુદા જુદા ભાગોમાં જવાનું થયું ત્યારે તેમનો સંશોધકનો જીવ, આજુબાજુના પ્રદેશ અને સમાજનો અભ્યાસ કર્યા વગર ક્યાંથી રહી શકે? અને એમનો સર્જક-આત્મા એમાંથી વાર્તા કે નવલકથા નિપજાવ્યા વગર રહે નહિ. આમ જુદા જુદા પ્રદેશો તેમની કથાઓમાં શબ્દબદ્ધ થયા છે. શ્રી ભારતીબહેન મધુરકાન્ત વૈદ્યનો જન્મ ત્રીજી માર્ચ ૧૯૨૯ના રાજ વિલેપાર્લે (મુંબઈ)માં થયો હતો. વતન ભાવનગર સોમનાથ પાટણ. તે ૧૯૪૮માં ગુજરાતી સાથે બી.એ. થયાં. ૧૯૫૫માં ગુજરાતી મુખ્ય અને સંસ્કૃત સાથે પ્રથમ વર્ગમાં એમ.એ.ની પરીક્ષા પસાર કરી. મધ્યકાલીન રાસસાહિત્ય ઉપર થીસીસ લખી ૧૯૬૦માં તેમણે પીએચ.ડી.ની પદવી મેળવી. અભ્યાસની સાથે સાથે જ તે કોઈને કોઈ વ્યવસાય કરતાં રહ્યાં છે. બી.એ. થયા પછી તરત જ ‘હિંદુસ્તાન’ દૈનિકમાં ઉપતંત્રી તરીકે જોડાયાં. ૧૯૫૩ સુધી એ સ્થાને રહ્યાં. ૧૯૫૪થી ૧૯૬૦ સુધી આકાશવાણી મુંબઈના સમાચાર વિભાગમાં કામ કરતાં હતાં. તે જ સમયગાળામાં ૧૯૫૮-૫૯ દરમ્યાન તે શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકરસી મહાવિદ્યાલયમાં ગુજરાતીના લેક્ચરર હતાં. ૧૯૭૦થી ૧૯૭૨ સુધી તે નવી દિલ્હીમાં નેશનલ બુક ટ્રસ્ટમાં ગુજરાતી વિભાગમાં ઍસિસ્ટન્ટ એડિટર તરીકે રહ્યાં. ૧૯૭૨થી તે સાહિય અકાદમીના પશ્ચિમ વિભાગીય કાર્યાલયમાં પ્રાદેશિક મંત્રી તરીકે મુંબઈમાં કાર્ય કરે છે. દેશની સાહિત્યિક શૈક્ષણિક સંસ્થાઓમાં તેમણે કાર્ય કર્યું છે. તેમને પ્રવાસનો ખાસ શોખ છે. કર્ણાટક અને સમગ્ર દક્ષિણ ભારત, આખું નાગાલૅન્ડ, મણિપુર, પૂર્વાંચલનો થોડો ભાગ, દિલ્હી આસપાસના પ્રદેશો, મધ્યપ્રદેશના સાંચી, વિદિશા, ખજુરાહો, પન્ના, જબલપુર ઇત્યાદિ પ્રદેશો અને ગોવાની આસપાસના પ્રદેશોનો તેમણે પ્રવાસ કર્યો છે. તે તે પ્રદેશના રીતરિવાજો, સંસ્કૃતિ અને જનસમાજનું તેમણે અધ્યયન કર્યું છે. એ રીતે તેમના આ બધા પ્રવાસો વિદ્યા-પ્રવાસો બન્યા છે. તેમની નવલકથાઓમાં એનું પ્રતિબિંબ ઝિલાયું છે. ભારતીબહેનને સાહિત્યના સંસ્કારો વારસામાં મળેલા છે. કવિ નર્મદને મુશ્કેલીના દિવસોમાં મદદ કરનાર હરિપ્રસાદ દેસાઈ તેમના નાનાના પિતા થાય, અને નરસિંહરાવના ભાઈ કવિ ભીમરાવ ભોળાનાથ દિવેટિયા તેમનાં નાનીના પિતા થાય. તેમનાં માતુશ્રી દેવયાની દેસાઈ એમના જમાનામાં મુંબઈનાં અગ્રણી કૉંગ્રેસ કાર્યકર હતાં. તેમના પતિ શ્રી મધુરકાન્ત વૈદ્ય તરફથી તેમને ખૂબ પ્રોત્સાહન મળ્યું છે. ૧૯૫૮માં લગ્ન થયા બાદ તે સતત સાહિત્યસર્જનની પ્રેરણા આપતા રહ્યા છે. શ્રી મધુરકાન્ત વૈદ્ય આકાશવાણીનાં અનેક કેન્દ્રો પર સ્ટેશન ડાયરેક્ટર તરીકે રહી ચૂક્યા છે. નાટક અને રંગભૂમિમાં જીવંત રસ ધરાવે છે. તેમણે પરિચય પુસ્તિકાઓ પણ લખેલી છે. એમનું પ્રથમ પુસ્તક તે ૧૯૬૬માં પ્રગટ થયેલો તેમનો શોધ પ્રબંધ ‘મધ્યકાલીન રાસા સાહિત્ય’ છે. ભારતીબહેનને ગંભીર વિદ્યા વિષયોમાં રસ છે તેટલો જ સર્જનાત્મક પ્રકારોમાં પણ છે. ૧૯૭૪માં ‘એક અષ્ટક’ નામે આઠ નવલિકાનો સંગ્રહ પ્રગટ થયો હતો. બીજે જ વર્ષે ૧૯૭૫માં તેમણે ‘પગદંડી’ નામે નવલકથા પ્રગટ કરી. તે કૃતિ ધારાવાહિક રૂપે પ્રગટ થતી હતી ત્યારે વાચકોમાં સારો રસ જગાવેલો. ‘પગદંડી’નું કથાવસ્તુ નાગભૂમિની રાજદ્વારી અને સામાજિક પાર્શ્વભૂમિકામાં આલેખાયું છે. ગયે વર્ષે તબીબી વ્યવસાયના પ્રશ્નને આવરી લેતી સામાજિક નવલકથા ‘કાયા મનનો મેળ’ પ્રગટ થઈ હતી. ‘પુનરાવૃત્તિ’ નામે હિન્દીમાં નાટક પણ તેમણે લખ્યું છે. આ નાટક ગાંધી વિચારધારાને રજૂ કરે છે. આ કૃતિને મધ્યપ્રદેશ સરકારનું પ્રથમ પારિતોષિક મળ્યું હતું અને ભારત સરકારનું બીજું પારિતોષિક મળ્યું હતું. તેમણે આકાશવાણી મુંબઈ અને દૂરદર્શન માટે ‘એક દિવસની વાત’, ‘બોલતું મૌન’, ‘બેના બાવીસ’, ‘દાદાજીની લાકડી’ જેવાં નાટકો લખ્યાં છે. આજે પણ તેમની નવલિકાઓ અને લેખો જુદાં જુદાં સામયિકોમાં પ્રગટ થાય છે. ભારતીબહેન અંગ્રેજી, મરાઠી અને હિંદી ભાષાઓ ઉપર પ્રભુત્વ ધરાવે છે. મરાઠી લેખક કેતકરની નવલકથાનો તેમણે કરેલો અનુવાદ ‘બ્રાહ્મણ કન્યા’ નેશનલ બુક ટ્રસ્ટ તરફથી ૧૯૭૧માં પ્રગટ થયો હતો. હિન્દી અને અંગ્રેજીમાંથી સંખ્યાબંધ કૃતિઓ તેમણે ગુજરાતીમાં ઉતારી છે. ‘વેતસના વેલા’ નવલકથાની હસ્તપ્રત હમણાં તૈયાર થઈ છે. ભારતીબહેનને ચિત્રકલામાં પણ રસ છે. વ્યવસાય છોડીને ૧૯૬૦માં મુંબઈથી ધારવાડ ગયાં ત્યારે શરૂ શરૂમાં ચિત્રકલા પર હાથ અજમાવ્યો. બાળકો શાળાએ જવા લાગ્યાં ત્યારે લેખનકાર્ય ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું. શ્રી ભારતીબહેન લેખિકા હોવા સાથે સુશીલ ગૃહિણી પણ છે. તેમના ગૃહજીવનનું માધુર્ય જ કદાચ તેમની સાહિત્યિક પ્રેરણા હોય. સતત વિદ્યાકીય પ્રશ્નોમાં તે રસ લે છે અને અવારનવાર અભ્યાસલેખો અને અવલોકનો પણ લખે છે. આપણે ત્યાં ગણીગાંઠી સ્ત્રી લેખિકાઓમાં ગુજરાતી સાહિત્યની અભ્યાસી અને અધ્યાપિકા કક્ષાની આ લેખિકાનું સ્થાન પણ આગવું છે.
૯-૧૨-૭૯