અભિમન્યુ આખ્યાન/કડવું ૫૦
રામ મેવાડો ધનાશ્રી
અભિમન્યુ પડિયો હો, પાંડવે સાંભળ્યું જી;
સેન સઘળું હો, શોકે ધરણી ઢળ્યું જી. ૧
કાકા ચારે હો, આવ્યા ધાઈ જી;
પડિયો દીઠો હો, અભિમન્યુ ભાઈ જી. ૨
ચંદ્રવદન હો, અંબુજ નયન જી;
પ્રાણ પાખે હો, કીધું શયન જી. ૩
આક્રંદ કરતા હો, કાકા ચાર જી.
હાથે કરતા હો, હૃદયે પ્રહાર જી. ૪
‘અરે! બાલકડા હો, અરે, બાડુવા જી;
અમો ન જાણ્યું હો, કૌરવ કૂડા જી.’ ૫
રુએ યુધિષ્ઠિર હો, ઊઠો બાપ જી!
હું શો દેઈશ હો, અર્જુનને જવાબ જી. ૬
સુભદ્રા કુંતા હો, વળી પાંચાળી જી;
તેઓની દેહડી હો, દીકરા તેં બાળી જી. ૭
કોમળ જેવી હો, કમળની પાંખડી જી;
તે કેમ જીવે હો, ઉત્તરા રાંકડી જી?’ ૮
રુએ વૃકોદાર હો, તે વેળા કોપી જી :
‘પાર્થ ગયા છે હો, મુજને સોંપી જી.’ ૯
વળતી પાડી હો, ભીમે ચીસ જી;
નાઠા કૌરવ હો દશો દિશ જી. ૧૦
ફરિયા પાંડવ હો, સર્વ શિબિર ભણી જી;
વાટ જુએ છે હો , માતા કુંવર તણી જી. ૧૧
સુભદ્રા ઉત્તરા હો અને પાંચાળી જી;
અભિમન્યુ નહિ દીઠો હો, સેના ભાળી જી. ૧૨
વાજિંત્રશે નહિ વાજે હો? સૈન્ય શોકે ભર્યું જી;
મૌને મૌને હો સર્વ પરવર્યાં જી. ૧૩
અભિમન્યુ કેરી હો, વાર્તા સાંભળી જી;
નારી સર્વેને હો ત્યારે મૂર્છા વળી જી. ૧૪
જળ વિના હો, મીન જેમ ટળવળે જી;
વીરને સંભારી હો, સરવ ધરણે ઢળી જી. ૧૫
સુભદ્રાને હો, શોક ન જાય સમાવ્યો જી;
એવે સમે હો, અર્જુન આવ્યો જી. ૧૬
થાયે વાટે હો, માન-શુકન જી;
સૂકે કંઠે હો, ફરકે લોચન જી. ૧૭
પૂછે કૃષ્ણને હો, ‘ત્રિભુવન ધણી જી’;
દુઃખણી સેના હો, દીસે આપણી જી. ૧૮
માણસ હીંડે હો, હુંથી લાજતા જી;
અરે દયાળજી હો, દુંદુભિ શેં નથી વાજતાં જી? ૧૯
મારા મન માંહે હો, કલપ્યું સર્વથી જી;
ભાણેજ તમારો હો, તે જીવતો નથી જી. ૨૦
હવાં શું થાશે હો, જો સાચું હશે જી;
દીકરો જાતાં હો, જશ ને તેજ જાશે જી. ૨૧
કૃષ્ણજી બોલ્યા હો, ‘એમ ન કીજિયે જી;
રોવું વળતું હો, તપાસી લીજિયે જી.’ ૨૨
આવ્યા સભા માંહે હો, બેઉએ દડબડ્યા જી;
પારથને દેખી હો, પાંડવ રોઈ પડ્યા જી. ૨૩
યુધિષ્ઠિર બોલ્યા હો, ‘શું આવ્યા તમો જી?
સૌભદ્રે રૂપી હો, સૂરજ આથમ્યો જી. ૨૪
વલણ
આથમ્યો સૂરજ, સાંભળી નરનારાયણને મૂર્ચ્છા વળી રે;
અભિમન્યુના ગુણ સંભારી, બન્ને પડ્યા ધરણે ઢળી રે. ૨૫