આંગણે ટહુકે કોયલ/કે રંગ રાસ
૩૭. કે રંગ રાસ
કે રંગ રાસ રેલ્યા ગોકુળમાં,
કાનકુંવર જન્મ્યા મથુરાની જેલમાં.
કે ગોપીઓ ઝાઝી ગોકુળમાં,
એકલું રે’વું મથુરાની જેલમાં.
કે રંગ રાસ...
કે દહીં દૂધ હોય રે ગોકુળમાં,
લુખ્ખું સૂક્કું ખાવું મથુરાની જેલમાં.
કે રંગ રાસ...
કે દીવડા પ્રગટ્યા ગોકુળમાં,
અંધારે રે’વું મથુરાની જેલમાં.
કે રંગ રાસ...
કે આનંદ થાય રે ગોકુળમાં,
સૂનું સૂનું રે’વું મથુરાની જેલમાં.
કે રંગ રાસ...
ગામડાંના લોકો જન્મજાત સવાયા કલાકાર હોય છે. એમને માટે ગામ વચ્ચે જાહેરમાં ગાવું, ગાઈ નાખવું સહજ હોય છે. ગાતાં ગાતાં રમવું, ટપ્પો લેવો, રાસ લેવા પણ એટલાં જ સરળ હોય છે એટલે કે ગ્રામજન જાહેરમાં ગાઈ, રમી શકે એવો મોકળા મનનો હોય છે કેમકે એના મનમાં કોઈ જ પ્રકારનું ‘આડંબરી એટીકેટ’ નથી હોતું કે પાંચ-પંદર લોકોની વચ્ચે મારે ગવાય? આવીરીતે જાહેરમાં રાસ લેવાય? ગામડાંના લોકોના આવા ગુણને લીધે તેઓ તાલ, લય સાથે પહેલેથી જ ઘરોબો ધરાવતા હોય છે. એનો કંઠ ભલે ગમે એવો હોય, મોકો મળે ત્યાં ભાવથી ગાઈ નાખવું એ એની આદત હોય છે એટલે જ ગામડાંમાં દરેક તહેવારોની ગીત-સંગીતસભર ઉજવણી થતી ને એમ આપણને હજારો મધુરાં લોકગીતો પ્રાપ્ત થયાં છે. ‘કે રંગ રાસ રેલ્યા ગોકુળમાં...’ કૃષ્ણજન્મ વખતનું ખૂબ જ મીઠું છતાં સાવ ઓછું જાણીતું લોકગીત છે. ગોકુળમાં રંગેચંગે રાસ રમાય છે કેમકે મથુરાની જેલમાં દેવકીનંદનનું અવતરણ થયું છે. જન્મતાંની સાથે જ એની સ્થિતિ વિશે લોકો વિચારવા માંડ્યા કે ગોકુળમાં ઘણીબધી ગોપીઓ છે પણ કાનુડાને તો જેલમાં સાવ એકલા રહેવું પડશે. ગોકુળમાં દૂઘ-દહીંની સરિતાઓ વહે છે પણ નંદલાલને શું ખાવા મળશે? એને તો જેલમાં લુખ્ખા સૂક્કા ભોજનથી ચલાવી લેવું પડશે. જગદગુરુ જન્મ્યો એટલે ગોકુળનગરી તો દીવડાથી દૈદીપ્યમાન થઇ ગઈ પણ એણે તો અંધારે જ રહેવું પડશે. ગોકુળમાં આનંદના ઓઘ ઉછળે છે પણ મથુરાની જેલમાં તો સૂનકાર છે, કેવું વિરોધભાસી ચિત્ર ખડું થયું છે ગોકુળ અને મથુરાની જેલ વચ્ચે! આપણાં લોકગીતોમાં અધ્યાત્મ સહ મંગલતત્વ તો ઠાંસીઠાંસીને ભર્યું જ છે પણ મનોવિજ્ઞાન અને વણકહ્યા ઉપદેશોથી છલોછલ છે લોકગીતો! હા, અન્યોને સ્વજનો-મિત્રોનો સંગાથ મળે એવો માહોલ રચવો હોય તો તમારે એકાંત સેવવું પડે એવું પણ બને. બીજાને દૂધ દહીં સાથેનું ભોજન નસીબ થાય એવું તમે ઈચ્છતા હો તો તમારે લુખ્ખું સૂક્કું ખાઈને ચલાવી લેવું પડે. કોઈના ઘરે દીવડા ઝગમગે એવી શુભકામના કરનારે અંધકારમાં પણ વસવું પડે. બીજાને આનંદ થાય એવા સંજોગો સર્જવા હોય તો આપણે સૂનકારને સંગ રહેવું પડે. આવી ગહન વાત, અટપટું જ્ઞાન સીધાંસાદાં લોકગીતોમાં હોય છે પણ પહેલેથી જ આપણે લોકગીતોને ગામડિયાં સરળ, સાદાં ગણી લીધાં છે એટલે એમાં બહુ કમાલ આપણને દેખાતી નથી! કૃષ્ણ તો સ્નેહનો સાગર, પ્રેમનો પરમેશ્વર. એ જે કહેવા માગતો હોય તે સ્વમુખે ન બોલે પણ આચરણમાં મુકે ને એની વર્તણૂકથી જ આપણે ઘણું બધું પામી જવું પડે. પોતે એકાંત ભોગવીને ગોકુળની ગોપીઓને પરસ્પર સંગાથે રહેવા મૌનસંદેશો આપે છે. પોતે જેને અને પોતાને જે સાત્વિક પ્રેમ કરે છે એવા ગોકુળવાસીઓ માટે ભગવાન કષ્ટ વેઠે છે કેમકે શુદ્ધપ્રેમમાં સામેના પાત્રને મુક્તિ અને સુખ આપવાના હોય છે ને બદલામાં આપણે બંધન અને દુઃખ વહોરી લેવાનું હોય –આ વાત કૃષ્ણનું લોકગીત સમજાવે છે.