ઉવેખાયેલી વાર્તાઓ/અંબાગોરાણીનો પરભુડો
અને જોતજોતામાં તો ગામ આખામાં ગોકીરો થઈ ગયો ‘સુખાગોરના પરભુડાએ અફીણ પીધું છે...’ અને જોતજોતામાં તો સુખાગોરની ખડકીમાં માણસો ઠાંસોઠાંસ ભરાઈ ગયાં. ડેલીની બહાર પણ કુતૂહલપ્રિય લોકોનું ખાસ્સું ટોળું જમા થઈ ગયું. અને અંબાગોરાણીએ ધ્રુસકે ધ્રુસકે છાતીફાટ રડવા માંડ્યું. ‘એમ રોવા બેઠે કાંઈ નહીં થાય, ગોરાણીમા! ઝટ તેલ લાવો તેલ, ઘરમાં તેલ ભર્યું હોય એટલું હાજર કરી દિયો ઝટ... અબઘડીએ ઊલટી કરાવીને અફીણ ઓકાવી નાખીએ.’ પરગજુ પડોશીઓ વૃદ્ધ ગોરાણીમાને આશ્વાસન આપતા હતા. ‘છાનાં રહો, છાનાં રહો; સંધાય સારાં વાનાં થઈ રહેશે.’ ‘હજી કાંઈ બગડી નથી ગયું. અબઘડીએ અફીણ ઓકાવી નાખશું.’ પણ લોકો આશ્વાસન આપતા જતા હતા તેમ તેમ તો ગોરાણીમા વધુ ને વધુ રડતાં જતાં હતા: ‘પરભુડા, દીકરા, તને આ શું સૂઝયું? મારું આયખું ધૂળધાણી કરી નાખ્યું રે...’ ગોરાણીમાએ ઠૂઠવો મૂક્યો. ‘આયખું કાંઈ ધૂળધાણી થાય એમ નથી, ગોરાણીમા’ પડખેની હોટલવાળા શામજીભાઈએ હાકલ કરી: ‘હાલો ઝટ, પરભુને ઇસ્પિતાલ ભેગો કરો. દાક્તર ઇન્જેક્ષન આપશે એટલે બધુંય ઝેર ઊતરી જાશે.’ હોટલવાળા શામજીભાઈ પરકી છઠ્ઠીના જાગતલ જેવા માણસ ગણાતા. પારકાંને ખાતર ઘસાઈ છૂટવા મથતા. એમનું આવું પરગજુપણું ગામ આખામાં પંકાતું. શામજીભાઈના સૂચન પછી ઓશરીમાં હાકલા-પડકારા થઈ રહ્યા: ‘લાવો, ઝટ ખાટલો લાવો!’ ‘ખાટલામાં સુવરાવી દિયો ઝટ!’ ‘હાલો, ચાર જણા સરખેસરખા ચાર પાયે આવી જાવ ને ઉપાડો ઝટ ઇસ્પિતાલને રસ્તે.’ પરભુને ખાટલામાં સુવરાવીને ચાર લોંઠકા ખેડૂતોએ ખાંધ ઉપર લીધો. આગળ પરભુનો ખાટલો ને પાછળ ગામલોકોનું ટોળું ઇસ્પિતાલ તરફ ઊપડ્યું. અને સૌની પાછળ, લાકડીને ટેકેટેકે અંબાગોરાણી રોતાં રોતાં ચાલ્યાં. ઊભી બજાર વીંધીને આ આખું હાલરું નીકળ્યું ત્યારે તો જેમને ખબર નહોતી એમને પણ જાણ થઈ ગઈ: ‘સુખાગોરના પરભુડે અફીણ પીધું.’ ‘અફીણ ન પિયે તો શું પિયે બીજું?’ કોઈ વાસ્તવદર્શીએ ટકરો કરી, ‘બિચારાને ટંકેટંકના ફાંફાં હતાં.’ ‘ખિસ્સામાં રાતું કાવડિયું નહોતું.’ ‘જિંદગીથી કંટાળ્યો હશે.’ બજારમાં ભદ્રવર્ગના લોકો ભર્યે પેટે આવી પંચાત કરી રહ્યા હતા ત્યારે ઇસ્પિતાલની ઓશરીમાં એકઠા થયેલા લોકો દિલસોજીથી અંબાડોસીની દયા ખાતા હતા. ‘અરરર... પરભુડે તો ભૂંડો ભારે કરી. ડોસીનું જીવતર રોળી નાખ્યું.’ ‘પણ જીવતો રહીનેય શું કરત? રાતું કાવડિયું તો કમાતો નહોતો. સવારનું જડે તો સાંજની ચિંતા જેવું હતું.’ ‘ને માથે જેટલા મોવાળા એટલું તો કરજ થઈ ગયું હતું. માડી ચારેકોરથી મૂંઝાઈ ગયો હશે. નહીંતર જીવ કાઢી નાખવો કોઈને વહાલો લાગે?’ ઇસ્પિતાલના ઓરડામાં ખાટલા પર પરભુ સૂતો હતો. દાક્તર ઘડીક એની નાડ તપાસતા હતા, ઘડીક એને તાળવે હાથ મૂકી જોતા હતા. ‘હેં દાગતરસાબ, મારો પરભુડો બચી જાશે ને? હેં?’ અંબાડોસી અજબ ઉત્કાંઠાથી પૂછ્યા કરતાં હતાં. અને દાક્તર હકારમાં માથું હલાવ્યા કરતા હતા. ‘માનો જીવ છે ને!’ ડોસીનો અવાજ સાંભળીને બહાર ઓશરીમાં વાત ચાલી: ‘દીકરો ગમે તેવો હોય, ભલે કાવડિયુંય કમાતો ન હોય, પણ માને તો એ સોનામહોર જેવો જ લાગે.’ ‘ને આ તો બિચારીને ઘડપણનો વિસામો હતો - આંધળાની લાકડી જેવો.’ દાક્તરે પરભુને ઇન્જેક્ષન આપ્યું અને ફરી ગોરાણીએ ઉત્સુકતાથી પૂછ્યું: ‘હેં દાગતરસાબ, મારો ગગો હોંકારો દેશે ને?’ ‘હા, માડી, હા. હમણાં હોંકારો દેશે, હોં!’ મીઠાબોલા દાક્તરે માતાને આશ્વાસન આપ્યું. અને આ સાંભળીને ઓશરીમાં લોકો ડોસીની દયા ખાવા લાગ્યા. ડોસીની દરિદ્રતા ચર્ચાવા લાગી. સુખાગોરના જીવતાં ઘર કેવું ખાધેપીધે સુખી હતું એની વિગતો રજૂ કરવામાં આવી. ‘પણ પરભુડાને તો સુખાગોરે બહુ લાડચાગ કરીને બગાડી માર્યો. કાંઈ ભણાવ્યોગણાવ્યો નહીં ને જજમાનવૃત્તિ પણ ન શીખવી.’ ‘જજમાનવૃત્તિ તો બિચારો આવડે એવી કરતો હતો. સવારના પહોરમાં તાંબડી લઈને ‘દયા પરભુની...’ કરતો ઘેર ઘેર ટહેલતો હતો. પણ જજમાનના પેટમાંથી જ દયાનો છાંટો ઊડી ગયો એમાં કોઈ શું કરે?’ ‘સાચી વાત છે. પરભુડો બિચારો બપોર લગણ તાંબડી ફેરવીને થાક્યોપાક્યો શામજીભાઈની હોટલે આવતો તંયે તાંબડીમાં આડો ખોબો લોટ પણ ભેગો ન થયો હોય. એમાંથી માંડ જેવોતેવો એક રોટલો ઘડાય એ ડોસી ખાય કે દીકરો ખાય?’ ‘આ લડાઈએ તો દાટ વાળ્યો. માણસના દિલમાં દયાનો છાંટોય રહેવા ન દીધો, નહીંતર ભામણના દીકરાને ચપટી લોટ દેવામાંય શું ચોફાળ ઓઢવો પડે?’ ‘પરભુડો એક વાર હોટલમાં બેઠો બેઠો વાત કરતો’તો કે ગામ આખામાંથી ઘઉંનો લોટ તો કોઈ આપતું જ નથી. જે ઘેરથી વહુવારુ મનેકમને ચપટી લોટ બાળે એ કાં તો બાજરાનો જ હોય ને કાં કોઈ થૂલું હોય. ઘઉંનો લોટ તો ક્યાંય ભાળ્યો જ નથી.’ ‘ક્યાંથી ભાળે? આજે સાચા હીરામોતી કરતાંય ઘઉં મોંઘા છે. આ લડાઈએ તો દોયલા દા’ડા દેખાડ્યા...’ ‘પરભુડો કોઈ કોઈ વાર વાત કરતો કે હું તો ઘઉંની રોટલીનો સવાદ સંચોડો ભૂલી ગયો છું.’ દાક્તરે બીજું ઇન્જેક્ષન આપ્યું અને ફરી અંબાગોરાણીએ પૂછ્યું: ‘હેં દાગતરસાબ, મારા ગગાને સુવાણ્ય થઈ જાશે ને?’ ‘હા, માડી, હા. જરાક ધીમા ખમશો તો બધું સારું થઈ જાશે, હોં!’ સમજુ દાક્તરે માતાને સાંત્વન આપ્યું. પણ સાશંક માતૃહૃદયને આ સાંત્વનમાં શ્રદ્ધા બેઠી હોય એવું લાગ્યું નહીં. ઓશરીમાં ફરી ધીમો ગણગણાટ શરૂ થયો: ‘અફીણ રગેરગમાં ચડી ગયું લાગે છે. નહીંતર આટલાં ઇન્જેક્ષનનીય કાંઈ અસર કેમ ન દેખાય?’ ‘સારીપટ તોલોએક ઘોળીને પી ગયો છે!’ કોઈ જાણકારે બાતમી આપી. ‘પણ તોલોએક અફીણ કાઢ્યું ક્યાંથી? માધા અફીણીને કોઈ ઘરાકને પાવલાભારથી વધારે આપવાની તો સરકારે મના કરી છે...’ ‘માધો કહેતો’તો પરભુડો રોજ સવાર-સાંજ કાવડિયા કાવડિયાની કટકી લઈ જાતો’તો, અંબાડોસીને અમલ કરવો છે એવું બહાનું કાઢીને.’ ‘કાવડિયામાં તો માધો મગની ફાડ્ય જેવડી કટકી માંડ કાપે છે.’ ‘પણ પરભુડે મહિના-દી લગી સવારસાંજ આવી કટકી કટકી ભેગી કરીને મોટો ગાંગડો કર્યો હશે ને આજ સવારમાં ઘોળીને સૂઈ ગયો હશે.’ ‘માડી ચારે કોરથી મૂંઝાણો હશે. નહીંતર કડવાં વખ ઘોળવાં કોને વહાલાં લાગે?’ ‘મૂંઝાય તો ખરો ને? ઘરમાં તાવડી કડાકા કરતી હોય... ને પેટ થોડું કોઈની શરમ રાખે છે? હોજરામાં કંઈક હોમાવું તો જોઈએ ને?...’ ‘...ને હોજરામાં હોમવું પણ શું? ચૂલામાંયલી ટાઢી રાખ? શરાધનાં સરવણાં મસેય કોઈ જજમાન પરભુડાને સીધું નહોતા પરખાવતા. માણસના પેટમાં જ કળજગ ગરી ગયો છે. નહીંતર ભામણનો દીકરો આમ ભૂખે મરે?’ ‘બિચારો એવો તો કકડકોબાલુસ થઈ ગ્યો’તો કે દાઢી મૂંડાવવાનોયે દોકડો ખિસ્સામાંથી ન નીકળે. સારું થયું કે શ્રાવણમહિનો આવી પુગ્યો એટલે લોભેલોભે દાઢી ઊગવા દીધી. રોજ સવારમાં બિલેશ્વરની પૂજા કરીને ને ચંદન-બીલીપત્ર લઈને ગામ આખાને ચાંદલા કરવા નીકળે. શેઠિયા સંધાય ચાંદલા કરાવી લિયે, આંખે બીલીપત્ર અડાડી લિયે પણ હરામ બરોબર છે કોઈ રાતું કાવડિયુંય પરભુડાની થાળીમાં નાખતા હોય તો. બિચારો આચમન આપીઆપીને થાક્યો તંયે અફીણ ઘોળવું પડ્યું.’ ‘આ જુવોને, પરભુડાની દાઢી સેંથકની વધી છે - ભામણના દીકરાને આમ દાઢાં વધારવાં શોભતાં હશે? પણ કરેય શું બીજું? મારા હાળા વાળંદ પણ સંધાય સલૂન નાખીને બેઠા પછી કોઈના મોવાળા મફત ઉતારતા નથી...’ અંદરના ઓરડામાં વાતાવરણ વધારે ગમગીન બન્યું હતું. ખાટલામાં પરભુની કાયા એમ ને એમ લાકડા જેવી પડી હતી. બાહોશ દાક્તર પણ હતાશ થયા લાગતા હતા. અંબાગોરાણીનો જીવ અદ્ધર થઈ ગયો હતો. ‘દાગતરસાબ, મારો પરભુડો મને જરાક હોંકારો દેશે? મારે એક વાત એને પૂછવી છે.’ ગોરાણીનો આ પ્રશ્ન સાંભળીને આજુબાજુના સૌ લોકોને નવાઈ લાગી. મરણસજાઈએ સૂતેલા દીકરાને અંત ઘડીએ ડોસી શું પૂછવા માગતી હશે? ‘કંધોતર દીકરાનાં હજાર કામ હોય, ભાઈ! આમ અકાળે હાલ્યો જાય એને સતરસેં વાત પૂછવાની બાકી હોય.’ દાક્તર ખરેખર મૂંઝાયા હતા. એમને સમજાઈ ગયેલું કે છોકરાએ અફીણ સારા પ્રમાણમાં પીધું છે તેથી આટઆટલાં ઇન્જેક્ષનની અસર થતી નથી. પછી એમણે ઊલટી કરાવવાના બહુ બહુ પ્રયત્નો કર્યા પણ બધા જ વ્યર્થ જતા લાગ્યા. ‘મારા ગગાને જરાક બોલતો-ચાલતો કરી દિયો તો તમારો મોટો પાડ, દાગતરસાબ!’ અંબાડોસી કરગરતાં હતાં, ‘છોકરો જીવે ન જીવે ઈ આપણા હાથની વાત નથી, એનાં અંજળપાણી આવી રિયાં હશે તો આપણે આડા હાથ નહીં દઈ શકીએ... પણ મારે એક વાત પૂછવી છે ને એનો હોંકરો ભણાવી દિયો તો તમ જેવો ભલો ભગવાનેય નહીં, દાગતરસાબ!’ અંબાગોરાણીની આ ‘એક વાત’ની વાતે તો ઓશરીમાં સૌનું કુતૂહલ ઉશ્કેરી મૂક્યું. એવી તે કઈ વાત ડોસી પૂછવા માગે છે? કાંઈ નાણાવિષયક વાત હશે? કાંઈ ઉછીઉધારની વાત હશે? કાંઈ મેલમૂક વિશે પૂછગાછ કરવાની હશે? ‘મેલવા-મૂકવા જેવું તો ભૂખડીબારસ ઘરમાં હતું જ શું તે પૂછવું પડે?’ આવા કરુણ પ્રસંગે પણ કોઈકને ટીખળ સૂઝયું: ‘ઘરને ચારે ખૂણે તો ઉંદરડા આટાપાટા રમતા હતા.’ ‘તો પણ, મેલમૂકમાં લોટની તાંબડી ને ખભે નાખવાનો ખડિયો ક્યાં મેલ્યાં છે એ પૂછવાનું રહી ગયું હશે!’ ટીખળ આગળ વધ્યું: ‘ના, ના, અફીણ ઘોળીને ખાલી વાટકો ક્યાં મેલ્યો છે એ પૂછી લેવું હશે.’ ઓસરીમાં ટીખળીઓએ હવે તો હળવી હસાહસ શરૂ કરી હતી. પણ હસવું અને હાણ્ય બન્ને સાથે થતાં હતાં. દીકરો હવે ખાટલામાંથી નહીં જ ઊઠે એમ સમજાતાં અંબાગોરાણીનો જીવ હણાઈ ગયો હતો. અને છતાં એમની વિનવણી તો ચાલુ જ હતી. ‘મારા પરભુડાને જરાક હોંકારો ભણાવી દ્યોને, તો હાંઉં, દાગતરસાબ! મારે એક વાત પૂછી લેવી છે. વધારે નહીં, એક જ વાતનો એને મોઢેથી હોંકારો સાંભળવો છે.’ ‘આ ગોરાણી તો સાવ ગાલાવેલી લાગે છે!’ ઓશરીમાં ફરી ચડભડ ચાલી. ‘ઘરડું માણસ અરધું વા-ઘેલું તો હોય જ. આ ડોસી આખી ઘેલી છે, એટલું જ.’ ‘ખબર તો છે કે છોકરો હવે ઊઠે એમ નથી તોય એક વાત પૂછવાની પરડ મેલતી નથી.’ ‘ગામમાં કોઈ પાસે લેણું રહી ગયું હોય તો વસૂલ કરવાનું પૂછતી હશે.’ ‘અરે રામરામ કરો! લેણાને બદલે દેણાનું પૂછે તો છે! સુખાગોર મોટા શરાફ હતા ને એટલે ગામ આગળ દીકરાનાં લેણાં નીકળે!’ ‘લેણાની નહીં, દેણાની વાત પૂછવાની હશે. શામજીભાઈ હોટલવાળાને ચોપડે જ, નહીં નહીં તોય, પચી રૂપિયા નીકળતા હશે. સવારસાંજ ચા ને ગાંઠિયા ખાતે લખાવીને ખાધા કરતો. ને ધારસી કંદોઈ પણ રોજ ઊઠીને રાડ્યું પાડતો. પરભુડો ભજિયાંનાં પડીકાં ઉધાર બંધાવતો એનું ખાતું દિવાળી પછી ચોખું જ ક્યાં કર્યું છે?’ ‘આમ તો સત્તરસેં લેણદાર નીકળશે. પણ હવે સૌ ગોળને પાણીએ નાહીં નાખે.’ ‘માધો અફીણ તો કોઈને ઉધાર આપતો જ નથી. નહીંતર તો પરભુડે અફીણનું પણ પીળે પાને જ લખાવ્યું હોત.’ અને ફરી હસાહસ ચાલી. અંદર પરભુડો અંત ઘડીએ હતો. દાક્તરનાં આંગળાં પરભુની નાડ ઉપર જ હતાં. મરતા માણસનો જીવ ખોળિયામાં કષ્ટાતો હતો. એની વેદના અંબાગોરાણીના વ્યગ્ર ચહેરા પર વંચાતી હતી. ‘ગગા, જરાક તો મારા સામું જો, પરભુ, જરાક મને હોંકારો દે દીકરા!’ અંબાડોસી કરગરતાં હતાં: ‘આમ સંધીય મનની મનમાં લઈને સૂતો? આમ ઓચિંતો હાલ્યો જઈશ? તારે તાપણે તો હું તાપતી હતી; હવે મારું ઘડપણ કોણ પાળશે, તારા વિના...? મને જરાક હોંકારો દે, મારે એક વાત પૂછી લેવી છે.’ આ ‘એક વાત’નું વારંવાર થતું પુનરાવર્તન જોઇને દાક્તરને નવાઈ લાગી. આ વખતે તો દાક્તરનું કુતૂહલ પણ હાથ ન રહ્યું. ‘ડોસી, શી વાત પૂછવી છે તમારે?’ ‘મને હોંકારો દિયે તો પૂછું ને? જરાક સુધસાનમાં આવે તો હું વાત કરું ને? ને તો જ ઈ હા ભણે ને?’ ‘પણ વાત શી છે, એ ખબર પડે?’ દાક્તરે પૂછ્યું. ‘વાત તો એવી છે દાગતરસાબ, કે ઈ નો પૂછું તો પરભુડાને સદ્ગતિ નો થાય. કંધોતર દીકરો જાતાં મારી જંદગાની તો ધૂળધાણી થઈ ગઈ પણ હવે મરનારની સરખી ગત થાય ઈનો તો અમારે ભામણભાઈએ વચાર કરવો પડે ને?’ ગોરાણીનો આવો વિચિત્ર ખુલાસો સાંભળીને વળી લોકો મનફાવતા તર્ક કરવા લાગ્યા. ‘છોકરાની સદ્ગતિની વાત કરે છે તે પરભુડાની વાસે લીલ પરણાવવાનું પૂછવું હશે.’ ‘હા, હા, એ જ પૂછવાનું રહી ગયું લાગે છે. વાંઢા માણસની વાંસે લીલ ન પરણાવે તો તો ઓલ્યાની અવગતિ જ થાય ને?’ ‘પણ એમાં પૂછવાની શી જરૂર? ઈ તો વગર કીધે સમજી જ લેવાનું હોય ને કે કંકુઆળો થયા વિના મર્યો હોય એની વાંસે વાછડા-વાછડી પરણાવવાં જોઈએ ને પીપળે પાણી રેડવું જોઈએ. નહીંતર મરનારનો આત્મા અદ્ધર જ લટક્યા કરે...’ પરભુની અંત ઘડી નજીક આવતી ગઈ તેમ એની આંખના ડોળા તણાવા લાગ્યા. ‘પરભુ! પરભુડા!’ અંબાગોરાણી બહાવરાં બનીને દીકરાની સાવ નજીક મોઢું લઈ ગયાં, અને વિચિત્ર લાગે એવા મોટા અવાજે બોલા માંડ્યાં: ‘મને જબાપ દીધા વિના આમ અંતરિયાળ ક્યાં હાલ્યો, દીકરા? મને હોંકારો તો ભણતો જા, મારા વાલા!’ પરભુના ડોળા ખેંચાતા હતા. ખોળિયામાંથી શ્વાસ નીકળી જવાની તૈયારી હતી. સૌ સ્તબ્ધ બનીને જોઈ રહ્યા હતા. ઓશરીમાં ટોળટીખળ બંધ થઈ ગયાં હતાં. ગોરાણીની મજાક-મશ્કરી કરવાનું હવે કોઈને સૂઝતું નહોતું. ‘હું પૂછું એનો જબાપ દેતો જા દીકરા! પછી તારે ગામતરે જાવું હોય તો ભલે જા, પણ મને એક જબાપ દેતો જા!’ પણ પ્રાણત્યાગ કરતો પુત્ર માતાની આવી વિનવાણી થોડી સાંભળી શકે એમ હતો? અને છતાં પરભુની આંખના ડોળા ઠરડાઈ જવાની તૈયારીમાં હતા ત્યારે ભલાંભોળાં ગોરાણીએ પુત્રને બૂમ પાડીને આખરે પૂછી જ નાખ્યું: ‘દીકરા, ઘરમાં ચપટી જેટલોય ઘઉંનો લોટ નથી, તારી વાંસે બાજરાના લોટનો પિંડ દઉં તો તને પૂગશે ને?’ પ્રાણ-પંખેરું ઊડી જતાં નિશ્ચેતન બની ગયેલા પરભુની પાંપણ આપમેળે બિડાઈ ગઈ એને બિચારાં અંબાગોરાણીએ પોતાના પ્રશ્નનો હકારમાં મળેલો હોંકાર ગણ્યો. હવે ઓશરીમાં કોઈ કરતાં કોઈને હસવાના હોશ નહોતા રહ્યા.