ઉવેખાયેલી વાર્તાઓ/પંચસિંધુના પ્રદેશમાં
અપહૃતાઓની આખી છાવણી આજે આનંદમાં હતી. બન્ને સંસ્થાનો વચ્ચે થયેલી સમજૂતી અનુસાર, હાથ લાગેલી અપહૃતાઓની એકબીજાના પ્રદેશમાં અદલાબદલી થનાર હતી. રશીદાને હૈયે હરખ માતો નહોતો. માનવીનું નાનુંશું મગજ કલ્પના કરી શકે અને સળેખડા જેવું શરીર સહન કરી શકે એ સર્વ શક્ય અત્યાચારો સહન કરી છૂટ્યા પછી પણ ખાવિંદનું મોં જોવા મળશે એ કલ્પના રશીદાના તડપતા દિલને કરાર આપી જતી હતી. સરકારી છાવણીના એ શુષ્ક વાતાવરણમાં રહેવા છતાંય ક્યાંકથી ફિલ્મી ગીતની એ લીટી રશીદાને કાને પડી હતી: સાજન ઘર જાના હૈ... ... આજે એ સાજનને ઘેર જવાનો સુઅવસર પ્રાપ્ત થયો હતો. રશીદાનું ગળું નહીં પણ હૃદય જ આનંદના ગીતો ગુંજી રહ્યું હતું. અપહરણ, આપત્તિઓ અને અત્યાચારોનો એક આખોય ભૂતકાળ રશીદાની યાદદાસ્તમાં સિલસિલાબંધ જીવતો હતો. લ્યાલપુરમાં ઊગેલો એ કાળમુખો દિવસ કેમે કર્યો ભુલાતો નહોતો. સબજીમંડીમાં આવેલું એ સોહામણું ઘર, એ સોહામણો ખાવિંદ મુન્નિખાન અને એથીય અદકાં સોહામણાં ખુદાના ફિરસ્તા સમાં બે બાળકો... સુઘરીના પ્રશાંત માળા સમું આ કલ્લોલતું કુટુમ્બ તે દિવસે પીંખાઈ ગયું. પંચસિંધુના પ્રદેશમાં પૂર્વ અને પશ્ચિમ એવા બે ભાગ પડ્યા અને કોમી હુતાશન સહસ્ર ઝાળે ભભૂકી ઊઠ્યો. જુગ જુગથી સંપીને હમસાયા તરીકે જીવતી હતી એ હરીફ કોમો વચ્ચે જાદવાસ્થળી જામી પડી. રામપુરી ચપ્પુઓથી માંડીને તાતી તલવારો અને કિરપાણથી માંડીને સ્ટેનગન સુધીનાં સર્વ શસ્ત્રો ત્યાં મોજૂદ હતાં. આશ્ચર્ય થાય કે પરદેશી સલ્તનતે નિ:શસ્ત્ર બનાવેલી પ્રજા પાસેથી આટલી મોટી સંખ્યામાં શસ્ત્રો ક્યાંથી ફૂટી નીકળ્યાં! કોણે કહ્યું હિન્દીઓને હથિયાર વાપરતાં નથી આવડતાં? કોણ કહેશે કે આ પરાધીન પ્રજા લડાયક મટી ગઈ છે? એનું ખમીર હણાઈ ગયું છે? તે દિવસે ચાલેલી ખૂનરેજી હજીય રશીદાની આંખ સામે તરવરતી હતી. • આઘાત અને પ્રત્યાઘાત... હુમલો અને વળતો હુમલો... સૃષ્ટિક્રમના આ અબાધિન નિયમને આધીન રહીને હરીફ કોમનો વળતો હુમલો આવ્યો - જાણે કે લેણદેણના હિસાબ ચૂકવાતા હતા. જમા-ઉધાર પાસાં સરભર થતાં હતાં. પહેલી ખૂનરેજી વેળા જે કાંઈ ઊગરી ગયું હતું એ હવે આગમાં ભરખાતું હતું. આગ અને અપહરણ... આગલા બનાવોનું વેર વાળવા માટે આ કીમિયો ઠીક સૂઝયો હતો... મુન્નિખાનનું મકાન પણ એમાંથી બાકાત ન રહી શકાયું. હુમલાખોરો નાગી તલવારે આવી પહોંચ્યા... મુન્નિએ મરણિયો સામનો કર્યો, પણ સામટા હુમલાખોરો સામે એ ટકી શકે એમ નહોતો. હમણાં બારણું તૂટશે અને સહુ મોતના મોંમાં ધકેલાઈ જઈશું એમ સમજીને બીબી અને બચ્ચાંને ઉગારી લેવા એણે બીજો દાવ અજમાવ્યો. પાછળની બારીએથી નાસી છૂટવાનો વિચાર કર્યો. કુમળાં ફૂલ સમાં બે બાળકોને બગલમાં લઈને મુન્નિ બારીએથી કુદી પડ્યો; એની પાછળ જ રશીદાએ કૂદી પડવાનું હતું. ... બારણા પર સંગીનો પછડાઈ. રશીદા બારી પર પહોંચી... પણ કૂદકો મારે એ પહેલાં તો બારણું તોડીને અંદર ધસીને આવેલા હુમલાખોરોની બંદૂકનો કુંદો એના માથા પર પડ્યો અને એ તમ્મર ખાઈને નીચે ઢળી પડી. હુમલાખોરોના હાથમાં સપડાયા પછીના એ યાતનાભર્યા દિવસો રશીદા ભૂલી નહોતી. ખાવિંદ અને બચ્ચાંઓથી વિખૂટા પડ્યા પછીની એ જિંદગી... એની યાદ પણ કમકમાં પ્રેરતી હતી... હાથના પોંચાની પાંચ આંગળીઓ સમી શોભતી પાંચ મહાનદીઓનો પ્રદેશ છોડીને એ અણજાણી ભોમમાં ગઈ. એ સિંધુઓનાં જળસિંચને પલ્લવિત ઘઉંનાં ખેતરો, એ બાગબગીચાઓ છોડીને પરાયે ઘેર જતાં એનો જીવ કળીએ કળીએ કપાતો હતો. એક તરફથી પ્યારાં બાળકો અને પતિની યાદ સતાવતી હતી; બીજી તરફથી જેના સકંજામાં પોતે સપડાઈ હતી એ ‘હરીફ’ કોમના આદમીઓ અગાઉની કત્લેઆમનું જાણે કે વેર વાળી રહ્યા હતા; સંસ્કૃતિ અને સભ્યતાના અંચળા ઉતાર્યા પછી માણસની હેવાનિયત કેટલી હદે જઈ શકે એની જાણે કે પ્રતીતિ કરાવી રહ્યા હતા. આ જીવતા દોજખમાંથી પણ રશીદાને આકસ્મિક મુક્તિ સાંપડી. સરકારને બાતમી મળી અને અપહૃતાઓનો કબજો લેવાયો અને પોતે અહીં કેમ્પમાં આવી. પણ હજી એના પરની આફતોનો અન્ત આવ્યો નહોતો. કેમ્પમાં હરીફ કોમની અપહૃતા સ્ત્રીઓ એકઠી થઈ છે અને એ બધી હરીફ પ્રદેશને સોંપાઈ જનાર છે એવી બાતમી પરથી ઝનૂનીઓના એક ટોળાએ છાવણી પર હલ્લોે કર્યો. આ હુમલાખોરોની દલીલ એવી હતી કે અમારી હરાયેલી વહુબેટીઓ સામા પ્રદેશમાંથી પાછી ન મળે ત્યાં સુધી આ અપહતાઓને અહીંથી જવા નહીં દઇએ... કેમ જાણે હાટડીએ વેચવાના માલના કબાલા કરતા હોય! પોલીસનું પાકું રક્ષણ ન હોત તો રશીદા નિશંક ફરી એ હુમલાખોરોના હાથમાં સપડાઈ ગઈ હોત, અને ફરી એ જ નારકી યાતનાઓ... પણ ના, હવે એ યાતનાઓ ભોગવવાની નથી. આપત્તિકાળ પૂરો થયો છે. વહાલાંઓના વિયોગની કાજળઘેરી રાત વીતી ગઈ છે અને હવે તો અરુણોદયની રંગોળી રાહ જોઈ રહી છે... મુન્નિખાન અને બાળકોની મુલાકાત હવે તો હાથવેંતમાં જ છે એ યાદ આવતાં રશીદાના હૃદયે મીઠી ધડકન અનુભવી. આખી છાવણી અત્યારે વતનપ્રયાણ અને સ્વજનોની મુલાકાતનાં દિવાસ્વપ્નોમાં વિહરતી હતી. રશીદા જેવી ગૃહિણીઓ ખાવિંદ અને બાળબચ્ચાંને ભેટવા ઉત્સુક હતી. અવિવાહિત યુવતીઓ પ્રેમાળ માતા પિતાનાં દર્શન ઝંખતી હતી. સહુનાં સૌભાગ્ય ઝંખાવાયાં હતાં; હૃદય નંદવાયાં હતાં; સ્વપ્નો ચિરાયાં હતાં; શિયળ લૂંટાયાં હતાં. આવી સંતપ્ત મનોદશામાં પણ જિજીવિષા તો એટલી જ પ્રબળ હતી. જીવનતાંતણો જ્યાંથી છેદાયો હતો ત્યાંથી ફરી સાંધી આપનારો સુઅવસર આજે આવી લાધ્યો હતો. વચગાળામાં વીતેલી વિષમતાઓ વચ્ચે આટલું આશ્વાસન ઓછું નહોતું. સબળ પોલીસદળ અને લશ્કરી વોળાવિયાની ટુકડીના રક્ષણ તળે આ અપહૃતાઓએ પ્રસ્થાન કર્યું. હજી પણ સહુના મનમાં ઊંડે ઊંડે અંદેશો હતો કે ગેબમાંથી કોઈ અણધારી આપત્તિ ઊતરી આવશે; હજી પણ માથા સાટે માથું અને અપહૃતા સાટે અપહૃતાની માગણી કરતા વેરવસુલાતના આગ્રહી લોકો માર્ગમાં અવરોધો ઊભા કરે એવો ભય સેવાતો હતો. સદ્ભાગ્યે રશીદા સુખરૂપ પોતાના પ્રદેશ સુધી પહોંચી શકી. પંચસિંધુનો એ રળિયામણો પ્રદેશ જોતાં ફરી એણે રોમાંચ અનુભવ્યો. એ ચિરાયેલા હૃદયના નીંગળતા જખમને વતનના દર્શને ટાઢી હિમ શાતા આપી. લૂંબીઝૂંબી રહેલા ઘઉંના ઘોડાપૂર મોલ અને ફળફૂલના માંડવાઓ જાણે કે એને હૈયારી આપતા હતા: તારો મુરઝાયેલો જીવનબાગ પણ ફરી અમારી જેમ જ મહોરી ઊઠશે. લ્યાલપુર આવ્યું અને ફરી રશીદાનું હૃદય થનગની ઊઠ્યું. સરકારી અધિકારીઓ અને મહિલા કાર્યકરો જોડે એ સબજીમંડી ભણી આગળ વધી. આ જ એ વસાહત, જે કોમી હુતાશનની આગમાં ઓરાઈ ગઈ હતી, ઇમારતો ધરાશાથી થઈ હતી. આ જ એ શેરી, જ્યાંથી લોહીની નીકો વહી હતી. અને... અને જ્યાંથી હું હુમલાખોરોના હાથમાં સપડાઈ હતી. ખાવિંદ અને બચ્ચાંઓ... રશીદાના માનસચક્ષુ સામે એ ત્રણેયની મૂર્તિઓ તરવરતી હતી. મુન્નિખાન શું કરતો હશે? શું ધારતો હશે? મારી રાહ જોતો હશે? મારે માટે એણે શું શું કલ્પ્યું હશે? એને કેટલો બધો આઘાત લાગ્યો હશે!... ... અને બાળકો!... ... પ્રાચીન કથાઓમાં પેટના જણ્યાને જોઈને જનેતાને ધાવણ છૂટ્યાનાં વર્ણનો છે... એવો જ કંઈક માનસિક પરિતોષ રશીદાનું માતૃહૃદય અનુભવી રહ્યું હતું. રશીદાએ ઘરમાં પગ મૂક્યો ને મુન્નિખાન ચોંકી ઊઠ્યો. ચોંકી ઊઠવાનું કારણ રશીદા નહોતી, પણ સાથે આવેલા સરકારી માણસો અને મહિલા કાર્યકરો હતાં. એમને જોઈને ભયની આછી ધ્રુજારી મુન્નિખાનના મોં પરથી પસાર થઈ ગઈ. એની આંખો ચકળવકળ ફરવા માંડી. બાજુના કમરાના બારણા પર આચ્છાદેલ પરદા પાછળ કોઈ વ્યક્તિની શંકાપ્રેરક હિલચાલ થતી લાગી. મુન્નિખાન આ સહુ આગંતુકોને જોઈને એવો તો ડઘાઇ ગયો હતો કે ન તો એ રશીદાને આવકારી શક્યો કે ન તો પત્નીના આગમન અંગે આનંદ વ્યક્ત કરી શક્યો. અણધાર્યો જ એ બનાવ બની ગયો. મહિલા કાર્યકરો શી રીતે ગંધ પામી ગયાં એ તો ખુદ કાર્યકરોને પણ સમજાયું નહીં. જાણે કે કોઈ અંત:સ્ફુરણાથી જ એમને શંકા ઊપજી કે બાજુના કમરામાં પરદા પાછળ રશીદા જેવી જ એક અપહૃતા પુરાઈ રહી છે. કાંટો કાંટાને કાઢે એમ એક અપહૃતાએ જ બીજી અપહૃતાનું પગેરું કાઢી આપ્યું હતું. રશીદાની સોંપણી કરવા આવેલા સરકારી અધિકારીઓને તો એક પંથ ને દો કાજ જેવો લાભ મળી ગયો હતો. રશીદા હુમલાખોરોના હાથમાં ગયા પછી મુન્નિખાન વેરથી સમસમી રહ્યો હતો. એના જેવા જ અન્ય સમદુ:ખીઓની પણ એ જ મનોદશા હતી. સહુના જિગરમાં કારી ઘા લાગ્યા હતા. અને એ રુઝાવવાના મલપટ્ટા, વેરની વસુલાત વિના નહીં જ મળે એમ સહુ માનતા હતા. એ વસુલાતની તક એમને સાંપડી રહી. સરહદ પ્રદેશમાંથી આવતી અને બાલોકી હેડ ભણી આગળ વધતી હિજરતીઓની વણજાર નજીકમાંથી પસાર થવાની છે એ સમાચાર મળતાં સહુ શસ્ત્રસજજડ થઈ ગયા. હિજરતી પોઠીઓ ઉપર છાપો મારીને જે ગુમાવ્યું હતું એ જ લૂંટી આવ્યા. જાનને જોખમે મુન્નિખાને કરેલી એ લૂંટની ‘પ્રાપ્તિ’ આજે હાથમાંથી ચાલી ગઈ!... ... ... અને એ ઘટના માટે રશીદાનું આગમન જ જવાબદાર હતું! મુન્નિની આંખમાં ખુન્નસ ઊભરાયું. રશીદા દિગ્મૂઢ હતી. ખાવિંદની આંખમાં ખુન્નસ જોઈને એનું હૃદય રડી ઊઠ્યું, પણ આંખ તો કોરીધાકોર હતી. હુમલાખોરોના હાથમાં ગયા પછી રડી રડીને એણે આંખનું અશ્રુજલ જાણે કે ખુટાડી દીધું હતું. હવે ખાવિંદના ચરણકમલ પર પાડવા માટે એક પણ અશ્રુબિંદુ એ આંસુલૂખી આંખમાં રહ્યું નહોતું. આખી રાત રશીદા તકદીરના આ નિષ્ઠુર લેખન ઉપર વિચાર કરતી બેઠી રહી. પુનરાગમન વેળાનાં એનાં સઘળાં સ્વપ્નો, મનસૂબા અને મનોરથો ભાંગીને ભૂકો થઈ ગયાં હતાં. એકેકથી ચડિયાતા આ ગમખ્વાર બનાવોની પરંપરાએ એની જીભ થીજી ગઈ હતી, પણ હૃદય જાણે કે એ મૌનનું સાટું વાળવા સહસ્ર હીબકે હીબકતું હતું. એથીય વધારે સંતપ્ત મુન્નિની મનોદશા હતી. રશીદાને ગુમાવ્યાના જખમ પર એણે વેરની વસૂલાત વડે જાણે કે મલમપટ્ટો બાંધ્યો હતો. આજે રશીદાના આગમને એ મલમપટ્ટો ઉખેડી લીધો હતો; હાથ આવેલો શિકાર ચાલ્યો ગયો હતો! અવાક રશીદાની શૂન્ય આંખો જાણે કે એ વહેતા જખમ પર નિમક છાંટી રહી હતી. અનેકાનેક આપત્તિઓની પરંપરાને પરિણામે આળું બનેલું મુન્નિનું હૃદય રશીદાની આંસુલૂખી આંખોને જીરવી ન શક્યું. એક ભયંકર વિચાર સાથે એ ઊભો થયો. ખાવિંદની ખુન્નસભરી આંખો પોતાની નજીક આવતાં રશીદા થરથરી ઊઠી. ગળાના હૈડિયા આસપાસ મજબૂત હાથની ભીંસ ભિડાતાં એણે બોલવા પ્રયત્ન કર્યો: ‘આમાં મારો કાંઈ વાંક નથી.’ પણ શબ્દો ગળામાં જ સમાઈ રહ્યા. કશી કબૂલાત, કશી ક્ષમાયાચના કે દયાની માગણી ઉચ્ચારાય એ પહેલાં તો મુન્નિની આંગળીઓની પકડમાં એ કોમળ ગળચી પિસાઈ ચૂકી હતી! ‘કાફર કી બચ્ચી!’ આંખમાં આવેલું સઘળું ખુન્નસ વરસાવતાં મુન્નિ બોલ્યો. નિશ્ચેષ્ટ બનીને ઢળી પડેલી રશીદાની આંસુલૂખી આંખ હજી પણ કહેતી હતી: ‘આમાં મારો વાંક નથી.’ મુન્નિની આંખમાંથી ઓસરી ગયેલા ખુન્નસનું સ્થાન હવે અખૂટ અશ્રુપ્રવાહે લીધું હતું.