કવિશ્રી રાજેશ પંડ્યાની કવિતા/ર૯. જળકમળ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
જળકમળ

જળકમળ ભૂલી જાને, બાળા; જળવમળ વમળાય છે,
આભથી પાતાળ લગ, બસ, વિષ જ વિષ છલકાય છે.

કહેને બાળક, તું જલમ ધરીને કેમ અહીંયાં આવિયો
નિશ્ચે તારો કાળ જ ખૂટ્યો, કોણ ભેરુએ દુભાવિયો.

નથી ભેરુનો દુભાવિયો હું, નથી વેરીનો સંતાપિયો
ગંગાજમુનાજળને ઝીલવાં પ્રથમી પર હું આવિયો.

રૂપે રૂડા, રંગે પૂરા, દીસંતા ઘાટ કોડામણા
એક એક પે અદકા ઓપતા હશે સુંદિર સોહામણા.

એમ માનીને કર્યા’તા કાંઠે કાંઠે ઉતારા આપણા
પણ અહીં તો આંખે ચડિયાં ચિત્ર કંઈ અળખામણાં.

પાણી પીવાને મિષે જે જીવજંત સઘળાં આવતાં
પાણી પીતાવેંત આકરો ઉધમ કાંઠે મચાવતાં.

મધવ્હેણનાયે મત્સ્ય ત્રફડે ઘૂમરીએ ડૂબી જતાં
ગ્રાહને ગળી જાય એવાં જળ ઊંડાણે ઊછળતાં.

સૂંઢ ફેરવતાંક ચહુદિશ ગગન ગરજે વાદળાં
કાળાં પાણી ખેતરે ને વાડીએ વરસાવતાં.

ચોખ્ખાં પાણીની વાટમાં સૌ પંખીઓ ચાતક થયાં
છીપલાં ખાલી પડ્યાં ને મોતીનાં શમણાં ગયાં.

ક્યાં હશે એવું ઠેકાણું જ્યાં સાચકલું જળ મળે
જ્યાં તરસ છીપે અને જ્યાં ના હવે મૃગજળ છળે.

છે એક એવું સ્થળ જહીં જળના ભર્યા ભંડાર છે,
આંખની સામે છલોછલ જળ અંજળ ચિક્કાર છે.

એ સરોવરનો અમારો સ્વામી બહુ બળવંત રે
ને તમે નાદાન બાળક, મૂકો પાણીનો તંત રે.

પાણીને પીશો તે પહેલાં એ વિષમ પ્રશ્નો પૂછશે
એક્કેક ઉત્તરે આંખનાં પાણી તમારાં ખૂટશે.

પાણી તો સાવ સરળ છે જે ખોબામાંહી ઝિલાય રે
પણ જવાબ અઘરા છે એવા કે કંઠથી જીવ જાય રે.

એ કેવું કે પાણી જેવું પાછી પૂછીને પિવાય?
એવી આ દુનિયામાં ભોળાં બાળુડાંથી શેં જિવાય?

[સ્મરણ : ‘જળકમળ છાંડી જાને બાળા...’ અર્પણ : નરસિંહ મહેતાથી લઈને આજ સુધીના પૃથ્વીની ચિંતા કરનાર સૌ વૈષ્ણવજનને. આવતીકાલે, ભોળાં બાળુડાંના વવાના અધિકાર માટે લડનાર ગ્રેટા થનબર્ગ સહિત]