કાળચક્ર/મુર્દામાં પ્રાણસંચાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
મુર્દામાં પ્રાણસંચાર


સરપની હકીકત પર આ રીતે ધૂળ વાળીને પાંચેય ગૃહસ્થ છેવટે ઊઠી ગયા, પણ હેમાણીના પેટમાં અળશિયાંની જેમ એ વાત સળવળતી રહી. એમના હોઠ ફફડ્યા વગર રહી ન શક્યા. ઠેરઠેર એણે આ ઘટના વર્ણવીને ‘સરપ કેવો સસડ્યો હશે!’ એ કલ્પનાનું કરુણ ચિત્ર દોર્યું, અને મા’જનની પત ગયાનું કલ્પાંત કર્યું. એક દુકાને બેઠેલા બે-ત્રણ જણના પગ પર ને ખભા પર થપાટો લગાવતે લગાવતે એણે કહેવા માંડ્યું “ઈ જમાનો ક્યાં, ને ક્યાં આ જમાનો! વીસ વરસમાં તો મા’જને દીવાળું કાઢ્યું! તે દી તો ફૂલા શેઠનો હાકોટો હતો. પેશાબ છૂટી જાય પેશાબ! ઊભા મોલમાં ધણખૂંટ ચરતા તે દી પણ ખેડુ લાકડી તો મારી જુએ! ચામડાં ચીરી નાખે ફૂલો શેઠ. તે દી તો, ભૈલા પાસેના એક જુવાનને સાથળ પર હથેળી મારીને) તાજિયા ફૂલો શેઠ નક્કી કરે ઈ ટેમે નીકળે ને ટાઢા થાય એ દી તો, દીકરા મારા! ગલૂડિયાનો પગ કચરાતો જો ગામની બજારમાં, તો પચીસ દુકાનદાર ઠેકડો મારીને હાટેથી ઊતરતા. ગાડાખેડુને ટાંટિયે ઝાલીને નીચે નાખતા! ઓલ્યો ભલે ને પાઘડું ઉતારે, ભલે ને બળદનો વાંક કાઢે, પણ પ્રથમ તો ઢીંકે-પાટુએ ખોખરો કરતા ને પછી બે મણ જાર ચબૂતરે નખાવતા. આ ઈ જમાનો હતો, મારા બાપ!” કહીને વળી પાછું થપાટનું પૂર્ણવિરામ એક ત્રીજા સાંભળનારની છાતી પર મૂક્યું.

“હવે એ જમાનો ન કહેવાય, હેમાણી ફૂવા!” નવા જ કટનું જવાહર જાકીટ જીવનમાં પહેલી જ વાર (કારણ કે એના બાપાનું મરણ થયું હતું) સિવડાવીને પહેરી આવેલા જુવાને ફૂવાને ઉશ્કેરવા માટે જ જાણે કહેતો હોય એમ કહ્યું “ફૂલા શેઠ જો આજ હોત ને, ફૂવા, તો એનેય સમસમીને બેસી રહેવું પડત! ઠીક હવે, તે દી નાનામોટા અમલદારોને હારતોરા પે’રાવીને તમે મા’જનને પૈસે કે અપાસરા-દેરાસરને ખરચે-જોખમે વારપરબે અમલદારોને મીઠાઈના ખૂમચા મોકલીને ચલાવ્યું હતું, મારા ભાઈ!” “લે હવે, રાખ રાખ, ગગા!” હેમાણીને પણ ભૂવાને ઓતાર આવે એમ ચાનક ચડી “મીઠાઈયે દેવી પડે ને અનાજની ગૂણોયે મોકલવી પડે. કારભાર ચલાવવા’તા, છોકરીની રમત નો’તી કરવી. હાકેમોને હાથમાં રાખવા જોવે, ગગા!” એમ કહીને વળી પાછો એ જુવાનનો વાંસો થાબડ્યો. અને બીજો એક જણ આ વાર્તાલાપમાં નહોતો તેને પણ હડબડાવીને પૂછ્યું “ખોટું કહું છું, મફતલાલ?” મફતલાલ આગલા દિવસનું વાસી છાપું, એ દુકાનેથી જડી ગયું તેનું વાચન કરતા હતા. એની આંખો, વિશ્વયુદ્ધમાં ઊતરેલા જાપાનના એક પછી એક પરાક્રમને પકડતી હતી, અને એને ઓચિંતાનો આ હેમાણી શેઠનો હડદોલો વાગતાં એ બોલી ઊઠ્યા “લ્યો, મારા શેઠ, રંગૂનને માથે વાવટો ચડી ગ્યો.” “કોનો?” “ચીબલાઓનો.” “એનું શું છે અટાણે?” “રૂનો સંઘરો તો રાખી મેલ્યો છે, ને પાછા અજાણ્યા થાઓ છો?” “રાખ્યો છે તેં ને મેં બેઈએ. પોક મૂકીએ બેય ભેળા.” “શા સારુ પણ?” “કોણ કાકો પૂંભડાનેય સૂંઘશે જાપાન વગર?” “પણ ઇ જ સૂંઘશે ને?” “શી રીતે? સુલેહ થાય એવું લાગે છે?” “સુલેહની શી જરૂર છે?” મફતલાલે, પોતે કશુંક અત્યંત ડહાપણભર્યું બોલે છે એવું પોતાને લાગે ત્યારે આંખ ઉલાળવાની ટેવ પ્રમાણે, આ બોલતી વેળા ભમ્મર ભાંગ્યાં. “એટલે?” “સમજે તો તો હેમાણી શેના? અરે કાકા!” કાન પાસે હોઠ લાવીને) “કલકત્તા, સિલોન ને મુંબઈ, ત્રણ લેતાં હવે શી વાર છે ઈ ઠિંગુજીને? અસ્તરો કાંઈ જેવોતેવો હાલે છે ટોજાનો? જાપાનને યુદ્ધમાં ઉતારનાર વડા પ્રધાનનું નામ ‘ટોજો’, એ શબ્દનો અર્થ અસ્તરો થાય છે) ઇ ત્રણ છેડા પકડ્યા પછી રૂની એકેય ગાંઠ મેલશે જાપાન? મોંમાગ્યાં મૂલે ઉપાડશે માગનારો ભૂલે! ને આપણું બંદર તો પે’લું પડ્યું જાણજો. એટલા સારુ તો રાજધાની ફેરવવાની વાત થાય છે.” “તો તો તારા મોઢામાં સાકર, હો ભૈલા મફા! મારો તો જીવ એંહ આમ હાથનાં પાંચેય આંગળાં એકત્ર કરી ઉઘાડબીડ કરતાં કરતાં) લબલબ થાય છે. જાપાન તો લડાઈમાં બ્રહ્માંડ ફર્યેય નહીં પડે એવી આશાએ ગજા-ઉપરવટ ગાંસડિયું ખડકી છે, ભૈલા!” “કાલા શીદ થાવ છો, કાકા?” મફતે હેમાણીને ડેબામાં આંગળી ઘોંચીને કહ્યું “ત્રિલોકચંદ્રજી જેવા મા’રાજને સાધ્યા છે તે ઢાંક્યું રે છે શું કોઈનું?” “બોલ મા, બોલ મા, મફા!” “ખાવ મારી કાકીના સમ!” “પત્યું. તને સાચે જ લાગે છે?” “શું?” “કે ચીબલા ઊતરશે?” “પૂછો લઘરચંદના દીકરાને. કલકત્તેથી ભાગી આવ્યો છે.” “શું કહે છે?” “કે સરકારે બંગાળ, આસામ બેઈ ખાલી કરવા માંડ્યાં છે. ઠેઠ બિહાર આવીને બેસશે. વચ્ચે કોઈ મોરચો જ નહીં; તાતાનગરને તો ફૂંકી દેવાની જ વાત નક્કી કરી છે.” “ને ગાંધી બાપો?” “ઈ એની ગતમાં જ રમતા હશે. વાંદરો ઠેક ભૂલે નહીં.” “પણ મગનું નામ તો પાડ!” “સુભાષબાબુને બહાર રવાના કરી દીધા છે તે શું સમજ્યા વગર?” “કોણે, મહાત્માએ?” “બીજાની મગદૂર છે? બંગલામાંથી એક ફૂંક ભેળા અલોપ કર્યા!” “ક્યાં?” “જર્મન જાપાન પાસે. એ ત્યાંથી ત્રાગડો રચશે, ને આ આંહ્યથી.” “હળવે બોલ્ય, હળવે!” “અરે, છાપરે ચડીને બોલીએ તોય આંહ્ય કોણ બાપ પૂછે છે? સરકાર તો હાલકલોલ છે! ઈ બેટડું હવે હેમખેમ રહેવાનું નથી.” “અંગ્રેજ શે’નશાહ તો ભાગી ગયો ને?” “હા, ઈ તો વે’લું આવે અમેરિકા!” “એના નામના રેડિયામાં ભાષણ કરાવે છે ઇ તો બનાવટ ને?” “નરાતાર.” “ત્યારે હવે સરકારી નાણાંનું શું?” “કાગળિયાના ઢગલા! ડોઈડોઈને પીઓ!” “મારી પણ ભૂલ થઈ છે કાંઈ! કેટલી જમીન હાથથી ગઈ! કેટલાં સોનાં! કેટલાં બિયાં! ધ્યાન જ ન રહ્યું. તારે ગળે હાથ!” કહેતેકને હેમાણીકાકાએ મફતલાલની ગરદન પર છૂરીની માફક પોતાના પંજાની ધાર ફેરવી. આ એક જ દુકાને નહીં, પણ પ્રત્યેક હાટડે, ચૌટે, મંદિરે, મારકીટે ઠેકાણે ઠેકાણે કાલીઘેલી, અલગારી અને નખશિખ ક્ષુદ્ર સ્વાર્થની વાતચીતોથી ગામ ભરપૂર હતું. બધાં ગામોની એ જ દશા હતી. લોકોની આંખો પાંચના આંકડા તરફ ધીમેધીમે પગલે ડચકાં ખાતાં ચાલ્યા જતા ઘડિયાળ-કાંટા તરફ મંડાઈ રહેતી. કેટલાયે કાન સ્ટેશનની દિશામાં તાર સાંધીને એકધ્યાન બન્યા હતા. મુંબઈની મેલગાડીને આવવાનો વખત થાય, ત્યારે બંધાણીને કસુંબાને ટાણે થાય તેમ ગામની નાડીઓ તૂટું તૂટું થતી હતી. રાંકાં અન્નક્ષેત્ર તરફ દોડે તેમ માણસો સ્ટેશન ભણી ચાલી નીકળતા. ભાડૂતી ઘોડાગાડીઓ ત્રણ-ત્રણ ફેરા કરતી. અને મુડદાલ ઘોડા વગરજીવે ફક્ત આદતના માર્યા જ દોડ્યા જતા. ઘોડા પટકાઈ પડીને જાન કાઢી નહોતા નાખતા એ જ એક આશ્ચર્ય હતું. પાંચ પૅસેન્જરને ખેંચતી ગાડી પર, આ કે તે ગલીએથી, નાકેથી એકાએક પોલીસવાળો કે કારકુન ચડી બેસતો. સર્વ માનવપ્રવાહો केशवं प्रति અર્થાત્ स्टेशनं प्रति જતા હતા. કારણ કે જીવન જેવું જો આ ગામમાં ક્યાંયે હતું તો તે સ્ટેશન પર, ટ્રેનો આવતી વખતના અરધા કલાકમાં, હતું. મફતલાલ અને હેમાણીકાકા પણ સ્ટેશન તરફ આવ્યા. અળશિયાંના ટુકડા થાય અને એ છૂટા પડેલા ટુકડા પણ જેમ ચાલવા લાગે, તે રીતે સ્ટેશન પર આવેલી બે-ત્રણ ટ્રેનોના પણ ટુકડા પડીને શન્ટિંગ એન્જિનોની પાછળ આમતેમ દોડ્યા જતા હતા. જે ગામમાં જીવન ચોદિશેથી બંધિયાર હતું તે ગામના રહીશોને આ ટ્રેનોની તોડજોડ, એન્જિનના ફૂંફાડા, ઉતારુઓના ઘોંઘાટ, છાપાવાળાના બુમાટા અને સાસરવાસીમાં જતી સ્ત્રીઓનાં રુદન પણ ચેતનપ્રદ અને સ્ફૂર્તિપોષક હતાં. એમાં સૌથી અધિક પ્રાણતત્ત્વ તો સ્ટેશનમાસ્તરની કચેરી પાસે પ્રકટ્યું હતું. જનપ્રવાહ ત્યાં ધસી પડ્યો હતો. ચાની કીટલીવાળા પણ ત્યાં થંભી રહ્યા. બે-ત્રણ ગાર્ડ, ચાર-પાંચ ટિકિટચેકર, પોલીસો, વાણિયા, ઘોડીની મદદે ખોડંગતા ચાલતા ગામના વૈદ્યરાજ, બે-પાંચ વકીલ વગેરેનાં છાંટણાંથી વિચિત્ર બનેલા એ ટોળામાં બે માથાંની ટોચ નીકળી હતી. મફતલાલ અને હેમાણીકાકા જ્યારે એ ગીચ ઘાટા માનવ-કૂંડાળામાં કોણીઓ ભરાવી ભરાવી માર્ગ કરી આગળ પહોંચ્યા, ત્યારે એમણે જોયું કે બેમાંથી એક હતા ભાનુશંકર ટી.ટી.ઈ. (ટ્રાવેલિંગ ટિકિટ એક્ઝામિનર, અર્થાત્ ટ્રેનમાં મુસાફરોની ટિકિટ તપાસનાર) અને સામે હતો એક કદાવર જુવાન, જેણે એક ખાખી ગરમ શર્ટ, લાંબું પાટલૂન, હોલબૂટ, માથા પર ખાખી ટોપી વગેરેનો બનેલો લશ્કરી લેબાસ પહેરેલ હતો. એની છાતીએ બે-ત્રણ રંગોની મિશ્ર કંઈક ફીતપટ્ટી અને ખભે કશાક અક્ષરોવાળું પિત્તળનું ચગદું પહેરેલું હતું. એની નાની નાની કાળી મૂછોના આંકડા છટાથી વળેલા હતા. “પાંચ રૂપિયા, સાત આના ને ત્રણ પૈસા તમારે કાઢી નાખવા જ પડશે. ભલે તમે શહેનશાહ એડવર્ડ હો.” એમ કહેતા ટી.ટી.ઈ. ભાનુશંકર એને ખભે હાથ મૂકતા હતા. “દૂરસે બાત કરો.. અમ ચોરડાકુ નથી. આ દેખો અમારા પાસ. અમ મિલેટરી હે. લખી લ્યો અમારા કોન્ટોનમેન્ટ કમાન્ડિંગકા નામ, ઓર ઉસકો તાર કરીને પુછાવો કે ફલાણા ફલાણા નંબરનો…” “એ વાત તમે અમારા રેલવેના ઉપરીને લખી જણાવજો, ભાઈ! બાકી પૈસા તો કાઢી જ દ્યો. રસીદ ખાસી મજાની કરી આપું છું.” ભાનુશંકરના હાથમાં પાવતીબુક હતી, અને એનું કોરું પાનું એણે સૌ દેખે એમ ખુલ્લું રાખ્યું હતું. “અમ મિલેટરીના માણસ.” પેલો કદાવર આદમી મોટી શરાફી પેઢીના પ્રતિનિધિની અદાથી, ભાનુશંકરના જેટલી જ ખામોશ રાખીને શાંત જવાબ વાળતો હતો “અમને રેલવાઈમાં કુલ હોલ ઇન્ડિયામેં ફરવાની છૂટ છે. દેખ લ્યો આ પાસ.” “એમાં એવું કાંઈ નથી.” “તો પુછાવો તાર કરીને, હું મારી રેજમેન (રેજિમેન્ટ)નું ઠેકાણું આપું છું. નાશકદેવલાલી ફૉર્ટી ફાઇફ મદરાસી રેજમેન, ઉસ્કા કમાનિંગસા’બ હે બુચરસા’બ.” “બુચર જ છો ને બધાય! એ વિના આ ખાટકીવેડા…” ભાનુશંકરે બુચરનો અર્થ કરતાં બધા હસી પડ્યા. “ઠીક પણ હવે તો જે કહેવું હોય તે સ્ટેશનમાસ્તર સાહેબને કહો.” સ્ટેશનમાસ્તર આ તબક્કે વચ્ચે રજૂ થયા. એમણે એકડે એકથી પૂછ્યું “શું છે?” ભાનુશંકરે કહ્યું “ઠેઠ જેતલસર જંકશનથી મેં આ ગૃહસ્થને ડિટેક્ટ કર્યા છે. કહે છે કે આવું છું જામનગરથી, ને જાવું છે નાશક. પૂછ્યું કે તમારો પાસ તો વઢવાણ જંકશન પર થઇને જવાનો છે. તો કહે છે કે મારે આ જેતલસર-ધોળા રસ્તે જવાની મરજી છે. મેં કહ્યું કે એ ન ચાલે. એક્સેસ ચાર્જ કર્યો, તો કહે છે કે ન દઉં, મિલિટરી છઉં.” “બેશક છઉં!” પેલાએ મૂછ આમળી. “પણ તમારા જેવા તો, બાપલા! મારે પનારે રોજના પંદર-વીસ પડે છે. ઈ બધાય તમારા જેવા જ મિલેટરી, ને બધાય વિધાઉટ ટિકિટ પૂછીએ તો બધાય કે’શે કે તાર કરો ફલાણી ફલાણી રેજિમેન્ટ પર.” ભાનુશંકરને એ બધું બોલવામાં દૂધપાકના સબડકા ભરવા જેટલો સ્વાદ આવતો હતો. “તમે ક્યાંના છો, ભાઈ?” સ્ટેશનમાસ્તરના એ પ્રશ્નના જવાબમાં મિલિટરીવાળાએ કોઈ એક ગામડાનું નામ આપ્યું. “કેવા છો જાતે?” “સીપર.” “ઇ વળી શી જાત?” “દેખ લો આ પાસબુક.” સ્ટેશનમાસ્તરે વાંચીને કહ્યું “અરે, સ્વીપર! ઓ મારા દાદા! ત્યારે એમ કહે ને કે ઢેઢો ભંગિયો છું!” “એસી બાત મત કરો. મેં સીપર હૂં. ઉસમેં લિખ્યા હે.” “અરે ઢેઢો! ઢેઢો આ તો!” એ શબ્દો ઉચ્ચારીને સ્ટેશનમાસ્તરે આખા ટોળાને હસાવ્યું. એ હાસ્યના ખખડાટ સામે આ લશ્કરી માણસ ચોમેર રાતી આંખે જોઈ રહ્યો. “ક્યાં જવું છે?” “આંહ્ય જ.” “ક્યાં ભંગીવાસમાં કે ઢેઢવાડે ચમારવાડે?” “ભંગીવાસમેં.” “જવા દે ને હવે, ભાનુ!” સ્ટેશનમાસ્તરે ભંગી સમજીને માણસ થૂંકતો હોય એવો ભાવ પ્રદર્શિત કર્યો. “આપ કે’તા હો તો ભલે; બાકી રોજના આવા પંદર ભેટે છે, સાહેબ!” “મૂઆ! જા, ભાઈ જા, ને હવે પછી ગાડીમાં ટિકિટ લઈને ચડજે, હો ભા!” “ના, તેનું કાંઈ નૈં. બાકી તુમ તાર કરકે પુછાવના, હમારા સા’બ ચારચ (ચાર્જ પૈસા) ભર દેગા, ફિકર મત કરના. અમ હાલીમવાલી નેઈ. અમ પાકા મિલેટરી, હાં! હસનેકી બાત નેઈ. અમ હોલ દુનિયા દેખી હે. ફરાન્સ, મિસર, પેલેસ્ટૈન, ઇરાક, બર્મા, મલાયા, સિંગાપુર સબ ઘૂમ્યા, પણ બેટીતલાક ઇસ દેશ તો કોઈ નવાઈકા હૈ. ઢેઢા ઢેઢા કરતે હૈ, ભંગી ભંગી કરતે હૈ, થૂથૂ સિવાય દૂસરી બાત નેઈ.” એવા એના બોલ પર ટોળું ખીખી કરતું કરતું વીખરાયું, અને એ આદમી, કેમ જાણે એની લશ્કરી છાવણીમાં પરેડ કરતી વેળા કદમો ભરતો હોય, તેવી અદાથી એ સ્ટેશનના પ્લૅટફૉર્મ પર પણ ચાલવા લાગ્યો. એની ચાલ તાલબંધ અને ગૌરવભરી હતી. સીનો સ્વાભાવિકપણે ટટ્ટાર હતો. હૈયેહૈયું દળાય તેટલી ગિરદીની વચ્ચેથી એ વગર અફળાયે, વગર અડફેટે, નિરર્થક કશી તકેદારી કે ગૂંચવણ-ગભરામણ વગર ચાલતો હતો. વળી તેણે સિગારેટ સળગાવીને પીવા માંડી, એ જોઈને તો ટી.ટી.ઈ. ભાનુશંકર, બગલઘોડી પર ખોડંગતા વૈદ્યરાજ, મફો ઉર્ફે મફતલાલ તથા હેમાણીકાકા ઉપરાંત બીજા કેટલાક ચાર-ચાર આંખો કરી તાકી રહ્યા. “રુઆબ જોયો, રુઆબ ઢેઢાનો! ચાર્જ કર્યા વગર છોડવા જ ન જોવે ને દીકરાઓને!” એ શબ્દો ટી.ટી.ઈ. ભાનુશંકરના હતા. “આ લડાઈ તો કાળા કોપની થઈ! ઢેઢાભંગિયાની ખોપરિયું પણ ફાટી!” વૈદ્યરાજે કહ્યું. “ધીરા, બાપલા, ધીરા!” મફો કહેવા લાગ્યો “ઓલી કોરથી હિટલર અને આ કોરથી ટોજો, બેયને ભગવાને આ હિસાબ ચોખો કરવા જ ઊભા કર્યા છે.” આવી આવી બહુવિધ રીતે નવો પ્રાણસંચાર અનુભવીને ગામલોકો પાછા ગામ ભણી ચાલ્યા ગયા. એકાદ કલાકનો જલસો માણીને પછી સ્ટેશન રોજના ભૂખડી બારશ શન્ટિંગ એન્જિનની તુંડમિજાજી દોડધામથી શરમાતું સૂનકાર પડ્યું. મુરદાં પર એકઠાં મળેલાં ગીધડાંની યાદ દેતા કેટલાક લોકો ગોદામ પાસેના ધક્કા પર માલગાડીના ડબામાંથી નીકળતા સામાન પાસે ઊભા હતા. બે-ત્રણ સાંધાવાળા લઘરવઘર ડગલાની ફડશો ઊંચી કરી ટોલા (જૂ) ચૂંટતા હતા… એવી સાંજે પેલો મિલિટરી સ્વીપર, પાંચ-સાત ભંગી લોકોના ટોળાની મોખરે કાસમ ઘાંચીની વાડીએ ગયો. રમજાન ત્યાં ખાટલે બેઠો બેઠો, ઢોર વાગોળે એમ મોટું પાનબીડું બેઉ ગલોફાંની વચ્ચે ફેરવતો ફેરવતો ચાવતો બેઠો હતો. બીજા ભંગી લોકોએ ‘અન્નદાતા! બાપ્પા સા’બ! ખુદાવંદ!’ એવું બોલી ધરતી સુધી ઝૂકી સલામો કરી. પેલા પરોણાએ તો સ્વાભાવિક અદાથી ટટ્ટાર સીનો સાચવીને જ હાથ થોડો કપાળ ભણી ઊંચો કર્યો. “કેમ?” રમજાને પૂછ્યું. મિલિટરી સ્વીપરે કહ્યું “તમે કાસમભાઈના દીકરા?” “હા, કોનું કામ છે?” “તમારી બે’ન હૂરબાઈ ને?” “હા.” “મારે એમનું કામ છે.”